નિરાશાની ઉપકારકતા

વરસાદ સારો થયો છે. ગયા વરસ કરતાં તો બમણો થઈ ગયો છે. કોઈક કોઈક સદાના દુ:ખી જીવ ફરિયાદ કરવા લાગ્યા છે કે વરસાદ જરા વધારે પડતો છે. ડાંગરને વાંધો નહીં આવે, પણ બાજરી તો બગડી જ જશે. તો કેટલાક ચુસ્ત આશાવાદી કહે છે કે હવે તો કલિયુગ પૂરો થયો. સત્યયુગનાં એંધાણ વરતાવા લાગ્યાં છે. પણ બીજો એક વર્ગ છે જે મૂંઝાયેલો છે, એને હજુ આશા કે નિરાશાના અર્થની સુધ્ધાં ખબર નથી. પણ સમાજ તો આ બે ભાગમાં જ વહેંચાયેલો છે. પ્રામાણિક બુદ્ધિ ધરાવનારા મોટે ભાગે એકદમ આ કે તે દૃષ્ટિબિન્દુ સ્વીકારી લેતા નથી. આથી તેમને જ દ્વિધા થાય છે, પણ સમાજને આવો વર્ગ જ ખતરનાક લાગે છે. આથી એમના પર જાણે શાપ વરસાવીને કહેવામાં આવ્યું છે : ‘સંશયાત્મા વિનશ્યતિ.’

કેટલાક રાતોરાત આશાવાદી થઈ જનારા લોકો પણ હોય છે. એમની દૃષ્ટિ એવી સૂક્ષ્મ હોય છે કે એમને નસીબનું પાંદડું ફરતું દેખાય છે. આશાવાદીને ઝાઝો પુરુષાર્થ કરવાનો હોતો નથી. એ હંમેશાં મોટા સમૂહની ઓથ પામીને જ રહેતો હોય છે. એણે ડગલું માંડવા માટે દિશા શોધવાની નથી. એને માથે સફળતા નિષ્ફળતાની કશી જવાબદારી હોતી નથી. નિરાશાવાદી જ ઘણી વાર આપણી પ્રવૃત્તિને ચાનક ચડાવે છે. આપણે ઉત્સાહમાં ને ઉત્સાહમાં નહીં જોઈ હોય તેવી મુશ્કેલીઓ તરફ એ આંગળી ચીંધે છે. એ આપણી સામે નવા પડકાર મૂકે, આપણી ભોળી નિશ્ચિતતાને સાવધ બનાવે પણ નિરાશાવાદીને સમાજ ભાંડે છેય ખરો. એ લોકો જ પ્રતિક્રિયાવાદી છે, એ લોકો જ વિઘાતક બળોનાં હાથમાં રમતા હોય છે. સૌથી વિશેષ આકરી પરિસ્થિતિ સંશયગ્રસ્તોની હોય છે. બે વિકલ્પોમાંથી એક્કેયનો તે સ્વીકાર કરતા નથી. પસંદગી કરવાની સ્વતન્ત્રતાનો પણ જે ઉપયોગ કરતા નથી તેને સમાજ શી રીતે સહી લે? સંશયગ્રસ્તો કહે છે કે અમારી પ્રામાણિકતા જ અમને બતાવે છે કે આ વિકલ્પો સિવાયના બીજા વિકલ્પોની પણ સમ્ભાવના રહી હોય છે. અધીરાપણું કે આંધળો ઉત્સાહ બુદ્ધિમત્તાનું લક્ષણ નથી.

