નાગાલૅન્ડ

માર્ચ ૮

સ્વપ્નનગરી કોહિમા. ‘સ્વપ્નનગરી’ વિશેષણ શ્રી ઉમાશંકર જોશીએ આપ્યું છે. એ વિશેષણની યથાર્થતા પ્રમાણી રહ્યો છું. અત્યારે આ ક્ષણે એમ. એલ. એ. હૉસ્ટેલની બારીમાંથી જોતાં બધું સ્વપ્નિલ લાગે છે. રાત્રિના બાર કરતાં વધારે થયા છે અને દશમનો ચંદ્ર કોહિમાનગર પર, પછવાડેના પહાડ પર ચાંદની પાથરી રહ્યો છે અને મારામાં બેઠેલા લ્યુનેટિક (ચંદ્રપ્રેમી)ને બેચેન બનાવી રહ્યો છે. તે એક અનિર્વચનીય મધુર બેચેની છે, જે દૂરથી વહી આવતા કોઈ પહાડી ગીતના સૂરથી વધતી જાય છે. ધીરે ધીરે એ સૂર શમી જાય છે અને ક્યાંકથી ગીટારની ધૂન સંભળાય છે, સંગીતઅપટુ મારા કાનનેય એ પશ્ચિમી સૂર છે એ પરખાઈ જાય છે. સ્તબ્ધતામાં એ ગીટારના સૂર રહી રહીને આવે છે, કેવું તો થાય છે મનમાં! કે પોતાના પ્રિયજનને આરાધી રહ્યું છે આ સ્તબ્ધ રાત્રિએ? કોણ પોતાની વ્યથા વહાવી રહ્યું છે! નગર આખું જાણે ઊંઘે છે. ઠંડી જ્યોતિ પ્રકટાવતા દીવાઓ જાગી રહ્યા છે. ઝાફુ પહાડ પર વાદળ છે, એ પણ ચાંદનીથી રસાયેલું છે. એક તારો પહાડના ભાલ પરના તિલકની જેમ ચમકી રહ્યો છે. કૂતરાના ભસવાનો અવાજ બહુ દૂરથી આવે છે. ઍગ્ઝોટિક ઍન્ચાટિંગ!

બારણું ખોલી બહારની બાલ્કનીમાં જઈ ઊભો રહું છું. વિચારું છું કેવા મુલકમાં આવી પહોંચ્યો છું! એવું કંઈ કદીય ધાર્યું હતું કે આવી કોઈ મધુર મધરાતે આ પહાડી નગર પર આમ જોતે ઊભો હોઈશ!

આજે જ વરસાદ પડી ગયો છે. આખું વાતાવરણ બદલાઈ ગયું છે. મારે માટે તો બધી રીતે એકદમ. હજુ ગઈ કાલે ઇમ્ફાલની સડકો પર ભમતો હતો, એક જુદી પ્રજા વચ્ચે હતો, આજે વળી જુદી પ્રજા વચ્ચે છું. હા, પણ સમગ્રપણે તો આ ય તે કિરાત જાતિ. કદાચ મણિપુરના મૈતેય લોકો કરતાં કિરાત તત્ત્વ અહીં વધારે છે. આજે સવારે જ ચિત્રાંગદાના દેશની વિદાય લીધી. પણ એ વિદાયમાં કશી રોમાન્ટિકતા ના રહી શરૂઆતમાં તો. કદાચ વ્યગ્રતા રહી. પછી એ વ્યગ્રતા પણ ચાલી ગઈ. મને સતત વિચાર આવે છે કે એને ચમત્કાર કહેવો કે અકસ્માત્! ચમત્કાર નહીં તો બીજુ શું? જાણે કોઈક ક્યાંક મારે માટે પ્રાર્થના કરે છે અને મારાં વિઘ્ન હટી જાય છે.

સવારમાં વહેલો ઊઠી ગયો. આશરે જ ઊઠી ગયો, મારી પાસે ઘડિયાળ નથી. ઘડિયાળ વિના જ ટેવ પડી ગઈ છે. કલકત્તામાં ઉમાશંકરભાઈએ પૂછ્યું હતું—‘કેટલા વાગ્યા છે?’ મેં કહ્યું —‘મારી પાસે ઘડિયાળ નથી.’ એમણે એ સાંભળી આશ્ચર્ય વ્યક્ત કરી કહ્યું હતું કે બહાર જઈએ એટલે ઘડિયાળ તો જોઈએ જ. આ ભ્રમણમાં ઘણી વાર લાગ્યું છે કે ખરી વાત છે, ઘડિયાળ જોઈએ. પણ ઘણી વાર ઘડિયાળ નથી એનું ભાન થતું નથી, પણ આવી સવારે એ ભાન થાય છે.

ઊઠીને તૈયાર થયો. બાજુના રૂમમાં સૂતેલા શ્રી ચક્રવર્તીને જગાડ્યા. કહે, હજી તો બહુ વાર છે. બસ તો સાત વાગ્યે ઊપડે છે. પણ મારી તૈયારી જોઈ એ પણ તૈયાર થઈ ગયા, અમારી ચિંતાનું કારણ હતું, કેમ કે ટિકિટ રિઝર્વ થઈ નહોતી.

રિક્ષા કરી નાગાલૅન્ડ ટ્રાન્સપોર્ટ પર પહોંચ્યા. ત્યાં એક મુસાફરને સામાન સાથે પાછા વળતા જોયો. ખબર પડી એકેય ટિકિટ બાકી નથી. હવે? કોઈએ કહ્યું કે મણિપુર ટ્રાન્સપોર્ટ પર જાઓ, કદાચ ત્યાંથી મળે. દુ:ખ એ હતું કે અહીંથી સવારના આઠ પછી કોઈ બસ જ તે તરફ જવા નીકળતી નથી. સવારમાં નીકળે એ જ. એટલે લબડધક્કે અમે મણિપુર ટ્રાન્સપોર્ટ પર જવા નીકળ્યા. એક દક્ષિણમાં, બીજું ઉત્તરમાં. સુંદર સવાર હતી, પણ વ્યગ્રતાને લીધે સુંદરતા મનમાં વસતી નહોતી. ચક્રવર્તી મોશાય તો ‘ગજબ હો ગયા, પટેલ સા’બ ગજબ હો ગયા!’ એમ રહી રહીને ઉદ્ગાર કરે.

મણિપુર ટ્રાન્સપોર્ટ પર પહોંચ્યા. ત્યાંયે જગ્યા મળે તેમ નહોતું, પણ કોઈની એક રિઝર્વ થયેલી ટિકિટ મળી ગઈ. ચક્રવર્તી કહે — પટેલ સા’બ, અબ હમ કૈસે ભી જાયેંગે. એક મણિપુરી યુવકે કહ્યું કે એ ડ્રાઇવરને કહી દેશે એટલે એકાદ વધારાની જગ્યા મળી જશે. હવે જરા નિરાંત થઈ. અહીં હવે આજુબાજુ નિરાંતે જોયું. પ્રસન્નવદન આદિવાસી કે પછી મણિપુરી પણ હોય, કન્યાઓનું દલ બેઠું હતું. પ્રસન્ન અને રમતિયાળ, મુક્ત અને અકુંઠિત એમનું હાસ્ય હતું. બૅગ પાસે પડેલી મારી શોલ્ડર બૅગની ચેઈન ખુલ્લી હતી, તે જોઈ એકે ચેઈન ખેંચી બંધ કરવાનો પ્રયત્ન કર્યો. ક્લિપ ખેંચાઈ, પણ બૅગ તો ખુલ્લી જ રહી, એટલે તે હસી રહી. તેની સખીઓ પણ. મેં આભાર માનતાં કહ્યું—એ ખુલ્લી જ રહે છે. એ ફરી હસી રહી.

સમય થયો પણ બસ ન દેખાઈ એટલે તપાસ કરી તો ખબર પડી કે બસ તો અહીંથી નીકળી ગઈ! ‘ક્યારે? અમે તો અહીં ને અહીં છીએ.’ ‘હમણાં જ ગઈ.’ હવે? હવે ફરી પાછા નાગાલૅન્ડ ડેપો પાસેના સ્ટેન્ડ પર જઈએ તો અહીંથી નીકળેલી બસ મળી જાય. પ્રસન્ન મન ફરી પાછું ખિન્ન થઈ ગયું.

પણ પછી એકાએક મનમાં નિર્ણય થયો — ચાલો, હવે શું થાય છે તે જોઈએ. કેવી રીતે કોહિમા પહોંચાય છે તે જોવાની મઝા આવશે. હું મારી પ્રવૃત્તિઓનો તટસ્થ નિરીક્ષક બની ગયો. વ્યગ્રતા ચાલી ગઈ, પણ ચક્રવર્તી તો ફરી પાછા ‘ગજબ હો ગયા પટેલ સા’બ, ગજબ હો ગયા’—એમ બોલી રહ્યા. રિક્ષા લઈ ફરીથી ઉત્તર ભણી ચાલ્યા. હવે હું નિરાંતે આજુબાજુ જોતો હતો. સૂરજ ઊગવાનાં લક્ષણો દેખાતાં હતાં. આ જ બર્મા લઈ જતો રોડ, પણ અમે તેની વિપરીત દિશામાં જતા હતા.

