‘તમે વિષ્ણુભાઈને મળ્યા છો?’—મેં દર્શકને પૂછ્યું હતું.
‘ત્રણ–ચાર વાર!’—દર્શકની આંખમાં ચમક આવી ગઈ:‘સુરત ગયા હોઇએ તો પ્રણામ કરી આવીએ.’ — એમનો અવાજ એ ક્ષણે પ્રણતહતો. જાણે આ સ્મરણ પણ એક પ્રણામ ન હોય!
‘તમે વિષ્ણુભાઈના વિદ્યાર્થી?’ મેં યશવંતભાઈને પૂછેલું.
‘હું વિષ્ણુભાઈનો જ વિદ્યાર્થી!’ — ‘જ’ ઉપર એવો ભાર કે જાણે એ જમાનામાં બીજા શિક્ષકો જ ન હોય.
મનુભાઈ પરદેશ ગયેલા ત્યારે વિષ્ણુભાઈ માટે પાર્કર પેન લઈ આવેલા. કદાચ નાનાભાઈ કહેતા ગયા હોય કે ગુરુદક્ષિણા મને નહિ, ક્યારેક બને તો વિષ્ણુભાઈને આપજો! દર્શક કહે: ‘એમના જેવા માણસ આપણું કશુંય સ્વીકારે એ જ અહોભાગ્ય!’
આપણા આવા સાઠોત્તર સર્જકો અને વિદ્વાનો જેમને વિશે અહોભાવથી વાત કરતા એ વિષ્ણુભાઈને તમારે મળવું જોઇએ, અકારણ, એમનેમળી શકાય.
જન્મતારીખ ચોથી જુલાઈ અઢારસો નવાણું. દૃષ્ટિ એકવીસમી સદીને પણ ઓળખી શકે એવી પણ પહેરવેશ અઢારમી સદીનો શોભે. એમોજાં પહેલાંથી પહેરે. શ્રી જયંતભાઈ પાઠક લખે છે:
‘એ જ માથે સફેદ ફેંટો, લાંબો કોટ, પગમાં બૂટ મોજાં ને ચોમાસે ઉનાળે ઉઘાડી કે બંધ છત્રી… અવાજ મંદ, પાતળો પવનમાં ઊડી જાયએવો. એટલે તો એ વર્ગમાં આવતાં જ પંખો બંધ કરાવે. ધીમે ધીમે મુખમાંથી શબ્દો સરે – ઝગમગતાં સાચાં મોતી જેવા. એક અક્ષર પણચૂકવાનું મન ન થાય, ચૂકવાનું પાલવે પણ નહિ. સાહિત્યકલાનું સેવન માણસને આમ ચિત્તનાં અગાધ ઊંડાણોનો, જીવનના ઊંડા મર્મોનોજાણકાર બનાવી શકે એવી પ્રતીતિ તો એમને જોઈને જ થઈ…આમ તો મરતાને મેર્ય ન કહે એવા, પણ પોતાનાં વિચારણા, મંતવ્યો નેદર્શનમાં ચોક્કસ આગ્રહી.’ (પૃ.35-36, સ્મરણિકા, હીરક મહોત્સવ, એમ. ટી. બી. કૉલેજ, સુરત)
વિષ્ણુભાઈ આગ્રહી છે પણ એમના આગ્રહોએ એમને શત્રુ આપ્યા નથી. એમનો વિરોધ કરી શકાય પણ અવજ્ઞા નહિ. એ તો વળી કહેશેકે અવજ્ઞા કોઈ પણ માણસની હોય જ નહિ. માનવીય ગૌરવના એ પ્રહરી છે. તેથી તો ભાઈ ભગવતીકુમાર શર્મા 1921ના જાન્યુઆરીમહિનાને સુરતના સંસ્કાર–આત્મા માટે પરમ ભાગ્ય વિધાયક કહે. વિષ્ણુભાઈ ત્યારથી અધ્યાપકપદે જોડાયા અને 58 વર્ષથી એ પ્રાચીનનગરનું ‘સંસ્કારતીર્થ બલકે જંગમ વિધાપીઠ બની રહ્યા.’ વિષ્ણુભાઈને વિદ્યાપીઠ કહેવા સામે ઉમાશંકરભાઈ જેવા ભૂતપૂર્વ કુલપતિને પણવાંધો નહોતો. પણ એમને ‘જંગમ’ વિદ્યાપીઠ કહેવા સામે આ લખનારને પાયાનો વાંધો છે કેમ કે વિદ્યાપીઠના જોડણીકોશ મુજબ તો ‘જંગમએટલે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવું.’ જ્યારે વિષ્ણુભાઈ તો સ્થિર હતા, સ્થાવર હતા. એ એમના ‘મૈત્રી’ — ભવનમાંથી ક્યાંયખસતા જ નહીં. હા, એમાં ઊંચે ચડે ખરા. એક વાર સુરતમાં પૂર આવ્યું ત્યારે એક ડહોળાયેલો રેલો નિર્મળ થવા એમના ચરણ સુધીઆવેલો. સમગ્ર જળરાશિને મૈત્રીભાવે જોવા અને જળરાશિને શુભેચ્છાઓ પાઠવવા એ ઊંચે ચડેલા: સાદી ભાષામાં એ ખુરશીમાં બેસીનેએ ધાબા પર ચઢેલા, એમ કહી શકાય, પણ એ પૂરતું નથી. આકાશ સામે વેદકાલીન ઋષિની જેમ નતનેત્ર ઊભા રહેલા. એ આખાઆકાશના ચાહક છે પણ એને જોવા માટે ‘મૈત્રી’ની બારી પૂરતી છે. યશવંતભાઈ કહે છે કે હીંચકા પર બેસીને પણ એ કામ કરી શકે છે:
‘આ હિંચકે ઝૂલતાં આખા વિશ્વ સાથે તેમણે મેળ બાંધ્યો છે. એ શાની વાસ આવી? આ કયું પંખી બોલ્યું? આ કયું વૃક્ષ? એને કઈ ઋતુમાંફળ આવે? ક્યારે એનાં પાન ખરે? ક્યા રોગ ઉપર કઈ દવા અસર કરે? આ બધાનું એમને ભારે કૌતુક અને ખૂબ ઊંડા ઊતરીને આસર્વની ચર્ચા કરે. વિશ્વની ઘટનાઓની પણ એ જ પ્રમાણે ઊંચી નૈતિક ભૂમિકાએથી ચર્ચા કરે. ચિત્તની ગતિના પ્રમાણમાં શરીરનીઅગતિકતા એ એમના જીવનનો વિરોધાભાસ છતાં એમનું સુક્ષ્મ જીવન, એમની સૌંદર્યાભિમુખતા અને એમનું સત્યાન્વેષણ ખૂબ વિકસ્યાં છેતેની પ્રતીતિ એમની સાથે વાત કરવાથી થાય છે. આજ સુધી આ સઘળી બાબતોમાં હું એમનો વિધાર્થી મટ્યો નથી એનો સગૌરવ એકરારકરું છું.’ (પૃ.390-91, ઉપાયન)
જેમ યશવંતભાઈ લાંબો સમય વિષ્ણુભાઈના વિદ્યાર્થી રહ્યા તેમ કેટલાક વિદ્વાનો યશવંતભાઈના વિદ્યાર્થી મટ્યા નહીં. આની પાછળ એકલાંબો કાર્યકારણ સંબંધ છે. 1920માં વિષ્ણુભાઈ સંસ્કૃત અને અંગ્રેજી સાથે બી. એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા અને ગુજરાતકૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા ને પછી સુરતે એમને અધ્યાપક તરીકે બોલાવી લીધા છતાં એમણે ભણવાનું ચાલું રાખ્યું અને એમ. એ.