મનાલીના માર્ગે
વિપાશાનો પાશ અદીઠ વેરાન સૌન્દર્ય
એક કિશોરી નામ એનું મનાલી હિડિમ્બા : મનાલીની અધિષ્ઠાત્રી
નગર
સ્ટીલ સિમેન્ટનું સ્વપ્ન
રૉક ગાર્ડન
મનાલી
ર૭ જૂન, ૧૯૮૭
આજે સવારે સેમિનારમાં ભાગ લેવા આવેલા સભ્યોમાંથી જે બાકી રહ્યા હતા, તે સૌ પોતપોતાના મથકે જવા નીકળી પડ્યા. કોઈ બસમાં, કોઈ ગાડીમાં, કોઈ વિમાનમાં. થોડાક દિવસથી સિમલા-દિલ્હી વચ્ચે વાયુદૂત સેવા શરૂ થઈ છે. રાષ્ટ્રપતિભવનના વિશાળ પોર્ચ નીચે ઊભાં રહી ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર માર્ગારેટ ચૅટરજી સૌને ભાવભરી વિદાય આપતાં હતાં. સમરહિલ પર સુંદર પ્રભાત હતું અને પ્રાંગણના ઘાસ પર તડકો પથરાયો હતો. જોકે દૂરદૂરના પહાડો અને વૃક્ષો હજી આછા ધુમ્મસમાં હતાં.
મેં થોડા દિવસ હિમાચલ પ્રદેશની સૌથી રળિયામણી ગણાતી કુલુમનાલીની ખીણ જોવા માટે રાખ્યા હતા. સૌ સભ્યોને પોતપોતાને થાનકે જતા જોઈ મને પણ અમદાવાદ ભણી નીકળી જવાનો વિચાર આવેલો, પણ એ તો થોડી વાર. અહીંથી મનાલી જવાની બસની ટિકિટ અગાઉ ખરીદી લીધી હતી. ચંડીગઢ-દિલ્હી-અમદાવાદની ટિકિટ પણ છેક બીજી તારીખની એ હિસાબે લઈ રાખી હતી.
ગુરુભગતસિંહને પતિયાળાની બસ પકડવા સિમલાનગરમાં જવાનું હતું અને મારે પણ મનાલીની બસ પકડવા. ઇન્સ્ટિટ્યૂટની પહાડી ઊતરીએ એટલે નીચે બાલુગંજ બસસ્ટૅન્ડ છે, અને હું ત્યાંથી બેસીશ એવું મનાલીની ટિકિટ રિઝર્વ કરાવતાં કહેલું પણ ખરું, પરંતુ થયું કે બસ ઊપડે ત્યાંથી જ બેસવું સારું છે. ઇન્સ્ટિટ્યૂટની ગાડી અમને મૂકી ગઈ.
હિમાચલ પ્રદેશ ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશને હિમાચલ રાજ્યમાં લાંબા અંતરના પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરી છે. એ નિયમિત લક્ઝરી બસો પણ દોડાવે છે. એચ પી ટી ડી સીની એ બસ સિમલાનગરની ભીડભાડવાળી સડકો પસાર કરી ઇન્સ્ટિટ્યૂટને માર્ગે થઈને જ મનાલી તરફ જવા નીકળી. લગભગ એક કલાક એટલામાં થઈ ગયો.
પછી તો શરૂ થયો રમણીય પહાડી માર્ગ અને આસપાસનો બંધુર હરિયાળો વિસ્તાર. ત્યાં તો બસ-કંડક્ટરે વીડિયો ફિલ્મ શરૂ કરી. મનમાં એટલો બધો ક્લેશ થયો, પણ ઘોંઘાટ સહન કરવો જ રહ્યો. આસપાસ કેટલી સમૃદ્ધ નિસર્ગશ્રી પસાર થાય છે, પણ બારી બહાર જોવાને બદલે સૌ પ્રવાસીઓ મારામારીની કોઈ ફિલ્મ જોવામાં વધારે રસ ધરાવતા લાગ્યા. વળી આ રોજબરોજનાં પૅસેન્જરો નહોતાં. ખાસ આ વિસ્તારની મુલાકાતે આવેલા પ્રવાસીઓ હતા. પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત મને જુદી રીતે સમજાવા લાગ્યો. જેના પર શ્રીહરિનો અનુગ્રહ હોય એના ભાગ્યમાં ભક્તિ કરવાની થાય. એમ પ્રકૃતિનો અનુગ્રહ પામ્યા વિના પ્રકૃતિને પણ પામી શકાતી નથી. પ્રકૃતિનાં વિવિધ રૂપોથી હિમાચલ પ્રદેશ આંખોને ધન્ય કરી દેનારો છે એવું મને તો લાગતું રહ્યું છે, પણ આ બસના પ્રવાસીઓ ધન્ય થવા નહોતા માગતા. કલાપીની ઉક્તિ યાદ આવે કે ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે..’
દેશના ભાગલા પડ્યા ત્યારે શરૂઆતમાં તો હિમાચલનો આ વિસ્તાર, પૂર્વ પંજાબ અને હરિયાણાનું એક રાજ્ય હતું. આ સમગ્ર પ્રદેશની રાજધાની સિમલા થોડો વખત રહી હતી; પણ પછી ભાગ પડતા રહ્યા. પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ. ત્રણ અલગ રાજ્ય બન્યાં. પંજાબ, હરિયાણા આર્થિક રીતે અતિ સમૃદ્ધ થતાં ગયાં છે, પણ હિમાચલની સુંદરતા ત્યાં ક્યાંથી લાવવી?
પંજાબ નામ જે કારણે પડ્યું તે પંચ આબ – પાંચ નદીઓ – રાવી, ચિનાબ, બિયાસ, સતલજ અને જેલમમાંથી ચાર નદીઓ તો હિમાચલ પ્રદેશમાં વહી રહી છે. એ ચારે નદીઓનાં વૈદિક નામ પરુષ્ણી, ચંદ્રભાગા, વિપાશા કે શતદ્રુ બોલીએ એટલે એકદમ ભારતીય આર્ય સંસ્કૃતિના ઉષઃકાળમાં પહોંચી જઈએ. આ વિસ્તારની જ દોડતી નદીઓને જોઈને કદાચ વિશ્વામિત્ર ઋષિને નદીઓ માટે દોડતી જતી ધેનુઓની ઉપમા સૂઝી હશે. એક જેલમ એટલે કે વિતસ્તા આ વિસ્તારમાંથી વહેતી નથી, અલબત્ત આપણી પવિત્ર ગણાતી નદીઓ ગંગાજમના, અલકનંદા, મંદાકિની તો નીકળે છે ઉત્તરાખંડ-ગઢવાલ-હિમાલયના વિસ્તારમાંથી.
હિમાચલ પ્રદેશમાં સતત બરફથી ઢંકાયેલાં શિખરોવાળા પર્વતો છે, ગાઢ જંગલોવાળા વિસ્તાર છે અને લાહુલ સ્પિતિનો તિબેટની સરહદને અડતો વેરાન બરફાની વિસ્તાર છે, દેવતાઓની ખીણ ગણાતો કુલ્લૂમનાલી વિસ્તાર છે. જે નામથી ચિત્રકલાની એક પ્રસિદ્ધ શૈલી વિકસેલી છે, તે કાંગડાનો અને ધરમસાલા ચંબાનો વિસ્તાર છે. સિમલા વિસ્તાર તો વળી જુદો. સુદુર કિન્નરલોક પણ છે. આ વિસ્તારોની પોતાની પ્રાચીન સંસ્કૃતિની પરંપરા છે. એક વર્ષ પહેલાં રઘુવીર, ચંદ્રકાન્ત શેઠ અને હું – હિમાચલ પ્રદેશમાં જવાની યોજના ઘડતા હતા. ગયા નહોતા, પણ ત્યારે આ વિસ્તારના નકશા સાથે થોડાં ઇતિહાસ-સંસ્કૃતિ વિષેનાં પુસ્તકો જોયાં હતાં. ડૉ. ભાયાણીને આપણા એક યુવાન પુરાતત્ત્વવિદ કશ્યપ મંકોડીએ એક પુસ્તક ભેટ આપેલું. એ પુસ્તકના ત્રણ લેખકોમાંના તેઓ એક હતા. પુસ્તકનું નામ ‘ઍન્ટિક્સ ઑફ હિમાચલ’. એમાં હિમાચલની લોકકલા, મંદિરો, શિલ્પો અને તેના એક ખાસ અંગ મહોરાં વિષેની દસ્તાવેજી સચિત્ર સામગ્રી હતી. દશેરાના દિવસે કુલ્લૂની મુલાકાતનું વિવરણ હતું. દશેરા કુલ્લૂનો સૌથી મોટો તહેવાર છે. એ દિવસે આ વિસ્તારના સૌ દેવો કુલ્લૂના રઘુનાથના દરબારમાં આવે છે.
સિમલાથી મનાલી માર્ગ વચ્ચે વિલાસપુર અને મંડી પણ આવે છે. પહેલાં તો વિચાર પણ હતો કે મંડી એક રાત રોકાઈ પછી આગળ જવું. પણ પછી મનાલી પહોંચી જવાનું મુનાસિબ માન્યું. વળતાં જોઈશ.
પહાડના ઢોળાવ પર વસેલાં ઘર કે ગામ બહુ ગમે છે. તેમાંય પહાડ જ્યારે વૃક્ષોથી-લીલોતરીથી ભરેલા હોય. વચ્ચે એવા પણ વિસ્તારો આવતા જ્યાં પહાડો પરથી વૃક્ષો સાફ થઈ ગયાં હોય. બપોરના વિલાસપુર આવ્યું, જ્યાં લંચ માટે બસ થોભવાની હતી.
વિલાસપુર શતદ્રુ નદીને કિનારે છે. શતદ્રુ કહો એટલે તમે પ્રાચીન કાળની આબોહવા અનુભવો, પણ સતલજ કહો એટલે ગોવિંદસાગર અને ભાખરાનાંગલ ડૅમ યાદ આવે. સતલજ નીકળે છે હિમાલયની પેલે પાર માનસરોવરમાંથી, ભારત-તિબેટની સરહદની સમાંતરે ત્રણસો કિલોમીટર તિબેટમાં વહી પછી નૈઋત્ય દિશામાં ભારતમાં વહેવા લાગે છે. વિલાસપુર પાસે તે વળી પાછી વાયવ્ય દિશામાં વહે છે. હિમાચલ પ્રદેશની સૌથી મોટી નદી આ શતદ્રુ સતલજ.
વિલાસપુર ઊતરીને જોયું તો સડકથી જરા દૂર નીચાણમાં શતદ્રુ વહી જતી હતી. હમણાં જ પૂર ઓસર્યાં હોય એમ લાગતું હતું. પાણી પણ દૂધિયા રંગનું લાગ્યું, એ ઓગળેલા બરફનું પાણી હોવાને કારણે હોય. અહીં તડકો સખત લાગતો હતો અને ઢાળ ઘણો ઊતરવાનો હતો. નહીંતર શતદ્રુનાં વારિને માથે ચઢાવ્યાં હોત. બસના ઉતારુઓ લંચ લેવા નજીકની એક માત્ર હોટલમાં ભીડ કરતા હતા, ત્યારે હું સડકને કિનારે પર્વતકિનારે ઉગેલા વૃક્ષની છાયામાં ઊભો રહી જાણે વૈદિક કાળની શતદ્રુને કાંઠે ઊભેલો મને અનુભવવા લાગ્યો. નદીકાંઠે મંદિર હતું અને નદીના પ્રવાહમાં હોડીઓ સરકતી હતી. સામેના પર્વતના લીલા ઢોળાવ પર ગામ વિસ્તરેલું હતું. થોડે દૂર જઈને આ સતલજ ગોવિંદસાગર સરોવરમાં ફેરવાઈ જાય છે.
સતલજને પુલ પરથી પાર કર્યા પછી હિમાચલનો મંડી વિસ્તાર શરૂ થયો. મંડી પહેલાં એક દેશી રાજ્ય હતું. રાજ્ય નાનકડું છે, પણ એના રાજમહેલ માટે જાણીતું છે. પર્વતના ઢોળાવ પર વસેલા આ નગરમાં અનેક જૂનાં મંદિરો છે, જેમાં હવે અપૂજ દેવતાઓ કોઈ રડ્યાખડ્યા યાત્રિકની પદચાપ સાંભળવા ઉત્સુક રહે છે. મંડી બિયાસ નદીને ડાબે કિનારે છે. બિયાસને વ્યાસ પણ કહે છે, પણ એ જ તો છે વેદકાલીન વિપાશા.
પાશમાંથી, બંધનમાંથી મુક્ત કરનાર એટલે વિપાશા. હું મનોમન એવો અર્થ બસની બારીમાંથી પ્રચંડ વેગથી વિપુલ જલરાશિ લઈને પથ્થરો સાથે અફળાતી જતી બિયાસને જોઈ વિચારતો હતો. મને લાગ્યું કે એ પોતે તો બંધનમુક્ત છે. સાંજ પડવા આવી હતી. હવે બસ નદીની જમણી તરફની સડક પર દોડતી હતી. સામેથી દોડતી આવતી હતી વિપાશા.
સાંજ સાથે પ્રદેશની રમણીયતા વધતી જતી ચાલી. એ માત્ર સાંજને કારણે નહિ. આ જ તો કુલ્લૂ-મનાલીની ખીણનો વિસ્તાર. આ ખીણ એટલે બે પહાડો વચ્ચે સ્વામી આનંદ કહે છે તેમ હજારો વરસથી વહેતી નદીઓએ કરેલાં પોલાણ કે પહોળાણ. બંને બાજુ લાંબા ઢોળાવવાળા પહાડો, વચ્ચે વહેતી બિયાસ. બહુ સાંકડો છે ખીણનો વિસ્તાર, પણ એક લીલોછમ અને સુંદર. વિપાશાની મસ્તીના છાંટા તો જાણે છેક બસમાં ઊડી આવશે. પહાડની છાયાઓ લાંબી થતી જતી હતી. ત્યાં કેટલાક પહાડોની બરફ-આચ્છાદિત ચોટીઓ દેખાવા લાગી. આખા દિવસની બસયાત્રાની ક્લાન્તિ દૂર થઈ ગઈ. મનમાં એક અજબ સ્ફૂર્તિ આવી ગઈ. પ્લમ, સફરજનની વાડીઓ શરૂ થઈ ગઈ હતી. લાલ પ્લમની આ મોસમ છે. ક્યાંક તો બસની બહાર હાથ લાંબો કરો તો હાથમાં બેચાર આવી જાય.
કુલ્લૂ આવી ગયું, ત્યારે સૂરજ નમવામાં હતો. પર્વતો, ઢોળાવો, આ વિપાશા બધું રમ્યતર બની ગયું. પણ હજી મનાલી પહોંચતાં દોઢ-બે કલાક થશે. વિપાશા એની પરથી આંખો હટવા દેતી નહોતી, પોતાના પ્રચંડ રવથી એ કાન પણ ભરી દેતી હતી.
*
જેમ જેમ મનાલી નજીક આવતું જતું હતું તેમ તેમ વિપાશા પાશમુક્ત કરવાને બદલે પાશબદ્ધ કરતી જતી હતી. સાંજ વેળાએ નારીની જેમ નદી પણ ગ્રહણશીલ બનતી હશે. વિપાશા-બિયાસના કેટલાક કિનારા રસ્તાથી દૂર હતા અને ત્યાં પ્રવાસન વિભાગે પ્રવાસીઓ માટે લાકડાના રમ્ય નિવાસો બાંધ્યા હતા કે તંબુ નાંખીને રહેવાની સુવિધાઓ કરી હતી. બંને બાજુ ધીમે ધીમે ઢળતા પહાડો વચ્ચે વહેતી વિપાશાને તટે થોડા દિવસ રહેવાનું તો ગમે.
મેં મનાલીના પ્રવાસ-અધિકારીને સિમલાથી એક પત્ર લખ્યો હતો, મનાલીમાં આ વિપાશાને કાંઠે આવેલી હોટલ વિપાશામાં એક ઓરડો આરક્ષિત રાખવા. આ દિવસોમાં ખાનગી હોટલો ઘણી મોંઘી હોય છે. બે દિવસ પહેલાં સ્થાનિક અખબારમાં મનાલીના હોટલમાલિકોની લોભવૃત્તિ વિષેના સમાચાર હતા. મારા મનમાં ઉદ્વેગ હતો કે હોટલ વિપાશામાં ઓરડો મળશે કે નહીં. બસમાં મારી સાથે બાજુની સીટ પર કેરલનો હમણાં જ ભણી ઊતરેલો મૅથ્યુ નામે એક ભ્રમણપ્રિય વિદ્યાર્થી હતો. કેટલાય દિવસોથી પ્રવાસે નીકળ્યો છે. ભારતવર્ષમાં બરાબર ભમ્યા પછી જર્મનીમાં રહેતી એની બહેન પાસે જવાનો છે. એને પણ મનાલીમાં ઊતરવાનો પ્રશ્ન હતો. યુથ હોસ્ટેલમાં જગ્યા મળશે કે કેમ એ વિષે ચિંતિત હતો.
બસ હવે માર્ગમાં ધીમી પડી જતી હતી. ઘેટાંબકરાં કે ગાયોનાં ધણનાં ધણ જતાં હોય. મેં જોયું કે એકે જાનવર જરાય દૂબળું-પાતળું નહોતું. આવા હરિયાળા મુલકમાં આ જાનવરો આ સાંજ ટાણે ભરપેટ ન હોય તો જ નવાઈ. ભરવાડો આ વિસ્તારમાં પહેરાતા વિશિષ્ટ પોશાકમાં. કુલ્લૂ-મનાલીની ખીણમાં એક ખાસ પ્રકારની ટોપી પહેરાય છે, આગળના ભાગમાં ભરત ભરેલી. કવિ રાધેશ્યામ શર્મા આ દૃશ્યાવલી જોઈ પેસ્ટોરલ કવિતા ન લખત તો એની ચર્ચા કરત. મને પણ એકાએક આ પેસ્ટોરલ પોએટ્રી-ગોપકાવ્યોની વાત યાદ આવી ગઈ.
બસ મનાલી પહોંચી ત્યારે દીવાબત્તી થઈ ગયાં હતાં, પણ રાત નહોતી પડી. સૂર્યાસ્ત પછીનો સમયપટ હતો; પરંતુ આ શું? જાણે કોઈ જામતા જતા રાત્રિમેળામાં પહોંચી ન ગયા હોઈએ! લોકો તો ઊભરાતાં હતાં અને વાહનોની પણ લંગાર. યાત્રિકો દૂર દૂરથી આવી આ નાનકડા પહાડી ગામમાં ઠલવાતા જતા હતા. બસમાંથી અમે પણ ઠલવાયા. મારી પાસે આવશ્યક જ સામાન હતો, જે એક બગલથેલા અને પેટીમાં આવી જાય. જાતે જ વહન કરી શકાય. પ્રવાસન વિભાગની ઑફિસના પ્રાંગણમાં જ બસ ઊભી રહી હતી. ઊતરીને કાઉન્ટર પર પૂછ્યું – હોટલ વિપાશામાં જગ્યા મળશે? ટૂરિસ્ટ લૉજમાં? એક પણ રૂમ કે શય્યા મળી શકે એમ નથી.
