અંજુ ચકલીને ઉડાડીઉડાડીને થાકી, કેમે કરી એ ઓરડાની બહાર નીકળતી નહોતી. બારીના ‘શટર’ જોડે અથડાઈને પાછી પંખાની પાંખ ઉપર આવીને બેસી જતી હતી. કદાચ સાંજ પડી ગઈ હોવાથી એને હવે સૂઝતું નહોતું. પણ એ જો આખી રાત આ ઓરડામાં રહે તો પોતાને ઊંઘ નહીં આવે એવા ખ્યાલે અંજુ રાત પડી જાય તે પહેલાં એને બહાર કાઢવાનો પ્રયત્ન કરતી હતી. પણ એમ કરતાં વળી એને દયાની લાગણી પણ થઈ આવતી: છો ને બિચારી અહીં બેસી રહેતી, માળો ભૂલી ગઈ હશે ત્યારે જ ને!
પાસેના દીવાનખાનામાં શ્રીપતરાય જરાક અસ્વસ્થ થઈને આંટા મારતા હતા. કોલેજમાં રજાઓ પડી ગઈ હતી, ને આજે સવારથી કાંઈ એવો પવન નીકળ્યો હતો! એથી જાણે બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કશીક અકારણ અધીરાઈ, વિહ્વળતા એમના લોહીમાં સળવળી ઊઠી હતી. એમણે જરા સ્વસ્થ થઈને કશાકમાં ચિત્તને પરોવવાના બહુ પ્રયત્ન કર્યા. અર્ધા કલાકમાં દશેક સિગારેટ અર્ધી પીધી ન પીધી ને ફેંકી દીધી. વૂડહાઉસની નવલકથા લીધી, ચારપાંચ પાનાં ઉથલાવ્યાં ને એય મૂકી દીધી. રેડિયો શરૂ કર્યો. પણ સિતાર પર જોગિયાના સૂર સાંભળતા વળી અસ્થિર થઈ ઊઠ્યા. આખરે પાળેલી બિલાડી કેટીને ખોળામાં લીધી, એને થોડાં લાડ લડાવ્યાં, પણ બિલાડીને કોણ જાણે શો તુક્કો આવ્યો તે એ એકાએક કૂદીને વરંડામાં દોડી ગઈ. આથી, બીજું કશું ન સૂઝતાં શ્રીપતરાય દીવાનખાનામાં આંટા મારવા લાગ્યા.
શ્રીપતરાયનાં પત્ની ને અંજુનાં મા મંજુબેન એકાગ્ર બનીને, બારી આગળનો લેમ્પ સળગાવી, કશુંક ભરવાગૂંથવામાં પરોવાયાં હતાં. એમની આંગળીઓ ભારે ચપળતાથી ફરી રહી હતી. એમની આંખો આંગળીની દરેક હિલચાલને અનુસરતી હતી. એકાદ ખોટો આંટો લેતાં એમની ભ્રમર વંકાઈ જતી ને ભરેલું ઉકેલી નાખીને એઓ ફરીથી કૃતનિશ્ચયી બનીને ભરવાના કાર્યમાં પરોવાઈ જતાં હતાં. એમની આ સ્વસ્થતા ને એકાગ્રતાથી શ્રીપતરાય વધુ અસ્વસ્થ બની જતા હતા.
અંજુ આખરે થાકીને બારી આગળની આરામખુરશી પર બેસી પડી. શ્રમને લીધે એના ગાલ પર રતાશ દોડી આવી હતી. એ સાડીના છેડાથી પવન ખાવા લાગી. બહાર હીંચકા આગળના મોગરાને અસંખ્ય કળીઓ બેઠી હતી. આ બાજુ લીમડાની મંજરી મહેકી ઊઠી હતી, પાસેના શિરીષવૃક્ષ પરથી શિરીષનાં ફૂલોની ક્ષીણ વાસ આવતી હતી, અંજુ પોતાના હૃદયના ધબકારાને સાંભળતી બેઠી હતી ત્યાં પંખા પર બેઠેલી ચકલીએ બહાર નીકળવાને ફરી એક પ્રયત્ન કરી જોયો. એની આંધળી ગતિનો બહાવરો ફડફડાટ અંજુ સાંભળતી બેસી રહી.