થયા. તેથી તો અધ્યાપક થયા પછી ભણવાનું ચાલુ રાખે એવા વિદ્યાર્થીઓ એમને મળ્યા. એ અંગ્રેજી પણ ભણાવતા તેથી એસ. આર. ભટ્ટપણ એમના વિદ્યાર્થી, નિરંજન ભગત ભટ્ટ સાહેબના, નલિન રાવળ નિરંજનભાઈના અને નલિનભાઈના હાથ નીચે પણ બેએક પેઢીઓપસાર થઈ ગઈ. વિષ્ણુભાઈ આ બધાનું વાંચે. વાંચે અને પત્ર લખે. પત્ર એટલે પોસ્ટકાર્ડ. ક્યારેક અનુસંધાન આપીને બે પોસ્ટકાર્ડ સાથેલખે. પત્રલેખક તરીકે શિવકુમાર અને ઉશનસ્ પણ જાણીતા. પણ વિષ્ણુભાઈના અક્ષર એ બંને કરતાં સારા, અને શબ્દો પણ એકપોસ્ટકાર્ડમાં ઘણા સમાવે તેથી પત્રલેખક તરીકે ગુજરાતમાં વિષ્ણુભાઈનો નંબર પહેલો આવે, આથી તો ઉમાશંકરભાઈ એમને ‘મૅન ઑફલેટર્સ’ કહેતા. સાચે જ આ શબ્દપ્રયોગ એના તમામ અર્થોમાં વિષ્ણુભાઈના સંદર્ભમાં વાજબી ઠરે.
જેમની વિદ્વતા અને જીવનદૃષ્ટિ બંને આદર ઉપજાવે એવા વિવેચકો આપણે ત્યાં કેટલા? પોતે નિષ્ફળ કવિ છે એવી જાહેરાત કરીને પણકાવ્યસાધના કરતા રહે એવા ક્રોચે–માન્ય સર્જકો કેટલા? યશવંતભાઈ પાસે એવી બાતમી હતી કે વિષ્ણુભાઈએ અંગ્રેજીમાં કાવ્યો લખેલાં છેજેમાં ઊંચી કવિતા રહેલી છે. કાવ્યાત્મક ગદ્યના નમૂના એમનાં લખાણોમાંથી અનેક મળવા સંભવ છે જે સૂચવે છે કે વિષ્ણુભાઈ સારાલલિત નિબંધો આપી શક્યા હોત:
‘હું કવિને સ્મરણ કરાવું છું કે આ સો વર્ષનો ભારતનો ઇતિહાસ દસ મહાભારત લખાય એવડો છે. આ ગાંધીજીનું ભવ્ય મૃત્યુ નગાધિરાજડોલે ને સાત સમુદ્ર ગાય એવું કવિતાભર્યું છે. બીભત્સતા, ભીષણતા, ભયાનકતા, ક્રૂરતા, નીચતા, સ્વાર્થ અને વિલાસ સામે ઉચ્ચ માનવતા, સત્ય ને સંયમ ઝઝૂમી રહ્યાં છે. એક ક્રૌચ યુગલના વધનિમિત્તે રામાયણ પ્રગટ્યું: લાખ લાખ કુટુંબ દાઝી રહ્યાં છે ને કોઈ મહાકવિનો કંઠનહિ ખૂલે? હું ચારેકોર જોઉં છું. આ ઉષાધેણને લઈ આવતાં પંખીઓનાં ગાન વનોપવનમાં સંભળાય છે ને હું પર્યુત્સક બનું છું. આસંધ્યાની જવનિકા સામે સુરખીમાં સુરખી રેડતાં અને વાયુ સાથે ડોલતાં અસંખ્ય કમળો જોઉં છું ને મારું હૃદય નાચી ઊઠે છે. સુંદર બનું છું. આ રાત્રિ ખેડતા અસંખ્ય તારાઓ મને નોતરે છે ને તેમની સાથે અંધારી કોટડીમાં હું ટમકું છું. હું સાહસ પલાણું છું, છતાં હું શોધું છું ચંદ્રઅને સૂર્ય. મારે ગંગાના પ્રવાહમાં ઝીલવું છે. ઉમાશંકર અને સુન્દરમ્ ઉપર હું મીટ માંડું છું. તેમનાં સત્ત્વ જો નકારશે તો મારે કદાચ એકઆખી પેઢી વાટ જોવી પડશે.’ (પૃ. 396-97, ઉપાયન)
આ ‘અનુભાવના’ પ્રગટ કર્યા પછી વિષ્ણુભાઈએ એક નહિ બે પેઢી રાહ જોઈ ગમે તેની પાસે આશા રાખે એવી એમની સમજ નથી. એમાત્ર શ્રદ્ધાના નહિ, સમજના માણસ. એને આધારે તો એ પરસ્પર વિરોધી લાગતી પરિસ્થિતિ કે ઘટનામાં પણ નીતિતત્ત્વનું સાતત્ય જોતાં. એમની દૃષ્ટિએ મૂલ્યો બદલાય છે. રૂપાંતર પામે છે પણ મૂલ્યતત્ત્વ તૂટતું નથી. એ કોઈ વાદ કે વિચારના પ્રચારક એવા લેખક કરતાંજીવનનું તટસ્થ દર્શન કરનાર લેખકને વધુ નવાજે છે. ‘મૂલપર્યંતગામી’ દૃષ્ટિના પુરસ્કર્તા આનંદશંકરના એ ઉત્તરાધિકારી છે. તેથી તો કહેછે કે જેની દૃષ્ટિ કુંવારી છે, જે જગતમાં આંખ–કાન ઉઘાડાં રાખી રહસ્ય શોધવા વિચરે છે, તે વિશેષ તટસ્થ સાહિત્યકાર થવા સંભવ છે. તેનું સર્જનમાત્ર સૌંદર્યપરાયણ થાય અને તાત્પર્ય કે રહસ્ય કેવળ તેને જ આધીન રહે.
સર્જનની સૌંદર્યપરાયણતાનો ઉલ્લેખ જેમણે અચૂક કર્યો છે, કાવ્યમાં વક્રોક્તિને સત્યોક્તિ કહી છે, છતાં સમગ્રપણે જેમની વિવેચકદૃષ્ટિજીવનસત્ત્વને શોધતી — પુરસ્કારતી રહી છે એમાં વિષ્ણુભાઈનું નામ સહુથી પહેલું યાદ આવશે. એ કલાના આસ્વાદક છે, કલાવાદી નથી. માર્ક્સવાદીઓ જેવા જીવનવાદી કે વર્ગવાદી હોવાનો તો સંભવ જ ન હતો, એ ગાંધીવાદી પણ નથી. એમને ધર્મનિષ્ઠ સંસ્કૃતિની પરંપરાનાધારક અને સમર્થક કહી શકાય. એ ભારપૂર્વક કહેશે કે હિંદુપણું ખોવાનું નથી, ખીલવવાનું છે; કેમ કે એમને હિંદુધર્મની વ્યાપકસહિષ્ણુતામાં, નવા યુગને ‘અનુરૂપ’ ચેતના ધારણ કરવાની ક્ષમતામાં શ્રદ્ધા છે. વિવેચકનું સર્વોત્તમ લક્ષણ ગણાવવા જતાં પણ એમનીગીતાની પરિભાષા ખપ લાગે છે: ‘બને તેટલે અંશે સ્થિતપ્રજ્ઞ થઈ વિવેચન કરવું.’ વિવેચક વિષ્ણુભાઈની સાધના વિશે લખતાં ઉમાશંકરેઆ વાક્ય મથાળે ટાંક્યું છે.
