મારું વૃન્દાવન છે રૂડું * આનંદ વૃંદાવન
ધીર સમીરે યમુના તીરે * ગિરિરાજ ગોવર્ધન
રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર
નંદ ગાંવ * સેવાકુંજ * નિધુવન * મથુરા
પંદર વર્ષનો કિશોર હતો ત્યારે વ્રજમંડલની–મથુરા, ગોકુલ, વૃન્દાવનની યાત્રા થયેલી. મથુરામાં વિશ્રામઘાટે જમુનામાં કલાકો સુધી સ્નાન કરેલું. ઉનાળાના એ દિવસો હતા. પાણી સ્વચ્છ હતું. ખોબલા જેવડાથી માંડી ટોપલા કદના કાચબા એ પાણીમાં વિહરતા જોઈ શકાતા. જમુના પાર કરીને ગોકુલ ગયેલા અને પછી વૃન્દાવન. વૃન્દાવનમાં શ્રીકૃષ્ણે કાલીનાગને નાથ્યો હતો તે કાલીદહનું સ્થાન પંડાએ બતાવ્યું હતું અને એ કદંબનું વૃક્ષ પણ, જેના પર ચઢી બાલકૃષ્ણે જમુનામાં ભૂસકો માર્યો હતો. એ ચીરઘાટ પણ બતાવ્યો હતો, જ્યાં જમુનામાં નગ્ન સ્નાન કરતી ગોપીઓનાં ચીર કૃષ્ણે હરી લીધેલાં. પણ વૃન્દાવનની જમુના કાંઠેથી ઘણી દૂર હતી. પવિત્ર યમુનાપુલિનની રેત તગતગતી હતી.
પછી બહુ બધાં મંદિરો જોયેલાં.
ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિનાં એ સ્થળો કિશોરકાળની શ્રદ્ધાથી જોયાં હતાં, ચમત્કારો માનવાની અને ન માનવાની વયસંધિના એ દિવસો હતા. વૃન્દાવનની મનમાં કેવી કલ્પના હતી! કૃષ્ણજીવનની કથાઓ સાંભળીને, પદો સાંભળીને એ વૃન્દાવનની રચના થઈ હતી, પણ વૃન્દાવનના વાસ્તવદર્શનો સાથે મનવૃન્દાવનનો કોઈ મેળ સધાતો ન હતો :
વાગે છે રે વાગે છે
વનરાવન મોરલી વાગે છે
એનો શબ્દ ગગનમાં ગાજે છે
વનરાવન મોરલી વાગે છે
એવાં એવાં પદોમાં સાંભળેલાં વર્ણનો ક્યાં અને આ વૃન્દાવન ક્યાં? સાચે જ આ એ વૃન્દાવન છે, જેને માટે ભક્ત કવિએ ગાયું હતુંઃ
મારું વૃદાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું?
કિશોરાવસ્થાની એ નિરાશાના ભાવની પડખે, તેમ છતાં, તે પછી આજ સુધી કલ્પનાનું વૃંદાવન ફરી ફરી રચાતું રહ્યું છે. તેમાં થોડા થોડા ફેરફાર થતા રહ્યા છે. નરસિંહ-મીરાં, દયારામ આદિ કૃષ્ણકવિઓનાં પદો વાંચતાં, વ્રજભાષાના અષ્ટછાપ કવિઓનાં, તેમાંય ખાસ કરીને સુરદાસ અને નંદદાસનાં પદો વાંચતાં, વિદ્યાપતિ, ચંડીદાસ જેવા ગૌડીયધારાના વૈષ્ણવ કવિઓનાં પદો વાંચતાં, ચૈતન્ય ચરિતામૃત વાંચતાં, ગીતગોવિંદ વાંચતાં, શ્રીમદ્ ભાગવત વાંચતાં આ વૃન્દાવન જેમ દરેક ભાવિક જનના હૃદયમાં રચાય, તેમ આ મારા મનમાં રચાયું છે. એ હવે આજના વાસ્તવિક વૃન્દાવનનાં દર્શનથી નંદવાશે નહિ, પણ એટલે આજના વૃન્દાવનનાં ફરીથી દર્શન કરવાનું ઔત્સુક્ય ઓછું નહોતું. ભલે ફરી વળી થોડાક નિરાશ થવાય.
રઘુવીરે કહ્યું કે વૃન્દાવન જઈશું? શ્રીકૃષ્ણના જીવનને અનુલક્ષીને તેઓ એક નવલકથા લખી રહ્યા છે. કેટલાય સમયથી લેખક રઘુવીર કૃષ્ણમય છે. તેમણે પણ એક વૃન્દાવન રચી કાઢ્યું છે. અમારા બંનેનાં વૃન્દાવન જુદાં જ હશે. દરેકનું પોતાનું એક વૃન્દાવન હોતું હશે!
અમદાવાદથી સર્વોદય એક્સપ્રેસમાં અમે નીકળ્યા, ત્યારે વરસાદ પડતો હતો. શ્રાવણમાં વૃન્દાવન જવાનું થયું એનો આનંદ હતો. અમારી બન્નેની જગ્યાઓ બારી પાસે સામસામે હતી. રસ્તે અમે બહુ ઓછી જ વાતો કરી. બારી બહાર વરસતા વરસાદમાં હરિયાળી ભૂમિ જોતા અમે મનના વૃન્દાવનમાં ભમતા હતા કદાચ.
ભાગવતકારે લખ્યું છે કે ઉદ્ધવજી શ્રીકૃષ્ણના કહેવાથી વિરહવિધુરા ગોપીઓને સાંત્વના આપવા મથુરાથી વૃન્દાવન ગયા હતા, પછી ગોપીઓનો કૃષ્ણપ્રેમ જોઈ સ્વયં ધન્ય થઈ ગયા. ગોપીઓ ઉદ્ધવજીનો સંદેશો સાંભળ્યા પછી કહેવા લાગી ગઈ હતી કે આ એ નદી છે જેમાં કૃષ્ણ વિહાર કરતા, આ એ પર્વત છે, આ એ વન છે, આ એ ગાયો છે … અરે આ એ વાંસળીનો અવાજ છે, જે કૃષ્ણ બજાવતા હતા. દિવસો પછીય શું ગોપીઓને હજુ એ વેણુરવ સંભળાતો હતો? કેવી અદ્ભુત તન્મયતા! કોઈ કોઈ ભક્તહૃદયને આજે પણ એ કદાચ સંભળાય – વાગે છે રે વાગે છે, વનરાવન મોરલી વાગે છે…
વરસાદ થંભ્યો હતો, પણ અંબર તો મેઘમેદૂર હતું એટલે ગીતગોવિંદનો પહેલો શ્લોક હું મનમાં ને મનમાં ગણગણવા લાગ્યો. પછી ધીમે ધીમે રાત્રિનો અંધકાર ઊતરી આવ્યો હતો. પરંતુ સવારમાં તો ગાડીની બારી બહાર જોયું તો દૂર સુધી વિસ્તરેલી હરિયાળી ભૂમિ પર કાચો તડકો પથરાયો હતો. હરિયાળી વચ્ચેનાં જલદર્પણોમાં સૂર્ય પોતાનું તેજસ્વી મુખ જોતો હતો. લાગ્યું કે આ વિસ્તારમાં ઘણો વરસાદ પડી ગયો છે. ક્યાંક તો ગામને જોડતો ઊંચો રસ્તો જ પાણી બહાર દેખાતો હતો. ભરતપુર આવ્યું એટલે હવે મથુરા આવવામાં.
કૃષ્ણની જન્મભૂમિમાં ઊતર્યા. કૃષ્ણજન્મ વખતે પણ મથુરા તો રાજધાનીનું નગર હતું, પણ સ્વયં કૃષ્ણ પણ આજે ન ઓળખી શકે. પગરિક્ષામાં બેસતાં રઘુવીરનું મન કચવાતું હતું, પણ ઉપાય નહોતો. બસસ્ટૅન્ડથી રાજ્ય પરિવહનની બસમાં મથુરાથી ‘વનરા તે વનને મારગે’ જવા નીકળ્યા. બસમાં ભયંકર ભીડ, તેમાંય આઈ.ટી.આઈ. મથુરાના સ્વચ્છંદી વિદ્યાર્થીઓ. ચાલુ બસે બારી બહાર નીકળી બસને છાપરે જાય અને છાપરેથી બારી વાટે બસમાં આવે-જાય. કોઈ કશું કહી ના શકે. તેમાં એક કન્યાને અનુલક્ષીને જેમતેમ બોલતા સાંભળી રઘુવીરે કડક શબ્દોમાં તેમને કહ્યું, તો સ્થાનિક વ્રજભાષામાં જાતજાતનાં વચનો કાઢવા લાગ્યા, પણ પછી ચૂપ રહ્યા.
મથુરા અને વૃન્દાવન વચ્ચે બહુ અંતર નથી. આપણને થાય કે કૃષ્ણ વૃન્દાવનથી મથુરા આવ્યા પછી કેમ કદી કોઈ વાર પાછા વૃન્દાવન ગયા નહિ? એ જાણતા હતા કે આખું વૃન્દાવન એમના વિના ઝૂરે છે, તોપણ. એમને પણ વ્રજ વીસરાતું નહોતું તોપણ. ઉદ્ધવને એમણે કહ્યું હતું: ‘ઉધો, મોહિ બ્રજ બિસરત નાહિ.’ ઉદ્ધવને મોકલ્યા પણ પોતે ગયા નહિ. અને ગોપીઓ પણ કેવી? આટલે અમથે છેટે મથુરા ના ગઈ. માત્ર કૃષ્ણને માટે સંદેશા જ મોકલ્યા કર્યા – એટલા સંદેશા કે એથી મથુરાના કૂવા ભરાઈ ગયા. ‘સંદેશનિ મધુવન કૂપ ભરે.’ કવિ સુરદાસના શબ્દો.
આવા વિચારો ચાલતા હતા એટલામાં તો બસે વૃન્દાવનમાં પ્રવેશ કરી દીધો હતો. રસ્તાની ધૂળ ઊડતી હતી. શું આ એ ધૂળ, જે પવિત્ર ‘વ્રજરજ’ કહેવાય છે? જેના પર શ્રીકૃષ્ણનાં અને શ્રીકૃષ્ણપ્રેમમાં મતવાલી વ્રજાંગનાઓનાં ચરણો પડ્યાં હતાં. ઉદ્ધવને એટલે તો થયું હતું કે આ વૃન્દાવન ધામમાં હું કોઈ લતા કે ઝાડી બની જાઉં, જેથી ગોપીઓની ચરણરજનું નિત્યસેવન કરવા મળે – ‘આસામહો ચરણરેણુ જુષામહં સ્યાં.’ શું આ એ વ્રજરજ, જેમાં ચૈતન્ય મહાપ્રભુ આળોટી પડ્યા હતા? જોકે ધૂળ પોતે અમારા પર પડતી હતી, પણ એવો ભક્તિભાવ ક્યાં હતો અમારામાં? બસમાંથી ઊતરી સીધા એક પગરિક્ષા કરી સ્વામી અખંડાનંદ સરસ્વતીના આનંદવૃન્દાવન આશ્રમમાં પહોંચી ગયા.
*
આનંદવૃન્દાવનમાં પ્રવેશ કરતાં એવું લાગ્યું કે આપણા તપોવનકાલીન આશ્રમોની પરંપરા ચાલુ હોત તો કદાચ તેનું એક આવું રૂપ આજે હોઈ શકત. વૃન્દાવનમાં બીજા આવા આશ્રમો છે.
સ્વામીજીએ પછી એક વાર્તાલાપમાં એવા અર્થનું કહેલું કે યે પેડ પૌધે ઔર પહાડ વૃન્દાવન નહીં હૈ… અહીંના એકએક મંદિર કે આશ્રમ પાછળ કોઈ ને કોઈ સંત મહાત્માનું તપ રહેલું છે. એ ઇતિહાસ જાણ્યા વિના વૃન્દાવનદર્શન અધૂરું રહે.
