‘મૅન ઈઝ અલોન ઈન ધ યુનિવર્સ!’
શ્રી ઝીણાભાઈ દેસાઈને ઘણાં અંગ્રેજી અવતરણો યાદ હોય છે. એમનું અંગ્રેજી સારું છે. આ અભિપ્રાય સાથે એ પણ સંમત થાત. અંગ્રેજીનોવિરોધ અંગ્રેજીમાં કરવાની આવડત એમણે કેળવી હતી. તેથી ઉપર નોંધેલું વાક્ય તો એમના માટે સાવ સાદું કહેવાય. એનો અર્થ એઆપણને સમજાવી શકે:
‘માણસ વિશ્વમાં એકાકી છે.’
પરંતુ ઝીણાભાઈ એકલા રહી શકતા નહીં. લોકોનો એમના પર ભારે ઉપકાર છે કે એમને મળવા એકધારા આવ્યા કરે છે. એમના ભૂતપૂર્વવિદ્યાર્થી, એમના પુત્રો કે છેવટે પોતાની પૌત્રીઓથી એ વીંટળાયેલા રહે છે. કેટલાક આધુનિક લેખકો ભીડમાં એકલા હોવાની ફરિયાદ કરેછે. ઝીણાભાઈને ભીડ ગમે છે. ક્યારેક એમના ઓરડામાં એમને પોતાને પણ બેસવાની અગવડ પડે એટલી ભીડ હોય છે અને ઝીણાભાઈનેસામાન્ય રીતે જરા ફેલાઈને બેસવાની ટેવ છે. એક બાજુ એમની કવિતાની નોંધપોથીઓ પડી હોય. ઝીણાભાઈ એકસાથે બેત્રણ નોટોમાંકવિતાઓ લખતા. ક્યારેક એક કવિતાની બબ્બે નકલો રાખતા. જેથી એમના રોકાણ દરમિયાન મળવા આવેલાઓનો વખત ન બગડે. કેમકે ઘણીવાર ઝીણાભાઈ તાકીદના શૈક્ષણિક પ્રશ્નોમાં ગૂંથાયેલા હોય. ક્યારેક એ પોતે પણ પ્રશ્નો ઊભા કરતા એટલે કે એમને પ્રશ્નો થતા અનેમળવા આવેલાઓને એ અંગે વિચારવા પ્રેરતા. જોકે ઘણા લોકો વિચારવાને બદલે મૂંઝાઈને બેસી રહેતા. શાંતિથી સાંભળ્યા કરતા. એમનેશ્રદ્ધા હોય કે ઝીણાભાઈ ગમે તે ક્ષણે અટકશે અને શિક્ષણના પ્રશ્નો છોડી સાહિત્યમાં રસ લેવા માંડશે. એટલે કે કવિતા વાંચવાનું શરૂકરશે. ક્યારેક ઝીણાભાઈ ગાય છે પણ ખરા. શ્રોતાઓના પ્રમાણમાં એમનો ઉત્સાહ વધતો હોય છે. પરિષદના અમૃતપર્વમાં પાંચસોશ્રોતાઓ સમક્ષ એમણે ગાયું હતું, ઉમાશંકરની અડોઅડ બેસીને. પછી સંગીતકારો ગાવાના હતા જ. દાખલો બેસાડવા ઝીણાભાઈએ ગાયુંહશે.
આવો કોઈ કાર્યક્રમ ન હોય, કોઈ મળવા આવ્યું ન હોય, ચા–નાસ્તો કે ભોજનનો સમય થયો ન હોય તો એ આંગણા બાજુ નજર કરતા. કોઈ નથી આવતું એ જોઈને એમને એકલતા સાલે અને એ ટેલિફોન તરફ સરકે. જે લેખકનો નંબર પહેલો યાદ આવે એને જોડે. સામાન્યરીતે એમના હાથે રોંગ નંબર જોડાતા નથી, કેમ કે ટેલિફોન ક્યાંક તો જોડાય છે જ અને ઉપાડનાર એમને ઓળખતું ન હોય એવું બનતું જનહીં. એટલું જ નહિ, એ જાણે પણ છે કે કશાય કારણ વિના માત્ર સ્નેહથી પ્રેરાઈને ઝીણાદાદા આ રીતે યાદ કરે. એ સ્નેહ–રશ્મિ છે એનીપણ સહુને ખબર હોય.