વિવેચક તરીકે વિષ્ણુભાઈને સ્થિતપ્રજ્ઞ કહેવામાં કદાચ સુરેશભાઈનેય વાંધો નહીં હોય પણ જીવનમાં તો એ ભારે લાગણીશીલ છે. બ્રિટિશઔપચારિકતામાં માનતા લાગે છે છતાં ક્યારેક સભાની અદબ તોડીને ઊભા થઈ જાય. ‘બે સુખદ પ્રસંગો’માં શ્રી રતન માર્શલેવક્તૃત્વસ્પર્ધાના નિર્ણાયકના નિર્ણય વિશે સભા વચ્ચે ઊભા થઈને બોલી બેસતા વિષ્ણુભાઈનું સાદર સ્મરણ કર્યું છે. એમની તટસ્થતા વિશેતો કશો પ્રશ્ન જ ન હોય, પણ કોઈને અન્યાય ન થાય એ અંગેની એમની સભાનતા વિરલ છે. એકબે વાર સાંભળવા મળ્યું છે કે અમુકયુનિવર્સિટીઓએ ફલાણા અધ્યાપકનો મહાનિબંધ તપાસવા વિષ્ણુભાઈને મોકલેલો. પેલા નિબંધલેખકને અન્યાય ન થાય એની સભાનતાએટલી બધી કે નિર્ણય પોતાની પાસે રાખીને એમણે મહાનિબંધ પરત કરવાનું પગલું ભર્યું. ટૂંકમાં બીજાને નાપાસ કરવાને બદલે એ પોતાનેનાપાસ કરે. મહેનતુ અને ચોકસાઈવાળા વિદ્યાર્થીઓના ભોગે પોતાનાં ધોરણો ઊંચાં લઈ જવા મથતા પરીક્ષકોની ટીકા કરવા આ વાતલખી નથી. ખરેખર તો પરિસ્થિતિ એવી છે કે કોઈ પરીક્ષક એકાદ દાખલામાંય ઊંચું ધોરણ દાખવે તોય રાજી થવાય. વિષ્ણુભાઈએ પણવાંચેલા કામ વિશે પોતાનો પ્રતિભાવ આપવાનો હોય. એમ કરવાને બદલે એ મૂંગા રહેતા, કદાચ એટલા માટે કે નવાં ખેડાણો વિશે એપોતાને નિર્ણાયક માનતા નહીં. જિજ્ઞાસા તો હજી એટલી જ હરિયાળી છે પણ અવનવા સિદ્ધાંતોને પહોંચી વળવા ઉદ્યમ કરવાની સંમતિઆપે એવું સ્વાસ્થ્ય નથી.
આ સ્વાસ્થ્ય વિશે વાત કરતાં સહેજ સંકોચ થાય છે, કંઈક વેદનાનો ભાવ જાગે છે; કેમ કે કદાચ ને વિષ્ણુભાઈ આ લેખ વાંચે અને અહીંનોંધેલા પ્રસંગના સ્મરણમાં મુકાઈ જાય તો એમનો આઘાત તાજો થાય.
પહેલાં એમનું સ્વાસ્થ્ય આવું નહોતું જ. એ ફેંટો બાંધતા થયા એ પહેલાં કાળી ટોપી પહેરતા ને એ પહેલાં ‘હાફકોટ, પાટલૂન અને હૅટમાંસજ્જ બની રોજ સાંજે’ શ્રી કાલિદાસ દેસાઈ સાથે કૉલેજ ટૅનિસ રમવા જતા. પરંતુ 1826માં અસહ્ય આઘાત આવ્યો. સપ્ટેમ્બરમાં એમનાંપત્ની અને બાળકો નડિયાદ હતાં. બાળકોને થોડા થોડા અંતરે ઊંટાંટિયો થયો અને બંને ગુજરી ગયાં. એથી લાગેલા આઘાતથી, યશવંતભાઈ કહે છે કે 1927ના જાન્યુઆરીમાં એમનું ક્ષુબ્ધ ચિત્ત ભાંગી પડ્યું. માતાપિતા અને દાક્તર મામાની માવજતથી શરીર બચીશક્યું. ત્યાર પછી પણ ‘નર્વસ બ્રેકડાઉન’ જેવો અનુભવ એમને સમયે સમયે થતો રહેતો હોવાથી આ બાબતમાં એમને હંમેશ સાવધ રહેવુંપડ્યું હતું. આ સંદર્ભ જાણનાર ક્યારેય વિષ્ણુભાઈના સ્વાસ્થ્ય વિશે ઠંડે કલેજે મજાક કરી શકે ખરો? હાસ્યકારની સઘળી અવળચંડાઈઅહીં હારી જાય છે અને એ ગંભીરતાથી વિચારવા લાગે છે: આવા અનુભવો પછી પણ વિષ્ણુભાઈ જીવન અને જગતને શ્રદ્ધાથી જોઈશક્યા, એ કેવી મોટી ઘટના છે! આનંદવાદી કાલિદાસ અને રવીન્દ્રનાથ જેવા કવિઓના જીવનમાં પણ વિષમતાઓ અને યાતનાઓ નહોતીએવું તો કોઈ કહી શક્યું નથી. જીવનના મંથનમાંથી જે વિષ નીકળ્યું તે તમે આરોગી ગયા અને અમૃતનું અમને દાન કર્યું એમ કહીને જેપ્રેમાદરથી રવીન્દ્રનાથે કાલિદાસને યાદ કર્યા છે એ જ પ્રેમાદરથી વિષ્ણુભાઈ રવીન્દ્રનાથને યાદ કરવાનો અધિકાર ધરાવે છે. પ્રત્યક્ષ સૃષ્ટિઅને કલાસૃષ્ટિ જે અમૃતનો આસ્વાદ કરાવે છે એ રવિ ઠાકુર જેટલા જ આસ્તિક આ વિવચેક માટે ઇશ્વરનો મધુર આશીર્વાદ ઠરે છે. મનુષ્યના પ્રીતિપાત્ર દ્વારા એ આસ્વાદ શક્ય બને છે. વિષ્ણુભાઈના મકાનનું નામ ‘મૈત્રી’ આ કારણે તો નહીં હોય?
એ જીવને સુંદરેર પેયેછિ મધુર આશીર્વાદ,
માનુષેર પ્રીતિપાત્રે પાઈ તાર સુધાર આસ્વાદ.
રવીન્દ્રનાથની આ પંક્તિઓ સાથે એ દિવસોનું કલકત્તા યાદ આવે છે. કવિવરનું એ જન્મશતાબ્દી વર્ષ હતું અને ગુજરાતી સાહિત્યપરિષદના ત્યાં ભરાયેલા 21મા અધિવેશનના વિષ્ણુભાઈ પ્રમુખ હતા. ઉમાશંકરે એમના વ્યક્તિત્વ માટે ઘીના દીવાની ઉપમા આપી હતી. એ દીવાના તેજ સમી વાણીમાં વિષ્ણુભાઈએ કહેલું:
‘આ ચૈતસિક અવસ્થાના સંદર્ભમાં સાહિત્ય પરત્વે નવી શ્રદ્ધાના ઉદય માટે વિચાર જરૂરી છે. મનુષ્યને કોઈ પણ પદાર્થના સત્યપણાનીવધુમાં વધુ ખાતરી હોય તો તે પોતાના અસ્તિત્વ વિશે છે. કેમ કે તે સ્વયંપ્રકાશિત છે… સાહિત્ય કે કલા અભિવ્યક્તિ દ્વારા આત્મસિદ્ધિકરાવે છે એમ ગણીએ તો એ સર્વ ‘મૂલ્યો’માં પરમ ‘મૂલ્ય’ છે, પરમ ભદ્ર ને પરમ મંગળ છે. રવિ સુધી કવિને જવાની વાત મિથ્યા નથી, રવિનું વસ્તુગત સત્ય પ્રકૃતિ પાસે હશે તો હશે, તેના કરતાં પૂષન તરીકે, બુદ્ધિના પ્રેરણાદાતા તરીકે તેનું સત્ય વધારે સાચું છે ને એ જઋગ્વેદનો કવિ ગાય છે. સર્વલક્ષ્ય પદાર્થ પાછળ જે અલક્ષ્ય નિયામક તત્ત્વ છે તેના પ્રકાશમાં કવિ જુએ અને પદાર્થ માત્રનું રહસ્ય પ્રગટકરે. તેની દૃષ્ટિ જેટલી વિશદ ને સૂક્ષ્મ તેટલી તે સર્વ માનવની પ્રતિનિધિ થવાની.’ (પૃ. 49, 50મું સંમેલન — ગુ. સા. પ. હેવાલ)