કાઉન્ટર પરના માણસે કહ્યું, અહીંથી થોડે દૂર ચમન હોટલમાં રૂમ મળશે. એણે ફોન પણ કર્યો. ચાલીને જઈ શકાય એવું હતું. મૅથ્યુ પણ મારી સાથે હતો. મનાલીની એકમાત્ર મુખ્ય સડક પર પ્રવાસીઓ જ પ્રવાસીઓ. સિમલાની જેમ અહીં પણ શીખ પ્રવાસીઓની સંખ્યા ઘણી બધી. પંજાબમાં શીખ સિવાયના અન્યો માટે કેટલો આતંક છે, જ્યારે અહીં સૌ શીખ નિર્ભય બની આટલી મોટી સંખ્યામાં વિચરણ કરે છે. સિમલામાં મને જસ્ટિસ મસૂદે કહ્યું હતું કે ઉદારમતવાદી હિન્દુ ધર્મની સહિષ્ણુતાનું આ જીવતુંજાગતું ઉદાહરણ છે.
હોટલ ચમન મુખ્ય રસ્તાથી જમણી બાજુએ તિબેટનોના એક મારકીટ વચ્ચેથી પસાર થયા પછી આવે. મારકીટની નાની નાની બધી દુકાનોમાં તિબેટી કન્યાઓ કે સ્ત્રીઓ જ વેપાર કરતી દેખાઈ. હોટલ ચમનમાં અમને એક રૂમ મળી ગયો. હોટલ બહુ સારી તો ન કહેવાય. સ્થળ તો જરાયે ના ગમ્યું. સૌંદર્યસ્થલી મનાલીમાં આવી જગ્યામાં રહેવાનો આનંદ શો? પણ ઉપાય નહોતો. એક રાત સૂવા માટે દોઢસો રૂપિયા આપી દેવાના.
અમારે જમવાનું બાકી હતું. થોડી વાર પછી નીકળ્યા, ભીડ ઓછી થઈ નહોતી. ધાબાં (વીશીઓ) બધાં ભરેલાં હતાં. અમે એક મદ્રાસી હોટલમાં ગયા, જે શુદ્ધ શાકાહારી હતી. અહીં ગુજરાતી ભાષા સંભળાઈ, પણ મારે કોઈ ગુજરાતીનો સંપર્ક કરવો નહોતો. જમ્યા પછી અમે વિપાશા-તટે આવેલી ટૂરિસ્ટ લૉજમાં જાતે તપાસ કરવા ગયા. ત્યાં વિપાશાનો પ્રચંડ ઘર્ઘર ઘોષ સંભળાયો. ટૂરિસ્ટ લૉજમાં બે દિવસ પછી જગ્યા થવાની સંભાવના હતી. હોટલ વિપાશામાં રોટેરિયનોનું અધિવેશન હોવાથી રૂમો ભરાઈ ગઈ હતી – નહીંતર મળી જાત. પણ મનમાં ગાંઠ વાળી કે વિપાશાને કાંઠે એના સાન્નિધ્યમાં આવીને રહેવું જ છે. મૅથ્યૂ અને હું પછી તો ભીડ વળોટી દૂર જનવિરલ માર્ગે ઘણું ચાલી પાછા હોટલ પર આવી ગયા છીએ.
૨૮ જૂન, ૧૯૮૭
આંખ ઉઘાડી ત્યારે સવાર થઈ ગઈ હતી. દક્ષિણ તરફની બંધ બારીના કાચમાંથી જોયું તો સામેના બરફ-આચ્છાદિત શિખર પર તડકો પડ્યો છે. બીજું શિખર હજી છાયામાં છે, છતાં એની લીલાશ દૃશ્યમાન છે. કદાચ એ નજીકની પર્વતશ્રેણી હોય. એવાં બે લીલા રંગનાં પર્વત શિખરો વચ્ચે એક શ્વેત પર્વતશિખર ગોઠવાયેલું લાગે છે. હોટલની બારીમાંથી નીચે જોઉં છું તો આજુબાજુ પથરા અને લાકડાના કપાયેલા મોટા ટુકડા આંખને અળખામણા લાગતા હતા.
હું અને મૅુથ્યુ બંને નાહીને તૈયાર થઈ ગયા. મૅથ્યુએ કહ્યું, હવે આપણે જુદા પડીશું, કેમ કે મારો માર્ગ જુદો છે. અને આ વિસ્તારમાં ટ્રૅકિંગ કરવું હતું. એ વિદાય લઈને ચાલ્યો ગયો. મને થયું કે હું પણ હવે બહાર નીકળી જઈશ. માત્ર રાતે સૂવા માટે હોટલ પર આવીશ. એ માટે દોઢસો રૂપિયા આપવાના વધારે પડતા લાગ્યા. હોટલના ત્રીજા માળે ડૉર્મિટરી હતી. એમાં ૨૫-૩૦ પલંગો હતા. એક પલંગના ૩૦ રૂપિયા આપવાના હતા. રૂમ ખાલી કરી સામાન ત્યાં ગોઠવાવી દીધો અને પછી નીકળી પડ્યો.
ભરપેટ નાસ્તો કરી, બિયાસ-વિપાશાને કાંઠે પહોંચી ગયો. પથ્થરો વચ્ચેથી ઘુઘવાટ કરતી વહી જાય. પાણી તો દેખાય તો દેખાય. શ્વેત ફીણ જાણે ધસમસતું જાય છે. કેટલું બધું પાણી જાય છે! મને આપણી સાબરમતી યાદ આવી. સરસ્વતી યાદ આવી – જ્યાં માત્ર રેત વહે છે. હિમાચલની આટલી બધી નદીઓમાંથી એક આ બિયાસ આપણે ત્યાં ન વહેવડાવાય? આ ઉનાળામાં તો જેમ જેમ બરફ ઓગળે તેમ તેમ પાણી વધતું જાય.
બિયાસને સામે કાંઠે પર્વતની ધાર છે અને એને અડીને એક માર્ગ જાય છે. આ બાજુથી ત્યાં જવા એક પુલ છે. પુલની એક બાજુએ ટૂરિસ્ટ લૉજ છે. બીજી બાજુએ હોટલ વિપાશા. પુલ પરથી ઘેટાંબકરાં જઈ રહ્યાં છે. અલમસ્ત. હું પણ એમની સાથે પુલ પસાર કરું છું. પુલ પરથી નીચે વહી જતી વિપાશા આમંત્રણ આપતી હતી. પુલ પરથી ભોટિયા સ્ત્રીપુરુષોની ટોળી જતી હતી. રશિયન લાગે એવો સ્ત્રીઓનો પોશાક હતો. એક ખેડૂત ખભે હળ મૂકીને જતો હતો. આર્યોના વખતથી ચાલ્યું આવતું આપણું એ સનાતન હળ – એવું મને થયું. નાનકડો પુલ પસાર કરીને સામે ગયો. ત્યાં પહાડની પથ્થરની પીઠ પર પીળા પટ્ટા પર કાળા અક્ષરે લખ્યું હતું : મનાલી લેહ-હાઇવે. પછી લખ્યું હતું : વન ઑફ ધ હાઇએસ્ટ માઉન્ટન રોડ્ઝ ઇન ધ વર્લ્ડ – દુનિયાના ઊંચામાં ઊંચા પર્વતીય માર્ગોમાંનો એક. આપણી સેનાના એક વિભાગે આ રસ્તો બાંધ્યો છે અને સેનાનો એક વિભાગ એ નિભાવે છે. બિયાસની હેઠવાસ તરફ તો અહીંથી બંને બાજુ સડક છે.
પ્રવાસન વિભાગ તરફથી મનાલીથી જુદાં જુદાં સ્થળોએ જવા માટે વ્યવસ્થિત ટ્રિપો ગોઠવેલી છે. મેં રોહતાંગ પાસ જતી બસમાં ટિકિટ કરાવી. રોહતાંગ પાસ જવાનો વિચાર રોમાંચ જગાવતો હતો : રોહતાંગ પાસને પાર કરીએ એટલે પેલી બાજુએ હિમાચલનો લાહુલ સ્પિતિનો વિસ્તાર શરૂ થઈ જાય. રોહતાંગ પાસ ૧૩૪૦૦ ફૂટની ઊંચાઈએ છે. ત્યાં જતા માર્ગે વિપાશાનું ઉગમસ્થળ આવે છે. વિપાશાને પહાડમાંથી નીકળતી જોવા મળશે!
બસ ઊપડી ત્યારે અણદીઠેલી ભોમ પર આંખ માંડવાની પરમ ઉત્સુકતા હતી; પરંતુ પ્રવાસીઓથી ભરેલી બસમાં પણ એકાકી હોવાનો ભાવ કેમ તરી આવ્યો હશે?
*
મનાલીથી ઉત્તર લગભગ સાડા તેર હજાર ફૂટની ઊંચાઈએ પીરપંજાલ પર્વતશ્રેણીમાં આવેલા રોહતાંગ પાસ ભણી લઈ જતી એચ પી ટી ડી સીની બસ અત્યંત આરામદાયક હતી. કાચની મોટી બારીઓ માર્ગની બંને બાજુનાં દૃશ્યો ભરપૂરપણે જોઈ શકાય એવી રાખી હોવાથી પ્રવાસીઓને ભવ્યતા-રમ્યતાનો અનુભવ જેમ જેમ તે ઊંચે ને ઊંચે જતો જાય તેમ થતો રહે. થોડી વારમાં એકાકી હોવાનો મારો ભાવ વિલીન થઈ ગયો. વિપાશાને સામે કાંઠેથી બસ ચાલી અને થોડી વારમાં તો વળાંક લેતી ઊંચા વાંકાચૂંકા પહાડી માર્ગે ચઢવા લાગી.
પહાડોના ઢોળાવો પર નાનાંમોટાં પગથિયાં હતાં, ખેતરોમાં ઘઉંનો પાક લેવાતો હતો. ક્યાંક ઘઉં વઢાતા હતા, ક્યાંક ખળામાં ઉપણાતા હતા તો વળી ક્યાંક ડાંગર ચોપાતી હતી. બારીમાંથી દક્ષિણ તરફ બરફ છવાયેલાં શિખરો ધ્યાનમગ્ન લાગતાં હતાં. અમે એવા જ બરફાની વિસ્તાર ભણી જઈ રહ્યા હતા. ક્યાંક પહાડોના ઢોળાવ પર ઘીચ વૃક્ષો હતાં તો ક્યાંક બોડિયા વિસ્તારો પણ આવતા. અનેક ઝાડ કપાયેલાં. એમનાં જમીનથી ફૂટેક ઊંચાં અવશિષ્ટ થડ એ વૃક્ષોની કબર લાગતાં. ત્યાં એકાએક ક્યાંકથી ખળખળ પહાડી ઝરણ વેગથી ફીણફિસોટા સાથે વહી જતું હોય. એની પ્રતીપ ગતિ જુઓ તો પહાડની ઊંચાઈએથી ધોધ રૂપે એ પડતું દેખાય.
ઉનાળાના દિવસોમાં પહાડો પરનો બરફ ઓગળવા લાગ્યો છે અને થીજી ગયેલા અનેક પ્રવાહ જાગી ગયા છે. આથમણી તરફના પહાડની સમાંતર થોડાંક વાદળ છે. તડકો તો રેલાયેલો છે. હિમાચલ પ્રદેશનો આ વિસ્તાર એટલે આર્યસંસ્કૃતિ જ્યાં ઉદ્ભવ પામી એ વિસ્તાર. આ છે વિપાશા, રોહતાંગને પાર કરી પેલી તરફ લાહુલ સ્પિતિ જઈએ એટલે ચંદ્ર અને ભાગા નદીઓ મળી બનતી ચંદ્રભાગાનો વિસ્તાર. આ માત્ર સુંદર ભૂમિ નથી, આ સુસંસ્કૃત ભૂમિ છે. આ અનેક વૈદિક મંત્રોના આવિષ્કારની ભૂમિ છે, એવો વિચાર આવે ને આવે.
એક ઝરણું વહી જતું હતું. આજુબાજુની લીલોતરી પર જાંબલી ગુલાબી નાનાં નાનાં ફૂલો ઊગ્યાં હતાં. ઝરણામાં છોકરાં નહાતાં હતાં અને કિલકારીઓ કરતાં હતાં.
બસ ઊંચે ને ઊંચે ચઢતી જતી હતી. બિયાસ-વિપાશા હવે બિયાસનાલા હતી. અમારી બસની જેમ બીજાં અનેક વાહનો પ્રવાસીઓને લઈને દોડી રહ્યાં હતાં. આ બધાં વાહનોએ આખો શિયાળો સ્તબ્ધ રહેલા વિસ્તારને અવાજોથી ભરી દીધો હતો, પણ આ વિરાટ અવકાશમાં એ અવાજો ક્યાંય વિસ્તરી જતા હતા.
ત્યાં બસના કંડક્ટરે ધ્યાન દોર્યું. વો દેખો વ્યાસકુંડ હૈ. વ્યાસકુંડ એટલે જ્યાંથી બિયાસ નીકળે છે એ સ્થાન. એક ઊંચા બરફીલા પહાડની દીવાલના નીચેના ભાગમાં એ છે. ત્યાંથી નીકળતી બિયાસ-વિપાશા એક નાનકડો જલપ્રવાહ માત્ર છે. મને થયું કે છેક નજીક જવાયું હોત તો સારું થાત. બરફ ઓગળીને જલપ્રવાહ બને છે અને પછી તો કેટલા પ્રચંડ કે લઘુ જલપ્રવાહો એને આવીને મળે છે. જ્યાંથી ગંગા નીકળે છે એ ગૌમુખ યાદ આવ્યું. એ વખતે ગંગા પણ કેટલી ક્ષીણ ધારાઓમાં વહે છે!
હવે ઊંચાં વૃક્ષો તો નહીંવત્ થઈ ગયાં. માત્ર પહાડો, ખુલ્લા પહાડો, બરફના મુગુટ પહેરેલા પહાડો, જે વિરાટનો અનુભવ કરાવે. વચ્ચે એક સ્થળે બધાં વાહનોને ઊભાં રાખી દીધેલાં ત્યાંથી એકમાર્ગી સડક હતી. અમે રોહતાંગ પાસની નજીક પહોંચવામાં હતા.
ધીરે ધીરે બરફના વિસ્તારો આવતા હતા. બસની બારીમાંથી પોચા પોચા બરફની સડક સરસી દીવાલમાં આંગળીથી લીટી દોરી શકાય, એમ બરફ કાપીને સડક ખુલ્લી કરેલી હતી. કેટલાક ભૂમિ-વિસ્તારો બરફથી લદાયેલા હતા. કેટલાક બરફ ઓગળવાથી ખુલ્લા થયા હતા, પણ પેલાં પહાડોનાં શિખરો તો જાણે સનાતનકાળથી બરફનો મુગુટ ધારણ કરીને બેઠેલાં છે. મનાલીથી રોહતાંગના પચાસ કિલોમીટર સુધીના અંતરમાં જાણે ત્રણ ભૌગોલિક પટ્ટા આવી ગયા. મનાલીનો ગીચ જંગલવાળો વિસ્તાર, પછી આછાં થતાં વૃક્ષોવાળો વિસ્તાર અને હવે આવતો એકદમ વૃક્ષો ને વૃષ્ટિ વિનાનો બરફાની વિસ્તાર. સાચે હવે વધારે બરફવાળો વિસ્તાર શરૂ થયો. એટલું જ નહિ, જેનો આખો ઢોળાવ બરફથી લદાયેલો છે એવા પર્વતની નજીક આવી ગયા. સડક માત્ર ખુલ્લી હતી, અથવા ખુલ્લી કરાઈ હતી. અહીં બધાં વાહનો ઊભાં રાખી દેવાયાં હતાં.
છેક રોહતાંગ સુધી વાહન જતાં નથી. અરે! એ અદ્ભુત દૃશ્ય, જ્યાં બંને બાજુ – પેલી બાજુનો લાહુલસ્પિતિનો વેરાન સૌંદર્યનો વિસ્તાર અને આ તરફ મનાલીની ખીણનો હરિયાળો વિસ્તાર! સાડા તેર હજારની ઊંચાઈએથી જોવાની ઇચ્છા મનમાં જ રહી જશે? રોહતાંગ પાસની જમણી બાજુએ ઊંચો પહાડ છે – ડાબી બાજુએ ઊંચો પહાડ છે. વચ્ચે આ પાસ-માર્ગ. છેક સુધી નહિ જવાય! હા નહિ જવાય! જવામાં જોખમ છે. હજુ બરફ ઓગળ્યો નથી.
પણ કેટલીક બસો પાસ ઓળંગીને લાહુલના મુખ્ય ગામ કેલાંગ કે કીલાંગ જતી હતી. તો અમારી બસ છેક રોહતાંગ પાસ કેમ ન જાય? પાસ પર ઊભા રહી બે બાજુએ જોવું હતું, ખાસ તો પેલી બાજુએ જોવું હતું, શું છે પેલે પાર? કેવું છે પેલે પાર? વિરાટ બરફાની વિસ્તાર? રોહતાંગની પેલે પારનું એ વિરાટ વેરાન સૌંદર્ય શું આંખોને અદીઠ રહેશે? દીઠા કરતાં અદીઠની ઝંખના પ્રબળ બની અને ઉદાસ થઈ જવાયું.
બસમાંથી ઊતરી પડ્યા. અહીં અમારા જેવા અનેક પ્રવાસીઓ અને અનેક વાહનો. આટલી ઊંચાઈએ શું મેળો ભરાયો હતો! થોડાક મિત્રો સાથે હોત અને સમય હોત તો આ બરફભરી સડક પર ચાલીને પણ પાસ સુધી જાત. કદાચ સડક પરથી તો બરફ હટાવી લેવાયો છે. પાસ બહુ દૂર નથી. હવે આ બરફના સાન્નિધ્યમાં એક કલાક અમને હરવા-ફરવાની છૂટ હતી.
ઠંડો પવન વાતો હતો. તેર હજાર ફૂટની ઊંચાઈએ તો કદાચ અમે હતા. છતાં તડકો હોવાથી એટલી ઠંડી લાગતી નહોતી. ઠેર ઠેર બરફ ઓગળતો જાય છે અને ઝરણ કે ધોધ બને છે. પ્રવાસીઓ ઘણા બધા ગેલમાં આવી બરફ પર સરકે છે, કેટલાક તો સ્કીઇંગનાં સાધનો સાથે આવ્યાં છે. પહાડની બરફની પીઠ પર ઘણા લોકો ઊંચે સુધી ચડ્યા છે. નીચે ઊભેલા સાથીઓને સાદ પાડે છે. બાળકો, કિશોરો, મહિલાઓ સૌ બરફનો આનંદ લઈ રહ્યાં છે. એક જાડા સરદારજી સરકવા જતાં લપસી ગોઠમડું ખાઈ ગયા અને પછી તો ઝડપથી નીચે ગબડ્યા – બધાંને એમણે વિનોદ પૂરો પાડ્યો. કેટલાંક દંપતીઓ (કદાચ નવપરિણીત, મનાલીમાં મધુરજની માટે આવેલાં) એકબીજાને બરફના ગોળાથી પ્રહાર કરવાનો આનંદ લેતાં હતાં. કોઈ કોલા કે શરાબનો ઘૂંટ ભરતા હતા.