મણિપુરમાં એક દિવસ રહી જાત હું તો, પણ કિશોર જાદવે આજે વાર્તાલાપ ગોઠવ્યો હતો, તેઓ કોહિમા બસસ્ટૅન્ડ પર મારી રાહ જોવાના હતા. એટલે કોઈ પણ રીતે કોહિમા તો પહોંચવું જ જોઈએ. અહીંથી બસ ઊપડી ગઈ હતી. એ છેલ્લી બસ હતી.

અમે ટ્રકવાળાઓને પૂછવાનું શરૂ કર્યું. આ ઈશાન ભારતમાં રેલવેની વ્યવસ્થા ઓછી છે એટલે ટ્રકવ્યવહાર પુષ્કળ છે. પૂછતાં પૂછતાં એક ટ્રક મળી ગઈ. ખાલી ટ્રક હતી. ડિમાપુર જતી હતી, કોહિમા થઈને. ડ્રાઇવરની કેબિનમાં અમને જગ્યા આપી. વાહ! કયાં તો બસની ભીડ અને ક્યાં તો ટ્રકની મોકળાશ! ઇમ્ફાલનું પાદર આવ્યું. ચિત્રાંગદાના દેશની વિદાય લીધી, ટ્રકમાંથી જાણે હાથ બહાર કાઢી, પણ ચિત્રાંગદાને મુલક હજી દૂર સુધી સાથે રહેશે. જોતજોતામાં રમ્ય બંધુર પહાડી માર્ગ શરૂ થઈ ગયો. પહાડોની માટીના રંગમાં પીળાશ. ક્યારેક માર્ગ પહાડોની વચ્ચે લાગે, ક્યારેક કોઈ પહાડની ધારે. ક્યારેક ઝરણું ઓળંગીને જતો હોય, ક્યારેક નદી, ક્યારેક નાનાં નાનાં ગામ વચ્ચે થઈને. ચક્રવર્તી ખુશ હતા. એમની જીભ સતત ચાલતી રહેતી. કૅરોના કંપનીના એક્ઝીક્યુટિવ હતા. બંગાળી, પણ કાનપુરમાં જન્મેલા એટલે હિન્દીમાં જ બોલે. પોતે રહેતા ગુવાહાટીમાં અને પરિવાર કલકત્તામાં. પરિવારની વાત કરતાં કરતાં નાની દીકરીને યાદ કરીને ગળગળા થઈ ગયા. આ બાજુ મારું મન તો ટ્રકની બારી બહાર જ.

વચ્ચે એક ઝરણા પાસે પાણી લેવા ટ્રક ઊભી રહી. ટૂંકમાં એક સુખ. ગામમાં ઊભી ન રહે અને આ સ્થળે ઊભી રાખી જરા આસપાસના વિસ્તારને નજરમાં ભરી લેવો હોય તો ઊભી રહે. હું નીચે ઊતર્યો. ઝરણે જઈ મોં-હાથ ધોયાં મને હિમાલયનાં ઝરણાં યાદ આવ્યા. એમનો મિજાજ તો જુદો જ.

વચ્ચે એક ગામ આવ્યું. હજી અમે મણિપુરમાં જ હતા… અહીં એક હાટ બેઠું હતું. સ્ત્રીઓથી સંચાલિત હાટ, અહીં ભજિયાં ખાવા મળ્યાં — બટાટા અને મેથીનાં ગરમ ગરમ ભજિયાં. પછી ચક્રવર્તીએ એક સાદું પાન લીધું તે આઠ આના. મેં શેરડીના બે કકડા લીધા તો આઠ આના.

રસ્તામાં કેટલાંક વૃક્ષ પર વસંત હતી. બે વૃક્ષ તો એવાં જોયાં કે માત્ર ફૂલનું જ વૃક્ષ. એકેયનું નામ ન આવડે. પવન ખુશનુમા હતો, તડકોય ખુશનુમા. વચ્ચે વચ્ચે ચૅકપોસ્ટ આવે. ચૅકિંગ થાય. શું છે બૅગમાં? ક્યાંક ખોલીને બતાવવું પડે. મણિપુર ઠીક ઠીક સાથે ચાલ્યું.

નાગાલૅન્ડની સીમા શરૂ થઈ. ભૂમિ તો એવી ને એવી લાગતી હતી, પણ નાગાલૅન્ડની ભૂમિમાં પ્રવેશતાં મન:સ્થિતિ એવી ને એવી ન રહી. કેટલું બધું વાંચ્યું છે આ પ્રદેશ વિષે, આ પ્રદેશના લોકો વિષે, આ પ્રદેશની રાજકીય ઘટનાઓ વિષે! નાગાલૅન્ડમાં પ્રવેશવા માટે હજી આપણે પરમિટ લેવી પડે છે. કિશોરે મને જણાવેલું અને એટલે અહીં આવવા નીકળતાં પહેલાં અમદાવાદથી અરજી કરીને પરમિટ મેળવી લીધેલી. કિશોરના સદ્ભાવથી એ કામ સરળ બનેલું. મેં ઇમ્ફાલથી નીકળતાં જ એ પરમિટ ખિસ્સામાં રાખી હતી. આ તો દેશમાં વિદેશ જેવું લાગે છે. પણ અહીંની રાજકીય પરિસ્થિતિ જ એવી છે કે એવા પ્રતિબંધની આવશ્યકતા લાગી હશે. પણ આવો પ્રતિબંધ હોય એટલે આપણું કૌતુક વધારે વધે, એય સ્વાભાવિક.

રસ્તાની ધારે ઘરનાં ઝૂમખાં આવવા લાગ્યાં. ઘર એક સપાટ ભૂમિ પર નહીં, પણ પગથિયાંની જેમ ઢોળાવ પર. એક ઘરથી બીજા ઘરને છેટું. વાંસનાં ઘર. ઘરની એક દીવાલ તો નીચે ખોડેલા પાયા પર ઊભી હેય. પાયા ખોડી ભોંયતળિયું સમતલ બનાવ્યું હોય. મારી નજરમાં અતિરિક્ત કૌતુક હતું. મૈતેઈ લોેકોના પોશાક હવે નહોતા. ઉઘાડાં બદન અનેક હતાં. સ્ત્રીઓનો પોશાક પણ જરા જુદો લાગ્યો. દુપટ્ટા જેવું ઇન્નફિ અહીં ન હતું. પેલા મોંગોલ કિરાતી—ચહેરા. રંગે તો ગોરા જ. થાય છે કે એકાદ ગામમાં ઊતરી પડ્યા હોત તો સારું થાત, પણ બીજી બાજુ આ પ્રજાની વિચિત્રતાઓ સાંભળીને એમ એકદમ અજાણ્યા તરીકે ગામમાં પ્રવેશવાનું પણ સાહસ ન થાય.

કિશોરના ઘરનું સરનામું મારી પાસે બરાબર પાકું હતું. પણ મને થતું હતું કે ઇમ્ફાલથી સવારે આઠ વાગ્યે ઊપડેલી છેલ્લી બસ કોહિમા પહોંચશે, પછી તેમાંથી મને ઊતરતો ન જોઈને કિશોરને ચિંતા થશે. ઇમ્ફાલથી કોહિમા ૧૪૨ કિલોમીટર છે. લગભગ ચાર કલાક પહોંચતાં થાય છે. અમે બસ કરતાં જરા મોડા ઊપડેલા. થતું હતું કે કિશોર બસસ્ટૅન્ડ ઉપર હશે કે નહીં? પણ જે થાય તે હવે તો.

ટ્રક ડ્રાઇવર કોહિમામાં પ્રવેશી બસસ્ટૅન્ડ સુધી આવવા રાજી નહોતો. તે તો બારોબાર સડક પર ડિમાપુર જવા માગતો હતો. એટલે નગરને નાકે હું ઊતરી ગયો. થોડુંક ચાલવું પડે તેમ હતું. હાથમાં ભારે બૅગ, ખભેય બૅગ. મેં ચાલવા માંડ્યું. તડકો થઈ ગયો હતો અને તેય ખરા બપોરનો. કોઈ ટ્રાન્સપોર્ટ મળે તો ઠીક એમ વિચારતો એક હાથેથી બીજા હાથે બૅગ બદલતો ચાલતો હતો.

