રૌરવ

પત્નીએ કઠેરા પર ઝૂકીને કહ્યું: ‘વહેલા…’ પણ ‘આવજો’ શબ્દ એ બોલે તે પહેલાં અશ્વિને એને પત્નીના હોઠ પરથી ચૂમી લીધો, ને એ ‘આવજો’માંના સ્નેહમય ઉત્સુકતાભર્યા નિમન્ત્રણની મધુરતાને એણે પોતાની રગેરગમાં પ્રસરવા દીધી.

ઓફિસમાં એણે હંમેશની જેમ પગ મૂક્યો, પણ પગ મૂકતાંની સાથે જ એના મનમાં કશુંક ખૂંચ્યું. એ વિશાળ મકાન, એમાં દુ:ખી માણસની ઊંઘમાં ફરી ફરી આંટા મારતા દુ:સ્વપ્નના જેવું ‘લિફટ’, કશું બોલ્યાચાલ્યા, વિના આવજા કર્યે જતા, મૂગી કીડીના હાર જેવા, માણસો – આ બધું જોઈને એનો પગ સહેજ અચકાયો, પણ એના કારણનો વિચાર કરે તે પહેલાં તો એ અંદર દાખલ થઈ ચૂક્યો હતો. ત્યાં એકસરખો ‘ટાઇપરાઇટર’નો અવાજ એને કાને પડ્યો. એ બધાંમાં એના હૃદયના ધબકારનો તાલ એને બસૂરો લાગ્યો, ને એ બદલ પોતે ગુનેગાર હોય તેમ પોતાને સ્થાને એ જવા વળ્યો. ત્યાં એની પાસેના પાટિર્શનનું ‘ફલૅપ ડોર’ ચપરાશીએ ખોલ્યું ને કશું બોલ્યા વિના, પણ સૂચક દૃષ્ટિએ, એની તરફ તાકી રહ્યો. આથી પોતાને સ્થાનેથી જ એ પાછો વળ્યો ને ચપરાશી તરફ ખુલાસો માગતી દૃષ્ટિએ જોઈ રહ્યો. પણ ચપરાશી કશું બોલ્યા વિના બારણું ખુલ્લું રાખીને ઊભો જ રહ્યો. આખરે એ બારણામાં થઈને અશ્વિને પાટિર્શનની બીજી બાજુની દુનિયામાં પ્રવેશ કર્યો. એ આખી દુનિયા જ જુદી હતી. એક મોટા ઓરડામાં એક છેડેથી તે બીજા છેડા સુધી એક સળંગ કાઉન્ટર હતું. એમાં વચ્ચે વચ્ચે હાથબારી હતી. કાઉન્ટરની પાછળની દુનિયા બહુ સ્પષ્ટ દેખાતી નહોતી. અંદર દાખલ થઈને એ સહેજ ખંચકાઈને ઊભો રહી ગયો. ત્યાં કાઉન્ટરમાંની એક બારી ખૂલી ને એમાંથી એક હાથ બહાર આવ્યો. એના પંજા પરની નસો બધી ફૂલી આવેલી હતી, ને એની આંગળીઓ ગાંઠા ગાંઠાવાળી હતી. શરીર વિનાના આ એકલા હાથને જોઈને એને એક વિચિત્ર લાગણી થઈ – એ ભયની હતી કે જુગુપ્સાની તે એ નક્કી કરવા જતો હતો ત્યાં જ પેલો હાથ અસ્થિર બનીને સળવળ્યો ને કાઉન્ટરના પાટિયા સાથે પછડાઈને એણે અવાજ કર્યો. એ હાથ અધીરો બન્યો હતો, ને એ અધીરાઈમાં રોષની પણ માત્રા ભળી હતી. આથી વળી એ ગુનેગારની જેમ એ હાથ પાસે ગયો, ને ક્ષમાયાચના માટે એ હાથના માલિકની શોધ કરી, પણ કાઉન્ટર ઉપરની લાકડાની પટી ઊંચી હતી ને હાથબારી સાંકડી હતી. આ હાથ પાસેથી કેવી રીતે ક્ષમા યાચવી? ત્યાં એ હાથની આંગળીઓ આગળ વધી. ને એમાંથી એક કાપલી સરીને એની હથેળીમાં પડી, પેલી હાથબારી ફરી વસાઈ ગઈ. એણે પોતાના હાથમાંની કાપલી તરફ નજર કરી. એમાં માત્ર લખ્યું હતું: કાઉન્ટર નં. 