પારદર્શક નિખાલસતા

કાફકાએ એની ગદ્યકૃતિઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશકને છાપવા માટે મોકલ્યો ત્યારે સાથે એક પત્ર લખ્યો હતો. એમાંની કેટલીક વિગતો નોંધવા જેવી છે. એણે લખ્યું હતું, ‘આ સાથે, તમે જોવા માગેલા તે, કેટલાક નાના ગદ્યખણ્ડો મોકલું છું; એક નાનકડું પુસ્તક થાય એટલા એ છે. હું જ્યારે આ હેતુથી એનું સંકલન કરતો હતો ત્યારે મારે બે રીતે પસંદગી કરવી પડતી હતી : એક તો મારી જવાબદારીની ભાવનાને સંતોષે એ રીતે, બીજું તમારાં સુન્દર પુસ્તકોની શ્રેણીમાં મારું પણ પુસ્તક હોય એવી ઉત્સુકતાથી પ્રેરાઈને. આ બાબતમાં દરેક પ્રસંગે હું સ્પષ્ટ અને અસંદિગ્ધ નિર્ણય લઈ શક્યો છું એવું નથી. પણ તમને જો એથી પ્રસન્નતા થાય અને જો તમને આ છાપવા જેવું લાગે તો સ્વાભાવિક રીતે જ મને ખુશી થશે. ગમે એટલી નિપુણતા હોય અને ગમે તેટલી ઉત્તમ સમજ હોય તે છતાં એમાં જે નબળું રહેલું છે તે પહેલી નજરે તરત પકડી શકાય એવું નથી. દરેક સર્જક પોતાનું નબળું પોતાની આગવી રીતે પ્રચ્છન્ન રાખી શકે છે તે જ એ સર્જકની વિશિષ્ટતા નથી બની રહેતી?’

આ પત્રની પારદર્શક નિખાલસતા આપણને સ્પર્શી જાય છે. એમાં પ્રસિદ્ધિ માટેની ઉત્સુકતા, તથા તેથી થતા આનન્દને કાફકાએ ઢાંક્યાં નથી. તેમ છતાં, બીજા સહેલાઈથી પારખી નહિ શકે તેવી, પોતાની નિર્બળતાનો એ એકરાર કરી દે છે. પછી જે એ કહે છે તે આપણને વિચાર કરતા કરી મૂકે એવું છે. એમાં પ્રથમ દૃષ્ટિએ વક્રતાપૂર્વક કરેલો કટાક્ષ દેખાશે. પણ એમાં સત્ય પણ રહેલું છે. નિપુણતા નિર્બળતા ઢાંકવા માટે જોઈએ, બાકી સર્જનકર્મમાં તો નિરાડમ્બર સાહજિકતા જ હોય. કૃતિમાં વધુ પડતું ચાકચિક્ય હોય, ચતુરાઈ હોય તો એ કશીક નબળાઈને ઢાંકવા માટે જ હોય. વધારે પડતાં શૈલીનાં નખરાં કોઈ કરે તો તે કશી નિર્બળતાને ઢાંકવા માટે. આ વાત સાચી લાગે છે. રસકીય દૃષ્ટિએ કશુંક સિદ્ધ કરવા માટે શૈલી યોજવી પડે છે. એવાં કશાં પ્રયોજન વિનાની શૈલી પોતે પોતાના તરફ ધ્યાન ખેંચે છે. જેને કશું આગવું રસકીય પ્રયોજન સિદ્ધ કરવાનું નથી તેને માટે શૈલીપ્રપંચ નિરર્થક છે. ચાતુર્યથી જ મુગ્ધ થઈ જનારાને કાફકા સાચી દિશા ચીંધે છે. સર્જનપ્રવૃત્તિના પ્રારમ્ભમાં જ આ વિવેકભરી સૂઝ હતી તે એક આશ્ચર્યકારક ઘટના છે. આપણે તો પૂર્વગ્રહના પાયા પર વિવેચનની ઇમારત રચીએ છીએ અને એને અપ્રામાણિકતાના ટેકા આપીએ છીએ. આમ છતાં એની પાછળ ઉદાત્ત દૃષ્ટિ રહી હોવાનો આપણે દાવો કરીએ છીએ. પ્રકાશકને કે વાચકોને રિઝવવાની વૃત્તિ રાખવી અને પછી એને જીવનાભિમુખતા અને વાસ્તવપરાયણતાને નામે ઓળખવાનો દમ્ભ કરવો તે ઉચિત નથી. સર્જનકાર્ય શરૂ કર્યા પછી, પ્રસિદ્ધિના ચક્રવાતમાં ફસાયા પછી, સર્જકોના જીવનમાં એવા તબક્કા આવે છે જ્યારે કશું રચી શકાતું નથી. આ ગાળો ભારે કસોટી કરનારો નીવડે છે. પ્રસિદ્ધિની આસક્તિ અને સર્જન કરવાની આસક્તિ હોય તો કંઈક ને કંઈક રચી કાઢવાના ઉધામા ચાલુ રહે છે. આવી, પરાણે રચાતી કૃતિઓની નિર્બળતા પૂરેપૂરી ઢાંકી શકાતી નથી. આથી વિવેચકોનાં મંતવ્યો જીરવી શકાતાં નથી. ફોકનર અને હેમિન્ગ્વેએ આથી જ આપઘાતના પ્રયત્નો કરેલા તે સુવિદિત છે. બીજી બાજુથી વાલેરી જેવાના પણ દાખલા છે. સતત વીસ વર્ષ સુધી એક કૃતિને મઠાર્યા કરવાની એની ધીરજ એક વિરલ ઘટના છે. માલ્કમ લાવરીએ ચારેક નવલકથા લખી છે, એ પૈકીની છેલ્લી તો મરણોત્તર પ્રસિદ્ધ થઈ. એક વાક્યને એ શક્ય તેટલી જુદી જુદી રીતે લખી જોતો. અઢીત્રણ હજાર પાનાંના લખાણમાંથી બસોએક પાનાં ઉદ્ધારીને એને એ આખરી રૂપ આપતો. સર્જન માટેની ઊંડી નિષ્ઠા વિના આ ન બની શકે.