આ માનવમેળામાં હું વળી પાછો મને એકાકી અનુભવવા લાગ્યો. કદાચ રોહતાંગની ધારે ન જવાયું તેથી. રસ્તાની ધારે એક શિલા પર બેસી તટસ્થભાવે સૌ પ્રવાસીઓને જોવા લાગ્યો. આટલી ઊંચાઈએ એકલા હોવાના ભાવને દૂર કેમ કરવો? આસપાસ ઊભેલા પહાડો પણ પછી તો મને એકાકી લાગ્યા. દૂર એક પહાડ પરથી પડતો ધોધવો પણ એકાકી લાગ્યો. આટલા બધા કલાકોમાં હું એક શબ્દ પણ બોલ્યો નથી, એ યાદ આવ્યું. આ વિરાટના સાન્નિધ્યમાં; આત્મવિસ્મૃત થવાની ક્ષણોમાં આત્મભાન પ્રબળ થઈ આવ્યું હતું.
પછી તો હું પણ બરફ પર થોડું ઊંચે ચાલ્યો; દૂર રોહતાંગ પાસ તરફ અને ધીમે ધીમે બરફ પર સરકતો નીચે ઊતરી આવ્યો.
નિયત સમયે બસ ઊપડી મનાલી તરફ પાછી. વચ્ચે માઢી ગામ આવે છે. ત્યાં બસ ઊભી રહી, નાસ્તા-ભોજન માટે. આ વિસ્તાર પણ નયનરમ્ય છે. અહીં બધી મોસમી હોટલો થઈ ગઈ છે. ખાણીપીણીની. મેં માત્ર ચા-બિસ્કિટ લીધાં. નીચેથી બમણાં મોંઘાં. ત્યાં ત્રણ-ચાર જણે શરાબ પી ઘેલમાં નૃત્ય કર્યું. આકાશના ભૂરા વિસ્તારમાં સફેદ વાદળ તરતાં હતાં.
ફરી બસ ઊપડી અને ઊભી રહી. હવે પાછો વનવિસ્તાર. અહીં એક જબરદસ્ત ધોધ પડે છે. અંગ્રેજીમાં નામ લખ્યું હતું – રાલા ફૉલ્સ. શો વેગથી ઊતરી આવે છે! પ્રવાસીઓ ધોધની પશ્ચાદ્ભૂમાં ફોટા પાડતા હતા. મેં એ સૌ સાથે એક ફોટો પાડી લીધો એ પ્રચંડ ધોધવાનો, પાણી કે શ્વેતફીણ! નીચે વહેતો ધોધ ઊંડી ખીણમાં ઊતરી જતો હતો. એ મળતો હશે વિપાશાને.
ઘેટાં, બકરાં, ગાયો ચરાવતા ભરવાડો ક્યાંક ઝાડ નીચે બેઠેલા હતા. બસ ફરી કોઠી નામે સ્થળે ઊભી રહી, પણ બસમાંથી કોઈ ઊતર્યું નહિ એટલે બસ આગળ વધી. હવે છેક મનાલી પાસે આવી ગયા હતા. ત્યાં એક સ્થળે સૌની ઇચ્છા ન હોવા છતાં બસ ઊભી રહી. નેહરુ કુંડ. અહીં એક સ્વચ્છ પાણીનું ઝરણું નીકળે છે. ખોબે ખોબે પાણી પીધું.
સૂર્યાસ્ત પહેલાં તો મનાલીની ભીડમાં આવી ગયા.
પહેલું કામ મદ્રાસ કાફેમાં જઈ કૉફી પીવાનું. પછી ચાલતો ચાલતો બિયાસના કાંઠે આવી બેઠો. એના ઉગમસ્થાને વ્યાસકુંડ આગળ જેને ક્ષીણ તન્વી રૂપે જોઈ હતી, એ અત્યારે વિપુલ સલિલા બની કેટલું જોર કરે છે! આજે વળી પાણી વધ્યું લાગે છે. દૂર પહાડોમાં વધારે બરફ ઓગળ્યો હશે. આથમતા સૂરજનાં કિરણોમાં બરફનાં એ શિખરો ચમકતાં હતાં.
૨૯ જૂન, ૧૯૮૭
મનાલી નામ મમળાવવું ગમે એવો એનો વર્ણોચ્ચાર છે. એટલું જ નહીં, એ નામ સાથે મૃદુતાનો ભાવ જગવતી કલ્પના પણ આવે. અમેરિકા વસતાં અમારા એક સ્નેહી ડૉક્ટર દર્શનાબહેને પોતાની દીકરીનું નામ મનાલી પાડ્યું છે. એ જ્યારે જ્યારે સાંભળું કે બોલું એટલે મને હિમાલયની આ રમણીય ખીણનું સ્મરણ થાય. એ વખતે આ ખીણ જોઈ નહોતી, પણ એક સુંદર શબ્દાભા એ નામની આજુબાજુ ચેતનામાં વિસ્તરતી અનુભવતો. પછી તો એ નામની અન્ય કન્યાઓ-કિશોરીઓ જોવા મળી. મનાલી સંસ્કૃત પદ હોવાનો આભાસ આપે છે, પણ સંસ્કૃત શબ્દ તો એ નથી. હિંદી લેખક અજ્ઞેયજીએ તો લખ્યું છે કે મનાલી નામ મુનાલ નામના પક્ષી પરથી પડ્યું છે. આ વિસ્તારમાં એ પક્ષીઓ ઘણાં જોવા મળે છે. ભલે, એ રીતે પણ આ ખીણને એ નામાભિધાન બરાબર શોભે છે.
પણ આ કુલ્લૂનું શું? કેટલાક બોલે છે કુલૂ અને કેટલાક બોલે છે કુલ્લૂ. અહીં બધે કુલ્લૂ લખાય છે. કુલ્લૂ વિસ્તાર તો ઔર રમણીય છે, પણ આ નામ? ભરત ભરેલી ભાલપટ્ટીવાળી ગોળ ટોપી પહેરેલા કુલ્લૂવાસીને જોઈને કદાચ લાગે કે બરાબર છે, પણ સુંદર ઢોળાવોવાળા હરિયાળા પર્વતીય વિસ્તારને નામ બંધ બેસતું નથી. ડૉ. કશ્યપ મંકોડીએ પોતાના ‘ઍન્ટિક્સ ઑફ હિમાચલ’ નામના પુસ્તકમાં આ નામનું લોકપ્રચલિત સંસ્કૃત રૂપ આપ્યું છે – કુલાંતપીઠ. કુલ્લૂ શબ્દ આ કુલાંતપીઠ પરથી ઊતરી આવ્યો છે. કુલાંત એટલે છેડા સુધીનું, સીમાડા સુધીનું. એ પછી કોઈ રહેવાલાયક ભૂમિ વિસ્તાર નથી એવો સુવિધાભર્યો અર્થ પણ કરાય છે; પરંતુ કુલ્લૂનો કુલાંત સાથે સંબંધ નથી.
તો? કુલ્લૂનો સંબંધ છે કુલ્લૂત સાથે. આ જાતિના લોકો વિપાશાના ઉપરવાસ ભણી મહાભારતકાળમાં રહેતા હતા. પરવર્તી સાહિત્યમાં કુલ્લૂત નામ મળે છે, જે આ વિસ્તારમાં વસતા લોકો સાથે જોડાયેલું છે. જેમ હિમાચલના આજના કિન્નૌર વિસ્તારનું નામ પુરાણપ્રસિદ્ધ કિન્નર જાતિ સાથે સંકળાયેલું છે. કાલિદાસના ‘કુમારસંભવ’માં આરંભના હિમાલયવર્ણનમાં દેવજાતિના ગાયક કિન્નરો, કિન્નરીઓનું વર્ણન છે, તે આ કિન્નૌરમાં વસતી જાતિ હશે એવા અનુમાન પર વિદ્વાનો જાય છે. હિમાચલનું એની ચિત્રશૈલી માટે પ્રસિદ્ધ કાંગડા પ્રાચીનકાળમાં ત્રિગર્ત કહેવાતું. મહાભારતમાં એ સ્થળ-નામનો પણ ઉલ્લેખ છે.
કુલ્લૂ સાચે જ બન્યું હશે કુલ્લૂત પરથી, પણ એની શોભાસુષમા આ નામ બોલતાં કલ્પનામાં આવતી નથી. મનાલીથી શરૂ થતી વિપાશા બંને કાંઠે આવેલી કુલ્લૂખીણ હિમાલયની એક સૌંદર્યસ્થલી જ ગણાય. સમૃદ્ધ પણ એવી જ.
કુલ્લૂ વટાવીને જ મનાલી આવ્યો હતો, પણ ઝાક વળવામાં હતી. પણ આજે જ્યારે કુલ્લૂ જઈ આવ્યો, ત્યારે આ ખીણ વિસ્તારના પર્વત ઢોળાવો, એ પરથી વહેતા જળપ્રવાહો, પહાડની ઊંચાઈ વધારતાં દેવદારુ તથા પ્લમ, ખુબાની ચેરી, સફરજનની વાડીઓ અને ઘૂઘવતી શિલાઓ વચ્ચે ઊછળતી જતી વિપાશાનાં વિવિધ રૂપ જોતાં એની શોભા મનમાં વસી ગઈ છે.
આજે દિવસ જ સારો ઊગ્યો હતો. સવારે ઊઠ્યો ત્યારે ગઈ કાલનો એકલતાનો ભાવ સરી ગયો હતો. ઊઠી ઝટપટ તૈયાર થઈ નીકળી પડ્યો વિપાશા ભણી. સવારના સાડા સાત થયા હતા. ખૂણા પર આવેલી એક નાની હોટલમાં ગરમ ગરમ ચા પીવાનો આનંદ લઈ લીધો હતો. પુલ ઓળંગી સામે કાંઠે જઈ નદીના ઉપરવાસ ભણી ચાલવા માંડ્યું. ખીણ વિસ્તારમાં વસતા તળ લોકો સામે મળતા હતા. હું વિપાશાને જોતો ઊભો રહ્યો, ત્યાં એક પંખી આ કિનારેથી ઊડી વિપાશાને સામે કાંઠે એક શિલા પર જઈ બેઠું અને ટહુકો કરી પાછું આ બાજુ આવી ગયું. એની સાથે હું પણ સામે કાંઠે જઈ જાણે પાછો આવી ગયો. બિયાસની ગર્જનાઓ વચ્ચે પણ એનો સ્વર અલગ તરી રહ્યો.
રસ્તે ચાલતાં જોઉં છું… બે લીલાં પર્વતશૃંગો વચ્ચે બરફથી આચ્છાદિત શ્વેત શિખર શોભે છે. આછાં વાદળ છે, પર્વતને અડીને એની છાયાની ગતિ પરથી વાદળની ગતિ કળી શકાય છે. ટટ્ટુ સાથે સ્થાનિક લોક જાય છે. કેટલાક કામે જાય છે, બરડા પર આડી લાકડી રાખી બે હાથ એવી રીતે ભરાવ્યા છે કે જાણે એમની રિલૅક્સ ચાલમાં ચાલે છે. ઘેટાં-બકરાં જઈ રહ્યાં છે. સડક સાફ કરવા કામદારો આવ્યા છે. હાથમાં ઝાડુ નથી, પણ પહાડી પર ઊગેલાં ઝાડવાંમાંથી કે ઝાડની પાંદડાં સાથેની ડાળીમાંથી ટુકડા લીધા છે. અનેક મોટરગાડીઓમાં સુંદર ચહેરાવાળા સુખી પ્રવાસીઓ પણ જઈ રહ્યા છે. વિપાશા એ જ ગર્જન સાથે વહે છે. યુગોથી વહેતી રહી છે કદાચ.
પહાડ બાજુથી ઝરણાં દોડી આવે છે અને વિપાશાને મળે છે. આવા એક ઝરણાને કાંઠે બેસી હિમશીતલ પાણીમાં હાથ બોળ્યા. અહીં સામે પારના નદી-ભાઠા પછી તો વૃક્ષોનું જાણે ગાઢ વન ન હોય! હવે ઘર પણ આવવા લાગ્યાં. અહીં વિપાશાને આવીને મળે છે દક્ષિણમાંથી ભરપૂર પાણી લઈને દોડ્યું આવતું મનાસલુ નાળું. એ મનાસલુને પાર કરીને જૂના અસલ મનાલી ગામમાં જવાય, જે પહાડના ઢોળાવ પર વસેલું છે. આ મનાલી તો પ્રવાસીઓ માટેની હોટલોદુકાનો વગેરેની વસ્તી.
ત્રણ કિલોમીટર જેટલું ચાલ્યા પછી ખુલ્લો વિસ્તાર આવ્યો. ઊંચે શ્વેત શિખરોવાળા પર્વતો અને અહીં નીચે શ્વેતફેના વિપાશા. એક જ તત્ત્વ છે જળ. ઉપર જે બરફ રૂપે સ્થિર છે એ જ આ પ્રચંડ ધારા રૂપે વહે છે. મહિલાઓ માથે ભાર ઊંચકીને જાય છે. બરડાની ખોઈમાં છોકરું ડોકિયું કાઢીને બેઠું છે.
ચાલતાં ચાલતાં વશિષ્ઠ ગામ આવી ગયું. ગામનું નામ લખેલું પાટિયું હતું, અંગ્રેજીમાં લખ્યું હતું, ગામમાં ૪૦૦ આત્મા કહો કે જીવો (અંગ્રેજી-સોલ્સ) રહે છે. વશિષ્ઠ ઋષિ સાથે આ સ્થળને જોડવામાં આવે છે. જેમ વિપાશા બિયાસ-વ્યાસના ઉદ્ગમસ્થળ વ્યાસકુંડને મહાભારતકાર વ્યાસ સાથે. અહીં વશિષ્ઠનું મંદિર છે. કહે છે કે તપ કરતાં કરતાં વશિષ્ઠ અહીં પથ્થર બની ગયા હતા. એમની એ પથ્થર-મૂર્તિની પૂજા થાય છે. આ સ્થળે ગરમ પાણીના કુંડ છે. પ્રવાસન વિભાગે પ્રવાસીઓને નાહવાની પાકી વ્યવસ્થા કરી છે. કેટલાંક યુગલોને નાહવા જતાં જોયાં.
અહીં મને દેવરાજ ગુપ્ત કરીને એક ડોસા મળી ગયા. મારા અને વિપાશા વચ્ચેના એકાંત પર હુમલો કરીને જ જંપ્યા. સંસ્કૃત શ્લોકો બોલતા જાય, ખાસ તો હિતોપદેશના. મને પૂછે – સંસ્કૃત આવડે છે? પછી વિસ્તારતાથી સમજાવવા લાગ્યા. પાછા ફરતાં આખે માર્ગે મારી સાથે ચાલવા તૈયાર હતા, પણ હું સરનામું લઈ છૂટો પડી ગયો. જમ્મુના બસોલી ગામના હતા. મને બસોલી ચિત્રશૈલી યાદ આવી. એ જ ગામના.
હું પાછો વળી ગયો. તડકો થઈ ગયો હતો. આવીને પ્રવાસન વિભાગમાં ગયો. મને ટૂરિસ્ટ લૉજમાં રૂમ આપી, બીજા પ્રવાસીઓ સાથે. મને વાંધો નહોતો. મારે તો વિપાશાના સાન્નિધ્યમાં રહેવું હતું કમસે કમ એક રાત.
પેલી ડોર્મિટરીમાંથી સામાન લઈ આવી ગયો. ટૂરિસ્ટ લૉજ વિપાશાને કાંઠે, પુલની પાસે, રૂમમાં બે વિદેશી યાત્રીઓ હતા. એમનું અભિવાદન કરી, નદી તરફની બારી પાસેના ખાલી પલંગને બોટી લીધો. બારીમાંથી જોઉં છું, વિપાશા વહી જાય છે. શો આનંદ!
થોડી વાર બેસી હું નીકળી પડ્યો. આજે કુલ્લૂ જવાનું રાખ્યું હતું. મનાલીથી લગભગ દોઢ-બે કલાક થાય. અત્યાર સુધી આ બાજુની યાત્રા મેં પ્રવાસીઓ માટેની ખાસ બસોમાં કરી હતી, પણ જેવો આ સ્થાનિક બસમાં જઈ બેઠો કે આખી ખીણનો મને સ્પર્શ થયો. અહીંના જ બધા લોકો જિલ્લામથકે જતા. કુલ્લૂ જિલ્લામથક છે.
બસમાં ભરત કરેલી ઘણી કુલ્લૂ ટોપીઓ હતી. એટલામાં એક કન્યાએ પ્રવેશ કર્યો. ગૌરવર્ણ. ચહેરાની કેવી તો સુંદર કાંતિ! ચહેરાને જોઈ રહેવાનું જ મન થાય. ઘણી ટોપીઓ એ દિશામાં સ્થિર થઈ, માંડ પાછી ફરી હશે. કુલ્લૂ સૌંદર્યનો પરચો મળી ગયો. આ કિશોરીની કાનની બૂટ વીંધેલી નથી એ ધ્યાન જતાં કાલિદાસના ‘અનાવિંદ્ધ રત્નમ્’વાળો શ્લોક મનમાં ઝબકી ગયો. બસ તો ક્યારનીય ચાલી પડી હતી.
મનાલી પછી વિપાશાને જમણે કાંઠે જતી બસ વચ્ચે આવતાં નાનાં ગામ જ નહીં, એક-બે ઘરનાં ઝૂમખાં પાસે પણ ઊભી રહેતી. રસ્તાની ધારે જે ઘર ત્યાં ઓસરીમાં સાળ પર વસ્ત્ર વણતી કે હાથસંચાથી કપડાં સીવતી સ્ત્રીઓ જોવા મળે. સફરજનની તો વાડીઓ જ વાડીઓ. આ વિસ્તારમાં થતાં સફરજન ખાનારને એના ખટમીઠા સ્વાદ અને સુગંધથી જે અપૂર્વ રસનો અનુભવ કરાવે છે, તેને અજ્ઞેય જેવા કવિ અનિર્વચનીય કાવ્યરસ સાથે સરખાવે છે. પણ સફરજન પાકવાની આ ઋતુ નથી.