25. એ ફરી ફરી 25ના આંકડાને તાકી રહ્યો, પણ પેલા ચપરાશી અને પેલા હાથની જેમ એ આંકડાના ચહેરા પર કશો ફેરફાર થયો નહીં. એ કાપલી હાથમાં લઈને એ ઘડીભર ત્યાં એમ ને એમ ઊભો જ રહી ગયો. આ દરમિયાન બે ચાર માણસો એને અથડાઈને ચાલ્યા ગયા. એમાંના કોઈને ઊભા રાખીને એ કશુંક પૂછવા વિચાર કરતો હતો, ત્યાં ઉપરના લાઉડસ્પીકરમાંથી ઘોઘરા અવાજે સૂચના અપાઈ: આવવા જવાના રસ્તા પરથી દૂર ખસો, કામમાં ખલેલ ન પાડો. ને વળી એ ગુનેગારની જેમ પેલા 25ના આંકડાનું રહસ્ય શોધવાને આગળ વધ્યો. એ દરમિયાન આખો વખત ટાઇપરાઇટરના અવાજ એને કાને અથડાયા કર્યા – એને લાગ્યું કે આ જાણે જુદા જ પ્રાણીઓનો દેશ હતો, ને આ ટાઇપરાઇટરનો અવાજ તે એ પ્રાણીના શ્વાસોચ્છ્વાસનો અવાજ હતો. એ આગળ વધ્યે જતો હતો ત્યાં એના પગ નીચે કશું દબાતાં એકાએક ઘંટડી વાગી ને એની સામેની દીવાલ પર વીજળીનો એક મોટો લાલ દીવો એકદમ ઝળકવા લાગ્યો, એની સાથે જ થોડી થોડીવારે એક કર્કશ ઘંટડીનો અવાજ સંભળાવા લાગ્યો. શું કરવું તે એને સમજાયું નહીં, એણે મદદ માટે આજુબાજુ જોયું તો બધી હાથબારીઓ એક સાથે ખૂલી ગઈ હતી ને એમાંથી હાથોની એક લાંબી કતાર બહાર નીકળીને હાલતી હતી. આ વખતે એ ભયથી ધ્રૂજી ઊઠ્યો. એક સાથે હાલતી પેલી હાથોની કતાર જોઈને પૃથ્વીના આદિકાળના ભયંકર પ્રાણીઓ પૈકીનું કોઈ પ્રાણી એનાં વિશાળ જડબાંને ખોલીને એને કોળિયો બનાવી દેવાને એના તરફ ધીમેધીમે આવી રહ્યું હોય એવું એને લાગ્યું. એ આ ભયની સ્થિતિમાંથી મુક્ત થયો નહોતો ત્યાં પાછળથી એક હાથે આવીને એના હાથને ખેંચ્યો, એને લાગ્યું કે એ પેલા વિકરાળ પ્રાણીનાં જડબાંમાં જ ફસાયો છે: એને અંધારાં આવ્યાં. એ પેલા હાથનો દોરવાયો ચાલવા લાગ્યો. આ સ્થિતિમાં એ ચાલ્યે જ ગયો, જાણે કેટલાંય જોજનો એણે વટાવી ન નાખ્યાં હોય! આખરે પેલા હાથે એના હાથને પકડમાંથી મુક્ત કર્યો. એ અટક્યો. થોડી વાર રહીને એણે આંખો ખોલી. જોયું તો પોતે એક નાના સરખા અત્યન્ત સાંકડા ઓરડામાં ઊભો હતો. અંદર બીજું કોઈ નહોતું. ઉપરની છત અત્યન્ત નીચી હતી; ને પ્રત્યેક પળે જાણે નીચે ને નીચે ધસી આવીને એને કચડી નાખતી ન હોય એવું લાગતું હતું. ઓરડાની બરાબર વચમાં એક નીચું ટેબલ હતું, એના પર મોટો કાળા રંગનો કાચ હતો, એક ખૂણામાં ભડક લાલ રંગની ગાદીવાળી એક ખુરશી હતી. દીવાલ ઉપર એક ઘડિયાળ હતું. એનું યન્ત્ર પારદર્શી કાચમાંથી દેખી શકાતું હતું. એની આ નગ્નતામાં કશુંક અશ્લીલ હતું. એ આ જોઈ રહ્યો હતો એ દરમિયાન જ દોઢનો ટકોરો પડ્યો. ટકોરાની કરામત વળી અજબ તરેહની હતી. ફ્રાન્સમાં દેહાન્તદણ્ડ આપવાને માટે ગિલોટિનની વ્યવસ્થા હતી. તેવું ગિલોટિન ઘડિયાળની અંદર ગોઠવ્યું હતું. એની નીચે માથાના આકારનો ધાતુનો ભાગ એક આંચકા સાથે ધસી આવતો ને તેની ઉપર ધારદાર છરાના આકારનો બીજો ધાતુનો ભાગ, એમ જ, આંચકા સાથે આવીને અથડાતો, ને ટકોરા પડતા. અશ્વિન ક્યાં સુધી એ ઘડિયાળ સામે જોઈ જ રહ્યો. એટલામાં એકાએક એક સાથે ઘણા પગોની ત્વરિત ગતિનો એકસામટો અવાજ એને કાને અથડાયો. એ પગોની ગતિમાં આગમાંથી બચવાને નાસી છૂટતા પગોમાં હોય છે તેવો ગભરાટ હતો. આ અવાજ પાંચેક મિનિટ સુધી એક સરખો ચાલુ રહ્યો. અશ્વિન એ અવાજ સાંભળતો જ બેઠો હતો. ત્યાં ઘડિયાળની નીચેની દીવાલમાંથી એક પાટિયું ખસ્યું, દીવાલની બીજી બાજુથી એક કાપલી સરીને આવી. એ કાપલી એણે લીધી ને વાંચ્યું: મુલાકાતનો સમય: બપોરના બે વાગ્યે ને એની નજર ઘડિયાળ તરફ ગઈ. હજુ વીસેક મિનિટ બાકી હતી. એણે ફરી ઓરડા તરફ નજર કરી. એને ક્યાંય બહાર નીકળવાનું કે અંદર દાખલ થવાનું બારણું દેખાયું નહીં. ટેબલ અને ખુરશી ઓરડીના આકારને એવે ખૂણે કાપતાં હતાં કે આંખને ત્રાસ થતો હતો. એણે એટલી નાની ઓરડીમાં આંટા મારવાનો પ્રયત્ન કર્યો. ત્યાં એક જગ્યાએ એકદમ નીચી થઈ ગયેલી છત સાથે એનું માથું ભટકાયું, ને એના માથામાંથી જાણે વિદ્યુતનો પ્રવાહ પસાર થઈ ગયો. એણે આંખોને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો, પણ બધું એને ડોલતું લાગ્યું. એણે ટેબલ પરના ગ્લાસમાંથી પાણી પીધું, ને ખુરશી પર જઈને બેઠો. ત્યાં છત ઉપરની દીવાલમાંથી કે કોણ જાણે ક્યાંથી અવાજ આવ્યો: એક ને પિસ્તાળીસ, મુલાકાત માટે પંદર મિનિટ બાકી. ને ફરી એની નજર ઘડિયાળ અને એની અંદરના ગિલોટિન પર પડી. ત્યાં ઘડિયાળની નીચેનું પાટિયું ફરી ખસ્યું ને એમાંથી એક કાગળ સરીને નીચે પડ્યો, એણે એ કાગળ ઉપાડીને જોયો. એની ઉપર મોટા લાલ અક્ષરે લખેલું હતું: ‘બચાવનામું.’ એની નીચે નાના નાના અક્ષરોનું કીડિયારું ઊભરાયું હતું. એની આંખો આગળ એ અક્ષરો ઊભરાતા જ ગયા, ઊભરાતા જ ગયા, ને જાણે એને ચટકા ભરવા લાગ્યા. એણે પાનું ફેરવ્યું ને છેક નીચેની બે લીટીઓ વાંચી: મારા ગુનાનો હું એકરાર કરું છું, ને એને માટેની શિક્ષા સહન કરવાને તત્પર છું. એ કાગળ એ પાછો ટેબલ પર મૂકી દેવા જતો હતો ત્યાં વળી પેલો અવાજ સંભળાયો: એક ને પંચાવન, અશ્વિન દેસાઈ, બચાવનામું