આનંદવૃન્દાવન આશ્રમ પણ સ્વામી અખંડાનંદજી જેવા જ્ઞાની સંન્યાસીના તપનું પરિણામ છે. સ્વામીજી પ્રકાંડ વિદ્વાન છે. એમના અનેક ગ્રંથો છે. ભાગવત વિશેનો એક ગ્રંથ તો રઘુવીરને ત્યાં જોયો હતો. રઘુવીરની યોજના એવી હતી કે વૃન્દાવન એવા દિવસોમાં જવું જ્યારે સ્વામીજી ત્યાં હોય. એ વખતે દિલ્હીથી અજ્ઞેયજી અને આગ્રાથી વિદ્યાનિવાસજીને પણ ત્યાં આવવાની અનુકૂળતા હોય.
અજ્ઞેયજી હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર છે, પણ એ વાત અહીં નથી કરવી; પરંતુ તેમણે કલ્પેલી અને કરેલી ભાગવતભૂમિયાત્રાની વાત કરીશ. ભાગવતભૂમિની આ યાત્રા એટલે વ્રજમંડલથી શરૂ કરી દ્વારકા અને પ્રભાસક્ષેત્ર સુધીની શ્રીકૃષ્ણની લીલાભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાયેલાં સ્થળોની યાત્રા.
વૈષ્ણવોમાં વ્રજચોરાશી કોશની પરકમ્મા તો જાણીતી છે, પણ એ લીલાભૂમિ ઉપરાંત તેમની કર્મભૂમિની યાત્રા જોડવાની વાત કોઈ કવિની ભાગવતી કલ્પનામાં આવે. ગયા ફેબ્રુઆરીમાં અજ્ઞેયજી અને અન્ય કેટલાક સાહિત્યકારો દ્વારકા આદિની યાત્રાએ આવી ગયેલા.
અજ્ઞેયજીના મનમાં આ બધાં સ્થળો એટલા માટે ભાગવતભૂમિ નથી કે તે માત્ર શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલાં છે, પણ એટલા માટે પણ છે કે પોતાને ભાગવત કહી ગૌરવનો અનુભવ કરનાર, સૈકાઓ સુધી કૃષ્ણ પ્રત્યે સમર્પિત ભાવથી જીવન જીવી જનાર કૃષ્ણલીલા ગાનાર સંત-ભક્તો-કવિઓની પણ ભૂમિ છે.
ભાગવતભૂમિની એ યાત્રા દરમ્યાન વૃન્દાવનના આ આશ્રમમાંથી તેમણે એક અશ્વત્થનો છોડ સાથે લીધેલો, જે પ્રભાસક્ષેત્રમાં શ્રીકૃષ્ણનો જ્યાં દેહોત્સર્ગ થયો મનાય છે, ત્યાં રોપ્યો છે.
અમે તો પહોંચી ગયા, પણ અજ્ઞેયજી હજી દિલ્હીથી આવ્યા નહોતા. આગ્રાથી વિદ્યાનિવાસજી પણ નહિ.
અમને આશ્રમની સામે વચ્ચે રસ્તો પાર કરી આશ્રમના જ બીજા વિભાગમાં ઉતારો આપ્યો. આતિથ્યભાર માથે લીધો હતો આશ્રમના અંતેવાસી જેવા શ્રી વિજયભાઈએ. તેઓ આત્મીય જેવા બની ગયા.
સ્નાન વગેરેથી પરવારી અમે બહાર નીકળ્યા. રઘુવીરે કહ્યું કે અહીં આશ્રમના આ ભાગના આંગણામાં એક તમાલનું ઝાડ છે, તે બતાવું. ગયા ઉનાળામાં જ તેઓ વિહંગગતિથી અહીં આવી ગયા હતા.
તેમણે એક નાતિઉચ્ચ વૃક્ષ પાસે જઈને કહ્યું – આ તમાલ, આ તમાલ?
કૃષ્ણ સાથે બે વૃક્ષો અભિન્ન રીતે જોડાયેલાં છે. એક કદંબ અને બીજું તે તમાલ. આ તમાલ એટલે, કૃષ્ણનું વૃક્ષરૂપ. કૃષ્ણલીલાની વાત કરતાં કવિઓ તમાલની વાત કરે જ. કવિ જયદેવના ગીતગોવિંદના પહેલા શ્લોકની પહેલી લીટીમાં જ તમાલ આવે છે. નંદ રાધાને કહે છે:
આકાશ મેઘથી મેદૂર થઈ ગયું છે.
વનભૂમિ તમાલ વૃક્ષોથી
શ્યામાયમાન થઈ ગઈ છે.
રાત પડી ગઈ છે
અને આ (કૃષ્ણ) બીકણ છે.
તો હે રાધા, એને તું ઘેર લઈ જા.
પછી કવિ ઉમેરે છે કે નંદની આવી આજ્ઞાથી માર્ગમાં આવતી કુંજોનાં વૃક્ષોને વટાવીને જતાં જતાં રાધાકૃષ્ણ યમુનાતટ પર જે કેલિક્રીડાઓ કરી તેનો જય હો.
પરંતુ આ સામે ઊભું તે તો હજી બાલ તમાલ છે. એનાં પાંદડાં હજી ઘનનીલ નથી લાગતાં. એના કૃષ્ણરૂપની હજી વાર છે.
કવિ વિદ્યાપતિનું એક ૫દ છે. એક વાર ચાંદની રાતે રાધા અને કૃષ્ણ બંને એક સ્થળે સામસામે ઊભાં છે, પણ એકબીજાંને જોતાં નથી. રાધાને થાય છે કે સામે તમાલ ઊભું છે અને કૃષ્ણને થાય છે સામે ચંદ્ર છે:
દુહુ મુખ હેરઇત
દુહુ ભેલ ધન્દ
રાહી કહ તમાલ
માધવ કહ ચન્દ.
રાહી એટલે રાધા. એનું મુખ એ ચન્દ્ર. કવિ પણ છે ને!
વૃન્દાવનમાં જમનાતીરે એક વખતે કદાચ તમાલનાં વન હશે. મન-વૃન્દાવનમાં તો એ આજે પણ છે, પણ વાસ્તવના આ વૃન્દાવનમાં આજે તો ગણીને ત્રણ તમાલ જોવાં મળ્યાં. કોણ જાણે તમાલ વિના અધૂરું લાગે છે. પણ કવિ પોતાની કલ્પનામાં એવી અધૂરપ શા માટે રાખે? વિરહિણી રાધાનું ચિત્ર એક કવિએ આ પરિવેશમાં કલ્પ્યું છે:
શ્યામલ તમાલવન
નીલ જમુનાર જલ
આ૨ દુટી છલછલ
નલિનનયન.
– શ્યામ તમાલવન છે, નીલ જમનાજીનાં જળ છે અને આંસુથી છલોછલ થતાં બે કમળનેત્ર છે. પંક્તિઓ વાંચતાં જ મન ખોવાઈ જાય છે, એ સનાતન વૃન્દાવનમાં.
હસ્તપ્રાપ્ય પર્ણસ્તબક નમાવી તમાલનું એક પર્ણ સ્મૃતિચિહ્ન રૂપે લઈ લીધું. પછી અમે રસ્તો ઓળંગી છાયાઘન વૃક્ષોવાળા મુખ્ય આશ્રમના પ્રાંગણમાં પહોંચી ગયા. વિદ્યાનિવાસજીનો સંદેશ લઈ તેમનો એક વિદ્યાર્થી આવ્યો છે, કે મિશ્રજી નહિ આવી શકે. મિશ્રજી સાથે ગીતગોવિંદની ચર્ચા કરવાની હોંશ હતી. પુસ્તક સાથે લીધું પણ છે.
સ્વામી અખંડાનંદજી તેમના નિવાસના દખણાદા વરંડામાં હીંચકે બેઠા હતા. સત્સંગીઓ સાથે જાણે ઉપનિષદ. ધર્મના ઉપદેષ્ટાનો કોઈ આવેગ-આદેશ નહિ. સ્વામી ગોવિંદાનંદજીએ અમારો પરિચય કરાવ્યો. રઘુવીરે સ્વામીજીના ‘ભાગવતદર્શન’ પુસ્તક વિશે મુંબઈના ‘જન્મભૂમિ-પ્રવાસી’માં લખેલું, તેનું કટિંગ સ્વામીજીના કોઈ ભક્તે અહીં મોકલાવેલું. સ્વામીજીએ તે સાંભળેલું.
અજ્ઞેયજી આજે આવવાના છે, તેની વાત પણ સ્વામીજીને કહી. અજ્ઞેયજીનું નામ સાંભળતાં તેમણે પરમ સ્નેહથી કહ્યું: અજ્ઞેયજી જેવા અંતર્દશી સાહિત્યકાર ઓછા હોય છે.
સભા ઊઠતાં અમે જમવા ગયા. આશ્રમમાં અતિથિઓના ભોજનની વ્યવસ્થા થાય છે. સૌ બેસી ગયા હતા. અમે પણ બેસી ગયા. ભોજન આશ્રમજીવનને અનુરૂ૫ સાદું, પરંતુ સાત્ત્વિક. પણ આશ્રમનું દહીં ખાતાં તો મને થયું કે વૃન્દાવનનું દહીં ખાવા બાલકૃષ્ણ અમસ્તી જ ચોરીઓ નહતા કરતા કે ગોપીઓની મટકીઓ નહોતા ફોડતા!
આશ્રમની પોતાની એક ગૌશાળા છે. તેનું આ દહીં. પછી તો દહીંનું માખણ પણું ખાધું અને દૂધ પણ ભરપૂર પીધું હતું.
*
આકાશમાં વાદળ હતાં, પણ દિવસ ખુલ્લો જ કહેવાય. આકરા તડકાની પરવા કર્યા વિના વૃન્દાવનની ગલીઓ વટાવતા જમનાતીરે જવા નીકળ્યા, વૃન્દાવન અને તેમાંય યમુનાતીર. હજારો કવિઓની કલ્પના મહોરી ઊઠી છે. નરસિંહ મહેતાની પંક્તિ સ્મરણમાં આવતી હતીઃ
કેણી પેરે ભરીએ
આછાં નીર રે
જમનાને આરે, વાલા!
ખરા બપોરની વેળાએ અમે જમુનાતીરે જતા હતા એમ જાણી કોઈ અમને અરસિક જરૂર કહેશે. ગીતગોવિંદકારની ‘ધીર સમીરે યમુના તીરે’ એ પ્રસિદ્ધ પંક્તિનું અમને સ્મરણ હતું. વૃન્દાવન, યમુનાતીર, કદંબની કુંજ, બંસીવટ, એની નીચેથી વહેતું થતું કૃષ્ણનું વેણુગીત, એ વેણુગીતથી ઘેલી બની દોડી આવતી ગોપીઓનાં વૃન્દ અને ઘરમાંથી નહિ નીકળી શકવાથી મનોમન હિજરાતી રાધા, એમ કલ્પના કરતાં તો આકાશમાં વાદળની બહાર આવીને સૂર્ય ધરતી પર લાવી દે.
ભાગવતકારે લખ્યું છે કે બાલકૃષ્ણની લીલા જોવા માટે એક વાર બ્રહ્માજીએ વાછરડાં અને ગોવાળિયાઓને ક્યાંક સંતાડી દીધાં. શ્રીકૃષ્ણે લીલા બતાવી બ્રહ્માનો મોહભંગ કર્યો હતો. તેઓ પોતે જ વાછરડાં અને ગોવાળિયા બની ગયા – ‘ઉભાયિતમાત્માનં ચક્રે.’ સદીઓથી ભક્તો ગાતા આવ્યા છે કે શ્રી પ્રભુની આ નિત્ય લીલાભૂમિ છે; પરંતુ આપણને તે લીલા ક્યાં જોવા મળવાની?
યમુનાતીરે પહોંચતાં અમારે પણ એક રીતે મોહભંગ થયો, અલબત્ત જુદા જ અર્થમાં. યમુનાતટની સ્થિતિ જોતાં બધી કલ્પના તો જતી રહી, મનને વ્યથા પણ પહોંચી. એવી કંઈક ધારણા તો કરી હતી. શ્રીહરિની લીલાભૂમિ આટલી અસ્વચ્છ કેમ?
પણ પછી તરત યમુનાનાં દર્શન થયાં. મનમાં થયેલી ગ્લાનિ ઓછી થઈ. યમુના બરાબર કાંઠે ઘસાઈને વહેતી હતી, વરસાદનાં મટમેલાં પણ તાજાં ભરપૂર પાણી વહી રહ્યાં હતાં. હોડીઓ ફરતી હતી. પ્રવાહની પાર યમુનાની રેત ચમકતી હતી.