આથી જ તો વારેવારે આપણને નિષ્ક્રિય બનાવી મૂકતી આ કહેવાતી બુદ્ધિમત્તામાંથી મુક્ત થવા માટે, એના અંકુશમાંથી છૂટવાને, સામૂહિક સૂત્રોચ્ચાર, સરઘસ વગેરેનો આશ્રય લેવો પડે છે. ટૂંકમાં વ્યક્તિને ટોળાં વચ્ચે મૂકી દેવામાં આવે છે. આખરે એ વ્યક્તિ છે કોણ? સમષ્ટિ કે સમૂહના સન્દર્ભમાં જ એના વ્યક્તિત્વને અર્થ પ્રાપ્ત નથી થતો? પશુમાં કે પંખીમાં વ્યક્તિમત્તા નથી. પાળેલા કૂતરાને આપણે નામ આપીએ છીએ ને એના ગળામાં પટો બાંધીએ છીએ, એથી એને વ્યક્તિમત્તા પ્રાપ્ત થાય છે એમ કહીએ તો એવી વ્યક્તિમત્તા માનવીને ઇષ્ટ લાગશે ખરી? માટે જ તો કહેવાય છે કે પશુપંખીની યોનિથી પોતાની વિશિષ્ટતા સ્થાપવા માટે માનવીએ આગવી વ્યક્તિમત્તાને પોતાનું વ્યાવર્તક લક્ષણ ગણ્યું છે. સમાજમાં રહેવું, રાજસત્તાને વશ વર્તીને રહેવું ને સાથે સાથે પોતાની આગવી વ્યક્તિમત્તા પણ જાળવી રાખવી. આ આગવી વ્યક્તિમત્તા તે જ મૌલિકતા. આથી સર્જકોનું સમાજ ગૌરવ કરે.

વાસ્તવિકતા પ્રત્યે આંખમીંચામણાં નહીં કરવાં હોય તો કહેવું પડે કે સમાજને કે રાજસત્તાને સૌથી મોટો ભય મૌલિકતાનો. આ મૌલિકતા જ સૌથી ખતરનાક વસ્તુ. આથી સમાજ એના પર અંકુશ રાખવા મથે. એ અંકુશ રાખવાની પદ્ધતિઓ પણ સૂક્ષ્મ હોવી ઘટે. આદર આપીને, પ્રતિષ્ઠા સ્થાપીને, વિશિષ્ટ સ્થાન આપીને આ અંકુશ મૂકવામાં આવે. સર્જકો આખરે તો માનવીઓ હોય છે. એમનાથીય ભૂખમરાને સર્જકતાનો ઉદ્દીપન વિભાવ લેખવાનું ઝાઝો વખત બની શકે નહીં. એમનેય માન્યતા જોઈએ. સમાજમાં ઊંચું સ્થાન જોઈએ. કળાને ખાતર શહાદતને વરનારા તો વિરલ! સમાજ અને રાજસત્તા આ પરિસ્થિતિનો લાભ લે.

વિદ્યાપીઠો અને વિદ્યાપીઠોમાંના વિદ્વન્મંડળો આપણા સમાજની વૈચારિક આબોહવાના નિર્માણમાં બહુ અસર પાડી શકતા નથી એનું કારણ શું? બુદ્ધિ પર આપણે ઝાઝો મદાર રાખતા નથી એનું કારણ શું? ઘણી વાર તો એમ કહેવામાં આવે છે કે લમણાંઝીક કરવાથી કશું વળવાનું નથી. બુદ્ધિને વાપરનારા આપણે છીએ. આપણે એટલે કોણ? સમાજમાં પ્રવર્તતાં પરિબળોનો લઘુતમ દૃઢભાજક? એ પરિબળોની નીપજ? બુદ્ધિના જ એક અંશ રૂપે ધૂર્તતા રહી નથી? પોતાની વિચારણાથી એકાએક ઊફરા જઈને, જેનો પોતાને વિરોધ હોય, તો તેનું જ ભારે નિપુણતાથી સમર્થન કરનારાં બુદ્ધિમાન પ્રાણીઓને મેં જોયાં છે. હા, એ સાચું કે માનવીનો વિકાસ થાય છે. એ આગલી સ્વીકૃતિઓને છોડીને કેટલીક વાર સામે અન્તિમે પણ જાય છે. પણ વિકાસને નામે આપણે ગમે ત્યાં એવાં વિરોધાભાસી વલણોને વાજબી ઠરાવી શકીશું? જૂના થયેલા વિચારની કાંચળી ઉતારી નાંખીને નવી વિચારણાએ ઊભા કરેલા પડકારને ઝીલનારા કેટલા? ઘણા તો સર્વસાધારણ સ્વીકૃત માન્યતાઓનું રક્ષાકવચ પહેરીને જ ફરતા હોય છે.