તૈયાર રાખો. સમયનો ગાળો હવે બહુ સાંકડો થઈને જાણે એના ગળામાં ભેરવાયો હોય એવું એને લાગ્યું. એ પાંચ મિનિટના નાનકડા છિદ્રમાંથી બહાર સરી જવાને એણે હવે તરત જ પ્રયત્ન કરવો જોઈએ. એ ધૂંધવાયો. અપરાધ? શિક્ષા? શાનો અપરાધ? ત્યાં એક કર્કશ અવાજવાળી ઘંટડી વાગી, થોડે થોડે અન્તરે એ વાગતી જ રહી, તેની સાથે દીવાલમાંનો એક લાલ દીવો થોડે થોડે અન્તરે ઝબકવા લાગ્યો. ઘંટડીનો કર્કશ અવાજ અને દીવાનો લાલ ઝબકારો – એ બેના સાણસામાં એ જાણે ધીમેધીમે ઝલાતો ગયો, એનાથી હવે રહેવાયું નહીં. એણે દીવાલ પરના લાલ દીવાના પર મૂઠી ઉગામી ને એના ચૂરેચૂરા કરી નાખ્યા. ઓરડામાં અંધારું થઈ ગયું. પેલી ઘંટડીનો અવાજ બંધ થઈ ગયો. કેવળ ઘડિયાળનો ટક ટક અવાજ એ ઓરડામાં અન્ધકારને જાણે કોદાળીની જેમ ખોદતો ગયો, ને એના ખાડામાં એ દટાતો ગયો. એને લાગ્યું કે ગળાબૂડ દટાઈ ચૂક્યો હતો. આથી એણે ચીસ પાડી, ને મૂઠી વાળીને નાસવા જતાં ટેબલ સાથે અથડાઈને ઢળી પડ્યો; ને તરત જ પેલો અવાજ એને કંઈક કહેવા લાગ્યો, પણ એના શબ્દોને એ પારખી શક્યો નહીં. એક સરખા ભાર સાથે એકધારી ગતિથી એ અવાજ કાંઈક બોલ્યે જ ગયો, એનો ક્યારેય અન્ત આવશે નહીં એવું એને લાગ્યું. ને એ સ્થિતિમાં શૂન્યવત્ પડી રહ્યો. એમ ને એમ એ ક્યાં સુધી પડી રહ્યો તે એને સમજાયું નહીં. પછી એને લાગ્યું કે કોઈક એને દોરીને લઈ જઈ રહ્યું છે – નજીક નજીકની દીવાલવાળી સાંકડી પણ લાંબી પરસાળમાંથી એ જતો હતો, એ પરસાળનો છેડો દેખાતો નહોતો. વચ્ચે વચ્ચે વળાંક આવતા હતા, ને ત્યાં મોટા લાલ અક્ષરે આંકડા લખેલા હતા. એ ચાલ્યે ગયો, ચાલ્ચે જ ગયો; ને વળી બધું ભુંસાઈ ગયું. પછી એણે આંખો ખોલીને જોયું તો ઓફિસમાં એ પોતાના ટેબલ આગળ બેઠો હતો. આખી ઓફિસ ખાલી હતી. કેવળ વચમાંનો મોટો દીવો નીરવ પ્રકાશ ફેલાવી રહ્યો હતો. એ ઊઠ્યો ને દરવાજા આગળ આવ્યો. ચપરાશીએ બારણું ખોલ્યું. અશ્વિન ઘડીવાર ઊભો રહ્યો. એ દરવાજાની બહાર શું હશે તેની એની ખાતરી નહોતી. આથી એ ઘડીક ખંચકાયો. પછી હિંમત કરીને એ બહાર આવ્યો, પગથિયાં ઊતર્યો. કોટના ખિસ્સામાંના એના હાથની આંગળીને કશીક પરિચિત વસ્તુનો સ્પર્શ થયો. એ વસ્તુને એણે બહાર કાઢી. વિદાય આપતી પત્નીના અંબોડામાંથી ખરી ગયેલું એ ફૂલ હતું. એને હાથમાં રમાડતો રમાડતો એ ઘર તરફ વળ્યો. સાંજના પ્રકાશે એના મોઢા પર હાસ્ય છવાયું હોય એવી આભા ફેલાવી દીધી.

License

બીજી થોડીક Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.