કદાચ હું કાલે નહીં હોઉં

કદાચ હું કાલે નહીં હોઉં
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાએલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.

ઓગસ્ટ: 1962

License

ઇતરા Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.