આમ થોડુંક ચાલ્યો, ત્યાં બાજુમાંથી પસાર થતી એક મોટરકાર જરા આગળ જઈ ધીમે થઈ ઊભી રહી ગઈ. અને કોઈ બારણું ખોલી નીચે ઉતર્યું. જોયું તો કિશોર જાદવ! એ એકદમ આશ્ચર્યચકિત મને આમ આ રીતે ચાલતો જોઈ, અને હું પણ. સારું થયું કે ડ્રાઇવરે અહીં જ ઉતાર્યો. માનો કે ભલો થઈને બસડેપો સુધી લઈ ગયો હોત તો કિશોર તો ત્યાં હોત જ નહીં. પછી તો એ મને શોધત, હું તેમને. કિશોર તો રાજી રાજી થઈ ગયા. તેમણે પૂછ્યું, ‘આમ કેમ?’ પછી કહે — ‘હું તો ચિંતાતુર હતો. તમે ક્યાં હશો? કેવી રીતે સંપર્ક કરીશ? તમે ક્યાં શોધશો?’ તેમને સૌથી વધારે ચિંતા તો ‘થિંકર્સ ફૉરમ’ના ઉપક્રમે ગોઠવેલા વાર્તાલાપ અંગે હતી. સ્થાનિક બધા માણસો આવે, અને હું ન પહોંચું તોે કેવું વરવું દેખાય? હું તો હજી વિસ્મયમાં હતો. મેં તેમને બધી વાત કરી.

અને અત્યારે આ ક્ષણેય વિચારું છું કે એ ચમત્કાર નહીં તો બીજું શું? વળી કિશોર તો ઝડપથી ગાડી હંકારીને નીકળી જાત, પણ ગાડીમાં બેઠેલાં તેમનાં નાગપત્નીની નજર મારા પર પડી હશે. મને એમણે કોઈ દિવસ જોયો નહોતો; પણ એમણે અનુમાન કરી લીધું હશે અને કિશો૨નું ધ્યાન દોર્યું, કે તમારા પેલા આવનારા મિત્ર તો આ જાય તે નહીં? અને કિશોરે ગાડી ધીમી કરી થંભાવી દીધી હતી.

ગાડીમાં અહીં એમ. એલ. એ. હૉસ્ટેલ પર મારો સામાન મૂકવા આવ્યા. મારે માટે તેમણે અહીં એક ‘સ્યૂટ’ રિઝર્વ કરાવ્યો હતો. ત્યાં સામાન મૂકી તેમના ઘેર પહોંચ્યા. પહાડના ઢોળાવ પર નગર વસેલું છે. સુંદર જગ્યાએ કિશોરનું ઘર. એક ઢોળાવ પર ગાડી ઊભી રાખી. ત્યાંથી સો પગથિયાં નીચે ઊતરીએ એટલે ઘર આવે, ઘર આવ્યું. આંગણામાં રસ્તે જોયું હતું તે ફૂલોવાળું ઝાડ. કિશોરને નામ પૂછ્યું તો કહે એ ફૂલનું નામ છે ‘પાન્ગ જન્ગ નરો.’ ‘નરો’ એટલે ફૂલ.

ઘરમાં ગયા. તેમનાં પત્ની તો સાથે જ હતાં. તેમનો પરિચય હવે વધવાનો જ હતો. નાગાલૅન્ડમાં આવવા સંબંધી જ્યારે મેં કિશોરને પત્ર લખેલો ત્યારે તેના ઉત્તરમાં આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કરતાં તેમણે લખેલું—‘તમે આવો છો તેથી એટલો સમય સાથે ગાળવાની તક મળે છે. સારો અવસર છે. મઝા આવશે. મારું ઘર, મારું જીવન, અહીંનો પ્રદેશ, લોેકો જોવાજાણવા મળશે. મારે વિષે ગુજરાતી સાહિત્યમાં કેટલીક ગેરસમજો પ્રવર્તે છે— તે સંદર્ભમાં નવી રીતે વિચારવાનું, બીજાઓને વિચારતા કરી મૂકવાનું, તમારી આ મુલાકાતથી કદાચ બને.’ વગેરે.

અઢી વાગી ગયા હતા. ચાર વાગ્યે તો વાર્તાલાપ હતો. વિષય રાખ્યો હતો — ‘રાઇટર્સ રોલ ઇન સોસાયટી.’ વાર્તાલાપ ગોઠવ્યો હતો—થિંકર્સ ફૉરમ, નાગાલૅન્ડના ઉપક્રમે. વાર્તાલાપ તો નિમિત્ત હતું. એ બહાને અહીંના પ્રબુદ્ધ લોકોને મળી શકાય, વિચારોની આપ-લે થઈ શકે. વાર્તાલાપનું સ્થળ હતું — ડૉ. આરામનું શાંતિ પ્રતિષ્ઠાન — પીસ સેન્ટર.

અત્યાર સુધી તડકો હતો. એકાએક વાદળ ચઢી આવ્યું. મને થતું હતું કે કોહિમા વરસાદના દિવસોમાં કેવું લાગતું હશે. જાણે મારી ઇચ્છાની પરિપૂર્તિ કરતાં હોય તેમ વાદળ વરસી રહ્યાં. કિશોરે કહ્યું — અહીંનો આ પહેલો વરસાદ. જોતજોતામાં વાતાવરણ કાવ્યમય બની ગયું આ પહાડી નગરનું.

કિશોર આટલે દૂર રહીને ગુજરાતી પુસ્તકોની પોતાની અંગત લાઇબ્રેરી અપ-ટુ-ડેટ રાખે છે. છેલ્લા મહિનામાં પ્રગટ થયેલાં પુસ્તક એના સ્ટડીમાં બતાવ્યાં. તેમનાં બાળકોનો પરિચય કરાવ્યો. બધાંને આજે નિશાળેથી રજા લેવડાવી હતી. ત્રણ દીકરીઓ, બે દીકરાઓ. મોટા દીકરાને ફ્લ્યુ થયો હતો. કિશોરનાં નાગપત્ની હિંદી બોલતાં હતાં. તેમણે પ્રેમથી જમાડ્યો. જમીને થોડીવારમાં શાંતિપ્રતિષ્ઠાન ભણી નીકળ્યા.

વળી તડકો નીકળ્યો હતો. પ્રતિષ્ઠાન પર પહોંચ્યા ત્યારે મિત્રો રાહ જોતા હતા. ડૉ આરામ, તેમનાં બંગાળી પત્ની, પ્રો. કુમાર, ત્યાંના સ્થાનિક અધિકારીઓ આદિ. અંગ્રેજી આદાનપ્રદાનનું માધ્યમ હતી. મેં થોડુંક કહ્યું, પછી ડૉ. આરામ અને પ્રો. કુમાર બોલ્યા. વિશેષે તો લેખકની સમાજ સાથેની પ્રતિબદ્ધતા વિષે વિવાદ થયો,

અંધારું ઊતરી આવ્યું હતું. કિશોરને ત્યાં જમવામાં પ્રો. કુમાર અને તેની સાથે નોર્થ ઇસ્ટર્ન રાઇટર્સ અકાદેમીના સેક્રૅટરી શ્રી એસ. પી. સિંહ પણ હતા. પ્રો. કુમાર એટલે ઉત્સાહનો ફુવારો. ત્યાંથી રાત્રે અહીં એમ. એલ. એ. હૉસ્ટેલમાં મારા રૂમમાં એ બધા મિત્રો મૂકી ગયા.

મારા રૂમમાં હું એકલો છું. આ પ્રદેશ, અહીંના આ લોકો વિષે વિચારું છું. ડૉ. આરામ અને તેમના શાંતિપ્રતિષ્ઠાન વિષે વિચારું છું. *પ્રો. કુમારની અથાગ કાર્ય પ્રવૃત્તિ વિષે વિચારું છું. કિશોર અને નાગપત્ની સાથેના તેના ગૃહજીવન વિષે વિચારું છું. નગરની શોભા મનમાં વસી ગઈ છે. અત્યારે આ ચાંદનીમાં કોહિમા ખરે જ સ્વપ્નનગરી લાગે છે. પણ પેલા પહાડ પર હવે વધારે વાદળ જમા થતાં જાય છે. પવનનો મિજાજ બદલાવા લાગ્યા છે. કદાચ ફરી વરસાદ થશે.

* શ્રી કિશોર જાદવે મને લખ્યું છે કે હવે ડૉ. આરામ ત્યાં નથી અને તેમનું શાંતિપ્રતિષ્ઠાન કેન્દ્ર પણ નથી.

(૧-૭-૮૦)

માર્ચ ૯

કોહિમાની સવાર.

ગઈ રાત્રે વરસાદ થયો, વીજળીના ચમકારા અને વાદળાની ગર્જના સાથે. પવન પણ સંગી હતો. લાઇટ જતી રહી. હું હજી તો હમણાં જ સૂતો હતો. ઊંઘ આવતાં આવતાં ન આવી. થયું બહાર જોઉં.