ખરેખર તે આજે રાત્રે આવવા જેવું હતું. ગઈ કાલે પૂર્ણિમા હતી, આજે વદ એકમ છે. પણ ચંદ્ર આજે પંદર કળાએ તે પ્રકટશે. એવા સમયે આવીએ તો મનના વૃન્દાવન સાથે આ વૃન્દાવનનો કશોક સંવાદ રચાય. હોડીઓ ફરતી જોઈ થયું તે ખરું –
માછીડા ઉડી હલકાર
મારે જાવું હરિ મળવાને…
પણ એમ હરિ મળે?
એક પંડાએ કહ્યું – આ ચીરઘાટ. ચીરઘાટ એટલે યમુનામાં નગ્ન નાહવા પડેલી ગોપીઓનાં ચીર હરી શ્રીકૃષ્ણ જ્યાં તટ પરના કદંબ પર ચઢી ગયા હતા તે સ્થળ. પંડાએ કહ્યું પણ ખરું, આ જ એ કદંબ.
કદંબ પણ તમાલની જેમ કૃષ્ણના નામ સાથે જોડાઈ ગયેલું છે. કદંબ ફૂલ સંસ્કૃત કવિતામાં રોમાંચનું નિર્દેશક છે. સાચે જ એ ફૂલ રોમાંચ જગવે એવું છે, પણ લાગ્યું કે આ અસલી કદંબ નથી. કદંબ ખરું પણ બીજા પ્રકારનું.
પાણીમાં ઊભેલી ગોપીઓ એમ માનતી હતી કે કૃષ્ણથી અમારી કાયાને અમે સંતાડી રાખી છે, પણ એ ગોપીઓ એ વાત ભૂલી ગઈ હતી કે સર્વવ્યાપ્ત કૃષ્ણ એ જળમાં પણ છે, એટલું જ નહિ, કૃષ્ણ પોતે જ એ જળસ્વરૂપ છે.
કાલીદહનું સ્થાન જોતાં જ કાલિયદમનની લીલાનું સ્મરણ થયું. નરસિંહ મહેતાનું નાગદમનનું પ્રસિદ્ધ પ્રભાતિયું આખું ને આખું મુખસ્થ છે. એ પ્રભાતિયું ભણાવતાં શિક્ષકે કહેલી કૃષ્ણજીવનની ઘટનાઓ ચિત્તમાં જડાઈ ગઈ હતી. ચમત્કારો ન માનવાની એ વય નહોતી; પરંતુ પછી પણ નાગદમનની આ લીલાની વાત રોમહર્ષણ જ રહી છે.
બાલકૃષ્ણે કાલિયનું દમન કરીને યમુનાનાં જળને વિષમુક્ત કર્યાં હતાં. એ ઘટનાને સ્મરી એક કવિએ ગોપીમુખે એક હૃદયસ્પર્શી ઉક્તિ કહેવડાવી છે. કૃષ્ણ મથુરાથી પાછા આવતા નથી. કયે બહાને અહીં તેડાવવા? મથુરાથી આવેલા પથિકને ગોપી કહે છે –
હે મથુરાના પ્રવાસી, ત્યાં જઈને કૃષ્ણના દ્વારે તારસ્વરે ઉચ્ચારજે કે કાલિંદીનાં જળ ફરી વિષજ્વાળાએ સળગી ઊઠ્યાં છે.
આ વખતે વિષની જ્વાળા કાલિયના વિષની નથી, કૃષ્ણના વિરહના વિષની છે.
એ તે ત્યારે જ શમે, જ્યારે કૃષ્ણ પધારે.
યમુનાતીરે પરકમ્માનો માર્ગ જોયો. સમય હોત તો પરકમ્મા અવશ્ય કરત, પણ એ તો હવે શ્રીહરિનો અનુગ્રહ થાય ત્યારે. અમે ઘાટ પરથી પાછા ફર્યા. રસ્તે બજારમાંથી તુલસીની માળા ખરીદી. વૃન્દા એટલે તુલસી. વૃન્દાવન એટલે તુલસીનું વન. દુકાનમાં સૂકવેલી તુલસીના ઢગ હતા. તેમાંથી મણકા બનતા હતા. ‘વૃન્દાવન માહાત્મ્ય’ નામની એક ચોપડીમાં જોયું કે શ્રી રાધિકાજીનું નામ પણ વૃન્દા છે. આ કારણે પ્રિયાજીના નામથી ઓળખાતા આ વનને લોકો વૃન્દાવન કહેવા લાગ્યા.
આનંદવૃન્દાવન આશ્રમમાં ઉતારે આવી થોડોક આરામ કર્યો. પછી સાંજે મુખ્ય આશ્રમમાં ગયા. સ્વામી અખંડાનંદજી હવે પ્રવચનો આપતા નથી. માત્ર જિજ્ઞાસુઓના પ્રશ્નોના ઉત્તર આપે છે. એ પ્રશ્નોત્તરીમાં હાજર રહેવું હતું. ત્યાં જતાં જ ખબર પડી કે અજ્ઞેયજી આવી ગયા છે. અમે એમને મળ્યા. ખૂબ આનંદ થયો. પ્રશ્નોત્તરીની સભામાં અમે હાજરી આપી. ઘણી ઊંચી ભૂમિકાએ પ્રશ્નોત્તર થતા રહ્યા. બહાર મયૂરોની કેકા સંભળાતી હતી.
આનંદવૃન્દાવન વિશે સ્વામી અખંડાનંદ સરસ્વતીએ રચેલો અને આનંદવૃન્દાવનની ભીંતે કોતરેલો એક શ્લોક છે:
રાધામાધવકેલિગંધમધુરં દોલાકદંબાસ્પદમ્
દીવ્યત્પ્રીતિ લતાપ્રસૂનપવનં મુક્તાસરશ્ચુમ્બિતમ્
કૂજત્કોકિલ મુન્મદાલિકમલં નૃત્યન્મયૂરાન્તરમ્
કિંકિં ચેતસિ ના દધાતિ ભજતામાનન્દવૃન્દાવનમ્
અધિક શ્રાવણ અને શ્રાવણના દિવસોમાં વૃન્દાવનમાં ઠેર ઠેર રાસલીલાઓ થાય છે. રાસલીલામાં ગવાતાં પદોને ‘રસિયા’ કહે છે. આપણા ગુજરાત-સૌરાષ્ટ્રના રાસ સાથે આ રાસનો મેળ નથી. ભાગવતમાં જે એક એક ગોપી એક એક કૃષ્ણના મંડલાકાર રાસની કલ્પના છે, તેનાથી પણ આ અલગ છે. તેમાં કૃષ્ણજીવનની લીલાઓનાં નાટ્ય રૂપ ભજવાય છે. ક્યાંક સ્થિર ઝાંકી—યુગલરૂપનું દર્શનમાત્ર હોય છે.
આનંદવૃન્દાવનના એક ખડમાં ઝાંકીનાં દર્શન કર્યાં.
રાધાકૃષ્ણ બનેલા કિશોરોનાં દર્શન કરી અનેક ભાવિકો પ્રણામ કરી દ્રવ્યાદિ અર્પણ કરતાં હતાં. આશ્રમની બહાર આવ્યા. જોયું તો ઠેર ઠેર રાસલીલા માટે મંડપ બંધાયા હતા. સાંજે અમે ઊડિયા બાબાના આશ્રમમાં રામકથા સાંભળવા ગયા. કથાવાચકની અભિવ્યક્તિ-રીતિ, ગાન ઉત્તમ હતાં. અહીં અમને સ્વામીજીએ એક પ્રાચીન તમાલ બતાવ્યું.
અંધારું ઊતરતાં બાંકેબિહારીજીના મંદિરે જવા નીકળ્યા. અજ્ઞેયજી સાથે હતા. વૃન્દાવનમાં મંદિરોનો તો પાર નથી, પણ કેટલાંક વધારે માહાત્મ્યવાળાં છે. તેમાં એક તે બાંકેબિહારીજીનું. મંદિરે પહોંચ્યા ત્યારે મંદિર ભક્તોથી ભરાયેલું હતું. મંદિરમાં પરદો ખૂલે ને બંધ થાય, ખૂલે ને બંધ થાય. એ રીતે જ દર્શન કરવાનાં. કહે છે કે સતત પરદે ખુલ્લો રહે તે બાંકેબિહારી ક્યાંક ભાગી જાય. એક વખત ભાગી ગયા હતા!
મંદિરમાં દર્શન કરી બહાર આવ્યા. રઘુવીરે બાંકેબિહારીની છબી ખરીદી. આનંદવૃન્દાવનમાં જ્યારે આવ્યા ત્યારે ખુલ્લા આકાશમાં પૂર્ણિમા-પ્રકલ્પ ચંદ્ર ચઢ્યો હતો. મન યમુનાતીરે પહોંચી ગયું. ત્યાં ધીર સમીર વાતો હશે, પણ શું ત્યાં વનમાલી પણ હશે? નિત્ય વિહારિણી રાધાજી પણ હશે?
*
વ્રજભૂમિમાં એક વાર ઇન્દ્રયજ્ઞની તૈયારી થતી જોઈને, બધું જાણવા છતાં, શ્રીકૃષ્ણે નંદબાબા અને બીજા વડીલોને પૂછ્યું : ‘આ ઉત્સવનું આયોજન કોના માટે છે? જવાબમાં નંદબાબાએ કહ્યું હતું કે મેઘોના સ્વામી ભગવાન ઇન્દ્રની યજ્ઞ દ્વારા પૂજા કરવાની છે. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘પિતાજી, આપણી પાસે કોઈ જનપદ પણ નથી અને નગર પણ નથી, ગામ કે ઘર પણ નથી. આપણે તો હંમેશના વનવાસી છીએ. વન અને પર્વતે એ આપણાં ઘર છે. તો આપણે ગાયોની પૂજા કરીએ, ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરીએ. ઇન્દ્રની પૂજા શા માટે?’
પછી તો, ગુસ્સે થયેલા ઇન્દ્રે મેઘોને વ્રજભૂમિ પર તૂટી પડવાની આજ્ઞા કરી. બારે મેઘ ખાંગા થયા. બાળક જેમ બિલાડીની છત્રી ઉખાડી લે તેમ શ્રીકૃષ્ણે લીલયા ગોવર્ધન પર્વતને ઉપાડી એક હાથ પર ધારણ કરી સૌ વ્રજવાસીઓની અને ગાયોની રક્ષા કરી. સાત દિવસ સુધી ગોવર્ધનગિરિને ધારણ કરી શ્રીકૃષ્ણ ગિરિધારી બની રહ્યા.
ભાગવતકારે અને પછી અનેક કવિઓએ ગોવર્ધનધારણની લીલાને કવિત્વમય રીતે ગાઈ છે. એક શતાનંદ નામના કવિ લખે છે કે ગોવર્ધન ધારણ કરતાં કૃષ્ણને થતા કષ્ટની કલ્પના કરીને રાધા વ્યથા પામે છે અને તેમને મદદ કરવાના ખ્યાલથી શૂન્યમાં ગોવર્ધન ધારણ કરવાની કૃષ્ણની નકલ કરતાં અમથા હાથ હલાવી રહી છે.
તો વળી બીજો એક કવિ કહે છે કે કૃષ્ણે ગોવર્ધન ધારણ કર્યો છે, બધી ગોપીઓ સાથે રાધા પણ તેમને તાકતી જોઈ રહી છે. બીજી ગોપીઓ રાધાને કહે છે કે તું કૃષ્ણની નજર આગળથી ખસી જા. તને જોતાં પ્રેમને કારણે તેમના હાથ ઢીલા પડી જશે. પણ ગોપીઓને મોઢેથી રાધાને નજર આગળથી ખસવાની વાત સાંભળતાં ગિરિ ધારણ કરવાના શ્રમથી કૃષ્ણ જાણે જોરથી શ્વાસ લેવા લાગ્યા!
આજ સવારથી ગિરધર નાગરની એ લીલાભૂમિ જોવા મન ઉત્સુક હતું. ગિરિ ગોવર્ધન થઈ પછી શ્રીરાધાના ગામ બરસાના થઈ, પછી નંદગાંવ જઈ બપોર સુધીમાં પાછા આનંદવૃન્દાવનમાં આવી જવાની અમારી યોજના હતી. એક રીતે તે નાનકડી પરકમ્મા, પણ મોટરગાડીમાં બેસીને.