વિપાશા ક્યાંક સાંકડી, ક્યાંક બે-ત્રણ વેણીમાં વહેતી વળી પછી એક પ્રવાહ બની જતી હોય. સામેના પહાડોના ઢોળાવો પર પગથિયાં ખેતર દેખાય. ઘેટાં-બકરાંના ધણ રસ્તો ભરી દેતાં હોય. આ બધું જોઈએ અને જેવી બસમાં નજર આવે કે પેલી કન્યાના નિરાગસ ચહેરા પર જઈ ઠરે. ત્યાં કટરાઈ ગામ આવતાં એ કિશોરી ઊતરી ગઈ. બસ જાણે ખાલી થઈ ગઈ. એ કિશોરીનું નામ હું મનાલી રાખું તો? એ નામથી એને સ્મરણમાળામાં ગૂંથી રાખી શકીશ.
ખીણ હવે પહોળી થતી જતી હતી. વાડીઓ વધતી જતી હતી. પ્લમના ઢગલે ઢગલા પ્લમનાં ઝાડ નીચે પડ્યા હોય. લાકડાનાં ખોખાંમાં ગણતરીબંધ ભરાતાં હોય. ખૂબાની અને લાલ લાલ ચેરીની પણ આ ઋતુ છે. ચેરી અને ખૂબાની તો મોંમાં મૂકતાં મોટું રસબસ થઈ જાય. અહીંનાં મોટા ભાગનાં ઘર લાકડામાંથી બનાવેલાં. અહીં જંગલો ઘણાં, પણ એ પણ કપાતાં કપાતાં આછાં થતાં ગયાં છે. જંગલ ખાતાએ ઠેર ઠેર આવાં સૂત્રો લખેલાં છે.
નંગી ધરતી કરે પુકાર
વૃક્ષ લગાકર કરો શૃંગાર
કુલ્લૂ નગરનો વિસ્તાર શરૂ થયો. નદીની જમણી બાજુએ પહાડના ઢોળાવ પર ઘર આવવા લાગ્યાં. ડાબી બાજુ બરાબર વિપાશાને કાંઠે એક મંદિર. કોઈ દેવીનું મંદિર હતું. અહીં વિપાશા સમતલ પર વહેતી હતી. મંદિરને અડીને જ ઘાટ. નાહવાનું મન થઈ ગયું, પણ હું તો બસમાં હતો. નદીકિનારા અને ઢોળાવ વચ્ચે પહોળાઈ ઓછી. બસ ગામને વીંધી બહાર નીકળી. છેલ્લા સ્ટૉપે હું ઊતરી ગયો. અહીંથી વિપાશા દૂર વહે છે. પણ અહીં ઊભા રહેતાં હિમશિખર નીચેના આસપાસના હરિયાળા પહાડો જોયા કરીએ, એવી સરસ ગોઠવણી છે. એમની સડકની બાજુમાં એક ઝાડ નીચે પીવાના પાણીનો એક નળ હતો. તરસ લાગી હતી. ધરાઈને ઠંડું પાણી પીધું. એક કુલ્ફીવાળો પાણી પીતાં પીતાં કહે – ‘કુલ્લૂમાં આટલી ગરમી કદી પડી નથી.’ પણ આ તાપ વાદળિયો તાપ હતો. કદાચ વરસાદ લાવે. આવે વરસાદને આવવું હોય તો! વરસાદમાં આ પહાડોની શોભા અનેરી બની જતી હશે.
કુલ્લૂને ‘દેવોની ઘાટી’ – વૅલી ઑફ ગૉડ્સ – કહેવામાં આવે છે. પણ આ કુલ્લૂ નામ? કુલૂ કહીએ તો થોડી કોમળતા ન આવે?
પહેલાં મને હતું કે અનુપમ પ્રાકૃતિક શોભાને કારણે કુલ્લૂને ‘દેવોની ઘાટી’ કહેતા હશે. એમ કહો તોપણ કંઈ વાંધો ન આવે, પણ વાત જરા જુદી છે. હિમાચલના મનાલી કુલ્લૂનો આ વિસ્તાર આર્ય સંસ્કૃતિના ઉગમકાળની ભૂમિ છે. આજે પણ હિંદુ ધર્મની સદીઓ જૂની કેટલીક પરંપરા અહીં સચવાયેલી છે. આ ખીણોનાં ગામોમાં છેક મંડી સુધી અનેક જૂનાં મંદિરો છે. પથ્થરોની, કાંસા-પિત્તળ જેવી ધાતુની અનેક દેવમૂર્તિઓ અહીં ઘડાતી રહી છે. દેવદેવીઓનાં મહોરાં બનાવવાની તો લાંબી પરંપરા છે.
પણ કુલ્લૂના મુખ્ય દેવતા છે રઘુનાથ. કુલ્લૂમાં જે ઝાડ હેઠળ મૂકેલા નળમાંથી પાણી પીને હું ઊભો હતો, તેની સામે એક મેદાન હતું. મેદાનની બાજુમાં પ્રવાસન વિભાગનું કાર્યાલય અને કાફેટેરિયા હતાં. બાજુમાં જ યાત્રિક નિવાસ. મારે તો સાંજે વિપાશાના કાંઠે મનાલી પાછા પહોંચી જવું હતું એટલે અહીંના પ્રવાસન અધિકારી શ્રી શર્માએ જ્યારે યાત્રિક નિવાસમાં એક ઓરડો આપવાની વાત કરી, ત્યારે મેં એમનો આભાર માન્યો અને પૂછ્યું, કુલ્લૂમાં જોવા જેવું શું?
એમણે કહ્યું, આ તમે જે ચારે તરફ જુઓ છો તે સુંદર કુલ્લૂ, પણ અહીં મુખ્યત્વે તો નાનાંમોટાં મંદિરો છે. એ બધાં છૂટાંછવાયાં છે. કેટલાંક તો પહાડોના ઢોળાવો પર છે. પણ અહીં આવનાર સૌ રઘુનાથના મંદિરે જાય છે. એ અહીંના મુખ્ય દેવતા છે.
મને કુલ્લૂના દશેરાના તહેવારનું સ્મરણ થયું. એ વિષે ઘણું વાંચેલું. તસવીરો પણ જોયેલી. પ્રવાસન ઑફિસ પાસેનું જે ખુલ્લું મેદાન છે, તે અહીં દશેરાનો તહેવાર જ્યાં ઊજવાય છે, એ મેદાન છે. રામના રાવણ પરના વિજયની સ્મૃતિમાં આ તહેવાર ઊજવાય છે; એટલે એ દિવસે કુલ્લૂના રઘુનાથને સલામી ભરવા હિમાચલના આ વિસ્તારમાં જેટલાં દેવી-દેવતાઓ છે, તે તમામ રઘુનાથના દરબારમાં હાજર થાય છે. દૂર દૂરથી ભક્તો રંગબેરંગી વસ્ત્રો પહેરી, વાદ્યો વગાડતા, નાચતા, કુલ્લૂના આ મેદાનમાં આવે છે. તેમની સાથે રથમાં જે તે ગામના દેવી કે દેવતાની મૂર્તિ કે મહોરાં પધરાવી લઈ આવે છે. આ રથ એટલે પૈડાંવાળા રથ નહિ (આ પહાડી વિસ્તારમાં એ શક્ય પણ નહિ) પણ પાલખી. પાલખીને લાંબા રંગબેરંગી વસ્ત્રપટોથી સજાવેલી હોય અને તેમાં દેવતાઓ પ્રતિષ્ઠિત હોય. દૂર દૂરનાં ગામોમાંથી એ પાલખી ખભે ઊંચકી ગામલોકો આવે – જાણે દેવતાઓનું સરઘસ નીકળ્યું. ત્રણ-ચાર દિવસ આ મેળો જામેલો રહે. એ દિવસો એટલે કુલ્લૂના આનંદ-ઉમંગના તો ખરા જ, વેપારી લેવડ-દેવડના પણ ખરા. બાર મહિનામાં જેટલો વકરો ન થાય એટલો વકરો વેપારીઓને આ ચાર દિવસોમાં થાય. દૂર દૂરથી આવતા લોકોને પણ પોતાને જોઈતી ચીજવસ્તુઓ મેળામાંથી મળી જાય. કુલ્લૂમાં દશેરાની રોનક ઔર હોય છે. રઘુનાથના દરબારમાં હાજરી ભરી સૌ દેવો પાછા પોતપોતાને થાનકે પહોંચી જાય. કુલ્લૂમાં આટલા બધા દેવો એકસાથે આવી પહોંચતા હોય એટલે સ્વાભાવિક છે કે એને દેવોની ઘાટી એવું વિશેષણ મળે.
દશેરા ઉત્સવનું એ મેદાન અત્યારે તો ખાલી છે, પણ એ મેળાની હું કલ્પના કરી શક્યો. મને થયું કે કંઈ નહીં તો રઘુનાથજીનાં દર્શન તો કરવાં જોઈએ. એ તો કહેવાય અહીંના દેવાધિદેવ. કુલ્લૂ વિષે પહેલો લેખ મેં હિન્દી સાહિત્યકાર અજ્ઞેયજીનો વાંચેલો, એટલે અહીં હરતાં-ફરતાં આજે મને એમનું સ્મરણ સતત થયા કર્યું. પોતાના લેખનકાર્ય માટે એ કેટલોક વખત મનાલીના એકાંતવાસમાં અને કેટલોક વખત કુલ્લૂના એકાંતવાસમાં રહેલા. ક્યાં રહ્યા હશે?
ભૂખ લાગી હતી. એક ફળોની લારીમાંથી ખરીદી રસબસતાં ખુબાની ખાધાં, પ્લમ ખાધાં અને ચેરી પણ. બહુ સસ્તાં. પ્લમ એક રૂપિયે કિલો. કેવાં તાજબતાજ! રસ્તે ખાતો જાઉં અને ચાલતો જાઉં. અહીં આપણને કોણ ઓળખે છે? અહીંથી યાદગીરી માટે કુલ્લૂની એકાદ શાલ અને મફલર જેવું લેવાનું વિચાર્યું. એ પછી રઘુનાથજીના મંદિર તરફ.
કોઈએ મને મંદિર તરફ જવાની દિશા બતાવી. એ બિયાસ નદી તરફ જતી હતી. બન્ને દુકાનવાળો એક ઢાળ ઊતરતો ઊતરતો નદી તરફ ચાલ્યો. એક મંદિર તો દેખાતું હતું. થયું એ જ રઘુનાથનું મંદિર હશે. એ તરફથી બે મહિલાઓને આવતી પણ જોઈ. એ પહેલાં એક પુલ ઓળંગ્યો, જેની નીચેથી વહેતું ઝરણું – નદી જ કહો – બિયાસને જઈ મળે છે. પછી એક વૃક્ષની છાયામાં ઊભો રહી ચારે તરફ વિસ્તરેલી કુલ્લૂ ઘાટીને જોઈ રહ્યો – પહાડોના લીલા લીલા ઢોળાવ, લીલા રંગના અનેક શેડ્ઝ.
ફરી ચાલવા લાગ્યો. આકાશમાં વાદળ દોડાદોડ કરતાં હતાં. ઠંડો પવન શરૂ થયો હતો. પહાડી વરસાદ તોફાની પણ હોય. વહેલા પાછા વળવું જોઈએ. છેક મંદિરે પહોંચ્યો. ત્યાં તો જોયું રઘુનાથના મંદિરને બદલે કાલનાથનું મંદિર. અંદર પ્રવેશ્યો તો મંદિરની બાજુના ભાગમાં એક ચિતા જલે. આ અણધાર્યા દૃશ્યથી હું ઘડીક તો હબક ખાઈ ગયો. તો આ સ્મશાનઘાટ હતો. સ્મશાનવાસી શિવનું – કાલનાથનું આ મંદિર હતું. હું ક્યાં આવી ગયો હતો! ચિતાને નમન કરી, કાલનાથને નમન કર્યા વિના વિપાશાના ઘાટે જઈ પાછો વળી ગયો. ક્ષણેક તો કશાક અમંગળના ખ્યાલથી ધ્રૂજી ઊઠ્યો, પણ વિપાશાનાં દર્શનથી એ ભાવ વહી ગયો.
બહાર આવી ફરી પેલા વૃક્ષ નીચે ઊભો. રઘુનાથજીના મંદિરનો માર્ગ, પછી તો ત્યાં ઊભેલા એક ત્રિશૂળધારી બાવાને જ પૂછ્યું. એણે મને સાંકડી શેરીની જેમ ઉપર જતાં પગથિયાં બતાવ્યાં. એણે એમ પણ કહ્યું કે મંદિર તો બંધ હોગા, ચાર બજે ખૂલેગા. છતાં પગથિયાં ચઢતાં ચઢતાં રહેણાક વિસ્તારમાં આવી ગયો. ઘરની ઓસરીમાં સ્ત્રીઓ સાળ પર બેઠેલી હોય કે હાથસંચા વડે સીવણકામ કરતી હોય.
રઘુનાથના મંદિર વિષે અહીં ફરી પૂછ્યું. કોઈએ મને મંદિરનાં બંધ દ્વાર બતાવ્યાં. એ મંદિર હતું. એ જ રઘુનાથ-રામ આખી આ ઘાટીના અધિપતિ દેવતા હતા. મંદિર જોઈ મારો ઉત્સાહ ઓસરી ગયો. હવે ચાર વાગ્યા સુધી રોકાવાનો વિચાર રહ્યો નહિ. બંધ દ્વાર ભણી હાથ જોડી હું ચાલી નીકળ્યો.
ઢોળાવવાળા સાંકડા માર્ગની બન્ને બાજુએ ઘર, દુકાનો આવે. મને થયું કે હું અંદર ને અંદર તો નથી ભમી રહ્યો ને! છેવટે મુખ્ય માર્ગ પર આવી ગયો. ખરેખર તાપ લાગતો હતો આજે. પછી તો બસ-સ્ટેન્ડ ભણી.
બસમાં રસ્તામાં આવતાં એક વાત ચર્ચાતી હતી. એક સ્થળે ધસમસતી બિયાસમાં એક કિશોર અને બે પુરુષો તણાઈ ગયા હતા. પ્રવાસે આવ્યા હશે. નદી-તટના પથ્થર પર કિશોરને ઊભો રાખી ફોટો પાડવા ગયા. છોકરો લપસી પડ્યો ને ખેંચાયો. ગાંડીતૂર બિયાસનાં ધસમસતાં પાણી જેણે જોયાં છે, એ જાણે છે કે એક વાર ખેંચાયા એટલે ખલાસ. છોકરાના બાપે પાણીમાં ઝંપલાવ્યું. એની પાછળ એમના મિત્રે ઝંપલાવ્યું. પાછળ બે યુવાન સ્ત્રીઓ કલ્પાંત કરતી રહી ગઈ છે. એ સ્થળ આવતાં બસ ઊભી રહી ગઈ. બહુ લોકો એકઠાં થયાં હતાં. ફાયરબ્રિગેડ પણ આવી હતી, પણ લાશો હાથ લાગી નથી. ઉદાસ થઈ જવાયું. બસમાં કે સ્થાનિક માણસ દુઃખ સાથે ટીકા કરતો હતો – આ ટૂરિસ્ટ લોકો! જેવી નદી જુએ કે અંદર સીધા જ પગ બોળે. પછી નદી સાંખે? એમ નહિ કે માથે પાણી ચઢાવી પછી આગળ વધીએ! યહ તો બિયાસ હૈ.
*
સાંજના લગભગ સાત વાગ્યા છે. મનાલી ટૂરિસ્ટ લૉજના પછવાડેના એટલે કે નદી તરફના પ્રાંગણને પાર કરી પગથિયાં ઊતરી વેગથી વહેતી વિપાશાનાં જળની ફુહારો થોડા ભીંજવી રહે એમ એક મોટી શિલા પર બેઠો છું. પેલા ત્રણ પ્રવાસીઓ તણાઈ ગયાની ઘટના મનમાં તાજી ન હોત તો કદાચ પથ્થર પથ્થર પર પગ મૂકતો થોડા પ્રવાહ વચ્ચે બહાર ડોકું કાઢી રહેલી એક શિલા પર જઈ બેસત. હું નદીના વેગવંત પ્રવાહને શિલાઓ સાથે અફળાતો ગર્જન કરતો એક બિન્દુએ નજર ઠેરવી જોઈ રહ્યો. અદ્ભુત લીલા છે પાણીની. પેલાં શિખરો ઓગળી ઓગળીને ઉપરથી નવું પાણી આવતું જ જાય છે, અને છતાં પથ્થર સાથે અફળાઈ ઊછળી ફરી પ્રવાહમાં પડી આગળ વધવા જળનો લય એકધારો છે. પ્રચંડ વેગ, પ્રચંડ રવ. માત્ર જળ જળ જળ. સ્વયંસંચાલિત જળલીલા જોયા કરો. હિપ્નોટિક એનો પ્રભાવ છે.
નજર પુલ ભણી કરું છું. લોકો, વાહનો, ઘેટાં-બકરાંની યાતાયાત છે. પેલી બાજુ હોટલ બિયાસના પાછલા પ્રાંગણમાં નદી પ્રવાહની સંનિકટ યુવક-યુવતીઓ બેઠાં છે. ઠંડક વધતી જાય છે. દૂર બરફ-આચ્છાદિત શિખરો ઝાંખાં થતાં જાય છે.
રાત્રિના દશ થયા છે. બિયાસને કાંઠે છું. રૂમની બારી ખોલી નાખી છે. બિયાસની ઘોર ગર્જના એકધારી સંભળાય છે. સામે પુલ પર અજવાળું હોવાથી તે દેખાય છે. ખાસ અવરજવર નથી. આ રૂમમાં જે બીજા ત્રણ સહયાત્રીઓ છે, તે વિદેશી છે. બધા આ પ્રદેશમાં ટ્રૅકિંગ માટે આવ્યા છે. એક ઇઝરાયલના છે. એને પેટમાં દુઃખે છે. પેટ દબાવી સૂતા છે. કાલે એ કાંગરાવેલી ભણી જવાના છે. બીજા બે રોહતાંગ પાર કરી લાહુલ-સ્પિતિના કેલાંગ ગામે જવાના છે. ગઈ કાલે પેલી હોટલની ડૉર્મિટરીમાં થોડા શરાબીઓ પણ હતા. મોડે સુધી શરાબ પીતા વાતો કરતા રહ્યા હતા. આ લોકો જાણે બોલતા નથી. સામાન પેક કરે છે – આગળ જવા માટે. કેવા કેવા લોકો મળે છે. સાંજ વખતે મનાલીના સાંકડા માર્ગમાં તમને રૂપાળા યુવક-યુવતીઓના મેળા જોવા મળે. આજે ત્રીજનો બંકિમ ચંદ્ર એક પર્વતની ધારે દેખાયો હતો. ત્રીજનો ચંદ્ર જોઈ મને હંમેશાં કવિ સુન્દરમ્ની એ નામની એક કવિતા, જે ગ્રંથસ્થ થઈ નથી, એકદમ યાદ આવી જાય છે. આજેય યાદ આવી અને હું મનોમન બોલ્યો : ગુજરાતી ઉચ્ચારવું જરા જાણે અડવું તો લાગ્યું :
ઝાઝી મને ના ગમતીય પૂર્ણિમા
ના કે ગમે બીજતણી કલાયે
મને ગમે ચંદ્ર માત્ર ત્રીજનો…
બહુ લાંબી કવિતા છે. કલ્પના એવી છે કે પૂનમ હોય તો આકાશના બધા તારા ઝાંખા પડી જાય; એટલે મને એ ઝાઝી ગમતી નથી; જ્યારે બીજનો ચંદ્ર જોઈ કલ્પના કરવા જઈએ કે પ્રિયાની સાથે એની શી ઉપમા આપીએ, એટલામાં તો આથમી જાય; એટલે એ પણ ગમતી નથી. ત્રીજનો ચંદ્ર બરાબર, એને જોતાં નિરાંતે કલ્પના સૂઝે છે કે મારી માશૂકના સુનેત્રની વાંકી છટા મને જોઈ રહી છે! મેં ચંદ્ર ભણી જોયું. કોની આંખોને યાદ કરું છું? પણ આપણાથી કવિઓને રવાડે ન ચઢાય. બસ ચંદ્ર છે. સુંદર છે. આ પહાડની ધારે સુંદરતર છે. એ પછી તિબેટી બજારમાં ફર્યો હતો. મારે કંઈક યાદગીરી લેવી હતી પણ કંઈ નક્કી કરી શકાયું નહિ.
