1 કોઈ ન કરી શકે

 બાદશાહ કહે : “હેં બીરબલ ! બીજા કોઈથી થાય નહીં એવું કામ કોણ કરી શકે ?”
 બીરબલ કહે : “સાહેબ ! નાનાં છોકરાં.”
 બાદશાહ કહે : “ઠીક ગપ્પો લગાવ્યો !”
 બીરબલ કહે : “ત્યારે જોજો કોઈ વાર !”
 બાદશાહ કહે : “ઠીક ત્યારે.”
 બાદશાહ તો બીરબલની સાથે થયેલી વાત ભૂલી ગયો.
 એક દિવસ બીરબલ તો શેરીમાં ગયો. જઈને કહે : “એલાં છોકરાંઓ ! આંહીં આવો.”
 ત્યાં તો છોકરાંની ટોળી આવીને ઊભી રહી.
 “એલાં, એક કામ કરશો ?”
 “હા, હા; જે કહો તે કરીએ.”
 “જાઓ ત્યારે ગઢ છે ને, એની પાસે ધૂળનો ઢગલો કરવા માંડો. જોજો, જે એક ધાબળી ધૂળ નાખે એને એક પાઈ, અને બે નાખે એને બેપાઈ આપીશ.”
 છોકરાંની જાત ! એક, બે, ત્રણ, ચારએમ કરતાં આખી શેરીનાં છોકરાં ભેળાં થયાં. તો ધાબળીએ ધાબળીએ માંડયાં ધૂળ નાખવા. ત્યાં તોબીજી શેરીનાં છોકરાં આવ્યાં, ત્યાં ત્રીજી શેરીનાં આવ્યાંને ત્યાં તો આખા ગામનાં છોકરાં આવ્યાં.
 બીરબલ તો એકેક પાઈ આપતો જાય ને કહેતો જાય : “હમ્ મારા બાપા, હમ્ મારા બાપાથાવા દ્યો !”
 છોકરાં એટલે તો કટક ! ઘડીક થઈ ત્યાં તો મોટો ઉકરડા જેવડો ઢગલો થઈ ગયો. ને બે ઘડી થઈ ત્યાં તો ધૂળનો ધફો ગઢને કાંગરે પહોંચ્યો !
 બીરબલ કહે : “હવે બધાં ખૂંદીને કરો રસ્તા જેવું.”
 છોકરાંને તો જોઈતું હતું ! તો માંડયાં ખૂંદવા. ઘડીકમાં તો રસ્તો થઈયે ગયો. શેરીમાંથી ઠેઠ ગઢ ઉપર જવાય એવો રસ્તો બની ગયો !
 બીરબલ કહે : “હવે બસ.”
 પછી બીરબલે હાથીથાનમાંથી એક હાથી મંગાવ્યો. હાથીના માવતને કહે : “ રસ્તા ઉપરથી હાથીને ગઢ ઉપર ચડાવી દે.”
 રસ્તો બરાબર હતો, એટલે હાથી ગઢ ઉપર ચઢી ગયો. ગઢ ઉપર હાથી ઊંચે દેખાયો; બધાં જોઈ રહ્યાં.
 બીરબલ કહે : “એલાં છોકરાંઓ ! ધફો હવે વીંખી નાખો ને ધૂળ બધી શેરીમાં પાછી પાથરી દ્યો. જેવું હતું તેવું કરી દ્યો. એક એક ધાબળી નેએક એક પાઈ !”
 છોકરાં તો ઊપડયાં. પાઈ લેતાં જાય ને ધાબળી ધૂળ ફેંકતાં જાય. છોકરાં મંડયાં, પછી કેટલી વાર ?
 ઘડીકમાં તો હતું તેવું થઈ ગયું. જાણે ધૂળનો ધફો હતો નહિ ! કોઈને ખબરેય પડે કે હાથી ગઢ પર શી રીતે ચડયો હશે.
 બીરબલ કહે : “એલાં છોકરાંઓ ! હવે ચાલ્યાં જાઓ; હું બોલાવું ત્યારે પાછાં આવજો.”
 છોકરાં બધાં ચાલ્યાં ગયાં. બીરબલે બાદશાહને બોલાવ્યો. બાદશાહ તો ગઢ ઉપર હાથી જોઈને દિંગ થઈ ગયો !
 બાદશાહ કહે : “હેં બીરબલ ! હાથી ત્યાં શી રીતે ચડયો ?”
 બીરબલ કહે : “સાહેબ ! નાનાં છોકરાંએ ચડાવ્યો.”
 બાદશાહ કહે : “શી રીતે ?”
 બીરબલે બધી વાત કરી. બાદશાહ ખુશ થયો. ખાધું પીધું ને રાજ કર્યું
 પણ પેલો હાથી નીચે ઊતર્યો કે નહિ ?
 ઊતર્યો તો !
 કેવી રીતે ?
 પાછાં બીરબલે છોકરાંને બોલાવ્યાં ને ધૂળનો ઢગલો કરાવીને હાથીને હેઠે ઉતાર્યો. વાહ, તો ભારે ગમ્મત !
 **

License

ગિજુભાઈની બાળવાર્તાઓ Copyright © by ગિજુભાઈ બધેકા. All Rights Reserved.

Share This Book