આ વૃષ્ટિધૂસર દિવસ અકળ એવી વિહ્વળતાથી મને વિક્ષુબ્ધ કરી દે છે. હું મારા જ મોઢા પર હાથ ફેરવીને મને શોધું છું. આંખો જે જુએ છે તેના સંકેતો મન એકદમ ઉકેલી શકતું નથી, જગત ટીપે ટીપે મારી ચેતનામાં ઝમ્યે જાય છે. પણ બધું છૂટું છૂટું રહે છે. એમાંથી કશી ભાત ઊપસી આવતી નથી. ઘડીભર એમ લાગે છે કે ટીપેટીપે સુખ ટપકે છે. પણ ત્યાં તો દરેક ટીપું ગુરુત્વાકર્ષણનો ગુણાકાર કરીને ભારે ભારે થઈ જાય છે. એની ભંગુરતાનો છદ્મવેશ સરી પડે છે. આ બિન્દુઓ છેક ઊંડે ઊંડે મારાથી જે અગોચર છે ત્યાં સુધી પહોંચી જાય છે. ત્યાં વિસ્તરેલી સમયહીનતામાંથી એક નવા અનનુભૂત સમયની કૂંપળ ફૂટે છે. તાર પર બેઠોબેઠો પતરંગો પાંખમાંથી વર્ષાનાં બિન્દુને ખેરવે છે. પાંદડાંની અણીએથી બિન્દુઓ સર્યે જાય છે. પવન હરિયાળીનાં મોજાં ઉછાળતો દોડ્યો આવે છે. દરેક વૃક્ષ પરથી વર્ષાનાં બિન્દુ અને પવન વચ્ચેનો વિશ્રમ્ભાલાપ આછો આછો સંભળાયા કરે છે. જગતની દૃઢ રેખાઓ વૃષ્ટિના રેલા સાથે રેલાતી જાય છે. પાસેનો લીમડો એના વહેતા થઈ ગયેલા આકારને લીધે માયાવી લાગે છે. ઘરની દીવાલો બેવડ વળી ગયેલી લાગે છે. કશાકના ઓગળવાનું વજન વાતાવરણમાં ઝિલાઈ રહ્યું છે.
ક્યાંક પવન ઉદ્ધતાઈથી કોઈ બારણું વાસી દે છે. થોડા જળનીતરતા અવાજો મને સ્પર્શી જાય છે. મોટો ખીલેલો ગુલમહોર સૂર્યને શોધી રહ્યો છે. આસ્ફાલ્ટના રસ્તાની બધી પ્રચ્છન્ન કુટિલતા છતી થઈ ગઈ છે. જૂની પોથીના પાના જેવો આ દિવસ વગર વંચાયે પડી રહ્યો છે. જો એકાગ્ર થઈને સાંભળીએ તો અંકુરનો પ્રસ્ફુટિત થવાનો અવાજ સંભળાય છે.
વર્ષામાં વાડ જોવા જેવી, સ્પૃહણીય બની જાય છે. કાંઈ કેટલાય અનામી વેલાઓ ઊગી નીકળે છે. એનાં ફૂલને આ સૃષ્ટિ અજાણી લાગે છે. વાડને ફૂટેલી આંખો જેવાં એ ફૂલ આશ્ચર્યથી આ જગતને જોયા કરે છે. એ દરેક ફૂલ આગળ ઊભા રહીને એને ઓળખી લેવાનું મને કુતૂહલ થાય છે. કોઈ નહિ જુએ તેમ હું વેલ પર બેઠેલું અજાણ્યું નાનું શું ફળ તોડીને ચાખી લઉં છું. એનો સ્વાદ તે વર્ષાનો સ્વાદ છે. ષડ્રસના ખાનામાં એને ક્યાં મૂકવો તે હું એકદમ નક્કી કરી શકતો નથી. પવને ફુલાવેલો અવકાશ તસતસતો થઈને હમણાં ફાટી પડશે કે શું એવું લાગે છે. પણ ક્યાંય ફાટવાનો અવાજ આવતો નથી તેથી કાન ચિન્તિત બનીને અપેક્ષા કરી રહ્યા છે. વડ જેવો વડ અત્યારે તો ગમ્ભીરતાને ખંખેરીને ચંચળ બની ગયો છે. ઈંટથી જડેલી કેડ પર મખમલી લીલ પથરાઈ ગઈ છે. ધૂસરતાની પડછે થોડી ધૂમ્રરેખાની ભાત ઊપસતી આવે છે. કેટલાક આકારો જે આજ સુધી અદૃશ્ય હતા તે આ ધૂસરતાના રાસાયણિક સ્પર્શે પ્રગટ થઈ આવે છે.
નદી સજીવન થઈ ઊઠી છે. સુપ્તોત્થિતા રાજકુમારીની જેમ પ્રિયનો સ્પર્શ થતાં જાગી ઊઠી છે. એના કાંઠા પર ઊગી નીકળેલા બરુ જળની આવી થપાટથી ધીમાધીમા હાલ્યા કરે તેમ મારું મન હાલ્યા કરે છે. નાના ખાબોચિયામાં વડનું પાંદડું ખરીને પડ્યું છે. એ લોહની નૌકા હોય એમ એના પર થોડી કીડીઓએ પાણીથી બચવા આશ્રય લીધો છે. રસ્તા પર રંગબેરંગી છત્રીઓનાં કમળ ખીલી ઊઠ્યાં છે. પોતાના પડછાયા વિનાના માનવીઓ અધૂરા અધૂરા લાગે છે.
સમયના પડને ભેદીને શાશ્વતીમાં ચાલ્યા જવાનું છિદ્ર કદાચ આ ઋતુમાં જડતું હશે. છતાં એમ ચાલી જતા રોકનારી મોહિની પણ આ ઋતુમાં જ સોળે કળાએ ખીલી ઊઠે છે. નાનાં કીટ જન્તુથી માંડીને તે મેઘાચ્છન્ન ગિરિશિખરો સુધી બધું જ નવા સૌન્દર્યથી મણ્ડિત થઈ જાય છે. એકધારી વર્ષાનો અવાજ પણ ભારે સમ્મોહક હોય છે. દૃષ્ટિ શીતળતાથી અંજાઈ જાય છે ને આપણી ઉઘાડી આંખો દિવાસ્વપ્ન જોવા લાગે છે.
વણખેડાયેલી ધરતી પર ચાસ પાડવા એ માનવીનો કેટલો મોટો પુરુષાર્થ છે! ધરતીની ઉદારતાનું આ ઋતુ કૃતજ્ઞતાપૂર્વક ભાન કરાવે છે. નવાં ધાન્યમાં માનવીના પુરુષાર્થની મહેંક છે. ક્ષિતિજના છેડા સુધી વિસ્તરેલાં ખેડાયેલાં ખેતરોને જોવા એ એક રોમાંચક અનુભવ છે. વર્ષા ઘરમાં બેસી રહીને જોઈએ તો ગ્લાનિનો અનુભવ કરાવે છે. ગામની બહાર નીકળીને, મકાનોની ભીડ છોડીને મોકળા અવકાશ વચ્ચે જઈને, ઊભા રહીએ ત્યારે વર્ષાનું વિરાટ રૂપ જોઈ શકીએ છીએ. દરેક ઋતુમાં અવકાશનો જુદો જુદો અનુભવ થાય છે. શિશિરનો અવકાશ કંઈક બરડ હોય છે. ગ્રીષ્મમાં દિશાઓ દૂર દૂર સરી ગયેલી લાગે છે. વર્ષામાં અવકાશનું એક નવું જ પરિમાણ ખૂલે છે. એ દોડતાં વાદળ સાથે, સરી જતા જળના રેલા સાથે આપણને ચંચળ બનાવીને દોડાવે છે. આ ઇન્દ્રિયોના બહિર્ગમનની ઋતુ છે. સરોવર હવે નિસ્તરંગ રહી શકતું નથી. ઘરનાં છાપરાં વાચાળ બની જાય છે. વિગત સ્વજનો છાયાશરીરે ઘરમાં આપણી વચ્ચે વસતાં હોય એવું લાગે છે.
વર્ષાની સાંજ ઢળે છે. જયદેવે જોયેલી ધૂસરતા ઘેરી બને છે. બધે ઘનશ્યામનાં દર્શન થાય છે. દીવો જાણે આ ધૂસરતામાં તરતો દેખાય છે. સાંજ પડ્યા પછી પણ મોડે સુધી મને દીવો કરવાનું ગમતું નથી. દીવાનો પ્રકાશ આ ધૂસરતામાં નર્યો અવાસ્તવિક લાગે છે. ત્યારે એકાએક નિબિડ એકાન્ત મને ઘેરી વળે છે. ક્રીડાને માટે ઉત્સુક નાનાં ચંચળ અંગોને સંકેલીને બાળપણમાં ઘરમાં બેસીને ટપકતાં નેવાંને જોતાં બેસી રહેવું પડતું તે યાદ આવે છે. અત્યારે તો ઘેરાતી સાંજે બોદલેર કે રિલ્કેની પંક્તિઓ મનમાં ઉદ્ભાસિત થાય છે. કાલિદાસના ‘મેઘદૂત’નો વિષાદ અને બોદલેરનો વિષાદ બન્ને જુદા ગોત્રના છે. મને તો એ બન્ને ગમે છે.
પાંખો ખંખેરતા બેઠેલા એક કાગડાને બે કાળિયાકોશી પજવે છે. વર્ષાની ધારાના અવાજમાંથી આછો ચળાઈને આવતો દૈયડનો ટહુકો સાંભળવો ગમે છે. મોર ક્યાંક ગહેકતા હશે પણ અહીં કેકારવ સંભળાતો નથી. નિશાળે જતા નિશાળિયાઓ માટે દરેક ખાબોચિયું એક પ્રલોભન છે. પાણી જોડે અડપલું કર્યા વગર એનાથી રહેવાતું જ નથી. અંકગણિતના પાના પરની રકમ રેલો થઈને વર્ગની બહાર વૃષ્ટિની ધારામાં ભળી જતી એ જોઈ રહે છે. વરસાદ બરાબર જામે છે પછી વાતાવરણને અનુરૂપ સંગીત સાંભળતા બેસી રહેવાનો આનન્દ અનેરો છે. નવા રોપેલા વડને ફૂટેલી કૂંપળ એ અત્યારે સહુથી વધુ દર્શનીય લાગે છે.
28-6-80