ફંગોળાયેલું નગર

કલ્પી જુઓ એક એવું શહેર જે નિર્વીર્ય પર્વત પરથી નીચે ફંગોળાયું છે; નીચે આસમાની રંગનાં સમુદ્રનાં મોજાંઓ જાણે એને પોતાનામાં સમાવી લેવાને ઊછળી રહ્યાં છે. એ શહેર જાણે સાવ નિરાલમ્બ છે. આકાશ તળે, સમુદ્રની ઉપર આ શહેર તોળાઈ રહ્યું છે. જાણે એણે નીચે પડવાને ગુલાંટ ખાધી એ દરમિયાન કોઈ દૈવી હથેળીએ એને ઝીલી લીધું! બંગાળીઓ કહે છે તેવી આ એક ‘માહેન્દ્ર ક્ષણ’, આ નગર સમુદ્રમાં ગરકાવ થઈ જાય તે પહેલાં ટકી રહેવાનો આટલો સરખો સમય. પછી તો સમુદ્રનો સર્વલક્ષી પ્રેમ એને ભરખી જશે.

આમ છતાં એ નગર ટકી રહે છે. હવે તો એ સંગીતની શ્રુતિના જેવું હળવું થઈ ગયું છે. છતાં એનાં ઉદ્યાનોમાં જાણે સ્વર્ગના આધારસ્તમ્ભ હોય એવા જુવાન બલિષ્ઠ તાડ વિષુવવૃત્તીય પુષ્પોને અંજલિમાં ધરીને ઊભાં છે. પ્રકાશનાં જ જાણે તાડ વૃક્ષો પાંખાળા બનીને હવાની લહેરખીની ઉજ્જ્વળતાને હિંચોળી રહ્યાં છે. એ દૈવી અધરોષ્ઠને ક્ષણભર સન્તુલિત કરી રાખે છે. દૂર દૂરના જાદુભર્યા દ્વીપો તરફ એ જવા નીકળ્યા હતા. હવે ગળીના રંગનાં ઊંડાણમાં એ દ્વીપો મુક્ત બનીને સેલારા માર્યા કરે છે.

કવિનો વાસ એ જ નગરમાં. એ નગર, લાવણ્યમણ્ડિત મર્મગમ્ભીર એ નગર – એમાં જ તો કવિ વસે ને! જુવાનિયાઓ ત્યાંની સ્નિગ્ધ મસૃણ શિલાઓ પરથી લસર્યા કરે. ત્યાંની અજવાળાયેલી દીવાલો રોજ-બ-રોજ પસાર થનારા પથિકોને ચૂમે – લોકોની ભીડને પોતાની ઉજ્જ્વળતાથી ચૂમે.

આ નગરમાં કવિને એની મા આંગળી ઝાલીને દોરી લાવી. કલ્પી જુઓ એક શિશુને જે એના નાના કદને કારણે ડોક ઊંચી કરી કરીને વિસ્મયથી જોયા કરે, હૃદયમાં જે અનુભવે તેને વર્ણવવાની જેની પાસે ભાષા નહીં, જેની ભાષા અન્-અર્થકતાને ઘસાઈને ચાલે, જે કશા નક્કર સંગીન તત્ત્વાર્થ વિનાની, કેવળ ઉદ્ગારોની જ બનેલી. એને આ ચલિષ્ણુ સંસારમાં આધાર એક માની આંગળીનો. ગતિના આવર્તો એની લઘુક કાયાને ખેંચી જાય, પણ એ પોતાની સ્થિતિ જાળવી રાખે કેવળ માની આંગળીને આધારે. આંગળીઓ કેવળ ચીંધવા માટે નથી હોતી, ધરવા માટે પણ હોય છે. આંગળીઓ દૂરતાને સંકેતિત કરે છે, તો નિકટ ખેંચીને આધાર આપીને ધરી પણ રાખે છે.

માની આંગળીને ઝાલીને શિશુ ચાલે છે લોકારણ્ય વચ્ચે ને ત્યારે કદાચ વેલબુટ્ટાથી શણગારેલા કોઈ દારૂના પીઠામાંથી એકાએક કોઈક વિષાદભરી ગિટાર ઝંકૃત થઈ ઊઠી હશે, એની ઝંકૃતિ હવામાં તોળાઈ રહી હશે, સમયની હથેળીમાં ઝિલાઈ રહી હશે; ત્યારે રાત્રિઓ કેવી નિ:શબ્દ હતી અને એથીય વધુ નિ:શબ્દ હતા પ્રેમી – ઘડીક ઝબૂકી જતા એ શાશ્વત ચન્દ્રની નીચે. અહીં ક્ષણિક અને શાશ્વત વચ્ચેનું કેવું અદ્ભુત સન્તુલન જોવા મળતું. પ્રેમ આમ તો વેદનાના ભારથી લદાયેલો, તે પણ જાણે આ વાતાવરણમાં સન્તુલિત બનીને હળવો હળવો થઈ જાય.

અરે, આપણને તો શાશ્વતતાનો એક ઉચ્છ્વાસ સરખો હણી નાખી શકે. ક્ષણ જ આપણો તો ઉદ્ધાર. શાશ્વતમાં ભળી જવા જેટલી, તદ્રૂપ થવા જેટલી આકાશી નિરાકારતા, વજનહીનતા આપણી પાસે ક્યાં છે? આજે જ સવારે સૂર્યની સાથે ખીલેલા નાજુક ફૂલની પાંખડીઓ પર જેમ જેમ સમયનો ભાર લદાવા લાગે છે તેમ તેમ એ ઢળવા લાગે છે અને આખરે એના શાખા સાથેનાં બન્ધનો શિથિલ થાય છે, કાળ એને આંચકી લે છે.