વિપાશા-બિયાસ વહેતી રહેશે અને હવે હું ઊંઘી જઈશ. વિપાશાની સંનિકટે ત્રણ સવાર, ત્રણ સાંજ અને એક આ રાત. આજે તો લગભગ આખો દિવસ પણ એની સાથે ગાળ્યો છે – કુલ્લૂના માર્ગે જતાં-આવતાં તે સાથે જ હતી. પણ આ રાત્રિનો રોમાંચ જુદો છે. ભલે હું હવે ઊંઘી જઈશ, પણ એ રમ્ય કે રુદ્ર ઘોષા જાણે કે ઓશીકે જ જાગતી વહેતી રહેશે આખી રાત, એ વિચાર પણ મુજ એકાકી યાત્રી માટે પરમ આશ્વાસક છે.
૩૦ જૂન, ૧૯૮૭
બારી ખોલી નાખી વિપાશાનો નાદ સાંભળું છું. સવારના સાડા પાંચ થયા છે. બારી પાસે ડાળી લંબાવી રહેલા સફરજનના ઝાડ પર બેઠેલું પંખી સવારનું સ્વાગત કરે છે, એનો એ કોમળ અવાજ પેલા નાદમાં પણ જુદો તરે છે. અજવાસ ક્યારનોય થઈ ગયો છે. દૂર બરનાં પર્વતશિખરો ધ્યાનસ્થ છે.
પુલ ઉપર અવરજવર શરૂ થઈ ગઈ છે. ઘેટાં, બકરાં, ટટ્ટુ જાય છે. ભરવાડની વ્હિસલ સાંભળું છું. રાત્રે એક વાર બારી ઉઘાડી શબ્દાયમાન વિપાશાને જનાન્તિકે અશબ્દ વાત કરી હતી. તે પછી ચારેક વાગ્યે પૂર્વના પહાડ પર શુક્રનો તારો ચમકતો જોયો હતો – આખા લાંબા પહાડ પર એકલો..
મારી ઓરડીમાં બે પ્રવાસીઓ લાહુલના કેલોગ ગામે જવા પોતાના રુકસેક ભરી રહ્યા છે. વજનદાર રુકસેક પીઠે ભરાવી થોડી વારમાં તો એઓ નીકળ્યા. મેં કહ્યું: ‘ગુડ બાય ઍન્ડ ગુડ લક.’ તેઓએ શુભેચ્છાઓ સ્વીકારી અને બારણા બહાર નીકળી ગયા. હું બંધ થતા બારણાને જોઈ રહ્યો પણ મન તો તેમની સાથે બહાર નીકળી ગયું. મનને ક્યાં દિક્-કાળનાં બંધનો નડે છે! રોહતાંગ પાસ પાર કરીને તેઓ સાથે જશે.
ફરકડી ફરતી હોય એવો એક પંખીનો અવાજ ઘૂમરાયા કરે છે. પેલા ઇઝરાયલના પ્રવાસી પણ હવે તૈયાર થયા. કાલે તો પેટમાં દુઃખવાથી પેટ દબાવી સૂઈ ગયા હતા. આજે ઊપડી જશે કાંગડા ભણી.
એ પણ ગયા.
રૂમમાં હવે હું એકલો રહી ગયો. પછી તો હું પણ તૈયાર થઈ રૂમ બંધ કરી નીકળી પડું છું. આજે મારે સમગ્ર કુલ્લૂ-મનાલી ખીણની અધિષ્ઠાત્રી દેવી હિડિમ્બાના મંદિરે જવું હતું.
હા, ભીમસેનવાળી જ હિડિમ્બા. એ અહીં દેવી તરીકે પૂજાય છે. કુલ્લૂ રાજાઓની એ કુળદેવી છે. દશેરાના ઉત્સવ વખતે જ્યારે સૌ દેવદેવીઓ રઘુનાથના દરબારમાં જાય છે, ત્યારે સૌથી પહેલો રથ હિડિમ્બા દેવીનો હોય. એ સૌથી પહેલાં પહોંચે પછી બીજાં દેવદેવીઓ. ત્યાંથી નીકળી જાય પણ સૌથી પહેલાં. પછી મેળો ઉલે.
મારે ત્રણેક કિલોમીટર ચાલવું પડે એમ હતું. મનાલીની દક્ષિણ-પશ્ચિમે આવેલી પહાડી પર આ મંદિર છે. ત્યાંથી નજીકમાં પેલું મનાસલું નાળું વહે છે, એને પાર કરો એટલે અસલ મનાલી ગામ પહાડના ઢોળાવ પર વસેલું જોવા મળે.
આ રસ્તે ઢાળ ચઢતાં અનેક નાનીમોટી હોટલો રસ્તાની ડાબી બાજુએ આવે. જમણી બાજુએ મોટો ઉદ્યાન છે, જેમાં પ્રાચીન વૃક્ષરાજો છે. આગળ જતાં જેના સમગ્ર આગળના ત્રણે માળ ગીચ વેલથી ઢંકાયા છે એવો ટૂરિસ્ટ બંગલો આવે. એવું લાગે કે વેલમાંથી કોતરી કાઢ્યો છે. લાલ ફ્રેમોની કાચવાળી બારીઓમાં કે બાલ્કનીમાં અલસ પ્રવાસી ચહેરા જોવા મળે.
થોડી વારમાં તો આ માર્ગે જાણે હું એકાકી પથચારી છું. થોડાં પગલાં ચડું અને પછી ઊભો રહી ચારે તરફ ખૂલતા જતા વિસ્તારને આંખોમાં ભરું. કેટલાંક સ્થળો પર તડકો પથરાયો છે, પણ સૂરજ હજી પૂર્વના પહાડની થોડી પાછળ છે. એટલે હજી કેટલાંક શિખરો છાયામાં છે. વળી થોડાં ડગ ભરી ઊભો રહી પૂર્વ તરફ જોઉં છું. કેવી અદ્ભુત ક્ષણ! પૂર્વમાં પર્વતની ધારે સૂરજની કોર દેખાઈ અને લાંબા પ્રકાશના સ્તંભ રચાયા. એ પ્રકાશ-સ્તંભ મારી આંખે અડકતા હોવાનો અહેસાસ થયો. મેં મારા ભણી જોયું. કુમળો તડકો લક્ષિત થયો, પછી પહાડ ભણી જોયું. આખો સૂરજ શિખર પર ઊભો. તડકો સર્વત્ર વિસ્તરી ગયો. આ જ સમય હતો અહીં આવવા માટેનો – એમ આ સૂરજના આવિર્ભાવની ક્ષણોના સાક્ષી બનવાનું મળતાં થયું. હું ગાયત્રી બોલું છું : ૐ ભૂર્ભુવઃ સ્વઃ…
પ્રચંડ ઊંચા દેવદારનું વન જાણે શરૂ થઈ ગયું છે. વન જેવું ચારે બાજુએથી કોઈ ખુલ્લું નથી હોતું અને વન જેવું કોઈ પોતાનામાં બંધ નથી હોતું. કવિ અજ્ઞેયની એક કવિતામાં આવો ભાવ છે. અજ્ઞેયનું અહીં સ્મરણ થાય. અહીં આ પહાડી પરના મનાલી ગામમાં નજરકેદના દિવસોમાં એમની પ્રસિદ્ધ નવલકથા ‘શેખર : એક જીવની’ પર કામ કર્યું હતું. અડધી સદી પહેલાંની એ તો વાત. પણ સ્મરણમાં આવી. એમણે આ હિડિમ્બાના મંદિરની વાત લખી છે.
આજનું મનાલી નીચે રહ્યું હતું. વિપાશાની ઘાટીની ઝલક અહીંથી થતી હતી. દેવદારુના વનમાંથી પંખીઓના અવાજ આવે છે. ઊંચેથી બરફનાં સફેદ અને બીજાં લીલાં શિખરોની હારમાળા ચિત્રાંકિત હોય એવી લાગે છે. મેં એક ફોટો લીધો, થોડાં ડગલાં ચઢ્યા પછી એ જ દૃશ્ય અધિક રમ્ય અને ભવ્ય લાગતાં ફરી ફોટો લીધો. આમ ને આમ દશ દૃશ્ય ડગલાં ચઢીને જોવા જતાં તો અહીં જ રોલ પૂરો થઈ જશે. પણ દૃશ્યને અંક્તિ કરી રાખવાનો લોભ જ એવો થાય! આ સૂર્યોદય વેળાએ ક્ષણેક્ષણ દૃશ્ય બદલાતું જાય છે. કવિ માઘે સુંદરતાની રમણીયતા રૂપની એ જ તો વ્યાખ્યા આપી છે.
ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ
તદેવ રૂ૫ં રમણીયતાયાઃ
આવે વખતે એકલા હોવાનો અફસોસ થાય. પણ આ એક વિરાટ દેવદારુની એક અપત્ર ડાળી પર બેસી બોલતું પંખી તો હતું. દેવદારુના વનમાં હવે લાંબા લાંબા છાયાસ્તંભો રચાતા હતા. આનો શો અર્થ થશે? ફ્રેંચ કવિ બોદલેરની કાવ્યપંક્તિઓ યાદ કરવા મથ્યો પણ ‘ફોરેસ્ટ ઑફ સિમ્બોલ્સ’ – ‘પ્રતીકોનું અરણ્ય’ એટલું યાદ આવ્યું.
રસ્તે રસ્તે હું ચઢતો જાઉં છું. હજી કોઈ માનવાત્મા માર્ગે મળ્યો નથી. એય તે સારું જ ને! ના, પણ એવું નથી. આ એક ઘર આવ્યું. આંગણામાં ગાયો બાંધેલી છે. ખુલ્લા ઘરના બારણામાંથી લાંબો કાળો સ્થાનીય ડગલો પહેરેલી એક કિશોરી કશુંક ગાતી ગાતી બે હાથમાં બે પાણી ભરેલી ડોલ લઈને નીકળી. અચાનક ઘંટનાદ થાય છે અને ખીણમાં વ્યાપી જાય છે.
હવે સપાટ ભૂમિ શરૂ થાય છે. વન છતાં ભૂમિ પર લીલોતરી છે, તે જાણે લૉન ઉગાડી હોય એવી. મંદિર દેખાયું. ચાલતો ચાલતો છેક પ્રાંગણ સુધી આવ્યો. આ ખીણનું વિશિષ્ટ સ્થાપત્ય ધરાવતું લાકડાનું મંદિર.
બાજુમાં એક લાકડાની મોટી પાટી પર અંગ્રેજીમાં મંદિર વિષે વિગતો છે. પાંડવો એમના વનવાસના દિવસોમાં (ખરેખર તો લાક્ષાગૃહની ઘટના પછીના દિવસોમાં) હિમાલયના આ કુલ્લૂ વિસ્તારમાં પણ આવ્યા હતા. ત્યાં ભીમે એક પહાડી સુંદરીને જોઈ અને એના પ્રેમમાં પડ્યો. એ સુંદરી તે હિડિમ્બા. ભીમ સાથેના સંબંધથી અને તેની આધ્યાત્મિકતા ભણી વળેલી વૃત્તિથી હિડિમ્બાને દેવીની પ્રતિષ્ઠા મળી.
અહીંયાં લોકો કુદરતી આફતોમાંથી બચવા એની પૂજા કરે છે. એ કાલી અને દુર્ગાનું રૂપ પણ ગણાય છે.
મંદિર જૂનું લાગ્યું. સોળમી સદીમાં એ બંધાયેલું છે. લાકડાની દીવાલો પર ચારે તરફથી ઢળતું છાપરું, એ પછી વળી મંદિરનો ઉપલો ભાગ અને ચાર તરફથી વળી ઢળતું છાપરું. લાકડામાં કલાત્મક શિલ્પકામ છે. મંદિરનું સાંકડું બારણું છે. એની બંને બાજુએ લાકડાના ગોખ છે. બારસાખે જંગલી બકરાની ખોપરી સાથેનાં શિંગડાં ભરાવ્યાં છે. કાળિયારનાં પણ એવાં શિંગડાં છે. બારસાખ પર નવગ્રહોની મૂર્તિઓ કોતરેલી છે. બારણા પાસે એક ડોશી બેઠી હતી. એ પણ નમૂનો લાગતી હતી. મેં એને આઠ આના આપ્યા. એ રાજી થઈ. પછી નિરાંતે હું જોવા લાગ્યો. પોપટ, મોંમાંથી જ્વાળા બહાર કાઢતું હરણ, હાથી, ઘોડા, મોંમાં મોતીની માળાવાળા હંસ (કે કબૂતર?) અને સ્તંભો પર સુંદર ડિઝાઇનનાં શિલ્પ. ચારેબાજુ દેવદારુનાં ઊંચાં વૃક્ષ અને વચ્ચે આ મંદિર. વધેરેલા બોકડાનાં ઠેર ઠેર ભરાવેલાં શિંગડાં મંદિરને એક્ઝોટિક સ્પર્શ આપતાં હતાં. અહીં નરબલિ પણ એક કાળે અપાતો એમ કહેવાય છે.
સાંકડા બારણામાં થઈ હું અંદર પ્રવેશ્યો. બરાબર એ જ વખતે એ નીચા સાંકડા બારણામાં થઈ સૂરજનાં કિરણો અંદર પ્રવેશ્યાં. જોયું તો અંદર ઓરડા જેવું છે, વચ્ચે એક ઊંચું પ્લૅટફૉર્મ છે. દેવીની પથ્થરની મૂર્તિ છે. એટલામાં બહારથી મોટરના હૉર્નના અવાજ આવ્યા. બીજા કેટલાક યાત્રિકો આવ્યા. એક જાડો માણસ બારણે દેખાયો, તડકો આવતો બંધ થયો. બીજી જ ક્ષણે ધડ થઈને અવાજ થયો. એનું મોટું માથું બારસાખે અફળાયું હતું. એ હતપ્રભ બની વધારે નીચો નમી અંદર પ્રવેશ્યો. કેટલીક સ્ત્રીઓ પણ આવી. હું બહાર નીકળી ગયો.
થોડી વાર મંદિર બહારના એક બાંકડા પર બેઠો. વિચારતો હતો, પાંડવો અહીં આવ્યા હશે? પાંડવો ક્યાં નથી પહોંચ્યા? પણ કોઈ નહિ ને હિડિમ્બાની દેવી તરીકે પૂજા થાય – એટલું જ નહિ, આખા આ ખીણ વિસ્તારની એ અધિષ્ઠાત્રી દેવી હોય એ તો અચરજ પમાડનારી વાત છે. માણસખાઉ દેવી તરીકે પણ આ હિડિમ્બાનો ઉલ્લેખ છે. અજ્ઞેયજીએ હિડિમ્બાના ચૂલાની વાત લખી છે. બે ખડકો વચ્ચે જતા એક સાંકડા પટ્ટાને હિડિમ્બાનો ચૂલો કહે છે. ત્યાં હિડિમ્બા દેવી માણસોને શેકી શેકીને ખાતી હતી!
આથમણી દિશા તરફનાં પર્વત-શિખરો પર તડકો પથરાયો છે અને લાંબી બરફરેખા નજરને પ્રભાવિત કરે છે. મંદિરની પ્રદક્ષિણા કર્યા પછી નીચે ઊતરવા લાગું છું. ભૂરા આકાશમાં થોડાં સફેદ વાદળ તરે છે. પૂર્વ તરફ બરફની પર્વતમાળની પાછળ બીજી એવી પર્વતમાળ એક ભાત રચે છે. એક સમડી ખુલ્લા અવકાશમાં સેલારા મારી રહી છે. અહીં નજીકની તારની વાડ પર એક પંખી સતત બોલે છે, દૂર વિપાશાનો ગર્જનરવ સંભળાય છે, કદાચ પાછળ વહેતા મનાસલુનો પણ એ અવાજ હોય. બાજુના ઘરમાંથી દોડીને એક શિશુ આંખમાં કુતૂહલ ભરી માર્ગમાં આવી ઊભું રહી જાય છે. હું ઝડપ વધારું છું. દશ વાગ્યે નગ્ગરની બસ પકડવાની હતી.
*
વર્ષો પહેલાં એક સમયે આપણું ‘બુદ્ધિપ્રકાશ’ ત્રૈમાસિક પણ હતું. એના અંકોની એક જૂની ફાઇલ મારા ગામની સરકારી લાઇબ્રેરીના કબાટો પર ધૂળ ખાતી પડેલી. તે મારા હાથમાં આવી. એસ.એસ.સી.ની પરીક્ષા આપ્યા પછીનું ઉનાળું વેકેશન હતું. મનગમતું વાંચવાના દિવસો હતા. એ ફાઇલના એક અંકમાં એક લેખ હતો – મહર્ષિ નિકોલસ રોરિક. વિદેશી નામ આગળ મહર્ષિ પદ જોડાયેલું વાંચી નવાઈ લાગી. પછી લેખ વાંચી ગયો. એક રશિયન ચિત્રકાર પોતાનો દેશ છોડી હિમાલયના સૌંદર્યથી અભિભૂત થઈ હિમાલયના જ એક વિસ્તારમાં ઘર બનાવીને વસી ગયા અને જિંદગીભર હિમાલયનાં ચિત્રો દોર્યાં કર્યાં. ભારતીય સંસ્કૃતિના અને ખાસ તો હિમાલયના આરાધક આ ચિત્રકાર માટે મહર્ષિ પદ બરાબર શોભે છે એવું લાગેલું, પણ જે ચિરસ્થાયી અસર પડી તે તો આ ચિત્રકારે હિમાલયની ખીણમાં બંધાવેલા પોતાના નિવાસ વિષેની. એવું ઝાંખું વર્ણન યાદ છે કે એ સ્થળેથી હિમાલયનાં બરફછાયાં શિખરોની અને જંગલોની તથા ખીણની શોભા આ ચિત્રકાર પોતાની છબિઓમાં અંકિત કરતા. કેમ જાણે કેમ મારા મનમાં એવી એક સુંદર ખીણની કલ્પના હતી, જેમાં મહર્ષિ નિકોલસ રોરિક રહેતા હશે. શું ક્યારેય ત્યાં ન જવાય?
