ધોળે દિવસે અંધારું

માનવીઓ તો હવે જાણે મહોરી ઊઠવાનું ભૂલી ગયાં છે, પણ મારી પાસેના બધા જ લીમડાઓ મહોરી ઊઠ્યા છે. હજી ચૈત્રને થોડી વાર છે. સંસ્કૃતના એક કવિએ તો ચૈત્રને જ શ્રેષ્ઠ ગણ્યો છે. વૈશાખનો અજંપો ચૈત્રમાં હોતો નથી. આકાશ ધૂંધળું હોતું નથી. ચાંદનીમાં લીમડાની મંજરીની મહેક ભળે એટલે ચૈત્રની ચણચણતી બપોરને ભૂલી જઈએ અને રાત્રિની સુગન્ધી-શીતળતાને માણ્યા કરીએ.

આમ છતાં રંજ તો રહેવાનો જ. હવે એ સૌહાર્દ નથી. સૌજન્ય નથી. ધોળે દિવસે અન્ધકારભરી ગુફાઓ વિસ્તરતી જાય છે. એમાં શિકારભૂખી આંખો તગતગે છે. માનવ થઈને જીવવાનું કદાચ ક્યારેય આટલું અઘરું થઈ પડ્યું નહોતું. માનવીઓ થોડા શબ્દો બોલે છે ને જાણે આજુબાજુનાં ફૂલ ચીમળાઈ જાય છે; માનવીની દૃષ્ટિ પડે છે ને એના ઓછાયાથી વાતાવરણમાં થોડી કાળાશ ભળી જાય છે. હું તો માનવીને ઉલ્લંઘીને ઈશ્વર સુધી પહોંચવાની વાત માનતો નથી, માનવીને માટે જ મારું હૃદય દ્રવી જાય છે, ને તે છતાં માનવીને જોઈને એનાથી દૂર ક્યાંક લપાઈ જવાનું મન થાય છે. આ લાગણીવેડા નથી, બુદ્ધિહીનતા નથી, માનવદ્વેષ નથી. ખૂબ ઊંડેથી કશુંક હચમચી ઊઠ્યું છે.

પહેલાં દરરોજ સવારે એક પ્રૌઢ માણસ એક પગને ઘસડતો ધીમે ધીમે ચાલતો જતો હતો. એના મુખ પર જે યાતના હતી તે ભૂલાય એવી નથી, આવી નફફટાઈભરી જીવનને માટેની એષણા જોઈને મને રોષ થતો હતો. થોડા મહિના પછી મેં એને અપંગો માટેની ટ્રાઇસિકલ ચલાવતો જોયો. એની જીવાદોરી ફરી લંબાઈ. હમણાં હમણાં એ દેખાતો નથી. તો વળી એક નવું પાત્ર ઉમેરાયું છે : એક વૃદ્ધા કદમાં ઠીંગણી બેચાર પોટલાં ઉપાડીને હાથમાં ડંગોરો રાખીને ટૂંકે ટૂંકે પગલે કશુંક બબડતી બબડતી રોજ સવારે જતી જોઉં છું. છોકરાંઓ એને ચીઢવે છે, કોઈ વાર પથ્થરો મારે છે. પણ વરસાદ હોય, કે ઠંડી હોય, ધોમ ધખતો હોય તોય અચૂક એ તો રસ્તા પરથી પસાર થવાની જ. એને બિચારીને સિસિફસનું ગૌરવ કોણ આપવાનું હતું? પણ એને જોઉં છું ત્યારેય મન ખિન્ન થઈ જાય છે.