અજ્ઞેયજી તો આમેય ઓછું બોલે છે, પણ તેમણે વાત શરૂ કરી. ભાગવતભૂમિની પોતાની યાત્રા દરમિયાન તેમણે આ બધાં સ્થળો જોયાં હતાં અને એને વિશે તાજેતરમાં જ એક લેખમાળા સાપ્તાહિક ‘હિન્દુસ્તાન’માં લખેલી. તેમાં ગોવર્ધન વિશે તેમણે જે લખેલું તેનાથી ઘણી વ્રજસંસ્કૃતિના ચાહકોને આઘાત થયેલો. તેમણે લખ્યું હતું, ‘ગોવર્ધન હૈ કહાં? ક્યોંકિ વહાં અબ પર્વત તો ક્યા એક ટીલા ભી નહીં હૈ…’ આ વાંચી મથુરામાં એક સભા થયેલી અને એ સભાએ એમ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે, ગિરિરાજ ગોવર્ધન વિશે આવું લખીને અજ્ઞેયજીએ વ્રજસંસ્કૃતિનું ઘોર અપમાન કર્યું છે… વગેરે.
મને અને રઘુવીરને પણ એ તો હતું કે ગોવર્ધન બહુ ઊંચો પહાડ નહિ, તે પહાડી તો જરૂર હશે, અને તે પણ ‘ગો’ કહેતાં ગાયનું વર્ધન કરનારી પહાડી; પરંતુ, આ ગોવર્ધન પર્વત માટે ગોવર્ધન કે ‘પહાડી’ જેવા શબ્દો બોલવા-લખવા હવે અડવા લાગે છે. અહીં સર્વત્ર બધે ‘ગિર્રાજ ગોવર્ધન’ એવા કે ‘ગિર્રાજ’ (ગિરિરાજ) એવા આદરવાચક નામથી જ તે બોલાય છે.
કૃષ્ણભક્તિનાં અસંખ્ય પદો, ભજનમાં પણ ‘કૃષ્ણ’ કરતાં કદાચ ‘ગિરિધર’ કે ‘ગિરધર’ નામ વધારે આવતું હશે. એક મીરાંબાઈમાં આ ગિરધર કેટલી વાર આવે છે! તેમની પેલી અમર પંક્તિ :
મેરે તે ગિરધર ગોપાલ…
કે પછી તેમના નામ સાથે જડાઈ ગયેલી પેલી ભણિતા :
બાઈ મીરાં કે’ પ્રભુ ગિરધર નાગર…
આપણા સૌનાં સ્મરણમાં છે. કદાચ ‘ગિરિધર’ સ્વરૂપ સાથે આપત્તિમાંથી ત્રાણકર્તા શ્રીહરિનો ભાવ જોડાઈ ગયો હશે.
આજુબાજુ લીલાંછમ્મ ખેતરો વચ્ચેની કાળી સડક પરથી અમારી ગાડી પસાર થતી હતી. પછી એક વળાંક આવ્યો. અમે ‘ગિર્રાજ ગોવર્ધન’ની દિશામાં વળ્યા. પણ મોટર હવે વેગથી ચાલી શકે તેમ નહોતી.
પહેલાં તો ખબર ન પડી, કેમ આટલા બધા લોકો સડકની બે બાજુએ અને સડક પર પણ છે. ત્યાં એક બાઈ પર નજર પડી. એણે સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. પ્રણામ કરતાં હાથ જેટલે પહોંચ્યો, ત્યાં એક પથ્થર મૂક્યો. પછી ઊભા થઈ તે પથ્થર હાથમાં લઈ ફરી ભૂમિ પર સાષ્ટાંગ પ્રણામ કર્યાં અને હાથ પહોંચ્યા, ત્યાં પથ્થર મૂક્યો. પછી તો આવી એક નહિ, બે નહિ, સો બસો હજારોની સંખ્યા જોવા મળી.
ગિરિરાજ ગોવધર્તનની આ પરકમ્મા હતી. પગે ચાલીને, પણ તે સાથે આમ સાષ્ટાંગ પ્રણામ કરતાં કરતાં… અમારે માટે પરમ આશ્ચર્યકારક દૃશ્ય હતું. આમ સાત કોસની પરકમ્મા ક્યારે કરી રહેશે? કેટલાંકનાં વસ્ત્ર સડક સાથે ઘસાતાં ફાટી ગયાં હતાં. ઢીંચણ અને કોણીઓ છોલાઈ ગઈ હતી. આખે શરીરે પરસેવા સાથે ધૂળ ચોંટી હતી; પણ એ પ્રણામ કરતાં જઈ પરકમ્મા કરતાં જતાં હતાં. કિશોરીઓ હતી, કિશોરો હતા, પણ વધારે તો પ્રૌઢયુવાન સ્ત્રી-પુરુષો હતાં. આ સૌ કઈ શ્રદ્ધાને બળે આટલું કષ્ટ સહીને પરકમ્મા કરતાં હશે! આપણી બુદ્ધિ અેનો કદાચ જવાબ આપી શકશે નહિ.
રસ્તાની ધારે વિશાળ પાકા ઓવારાવાળું સરોવર આવ્યું. સરોવરને સામે કાંઠે મોગલ શૈલીનું સ્થાપત્ય ધરાવતી ઇમારતો સુંદર લાગતી હતી. પણ હવે બધું જીર્ણ થવા લાગ્યું હતું. અમે એક સ્થાનિક વ્યક્તિને પૂછ્યું કે ઇસકી મરમ્મત ક્યોં નહીં હોતી? એણે કહ્યું – મરમ્મત તે ક્યા, ઝાડુ ભી લગના મુશ્કિલ હૈ. મને થતું હતું કે, એક બાજુ, આટલો બધો આપણો ભક્તિભાવ અને બીજી બાજુ તીર્થસ્થાનોની ઘોર અવજ્ઞા! અજ્ઞેયજી તસવીરો લેતા હતા. ખુલ્લા આકાશમાં ક્યાંક માત્ર વાદળ હતાં.
મોટરમાં જતાં અમારા માર્ગદર્શકે આંગળી ચીંધી —ગોવર્ધન પર્વતનું આ ઊંચામાં ઊંચું સ્થળ. સાચે જ? થોડાક ઊંચાનીચા આડાઅવળા પથ્થર પડેલા હતા? અમને તો હતું કે હજી ઊંચું સ્થળ આવશે, પણ આ ગોવર્ધન? ભક્તોને મન એ પણ કૃષ્ણનું એક વિગ્રહરૂપ છે. આ ગોવર્ધનનો એક એક પથ્થર પૂજાને પાત્ર છે. મોટરમાંથી ઊતરી એ સ્થળે અમારે જવું હતું, પણ માર્ગદર્શકે કહ્યું કે ગિરિરાજનું મુખ આપણે જોઈશું. અહીં ઊતરવાની જરૂર નથી. આજે હવે રહી રહીને થાય છે કે એની વાત માનીને ઠીક કર્યું નહોતું. ઊતરવું જ જોઈતું હતું. પરકમા કરનારાઓથી રસ્તા ભરેલા હતા. ગિરિરાજનો જયઘોષ થતો હતો. એ પરકમ્મા કરનારાઓમાં એક કિશારી કન્યા અને એક છોકરાની તસવીરો સ્મરણમાં અંકિત રહી ગઈ છે. કેટલાંક દૂધની ધાર કરતાં પરકમ્મા કરતાં હતાં. અધિક શ્રાવણ માસના દિવસોમાં આ પરકમ્માનું વિશેષ માહાત્મ્ય હશે. ગિરિરાજ ગામ પણ આવી ગયું.
ગોવર્ધનધારણ મંદિરમાં હું અને રઘુવીર ગયા. અજ્ઞેયજી મોટરમાં જ બેસી રહ્યા. આ મંદિરમાં ગોવર્ધન પર્વતનું અથવા ગિરિરાજનું મુખારવિંદ છે. અહીંથી એમનો આરંભ છે. એક કાળો શિલાખંડ છે, તેને સ્પર્શ કરી ગિરિરાજનો સ્પર્શ કરી લીધો. અમે આગળ ચાલ્યા. અહીં આવેલાં પવિત્ર સ્થળો રાધાકુંડ અને કૃષ્ણકુંડની વાત નીકળી. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે વૃન્દાવન આવ્યા હતા અને તેમણે રાધાકૃષ્ણની જે જે લીલાસ્થલીઓ ઓળખી બતાવી હતી તેમાં આ રાધાકુંડ અને કૃષ્ણકુંડ પણ છે.
અમારી મોટર હવે જુવારનાં ખેતરો વચ્ચેથી પસાર થતી સડકે દોડતી હતી. એક સમયે આ વિસ્તાર ગોચરભૂમિ હશે, કે વનાચ્છાદિત હશે. ત્યાં દૂર એક હરિયાળ પહાડી દેખાઈ. એ પહાડી પર વસ્યું છે, ગામ બરસાના. રાધાનું એ ગામ.
*
બરસાના આવતાં ગાડી મુખ્ય સડક પરથી વાળી ગામના પાદર વચ્ચે જઈ ઊભી રાખી. અહીંથી ઉપર જવા માટેનાં પગથિયાં શરૂ થતાં હતાં. મોટર જેવી ઊભી રહી કે કેટલાક કિશોરો અને કેટલાક ડોળીવાળા મોટરને ઘેરી વળ્યા.
અજ્ઞેયજીએ કહ્યું કે એક બીજે રસ્તે થઈ છેક ઉપર સુધી મોટરમાર્ગે પણ જવાય છે. અમારા માર્ગદર્શકે વળી પાછા અમને નિરુત્સાહ કર્યા: કહે કે એ સડક બહુ સારી નથી. થોડી વાર અનિર્ણયની સ્થિતિ રહી. પગથિયાં ચઢવાનાં હોય તો અજ્ઞેયજી નહિ આવે. તેમણે કહ્યું પણ ખરું કે તમે લોકો જઈ આવો.
પરંતુ તેમની સાથે અમારે રાધાનું ગામ જોવું હતું. ગામના પેલા કિશોરોએ કહ્યું કે સડક પર થોડા પાછા જઈ ઉપર જવાનો મોટર રસ્તો છે. અમે એક પ્રયાસ કરી જોવાનો વિચાર કર્યો. મોટર પાછી વાળી. એક કાચી-પાકી સડક ઢાળ ચઢતી ઉપર તરફ જતી હતી. થયું કે હવે મોટર સહેલાઈથી ઉપર સુધી જઈ શકશે. ત્યાં ઢોળાવના એક સાંકડા વળાંકે મોટર અટકી જતી લાગી. ત્યાં ‘રાધેજી કી જય’ બોલતા ત્રણચાર કિશોરાએ ગાડીને પાછળથી ઠેલવા માંડી અને ગાડી વળાંક પસાર કરી ગઈ. દક્ષિણાની આશાએ કિશોરો ગાડી સાથે દોડવા લાગ્યા હતા.
ઢોળાવ અડધો ચઢ્યા ત્યાં સુધી ગામનાં ઘર આવતાં હતાં, હવે લીલી વનરાજિ શરૂ થઈ ગઈ. શ્રાવણમાં એ ઘનનીલ લાગતી હતી. આકાશમાં આછાં વાદળ હતાં. તડકો નીકળી આવતો, છતાં એક જાતની ભીનાશ અનુભવાતી હતી. અપેક્ષાભંગ થવાને કારણે ગિરિરાજ ગોવર્ધનના દર્શનથી અપ્રસન્ન થયેલું મન રાધાના બરસાનાની શોભા જોઈ જાણે ઇષ્ટનાં દર્શન થતાં હોય તેમ પ્રસન્નતા અનુભવી રહ્યું.
તો શું આ રાધાનું ગામ છે? એનું કોઈ ઐતિહાસિક કે પૌરાણિક પ્રમાણ? પણ સ્વયં રાધાનું જ ક્યાં કોઈ ઐતિહાસિક કે પૌરાણિક પ્રમાણ છે? ખરેખર રાધા જેવી કોઈ થઈ છે ખરી? ભાગવતકારે રાસલીલાના પ્રસંગે સૌભાગ્યગર્વિતા ગોપીઓ વચ્ચેથી શ્રીકૃષ્ણના અંતર્ધાન થઈ જવાનો પ્રસંગ આલેખ્યો છે. વિરહવ્યાકુળ ગોપીઓ શરદની ચાંદની રાતે યમુનાપુલિન પર કૃષ્ણને શોધે છે. ત્યાં કૃષ્ણનાં પગલાં જુએ છે અને એ પગલાંની હાર સાથે બીજાં પણ પગલાંની છાપ જોઈ કહે છે — ‘અનયા, રાધિતો નૂન ભગવાન હરિરીશ્વર:’ આ એક ગોપીએ જ ભગવાનને સેવ્યા છે, જે આપણને છોડી એની એકલી પર પ્રેમ બતાવી એકાંતમાં લઈ ગયા છે.