દરેક સમાજ પોતે જેને આવકાર્ય કે ઇષ્ટ લેખતો નથી તેને ભાંડવા માટેની આકરી ગાળ ઉપજાવી લેતો હોય છે. સંસ્કૃતિના વિકાસ સાથે આ માર્ગનો પણ વિકાસ થયો છે. માણસ જ્યારે ગાળ દે છે ત્યારે આપણે સમજી જઈએ છીએ કે એની બુદ્ધિશક્તિની સીમા આવી ગઈ છે. હવે બુદ્ધિની દિશામાં એ આગળ જઈ શકે તેમ નથી. આથી ગાળની સામે ગાળ દેનાર વચ્ચે જ સંવાદ આગળ ચાલી શકે છે. જે એ સ્થિતિએ નીચે ઊતરવા તૈયાર નથી તે ખામોશી રાખે છે અને કાયર ગણાઈ જાય છે. એક આખો સંક્રાન્તિકાળ એવો આવે છે, જ્યારે ઊહાપોહ બંધ થઈ જાય છે. એનું સ્થાન ગાળ લઈ લે છે. સમાજમાં એક તબક્કે પ્રશંસાવાચક ગણાતો શબ્દ જ એના પછીના તબક્કે ગાળ બની રહે છે. સુધારક શબ્દ જ્યારે ‘સુધરેલા’ તરીકે વપરાવા લાગ્યો ત્યારે તેમાં નિન્દાનું તત્ત્વ ભળ્યું. હજી હમણાંના જ સમયમાંથી ઉદાહરણ લેવું હોય તો ‘ગાંધીવાદી’ એ નવી ગાળ બની રહે છે.

સમાજમાં ‘વ્યક્તિ’ની પણ આ જ દશા થઈ છે. અર્વાચીન ઔદ્યોગિક સમાજમાં કે ઈજારાશાહીમાં ‘વ્યક્તિ’ની વાત કરવી એ નરી ભ્રાન્તિ જ નથી? આ વાતાવરણમાં વ્યક્તિત્વનો વિકાસ એટલે શું? આ વાતાવરણમાં જ વ્યક્તિ વધુ શક્તિહીન અને સલામતી વગરની લાગે છે. આપણે ફાસીવાદને ને પાંચમી કતારિયાને ગાળો દીધી. આજે જે સૌથી અણગમતું લાગે તેને આપણે ફાસીવાદી કહીએ છીએ. કોઈ પણ ગાળ દેવામાં જોહુકમી રહી હોય છે. બુદ્ધિ વાપરનારને માથે એક જવાબદારી હોય છે. એ જે કરે તેની સાભિપ્રાયતા એણે સિદ્ધ કરી આપવાની હોય છે. ગાળ દેનારને માથે એવી કશી જવાબદારી રહેતી નથી. ફાસીવાદનો જગતને અનુભવ થઈ ચૂક્યો છે. એનાથી જો બચવું હોય તો એને પોષે એવું વાતાવરણ ક્યાંય ઊભું થવા દેવું ન જોઈએ. આ વાતાવરણનું લક્ષણ શું છે? જો વ્યક્તિ તુચ્છ અને નરી અસમર્થ લાગવા માંડે તો સમજવું કે ફાસીવાદનાં પગરણ મંડાઈ ચૂક્યાં છે.

અર્વાચીન લોકશાહીએ વ્યક્તિને બધાં જ બાહ્ય નિયન્ત્રણોમાંથી મુક્ત કરીને સાચી વ્યક્તિમત્તાનું ગૌરવ કર્યું છે એવું માનવામાં આવે છે. પણ આવી લોકશાહીમાં જ આમ વ્યક્તિતાને ખતરનાક લેખવાનું વલણ શરૂ થાય તો આપણે સવેળા ચેતી જવું જોઈએ. કશા બાહ્ય નિયન્ત્રણને વશ વર્તીને આપણે જીવતા નથી એનું આપણને અભિમાન હોય છે. આપણે આપણાં વિચાર, મંતવ્યો અને લાગણી મુક્તપણે વ્યક્ત કરી શકીએ છીએ. આ બધું હોય તો આપણી વ્યક્તિમત્તાની પ્રતિષ્ઠા થઈ જ છે એવું આપણે માની લઈએ છીએ. વિચારસ્વાતન્ત્ર્યનો અધિકાર હોવો એનો અર્થ શો? આપણી પાસે આપણા પોતાના કહી શકાય એવા વિચારો હોય તો જ આ અધિકાર આપણને શોભે ને પરવડે. પણ મોટે ભાગે આપણા સમયમાં તો એવું જોવામાં આવે છે કે વ્યક્તિ અમુક વર્ગ કે પક્ષની વિચારણાના પ્રચારનું સાધન માત્ર બની રહે છે. જો આવી પરિસ્થિતિ નહીં હોય તો વિચારસ્વાતન્ત્ર્ય એટલે અમુક વગ ધરાવનારા પક્ષની વિચારણાનો પ્રચાર કરવાનું સ્વાતન્ત્ર્ય એવો અર્થ થશે. એ તો વિચાર-સ્વાતન્ત્ર્યની નરી વિડમ્બના જ લેખાય.