બીજું કોઈ સામે આવીને બેસે નહીં ત્યાં સુધી ઝીણાભાઈ ટેલિફોન પર વાત ચાલુ રાખી શકતા. એમની વાત વ્યાખ્યાનનું સ્વરૂપ પણ ધારણકરી શકતા. ક્યારેક એમાં સ્વગત અંશો પણ આવી જાય. ફોનને સામે છેડેનો શ્રોતા સમજે કે આટલો ભાગ મારા માટે નહીં હોય. સમજી નશકે ને પૂછે તો ઝીણાભાઈનો અવાજ સહેજ મોટો થાય, સદ્ભાવ સતેજ થાય અને અગાઉ કહેલી વાત વધુ વિસ્તારથી કહે. ક્યારેકઆગલા દિવસે કહેલું ફરીથી કહે. એમ ધારીને કે એ તો બીજા કોઈને કહ્યું હશે. ઝીણાભાઈ શ્રોતા અને શ્રોતા વચ્ચે ભેદ કરતા નથી. એમને મન મુદ્દો જ મહત્ત્વનો હોય છે. મારા પિતાજી રામનામની માળા ફેરવ્યા જ કરતા. ક્યારેક તો અડધી રાતે પણ એ બેસીને માળાફેરવતા. ઝીણાભાઈ સ્વપ્નમાં પણ અવનવા મુદ્દા વિચારતા. પંચ્યાશીની વયે (જન્મ તા. 16-4-1903) પણ એ સ્વપ્નની દુનિયામાં જીવતા. એમનું મન આદર્શોમાં રમતું. એમ પણ કહી શકાય કે એમનું મન તે આદર્શોની લીલાભૂમિ. ‘આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:’ દરેકદિશાએથી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ. ઋગ્વેદની આ પ્રાર્થના અનાયાસ ફળી હતી. આ શુભ અને સુંદર વિચારો જરૂરકરતાં પણ વધુ આવતા. એકને અમલમાં મૂકે ત્યાં બીજો આવતા અને એ એમને વધુ સુંદર લાગે. તેથી એ કાર્યની અવેજીમાં કવિતા લખે. સાર્ત્ર ભલે માને કે કવિતાથી કશું વળ્યું નથી પણ ઝીણાભાઈએ આખું જીવન કવિતા લખી હતી.
આપણા વડીલ લેખકોમાં એવા બહુ ઓછા છે કે જેમાં પોતે વક્તા ન હોય એ સભામાં પણ જાય. ઝીણાભાઈ દરેક સભામાં જતા. જતાઅને છેવટ સુધી બેસતા. વચ્ચે ઊંઘી ગયા હોય તેથી બેસી રહે એવું નહીં. જાગવાનો સંકલ્પ તાજો કરતા કરતા બેસે. કોઈ સભામાં જવાનુંન હોય ને કોઈ વિદ્યાર્થી બોલાવે તો એને ત્યાં જાય. નિરાંતે બેસે. પ્રેમથી વાત કરે. આ અનુભવ હોવા છતાં એક દિવસ કંઈક વાત નીકળીને મોટી બેબી દૃષ્ટિ પૂછી બેઠી:
‘આપણને ઝીણાદાદા ઓળખે ખરા?’
‘આંખો ઉઘાડે તો ને!’ એની મમ્મીએ કહ્યું. મેં આ ઉદ્ગાર ઝીણાભાઈને પહોંચાડ્યો ને એ રાજી થયા. એમને ઘણાં વર્ષ પછી ખબર પડી કેબોલતાં બોલતાં એમની આંખો તન્મયતાને કારણે બિડાઈ જાય છે. હું ધારતો હતો કે ગાંધીયુગીન નમ્રતાથી એ પોપચાં ઢાળીને બોલે છે. માત્ર હસતી વખતે એ બરોબર ખીલી ઊઠે. એ આખા અસ્તિત્વથી હસે ત્યારે ખીલેલું કમળ લહેરાતું લાગે. એક દિવસ એ મારે ઘેર આવુંહસેલા. સંજયની જન્મતારીખ હતી. મેં વિનંતી કરી. પધાર્યા. જમ્યા પછી પારુને પૂછે: ‘રઘુવીરનાં પુસ્તકો વાંચો છો ને?’
‘શું કામ વાંચું? મારું બોલેલું તો એ લખે છે.’ — ઝીણાભાઈ ખુશ. વરદાન આપી બેસે એટલા ખુશ.
મેં એકવાર એમને ગુસ્સે પણ કરેલા. સાહિત્ય પરિષદના પ્રમુખ થયા ત્યારે એમણે અનેક શુભ અને સુંદર વિચારો વહેતા મૂકેલા. પિતાંબરભાઈ ખર્ચનો વિચાર કરીને અટકી જતા. મધ્યસ્થ સમિતિની બેઠક હતી. ઝીણાભાઈના શાસનનું બીજું વરસ હતું. કંઈકવાદપ્રતિવાદ થયો ને મેં અકળાઈને પૂછી નાખ્યું:
‘આ બે વરસમાં તમે શું કર્યું?’
ઝીણાભાઈ લાલચોળ. કેટકેટલા વિચારો કર્યા હતા! છતાં એક જવાન માણસ જાણીજોઈને બેઅદબી કરે? એમણે બંધારણીય જ્ઞાનનીમદદથી મારા પર હુમલો કર્યો — ઉગ્રતાથી સામી દલીલ કરી:
‘તમે મધ્યસ્થના સભ્ય છો, તમે શું કર્યું?’