આ ગોપી તે રાધા હશે. ભાગવતકારે નામ પાડીને ક્યાંય વાત કરી નથી. હા, ‘રાધ્’ ધાતુ પરથી બનેલો શબ્દ ‘આરાધિત’ છે, એટલું. પણ આપણે જોઈએ છીએ કે રાધા નામ શ્રીકૃષ્ણ સાથે આવીને એવું તે જોડાઈ જાય છે કે શ્રીકૃષ્ણની નિત્ય લીલાસંગિની જ નહિ, સમગ્ર વૈષ્ણવ ધર્મની અધિષ્ઠાત્રી દેવતા બની, જાય છે. એ નામે કૃષ્ણના નામને ગૌણ બનાવી દીધું, કૃષ્ણ બની રહ્યા રાધારમણ કે રાધાવલ્લભ. તેમનું જે માહાત્મ્ય તે તો શ્રી રાધાને લીધે.
આખી વ્રજભૂમિમાં પણ રાધાજીની જ આણ છે. એ વૃન્દાવનેશ્વરી છે. અહીં યાત્રીઓ સૌ એકબીજાને ‘જય રાધે’ કહીને અભિવાદન કરે છે. અહીં સૌ ભાવિકોને મોંએ ‘રાધે રાધે’ જ સંભળાય છે. કૌતૂહલનો વિષય તો એ છે કે આખી ભારતભૂમિના માનસને રસપ્લાવિત કરી દેતું આ નામ ક્યાંથી આવ્યું હશે! હા, ભાગવત પહેલાં ક્યાંક પ્રાકૃત-સંસ્કૃત કવિતામાં રાધા નામ આવ્યું છે. પ્રાચીન ગોપસંસ્કૃતિમાં રાધા નામ પ્રેયસીનો પર્યાય બની ગયો હશે. ગીતગોવિંદકારે રાધામાધવના નામને અભિન્ન કરી દીધું. ધર્મક્ષેત્રે રાધાજીની પ્રતિષ્ઠા થઈ ગઈ હશે. રાધા ભારતીય ચેતનામાં ચિર પ્રેયસીનું પ્રતીક બની ગઈ. નિત્યપ્રેમ-સ્વરૂપિણી. આજે પણ પ્રેમમાં પડતી કોઈ પણ કિશોરી યુવતી એટલે રાધા. એથી આજ સુધી કવિઓ રાધાને ગાતાં થાક્યા નથી. થાકશે પણ નહિ. તો રાધા જરૂરી થઈ હશે. આટલાં બધાં કવિઓ, ચિત્રકાર, સંગીતકારો, ભક્તો કંઈ ખોટાં હોય! કિશનગઢના એક કલાકારે આંકેલી રાધાની પેલી સુંદર છબી જોઈ હશે.
બરસાના એ રાધાનું ગામ હોઈ શકે એવું પ્રીતિકર લાગ્યું. રાધા તો અહીંના વૃષભાનુરાજાની કન્યા હતી. અમારી મોટર ગામની આ પહાડી પર ભરતપુરના મહારાજાએ બનાવેલ શ્રીકુશલવિહારજીના ભવ્ય મંદિરના પ્રાંગણમાં ઊભી રાખી. પેલો ધક્કો મારનાર કિશોરો પહોંચી ગયા હતા. તેમને રાજી કરવા જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયા. તેમની સંખ્યા અને દક્ષિણાની આશા વધતી ગઈ. તેમાં પછી ઉમેરાયા અહીંના પંડાઓ. તેમણે અમને રાધાલોકમાંથી એકદમ ધરતી પર લાવી દીધા.
પરંતુ અહીંની શોભાએ તરત અમારી મનોવૃત્તિ બદલી નાખી. શ્રાવણનું આકાશ, બરસાનાની આ હરિયાળી પહાડી અને તેમાં મોરલાનો પ્રદીર્ઘ કેકારવ સંભળાયો, જે આખી પહાડી પર વ્યાપી વળ્યો. અમારી ચેતનાને રણરણાવી ગયો. ત્યાં પપીહાએ એને સાથ આપ્યો. ક્યાંકથી આવી મીરાંબાઈની પંક્તિઓ સ્મરણમાં અથડાઈ:
રાધે તારા ડુંગરિયા પર
બોલે ઝીણા મોર
મોર હી બોલે
બપૈયા હી બોલે
કોયલ કરે કલશોર…
મનમાં થયું કે મીરાંના આ પદમાં જે ચિત્રણ છે, તેની આ ઉદ્ભવસ્થલી છે. આ જ આ પ્રસિદ્ધ પદનો લૅન્ડસ્કેપ. વૃન્દાવનવાસનાં વરસોમાં મીરાંબાઈ રાધાને ગામ આવ્યાં હશે. શ્રાવણની ત્રીજ હરિયાળી ત્રીજ કહેવાય છે. એનું ઘણું માહાત્મ્ય છે. એવા મેઘભર્યા દિવસોમાં આવ્યાં હશે અને મોર કેકારવ કરતા હશે, ઝરમર ઝરમર વરસતા મેહુલાથી એમના સાળુડાની કોર ભીંજાઈ હશે.
હવે રાધાની સાથે મીરાંની સાંભરણ ભળી એક થઈ ગઈ.
પહાડીને ઉગમણે છેડે રાધાનું મંદિર છે. એ શ્રીજી મંદિર કહેવાય છે. મંદિરમાં રાધાકૃષ્ણની યુગલમૂર્તિ છે. ત્યાં બેસી કેટલીક બહેનો રસિયા ગાતી હતી. મંદિરના ખુલ્લા પ્રાંગણમાંથી નીચે એક બાજુએ ગામ દેખાતું હતું.
એક પંડાએ બલાત્ અમને સેવા આપવા માંડી. અજ્ઞેયજીનો આજનો પોશાક કોઈ આચાર્ય જેવો ગૌરવાસ્પદ હતો. જુદે જુદે સ્થળેથી તેઓ તસવીરો લેતા હતા. પંડાને ઘણી આશા બંધાઈ હતી. એ મંદિરની વાત કરવા લાગ્યો. મંદિરના ઉત્સવોની વાત કરવા લાગ્યો. એણે બરસાનાની હોળીની વાત કરી. ‘હોરીમેં લાજ ન કર ગોરી’ – એવી લીટીઓ બોલતાં તેણે અહીંની ‘લઠ્ઠામાર’ હોળીની વાત કરી. બરસાનાની સખીઓ અને નંદ ગામના ગોવાળિયા વચ્ચે હોળી ખેલાય છે. તે દિવસે સખીઓ ગોવાળિયાઓને લાકડીથી ફટકારે. તે દિવસે ગોવાળિયાઓ માર ખાય! આ હોળી પ્રસંગના અનેક રસિયા એટલે કે ગીત છે. અજ્ઞેયજીનું કહોવું છે કે આ હોળી તે પ્રાચીન મદનોત્સવનો જ અવશેષ છે. હોળી પ્રસંગે અહીં અનેક યાત્રીઓ, દર્શનાર્થીઓ આવે છે.
શ્રીજીના મંદિર પાસે જૂના મંદિરનાં ચિહ્નો છે. અહીંથી પંડાઓના હાથમાંથી માંડ છૂટી પહાડીને બીજે છેડે ગયા, પણ એક ભાગવતી પંડિત વળી પાછો રઘુવીરની પાછળ પડી ગયો. આનંદવૃન્દાવનથી નીકળ્યા ત્યારે સ્વામી અખંડાનંદજીએ પંડાઓની બાબતમાં અમને યોગ્ય રીતે જ સાવધ કર્યા હતા. પહાડીને છેડે જવા ગયા ત્યાં લાંબો કેકારવ કરતો એક મોર ઊડી ગયો. અહીંથી નીચેનાં લીલાંછમ ખેતરો દેખાતાં હતાં, મનમાં થતું હતું કે થોડો વરસાદ વરસી જાય તો કેવું! પણ માગ્યા મેહ ક્યાં વરસે છે!
પછી અમે પહાડી પરના ગહ્વરવનમાં પ્રવેશ કર્યો. ગાઢી વનરાજિ હતી. અદ્ભુત શાંતિ હતી. પેલા ભાગવતી પંડિતને ફરી વાચા ફૂટી — પ્રિયાજી યહાં લીલા કિયા કરતીં થીં, ઘૂમતી રહતીં થીં. વહાં તાલાબ બને હુએ હૈં, કુંજ બને હુએ હૈં…
એક રસિયાની લીટીઓ એ બોલ્યા :
કાન્હા બરસાને મેં આ જઇયો,
બુલાય ગઈ રાધા પ્યારી…
ગહ્વરવનમાં એક ગહન અનુભૂતિ થતી હતી. રાધાકૃષ્ણની આ લીલાભૂમિ! રાધાનાં દર્શન કરવા અહીં કૃષ્ણ કેટકેટલા વેશ બદલીને આવતા! ક્યારેક વૈદ બનીને, ક્યારેક છૂંદણાં ગોદનાર બનીને, ક્યારેક બંગડીવાળા બનીને… કોઈ પણ ઉપાયે રાધાને પામવી! ગહ્વરવનમાં મોરલા બોલતા હતા, તે જાણે મનના કોઈ ઊંડાણેથી બોલતા હતા.
કુશલવિહારીજીનું વિશાળ મંદિર ખાલી હતું. અજ્ઞેયજીએ મંદિરના કોટ પર બેઠેલું દોયલ પંખી બતાવ્યું. મંદિરના પ્રાંગણમાં સૌની ભેગી તસવીર ખેંચી. તેમણે કહ્યું: ‘શ્રીજીના મંદિરમાં તસવીરને યોગ્ય જગ્યા શોધી હતી, પણ તમે લોકો નીકળી ગયા હતા.’ થયું કેવો અવસર ખોયો? મંદિરની બહારના આંગણમાં ઝાડ નીચે બેઠેલી પરબે ઊંચે લોટેથી રેડાતું પાણી મોઢે ખોબો ધરીને પીતા અજ્ઞેયજીની તસવીર મનમાં અંકાઈ ગઈ.
રાધાને ડુંગરિયેથી અમારી મોટર ધીરે ધીરે નીચે ઊતરી રહી. પછી પાકી સડકે આવી નંદગાંવ ભણી દોડવા લાગી.
*
નંદગાંવ પણ રાધાના ગામ બરસાનાની જેમ એક પહાડી પર વસેલું છે. આસપાસની સમથળ ભૂમિ વચ્ચે નંદગાંવ દૂરથી જ દેખાય છે. ગામના પાદરમાં ગાડી ઊભી રાખી. પંડાઓ ચોપડા લઈને ફરતા હતા, પણ કદાચ અમે શ્રદ્ધાવાન યાત્રિક જેવા નહિ લાગ્યા હોવાથી તેમના આક્રમણથી બચી ગયા.
અજ્ઞેયજીએ કહ્યું કે હું અહીં આટલામાં ફરું છું, તમે જઈ આવો. અહીં નંદબાબાનું મંદિર પહાડીની ટોચે છે. બંને બાજુ આવેલાં ઘરોની હાર વટાવી ઢાળ ચઢતા ઉપર જતા હતા. માર્ગમાં બીજાં મંદિરો પણ આવે. યાચકો બેઠેલા જ હોય. ત્યાં ઉપરથી પ્રૌઢ મહિલાઓ ઊતરતી હતી. તેઓ ત્યાં બેઠેલા આ યાચકોને પાંચિયાના સિક્કા નાખતી જતી હતી, પણ યાચકો વધારે માગતા હતા એટલે એક બાઈએ હસતાં હસતાં કહ્યું, ‘ઇતને બરાબર હૈ, એ તો ટીપે ટીપે સરોવર ભરાતા હૈ…’ અહીં આ ગુજરાતી-હિન્દી સાંભળી હું અને રઘુવીર બંને હિન્દીના અધ્યાપકોને હસવું આવી ગયું.