અંધારામાં ઊભો થઈ બારણું ખોલી પાછલી બાલ્કનીમાં આવ્યો. કોહિમા, જાફૂ પહાડ બધું અંધારાનો ભાગ બની ગયું હતું, પણ વીજળીના વારંવાર થતા ઝબકારા તેમની ઝાંખી કરાવી જતા હતા. ભીષણ રાત્રિ.

અત્યારે આ સવાર મેઘભીની જ છે. ઝરમરતા વરસાદમાં આ પર્વતીય નગર જાણે અનાવૃત્ત થઈ નિ:શંકપણે સ્નાનનિરત છે. ગઈ કાલે બપોરના તડકામાં પ્રથમ નજરે જેને જોયું હતું, આ તે નથી. જાફૂને ભેટેલો મેઘ અને જાફૂ બન્ને વરસાદી લાગે છે. આ મેઘાલોકે ચિત્તની અન્યથાવૃત્તિ થઈ છે; પણ આ મેઘ પાછો પશ્ચિમભણી જાય છે કે સંદેશ મોકલવાની રોમાંટિક કલ્પના થઈ આવે!

૪૮૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું કોહિમા નાગાલૅન્ડની રાજધાની છે. ઊંચીનીચી ટેકરીઓના ઢોળાવો પર વસેલું છે. નાગાલૅન્ડ આગળ જતાં હિમાલયને મળી જતી પહાડની હારમાળાઓમાં લગભગ નવસો જેટલાં ગામડાંઓમાં વસેલું છે. કોહિમા મોકોકચુગ કે નીચે મેદાનમાં આવેલું ડિમાપુર — એ જ જરા મોટાં. વસતી જ આખા રાજ્યની આપણા અમદાવાદથી ત્રીજા ભાગની (સાત લાખની). આ બધી વસતી આદિવાસીઓની — કિરાતોની. કદાચ — કિરાત તત્ત્વ આ વિસ્તારમાં સૌથી વધારે હશે.

નાગાઓના ઇતિહાસની બહુ ખબર નથી. હજારો વર્ષો પહેલાં તિબેટ, બર્મા તરફથી થઈ જે મોંગોલ જાતિઓ ભારતમાં પ્રવેશી અને ઈશાન ભારતમાં સ્થિર થઈ ગઈ. તેમાંની આ નાગાજાતિઓ છે. જાતિઓ એટલા માટે કે આ નાગાઓની અંગામી, આઓ, કોન્યાક, સેમા, લોથા વગેરે ચૌદ જેટલી ઉપજાતિઓ છે. દરેકની પરંપરા, રહેણીકરણમાં ફેર પાછો. દરેક કબીલાની બોલી તો જુદી જ. જેટલી ઉપજાતિઓ તેટલી બોલી.

નાગાઓના ઇતિહાસ વિષે નાગાઓમાં એક રમૂજીકથા કહેવાય છે. ભગવાને પૃથ્વી બનાવ્યા પછી મનુષ્યનું નિર્માણ કર્યું અને પછી અનેક જાતિઓ બનાવી. જેટલી જાતિઓ બનાવી તેટલાં હરણાં મારી દરેક જાતિને મૃગચર્મ પર પોતાને ઇતિહાસ લખી રાખવા દરેકને એક એક આપ્યું. નાગાજાતિને પણ એક આવી ખાલ મળી. પણ એક વેળા ભારે દુકાળ પડ્યો અને પશુ, પંખી, ફૂલફલ, પાંદડાં ખાતાં, છેવટે જ્યારે કંઈએ ન રહ્યું ત્યારે ઇતિહાસ લખવા જે મૃગચર્મ આપ્યું હતું તે પણ નાગાઓ ખાઈ ગયા. હવે ઇતિહાસ ક્યાંથી સચવાયો હોય?

નાગાલૅન્ડ નામ તો હજી હમણાંનું છે. આ રાજ્ય જ ભારતના સોળમા રાજ્ય તરીકે ૧૯૬૩માં અસ્તિત્વમાં આવ્યું. તેમાંય ડખલા ઘણા છે. ૧૯૬૧માં આ નવું નામ આપ્યું તે પહેલાં ‘નેફા’ (નોર્થ ઇસ્ટ ફ્રંટિયર એજન્સી)ની જેમ આ વિસ્તારનું પણું વર્ણનાત્મક નામ આપવામાં આવ્યું હતું —‘એનએચટીએ’ (નાગા હિલ્સ ઍન્ડ ટયુએનસાંગ એરિયા).

નાગાલૅન્ડ સરહદી રાજ્ય છે, આદિવાસી રાજ્ય છે. એના ઘણા પ્રશ્નો છે. વારે વારે આશાંત પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. સાઠીની આસપાસનાં વર્ષોમાં આખા જગતનું તેણે ધ્યાન ખેંચ્યું હતું અને હજી સ્થિતિ એકદમ નરવી છે એવું નથી. ભારત સાથે એનો તાર હજી જાણે પૂરેપૂરો સંધાતો નથી. ભારત જુદીજુદી રીતે એને છૂટછાટ આપે છે, યોજનાઓ માટે દ્રવ્ય વહાવે છે. જ્યારે એ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે નાગા કસ્ટમરી લૉને યથાવત્ સ્વીકારવામાં આવ્યો છે. એટલે કે તેમની ધાર્મિક સામાજિક બાબતમાં તેમની પરંપરાગત ન્યાયનીતિની બાબતમાં ભારત સરકારના કાયદા લાગુ ના પડે. કાશ્મીરની જેમ અહીં પણ બિન-નાગા ભારતીય જમીન વગેરે ખરીદ ન કરી શકે વગેરે.

આમ જોઈએ તો હજી જ્વાળામુખીની આ ભૂમિ છે. નાગાલૅન્ડની દક્ષિણે મણિપુર, ઉત્તરે અરુણાચલ, પશ્ચિમે અસમ અને પૂર્વમાં બર્મા છે. એટલે ચીન બહુ દૂર ન કહેવાય. સતત ત્યાંથી નાની મોટી ઉશ્કેરણીઓ થતી રહી છે. વિદ્રોહીઓને આશ્રય મળે બર્માના આનાકાનનાં જંગલોમાં. શિક્ષણ શસ્ત્રો ચીનમાંથી મળે.

ભારત સરકાર આટલું બધું ખર્ચ કરે છે નાગાલૅન્ડ પર, તોય આમ કેમ? નાગાઓ પોતાનું સાર્વભૌમ, સ્વાયત્ત ભારતના અંકુશથી મુક્ત એવું રાજ્ય માગે છે. નાગા બળવાખોર ફિજો તે દિવસોમાં વર્તમાનપત્રોમાં કેટલો ચમકતો? હજી ચમકી જાય છે. બળવાખોર નાગાઓ જે ભૂગર્ભપ્રવૃત્તિ ચલાવે છે તેમની સાથે અનેક વાટાઘાટો યોજાતી જ રહે છે. ડૉ. આરામનું ‘પીસ સેન્ટર’ એવા જ ઉપક્રમે જન્મ્યું છે. પણ શાંતિના તબક્કા જ આવે છે એટલું.

મૂળે આ પ્રજાઓ સ્વતંત્ર દિમાગની છે. પોતાના કબીલાની નાની દુનિયામાં જીવવા ટેવાયેલી, સ્વાયત્ત અને સ્વનિર્ભર. એમની આંખોમાં રંગની પરખ છે, કંઠમાં સૂર છે અને પગમાં નર્તન. ખેતી અને તે ય ઝૂમ ખેતી છે. જંગલ કાપી બાળી ખેતી કરવાની. એક પાક લીધા પછી એ જમીન કેટલાંક વર્ષમાં પડી રહે, ફરી તેના પર જંગલ ઊગી જાય, ફરી કપાય એમ. એ પણ એક સામુહિક અનુષ્ઠાન બની રહે. શિકાર પણ એક સામૂહિક અનુષ્ઠાન. એમાંથી ઊભી થઈ છે તેમની નૃત્યશૈલી. મોટા ભાગનાં નૃત્ય ઉર્વરતા — ફર્ટિલિટી કલ્ટ સાથે કે શિકાર સાથે સંકળાયેલાં છે.

યુવકયુવતીઓની હૉસ્ટેલો જેવું ‘મોરગ’નું જીવન પણ રોમાંચક છે. એક વિશાળ ‘મોરંગ’માં યુવકો રહે— માબાપથી જુદા. તેવી રીતે યુવતીઓ. હળે મળે પ્રેમ કરે. રતિરંગનો બહુ છોછ નથી. પીવાનાં માદક પીણાં પોતે જ તૈયાર કરી લે છે. પહેરવાનાં રંગીન વસ્ત્રો પોતે જ વણી લે છે. પંખીનાં પીછાંની — વિશેષે તો હોર્નબીલનાં, જંગલી મિથુનનાં શીંગડાંની શોલા ધારણ કરે. પેલી ટિપીકલ નાગાલૅન્ડી શાલ ઓઢે. તીર, ભાલો અને ડાવ તેમનાં મુખ્ય શસ્ત્ર.