‘કેમ, તમને સવાલ પૂછીએ છીએ એ ઓછું છે?’ — મેં કહ્યું અને એ હસ્યા. પ્રમુખ કે સભ્યો કોણ વધુ હસ્યું હતું એ યાદ નથી. આશુતોષસ્નેહરશ્મિ તત્ક્ષણ પ્રસન્ન! તમે ગમે તેટલું લડીને પણ એમને રીઝવી શકો. સુભાષ શાહે ‘મારા સમર્થ અનુગામી ચિ. ભાઈ ઝીણાને’ એવુંલખીને પોતાનો હાઈકુસંગ્રહ એમને અર્પણ કર્યો હતો અને ઝીણાભાઈના બધા જ શુભેચ્છકો એના પર ગુસ્સે હતા. તે સ્થિતિમાં પણસુભાષ એમની શુભેચ્છા લઈ આવ્યો હતો. તોફાની છોકરાઓને ચાહવા તો એમણે અવતાર લીધો હતો. સજા નહિ, સ્નેહ એ એમનોજીવનમંત્ર. આમાં નિષ્ફળ જવાના પ્રસંગે એ રડી પડે પણ માયા મૂકે નહીં.
કોઈ લેખક કે કલાકારને કશીક અગવડ આવી પડી હોય તો એ દુ:ખી થઈ જાય. ફટ દઈને ફોન કરે. જાતે જઈને ભલામણ કરી આવે. માણસ લેખક હોય એટલે એમને મન યોગ્ય, એને માટે ભલામણ કરવી એ ‘કરપ્શન’ કહેવાતું હોય તોપણ એ સો વાર કરે. આવું કરવામાંએમનો ઘણો વખત ગયો, નહીં તો એ ‘અંતરપટ’ જેવી લાંબી બીજી ઓછામાં ઓછી પાંચ નવલકથાઓ લખી શક્યા હોત. એમની દરેકભલામણ પાછળ એક એક પ્રકરણ લખવા જેટલી શક્તિ ખર્ચાય. ખબર હોય કે આમાં કશું વળે તેમ નથી છતાં એ પ્રયત્ન તો કરવાના જ. બદલામાં તમારે માત્ર એમની કવિતા સાંભળવાની.
એકવાર નવો કાવ્યસંગ્રહ કરવાનો હતો. મોટે ભાગે ‘અતીતની પાંખમાંથી’. અલગ અલગ સહૃદય શ્રોતાઓએ મળીને એમનાં બધાં જકાવ્યો પસંદ કર્યાં હતાં. કોઈએ આ પસંદ કર્યું તો કોઈકે પેલું. પાંચ જણને ન ગમેલું છઠ્ઠાને તો ગમ્યું જ હતું તેથી કુલ સંખ્યામાંથી એકેયઓછું કરવા એમને કારણ ન હતું અને મને ગમતાં કાવ્યોનો એમાં સમાવેશ હતો જ. મારે ફરિયાદ કરવાની રહેતી ન હતી. ત્યાં વળીસૂઝ્યું: ઝીણાભાઈ, આ સંગ્રહ પ્રગટ થાય પછી તમારી કવિતા જે વાંચવાના હતા એમને સહુને તો તમે સ્વમુખે સંભળાવી છે, કદાચ જેવાંચવાના ન હતા એમને પણ સંભળાવી છે. પ્રત્યાયનનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. કેમ કે કવિતા એ કાનની કળા છે. તો મુદ્રણ–પ્રકાશનનીકડાકૂટમાં પડવાની જરૂર ખરી? ઝીણાભાઈએ આ સૂચન હસી કાઢ્યું ન હતું. એમને તાત્ત્વિક વિરોધ હતો. કવિતા માત્ર વર્તમાન શ્રોતાઓમાટે જ નથી. ભવિષ્ય માટે પણ છે. કંઈ કૂવા પર પાણી પીને પાણિયારીઓ પાછી વળી જતી નથી. એ બેડાં ભરીને લઈ જાય છે. ભવિષ્યમાટે ‘પનઘટ’નું મહત્ત્વ ઝીણાભાઈ પહેલાંથી જાણે. કવિતાને અક્ષરમાં બાંધવી એટલે ભાવિને સૌંદર્યનો ‘અર્ધ્ય’ આપવો.
ભૂતકાળના જાણકાર તો એ હતા જ. એમણે લખેલાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો વર્ષો સુધી ચાલ્યાં છે. એવા કોઈ પ્રયોજન વિના પણ એમણેઇતિહાસ વાંચ્યો છે. દર્શકની નવલકથા ‘સોક્રેટીસ’માં સધાયેલા ઇતિહાસના વ્યુત્ક્રમ વિશે એમણે કેવો સુદીર્ઘ અભ્યાસપૂર્ણ લેખ લખ્યો છે! બસ, જે કામ હાથમાં લીધું એ લીધું. એની પાછળ પોતાની અને પોતાનાંની સઘળી શક્તિઓ કામે લગાડી દેવાના. એ પૂરું થાય ત્યારે એ જનહીં, સહુ સ્વજનો હાશ અનુભવે. એમનો બાળકાવ્યોનો સંગ્રહ ‘તરાપો’ છપાયો ત્યારે આખા ગામને સક્રિય કરવાનો ઉત્સાહ એમણેદાખવ્યો હતો. ઘેરથી એકલા નીકળીને લક્ષ્યસ્થાને સરઘસાકારે પહોંચવાનો એમનો સ્વભાવ છે. અગાઉ કહ્યું તેમ એમનાથી એકલતાજિરવાતી નહીં.
એમના જીવનની પ્રથમ સ્મૃતિ બીમાર મા સાથે લીમઝરથી ચીખલી જતાં ગાડામાં વાત કરવા મથતા ત્રણ વર્ષના બાળક તરીકેની છે:
‘રસ્તાની બંને બાજુએ ગીચ વનરાજી છે. ઊંચા ઢોળાવ ઉપરથી ઊતરતાં ને ચડતાં ગાડું ખાસ સાવધાનીથી હાંકવામાં આવે છે. લાલ બનૂસઓઢેલી સત્તર–અઢાર વરસની એક યુવતી ગાડામાં સૂતી છે અને તેને બોલાવવા મથતો બેત્રણ વરસનો તેનો બાળક તેના માથા નજીક બેઠોછે.’ (પૃ. 1, મારી દુનિયા)
બાઈબલમાં કહ્યું છે કે ઇશ્વરના દરબારમાં પ્રવેશવા તમારે ફરીથી બાળક બનવું પડે છે. ઝીણાભાઈમાં પેલા ત્રણ વરસના બાળકનીનિર્મળતા અને એકલતા ટકી રહેલી.
એ એકલા જમી શકતા નહીં. વિજયાબહેન સમાજસેવા કરે તેથી વહેલુંમોડું થાય. ક્યારેક આખો સમાજ વિજયાબહેન પાસે ન્યાય કરાવવાઆંગણે ભેગો થયો હોય. ઝીણાભાઈએ અમદાવાદમાં આવતાંની સાથે ગુલબાઈ ટેકરા વિશે કવિતા લખીને જે સ્નેહ દાખવ્યો એનેવિજયાબહેને પોતાનો જીવનધર્મ બનાવી લીધો. સંખ્યાતીત છારા સ્ત્રી–પુરુષો પોતાના ઝઘડાના ઉકેલ માટે ગમે ત્યારે આવી પહોંચે. આગદ્યાળુ કામ ઝીણાભાઈને બહુ ફાવે નહીં. કવિતા અને સમાજસેવા વચ્ચે અંતર આવી જાય. પછી બંને સમાન્તર ચાલે. જોકે વિજયાબહેનબહુ સારાં શિલ્પી છે. એમનાં રચેલાં શિલ્પો ઝીણાભાઈની નજર સામે શોભે છે. એ જોઈને પણ એ પોતાની એકલતા ઓછી કરી શકે.
જોકે ઝીણાભાઈની એકલતા એ દરિયાની એકલતા છે. આ જીવન એ અંધકારના દરિયા જેવું છે. એમાં સ્નેહભર્યું કવિહૃદય એ તેજનાતરાપા જેવું છે. એમણે આ વાત જરા જુદી રીતે કરી છે:
રાત અંધારી
તેજ — તરાપે તરે
નગરી નાની!
ઝીણાભાઈ વિશે ટૂંકમાં વાત કરવાની હોય તો હું એટલું જ કહું: કોઈ એમનાથી ડરતું નથી અને એ ઊંડે અંધારે માત્ર પોતાના જ સ્નેહનાપ્રતાપે આજ સુધી તર્યા છે, એકલા.
*
સિક્કાની બીજી બાજુ પણ જોવા જેવી છે.
ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ગુજરાતમાં ઝીણાદાદાના હુલામણા નામે ઓળખાતા. દાદા–દાદી બનેલ વ્યક્તિઓ એમને મળવા આવીહોય ત્યારે આ તો પ્રણામ કરવા આવેલા એમના વિદ્યાર્થી છે એ જાણીને અજાણ્યા માણસને નવાઈ લાગે. બીજી એટલી જ નવાઈની વાતછે પંચ્યાશીમે વર્ષે પણ એમના કાળા વાળ. અને તમે રૂબરૂ નહીં તોય ફોન પર એમની સાથે વાત કરી છે ખરી? એમના અવાજનો મધુરરણકો બરાબર ટક્યો છે. દાંત ગયા છે પણ ઉચ્ચારોમાં સ્વર–વ્યંજન ચોખ્ખા સંભળાય છે. ક્યારેક એ અવાજ ઘટાડીને સ્વગત બોલતાહોય એ રીતે વાત કરતા લાગે ખરા, પણ અટકી જતા નથી, વિષયાન્તર કરીને છટકી જતા નથી અને સાહિત્યશિક્ષણનો કોઈ કાર્યક્રમ નહોય તો એ સી. એન. વિદ્યાવિહારના નાભિબિન્દુ સમા એમના નિવાસે સુલભ હોય. જાઓ, મળો, ચા–પાણી કરો, જમો, વાતો કરો. ઝીણાદાદા બહુ બહુ તો ઊંઘી જશે, થાકશે નહીં, તમને નકારશે નહીં. ભારતના પૌરાણિક ચરિત્રોમાં એક ગણપતિદાદા છે અને બીજાઅમારા અમદાવાદના ઝીણાદાદા. એ અને એમની મૂષકસેના! મેં મોટેભાગે એમને બાળકોથી વીંટળાયેલા જોયા છે. બાળકો રમતાં હોય કેભણતાં હોય, ઘરનાં હોય કે ગામનાં હોય એથી વત્સલમૂર્તિ ઝીણાદાદા માટે કશો ફેર પડતો નથી. એ અવિચળભાવે એમનું લેખનકાર્યકરતા જાય. વ્યાસ લખાવતા, ગણેશ લખતા, બહુ ઝડપી લખતા. તેથી યુક્તિ તરીકે વ્યાસ એક અઘરો શ્લોક વચ્ચે બોલતા. શરત હતી, સમજણ વિના કશું લખવું નહીં. ઝીણાભાઈના વ્યાસ ગાંધી હતા. હિન્દના સર્વાંગી વિકાસને લગતા કેટલાક અઘરા પ્રશ્નો મૂકતા ગયેલા, તેથીલખવાનું પહોંચ્યું. એંશીની વયે પ્રગટ થતાં નવ પુસ્તકો એમની અવિરત સ્ફૂર્તિને આભારી હતું. બૌદ્ધિક સજાગતા એવી કે સાહિત્ય અનેશિક્ષણનાં કામો સમાન્તર ચલાવી શકે. એમનાં કેટલાંક હાઈકુ અને કાવ્યો સર્જનાત્મક ઉન્મેષ સૂચવે છે.
ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં 1921માં એ વિનીત થયા. 1926માં એ રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. ગુજરાતીવિષયમાં પ્રથમ વર્ગમાં પ્રથમ. પારિતોષિક મેળવવાની એમને નવાઈ નથી. આજથી છ દાયકા પહેલાં ભારતવર્ષીય વિદ્યાર્થી પારિતોષિકમળેલું. શિક્ષક તરીકે પણ એમને વ્યાપક પ્રતિષ્ઠા સાંપડી. પરિણામે ચંદ્રકાન્ત અંજારીઆ પારિતોષિક મળ્યું. દરમિયાન એમના દ્વાર, એમનાહાથે પુરસ્કૃત થઈને અન્ય વ્યક્તિઓ ધન્ય થઈ. ઈ. સ. 1961માં એમને ઉત્તમ શિક્ષક તરીકેનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું એ નિમિત્તેવિદ્યાવિહાર સંસ્થાએ પોતાને ત્યાં ઉત્તમ શિક્ષક માટે સ્નેહરશ્મિ પારિતોષિકની સ્થાપના કરી. વિદેહ પુત્રીની સ્મૃતિ માટે એમણે સાહિત્યપરિષદને દાન આપ્યું. એમાંથી ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક શરૂ થયું. દાતાને પ્રાપ્ત થયેલો આ અંજારીઆ પુરસ્કાર સ્વયં વિભૂષિત થયોછે. ઝીણાદાદાને તો પ્રેમ એ જ પુરસ્કાર! એમના ઉદ્ગારનો અનુકૂળ પ્રતિભાવ, પહોંચના બે શબ્દો, થયું. બાકી તો એ આપવા જ સર્જાયાહતા, શિક્ષણ અને સંસ્કાર આપશે. ક્યારેક ભેટ પણ આપશે. હવે પ્રમાતાનું સુખ ભોગવતાં આચાર્ય ધૈર્યબાળા વોરાને ત્યાં લગ્નપ્રસંગહતો. અનેક સુંદર મોંધી સાડીઓ આવેલી. પણ વિજયાબહેને મોકલાવેલી એ જ સાડી પહેરી! દૃષ્ટિને વિનયનના બારમા ધોરણની જાહેરપરીક્ષામાં છોત્તેર ટકા ઓછા પડેલા તે રડતી હતી. ઝીણાભાઈએ જાણ્યું હશે. આશ્વાસનનો ફોન આવ્યો, જે અન્યાયની લાગણી દૂર કરીઅભિનંદનનો ભાવ જગવી ગયો. એમના વિદ્યાર્થીઓ સાહિત્ય, કલા, શિક્ષણ, પત્રકારત્વ, ઉદ્યોગ, તબીબી વિજ્ઞાન, કાયદો, ઈજનેરી શાખાઆદિ ક્ષેત્રે ખૂબ આગળ આવ્યા છે. વાડીલાલ ડગલી આખી દુનિયાને મુદ્દાસર સલાહ આપે, જયવદન તક્તાવાલા ભોળાશંકરનીઆસાનીથી ગમે તેમ દાન આપે. આ બધાને જીવનમાં ઘણું મળ્યું છે. છતાં એક વસ્તુ તો જોઈએ જ. ઝીણાદાદાનો સ્નેહ: બહેન સૌદામિનીતક્તાવાલા આ વયે પણ લહિયા તરીકે સેવાઓ આપવા સામે ચાલીને ઝીણાદાદા પાસે માગણી કરે. પુરુષોત્તમ માવલંકરને પણ કહેવાનુંગમે કે પોતે સી. એન.ના વિદ્યાર્થી હતા. 1942ની લડત પૂર્વેના એક વર્ષના શાળા જીવનનાં સ્મરણોની વાત કરતાં ન્યાયમૂર્તિ શ્રીનારાયણભાઈ ભટ્ટ ધન્યતા અનુભવે છે.