મંદિરમાં પહોંચી ગયા. ચૂનાથી ધોળેલું એ મંદિર દૂરથી જ દેખાયું હતું. દિવસે પણ દીવાઓના ઝળહળતા પ્રકાશમાં નંદ-જશોદાની માનવકદની મોટી મૂર્તિઓ જોઈ. જે પહેરવેશ તેમને પહેરાવવામાં આવ્યો હતો તે જોઈને તો નંદ-જશોદા બંને થોડાં આધુનિક લાગતાં હતાં. નંદબાબાએ હૅન્ડલુમ હાઉસનો રેડીમેઇડ ઝભ્ભો પહેર્યો હતો. મૂર્તિઓ આગળ મૂકેલા થાળ શ્રદ્ધાળુ દ્રવ્યથી ભરેલા હતા.
અમે મંદિરની બહાર આવ્યા. મંદિરની અગાશી પરથી આજુબાજુનું દૃશ્ય મનોહર લાગતું હતું. અહીંથી રાધાના ગામ બરસાનાની પહાડી દેખાતી હતી. એક પંડાએ આવી પોતાની સેવા આપવાનું શરૂ કરી દીધું, ‘વહાં જે દિખતા હૈ, વહ પ્રેમસરોવર હૈ… રાધાકૃષ્ણ વહાં મિલા કરતે થે…’ એ કંઈ વધારે બોલત, પણ એને ટાળવા માટે એની વાત પર મેં બહારથી તો ધ્યાન ન આપ્યું; પરંતુ એ પ્રેમસરોવરમાં જાણે કોઈએ કાંકરી ફેંકી હતી. એક પછી એક તરંગો ઊઠવા લાગ્યા.
કવિ સુરદાસે રાધાકૃષ્ણના પ્રથમ મિલનનો પ્રસંગ પોતાનાં પદોમાં આલેખ્યો છે. કૃષ્ણ શેરીઓમાં રમવા નીકળ્યા છે અને ત્યાં અચાનક પહેલી વાર કિશોરી રાધાને જુએ છે. મોટી મોટી આંખો છે, કપાળે ચંદન છે, નીલ વસ્ત્રો પહેર્યાં છે, પીઠ પર અંબોડે ખૂલે છે, ગોરું બદન છે. એને જોતાં જ નયનો પ્રસન્ન થઈ ગયાં. દેખત હી રીઝે નૈન.
કૃષ્ણે પૂછ્યું : ‘કોણ છે તું ગોરી? ક્યાં રહે છે? કોની દીકરી છે? આ બાજુ તને કદી જોઈ નથી.’
રાધાએ જવાબ આપ્યો : ‘અમે અહીં શા માટે આવીએ?’
અમારે આંગણે જ રમીએ છીએ. અમારે કાને એવી વાતો આવી છે કે નંદનો છોકરડો અહીં દહીં-માખણની ચોરી કરતો ફરતો ફરે છે.’
કૃષ્ણે કહ્યું: ‘તુમ્હરો કહા ચોરિ હમ લૈહૈં’ – તારું અમે શું ચોરી લેવાના છીએ? ચાલ સાથે રમીએ.
કવિ સુરદાસ કહે છે કે આમ વાતોમાં રાધિકાને ચતુર નંદકિશોરે ભોળવી લીધી. આપણને એમ થાય કે આ પેલા પ્રેમસરોવરને કાંઠે બને મળ્યાં હશે. યમુનાની વાટે મળ્યાં હશે કે પેલા ગહ્વરવનમાં? આ સમગ્ર ભૂમિ રાધાકૃષ્ણ-મિલનની અને પછી ચિરવિરહની ભૂમિ છે. આ નંદગાંવમાં તો બાલકૃષ્ણની બધી લીલાઓનું પણ સ્મરણ થાય. પણ થાય કે કદાચ આ પણ ઐતિહાસિક સ્થળ ન હોય.
સ્વામી અખંડાનંદજીએ કહ્યું હતું કે નંદગાવનું દહીં અને પેંડા બહુ જાણીતાં છે. ખરેખર નંદજીનું ગામ હોય તો અહીંનું દહીં મિષ્ટ હોવું જ જોઈએ ને! રઘુવીરે મંદિરની બહાર એક મીઠાઈની દુકાનેથી પેંડા ખરીદ્યા. ખરીદતી વખતે રઘુવીરે પૂછ્યું કે ‘નંદગાંવની મીઠાઈ પર આટલી બધી માખીઓ?’ દુકાનદારે હસતાં હસતાં કહ્યું, ‘માખીઓ પણ નંદગાંવની છે.’
અમે ગામના પાદરમાં આવી ગયા. હવે વૃન્દાવન ભણી. જે માર્ગે અમે આવતા હતા, ને માર્ગ હતો પ્રસિદ્ધ ગ્રાન્ડ ટ્રંક રોડ, કલકત્તાથી આખો દેશ વીંધી પેશાવર ભણી જતો માર્ગ. હવે તો શેરશાહસૂરિ રોડ નામથી ઓળખાય છે. માર્ગમાં પ્રવાસન વિભાગની અદ્યતન રેસ્ટોરાં આવી. ત્યાં નિરાંતે બેસી ચા પીધી. નંદગાંવનું દહીં ખાવા જેટલા ભાગ્યશાળી નહોતા થયા!
વૃન્દાવનની ગલીઓમાં ફરવા છતાં સમગ્ર વૃન્દાવનનો કોઈ નકશો મનમાં બેસતો નહોતો. રઘુવીર કહે કે આપણે અતિથિ શાળાની અગાશીમાંથી જોઈએ. અગાશી પરથી સીડી ગોઠવી છેક ઉપરની કૅબિન પરથી વૃન્દાવનનું જે દર્શન કર્યું, તેને એક રીતે ‘એરિયલ વ્યૂ’ કહી શકાય. યમુના જે રીતે વૃન્દાવનને અર્ધચંદ્રાકારે વીંટળાઈ છે, તે જોઈ આનંદ થયો. ભવનો વચ્ચેથી ડોકિયું કરતાં ધજા ફરકાવતાં મંદિરશિખરો આંખમાં વસી જતાં હતાં.
વૃન્દાવનના આ અમારા અગાશીદર્શનની વાત અજ્ઞેયજીને કરી. એ કહે – તો તો ફોટા લઈએ. ૭૫ વર્ષની વયના અજ્ઞેયજી યુવકની સ્ફૂર્તિથી સીડીને આધારે કૅબિન પર ચઢ્યા. આ સમયે મને કવિ અજ્ઞેયજી કરતાં પ્રવાસી અજ્ઞેયજી જ વધારે દેખાતા હતા. ઉપર ચઢી તેમણે વૃન્દાવનનગરની તસવીરો ખેંચી. કદાચ ભાગવતભૂમિદર્શનનો જે ગ્રંથ કરવાના છે, તેમાં આ તસવીરો છાપશે.
આજે રાસલીલાઓ જેવા કાર્યક્રમ હતા. તે પહેલાં સ્વામી અખંડાનંદજીની સાંજની સત્સંગસભામાં બેસવા ગયા. શ્રીકૃષ્ણ વિશે નવલકથા લખી રહેલા રઘુવીરના મનમાં કેટલાક પ્રશ્નો હતા, તે તેમણે પૂછ્યા. સ્વામીજીએ પોતાના આગવા દૃષ્ટિકોણથી જવાબો આપ્યા.
આ દિવસમાં વૃન્દાવનમાં ઠેર ઠેર આશ્રમોમાં હરિકથા, કીર્તન, પદગાન ચાલતાં જ હોય છે. ખરેખર એવું થાય કે વૃન્દાવન રાધાકૃષ્ણમય છે. યાત્રિકોથી સાંજની વેળાએ મંદિરો અને આશ્રમો છલકાતાં હતાં. અમે રાસલીલાનાં દૃશ્ય જોયાં. અનેક રાસમંડળીઓના કાર્યક્રમો હતા. જ્યાં જુઓ ત્યાં ચિક્કાર મેદની.
મંડપમાં તો પેસી શકાય તેમ હતું નહિ, એટલે દીવાલની આ બાજુએ ઊભા રહી અમે રાસલીલા જોવા લાગ્યા. પ્રસંગ હતો બાલકૃષ્ણના મોઢામાં જશોદાએ કરેલા બ્રહ્માંડદર્શનનો. પ્રેક્ષકો તન્મય બનીને જોતા હતા. બાલકૃષ્ણના મિત્રો આવીને કહે છે: ‘જસોદા સુન માઈ તેરે લાલને માટી ખાઈ.’ જસોદા હાથમાં સોટી લઈ ધમકાવીને કાનુડાને પૂછે છે: ‘ક્યોં લાલા તૈને માટી ખાઈ?’ કૃષ્ણ કહે છે: ‘ઐસો સ્વાદ નાંય માખન મેં, નહિ મિશ્રી મેવા દાખન મેં… જો રસ વૃજ કે ચાખન મેં, જાને મુક્તિ કો મુક્તિ કરાઈ.’ આ ભૂમિની માટીનો રસ ચાખતાં તો મુક્તિને પણ મુક્તિ મળે છે.
પછી તો સખીઓ ભેગી થાય છે અને જસોદા કૃષ્ણને મોં ખોલવા કહે છે. કૃષ્ણના ખુલ્લા મોંમાં નજર કરતાં જ જસોદા ચકરી ખાઈ જાય છે. એને થાય છે કે ‘યે તો પુરન બ્રહ્મ કન્હાઈ…’
અજ્ઞેયજી કહે: ‘બ્રહ્માંડદર્શન થઈ ગયું. હવે ન જોઈએ તો ચાલે.’ અમે ત્યાંથી નીકળ્યા. એક બીજે સ્થળે બાલકૃષ્ણનું મયૂરનૃત્ય હતું. થોડી વારમાં તો રાસલીલાઓ પૂરી થતાં માનવમહેરામણ માર્ગો પર છલકાવા લાગ્યો.
આ બાજુ આકાશમાં ચંદ્ર નીકળી આવ્યો હતો. મનમાં થયું કે શ્રીકૃષ્ણે શરદની ચાંદની રાતે જ્યારે રાસ રચ્યો હતો, ત્યારે પણ ચાંદની પાથરનાર ચંદ્ર તો આ જ હતો. યમુના ઉપરાંત રાધાકૃષ્ણની લીલાનો તે એકમાત્ર સહસાક્ષી આજ પણ વિદ્યમાન છે.
*
વૃન્દાવનમાં યાત્રિક સ્થળે સ્થળે મંદિરોનાં અને મંદિરોમાં ઊભરાતા ભાવિકોનાં દર્શન કરે છે. ‘નિત્ય સેવા, નિત્ય કીર્તન- ઓછવ’ આ મંદિરોમાં ચાલે છે. અમદાવાદથી જ્યારે અમે નીકળ્યા ત્યારે એક વૈષ્ણવે અમને કહેલું કે મંદિરોમાં દર્શન કરવા તો તમે જશો જ, પણ સેવાકુંજ અને નિધુવનનાં દર્શને ગયા વિના રહેશો નહિ.
સેવાકુંજમાં વહેલી સવારે જવાનો વિચાર હતો. ત્યાં થતાં પદગાન સાંભળવાની ઇચ્છા હતી; પરંતુ સાંજે જ જવાનું બન્યું. એક પગરિક્ષામાં હું, રઘુવીર અને અમારી સાથે આ ભૂમિના અત્યંત પરિચિત એવા પેલા વિજયભાઈ વૃન્દાવનની ગલીઓ વટાવતા નીકળી પડ્યા.
ટોળાબંધ આવતા-જતા જાત્રાળુઓ વચ્ચે પણ બંગાળી વૈષ્ણવીઓ અલગ તરી આવે. સફેદ વસ્ત્રધારિણી આ વૈષ્ણવીઓની સંખ્યા વૃન્દાવનમાં એટલી બધી છે કે અહીંની બીજી ભાષા બંગાળી લાગે. ચૈતન્યપ્રેરિત ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો અહીં ઘણાં છે.
ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયમાં રાધા પરકીયા છે; પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે રાધા સ્વકીયા છે; એ કૃષ્ણની પરણેતર છે. પણ બંગાળી વૈષ્ણવ કવિઓએ રાધાને પરકીયા માની છે. રાધા એ બીજાની પરણેતર છે. પરકીયા હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરાગ રાખવામાં પ્રણયની ઉત્કટતાનો નિર્દેશ છે. કુલ, સમાજ, ચરિત્ર આ બધાંને મળનાર અપવાદ સહીને પણ શ્રીકૃષ્ણને ચાહવામાં પ્રેમની તીવ્રતા છે. કવિ ચંડીદાસના એક પદમાં એવો ભાવ છે કે એક ઘનઘોર અંધારી રાતે કૃષ્ણ રાધાને મળવા જાય છે, વરસાદ પડે છે, રાધા કૃષ્ણને જુએ છે પણ સાસુ-નણંદની બીકે ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. એ કહે છે:
‘એક તો ઘોર અંધારી રાત, તેમાં આકાશની ઘનઘટા, વહાલો કેવી રીતે બહાર નીકળ્યો હશે? અત્યારે આંગણામાં એક ખૂણે ઊભો ઊભો તે ભીંજાય છે, એ જોતાં છાતી ફાટી જાય છે…’
વૈષ્ણવીઓને જોતાં આવાં બધાં વૈષ્ણવ પદો સ્મરણમાં આવી જાય.
સેવાકુંજ એક સાંકડી ગલીમાં થઈને જવાય છે. સેવાકુંજની બહાર ચણા વેચનારા ઘણા મળે છે. વિજયે ત્રણ લાંબાં પૅકેટમાં ચણા લઈ લીધા. અમે પૂછ્યું કેમ? તે કહે: ‘અંદર જતાં જ ખબર પડશે. પણ પૅકેટ બરાબર હાથમાં પકડી રાખજો.’ અમે સેવાકુંજમાં પ્રવેશ્યા. એક કિશોરે માર્ગદર્શક બનવાની તૈયારી બતાવી. અમે એને સાથે રાખ્યો.
સેવાકુંજમાં સૌથી પહેલાં વાનરોનાં દર્શન થાય છે. તેઓ યાત્રાળુઓના હાથમાં કોઈ ખાદ્ય વસ્તુ હોય તો તેના પર પોતાનો અધિકાર માને. તરત પડાવી લે. અમે થોડા ચણા તેમને નાખ્યા. હાથમાંની થેલીને બરાબર પકડી રાખી.
કહે છે કે અહીં જે સ્થાને વૃન્દાદેવીનું મંદિર હતું તે સ્થાને આ સેવાકુંજ. અહીંની લતાકુંજો જોઈને પરમ વિસ્મય જાગે. યમુનાકિનારાની કુંજોનાં કેટલાં વર્ણનો કવિતામાં વાંચેલાં છે, કથામાં સાંભળેલાં છે. સેવાકુંજ જોતાં એ કુંજોની કલ્પના કરી શકાય. અહીંથી યમુના બહુ દૂર નથી, અલબત્ત હવે આ કુંજની આસપાસ વસ્તી થઈ ગઈ છે.
સેવાકુંજ ચારે બાજુએથી કોટથી ઘેરાયેલું છે. પ્રવેશ કરવાનો એક જ દરવાજો છે. કુંજમાં અનેક લતામંડપો છે. ગોપીઓ સાથે શ્રીકૃષ્ણની આ લીલાસ્થલી હશે? મહારાસની આ ભૂમિ હશે? એ વખતે આ નદીતટ નિજન હશે. માત્ર આ કુંજો હશે અને તે પણ અત્યારે આ જે કોટ છે, તેનાથી મુક્ત.
અહીં સાંકડી પગવાટ કુંજોથી ઘેરાયેલી છે. પેલો કિશોર અનેક બધી કથાઓ સંભળાવતો જતો હતો. એક કુંડ હતો. તેણે કહ્યું આ લલિતા કુંડ છે. કૃષ્ણકથામાં લલિતા સખીનો વારે વારે ઉલ્લેખ આવે છે. એક વાર કૃષ્ણ સાથે નૃત્ય કરતાં લલિતાને તરસ લાગી. એણે કૃષ્ણને કહ્યું પાણી લાવી આપો. કૃષ્ણે એને માટે પોતાની વાંસળીથી આ કુંડ ખોદી લલિતાને પાણી આપ્યું!
વૃન્દાવનમાં ત્રીજું તમાલવૃક્ષ અહીં જોવા મળ્યું. એ સૌથી પ્રાચીન લાગ્યું. એક કાળે અહીં તમાલવન હશે. મનુષ્યવસ્તી વધતાં તમાલ અદૃશ્ય થઈ ગયાં હશે. પંડાએ તમાલની એક બખોલ બતાવી ગુપ્તદાન કરવા કહ્યું. તમાલના થડમાં એણે શાલિગ્રામનાં દર્શન કરાવ્યાં.
વળી પાછું તમાલ! પણ આપણા મનમાં જાગતી અનેક વાતો વચ્ચે પંડાની દક્ષિણાની આશા આડે આવતી હતી. આ લોકો આપણી ભાવનાસૃષ્ટિ માટે નિષાદ જેવા છે. કુંજની દીવાલની ધારે ધારે અમે જાણે પ્રદક્ષિણા કરતા હતા. દીવાલો પર આરસની તખતીઓમાં ગોસ્વામી હિત હરિવંશના શ્લોકો કોતરી જડેલા છે. પણ સાંજ પડવામાં હતી, વાંચવાનો લોભ ખાળી અમે કુંજોમાં ફરતા રહ્યા.
સેવાકુંજમાં રાત્રે કોઈ રહી શકતું નથી. આજે પણ રાત્રિ વેળાએ લલિતા આદિ અષ્ટસખીઓ પ્રકટ થઈ રાધાકૃષ્ણ- યુગલની સેવાઓ બજાવે છે. એક સમય હતો, જ્યારે કૃષ્ણ સાચે જ લીલા કરવા અહીં આવતા! કહે છે કે કોઈ આ સેવાકુંજમાં છુપાઈને રાધાકૃષ્ણની લીલા જુએ છે, તો તે સવાર થતા સુધીમાં મૂંગો બની જાય છે. વાનરો પણ રાત્રે સેવાકુંજમાં રહેતા નથી. પેલા કિશોરે આમ કહ્યું હતું.
સેવાકુંજમાંથી અમે બહાર નીકળ્યા. અહીંથી જતાં જતાં યમુનાની ઝાંકી થઈ. મને તો અત્યારે યમુનાકિનારે જવાની ઇચ્છા થતી હતી. બસ, ત્યાં જઈને અસ્તાયમાન સાંજ જોતાં જોતાં રાધા-હરિની એ લીલાસૃષ્ટિનું ચિંતન કરવું; પરંતુ એમ કરવા જતાં નિધુવનનાં દર્શન રહી જતાં હતાં અને બીજાં મંદિરોનાં પણ.
સેવાકુંજમાંથી નીકળી અમે નિધુવનમાં પ્રવેશ કર્યો.
*
‘નિધુવન’ નામે એક નવલકથાનું એક વખત સુરેશ જોષીએ એક અવલોકન ‘ઊહાપોહ’ પત્રિકામાં કર્યું હતું, ખરેખર તો ગુજરાતીમાં કે બીજી કોઈ પણ ભાષામાં આ નામની કોઈ નવલકથા જ નહોતી. એમણે તો એક કાલ્પનિક નવલકથાનું જ કથા, ચરિત્ર વગેરેની દૃષ્ટિએ એવું અવલોકન લખ્યું કે સૌ ભુલાવામાં પડી ગયેલા કે ખરેખર આવી કોઈ નવલકથા હશે જ. એમનો આશય તો બીબાંઢાળ લખાતાં અવલોકનોની ટીખળ કરવાનો હતો; પણ સાહિત્યજગતની અધુનાતન પ્રવૃત્તિઓથી વાકેફ રહેતા એક ગુજરાતી વિદ્વાને તો, કહે છે કે, પોતાના એક વ્યાખ્યાનમાં ગુજરાતી નવલકથાની ચર્ચા કરતી વખતે ‘નિધુવન’ને પણ વણી લીધી હતી!
વૃન્દાવનના નિધુવનમાં પ્રવેશતાં એ ઘટના યાદ આવી. ખરેખર તો નિધુવનનો અર્થ તો રતિક્રીડા એવો થાય છે. વન સાથે એનો કોઈ સંબંધ નથી; પણ અહીં અનેક વન છે એટલે નિધુવન પણ એક વન ગણાય છે. ખબર નથી પણ, કદાચ તેના શૃંગારિક અર્થને લીધે કે ગમે તેમ પણ, અહીં ઘણા એને ‘નિધિવન’ કહે છે. અજ્ઞેયજીએ કહ્યું કે નિધુવન એ જ સાચું નામ છે.
સાંજ પડવામાં હતી. આવે સ્થળે તો ફરવામાં સર્વ પ્રકારની નિરાંત જોઈએ, જેવી નિરાંત કદાચ કૃષ્ણના સમયમાં ગોપજીવનમાં હતી. નિધુવનમાં પણ મર્કટોની આણ પ્રવર્તે છે. પણ અહીંના મર્કટો સેવાકુંજની તુલનામાં તૃપ્ત લાગ્યા. અમે ચણા નાખ્યા, પણ એ ખાવા માટે એકેય મર્કટ દોડ્યો નહિ!
સેવાકુંજ જેવી જ રચના નિધુવનની છે, પરંતુ અહીં ઝાડી વધારે સઘન લાગી. વૃન્દાવનની કુંજો કૃષ્ણના સમયમાં આટલી પરિષ્કૃત તો નહિ હોય, પણ આવી રમ્ય હશે. નાતિઉચ્ચ ઝાડી, છેક ધરતી લગી પથરાયેલી હોય એટલે અંદર કોઈ બેઠું હોય તો પાસેથી પસાર થનાર પણ જોઈ ના શકે. એક રીતે આ પ્રેમકુંજો જ છે.
આ પ્રેમકુંજોની વચ્ચેથી પસાર થતાં ભાગવત કરતાં વધારે તો વૈષ્ણવ કવિઓની પદાવલિ યાદ આવે. અહીં બંગાળી વૈષ્ણવીઓની સંખ્યા વધારે જોવા મળી. બંગાળના વૈષ્ણવ કવિઓએ રાધા-કૃષ્ણલીલાનાં અજસ્ર પદો રચ્યાં છે. તેમાં વિદ્યાપતિ ચંડીદાસ તો ચૈતન્ય મહાપ્રભુ પહેલાં થઈ ગયા. એમની રાધા તો કોઈ પ્રણયમુગ્ધ નાયિકા જ લાગે. વિદ્યાપતિ તો હતા પણ દરબારી કવિ. પણ ચૈતન્ય મહાપ્રભુ આ કવિઓનાં પદો સાંભળીને મહાભાવની અવસ્થામાં પહોંચી જતા. એટલે બંગાળની વૈષ્ણવ પદાવલિ શરૂ થાય છે વિદ્યાપતિ ચંડીદાસથી. એક પ્રસિદ્ધ પદમાં ‘પ્રેમનો અનુભવ કેવો હોય?’ એવા સખીના પ્રશ્નના ઉત્તરમાં રાધા સખીને કહે છે: “હે સખી, તું મને પૂછે છે કે પ્રેમનો અનુભવ કેવો હોય? પણ કેવી રીતે વર્ણવું? એ અનુભવ તો ‘તિલ તિલ નૂતન હોય.’ પ્રત્યેક ક્ષણે એ અભિનવ હોય છે.” પછી અંતમાં જતાં એ કહે છે:
જનમ અનધિ હમ રૂપ નેહારલું
નયન ન તિરપિત ભેલ.
– જનમ ધરી પ્રિયનું એ રૂપ જોયા કર્યું છે; પણ નયનોને તૃપ્ત નથી થયાં.
સુરદાસની રાધાએ કહ્યું હતું કે, વિધાતાએ મને સર્વાંગ- સંપૂર્ણ ભલે ઘડી, પણ તેનાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. તે એ કે વહાલાને જોવા માટે આખા શરીરને રોમે રોમે આંખ ન આપી!
કેટલીક ગોપીઓએ રાધાને કહ્યું કે અમે તો આજે કૃષ્ણને અાંખ ભરીને જોયા. તો રાધા કહે છે, તમે તો બહુ ભાગ્યશાળી છો બહેનો. સમગ્ર કૃષ્ણને જોયા. સૌ સૌનું નસીબ. હું તો સમગ્ર કૃષ્ણને હજી જોઈ જ નથી શકી. એમનું એક અંગ જોઈને જ હું તો મગ્ન થઈ જાઉં છું; પછી નજર બીજે ખસે તો બીજાં અંગો જોઉં ને!