ઘણાં પરિચિતો એવા છે જેમની જીવનરીતિમાંથી નર્યા સ્વાર્થની બદબૂ આવે છે. ઠાઠ જુઓ તો બાદશાહી, બોલવે-ચાલવે ચતુરાઈ દાખવે પણ હૃદયની કૃપણતા કાંઈ મીઠું મીઠું બોલવાથી થોડી જ ઢાંકી શકાવાની હતી? ઘણા દમ્ભીઓ વચ્ચે રહીને દમ્ભ પારખવાનું શીખી ગયો છું. આથી એ લોકોની વાતો સાંભળતાં શ્વાસ રૂંધાવા લાગે છે. પહેલાં તો આખાબોલો હતો, તડનું ફડ કહી નાખતો એથી શત્રુઓ વધ્યા, મિત્રો ઘટ્યા. સ્વભાવની ઉગ્રતા વિશે અતિશયોક્તિભરી વાતો પણ ફેલાઈ. આથી સ્વભાવમાં નહિ એવું મૌન સેવવાનું શીખ્યો પણ મૌન સર્વાર્થ સાધનમ્ – એટલે એને મીંઢાપણામાં ઘટાવવાનું શરૂ થયું. મને રવીન્દ્રનાથનું એક પાત્ર બોલે છે (ગુલાબદાસ બ્રોકર પણ ઘણી વાર એ રટે છે) તે વાક્ય યાદ આવ્યું : ‘સંસારટા બડો જટિલ’ – સંસાર ભારે અટપટો છે. આમ છતાં આ સંસારને ઉઘાડી આંખે જોતો બેઠો છું. જે લોકો બંદૂક તાકે છે ને આંખમાં કરડાકી સાથે ગોળી છોડે છે તેમને ખબર છે ખરી કે કેટલી બધી આંખો એમને જોઈ રહી છે? એ આંખોનાં પોપચાં આ છૂટેલી ગોળીની ઝાળથી જ બળી ગયાં છે. એ આંખોએ તમને તમારાં બાળકોનાં મોંમાં કોળિયો મૂકતા જોયા છે, તમારા હાથને – જે હાથે તમે ગોળી છોડી છે તે હાથને – શિશુને વહાલ કરતો જોયો છે. ગોળીથી ઢળી પડેલાને જોયા વિના તમે મર્દાનગીભરી રીતે પીઠ ફેરવીને જતા રહ્યા તે પણ કેટલી બધી કરુણાભરી આંખોએ જોયું છે. આપણા એક કવિએ ‘બારણે બારણે બુદ્ધ’ને જોયેલા. હવે દરેક આંખે બુદ્ધ પ્રકટતા દેખાવા જોઈએ. જેની હત્યા થઈ છે તેની પત્ની જુવાન છે, તેનું બાળક તો હજી જન્મ્યું નથી. એ જન્મતાં પહેલાં જ વેરનો કીડો લઈને જન્મવાની હઠ પકડશે. એ યુવતી જ્યારે તમારી પત્નીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં કથ્થકની ઘૂઘરી રણકાવતી જોશે ત્યારે એના હૃદયમાં વેદનાની ઝાલર બજી ઊઠશે. તમે કદાચ ભવિષ્યમાં પરમ વીર ચક્ર પણ પામશો. મને તો કોઈ ચક્ર પર વિશ્વાસ નથી, ચક્ર બીજાને કચડી નાખવાનું જ જાણે છે. જેણે પોતાના પતિને ગોળીથી વીંધાઈને મરતા જોયો છે તેની આંખ બિડાવાની નથી. એ રાત-દિવસ તમને નિનિર્મેષ જોયા કરશે. તમે જો અશ્વત્થામાની જેમ અમર થઈ જશો તોય એ આંખો સદા તમારી પાછળ જ ભમ્યા કરશે.

આંખો બંધ કરું છું તોય નજર સામે લોહી અને હાડકાંનો ઢગલો દેખાય છે. એ બધાં જ હાડકાં તૂટેલા છે. કેટલાંક તો ખૂબ કુમળાં છે. અહીં મારા જ શહેરમાં કોઠીકચેરી આગળ લાઠીમારથી ભાગતા લોકોની ભીડમાં ચાર વર્ષનું બાળક કચડાઈને મરી ગયું હતું તેની ચીસ હજી ગઈ નથી. આધાર શોધતા એ નાના ટબૂકડા હાથ આધાર વિનાના રહ્યા એ ઘટના આ નગરના સાંસ્કૃતિક ઇતિહાસમાં આરસની ખાંભી પર ભલે નહિ કોતરાય, જે સો ટકા માનવી હતા (એવા કેટલા?) તેના હૃદયમાં તો કોતરાઈ જ ગઈ છે. તે રાતે શિશુને સ્તન્યપાન કરાવતી માનું દૂધ આ ઘટનાના સ્મરણથી સુકાઈ ગયાની નોંધ છાપામાં નથી આવી તેથી શું? હું જાણું છું કે હવે એવો વખત આવશે જ્યારે બે આંસુ પાડીને લોકો પાપનું પ્રાયશ્ચિત્ત કરવા ઇચ્છતા હોય, હૃદય હળવું કરવા ઇચ્છતા હોય તોય એ બે આંસુ એમની આંખમાં રહેશે નહિ. બીજા વિશ્વયુદ્ધના સંહાર પછી જર્મનીમાં લોકોની આવી જ દશા થઈ હતી. આથી એક દુકાને પાટિયું માર્યું હતું. તેમાં લખ્યું હતું : ‘આવો, ઘણા વખતથી રડી નહિ શક્યા હોય તો અહીં આવો. અહીં તમને રડાવવાની વ્યવસ્થા છે.’ ભવિષ્યમાં સરકાર પોતે જ પોતાના જુલમથી જડ, સૂનમૂન થઈ ગયેલી પ્રજાથી ભયભીત બનીને એને રડાવવા માટેનું નવું ખાતું ખોલશે.

આ જે કહું છું તેને જમાનાના ખાધેલા ડાહ્યાડમરા સ્વસ્થ લોકો નર્યા લાગણીવેડા કહીને હસી કાઢશે તે હું જાણું છું. આ ‘લાગણી’ શબ્દ જ સુરતમાં જન્મેલો, નર્મદ એનો પિતા. એ જો આજે જીવતો હોત તો આપણી લાગણીશૂન્યતા જોઈને ડઘાઈ જ ગયો હોત. આ બધી માનવતાને ભરખી જનારી ઘટનાઓ છાતીમાં ડૂમો ભરી દે છે, મગજમાં કાંકરાની જેમ ખખડ્યા કરે છે. રિલ્કેએ કહ્યું હતું તે યાદ આવે છે : ‘મારું હૃદય, એને વિશે એમ કહું કે એ કડવાશથી છલકાઈ ઊઠ્યું છે….પણ ના, મારા હૃદયમાં જે છે તે તો આકાર વગરના, ઘાટઘૂટ વિનાના ગઠ્ઠાઓ છે. એનો ભાર ઉપાડીને હું ફર્યા કરું છું.’