હા, ‘સ્નેહરશ્મિ’ એ સર્જક ઝીણાભાઈનું માત્ર ઉપનામ નથી, શિક્ષક ઝીણાભાઈનું વિશેષણ છે. વિદ્યાર્થીના વિરોધને, તોફાનને પચાવીનેએની સાથે આત્મીયતા સાધી સંવાદ ચાલુ રાખવો એ આ શિક્ષકનો આદર્શ હતો. એમના વિદ્યાર્થી હોવાનું ભાગ્ય મને સાંપડ્યું નહીં, પણતેથી એમને હેરાન કરવાનો હક જવા દેવાય? બદલામાં અછડતો ગુસ્સો અને અઢળક સ્નેહ. એમને ત્યાં વૃક્ષનો ન્યાય પ્રવર્તે છે. પથરોમારો, નિશાન ખોટું તકાયું હોય તોય વૃક્ષ પાસેથી ફળ મળે. સી. એન.માં અનેક વિભાગો છે, પણ વચ્ચે વાડ નથી, વૃક્ષો છે, વાતાવરણ છે. ખાનગી ટ્યુશન કરીને થાક્યા પછી શિક્ષક વર્ગમાં આવતો હોય તે જમાનામાં પણ આ સંસ્થામાં વર્ગશિક્ષણની ગુણવત્તા સારી એવી બચીછે. અગાઉની સરખામણીમાં જો કંઈ ઊણપ આવી હોય તો એ ભરપાઈ કરી શકાય એવું વાતાવરણ છે. મુઠ્ઠી જેવડું મંદિર માણસના દેહનેપવિત્ર રાખે છે. હું જે વાતાવરણની વાત કરું છું તેના રુધિરાભિસરણનું કેન્દ્ર ઝીણાભાઈ, છેક 1938થી. અંજારિઆ પુરસ્કાર અપાયો ત્યારેસમગ્ર વિદ્યાવિહાર કુળ ઝીણાદાદાની એક્યાસીમી વર્ષગાંઠ ઊજવવાની ધમાલમાં પડ્યું હતું. ઇન્દુબહેન અને હરિકૃષ્ણભાઈ જેવાંગણ્યાંગાંઠ્યાં કાર્યકરો દ્વારા આ શક્ય ન બનત. શિક્ષકો, ભૂતપૂર્વ અને વર્તમાન બધા વિદ્યાર્થીઓ એમાં સામેલ હતા. એમની આત્મકથાનાબીજા ભાગનું નામ છે: ‘સાફલ્યટાણું’. જીવનના એ તબક્કાના સાક્ષી શ્રી નગીનદાસ પારેખે એની પ્રસ્તાવનામાં લખ્યું છે:
‘ખરું જોતાં આ ઝીણાભાઈ નામે એક વ્યક્તિની કથા નથી રહેતી પણ એ જમાનાની અનેક વ્યક્તિઓની અને ખાસ તો એ ગાળામાં દેશેઅનુભવેલા અપૂર્વ અને અદ્ભુત જીવન સાફલ્યના ટાણાની કથા બની જાય છે. ગાંધીજી માટીમાંથી માનવ સર્જતા હતા એમ જે કહેવાયું છેતે ક્રિયા અહીં પ્રત્યક્ષ જોવા મળે છે. એ જમાનાનો ઉચ્ચ આદર્શવાદ અને ધ્યેયનિષ્ઠ ત્યાગભાવના સામાન્ય માણસોમાં પણ કેવું બળ પૂરતાંહતાં તેનો અહીં પાને પાને પરિચય થાય છે. એ રીતે, આ કથા આજની પેઢીને આપણી આઝાદીની લડતના એક મહત્ત્વના અને ઉજ્જવળગાળાના પ્રેરક અને પાવક વાતાવરણનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ કરાવે છે.’