કાફકાની ડાયરીમાં ઘણી વાર આવી નોંધો આવે છે : ‘કશું લખી શકાયું નહિ’, ‘કશું જ નહિ, કશું જ નહિ’. પુસ્તક પ્રસિદ્ધ કરવા સાથે સંકળાયેલી બધી પળોજણ એને ઉદ્વિગ્ન કરી મૂકે છે. જૂનું લખીને રાખી મૂક્યું હોય, પોતે જ જેને પ્રસિદ્ધિને યોગ્ય નહિ ગણ્યું હોય, તેને પછીથી મળેલી પ્રસિદ્ધિને કારણે પ્રકટ કરવાના પ્રલોભનને કેટલાય લેખકો વશ થતા હોય છે તે આપણે ક્યાં નથી જાણતા! કાફકા આવી વૃત્તિને સાચા સર્જન માટે વિઘાતક લેખે છે : આ પ્રકારના ખોટા અભિમાનને એ હાસ્યાસ્પદ લેખે છે. આત્મતુષ્ટિની ગર્તામાં પડ્યા પછી ઘણા એમાંથી કદી બહાર આવી શકતા જ નથી. સર્જકને તો પોતાની જાત સાથે ઝઘડ્યા કરવાનું કૌવત મેળવી લેવું ખૂબ જરૂરી છે. પુસ્તકના પ્રકાશન પછી વળી બીજા જ ઉધામા શરૂ થઈ જાય છે. અનુકૂળ વિવેચનો મેળવવાની તરકીબો, પુસ્તક વિશે ક્યાંક એકાદ પંક્તિ લખાઈ હોય તો તે જાણવાની ઉત્સુકતા, સામયિકો પર નજર નાખ્યા કરવાની લાચારી, અણગમતા વિવેચનથી થતી નારાજી – આ ગાળો પણ ઝાઝો સુખદ હોઈ શકતો નથી. આ બધા ઉધામામાં સર્જનકાર્ય માટે અનિવાર્ય એવી અવિક્ષુબ્ધતા એ ક્યાંથી પામી શકે? કાફકાએ તો નિશ્ચય કરેલો કે કોઈ સામયિક જોવાં જ નહિ. બૅકૅટ પણ પોતાની કૃતિઓનાં વિવેચનથી સાવ અજાણ જ રહેવાનું પસંદ કરે છે. સર્જનકર્મ સાથે ગમ્ભીરતાથી કામ પાડનારને જ આ પરવડે, કારણ કે સર્જન કરતી વખતે એનામાં રહેલો વિવેચક સદા જાગૃત રહે છે.