મનાલીથી નગ્ગર જવાનું મુખ્ય ખેંચાણ તો મહર્ષિ રોરિકનું પેલું ઘર જોવાનું હતું; જે ઘરે મારી ચેતનામાં વરસોથી ઘર કર્યું હતું. મારી કલ્પનાને અનુરૂપ એ સ્થળ હશે? કૌતુક તો હતું જ, પણ પ્રવાસન અધિકારીએ કહ્યું કે પૂરતા પ્રવાસીઓ નહીં હોવાથી અમારી બસ આજે નગ્ગર નહીં જાય. એ ટ્રિપ રદ કરી છે. મને એકદમ ગુસ્સો પણ આવ્યો. છેલ્લી ઘડીએ ટ્રિપ રદ, નગ્ગર તો જવું જ હતું. મારી જેમ બીજા ત્રણ-ચાર પ્રવાસીઓ પણ હતા. તેઓ પણ બબડતા ચાલ્યા ગયા.
બાજુના ટૅક્સી-સ્ટૅન્ડ ભણી ગયો. નગ્ગર જઈને આવવાનું ભાડું કહ્યું રૂપિયા ૧૭૫. પાંચ મુસાફર હોય કે એક હોય. એમને ફેર પડતો નહોતો. પણ આપણે તો ફેર પડે જ. પ્રવાસન વિભાગ રૂપિયા પચ્ચીસમાં લઈ જાય અને પાછા લાવે. હું નિરાશ થયો. પછી મને વિચાર આવ્યો કે સ્થાનિક લોકોની આવનજાવન માટે એસ.ટી. બસો તો જતી જ હશે. બાજુમાં ડેપો. જઈને જેવું પૂછ્યું નગ્ગરની બસ માટે કે કહે પેલી ઊભી બસ. બેસી જાઓ. ઊપડવામાં છે.
બસમાં દશેક પેસેન્જર હશે. એક પરદેશી પણ હતો. બસમાં ગઈ કાલે ડૂબી ગયેલા પ્રવાસીઓની ચર્ચા ચાલતી હતી. મનાલીથી નગ્ગરની ટિકિટ સાડા ત્રણ રૂપિયા માત્ર હતી. બસ રસ્તે ઉતારીને જશે; પણ પહાડના ઢોળાવ પર ગામ વસેલું હોવાથી ચઢાઈ મારે ચઢવાની રહેશે. પ્રવાસન વિભાગની બસો તો છેક ઉપર લઈ જાય.
શરૂમાં બસ પુલ પાર કરી વિપાશાને ડાબે કાંઠે કાંઠે જાય. પછી અંદરનાં ગામોમાં જતા માર્ગો પર. આ માર્ગેથી દેખાતાં દૃશ્યો પણ મનોહર. પણ જેમ જેમ ગામોમાં જઈએ તેમ તેમ પગથિયાં પદ્ધતિનાં ખેતરોમાં વધારે ને વધારે કામમાં ડૂબેલાં સ્ત્રી-પુરુષો દેખાય. આ વિસ્તારનાં બધાં ઘરોની વ્યવસ્થા લગભગ એકસરખી. નીચેના ઓરડામાં ઢોરઢાંખર માટેનું સૂકું ઘાસ કે ખેતીનો સાજસરંજામ, રહેવાનું ઉપર, ઉપરના માળની ચારેબાજુ લાકડાની મોટી બાલ્કનીઓ હોય, જે ઢળતા છાપરાથી ઢંકાયેલી હોય. નળિયાંને સ્થાને સરખા કદના પથ્થરનું છાપરું. ઘરની બનાવટમાં લાકડાનો અધિકતમ ઉપયોગ.
માર્ગે નાનાંમોટાં ઝરણાં આવતાં જાય. કેટલાંકનાં જળનો પ્રવાહ તો ખેતરોમાં વળવાની વ્યવસ્થા પણ હોય. પાણીથી છલોછલ ક્યારામાં પહાડનાં પ્રતિબિંબ દેખાય. ક્યાંક એક બાજુ ઘઉંની કાપણી અને ક્યાંક બીજી બાજુ ડાંગરની રોપણી ચાલે છે. બસ વાંકીચૂંકી ઉપરનીચે જતી જાય અને નવાં નવાં દૃશ્યો ખૂલતાં જાય.
નગ્ગર કુલ્લૂ રાજાઓની જૂની રાજધાની છે. આ નગ્ગર શબ્દ કદાચ નગરનું જ રૂપ હશે. આપણે હવે નગર જ કહીશું. આ નગરમાં હજી એક જૂનો રાજમહેલ છે. કહે છે એ મહેલમાં એક રાણીનું ભૂત રહે છે. રાણીને એક પહેલવાન સાથે પ્રેમ થયેલો. રાજાએ એને મારી નખાવ્યો. રાણીએ ઝરૂખેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પણ રાજમહેલમાં ભૂત હોય કે ન હોય, અત્યારે એક વિભાગમાં પ્રવાસન વિભાગની હોટલ તો છે.
એક ગામે બસ ઊભી રહેવાને બદલે આગળ ચાલી ગઈ તો પેલો પરદેશી એકદમ ગુસ્સે થઈ ગયો. બબડતો બબડતો વચ્ચે ઊતરી ગયો. બસના એક-બે મુસાફરો એને વિશે વાતો કરવા લાગ્યા. આ બધા હિપ્પીઓ છે અને આ વિસ્તારમાં ઘણા રહે છે; એટલે અહીં મારીજુઆના અને ગાંજા જેવાં કેફી દ્રવ્યોની ઘણી હેરફેર રહે છે.
નગરની ભાગોળે મને ઉતારી બસ આગળના પહાડી ઢોળાવ પર અદૃશ્ય થઈ ગઈ. વાદળિયો તડકો હતો. અહીંથી નીચે વિસ્તરેલી ખીણ અને પછી શરૂ થતા સામેના પહાડી લીલીછમ હરિયાળીવાળા ઢોળાવો મનોરમ દૃશ્ય રચતા હતા. પણ મારે તો ડાબી બાજુની પહાડી પર ચઢવાનું હતું. થોડાક ચઢ્યા પછી ગામ શરૂ થયું. તરસ લાગી હતી. ત્યાં એક સાર્વજનિક નળ આગળ બેસી એક મહિલા વાસણ માંજતી હતી. મેં કહ્યું, જરા પાણી પી લઉં. એ કહે, ઊભા રહો. હું આપું છું. પોતાના હાથમાં ઊટકવા લીધેલો પ્યાલો ધોઈ, વીછળી મને પાણી ભરી આપ્યું. ઠંડું પાણી. એનાથી જેટલો આનંદ થયો, એથી વધારે આ અજાણી મહિલાના સ્નેહભર્યા ઉપચારથી થયો.
જરાક ઉપર ચડ્યો કે રસ્તાની ધારે એક જૂનું મંદિર નજરે પડ્યું. આ વિસ્તારમાં જૂનાં મંદિરો ઘણાં છે. આગળ ખુલ્લો પથ્થર જડેલો ચોક, પછી ખુલ્લામાં ઊભેલો કાળા પથ્થરનો નંદી અને પછી મંદિર. પ્રવેશદ્વારે ઘંટ લટકતો હતો પણ મંદિરની જાળી બંધ હતી. જાળીમાંથી શિવલિંગનાં દર્શન થઈ શકે. શિવપાર્વતીની પાસે પાસે અવસ્થિત મૂર્તિઓ પણ હતી. શિવના કપાળે પીળી અર્ચના હતી. પાર્વતીના ભાલે લાલ ચાંલ્લો.
ગામ વચ્ચેથી ચાલતો ચાલતો જૂના રાજમહેલ આગળ આવી ઊભો. બહુ વસ્તી જોવા ન મળે. રાજમહેલનો ઢોળાવો તરફનો જરૂખો ઝૂકી પડ્યો હતો અને કેટલોક ભાગ જીર્ણ થઈ ગયો હતો. પણ અહીંથી ઊભા રહીને નીચેની ખીણનું દૃશ્ય કલાકો સુધી જોયા કરવાનું મન થાય. આછુંપાતળું પારદર્શી ધુમ્મસ ખીણમાં વિસ્તરેલું હતું. ઊંચે દૂર બરફથી શોભતી શ્વેત પર્વતમાળા વચ્ચે લીલી પહાડીઓ અને નીચે વહેતી જતી વિપાશા-બિયાસ.
આ મહેલ જેને અંગ્રેજીમાં ‘નગર કેસલ’ કહે છે તે રાજા સિદ્ધસિંહે ૪૦૦ વર્ષ પહેલાં બંધાવેલો એવી નોંધ છે. એમાં એમ લખ્યું છે કે પથ્થરો નદીની પેલી પારથી ઉપર ચઢાવવામાં આવ્યા હતા. મજૂરોએ હાથોહાથ એ ચડાવેલા. ૧૯૦૫માં આ વિસ્તારમાં ધરતીકંપ થયેલો. પછી કુલ્લૂ રાજાઓએ રાજધાની ફેરવી અને કુલ્લૂમાં લઈ ગયા. સાબૂત બચેલો ભાગ સરકારી રેસ્ટ હાઉસ અને હોટલમાં ફેરવાયાં.
હું મહેલના પાછળના ભાગમાં ગયો. ત્યાં જગતપતિનું મંદિર છે. એમાં એક પથ્થર છે. આઠ ફૂટ લાંબો, પાંચ ફૂટ પહોળો અને છ ઇંચ જાડો. એની પણ કશીક કિંવદંતી ચાલે છે. નગરકિલ્લાને બધા દેવતાની પીઠ બતાવવાની રાજાની યોજના હતી. આજે પણ કુલ્લૂ ઘાટીના બધા દેવોને વર્ષમાં એક વાર અહીં લાવવામાં આવે છે..
મને થયું, આવા પુરાણા ગેસ્ટ હાઉસમાં કોણ રહેતું હશે? ત્યાં તો એક વિદેશી મહિલા જોવા મળી. પુરાણા સ્થાનોનાં આશક લોકો ક્યાં ક્યાં જઈને રહેવાનું પસંદ કરે છે!
અહીંથી હવે મારે મહર્ષિ નિકોલસ રોરિકની આર્ટ ગેલરી અથવા તો તેમના નિવાસે જવાનું હતું. ખાસ્સો લાંબો ગોળ ફરતો માર્ગ વટાવીને જવાનું હતું. તડકો હવે લાગતો હતો; પણ રોરિકનું ઘર – જેની મારા મનમાં પણ એક કલ્પના હતી, તે દિશામાં જવાનું હતું. હું ભૂતકાળ વર્તમાનકાળમાં એકસાથે હોઉં એવું લાગ્યું. વિચારતો હતો કે કદી એવું ધાર્યું હતું કે અહીં આવીશ? પણ વિચાર આવ્યો કે પ્રબળ આકાંક્ષા જ કદી કદી આવી રીતે સિદ્ધ થયા વિના રહેતી નથી.
આ બાજુ પુષ્કળ સફરજનની વાડીઓ છે, લીલીછમ ખીણ છે. એમ કહું કે અહીં એક જ રંગ છે અને તે લીલો. બીજો કદાચ પાકેલી ફસલનો સોનેરી. વિશિષ્ટ રચનાવાળાં લાકડાંમાંથી નિર્મિત કાષ્ઠમંદિરો પણ ક્યાંક હતાં. હજુ તો ચાલતો હતો ત્યાં દૂરથી કન્યાઓના ગાવાનો સમવેત સ્વર સંભળાયો. ઉલ્લાસથી ઊભરાતો, નિશાળની કન્યાઓનો અવાજ આ અવશ્ય નહોતો. હું છેક પાસે આવ્યો. એક નાનકડી ઇસ્પિતાલનો ખંડ હતો. તેમાં કન્યાઓ ગાન સાથે નાચતી પણ હતી. નર્સિંગ કૅમ્પની બહેનો હતી. કેમ્પનો આજે છેલ્લો દિવસ હતો. એનો ઉત્સવ હતો – એક બહેનને પૃચ્છા કરતાં એણે હસતાં હસતાં કહ્યું. એમના ઉલ્લાસનો સ્પર્શ જાણે મને પણ થયો.
અહીંથી પાણીથી ભરેલાં પગથિયાં ખેતરો જલની સોપાનમાલા રચતાં હતાં. થોડી વારમાં હું રોરિક આર્ટ ગૅલરીના પરિસરમાં આવી ગયો. પહાડના ઢોળાવ પર સામે ખુલ્લી વિશાળ ખીણ અને ત્યાં સફરજન આદિ વૃક્ષોથી ઘેરાયેલું મહર્ષિ રોરિકનું ઘર. કંઈક જુદી કલ્પના મારા મનમાં હતી. મેં આટલી વિશાળ ખુલ્લી ખીણની કલ્પના નહોતી કરી. ચારેબાજુ પર્વતમાળા હશે એવી કલ્પના મારી હતી. પણ કલ્પના કરતાં આ તો વધારે ભવ્ય છે, સુંદર છે.
આર્ટ ગૅલરી હજી વ્યક્તિગત માલિકીની છે અને એક કેરટેકર યુગલ તેની સંભાળ રાખે છે. પહેલાં તો ત્યાં એક વૃક્ષની છાયામાં નીચે વિસ્તરેલી ખીણ જોતાં સફરજનનો રસ પીધો. ઉપરાઉપરી બે ગ્લાસ પી ગયો. કેવી સંતૃપ્તિ! એ પછી ચિત્રો જોવા ગયો. હિમાલયની આ ભૂમિના ઋતુ ઋતુના, સમય સમયના સ્થળકાળની ભિન્નતા દર્શાવતાં અને સૌથી વધારે તો ચિત્રકારની રહસ્યમય ભાવનાનાં દ્યોતક ચિત્રોમાંથી જે રંગ આંખમાં વસી ગયો તે તો ભૂરો રંગ છે. ચિત્રો ફરી ફરી જોયાં. આંગણામાં આવ્યો. ત્યાં પથ્થરની જૂની મૂર્તિઓ છે. એક નારીમૂર્તિ ઘોડા પર બેઠેલી છે. એવું મોટું શિલ્પ પણ આંગણામાં હતું.
એ આંગણામાં હું ઊભો રહ્યો. અહીં બેસી હિમાલયના જુદા જુદા મૂડનાં ચિત્રો આ ચિત્રકારે દોર્યાં હશે. ઘણાં ચિત્રો તો દુનિયાની જુદી જુદી આર્ટ ગૅલરીઓમાં પહોંચી ગયાં છે. થોડાં છે તે અહીં છે. ચિત્રો જોઈ એ વિચાર આવતો હતો કે આ હિમાલયના મૂડ્ઝ છે કે પછી ચિત્રકારના?
ફરી એક વાર ચિત્રો પર નજર કરી લીધી, નીચે વિસ્તરેલી ખીણ પર નજર કરી લીધી અને સાચે જ હું અહીં આવી પહોંચ્યો. એનું મનોમય વિસ્મય અનુભવતો ઢોળાવ ઊતરી ફરી પાછો નગરની ભાગોળના બસ-સ્ટૅન્ડ પર બસની પ્રતીક્ષા કરવા લાગ્યો. અહીંથી પણ નીચે વિપાશાની ખીણ પડી હતી. એ જોતો રહ્યો. ઠીક ઠીક પ્રતીક્ષા પછી બસ આવી.
ફરી પાછો વિપાશાને તીરે છું.
૧ જુલાઈ, ૧૯૮૭
મનાલીથી રાત આખી બસમાં મુસાફરી કરીને સવારે ચંડીગઢના બસ-સ્ટેશને ઊતર્યો. હજી ભરભાંખળું હતું અને જાણે ચારે દિશાઓ ખુલ્લી રાખીને ખુલ્લા આકાશ તળે સૂતેલા નગરની આંખોમાં હજી કદાચ ગુલાબી નીંદર છે. ચંડીગઢને ‘ગુલાબનું નગર’ કહે છે એટલે નીંદર આગળ ગુલાબી વિશેષણ જોડાઈ ગયું, નહિતર એમ કહેવું પડે કે આંખોમાં આશંકાનાં દુઃસ્વપ્ન વિચરણ કરતાં હશે. આ પણ કદાચ મારી ધારણા હોય, કેમ કે આશંકા તો મારા મનમાં હતી. ચંડીગઢ બસ-સ્ટેશને વહેલા ઊતર્યા પછી એના પહોળા વિજન માર્ગો અને ઉપમાર્ગો વટાવી મારા યજમાન મિત્રને ત્યાં પહોંચવું કેટલું સલામતીભર્યું કહેવાય – આ દિવસોમાં? પંજાબ આખું જ્યારે આતંકવાદના ઓળા નીચે શ્વાસ લેતું હોય ત્યારે બહારના અજાણ્યા આગન્તુકને તો ભય લાગ્યા વિના કેમ રહે! સાંજના પાંચ વાગ્યા પછી ઘરની બહાર ન નીકળનાર ચંડીગઢના અંગ્રેજીના અધ્યાપક દેવિન્દરમોહને મને સિમલામાં જ ગભરાવી દીધો હતો. એમણે તો ચંડીગઢની મુસાફરી ટાળવાનો સંકેત પણ કરેલો.
અને છતાં રાત માથે લઈને ચંડીગઢ ઊતર્યો. મેં જોયું કે બસમાં રાત્રિ દરમ્યાન મોટાં બસ-સ્ટેશનોએ ચા-પાણી માટે ઊતરતાં કોઈ કશા ભય કે બીકમાં હોય એવું લાગતું નહોતું. બધું નૉર્મલ લાગે. તેમ છતાં મારા મનમાં તો ફડક હતી એની ના નહિ, એટલે જેવો બસમાંથી ઊતર્યો કે એક પગ-રિક્ષાવાળાએ આવીને પૂછ્યું – ‘બાબુજી, રિક્ષા ચાહિયે?’ ત્યારે મેં ના પાડી. મને થયું કે હજી થોડું વધારે અજવાળું થાય ત્યાં સુધી રાહ જોઉં. ચાબા પીઉં અને સમય કાઢું પણ જોયું કે ઘણા માણસોની અવરજવર તો હતી અને ઘણે સ્થળે જવા બસો ભરાઈ હતી.
આ ઉપરથી કશી ભીતિ ન હોવાનું મેં અનુમાન કર્યું (પણ એ અનુમાન ખોટું હતું, તે તો આ પછીના બીજા જ બુધવારે ચંડીગઢથી હરિદ્વાર જવા ઊપડેલી બસના ભયંકર હત્યાકાંડે સિદ્ધ કરી દીધું હતું. એ વખતે તો હું અમદાવાદ હતો, પણ મારાં રૂંવાં ઊભાં થઈ ગયાં હતાં). પેલા રિક્ષાવાળાએ હજી આશા છોડી નહોતી. દૂર જઈ ઊભો હતો. તે મારી નજીક આવ્યો અને ફરીથી કહ્યું – ‘બાબુજી, રિક્ષા ચાહિયે?’ મન હતું, ઑટોરિક્ષા કરી જલદી પહોંચી જવાનું. પણ એણે કહ્યું – ‘ઇસમેં બહુત દેર નહીં લગેગી બાબુજી.’ જે ભાડું એણે કહ્યું તે વાજબી હતું. મારે સેક્ટર ૧૫-એમાં જવાનું હતું. છ રૂપિયા.