ટિયરગેસથી ભરેલાં ફેફસાં, લાઠીથી તૂટેલાં હાડકાં અને પલકારા મારવાનું ભૂલી ગયેલી આંખોવાળા માણસોનાં ટોળાંને કોઈ ચિત્રકાર આંકશે ખરો? આથી જ તો કહું છું કે હવે બાગમાં જઈને ગુલાબો જોવાની મારામાં હિમ્મત નથી. એ ગુલાબની પાંખડી પર બંદૂકના ધુમાડાની કાળાશ બાઝી ગઈ છે. કોઈ માણસ બોલવા જાય છે તો મને કાન બંધ કરી દેવાનું જ મન થઈ આવે છે. મિત્રશત્રુનો ભેદ હું કરતો નથી. માનવી આગળ લગાડવાને માટે કોઈ પણ વિશેષણ બચ્યું નથી. બધાં ક્રિયાપદો એક જ ક્રિયાપદનાં અંગ બની ગયાં છે. હવે ભાષા કયા અલંકાર સર્જશે? આ જે લખું છું તે પાન ચાવતાં ચાવતાં હિંચકે ઝૂલતાં વાંચવાની વસ્તુ નથી. મરિના સ્વેતાયેવાએ કહેલું તેમ આંસુના બિલોરી કાચમાં થઈને જ વાંચવી પડે એવી આ વાતો છે. પંક્તિઓને બેયોનેટનો ધક્કો વાગે છે ને એ ઊંધીચત્તી થઈ જાય છે. આ બધું બનવા છતાં જેમને મોઢે કોળિયો બરાબર ઊતરતો જ રહ્યો છે, ચાલતાં ચાલતાં જેમનું એક્કેય પગલું કશીક દ્વિધાથી થંભ્યું નથી, જેમની દૃષ્ટિમાં સહેજસરખી શૂન્યમનસ્કતા દેખાઈ નથી, જેમના અવાજમાં ક્યારેય સહેજસરખો કાપ વરતાયો નથી, જેઓ એવા ને એવા સ્વસ્થ ને શાન્ત છે તેઓ આ જમાનાના નવા સ્થિતપ્રજ્ઞો છે.

બુદ્ધિશાળીઓના અહંકારની બુઠ્ઠી ધારનો માર પણ મેં ખાધો છે, સત્તાધીશોના કાચની અણિયાળી કચ્ચર જેવા શબ્દોથી પણ હું વીંધાયો છું. ભરી સભા વચ્ચેથી હું ઉપેક્ષાનો સરપાવ લઈને ગુપચુપ ઊઠી ગયો છું, છતાં કોણ જાણે શાથી માનવીને ચાહું છું. એના શબ્દોને વળેલી ફૂગ કાળજીથી લૂછી નાખવાનું મન થાય છે. એનું કકરાપણું એને પોતાને નહિ ઉઝરડી નાખે એવી હું ચિન્તા કરું છું. કોઈને ઉડાઉ બનીને આંસુને વેડફી નાખતા જોઉં છું તો મને કહેવાનું મન થાય છે : ‘આંસુને સાચવી રાખો. આવતી કાલે ઘણાંને એની જરૂર પડશે.’

વિદ્યાપીઠમાંય વર્ણભેદથી દાઝ્યો છું. વિદ્યાના તેજને બદલે અભિમાનના દઝાડતા અંગારાનો જ અનુભવ થયો છે. પાત્રતા, યોગ્યતા જેવા શબ્દો અનેક કડવા અનુભવને કારણે મેં ઝનૂનથી ભૂંસી નાખ્યા છે. સહીસિક્કા જોઈને મને ઊબકા આવે છે. નિયમો અને ધારાધોરણોને કારણે હું જાતને વધેરતો રહ્યો છું, છતાં મારી આંખ માનવીને શોધે છે. હું માનવીના હાથને શોધું છું, એની આંખમાં આંખ મેળવવા ઇચ્છું છું. એ જે શબ્દ બોલે તે નરવો હોય, એનાથી સૂર્ય વધુ દીપે ને પવન શીતળ બને એવી આશા સેવું છું. ઉપેક્ષા અને અપમાન બધાં મારે ખભે લાદીને જે કોઈનો ભાર હળવો થતો હોય તે કરવા હું ઇચ્છું છું. દેવો વિશે શ્રદ્ધા રાખી શક્યો નથી, પણ માનવીના માનવ્યની શ્રદ્ધા એ જ તો એક માત્ર આધાર છે. એ જો નથી તો પછી કશું જ નથી.

30-3-81

License

ઇતિ મે મતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.