વ્યક્તિમત્તાના ગૌરવ માટે બાહ્ય નિયન્ત્રણનો અભાવ હોય એવી પરિસ્થિતિ જ પૂરતી નથી. આપણી અંદરની ચૈતસિક પરિસ્થિતિ પણ એને અનુકૂળ હોવી જોઈએ. જો વાતાવરણ જ એવું ઊભું કરવામાં આવ્યું હોય કે સલામતીની ચિન્તામાંથી છૂટવા વ્યક્તિને આખરે આ કે તે સમૂહના પડખામાં જ લપાઈ જવું પડે તો આ વ્યક્તિસ્વાતન્ત્ર્યનો અર્થ શો? આથી જ તો આજે વ્યક્તિના પ્રભાવને જોતા નથી, આપણે જૂથ કે સમૂહને જ જોઈએ છીએ. આથી વિચારસ્વાતન્ત્ર્યના અધિકારને માટેનો કોલાહલ નિરર્થક બની રહે છે. હું મારા વિચારના બળમાં શ્રદ્ધા ધરાવતો નથી, પણ મને અમુક જૂથ કે સમૂહની છત્રછાયા મળી છે. એટલે હું સલામત છું એમ માનતો હોઉં છું. પછી મારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને હું ચતુરાઈપૂર્વક મારી આ વાસ્તવિકતાને બીજી કશીક સોહામણી સંજ્ઞાથી ઓળખાવીને અપ્રામાણિકતા વહોરી લઉં તો તેની મને ચિન્તા નહીં!

આપણી આથિર્ક સ્થિતિ અને આપણી ઉત્પાદનની પદ્ધતિ એવાં છે કે જેને કારણે આપણા જમાનામાં વ્યક્તિ વધુ ને વધુ વેગળાપણાની લાગણીમાં ધકેલાઈ છે અને એને કારણે એની નિરર્થકતા એને કોઠે પડી જાય છે. આ કે તે ટ્રેડ યુનિયન કે મંડળ કે પક્ષ એને વાપરે છે. આ બધાં વગ ધરાવનારાં જૂથોને વાપરવાની વસ્તુઓ બની જાય છે, એ વ્યક્તિ મટી જાય છે. આથી જ વ્યક્તિ અસલામતીના કલ્પિત ભયથી બચવા માટે સત્તાનું શરણું લઈ લે છે. એ તત્સમ વૃત્તિને કશા પ્રતિકાર વિના સ્વીકારી લે છે. આમ ધીમે ધીમે એ યન્ત્ર ભેગો યન્ત્ર બની જાય છે. એનું સંચાલન કોઈક બાહ્ય બળ કરે છે. છતાં એ વ્યક્તિમત્તા અને વ્યક્તિસ્વાતન્ત્ર્યના અધિકારનું રટણ તો ચાલુ રાખે જ છે. પણ આ રટણ તો પછી એક પ્રાણવિહીન નિર્ણય બની રહે છે. એથી જ શાસક વર્ગ એનાથી ગભરાતો નથી. પણ આવી પરિસ્થિતિથીય શાસકો ગભરાય અને ભયના માર્યા આક્રમક બને તો સ્વન્ત્રતાનું ભાવિ ઊજળું નથી એમ માનવું પડે.

12-9-75

License

ઇતિ મે મતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.