બન્ને બાજુ વૃક્ષોની હારમાળા. વિશાળ માર્ગ પર રિક્ષા સરકવા લાગી. આપણને થાય કે ચંડીગઢનગર છે ક્યાં? કદાચ સવાર છે. એટલે એવું લાગે છે, પણ માત્ર એટલું નથી. આ નગરનું આયોજન જ એવું છે કે સ્ટેશનની બહાર નીકળતાં જ જેમ કોઈ બીજું નગર એની ખીચોખીચતાથી તમારા પર હાવી થઈ જાય, તેમ અહીં થતું નથી. ચંડીગઢ પોતાના હોવાનો અહેસાસ એટલો જલદી કરાવતું નથી. થોડો વખત તો એવું લાગ્યું કે લાંબી-પહોળી સડક પર આ એકમાત્ર રિક્ષા જાય છે.
આ નગર, દુનિયાનાં આધુનિક નગરોમાંનું એક નગર, ચંડીગઢ. ખરું નામ તો ચંડીગડ છે. પણ આપણે ‘ગઢ’ કરી દીધું છે. બોલવામાં એ વધારે ફાવે છે. કોનું સ્વપ્ન છે આ નગર? જવાહરલાલ નેહરુનું કે એના સ્થપતિ લ કોર્બુસિયેનું? સ્વપ્ન તો હતું નવા નવા સ્વતંત્ર થયેલા ભારતનું. એ સ્વતંત્રતાની સાથે આવ્યા હતા અખંડ ભારતના ભાગલા. લાખો શરણાર્થીઓની વણઝાર અને ખૂનરેજી, બળાત્કાર, આગ અને લૂંટ. એક વિષવૃક્ષ વવાઈ ગયું, જે દિવસે ન વધ્યું તેટલું રાતે વધતું ગયું છે.
એ દિવસોમાં વિપન્ન પંજાબના સ્વપ્નરૂપે જન્મ્યું આ ચંડીગઢ, જે વખતે સ્વતંત્રતા લાખો વિસ્થાપિતો માટે એક દુઃસ્વપ્ન બનીને આવી. એક કલાસમીક્ષકે કહ્યું છે કે નિરાશામાંથી કાવ્ય રચી શકાય, નિરાશામાંથી ચિત્ર દોરી શકાય, પણ નિરાશામાંથી એક નગરનું નિર્માણ તો ન જ થાય. આવનાર પેઢી છપાયેલી ચોપડીઓને વાંચ્યા વિના અભરાઈએ ચઢાવી દઈ શકે, એ ચિત્રોને ભંડકિયામાં ભરી દઈ શકે પણ એક ઇમારતને એટલી સહેલાઈથી દૂર કરી શકાતી નથી. હૃદયમાં ગમે તેટલી ઊથલપાથલ હોય પણ એક આયોજિત નગર એટલે ભવિષ્યમાં ઊંડી શ્રદ્ધા. ચંડીગઢ દેશની કસોટીના કપરા દિવસોમાં બંધાયું હતું – એક નવું જન્મેલું સ્વતંત્ર જનતંત્ર એક આવું નગર બાંધી શકે છે એવો આત્મવિશ્વાસ જગાવવા. નવા રાષ્ટ્રની ઉપલબ્ધિનું એક પ્રતીક હતું ચંડીગઢ. શાહીનગર લાહોરનું સ્થળ લેવા બનેલું નગર ચંડીગઢ. સામાન્ય રીતે માણસ વસતો થાય પછી નગર બનતાં બનતાં બને, અહીં પ્રથમ નગર બન્યું પછી માણસ વસતાં વસતાં વસ્યો. હવે અલબત્ત, નગર અને માણસ સાથે સાથે વસે છે.
નેહરુએ કહ્યું હતું કે ચંડીગઢ એક નવું નગર બની રહો જે ભારતની સ્વતંત્રતાનું પ્રતીક, ભૂતકાળની પરંપરાની જંજીરોમાંથી મુક્ત, ભવિષ્ય પ્રત્યેની રાષ્ટ્રની આસ્થાની અભિવ્યક્તિ હોય.
અને એક નવું નગર રચાયું, નવી દિલ્હીથી દોઢસો કિલોમીટર દૂર પંજાબના અંબાલા તાલુકાની ભૂમિ પર, જ્યાંથી પાછી શરૂ થાય છે હિમાલયની ગિરિમાળા. એ ભૂમિ પર વસેલાં પૈકીનાં એક ગામના ચંડી મંદિર પરથી નગરનું નામ નક્કી થયું ચંડીગડ – ચંડીગઢ.
અહીં ગરમી પણ સખત પડે અને ઠંડી પણ, પણ આ નવાનગરની સાઇટ જોઈને એના સ્થપતિ લ કોર્બુસિયેએ કહ્યું કે આ સાઇટ અદ્ભુત છે. નગરનો લેન્ડસ્કેપ ચારેબાજુએ ખુલ્લો રહેશે. આ સ્થપતિએ નગર-નિર્માણ માટેની આવશ્યક સામગ્રીની સૂચિ આપી છે. એણે કહ્યું છે કે આકાશ, અંતરિક્ષ, વૃક્ષ, સ્ટીલ અને સિમેન્ટ એ નગર-નિર્માણ માટેની સામગ્રી, આ ક્રમમાં અને આ ઉચ્ચાવચતામાં.
આ રીતે નગર-નિર્માણમાં પ્રથમ આવે છે આકાશ, અંતરિક્ષ અને વૃક્ષ. આપણું ગાંધીનગર પણ આ શરતો કંઈક અંશે પૂરી કરે છે એમ કહેવું જોઈએ. પણ ચંડીગઢની આધુનિકતા ગાંધીનગરમાં નથી. સ્ટીલ-સિમેન્ટનું આયોજન એવું નથી. કદાચ ‘ગાંધી’ નામ જોડાવાને કારણે તો નહિ?
બ્રિટિશરોએ કલકત્તા વસાવ્યું, મુંબઈ અને મદ્રાસ પણ વસાવ્યું — પણ વેપારી કેન્દ્રો તરીકે. પછી નવું દિલ્હી બાંધ્યું. ભવ્ય, પણ એ જૂની દિલ્હીની જોડાજોડ. આપણે આજે જોઈએ છીએ કલકત્તા, મુંબઈ અને મદ્રાસની સ્થિતિ – પછી કેવી અણઘડ અને આડેધડ રીતે આ મહાનગરો ઊંચાં પહોળાં થતાં ગયાં છે. સ્વતંત્રતા પછી જૂના ભુવનેશ્વર પાસે રાજધાની નવું ભુવનેશ્વર બંધાયું. આપણે ત્યાં ગાંધીનગર. પણ નમૂનો તો એકમાત્ર ચંડીગઢ.
ચંડીગઢ હું અગાઉ આવ્યો હતો ડિસેમ્બરના દિવસોમાં. સખત ઠંડી. ત્યારે નગર બનતું જતું હતું. વૃક્ષો હજી ઊગતાં જતાં હતાં. નગરમાં જીવંતતા નહિ લાગેલી. આ ફરી આવું છું ત્યારે એ વાતને દોઢ દાયકો વીતી ગયો છે. પંજાબ રાજ્યના ત્રણ ભાગ થઈ ગયા એ પછી તો – પંજાબ, હરિયાણા અને હિમાચલ. એ તો બરાબર પણ ભારતના ભવિષ્યની આસ્થાનું પ્રતીક, અને એક કલાકારનું આકાશ, અંતરીક્ષ અને વૃક્ષ વચ્ચે મૂર્તિમંત થયેલું સ્ટીલ-સિમેન્ટનું સ્વપ્ન ધર્માંધ વિવાદના ઝંઝાવાતી પવનોમાં રોળાઈ તો નહિ જાય? આસ્થા સમૂળી હલી તો નહિ જાય? શું ચંડીને ફરી લોહીની જરૂર પડી છે? શું એ ખપ્પર ભરીને જ જંપશે?
સિમલા, કુલ્લૂ અને મનાલીની શીતલતામાંથી વિપાશાની જલસીકરોની ઠંકડમાંથી પ્રચંડ ઉષ્ણતામાં આવી ગયો છું. જુલાઈની પહેલી તારીખ છે, પણ વરસાદ નથી. ૨૧મી જૂન પહેલાં એમ તો એક સખત આંધીતોફાન સાથે વરસાદે દેખા દીધી હતી, પણ પછી અદૃશ્ય લાગે છે. મનાલીમાં છાપામાં વાંચ્યું હતું – ચંડીગઢમાં ગરમી ૪૨° છે અને વત્તા આતંક.
પણ અત્યારે તો સવાર છે અને રિક્ષાવાળો હજી પેડલિંગ કર્યે જાય છે. પહોળા રસ્તાઓ, રાજમાર્ગોમાંથી રિક્ષાવાળો હવે શેરીમાર્ગોમાં પ્રવેશ કરે છે. નગર નીંદરમાંથી જાગવા લાગ્યું છે, છતાં હજુ ક્યાંક ઘરના આંગણામાં ઊંઘ છે ખરી. મારી રિક્ષા હજુ આગળ વધે છે. મારા યજમાન શ્રી મિત્તલનું ઘર હજુ આવતું નથી. અમે કદી મળ્યા નથી. આ પહેલી વાર મળવાનું થશે. મારી એક છાત્રાનાં એ સંબંધી છે. એમનાં પત્ની શ્રીમતી નિર્મલા મિત્તલ હિન્દી અધ્યાપિકા છે. દંપતી સિમલા મળવા આવેલ, પણ મળાયું નહોતું. એમને ખબર હતી હું આ સવારે એમને ત્યાં પહોંચીશ.
મેં માત્ર સેક્ટર અને ઘરનંબર રિક્ષાવાળાને આપેલાં હતાં. એ ખોટે માર્ગે તો નથી ને? પણ કોઈનેય પૂછ્યા વિના એ ૩૯૪/૧૫ એ મકાન આગળ આવીને ઊભો. બાલ્કનીમાંથી મને આવકારતા બે ચહેરા દેખાયા — ‘આઇયે.’
૧લી જુલાઈ, ૧૯૮૭
સમગ્ર ચંડીગઢના આયોજનમાં એક મહત્ત્વનું પરિબળ તે સૂર્ય. ગરમીના દિવસોમાં સૂર્ય જ્યારે આક્રમક હોય ત્યારે એના પ્રતાપથી કેમ બચવું એ આ નગરના સ્થપતિઓની નજર સામે અહીંની સૌ ઇમારતો અને રહેણાંક વિસ્તારોની ડિઝાઇન કરતી વખતે રહ્યું છે. સૂર્યનું આ નગર છે.
ચંડીગઢમાં આવ્યા પછી થોડા કલાકોમાં એની પ્રતીતિ મને થઈ ગઈ. જુલાઈની શરૂઆત એટલે વરસાદની રાહ જોવાતી હતી, પણ આકાશમાંથી આગ વરસતી હતી. બપોરના તો કેવીય સ્થિતિ થશે. મિત્તલ દંપતીએ સ્નેહથી મારું સ્વાગત કર્યું હતું. પણ ચંડીગઢની ગરમીનું એ શું કરી શકે?
શ્રી મિત્તલે આજે ઑફિસમાંથી રજા લીધી હતી. ચંડીગઢનાં જોવાલાયક સ્થળો મને બતાવવાનાં હતાં. એક વિશેષ વાત એ કે શ્રી મિત્તલને ચંડીગઢ માટે અત્યંત મમત્વ હતું. એટલે આતંકવાદની વાત નીકળતાં કહે – પણ ના, ચંડીગઢમાં તો કશું ચિંતા કરવા જેવું છે જ નહિ. પંજાબમાં સૌથી સલામત કોઈ સ્થળ હોય તો તે ચંડીગઢ.
અમારે જે સ્થળો જોવાનાં હતાં તેમાં ત્રણ મુખ્ય હતાં – ચંડીગઢની હાઈકોર્ટ, સચિવાલય અને વિધાનસભા. મિત્તલ પોતે હરિયાણા સરકારના સચિવાલયમાં એક અધિકારી હતા. આ બધી ઇમારતો હરિયાણા અને પંજાબ બન્ને સરકારોની સહિયારી છે, પણ પંજાબમાં રાષ્ટ્રપતિશાસન હોવાથી વિધાનસભાનો હરિયાણા વિભાગ જીવંત છે, પંજાબનો સુપ્ત.
૧૫મા સેક્ટરમાંથી શ્રી મિત્તલના સ્કૂટર પર અમે નીકળ્યા. અહીં તો ખરે એવું લાગે કે શીખો અને બીજા સૌ પાડોશીઓ તરીકે હળીમળીને રહે છે. પાઘડીઓ જેટલાં જ ખુલ્લાં માથાં પણ દેખાય. ચંડીગઢના રસ્તાઓ – કહેવું પડે! પણ ચંડીગઢ વિષે કેટલાકોએ એવી ટીકા કરી હોય કે ‘દુર્ભાગ્યગ્રસ્ત હિન્દુઓ માટે યુરોપિયનો દ્વારા આયોજિત નગર.’ થોડા દિવસ પહેલાં ચંડીગઢમાંથી પ્રગટ થતા દૈનિક ‘ટ્રિબ્યુન’માં – ‘ચંડીગઢ – ઇન સર્ચ ઑફ એન આઇડેન્ટિટી’ નામે રવિ કાલિયાના પ્રકટ થયેલા પુસ્તકની ચર્ચા હતી. રવિ કાલિયાએ લખ્યું છે કે ચંડીગઢ ભારતીયનગર નથી લાગતું. એ ‘એન્ટી-સિટી’ છે. કદાચ નેહરુએ એવું ઇચ્છ્યું હતું જ્યારે એમણે નગરના સ્થપતિઓને એવા નગરનું નિર્માણ કરવાનું કહ્યું હતું, જે ભૂતકાળ તરફ નહિ પણ ભવિષ્યકાળ તરફની આસ્થાની અભિવ્યક્તિ હોય.
માર્ગોની બન્ને બાજુએ નગર એવી રીતે વિસ્તર્યું હોય કે સતત એક ખુલ્લાપણાનો – સ્પેસનો અનુભવ થાય. સામાન્ય નગરોની ગલીઓ – સડકોના ઘોંઘાટનો અનુભવ ન થાય. ‘સિટી ઑફ સન, સ્પેસ ઍન્ડ સાઇલન્સ.’
અમે હાઈકોર્ટની ઇમારત આગળ આવીને ઊભા. અત્યારે તો ન્યાયાલયમાં વેકેશન છે અને રિનોવેશન ચાલે છે. પાણીથી લહેરાતા હોજ ખાલી છે, પણ ઇમારત એની ભવ્યતાથી ઑ પાડી દે. તાપના આ મુલકમાં ગરમીમાં પણ માણસો કામ કરતા રહે અને ઊંઘ-આળસમાં બગાસાં ન ખાય એવી વિભાવના આ મકાનોની ડિઝાઇનના મૂળમાં છે. શ્રી મિત્તલે જુદા જુદા ન્યાયાધીશોના ઓરડાઓ ખોલીને બતાવ્યા. એ બધે પહોંચેલા લાગ્યા.
અહીંથી સામે બીજી બે વિશાળ ઇમારતો દેખાય છે. એક છે સચિવાલયની, બીજી વિધાનસભાની. ખરેખર તો હાઈકોર્ટ, સચિવાલય અને વિધાનસભા એક જ વિરાટ સંકુલ ગણાય. આ ત્રણે ઇમારતો સિમેન્ટની એસ્પ્લેનેડથી જોડાયેલી છે. ત્યાં શ્રી મિત્તલે મારું ધ્યાન હાઈકોર્ટની બાજુમાં ખુલ્લામાં સ્થાપેલી એક આકૃતિ પ્રત્યે દોર્યું. પહેલાં તો મને લાગ્યું કે ઊડતા પંખીનું શિલ્પ છે. પણ ના, એ હતું ખુલ્લા હાથનું વિરાટ શિલ્પ, અદ્દલ પંખી લાગે. આ ખુલ્લા હાથનું વિરાટ શિલ્પ આધુનિક નગરનું – ચંડીગઢનું પ્રતીક છે. આ પ્રતીક દૂર ઉત્તરની શિવાલિકની ગિરિમાળાની સમાંતરે ખડું છે. ખુલ્લો હાથ – હું વિચાર કરતો જોતો રહ્યો. કોને આ પ્રતીક સૂઝ્યું હશે? લંબાવેલો હાથ તે મૈત્રીનો. આપણા કવિ નિરંજન ભગતની એક કવિતા છે – ‘લાવો, તમારો હાથ મેળવીએ.’ પણ આ તો ખુલ્લો હાથ, કદાચ સર્વ સંસ્કૃતિઓના, જ્ઞાનવિજ્ઞાનના સ્વીકારનો ખુલ્લો હાથ. ધાતુમાંથી બનેલા આ હાથમાં રેખાઓ પણ છે. ભાગ્યની રેખામાં શું હશે? ચંડીગઢ પંજાબમાં જશે? ચંડીગઢ કેન્દ્રમાં રહેશે? ચંડીગઢ ભારતમાં તો રહેશે ખરું ને? એ ખુલ્લા હાથની રેખાઓને કોણ વાંચી શકે એમ છે? ખુલ્લો હાથ, કદાચ સર્વ સંસ્કૃતિઓના જ્ઞાનવિજ્ઞાનના સ્વીકારનો ખુલ્લો હાથ. નિખાલસ હાથ. બંધ મુઠ્ઠીમાં કશું ગુપ્ત કે ગોપિત નથી. કદાચ ચંડીગઢની વર્તમાન સ્થિતિમાં ખુલ્લા હાથનું આ પ્રતીક પ્રેરક બને. પણ સ્થિતિ એવી છે કે અત્યારે તો એ પ્રતીક વિડંબનાત્મક બની રહે છે. ચંડીગઢ માટે એક શિલાલેખ – ‘એડિક્ટ ઑફ ચંડીગઢ’-માં લખ્યું છે કે ‘આ નગર ભવિષ્યની પેઢીઓને સમર્પિત છે, જેઓ તેના ગાર્ડિયન – સંરક્ષક બને, અને આ નગર કોઈ વ્યક્તિની ‘વિમ’નો ભોગ ના બને.’ આ માટે આપણે પ્રાર્થના કરીએ. ખુલ્લા હાથનું સન્માન કરીએ.