વાત દાહોદની છે. ૧૯૭૫ના ઑક્ટોબર-નવેમ્બરની કદાચ. ત્યાંની કૉલેજમાં રિલ્કે વિશે સેમિનાર હતો. ઉમાશંકર જોશી, સુરેશ જોષી બધા આવ્યા હતા. એક સાંજે ભોજન પછી સૌ બેઠા હતા. ત્યાં એકાએક ખભે નાગાલૅન્ડની શાલ, એક હાથમાં ફૂમતાવાળો ભાલો અને બીજા હાથમાં ઉગામેલું ‘ડાવ’ લઈ ‘હાઉક’ કરીને ઉમાશંકરે પ્રવેશ કર્યો! બધા સ્તબ્ધ. ઉમાશંકર તાજેતરમાં જ નાગાલૅન્ડની મુલાકાત લઈ દિલ્હી થઈ સીધા ત્યાં આવેલા. ‘ડાવ’ ઉગામી કહે—આણે કેટલાંય માથાં કાપ્યાં હશે.

તેમણે પછી વાત કરી હતી, નાગાઓમાં પ્રચલિત હેડ હન્ટિંગની પ્રથાની. શત્રુનું માથું કાપી લાવે તે જ વીર. તેને જ અમુક રંગીન વસ્ત્રો પહેરવાનો, સૌથી સુંદર કન્યા પામવાનો અધિકાર. એને લીધે જ નાગાઓના નાના નાના કબીલા બની ગયા. એને લીધે જ ટેકરીઓની ટોચે વસવાનું એમને માટે અનિવાર્ય જેવું બન્યું તથા કથિત ‘સભ્ય’ વસતી એમનાથી એટલે દૂર રહી, તેઓ એમનાથી દૂર રહ્યા.

અંગ્રેજોની સાથે આ દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા. તેઓ બધા આદિવાસી વિસ્તારમાં ફેલાઈ ગયા. અહીં પણ કેટલાક અંગ્રેજ અધિકારીઓને આ પ્રજામાં નૃતત્ત્વશાસ્ત્રીય રસ હતો. હટન જેવાએ સેમા નાગાઓ વિશેની, મિલ્સે આઓ નાગાઓ વિશેની, એક જર્મને કોન્યાક નાગાઓ વિશેની ચોપડી લખી છે. તેમાં હટન અને મિલ્સનાં પુસ્તકો તો આ સદીના આરંભનાં છે.

ખ્રિસ્તી મિશનરીઓમાં કેથલિકો પણ આવ્યા, પ્રોટેસ્ટંટો અને અમેરિકન બાપ્ટિસ્ટ મિશનરીઓ પણ. ગામેગામ તેઓ ફેલાયા. નીચે મિઝો પહાડીઓમાં. અહીં નાના અને ગારો, જેંતિયા તથા ખાસી પહાડીઓમાં. મિશનરીઓએ તેમની ભાષાઓ શીખી તેમની જ ભાષામાં તેમની આગળ ઈશુનો સંદેશ ધર્યો. શાળાઓ શરૂ કરી, સ્વાસ્થ્ય કેન્દ્રો શરૂ કર્યા. અને આ આદિમ પ્રજા ખ્રિસ્તી બનતી ગઈ. આજે પચાસ ટકાની આસપાસની વસતી ખ્રિસ્તી હશે. તેમણે અહીંની બેલીઓને લિપિ આપી. રોમનલિપિ.

કાલે ઇમ્ફાલથી આવતાં ૨સ્તાનાં ગામોમાં, નાનામાં નાનાં ગામોમાં ચેપલ જોવા મળતાં. રોમન લિપિમાં ગામનાં નામ જોવા મળતાં. મિશનરીઓએ તેમને નવા જગતના સંપર્કમાં મૂક્યા, એ નિ:શંક, પણ તેમની કેટલીક ખાસિયતોય એ છોડાવી. આજે મસ્તક શિકાર થતો નથી. વેરિયર એલ્વિન જેવા તેના કારણોમાં ખ્રિસ્તી ધર્મની વિધાયક અસર જુએ છે. એલ્વિનનું ‘નાગાલૅન્ડ’ પુસ્તક એ રીતે આ મિશનરીઓ તરફ કુમળો ખૂણો ધરાવે છે. ખ્રિસ્તી ધર્મની સાથે પાશ્ચાત્ય રહેણીકરણીય આવી. જ્યાં શીંગડાં, પાવા અને ઢોલ બજતાં ત્યાં હવે સાથે ગીટારની ધૂન સંભળાય છે. નાગાલૅન્ડના અસલી નૃત્યોની સાથે પાશ્ચાત્ય નૃત્ય શરૂ થાય છે.

બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સાથેની લડાઈમાં આ એક સમરાંગણ હતું. કોહિમાથી જાપાનીઓને એક ઈંચ આગળ ન વધવા દઈ પાછા હટાવેલા. પણ આ યુદ્ધે અહીંના વાસીઓને જગત સામે ધરી દીધા. નવા વિશ્વનો પવન અહીં ફૂંકાવા લાગ્યો.

આ નૃવંશશાસ્ત્રીને તો અફસોસ થાય કે આ પ્રજાની જૂની રીતિનીતિ બદલાઈ રહી છે. આધુનિકીકરણની આ પ્રક્રિયા અવશ્ય આ પ્રજાને બૃહદ્ સમાજ સાથે જોડાશે, પણ તેમની જે એક અલગ ઓળખ — આઇડેન્ટિટી છે, તે વિલુપ્ત પણ પામે. જો કે અંદરનાં ઊંડાં ગામોમાં હજીય નાગા કસ્ટમરી કાયદાનું જ પ્રવર્તન છે. એ હજી પોતાની અસલી રીતે જીવે છે.

પણ ભણેલાગણેલા નાગાઓમાં એક જાતનો અસંતોષ છે. કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ પણ, ચીનની જેમ તેમાં રસ લેતા હોઈ શકે. જ્યારે ભૂગર્ભ નાગાઓની સાથે વિશેષે બળવાખોર ફિજો સાથે સુલેહની વાટાઘાટો ચાલતી હતી ત્યારે રેવ. ફાધર સ્કૉટનાં સંદિગ્ધ વલણે ભારે ઊહાપોહ જગાવ્યો હતો તે જાણીતી વાત છે.

સમગ્રપણે જોઈએ તે આ પ્રજા ત્રિભેટે ઊભી છે. ક્યાં જવું? કોની સાથે રહેવું? પિતાની અસલિયત જાળવી રાખવી? મોડર્ન થવું? અસલિયત જાળવી રાખીને કેટલું મોડર્ન થઈ શકાય? મુખ્યત્વે આ દ્વિધા ધર્મ અને આચારને લગતી છે. પણ રાજકીય રીતે પ્રશ્ન છે કે પોતાનું એકદમ અલગ સાર્વભૌમ રાજ્ય હોવું જોઈએ? ભારતના એક ભાગ તરીકે રહેવું જોઈએ કે પછી ચીન તરફી થવું જોઈએ! આ સૌ પરિબળો એક સાથે છે. રાજકારણની પ્રચલિત પરિભાષામાં આ ઊકળતો ચરુ જ છે. ભારત સરકાર અહીં જે દ્રવ્યાદિ વાવે છે, તેની ફસલમાં ભારત-પ્રીતિનાં ડૂંડાં નિઘલશે કે કેમ તે સંદેહ રહ્યા કરવાનો. મોટા ભાગનું દ્રવ્ય તો આગળ વધેલાં કેટલાંક કુટુંબોમાં જ વહેંચાઈ જાય છે. દૂરનાં અંતરિયાળનાં અભાવગ્રસ્ત કુટુંબો સુધી પહોંચવા પામે તો પામે.

કોહિમામાં ફરતાં એવું લાગેલું કે સ્ત્રીઓ, કન્યાઓ પોતાના વેશમાં નાગાલૅન્ડની પરંપરા જાળવી રહી છે, પુરુષો તો નહીંવત્ જ. કદાચ આ શહેરવિસ્તાર છે એટલે ઘણાખરા આપણી જેમ પશ્ચિમી ઢબનાં વસ્ત્રો પહેરે છે. એમના ચહેરાને બાદ કરીએ તો ભાગ્યે જ આ ‘કિરાત’ લાગે! અંગ્રેજી ફટાફટ બોલે. એક બાજુ નાગાલૅન્ડનાં નૃત્યની વાત સાંભળીએ અને બીજી બાજુ આ ફટાફટ અંગ્રેજી સાંભળીએ ત્યારે આ પ્રજાની આઇડેન્ટિટી ક્રાઇસિસનો ખ્યાલ આવે.