માતાપિતા ધર્મપરાયણ, પરમ ઉદાર. ઇચ્છાબેન કરીને એક બાઈ સાચવવા માટે કાશીબા પાસે સો રૂપિયા મૂકી ગયેલી. વખત થયો. એકવખત ઇચ્છાબેનને જતી જોઈને કાશીબાએ કહ્યું: ‘બાઈ, તારા પેલા સો રૂપિયા લઈ જાને!’ ઇચ્છાબેન કહે: ‘એ તો હું ક્યારનીય લઈ ગઈ.’ કાશીબા કહે: ‘ના, મને બરાબર યાદ છે, તું નથી લઈ ગઈ, ખોટું બોલે છે.’ ઇચ્છાબેન વીફરી: ‘તું મને બીજા સો રૂપિયા એટલા માટેવળગાડવા માગે છે કે આવતા ભવમાં તારી ગાય દોઈને ભરપાઈ કરું?’ હવે કાશીબા પણ ગુસ્સે થયાં: ‘તો શું તારા સો રૂપિયા પચાવીપાડીને, હું તારી ગાય થાઉં?’ — આ ઝઘડો ચાલે છે ત્યાં ઝીણાભાઈ આવી પહોંચે છે: ‘લડશો નહિ. તમારા બેમાંથી ગમે તેનો વાછરડોથવા હું તૈયાર છું.’
પિતાજી ગામના એક ગુનેગાર યુવકના જામીન થયેલા. પેલો ભાગી જતાં જામીનગીરીની રકમ ભરવી પડેલી. પેલાએ ફરી ગુનો કર્યો. આવખતે પણ રતનજીભાઈ એના જામીન થયા. એની અસર થઈ. પેલો બદલાયો. પોતાની બધી મિલકત આપવા આવ્યો. રતનજીભાઈએટ્રસ્ટી તરીકે એ મિલકત સાચવી અને પેલાને કેળવવામાં નિમિત્ત બન્યા.
આવો વિરલ વારસો ધરાવતા ઝીણાભાઈએ વ્યક્તિના વિકાસ પર જેટલું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેટલું જ, બલકે તેથી વિશેષ, સમૂહમાં કામકરવાની આપણી રાષ્ટ્રીય મર્યાદા ઉપર ધ્યાન આપી વિદ્યાર્થીઓ સહિયારી ભાવનાથી કામ કરતાં શીખે ને સમૂહના વિકાસમાં પોતાનુંભવિષ્ય જુએ એ માટે વિવિધ પ્રયોગો કરી તેને અનુરૂપ આયોજન કર્યાં હતાં. શક્ય છે આ એમના ઇતિહાસશિક્ષણનું તારણ હોય. બારપુરબિયા ને તેર વાડા જેવી કહેવતોનું સમર્થન કરતો સમાજ કેવી રીતે સામુદાયિક વિકાસ કરે એ કેળવણીકાર તરીકે એમની ચિંતાનોવિષય રહ્યો હતો. તેજસ્વી વ્યક્તિઓને સંસ્થામાં ખેંચી લાવી સાથે રાખવાની કુનેહ અને ગુણદર્શી સહિષ્ણુતા દાખવી એ કારણે મુંબઈમાંઆચાર્ય તરીકેની એમની કારકિર્દી બંધાઈ. શ્રી ગુલાબરાય મંકોડી, ઇન્દ્ર વસાવડા, ઉમાશંકર જોશી, ધીરુભાઈ દેસાઈ, બાપુભાઈ વશી અનેરણછોડજી દેસાઈ જેવા એ વખતે એમની સાથે હતા અને ઝીણાભાઈ એ સૌના સંયોજકસૂત્ર બન્યા. વિદ્યાર્થીઓ માત્ર શ્રોતા બની રહેવાનેબદલે શૈક્ષણિક સંવાદમાં ભાગીદાર બન્યા. કહે છે કે પાંચે પૂરી થતી શાળા ક્યારેક તો સાત સુધી ગાજતી. ઝીણાભાઈએ શિક્ષણપૂરકપ્રવૃત્તિઓમાં એ તબક્કે જે શ્રદ્ધા મૂકી એ ઉત્તરોત્તર સંવર્ધિત થતી રહી છે. શ્રીમતી હંસાબહેન મહેતાએ એકવાર વિદ્યાવિહારને બિરદાવતાંએને પશ્ચિમ ભારતનું શાંતિનિકેતન કહેલું. શ્રી રસિકલાલ પારેખ, ભાસ્કરરાવ વિદ્વાંસ, નંદલાલ ત્રિવેદી, વીલીબહેન, ગોવિંદલાલ દલાલ, ભાઈલાલભાઈ શાહ જેવા શિક્ષકોએ અહીં કામ કર્યું છે. એ પરંપરા ચાલુ રહે એવી શક્યતા છે. અહીંનું પ્રાર્થના સંગીત જ નહિ, સ્નેહરશ્મિની કવિતા પણ રવીન્દ્રનાથથી પ્રભાવિત છે. એમનાં ઘણાં બધાં ગેય ગીતોમાં કેળવણીકારની હેતુલક્ષી સૂઝ છે. સ્વયંશિક્ષણનાઅનેક