આપણા પર તો સમયના થર બાઝતા જ જાય છે, એને કારણે આપણો આપણને પોતાને થતો સ્પર્શ પણ પરોક્ષ બની જાય છે. દૃષ્ટિ ધીમે ધીમે અર્ધપારદર્શક અને પછી અપારદર્શક બની જાય છે. મને ઘણી વાર એવું લાગે છે કે આપણો ઈશ્વર આવી અપારદર્શકતાના ઉપચયમાંથી જ બનેલો છે. એ અપારદર્શકતા જ એને અદૃષ્ટ અને માટે જ નિરાકાર શૂન્યવત્ બનાવી દે છે.

આથી જ તો કવિ પોતાના નગરને શાશ્વતતાના આ ઉચ્છ્વાસના સ્પર્શથી બચાવી લેવા ઇચ્છે છે. જે ક્ષણે એ નગર ઈશ્વરના ચિત્તમાં ઉત્ક્રાન્ત થઈ જશે તે ક્ષણે જ તેનો વિલય થઈ જશે. અહીં, આ પૃથ્વી પર, શાશ્વતતાનું પ્રલોભન કોને લલચાવી શક્યું છે? એક તરંગ ખાતર, નર્યા આભાસમય એકાદ સ્વપ્ન ખાતર આપણે જીવન ન્યોછાવર નથી કરી દેતા? અહીં કોણે જોયું ઇન્દ્રાસન? અને સૌથી ડગમગતું આસન હોય તો તે ઇન્દ્રનું. એટલે એને માટે હજાર વર્ષોનું તપ કરવાની મૂર્ખાઈ કોણ કરે! મને તો લાગે છે કે આસનમાત્રનો સ્વભાવ જ ડગમગવાનો છે. પદ્માસન હોય કે સિંહાસન – આખરે તો એ ડગમગે છે. માટે આ ચલિષ્ણુ જગતમાં આસન વાળીને બેસવું એ જ દોષ. આ પવન વહ્યા કરે, આ સમુદ્રનાં મોજાં એકબીજાની પાછળ દોડ્યાં કરે. સૂર્યચન્દ્રને કોઈ આસન નહીં.

ક્ષણને બધું ન્યોછાવર કરનારા જ ઈશ્વરનો શ્વાસ બની જાય છે. એવા કોઈ હોય જ નહીં તો ઈશ્વર શ્વાસ શી રીતે લે? આપણે જ તો ઈશ્વરના શ્વાસ. માટે જ આપણું મરણ તે નિ:શ્વાસ નહીં. મૃતકની પાસે આપણે ઘીનો દીવો પ્રકટાવીએ છીએ. એ જ સૂચવે છે કે જ્યોતિનું નિર્વાપન થયું નથી. પ્રાણવાયુથી હજી બધું ઉજ્જ્વળ છે.

નગર, નગરમાં ઉદ્યાનો, ઉદ્યાનમાં પુષ્પરાજિ – સર્વત્ર પ્રફુલ્લતા. પર્વત અને ઊંડી ગર્તા વચ્ચે જાણે ઊડીને જઈ રહેલા આ નગરને આધાર આપનાર બલિષ્ઠ ભુજાના જેવો લંબાયેલો આ સમુદ્ર અને ઉપરનું નગર હવામાં સ્થિર થઈ ગયેલા કોઈ શ્વેત પંખી જેવું જે ગન્તવ્ય સ્થાને પહોંચતું જ નથી, પહોંચવાનું જ નથી. એથી જ તો આ નગરને નથી વળગી કશી પાથિર્વતા કે નથી વળગી કશી સ્વર્ગીયતા. એવા અદ્ભુત નગરમાં જ કવિનો વાસ હોય. કવિ જ્યાં વસે તે નગર અદ્ભુત બનાવી જ દે.

તો જે માના હાથની આંગળીએ વળગીને કવિ હળુહળુ એ નગરની પંખીનાં પીંછાં જેવી મુલાયમ શેરીઓમાં ફર્યા – દિવસે ઉઘાડે પગે, રાતે ઉઘાડે પગે – તે નગરની આ વાત થઈ. પૂર્ણ ચન્દ્ર અને નર્યો વિશદ, સ્પષ્ટ સૂર્ય એના પર પ્રકાશે. કવિને મન તો અન્તરીક્ષનું આ નગર તે જ આકાશ. એ આકાશવાસી નગર જે પાંખો પસારીને આકાશમાં થઈને એક વાર જરૂર ઊડ્યું હશે. કવિના સુખના દિવસોનું એ નગર, કવિની જનનીરૂપ એ નગર, શુભ્રતમ નગર, દૈવીનગર, એની તરફ ફીણથી છલકાતા સમુદ્રનાં ઉત્તુંગ તરંગોથીય ઊંચું એ નગર – એમાં વિચેન્તે એલિકઝાન્દ્રેએ વાસ કર્યો હતો. ક્ષયનો વ્યાધિ, ક્ષયિષ્ણુ સંસ્કૃતિ અને સ્પૅનની સરમુખત્યારશાહી સામે ઝૂઝનાર આ કવિ નોબેલ પારિતોષિકને યોગ્ય છે કે નહીં તે આપણે નહીં ચર્ચીએ. ઓક્તાવિયો પાઝ કે રાફાએલ આલ્બેર્તી કે બોર્હેસને કેમ નહીં એવો પ્રશ્ન પણ નહીં કરીએ. પારિતોષિકથી અસ્પૃષ્ટ એવા રિલ્કે, વાલેરી, લોર્કાને આપણે કાંઈ થોડા જ ભૂલી ગયા છીએ?

7-10-77

License

ઇતિ મે મતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.