‘ફેસ્ટિવલ ઑફ નાગાલૅન્ડ’ની પુસ્તિકા જોઉં છું અને તેમાં આપેલી અહંના તહેવારની ઉજવણીમાં નૃત્યોની તસ્વીરમાં ખોવાઈ જાઉં છું. ‘નાગાલૅન્ડ’ વિષેનાં પુસ્તકો જોઉં છું અને આ પ્રજાની ખાસિયતો કેવા કેવા વિચારોમાં ઘસડી જાય છે. અહીંની સરકારે પ્રકટ કરેલી ‘સ્ટેટિસ્ટિકલ હેન્ડબુક ઑફ નાગાલૅન્ડ’માં આપેલા સામાજિક, આર્થિક વિકાસના આંકડા જોઉં છું ત્યારે પ્રગતિને પંથે વળલું ભારતનું એક સમધારણ રાજ્ય હોય એવું જ લાગે છે. નાગાઓને ભલે પ્રાચીન ઇતિહાસ ન હોય; અદ્યતન ઇતિહાસ તો ઘણો છે અને તે રસપ્રદ અને રોમાંચક થઈ પડે તેમ છે. ડી. આર. માંકેકરનું ‘ઑન ધ સ્લિપરી સ્લૉપ ઇન નાગાલૅન્ડ’ તેનો નમૂનો છે.

આ તો મારી બધી અંગત છાપ છે. અહીં આવ્યા પહેલાં આ પ્રદેશ વિશે પૂર્વ જાણકારી માટે જે ગ્રંથો વાંચ્યા, અને થોડી ઘણી વાતચીત અહીંના નાગા — બિનનાગા મિત્ર સાથે થઈ, અહીં જે જોઉં છું, તેનાથી તે બંધાઈ છે.

આ બારીમાંથી સામે જ ચેપલનો ઊંચો ક્રોસ દેખાય છે, એ જ ઘણી વાત કહી જાય છે. આજે વરસાદ રહી જાય તો સારું, તો જ મોકોકચુંગ જઈ શકાશે. હમણાં કિશોર આવશે. કોહિમાના દર્શનીય સ્થળો જોવા એ મને લઈ જવાના છે. વરસાદમાંય આ કૂકડા જંપતા નથી. સવાર તો ક્યારનીય થઈ ગઈ છે.

*

આજે દિવસભર મેઘ અને તડકાની રમત ચાલી. મેઘ ઘેરાય એટલે એવા ઘેરાય કે બધું તેમનાથી આચ્છન્ન થઈ જાય. એકદમ સાંજ પડી ગઈ લાગે, શિયાળાની ઠંડીનો અનુભવ થવા લાગે. તેમાંય જો વ૨સાદ પડવા માંડે તો આપણને ઘનઘોર ચોમાસું લાગે. જાણે કેટલાય દિવસથી તે બેઠું છે. આમ તો હજી ગઈ કાલે જ આ મોસમનો પહેલો વરસાદ શરૂ થયો છે. વરસાદના દિવસ અહીં એપ્રિલથી સપ્ટેમ્બર હોય છે. આ માર્ચમાં તેમનું ઉતાવળે આગમન થઈ ગયું લાગે છે. પહાડોમાં વરસાદનો એક જુદો જ અનુભવ થતો હોય છે.

અત્યારે રાત્રે ચંદ્ર રહી રહીને વાદળ ઓથેથી નીકળી આવે છે. બરાબર ગોટમોટ થઈને બેસવું પડે એવી ઠંડી પણ છે. દિવસ દરમ્યાન પણ ઓઢીને જ ફરવું પડ્યું. જો કે સવારમાં તો તડકો નીકળી આવેલો. કિશોરના ઘર નીચેના ઢોળાવ પરના ઝરણામાં જીવન આવ્યું હતું. થોડા વરસાદથી તે વહેતું થઈ ગયું હતું.

કિશોરે આજે રજા લીધી હતી. તેમ છતાં શરૂઆતમાં તેમની ઑફિસ ભણી ગયા. ઑફિસો અહીં નવ વાગ્યે શરૂ થાય છે અને ત્રણ વાગ્યે બંધ, ઑફિસમાં મોટાભાગના કર્મચારીઓ સ્થાનિક છે, સૌ પાશ્ચાત્ય વેશભૂષામાં. હા, નાગાલૅન્ડી શાલ ઓઢી હોય. તેનો ઘેરો લાલ અને ઘેરો કાળો રંગ અછતો કેવી રીતે રહે? કિશોરે પણ એવી શાલ ઓઢી હતી. મેં ઓઢેલી કાશ્મીરી અહીં અડવી લાગતી હતી. ઇમ્ફાલની જેમ કોહિમાની વૉર સેમિટરી પણ પ્રસિદ્ધ છે. પણ તે ઉપરાંત તેનું સામરિક ઇતિહાસમાં મહત્ત્વ છે. જાપાનીઓ સાથે અહીં એક એક ઈંચ માટે લડાઈ થઈ હતી અને અહીંથી એમને પાછા હટાવવામાં આવ્યા હતા.

ચારે બાજુ જંગલછાયા અને ઘણે સ્થળે તે લગભગ દુર્લંઘ્ય કહી શકાય એવા પર્વતો વીંધીને લશ્કરો આધુનિક માનવસભ્યતાથી અલ્પપરિચિત આ પ્રદેશમાં ક્યાંનાં ક્યાં આવી ચઢ્યાં હશે! આ સેમિટરીનું પ્રવેશદ્વાર. ઢાળ ચઢીને જવાનું છે. કાલે આ રસ્તે થઈને જવાનું બન્યું હતું. ઇમ્ફાલની પદ્ધતિ પર અહીં પણ હારબંધ કબરો છે, એવા જ જુવાનિયાઓનાં હૃદયવિદારક મૃત્યુલેખોવાળી. જાપાનના એક દળે ઇમ્ફાલને ઘેરી લીધું હતું. બીજો મોર્ચો અહીં હતો. અહીંથી દીમાપુર પહોંચ્યા પછી તો મેદાનોમાં આગળ વધતાં કેટલીવાર? પછી તો આખું પૂર્વોત્તર કબજા હેઠળ…

ફરતાં ફરતાં અમે એક ચૅરીવૃક્ષ પાસે આવ્યા. કિશોરે ધ્યાન દોર્યું, આ જ તે ઐતિહાસિક ચૅરી. ત્યાં લખ્યું હતું :

The flowering cherry tree is of historical interest. The original tree was used as a sniper’s post by the Japanese and was destroyed in the fighting which raged round the tennis court and marked the limit of the Japanese advance into India. The present tree is shoot from the old stump.

વાંચતાં એકાએક નજર સામે ઘમસાણ યુદ્ધની તસવીર ખેંચાઈ ગઈ. આ યુદ્ધને ટેનિસ કૉર્ટની લડાઈ અહીં કહે છે. મૂળ ચૅરીવૃક્ષ તે લડાઈમાં નાશ પામ્યું, તેનો આ ફણગો વિકસીને વૃક્ષ થયો છે. તેને ફૂલ બેસે છે. પણ અહીં જે જમીન નીચે હંમેશને માટે સૂતેલા દૂધમલ જુવાનિયા છે, તે કદીય પુષ્પિત થવાના? તેમના દેહની મોંઘી માટીનું ખાતર થઈ એ જ કદાચ પુષ્પોના રંગમાં સુગંધમાં સત્ત્વરૂપ થતું હોય તો હોય.

જાપાનીઓ તો તે વખતે હટી ગયા, અને અંગ્રેજો પણ હવે તો નથી. આ કબરો અહીં છે; પરંતુ શું જાપાનીઓ કે શું અંગ્રેજો અને તેમના તરફથી લડનારા ગુરખા કે પંજાબના શીખો. સદીઓથી પોતાની પરંપરામાં, પોતાની રીતે જીવનાર આ આદિમ પ્રજાના ને અસ્ખલિત પ્રવાહને ક્ષુબ્ધ કરી નાખ્યો. તે પ્રજા સામે એક નવું વિશ્વ—આધુનિક સભ્યતાવાળું વિશ્વ આવ્યું! શાપ કે વરદાન કોણ કહી શકે? એ યુદ્ધમાં નાગાલૅન્ડનાં અનેક ગામ સંડોવાયા વિના કેવી રીતે રહી શક્યાં હોય? ૧૯૪૪ની આ વાત; અને પછી તે થોડાં વર્ષોમાં આઝાદી આવવાની હતી. એવાં બળો અહીં પ્રકટ્યાં જે નાગાલૅન્ડના વિસ્તારને ભારતથી અલગ સ્વાયત્ત વિસ્તાર તરીકે સ્થાપવા મથી રહ્યાં. અંગ્રેજોના ગયા પછી બર્મા અને સિલોન સ્વતંત્ર, સ્વાયત્ત થયાં તેમ. આજે પણ વાત ક્યાં ઠેકાણે પડે છે! આ પ્રજા જ મૂળે દુર્દમ્ય છે, તેમ છતાં ખ્રિસ્તી ધર્મના પ્રસારે, અર્વાચીન કેળવણીએ, રાજનીતિએ, આર્થિક સ્પર્ધાએ તેમને ‘ટેઈમ’ કરવા માંડ્યા છે. નજીકનાં વર્ષોમાં ઘણું બધું બદલાઈ જશે એવું આજનાં લક્ષણો કહી જાય છે.