ઉત્તમ કવિતાની એક પંક્તિ વાંચું છું ત્યારે મારું મન કૃતજ્ઞતાની લાગણીથી ભરાઈ જાય છે. એ પંક્તિ લખવા માટે એના સર્જકે શું શું નહિ વેઠ્યું હોય! પોતાની જાતથી દૂર સરી જવાની નિર્મમતા કેળવનારની રચેલી પંક્તિ આપણામાં કેટલી મમતા જગાડે છે! પણ સર્જકને તો સર્જનની પળે અણીશુદ્ધ રહેવા માટે કેટલું મથવું પડે છે! જગતને જોનારી દૃષ્ટિ પર પોતાનો ઓછાયો નહિ પડે તેની એણે કાળજી રાખવી પડે છે. પણ સર્જનકર્મ પત્યા પછી જ એની સાધના શરૂ થાય છે. પછી એણે માનવસહજ નિર્બળતાઓને વશ થવાનું નથી.

સમયને આપણા પક્ષમાં લેવાની મહત્ત્વાકાંક્ષામાંથી બચવું ઘણું અઘરું છે. કીર્તિ આપણને ઇતિહાસના કોટકિલ્લા પર ધ્વજા ફરકાવી આવવાની બાંહેધરી આપતી હોય છે. પણ દરેક કીર્તિનો સ્વાદ પાછળથી તો તૂરો જ આવતો હોય છે, કારણ કે મોટે ભાગે કીર્તિ થોડી વ્યક્તિઓએ રચેલા ષડયન્ત્રનું જ પરિણામ હોય છે; પછી ભલે આપણે એને ઘણાં રળિયામણાં નામે ઓળખાવીએ. પણ મેં જોયું છે કે તમે નરી નિ:સ્પૃહતા કેળવો તેય સમાજને તો ખૂંચતું હોય છે. એમાં એ આપણા અહંકારને જ રહેલો જુએ છે. આ અહંકારનું મારણ સામાજિક માન્યતા છે એવી સમજથી સમાજ તો ચાલતો હોય છે. ચાર પંક્તિના જોરે કાળસાગરને તરી જવાની હામ ભીડનારા સમાજને તો મૂરખ જ લાગે છે.

સર્જકનું અલગારીપણું એ શાપ પણ છે ને વરદાન પણ છે : શાપ એક વ્યક્તિ તરીકે પોતાને માટે, વરદાન એના સર્જનકર્મ માટે. વ્યક્તિ તરીકે એ માનવીય સમ્બન્ધની ઉષ્માને ઝંખતો હોય છે. ઘણી વાર આ સમ્બન્ધોની માત્રા એને સર્જનકર્મ વૈતથ્યપૂર્ણ છે એવું પણ બતાવતી હોય છે. ચાર માણસ જોડે સાવ નકામી વાત કરવાનો પણ આનન્દ છે. એ આનન્દ તે માનવ્યને અનુભવવાનો આનન્દ છે. જિંદગી કેવળ માનવ્યને અનુભવવામાં, એમાંથી પ્રાપ્ત થતી હૂંફને માણવામાં જ વીતી જાય તોય શું ખોટું? રિલ્કેના જીવનમાં આવા બે તબક્કાઓ વારાફરતી આવતા હતા. એક તબક્કામાં એ બહિર્મુખ થઈને વસ્તુજગતની વિગતોમાં ખોવાઈ જવાનો આનન્દ માણે તો બીજા તબક્કામાં આ માનવસમ્બન્ધોથી દૂર સરી જઈને એકાન્તમાં સર્જનકર્મમાં ઓતપ્રોત થઈ જાય. આમ સર્જકના બે ભવ હોય છે. આ બધું જીરવવાની તાકાત નહિ હોય તો સર્જક થવાય જ નહિ, લહિયા થવાય.