વિષ્ણુભાઈની આ વિચારણામાં ધર્મ–દર્શન–સાહિત્ય વચ્ચે ભેદ રહેતો નથી. એ ભેદની વધેલી સભાનતાએ આપણને નુકસાન કર્યું છે, ક્યારેક કલાના નામે માત્ર રંગદર્શી બનાવીને આપણી સાહિત્યસૂઝને છીછરી કરી મૂકી છે. ગોવર્ધનરામ, મણિલાલ, આનંદશંકરની મજાકકરવાની હિંમત આપી છે. વિષ્ણુભાઈ તથાકથિતના પુરસ્કર્તા નહોતા, સ્થિતિ–સમર્થક નહોતા, જુનવાણી નહોતા, ગંભીરતાપૂર્વક પુનર્વિચારકરતી રહેતી પ્રશ્નાર્થવૃત્તિના એ પુરસ્કર્તા હતા. એમણે સતત વાંચ્યું, વિચાર્યું. ન લખીને પણ ગુણવત્તાનો આગ્રહ સૂચવ્યો. ‘વિવેચના’, ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય’, ‘પરિશીલન’,‘ગોવર્ધનરામ સર્જક અને ચિંતક’, ‘સાહિત્ય–પરામર્શ’, ‘દ્રુમપર્ણ’ આદિ પુસ્તકો અને અન્ય થકીસંકલિત ગ્રંથ ‘ઉપાયન’ જોતાં પ્રશ્ન થાય કે છ દાયકામાં થઈને માત્ર સાતેક ગ્રંથો જ?
વિષ્ણુભાઈએ લેખોમાં નથી લખ્યું એટલું પત્રોમાં લખ્યું છે અને પત્રોમાં નથી લખ્યું એટલું વાતચીતમાં કહ્યું છે. સાહિત્યને ગંભીરતાથી લેનારકોઈપણ લેખક કે અભ્યાસી સૂરત ગયો હોય અને એમને મળ્યો ન હોય એવું ભાગ્યે જ બન્યું હશે.
એ ભારે અતિથિ–વત્સલ. બેએક વર્ષ પહેલાં સૂરતમાં શ્રી સુરેશ જોષીના પ્રમુખપદે પરિષદ તરફથી પરિસંવાદ હતો. અમદાવાદથીભોળાભાઈ, ચંદ્રકાન્ત, દીવા અને બીજા કેટલાક કવિમિત્રો ગયેલા. સાંજની બેઠક ચાર વાગ્યે શરૂ થતી હતી એની વિષ્ણુભાઈને ખબર. અમે બધા પહોંચેલા જ મોડા ને પાછા અલગ અલગ કવિમિત્રોને ત્યાં જમવા ગયેલા. વિષ્ણુભાઈને મળવા જવાની તીવ્ર ઇચ્છા હતી. ગયા. પણ સાડા ત્રણ પછી. અમને જોઈને એ રાજી થયા. એમણે અને શાંતાબહેને અમારી રાહ જોવામાં ચા નહોતી પીધી. કહે: ‘થયું કે હવે કોઈનહીં આવે.’
આ વાક્ય સાંભળતાં વિચાર આવેલો કે આ સ્થિતપ્રજ્ઞ વિવેચકને પણ ભરતીઓટના નિયમો સ્પર્શે છે? મૈત્રી–નીડમાં અનાગતની ખોટ ચાલેછે? વિચારપૂર્વક એ આવી કશી અપેક્ષા રાખે એવા નથી જ. છતાં પળવાર એમને થયું કે હવે કોઈ નહીં આવે અને એક સહજ ઉદ્ગારસરી પડ્યો, જે સાંભળતાં અમારો સૂરત પહોંચવાનો થાક ઊતરી ગયો. અનાગતની આ પ્રતીક્ષા અને એમાં વરતાતી નિર્વૈયક્તિક ઉષ્મા એવિષ્ણુભાઈની આગવી ઓળખ હતી.