અને એટલે મ્યુઝિયમની જરૂરિયાત બની રહેશે. આજે કોહિમા જેવાં તો નહીં, પણ દૂર બર્માની સરહદ પાસેનાં કોન્યાકોનાં કેટલાંક ગામ કે આન રાજાઓનાં ઘર સંગ્રહસ્થાન જેવાં લાગે, અથવા ત્યાં એ જરૂર જ ન હોય, કેમકે એ જીવંત જીવનરીતિ છે, એ સંગ્રહસ્થાન નથી; પરંતુ કોહિમામાં છે. થોડાં વર્ષો પછી અહીંને તરુણોને થશે કે આપણા વડવા આમ જીવતા હતા, અને તે આ મ્યુઝિયમ જોઈને.

આ મ્યુઝિયમ એક ઊંચી ટેકરી પર છે. મ્યુઝિયમના આયોજનમાં, કલ્પનાદૃષ્ટિ છે. સૌથી પ્રથમ તો આ વિસ્તા૨માં નાગાઓની જે જુદીજુદી જાતો રહે છે. તેમનો પરિચય થાય, તે માટે અલગ અલગ કક્ષ પાડીને તેમાં દરેક જાતિનાં ઘર, ઘરનો પરિવેશ, પહેરવેશ, આભૂષણ, પાળેલાં પ્રાણી, વપરાશનાં વાસણ, હથિયાર આ બધું બતાવવામાં આવ્યું છે. દરેક જાતિના સ્ત્રી, પુરુષ, બાળક—બધાના મોડેલો ૨જૂ કરવામાં આવ્યા છે. નાગાલૅન્ડના અંદરના ભાગોમાં ન જઈ શકનાર પણ આ મ્યુઝિયમ જોઈ થોડે ઘણો અંદાજ આ વિવિધ જાતિઓની રહેણીકરણી વિષે બાંધી શકે.

નાગાઓનાં હથિયાર જોયાં. વિશેષ કરીને ભાલા અને ડાવ, ભાલા અનેક પ્રકારના. ઉત્સવ અનુષ્ઠાનોના ભાલા જુદા, શોભાયમાન. પણ આમેય જુદા જુદા લડવૈયાઓને જુદી જુદી જાતના ભાલા, વય પ્રમાણે, પ્રતિષ્ઠા પ્રમાણે, જાતિ પ્રમાણે જુવાન લડવૈયાનો ભાલે જુદો, સાધારણ લડવૈયાનો ભાલો જુદો, ઘરડેરાંઓનો જુદો અને ઘડાયેલા લડવૈયાનો તો જુદો હોય જ. આ ભાલાઓ લઈને નૃત્ય પણ થાય, શિકાર પણ થાય. શત્રુ પર હુમલો પણ થાય. આપણને રજપૂતોના ભાલા યાદ આવે, તેમાંય રાણા પ્રતાપનો કે શિવાજીનો ભાલો. પણ અહીં અંગામી નાગાઓના ભાલા જોઈને જ ભય થાય.

જુદીજુદી જાતનાં ‘ડાવ’ હતાં. એક રીતે લાંબા ફણાવાળું આગળથી અણીવાળું નહીં પણ ત્રણ ચાર ઈંચ પહોળું શસ્ત્ર. એ બધા જ કામમાં આવે. વાંસ કાપવાના, માંસ કાપવાના કે એક જમાનામાં શત્રુનું માથું કાપવાના. અંદરનાં ગામોના નાગા તો હાથમાં ડાવ કે ભાલો લીધા વિના નીકળે જ નહીં.

નાગાઓનાં વસ્ત્રો, તેમાંય માથાના પહેરવેશ, તેમનાં આભૂષણ આ બધું ‘ઍક્સોટિક’ લાગે. ઘેરા રંગોની આ પ્રજા શોખીન છે. તેમનાં વસ્ત્રોમાં જે ભાત જેવા મળે છે, તે પણ તેમની આદિમતા બતાવે છે. લાકડામાં કરેલાં કોતરકામ તેમની કલાપ્રિયતા સૂચવે છે. વસ્ત્રોમાં વણેલી કે લાકડામાં કોતરેલી ભાતો અભ્યાસનો વિષય બની શકે. તે સાથે આ પ્રજામાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે કે પૃથ્વીની ઉર્વરતા વિશે પ્રચિલિત મિથકોનો અભ્યાસ પણ રસપ્રદ બની રહે. આધુનિક કવિતા કલામાં ‘પ્રિમિટિવિઝમ’ની સંજ્ઞાનું પ્રચલન અમસ્તુ જ થયું હશે! આમ તો ફ્રેજરના ‘ગોલ્ડન બો’માંથી એ પ્રસર્યું, પણ કવિતા-કલા માટે કેટલું ઉર્વરક બની રહ્યું? એલિયટને પૂછો.

આ જોઈ મને તો થયું કે અંદરના વિસ્તારમાં પણ ફરવું જોઈએ. પણ હવે વરસાદને લીધે કિશોરની સલાહ ‘ના’ની છે. મ્યુઝિયમમાંથી અમે બહાર આવ્યા. બહાર એક લાંબુ છાપરું હતું. કિશોરે કહ્યું — આ નાગાઓનું પ્રસિદ્ધ લૉગડ્રમ. પંચમહાલના હોય કે સાબરકાંઠાના, સાંથાલ પરગણાના હોય કે મધ્યપ્રદેશના બસ્તરના, ગોન્ડ હોય કે ક્રોન્ધ—આદિવાસીઓમાં ઢોલનો મહિમા સવિશેષ. ઢોલની થાપ તેમના પગમાં લયાત્મક જિંદગી લાવી દે, તે સાથે હોય પાવો કે વાંસળી. ઢોલનો અવાજ આફતના સમયમાં પણ ટેકરીએ ટેકરીએ બજી ઊઠે.

પણ આ ઢોલ તે કંઈ ઢોલ! ત્રીસ ફૂટથી થોડોક જ વધારે લાંબો હશે. અને એનો ઘેરાવો લગભગ દસબાર ફૂટ, કોઈ વિરાટ ઝાડના થડિયામાંથી કોતરી કાઢેલો. થડને અંદરથી પોલું કરવામાં આવ્યું હતું. ઢોલના મોઢિયાનો ભાગ લગભગ દરબાર ફૂટનો, મોઢું માછલીના આકારનું. નાગાઓમાં આનું જુદું નામ હશે, પણ લૉગડ્રમ તરીકે ઓળખાય છે.

દરેક નાગા ગામની બહાર, મુખ્યત્વે જ્યાં ‘મોરુંગ’—જુવાનિયાઓનું નિવાસગૃહ હોય ત્યાં આવા લૉગડ્રમ હોય. આફત આવે ત્યારે એ બજી ઊઠે, ઉત્સવ હોય ત્યારે બજી ઊઠે, જૂના વખતમાં શત્રુનું માથું કોઈ કાપી લાવ્યું હોય ત્યારે બજી ઊઠે. નાગાઓ માટે એનું મૂલ્ય ધાર્મિક છે. (શ્રી ઉમાશંકરે ‘ઈશાન ભારત’માં તેની વાત કરી છે.) આવા લૉગડ્રમને તો તેના ઉચિત પરિસરમાં કાર્યરત જોવું પડે!

આ તો મ્યુઝિયમ હતું. મ્યુઝિયમ એટલે જાણે કશુંક ‘ડેડ’ — મૃત. તેનાથી જાણકારી મળે, જીવંતતા ન મળે. કેન્યાકો વિષે કેટલું કુતૂહલ છે! જર્મન નૃતત્ત્વવિદ્ ક્રિસ્ટોફ ફોન ફ્યુરર હાઇમન-ડૉર્ફનું પુસ્તક ‘ધ કોન્યાક નાગાઝ’ વાંચ્યા પછી તો વિશેષ. ૧૯૩૬-૩૭માં આ જર્મન એક કોન્યાક ગામમાં જઈને વસેલો! તેણે જ પેલું સનસનાટીભર્યા શીર્ષકવાળું પુસ્તક ‘ધ નેકેડ નાગાઝ’ પ્રકટ કર્યું હતું. તે પછી ‘ઈશાન ભારત’માં એ વિશે વાંચ્યું હતું. પણ એ બધું પ્રત્યક્ષ કરવાનું હવે તો જ્યારે બને ત્યારે; આજે તો મ્યુઝિયમથી સંતોષ લેવો રહ્યો…

તડકો નીકળ્યો હતો. વરસાદ પછી વધારે રમ્ય લાગતો હતો. આ ઊંચાઈએથી કોહિમા શહેરનાં ઘરોનાં છાપરાં ચમકતાં હતાં. અહીંથી વાંકીચૂકી ડામરની સડકો આ શહેરની રચનાનો ખ્યાલ આપે છે. ત્યાં જાફૂ પર હજી વાદળ દેખાતું હતું.