આપણે ત્યાં તો સર્જનકર્મ એ એક ગૌણ આનુષંગિક પ્રવૃત્તિ માત્ર છે. ઘણાને મેં એમ કહેતા સાંભળ્યા છે : હવે તો વ્યવસાયમાં એવા પડ્યા છીએ કે બે લીટી લખવાની તો વાત જ જવા દો, બે લીટી વાંચવાનો પણ સમય મળતો નથી! એ સાચું કે આજીવિકા માટેના સંઘર્ષને આપણે વેઠવાનો રહે છે છતાં જો વોલેસ સ્ટિવન્સન બેન્કના કામકાજમાંથી સમય મેળવીને કે વિલિયમ કાર્લોસ વિલિયમ્સ બાળરોગના નિષ્ણાતની ફરજો બજાવતાં સમય મેળવીને ઉત્તમ કાવ્યો લખી શક્યા તો વ્યવસાયનું નામ દઈને એને જ ગાળ ભાંડવાની જરૂર નથી એવું મને લાગે છે.

આપણી સાહિત્યિક પ્રવૃત્તિ પરત્વે મને એક વાતનો અસન્તોષ સદા રહ્યા કર્યો છે. એમાં અનુચિત રીતે સ્વદેશીની ભાવના પ્રવૃત્ત થતી દેખાય છે. આને પરિણામે સાચા પરિપ્રેક્ષ્યમાં આપણી કૃતિઓને મૂકીને આપણે મૂલવી શકતા નથી. સંસ્કૃત કાવ્યસાહિત્યનું પરિશીલન તથા રવીન્દ્રનાથમાં થયેલું એનું પ્રતિફલન આ બેને આધારે પ્રારમ્ભમાં મેં મારી ભાષા ઘડી. પણ ત્યાં જ અટકી રહેવું તો જોખમકારક જ ગણાય. આથી, અપવાદરૂપે, દોસ્તોએવ્સ્કી અને કાફકા જેવાના ગદ્યનો પરિચય થયો. રેમંડ શેન્ડલર જેવા જાસૂસી વાર્તાકારના ગદ્યમાંથી હેમિન્ગ્વેએ પ્રેરણા મેળવેલી. મારી મુખ્ય પ્રવૃત્તિ ગદ્યમાં છે. આથી ગદ્યને કેળવવાને માટે જે કરવું ઘટે તે કરવાની મને હોંશ છે. પણ આપણે ત્યાં તો શુદ્ધિ ને સ્વદેશીને નામે બિનસાહિત્યિક સંકુચિત વલણો પ્રવર્તતાં જોઉં છું. કાફકાનું નામ દેતાં જ હજી ઘણાનાં નાકનાં ટેરવાં ચઢી જતાં જોઉં છું. જે લોકો સ્વેચ્છાએ આવા લેખકોથી વંચિત રહ્યા છે તેમની મને અદેખાઈ નથી આવતી. ઘણા ઓછી મૂડીએ ગાદી સ્થાપીને કણ્ઠી બાંધી આનન્દ લેતા હોય તો તેમની પણ મને ઈર્ષ્યા નથી. મારી ઇચ્છા આપણું સાહિત્ય ગજું કાઢે એ માટેની છે. આપણું મુખ્ય ધ્યાન અત્યારે નવલકથા અને ગીતગઝલો પર છે. એથી લોકોની તાળીના ગડગડાટની વધુ નજીક રહી શકાય એવી એક માન્યતા છે. આપણે તો સર્જનકર્મની નિકટ કશા વ્યવધાન વિના રહેવું જોઈએ. હું એક સામાજિક તરીકે લોકસમ્પર્કથી વંચિત રહી શકું નહિ. પણ તારતમ્યનો વિવેક મારે જાળવવો જોઈએ. આપણે સાહિત્યથી દૂર ભાગવાનું જ નક્કી કર્યું હોય તો પછી એને ગાળ ભાંડી દૂર રહેવાની અસંસ્કારિતા આપણે દાખવવી નહિ જોઈએ.

1-12-80

License

ઇતિ મે મતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.