આ કુંજો જોઈ ગીતગોવિંદનું એ મધુર વાસંતી કાવ્ય પણ યાદ આવે છે. આ સૌ કવિઓએ જાણે આપણને શીખવ્યું છે કે પ્રેમ એટલે શું? સૌંદર્ય એટલે શું? કવિ રવિ ઠાકુરે ‘વૈષ્ણવ કવિતા’ નામે એક રચના કરી છે. તેમાં વૈષ્ણવ કવિને સંબોધીને કહે છે, ‘હે કવિ, શું માત્ર વૈકુંઠને માટે તમે પદો રચ્યાં છે? તેમાં માનવજીવનના પ્રેમભાવો પણ ગૂંથાયા નથી શું?’ પછી કહે છે, ‘ઘરના આંગણામાં જે ફૂલો ખીલે છે, તે પ્રિયને પણ આપીએ છીએ અને દેવતાને પણ ચઢાવીએ છીએ અને આમ પ્રિયને દેવતા કરીએ અને દેવતાને પ્રિય.’ લાગે છે કે સૌ વૈષ્ણવ કવિઓનાં લીલાગાનમાં આવી કોઈક ‘ગોપી’ની લીલા પણ છે!
કુંજો વચ્ચેની કેડીઓ એકદમ સ્વચ્છ હતી, જાણે હમણાં જ કોઈ વાળીઝૂડીને સાફ કરી ગયું છે. હમણાં જ જાણે એ કેડીઓ પર પગ દેતા પ્રભુ પધારશે. નિધુવનમાં એક શયનગૃહ હજીય છે. પલંગ આદિ બધું સજાવેલું છે. ભાવિકો કહે છે કે કૃષ્ણ-રાધાની આ વિહારભૂમિ છે.
નિધુવનમાં સ્વામી હરિદાસનું થાનક છે. સ્વામી હરિદાસ એટલે સંગીતસમ્રાટ તાનસેન, બૈજુ બાવરાના ગુરુ. સ્વામી હરિદાસને સ્વપ્નમાં આવી બાંકેબિહારીએ પોતાનો પરચો આપ્યો હતો. આ સ્થળેથી બાંકે બિહારીની મૂર્તિ ખોદી કાઢીને પછી આજે જ્યાં બાંકેબિહારીનું મંદિર છે, ત્યાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
સ્વામી હરિદાસના થાનકે જતાં પરમ શાંતિનો અનુભવ થયો. અહીં એક ઉસ્તાદજી કોઈ પોતાની નવાગન્તુક શિષ્યાને સંગીતનો શરૂઆતનો પાઠ આપતા હોય એવું લાગ્યું. સ્વામી હરિદાસના આશીર્વાદ જો ઊતરે તો ઊતરે.
સાંજ. હવે આ કુંજોમાંથી બહાર જવું પડશે. આ સમયે તો યમુનાતીરે જઈ બેસવાની ઇચ્છા થાય; પણ નિધુવનની આ કુંજોમાં જાણે ચાલ્યા કરીએ અને રાધાકૃષ્ણભાવને મનમાં ઊતરવા દઈએ, એવું થાય છે. ગોપીઓએ ઉદ્ધવને કહ્યું હતું, ‘બિન ગોપાલ બૈરિન ભઈ કુંજે’ — ગોપાળના ગયા પછી આ કુંજો વેરી બની ગઈ છે. પણ ખૂબી તો એ હતી કે ગોપીઓ એ કુંજો છોડી ક્યાંય જઈ શકતી નહોતી.
મથુરા ગયા પછી આ કુંજો કૃષ્ણને પણ ભુલાતી નહોતી. એક કવિએ એક શ્લોકમાં કૃષ્ણ પાસે ઉદ્ધવને સંબંધીને કહેવડાવ્યું છે:
‘યમુનાની એ કુંજો હજી એવી ને એવી છે કે? એ કુંજોનાં કુમળાં પાંદડાં તોડી શૃંગારશય્યા રચવામાં આવતી. પણ હવે તો એ પાંદડાં કોઈ તોડતું નહિ હોય, એટલે એ કુંજોનાં પાંદડાં બધાં હવે તો ડાળી ઉપર ને ઉપર જરઠ બની ગયાં હશે. અને એમની નીલિમા ઝંખવાતી હશે!’
સંધ્યાનો ઉજાશ ઊતરી આવ્યો. પશ્ચિમના આકાશ ભણી, યમુનાની દિશામાં રંગોની આભા પ્રકટી ઊઠી. અમે એ ભાવભરી ક્ષણોએ નિધુવનમાંથી બહાર નીકળ્યા. અનેક મર્કટો પણ જણે એ લીલાસ્થલીનું એકાંત જળવાય માટે બહાર નીકળી જતા લાગ્યા!
*
આખી રાત વરસાદ ઝરમરતો રહ્યો. સવારમાં એ બંધ થયો હતો પણ ગગન તો ગોરંભાયેલું જ હતું. સવારમાં તૈયાર થઈ આનંદવૃન્દાવનના ખુલ્લા પ્રાંગણમાં બેસી ગીતગોવિંદની કેટલીક અષ્ટપદીઓ વાંચી. આજે નીકળવાનું હતું. મથુરાથી બપોરની ગાડી પકડવાની હતી. સ્વામી અખંડાનંદ સરસ્વતીની વિદાય લઈ નીકળ્યા. અજ્ઞેયજી એમની મોટરગાડીમાં અમને મથુરા સુધી લઈ જશે. ત્યાંથી તેઓ સીધા દિલ્હી ચાલ્યા જશે અને અમે ગાડીમાં અમદાવાદ.
જેમ જેમ મથુરા ભણી આવતા ગયા, તેમ તેમ વરસાદ વધતો ગયેલો લાગ્યો. મથુરા આવતાં તો જોયું કે રસ્તા પાણીથી ભરાઈ ગયા છે. ગંદું મટમેલું પાણી. અમે ઇચ્છા કરી કે જમુનાનાં દર્શન કરીને છૂટા પડીએ. માર્ગમાં મથુરાના પ્રસિદ્ધ કલા મ્યુઝિયમની ઇમારત ભણી અજ્ઞેયજીએ અમારું ધ્યાન ખેંચ્યું. મથુરા ભીનું ભીનું હતું. ડામરની સડકો ચીકણી બની ગઈ હતી.
‘વહ હૈ કૃષ્ણજન્મસ્થાન’–અજ્ઞેયજીએ આંગળી ચીંધી બતાવ્યું. પરંતુ અમારી મોટર ગતિ કરતી રહી. મનમાં વિચાર આવી જાય–આ કૃષ્ણજન્મસ્થાન? કંસના કારાવાસનું સ્થળ? ટૂંકે રસ્તે વિશ્રામ ઘાટ પહોંચવા ચાલીને જવું પડે એમ હતું. મોટર ફરીને જાય.
અમે જેવા મોટરગાડીમાંથી ઊતરીએ, ત્યાં પંડાઓનું ઝુંડ ધસી આવ્યું. અમે સૌને નિરાશ કર્યા. પણ એક પંડાએ કેડો ન મૂક્યો. અજ્ઞેયજીને એ ઓળખી ગયો લાગ્યો. ‘આપ અજ્ઞેયજી હૈં?’ બસ, પછી તો એ વળગી જ પડ્યો. કહે કે ‘હું તમને બધે લઈ જઈશ, દર્શન કરાવીશ. મારે કંઈ જ જોઈતું નથી.’ અમને કહે – ‘હું ધન્ય થઈશ કે અજ્ઞેયજીને મેં મથુરાદર્શન કરાવ્યું.’
‘સાપ્તાહિક હિન્દુસ્તાન’માં ગિરિરાજ ગોવર્ધનના અજ્ઞેયજીએ કરેલા વર્ણનથી સમગ્ર વ્રજમંડલમાં જાગેલા ઊહાપોહની એને ખબર હતી. મથુરામાં થોડા દિવસ આગળ જ વિરોધ નોંધાવવા સભા થઈ હતી, એની એ વાત કરતા હતો. અજ્ઞેયજીને આ ચતુર્વેદી (ચૌબાજી)થી છૂટવું હતું, પણ એઓ આવો અવસર છોડવા તૈયાર નહોતા. એટલે અમે ફરીથી મોટરમાં બેસી ગયા અને લાંબે માર્ગે વિશ્રામ ઘાટ ભણી ગયા. જમુનાનાં દર્શન. બંને કાંઠે ભરપૂર જમુના વહેતી હતી. પૂર આવ્યાં હતાં. અમે ઘાટ પર ઊભા રહી જમુનાનાં ઊછળતાં પાણી જોઈ રહ્યા. ઘાટ ભાવિક યાત્રિકોથી ભરેલો હતો.
આપમેળે ઊઘડી ગયેલાં કારાવાસનાં દ્વાર વટાવી સદ્યજાત કૃષ્ણને લઈ અંધારી રાતે વસુદેવ જમુનાને સામે પાર જવા ઘાટ પર આવ્યા હતા, ત્યારે પણ જમુનામાં પૂર આવ્યાં હતાં. એ ઘોર અંધારી રાત હતી. પૂરનાં જળ તો કૃષ્ણચરણનો સ્પર્શ કરવા ઊછળી રહ્યાં હતાં. સ્પર્શ થતાં જ જમુનાએ માર્ગ આપી દીધો હતો.
જમુના પાર લઈ જતો પુલ અહીંથી દેખાતો હતો. ત્યાંથી જમુનાના આ વેગવંત પાણીનો સ્પર્શ કર્યા વિના ગોકુળ પહોંચી જવાય. જમુનાના પૂરને જોતા એવા મારી અને રઘુવીરની એક તસવીર અજ્ઞેયજીએ લીધી. ત્યાં તો પેલા ચતુર્વેદી અમને શોધતા આવી પહોંચ્યા. સાચે જ એને દ્રવ્યનો કંઈ લાભ ન હતું. એને હોંશ હતી કે અજ્ઞેયજીને મેં બધું બતાવ્યું, એમ કહી શકું એની. ઉત્સાહભેર એ બોલતો જતો હતો, જેની સામે અજ્ઞેયજીની ચુપકીદી વિરોધ રચતી હતી. પોતાની લાંબી ચુપકીદી માટે અજ્ઞેયજી જાણીતા છે.
આ વિશ્રામ ઘાટ પર કિશોરાવસ્થામાં કરેલા સ્નાનનું સ્મરણ થયું. આજે તો માત્ર બે પગથિયાં ઊતરી જળને સ્પર્શ કરી માથે ચઢાવી સંતોષ માન્યો. આટલાં બધાં વર્ષો પછી, તેમાંય અજ્ઞેયજી સાથે ઊભા રહી આ ઘાટ પરથી જમુનાનાં દર્શનનો આનંદ હતો. પેલા ચતુર્વેદી અજ્ઞેયજીને કવિ સુરદાસ જે સ્થળે રહેતા હતા, તે બતાવવા આગ્રહપૂર્વક લઈ ગયા. અમે ઘાટની નજીકમાં આવેલાં મંદિરોમાં જઈ ભીડ વચ્ચે પણ ઝટપટ દર્શન કરી આવ્યા. ઘાટ પર પાછા આવ્યા. અજ્ઞેયજી દેખાતા નહોતા. કદાચ એ અમને શોધતા ફરતા હોય, કારણ કે ગાડીનો સમય થઈ જવા આવ્યો હતો. થોડી ક્ષણો વ્યગ્રતામાં વીતી, ત્યાં ભરી ભીડ વચ્ચે પણ દૂરથી અજ્ઞેયજીની અલગ તરી આવતી છબિ દેખાઈ.
ચતુર્વેર્દીને અમે માંડ દક્ષિણા આપી શક્યા. એ તો એ વાતથી જ રાજી હતા કે પોતે અજ્ઞેયજીને ‘તીર્થદર્શન’ કરાવ્યું.
મથુરાના સ્ટેશન પાસે આવી મોટરગાડી ઊભી રહી. અમે નીચે ઊતર્યા. વિદાય આપવા અજ્ઞેયજી પણ નીચે ઊતર્યા. અમને વિદાય આપતી એમની સ્નેહભીની મુદ્રા હજી એવી જ સ્પષ્ટ છે.