પ્રયોગોમાં શિક્ષણદિનનું પણ ત્યાં ઘણું મહત્ત્વ. એકવાર શિક્ષકદિન નિમિત્તે છઠ્ઠામાં ભણતી સુરતા શિક્ષકદિને સાતમામાં જઈનેહિન્દી શીખવી આવી. શિક્ષકોની હૂંફથી જ આ શક્ય બને. વિધેયાત્મક વાતાવરણના પ્રભાવે જ વિદ્યાર્થી ચડસાચડસી ભૂલીને પોતાનાથીનાના પાસેથી શીખવા તૈયાર થાય. ખુદ ઝીણાભાઈની જિજ્ઞાસા પણ એ બાળકો કરતાં ક્યાં ઓછી પડે એવી હતી? નિરંજન ભગતનેનવરાશ હોય તો જાય, બે કલાક બોલી આવે. વિશ્વકવિતા વિશે જ બોલવું એવી કશી શરત નહિ. ગુજરાતવ્યાપી વિષય પણ ચાલે. યુનિવર્સિટી, વિદ્યાપીઠ, પરિષદ — ઝીણાભાઈ સાથે સંબંધિત કોઈ પણ સંસ્થા વિશે બોલે. ભલભલા વક્તાને હરાવી શકે એવા હતા આશ્રોતા. એમની સાહિત્ય પ્રવૃત્તિઓની વ્યાપક અસર એમના વિદ્યાર્થીઓ ઉપર દેખાય. એમની પ્રેરણાથી એક તબક્કે સી. એન.માં હાઈકુલેખનમાં એવી ભરતી આવેલી કે વિદ્યાર્થીઓ પરીક્ષાના ઉત્તરો પણ હાઈકુ સ્વરૂપે લખી શકે એવી અનુકૂળતા ઊભી થઈ હતી. ઝીણાભાઈના શિક્ષણ જગતમાં સાહિત્ય અને સંગીતનું સ્થાન પહેલું. વિજ્ઞાન પણ રાષ્ટ્રીય સંદર્ભમાં જોવાવું જોઈએ. ઝીણાભાઈ કહેતા રહ્યાછે કે શિક્ષણતંત્ર પાસે દેશના ભવિષ્યનો સુરેખ નકશો હોવો જોઈએ. આપણા ઘણા બધા પ્રશ્નોના મૂળમાં આયોજનનો અભાવ છે. આપણાપોતીકા સંદર્ભનું વિસ્મરણ છે. ઝીણાભાઈ ‘નઈ તાલીમ’ના બધા ગુણ બિરદાવતા હોવા છતાં એના પક્ષીય ટેકેદાર નહીં. એમણે દેશની બેમોટી યુનિવર્સિટીનાં સત્તામંડળોમાં કામ કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટમાં લગભગ અઢી દાયકા સભ્યપદે રહેવા ઉપરાંત ત્રણવખત કાર્યકારી કુલપતિ તરીકેની જવાબદારી પણ એમણે અદા કરી હતી. સાહિત્ય અકાદમી ને હિસ્ટોરીકલ રેકર્ડસ કમિશન જેવી કેન્દ્રિયકક્ષાની સંસ્થાઓમાં પણ વર્ષો સુધી એ સભ્ય રહી ચૂક્યા હતા. શિક્ષણ વિશેનાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સક્રિય ભાગ લીધો હતો. મુંબઈ અને ગુજરાત રાજ્યની વિવિધ શૈક્ષણિક સમિતિઓમાં સેવાઓ આપી હતી. તેથી એક કેળવણીકાર તરીકે એમની પાસે માહિતી અનેદૃષ્ટિ બંને હતી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમણે સમસ્ત પ્રજાના સંસ્કારવર્ધનમાં સાહિત્ય પદાર્થ કેવી રીતે નિમિત્ત બનેએ અંગે વિચારેલું. પ્રવૃત્તિ વિસ્તારનું સ્વપ્ન સેવેલું. એમના કાવ્યસંગ્રહ ‘પનઘટ’ વિશે લખતાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહેલું: ‘લઘુતામાંવિરાટની જે શક્યતા છે તેનું એમને મોટું મૂલ્ય છે. એમની શ્રદ્ધા છે કે જે આછું સુપ્ત પણ વ્યાપક છે તેને જાગ્રત કરી ખીલવવામાંમાનવજાતિના ઉજ્જ્વલ ભાવિનો આધાર.
સ્નેહરશ્મિ એવા આ આપણા ઝીણાદાદા સર્જક તરીકે કેળવણીકાર હતા અને કેળવણીકાર તરીકે સર્જક હતા. આ સંયોગે એમનાવ્યક્તિત્વને એક તાજગી બક્ષી હતી. એ એમની સમકાલીન તમામ પેઢીઓ માટે પ્રેરક છે અને ગાંધીયુગના અર્કરૂપ એમનું અનહદ ઔદાર્યવંદનીય છે.