એકાએક છોકરા-છોકરીઓનું ટોળું આવ્યું. છોકરાઓ શર્ટ પાટલૂનમાં, પણ છોકરીઓ સ્થાનિક પહેરવેશમાં. બધાં મુક્ત મને હસતાં હસતાં આવ્યાં. હવે આ સ્થળ ‘મ્યુઝિયમ’ માત્ર નહોતું. આ ટેકરી, આ તડકો, આ તારુણ્ય!

કિશોરના ઘેર પાછા આવ્યા. આકાશમાં વાદળની દોડાદોડી હતી. તડકામાં ક્યારેક નાગોડિયો વરસાદ પડતો. જમ્યા પછી કિશોરની નવી નવલકથા વાંચવાનો કાર્યક્રમ હતો. તેના સ્ટડીરૂમમાં બેઠા. ઠંડી હજી હતી. તાપ માટે સગડી સળગાવીને મૂકવામાં આવી. વચ્ચે વચ્ચે કૉફીના પ્યાલા પીતા જતા હતા. અહીંના પરિસરમાં લખાયેલી આ નવલકથા—‘નિશાચક્ર’ છે. એક જુદા જ પ્રકારનું સંવેદનવિશ્વ છે. ઘણીવાર કિશોરની વાર્તાઓ પકડાતી નથી, આ લઘુનવલમાં એવું થતું નથી.

શ્રીમતી જાદવ ક્યારેક આવીને બેસતાં. તેમની મોટી દીકરી તેના નાનાભાઈને બરડા પરની ખોઈમાં લઈને સહજતયા ફરતી. શ્રીમતી જાદવ હિંદી સારું બોલે છે. મેં પૂછ્યું — આમાં લખ્યું છે, તે સમજાય છે? તો કહે — કુછ કુછ સમઝમેં આતા હૈ.

થોડીવાર કિશોરના ઘરની ઓસરીમાં આવી બેઠો. ત્યાં પૂર્વની પર્વતમાળા પર એક વિરાટ મેઘધનુ દેખાયું. લીલા પહાડોની ઉન્મુક્ત પશ્ચાદ્ભૂમાં તે અત્યંત મોહક લાગતું હતું.

આજે સાંજે પ્રો. કુમારને ત્યાં જવાનું હતું. ગઈ કાલે કિશોરને ત્યાં જમતી વખતે સારી એવી ચર્ચાઓ જામી હતી. પ્રો. કુમાર આમ તો વિજ્ઞાનના અધ્યાપક છે, પણ અહીંની બોલીઓ, એ બોલીઓના કોેશ અને અહીંની સંસ્કૃતિ વિષે અણથક કામ કર્યે જાય છે. ઘણા સમયના મિત્ર જેવા લાગે. નાગાલૅન્ડ ભાષા પરિષદના તેઓ મંત્રી છે અને અહીંથી પ્રકટ થતા એક ત્રૈમાસિક ‘ધ થિંકર’ના એ સંપાદક છે. તેમણે અહીંની અઢાર બોલીઓમાં ૪૦થીય વધારે પ્રકાશનો કર્યાં છે, પંદર બોલીઓનાં વ્યાકરણ અને શબ્દકોશ આપ્યા છે, નાગાલૅન્ડની બોલીઓ રોમન લિપિમાં લખાય છે, તે દેવનાગરીમાં લખાય તેવો તેમનો આગ્રહ છે.

વિજ્ઞાન કૉલેજ દૂરની એક બીજી ઊંચી ટેકરી પર છે. રસ્તે આવતાં જતાં નાગા કૉલેજ-છાત્ર-છાત્રાઓ મળ્યાં. હજી તો ચાર વાગ્યા હશે અને સાંજ ઊતરી આવી હતી. કણકણમાં ઠંડી હતી, પણ આ સ્થળ બહુ ગમી ગયું છે. મને થાય એક આ કિશોર, આપણા ગુજરાતના, અહીંના વતની થઈ ગયા. એક આ કુમાર, એય જાણે અહીંના વતની થઈ ગયા. કિશોરે તો આ ધરતીમાં હવે મૂળ નાખ્યાં છે.

પ્રો. કુમારે બીજા મિત્રોને પણ બોલાવ્યા હતા. એક બંગાળી હતા. પ્રો. કુમારે કહ્યું કે અહીંના મિત્રોમાં એક અલગતાની લાગણી છે, તેમાં આપણો પણ હિસ્સો છે. આપણામાં ભળતા રહે તે માટે આપણા તરફથી કોઈ પ્રયત્ન નથી. મિશનરીઓ એટલે સફળ થયા છે. તેમણે કહ્યું, તમે અહીં આવીને જલદીથી ચાલ્યા જાઓ, તે ન ચાલે. તમારે રોકાવું જોઈએ, એટલું જ નહીં, થોડા મિત્રો સાથે આવવું જોઈએ. કિશોરનો પણ એવો આગ્રહ થતો હતો.

તે પછી પ્રો. કુમારને એકાએક એક સરસ વિચાર આવી ગયો. તે કહે, એમ નહીં, જુઓ આ આખોય વિસ્તાર આપણે જાણીએ. આપણે ડિબ્રુગડથી એક હોડી લેવી, સગવડવાળી. તેમાં દશબાર મિત્ર હોય, બની શકે તો લેખકો. ડિબ્રુગડથી બ્રહ્મપુત્રમાં પ્રવાસ આરંભવો. વચ્ચે કાંઠાનાં ગામ આવે ત્યાં ઊતરી અંદરના વિસ્તારમાં જવું —લોકો વચ્ચે. પંદર-વીસ દિવસ આમ અહીંની પ્રજાઓનો સંપર્ક કેળવી શકાય, વિચાર મને તો એટલો ગમી ગયો, કે મેં એકદમ કહી દીધું — જરૂર હું તો આવીશ, એકાદ મિત્રને પણ લાવીશ. આવતા વર્ષનો એટલે કે ૧૯૮૦નો ફેબ્રુઆરી માસ નક્કી થયો. ત્યારે બ્રહ્મપુત્રમાં પાણી ઓછું હોય છે. નાગાલૅન્ડ બહ્મપુત્રની ધારે ધારે જાય છે — પશ્ચિમોત્તર.

પ્રો. કુમારે ‘ધ થિંકર’ના કેટલાક અંક આપ્યા, ભાષાપરિષદે પ્રકટ કરેલાં એકબે પુસ્તકો આપ્યાં. વાતો તો ખૂટે નહીં. બબ્બેવાર ચા પીધી. અહીંની નાજુક પરિસ્થિતિ વિષે પણ થોડી વાત થઈ. અંધારું ઊતરી ગયું હતું. અહીં લૅન્ડસ્લાઇડ વધારે થાય છે. એટલે વેળાસર નીકળી જવું સારું.

કિશોરને ત્યાં જમી, ઘરનાં સૌની વિદાય લઈ હું નીકળ્યો. કાલે સવારે હવે અહીંથી નીકળી જઈશ. કિશોર મને મારી રૂમ પર મૂકવા આવ્યા હતા. તેમને પણ મેં કહ્યું છે, હવે સવારે ન આવશો. અહીંથી હું નીકળી જઈશ.

મોકોક્ચુંગં કે ચૂચૂઇમલાંગ હવે નહીં જવાય તેનો વસવસો છે. પણ આવી ઋતુમાં ન જવાની કિશોરની વાત માની લીધી છે. પ્રો. કુમારનું આમંત્રણ ઊભું જ છે, આવતા વર્ષ માટે. તે વખતે વધારે નિરાંતે આ વિસ્તારમાં ઘૂમીશ.

એક વાર ફરી બહાર બાલ્કનીમાં આવું છું. ઠંડી ભીનાશમાં નગર જાણે ટૂંટિયું વાળી પડ્યું છે. ચંદ્ર નીકળી આવ્યો છે, અને તે જોતાં નાગાઓની એક માન્યતા યાદ આવી ગઈ, જે ક્યાંક વાંચી હતી. કેટલીક નાગાજાતિઓ માને છે કે ચંદ્ર-સૂર્ય પતિ-પત્ની છે. ચંદ્ર પુરુષ છે, સૂર્ય સ્ત્રી. સૂર્ય સ્ત્રીની જેમ અંધારાથી બીએ છે એટલે અંધારું થતાં જ તે સંતાઈ જાય છે! પુરુષ હોવાથી ચંદ્ર રાત્રિના અંધારાથી ડરતો નથી, અને આકાશમાં નિર્ભયપણે વિચરણ કરે છે.

License

પૂર્વોત્તર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.