તડકામાં તપ્ત થયેલા સિમેન્ટના મેદાન પર ચાલતાં કષ્ટનો અનુભવ થાય, અને એ અંતર ઓછું નહોતું. પણ શ્રી મિત્તલનો ઉત્સાહ પણ ઓછો નહોતો. સચિવાલયની ઇમારત આખા ચંડીગઢમાં સૌથી ઊંચી છે. છેક ઉપરના માળે કૅન્ટીન છે. એ કૅન્ટીનમાં લઈ જવાના શ્રી મિત્તલના આગ્રહને મેં ખાળ્યો. એસેમ્બલી હૉલ બંધ હતો, પણ અહીં મિત્તલ ઘણાને ઓળખતા તેથી એક અધિકારીએ અમારે માટે હૉલ ખોલી આપ્યો. આપણા પર જે પહેલી છાપ પડે તે તો એના અનોખા સ્થાપત્યની. અહીં સજાવટ માટે જે ચિત્રો છે તે પણ આધુનિક શૈલીનાં છે.
ત્યાંથી અમે નીકળ્યાં તે ચંડીગઢ યુનિવર્સિટી ભણી. યુનિવર્સિટી ચંડીગઢના એક આખા સેક્ટરમાં પથરાયેલી છે. કૅમ્પસમાં પ્રવેશતાં જ એની સુંદર ઇમારતો અને હરિયાળી આપણા ચિત્તને પ્રસન્ન કરે. આ ગરમીમાં ગુલાબો નથી, નહિતર નગરનું બીજું નામ ‘સિટી ઑફ રોઝિઝ’ સાર્થક લાગત એમ શ્રી મિત્તલે કહ્યું. યુનિવર્સિટી કૅમ્પસ પર ધ્યાન ખેંચનાર ઇમારત તે ગાંધી અધ્યયન કેન્દ્રની. યુનિવર્સિટીમાં અત્યારે રજાઓ છે એટલે એની જીવંતતાનો અનુભવ ક્યાંથી થાય? યુનિવર્સિટીની જીવંતતા એટલે પ્રસન્નમન છાત્ર-છાત્રાઓનાં દળ. તેમ છતાં લાગે કે આપણે કોઈ વિદ્યાક્ષેત્રના પરિસરમાં ફરી રહ્યા છીએ.
ત્યાંથી શ્રી મિત્તલનું ઘર નજીક પડે. અમે ઘેર પહોંચી થોડો વિશ્રામ કર્યો. ઘણોબધો તડકો પીને અમે આવ્યા હતા.
ચંડીગઢમાં સાંજ રમણીય પડી. પણ મને દેવિન્દરમોહનના શબ્દો યાદ આવે… ‘હું તો પાંચ વાગ્યા પછી ઘરની બહાર નથી નીકળતો.’ મિત્તલ કહે – આજે આપણે સૂર્યાસ્ત પછી રોઝ ગાર્ડનમાં જઈશું. અને અમે ગયા. શ્રીમતી મિત્તલ પણ સાથે હતાં. સખત ગરમીને લીધે ક્યાંક ઘાસ ચીમળાયું હતું, પણ એકંદરે હરિયાળીનો સ્પર્શ. રોઝ ગાર્ડનમાં ૫૦૦થીયે વધારે પ્રકારનાં ગુલાબો ઉગાડવામાં આવે છે. શ્રી મિત્તલની વાતચીતમાં વારંવાર શબ્દ આવે ‘લાઇજર વેલી’. પહેલાં તો સમજણ પડે નહિ, પછી ખ્યાલ આવ્યો એ ‘લિજર વેલી’ છે. આ બાગની પાસે થઈને જાય છે… આ હરિયાળી ઘાટી. આપણા ‘ગ્રીન બેલ્ટ’ જેવી, અલબત્ત આપણા ગ્રીન બેલ્ટ નથી રહ્યા ગ્રીન કે નથી રહ્યા બેલ્ટ.
મિત્તલ મને નિર્ભય કરવા મોડે સુધી બગીચામાં બેસવાનો આગ્રહ કરતા રહ્યા. જોકે ફરવા આવનાર ઓછા થઈ ગયા હતા અને બાગ ખાલી થતો જતો હતો. ક્યાંક કોઈ બંધ મુઠ્ઠી હતી, જેનો ઓછો પણ આતંક છે એવું લાગે.
સ્વાભાવિકતા જાળવી રાખવા અમે બસ-સ્ટૅન્ડ પર જઈ ઊભાં. બસમાં બેસીને પંદર નંબર સેક્ટરમાં પહોંચ્યા. મને થયું, પંજાબના આ તોફાનોના દરિયામાં એની રાજધાની ચંડીગઢ શું એક અસ્પૃષ્ટ ટાપુ છે?
૨ જુલાઈ, ૧૯૮૭
આ દિવસોમાં ચંડીગઢ એટલે પંજાબમાં આતંકવાદીઓ સાથેના સંઘર્ષના સત્તાવાર સમાચાર આપતું એક મથક ભલે બની ગયું હોય, પણ એની ઓળખ પ્રવાસીઓમાં તો ‘સિટી બ્યુટીફૂલ’ કે ‘સિટી ઑફ રોઝિઝ’, ‘સિલ્વર સિટી’ કે ‘સિટી ઑફ સન, સ્પેસ ઍન્ડ સાઇલન્સ’ તરીકે રહી છે. ચંડીગઢના કોઈ પણ પ્રવાસીને આ બધી ઓળખોમાં બહુ અતિશયોક્તિ નહિ લાગવાની. ખરેખર આધુનિક યુગનું એક સુંદર આધુનિક નગર છે.
પણ આજે કોઈ પ્રવાસી, નવ આગન્તુક પ્રવાસી એમ પૂછે કે ચંડીગઢમાં જોવા જેવું શું? તો ચંડીગઢનો કોઈ પણ નાગરિક કે ચંડીગઢની મુલાકાત લઈ આવેલ કોઈ પણ યાત્રિક કહેશે કે ચંડીગઢમાં જોવાલાયક સ્થળ તે ચંડીગઢનો રૉક ગાર્ડન. ચંડીગઢનો રોઝ ગાર્ડન નહિ, હાઈકોર્ટ કે વિધાનસભા ગૃહ નહિ, પણ રૉક ગાર્ડન.
આ નગરના વિશ્વવિખ્યાત નિર્માતા સ્થપતિ કૉર્બુસિયેની કલ્પના બહારનો આ રૉક ગાર્ડન છે. એના નિર્માતા છે નેકચંદ. ચંડીગઢના કોઈ પ્લાનમાં આવો કોઈ ગાર્ડન નહોતો. એ માત્ર નેકચંદનું નિર્માણ છે. એવું નિર્માણ કે એક ફ્રેંચ મ્યુઝિયમની ક્યુરેટરે તો વિઝિટર્સ બુકમાં લખ્યું કે – ઈશ્વરનો પણ એક પ્રતિસ્પર્ધી નીકળ્યો – નેકચંદ (ગૉડ હૅઝ એ કૉમ્પિટિટર – નેકચંદ).
કૉર્બુસિયેએ કહ્યું હતું કે, કોઈ પણ નગરના નિર્માણ માટે આકાશ, અંતરિક્ષ, વૃક્ષ, સ્ટીલ અને સિમેન્ટ આ પાંચની આવશ્યકતા છે. નેકચંદનો રૉક ગાર્ડન એક આગવી સૃષ્ટિ છે, જેના નિર્માણમાં તદ્દન અનુપયોગી, લોકોએ ફેંકી દીધેલી, નર્યો કચરો કહેવાય એવી ભંગાર ચીજવસ્તુઓ છે. ગોબો પડેલાં તૂટેલાં ડબલાં, તૂટેલાં કપરકાબી, ફૂટેલાં માટલાં, યંત્રોના ટુકડા, ફૂટેલી કાચની શીશીઓ અને બંગડીઓ, ઊડી ગયેલા વીજળીના ગોળા અને ટ્યૂબો અને નકામી થઈ ગયેલી સ્વિચો, રંગીન ચીથરાં અને ફેંકી દેવાયેલા મણકા, સાઇકલ અને મોટરનાં નકામાં થઈ ગયેલાં ટાયર. અરે, શેરીના નાકે કચરા તરીકે ફેંકી દીધેલી વસ્તુઓ સુધ્ધાં રૉક ગાર્ડનના નિર્માણની સામગ્રી છે. રખડતાં રોડાં પથરા વગેરે તો ખરાં જ, ક્યાંક તો વૉટરવર્ક્સ થવાથી ગામડાગામના કૂવા પરની જાળીઓ અને ગરગડીઓ સાથેનું આખું મંડાણ પણ ગોઠવી દેવાયાં છે, અને એક અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે, જે કૉર્બુસિયેનાં સૉફિસ્ટિકેટેડ નગરનિર્માણની બિલકુલ વિપરીત દિશામાં છે. અને વાત એમ બની ગઈ છે કે, આજે ચંડીગઢ જનાર કદાચ કૉર્બુસિયેની ભવ્ય ઇમારતો જોવા જવાનો સમય ન ફાળવે પણ નેકચંદના રૉક ગાર્ડનની મુલાકાત તો લેશે.
ચંડીગઢ જવાનું હતું ત્યારે અમારા એક મુરબ્બી મિત્ર સમા શ્રી પદુભાઈ તન્ના(જાણીતા ઍડ્વોકેટ શ્રી ભાસ્કર તન્નાના પિતાશ્રી)એ મને ‘ધ સંડે ઑબ્ઝર્વર’માંથી એક કટિંગ મોકલેલું. તેમાં ચંડીગઢમાં નેકચંદે બનાવેલા એના ઘર વિષેનો એક ફોટો રિપૉર્ટ હતો – ‘બિલ્ડિંગ અ હાઉસ ફ્રોમ ધ સ્કૅપ’ – ભંગારમાંથી ગૃહનિર્માણ. મેં એ માત્ર કૌતુકથી વાંચેલું અને પછી ભૂલી પણ ગયેલો. પછી ચંડીગઢની મુલાકાત વખતે પણ એ યાદ ન આવત, જો મારા યજમાન શ્રી મિત્તલનો ‘રૉક ગાર્ડન’ બતાવવાનો અતિ ઉત્સાહ ન હોત.
આજ સવારમાં અમે ચંડીગઢના એક સુંદર સ્થળે ગયેલા – સુખના સરોવર. સૂર્યનો આશીર્વાદ પામતા આ નગરમાં એના સ્થપતિએ શીતલતા આપવા ઠેર ઠેર જળવાપીઓની આયોજના કરેલી છે. અમદાવાદમાં એ સ્થપતિએ કરેલ મ્યુનિસિપલ મ્યુઝિયમનું નિર્માણ સરદાર પુલને નાકે જોવાથી એનો થોડો ખ્યાલ આવશે. પણ સુખના સરોવર તો વિશાળ સરોવર છે – કૃત્રિમ સરોવર. સરોવર વગરનું નગર કેવું? નદી વગરનું કેવું? ચંડીગઢ પણ બે નદીઓના પ્રવાહ વચ્ચે વસાવેલું નગર છે, પણ એ નદીઓમાં કદી પાણી વહેતું નથી. આપણા અમદાવાદની શોભા તો કાંકરિયા ને! પરંતુ અમદાવાદને અને કાંકરિયાને ઇતિહાસ છે. ચંડીગઢ ઇતિહાસ વગરનું નગર છે, પણ હવે એ ઇતિહાસ સર્જી રહ્યું છે!
વરસાદ પડ્યો નથી, એટલે સરોવરમાં પાણીની સપાટી ઊતરી ગઈ હતી, પણ આખો વિસ્તાર વૃક્ષોથી દૂર ક્ષિતિજ પરની પહાડીઓથી નયનરમ્ય છે. સવારે ગયેલા પણ જોતજોતામાં તડકો પથરાઈ ગયેલો અને સવારનો તડકો પણ એવો કે…
પરંતુ નેકચંદના રૉક ગાર્ડનને જોયા વિના ચંડીગઢનું દર્શન અધૂરું રહી જાય એવું શ્રી મિત્તલ કહેતા રહ્યા. મને લઈ ગયા. એમની ઇચ્છા તો નેકચંદ સાથે મારી મુલાકાત કરાવી દેવાની હતી. આમ જોઈએ તો વિશ્વવિખ્યાત શિલ્પીઓની વાત કરતા હોઈએ ત્યાં નેકચંદનું નામ પણ ક્યાંથી લેવાય? એ તો માત્ર પી.ડબલ્યુ.ડી.ના એક સામાન્ય કર્મચારી, કહો કે સુપરવાઇઝરના પદ ઉપર હતા. એનું પણ એક સ્વપ્ન હતું – ભંગારમાંથી નવસર્જન કરવાનું. નોકરીનો ફાજલ સમય આવી ‘નકામી’ બધી ચીજો ભેગી કરી અને પછી તેનો ઉપયોગ કરી દિવસ, મહિના, વરસ એમ એ પોતાના સ્વપ્નને સાકાર કરવા આકૃતિઓ ઉપસાવતા ગયા – ચૂપચાપ. કોઈ શોરબકોર નહિ. જાહેરાતો નહિ. એમ કર્યું હોત તો કદાચ આજે તો આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રૉક ગાર્ડનનું નિર્માણ પૂરું ન થતું હોત. દુનિયાના દેશોએ નેકચંદનું બહુમાન કર્યું છે. સિટી ઑફ બાલ્ટીમોરે એમને પોતાના સન્માન્ય નાગરિક બનાવ્યા છે. ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દરમિયાન અમેરિકા અને મોસ્કોમાં ભાગ લેવા એમને મોકલવામાં આવ્યા.
રૉક ગાર્ડન જોતાં ખરેખર નેકચંદની સર્જક દૃષ્ટિ વિષે આશ્ચર્ય થાય. એક ઇમારતની ડિઝાઇન બનાવી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી અને બાંધવી એ જુદી વસ્તુ છે, પણ જે ચીજવસ્તુઓ મળે તેમાંથી એને અનુરૂપ ગોઠવણી કરતા જઈને નિર્માણ કરવાનું અઘરું છે. અને કેટકેટલું બધું છે? એક હાથે એક સામાન્ય માણસ આટલું બધું કરી શકે?
આ રૉક ગાર્ડનમાં નેકચંદે પોતા માટે ઘર પણ બનાવ્યું છે, જ્યાં રહેવાની એમનીય યોજના છે. એ ઘરનો દરવાજો નકામી વીજળીની સ્વીચોની બનેલી દીવાલોમાં ખૂલે છે. અંદર નાનકડું આંગણ છે. ત્યાં બે બેડરૂમ છે અને સામે જ એક કૃત્રિમ પાણીનો નાનકડો ધોધ છે.
રૉક ગાર્ડનમાં ગુફાઓ અને ખડકો છે. ફૂટેલાં માટલાં અને ચીની માટીની ક્રૉકરીનો ઉપયોગ છે. ઓપન એર થિયેટર છે, નાનકડું સ્ટેજ, બેસવાની જગ્યા પણ. લાકડાનાં થડિયાં પણ ઉપયોગમાં લેવાયાં છે. ક્યાંક કુંભારે બનાવેલી માટીની કુલડીઓની દીવાલ છે.
એક સ્થળે આખો ગામડાનો કૂવો છે. ગામના કૂવાની પાસે ચૌપાલ છે. ત્યાં બંગડીના ટુકડાઓમાંથી કરેલી માનવમૂર્તિઓ છે. ક્યાંક ગ્રીટકપચીનો ઉપયોગ છે. નેકચંદ સુપરવાઇઝર હતા. તે દિવસ અંતે એ કામ અંતે વધેલાં ગ્રીટકપચી પણ અહીં કામમાં આવી ગયાં છે. ગામ હોય એટલે હુક્કા પીતા લોકો હોય, ગપ્પાં મારતા લોકો હોય, આગળ જાનવર બેઠેલાં હોય, કૂતરાં હોય, સ્ત્રીઓ હોય, મોર અને બતક હોય. ઈંટવાડાની બળેલી કોલસી તેમાં વપરાઈ હોય. ક્યાંક ભંગારમાં ફેંકેલી લોખંડની ખુરશીઓ જડી દીધી છે, જે બેસવાના ખપમાં લાગી શકે. એને સિમેન્ટમાં જડી સરખી કરી છે. ગામડાંનાં ઘર હોય, તો છાપરાં પર વાનરોનાં ટોળાં હોય. ફૂટેલાં કપરકાબી અને કીટલીઓમાંથી જાનવર બનાવ્યાં છે.
ક્યાંક માણસની ફોજ ઊભી છે, ક્યાંક મોરની હાર છે… બંગડીના ટુકડાઓમાંથી બનાવેલી. આ બધામાં વચ્ચે વચ્ચે ઠેર ઠેર વૃક્ષો તો હોય. મને લાગે છે કે, બાળકો આ બધું જુએ તો નકામી વસ્તુઓમાંથી એમની સર્જનાત્મકતા કશુંક બનાવી બેસે.
હવે તો સરકાર નેકચંદના આ રૉક ગાર્ડનની દેખરેખ રાખે છે અને પ્રવાસીઓની વ્યવસ્થા સંભાળે છે. મને થયું કે ક્યાં કૉર્બુસિયેની ભવ્ય ડિઝાઇનો અને ઇમારતો અને ક્યાં નેકચંદની ભંગારમાંથી રચાયેલી આ સૃષ્ટિ! નેકચંદની નજરમાં કોઈ પણ ચીજ નકામી નથી. આ બધું જાણે કોઈ જાદુગરના સ્પર્શથી રચાયું હોય એવું લાગે.
નેકચંદનો આ રૉક ગાર્ડન રોઝ ગાર્ડનના આ નગરમાં આશ્ચર્ય પમાડે છે. ભંગારમાંથી જે અનેરી દુનિયા બની આવી છે, તે જોતાં તેની પાછળ કામ કરતી એક અદના માણસ – નેકચંદની સર્જનાત્મક દૃષ્ટિનું અભિનંદન કરવાનું મન થાય છે.
૩ જુલાઈ, ૧૯૮૭
એરપૉર્ટ ચંડીગઢ.
ચંડીગઢની ઉત્તપ્ત બપોર. શ્રી મિત્તલ હમણાં જ મને મૂકીને ગયા છે. થોડાક દિવસો પહેલાં એક સવારે આ જ એરપૉર્ટ પર ઊતર્યો હતો, ત્યારે પવનમાં ભેજભીનાશ હતાં. આ બપોરે પવન પણ ગરમ ગરમ લાગે છે. તેમાંય વિમાન અઢી કલાક મોડું છે. ચિંતા થાય છે કે અમદાવાદ જતા વિમાનના સમયે તો દિલ્હી પહોંચી જવાશે ને? અન્ય પ્રવાસીઓની જેમ હું પણ વ્યગ્રતાથી રાહ જોઉં છું.
એ સાથે વચ્ચે વચ્ચે જોઉં છું દેવોની ઘાટીની હરિયાળી, નગ્ગર પરથી દેખાતી પહાડી ચિત્રણા, બરફથી શોભી ઊઠેલાં સવારનાં શિખરો અને સાથે સાથે સાંભળું છું વિપાશાનું દ્રુત લહરીલું અખંડ ગુંજન.