શ્રીપતરાયે પોતાની ખુરશી બારીના લેમ્પની પાસે ખસેડી. વીજળીના દીવાના તેજમાં દેખાતી એમની પત્નીની મુખાકૃતિને એઓ જોઈ રહ્યા. મંજુનો દેહ ભરાવદાર હતો. પ્રૌઢ વયમાં પણ એ ચહેરો નમણો લાગતો હતો. અલબત્ત, યૌવન સમયની તન્વી મંજુના પર જાણે માંસ અને ચામડીનું એક બીજું પડ ચઢાવ્યું હોય એમ લાગતું હતું. પણ એની દૃષ્ટિ હવે સ્થિર બની ગઈ હતી; એની ચાલમાં લાલિત્યને સ્થાને ગૌરવ આવી ગયું હતું. એના અવાજમાં વાર્ધક્યમાં આવનારી પરુષતાનો પહેલો સ્પર્શ હવે વરતાવા લાગ્યો હતો. શ્રીપતરાય આ બધું વીગતે જોતા હતા – ત્યાં મંજુના હાથમાંનો દોરો તૂટી ગયો. જીભથી દોરાના છેડાને સહેજ ભીનો કરી એને વળ ચઢાવીને એ સોયમાં પરોવવા જતી હતી. શ્રીપતરાયને આ ક્રિયા ખૂબ આકર્ષક લાગી, ને તરત એમના સ્મૃતિપટ પર એક ચિત્ર અંકાઈ ગયું. લગ્ન પહેલાં મંજુને ઘરે એઓ એમના મિત્ર સાથે ગયા હતા ત્યારે મંજુ આમ જ વાડીના હીંચકા પર બેઠી વેણી ગૂંથવાને સોયમાં દોરો પરોવી રહી હતી. પછી તો ફૂલો ગૂંથાતાં ગયાં ને …
શ્રીપતરાયનો હાથ મંજુ તરફ લંબાયો, બંને વચ્ચેના અવકાશમાં એ થોડી વાર દ્વિધાગ્રસ્ત દશામાં અટકીને લબડતો રહી ગયો, એની આંગળીનાં ટેરવાં ધ્રૂજવા લાગ્યાં, એને કાંડે પરસેવાની સેર ફૂટી; ને શ્રીપતરાયે પોતાના હાથને પાછો ખેંચી લીધો. મંજુનું તો એ તરફ જરાય ધ્યાન સરખું નહોતું. એની આંગળીઓ ફરી એટલી જ ચપળતાથી ફરવા લાગી. ને એની આંખો એ આંગળીની ગતિને અનુસરવા લાગી. શ્રીપતરાયે એક નિ:શ્વાસ નાંખ્યો ને મંજુ તરફ જોયું. મંજુ એવી ને એવી અવિચળ હતી. એઓ ફરી ખુરશી પરથી ઊઠ્યા ને ટિપાઇ પરના ડિકેન્ટરમાંથી ગ્લાસમાં ઠંડું પાણી રેડ્યું, પછી જાણે ખૂબ સ્વાદપૂર્વક એને પીવા લાગ્યા.
ચકલીએ બેસવાની જગ્યા બદલી. કદાચ પંખો હવે એને અંધારામાં સૂઝ્યો નહીં એટલે એ કબાટ પર બેસી ગઈ. અંજુ ખુરશીમાં બેઠી બેઠી બારી બહાર પ્રસરતા અન્ધકારને જોઈ રહી. એને પહેલાં તો એમ હતું કે જરા શણગાર કરવો. આનન્દ આજે પહેલી જ વાર એને ઘરે આવવાનો હતો – ને તેય પપ્પા ને મમ્મીની સંમતિથી. પણ પછી એને થયું: એ પ્રસંગને એ રીતે અસાધારણ બનાવવાનો પ્રયત્ન કરીશ તો બધું જ અસાધારણ બને એવી અપેક્ષા રહેશે. એવું શા માટે? સાધારણમાંથી જ એકાએક કશુંક અસાધારણ ડોકિયું કરીને ચમકાવી દે તેમાં જ મજા. આવા ખ્યાલે એ સ્વાભાવિકતાનો ડોળ કરતી ખુરશી પર બેઠી બેઠી પોતાના અસ્થિર ને વિહ્વળ હદયના ધબકારા સાંભળી રહી હતી.
બિલાડી પાછી અંદર આવી ને શ્રીપતરાયની ખાલી ખુરશી ઉપર જઈને બેસી ગઈ. બે પગ વચ્ચે આરામથી માથું ગોઠવીને એ જાણે ઊંઘવા લાગી. શ્રીપતરાય મંજુની પીઠ આગળ આવીને ઊભા રહ્યા ને એના ખભાના સુડોળ માંસલ ઢોળાવને જોઈ રહ્યા. એની ગરદન ઉપરનો પેલો તલ હજુ એમનો એમ હતો. એમના ઉષ્ણ ઉચ્છ્વાસના સ્પર્શથી મંજુએ સહેજ ગરદન વાંકી કરી. એમ કરવાથી પડેલી ગડીમાં પેલો તલ ખોવાઈ ગયો, ને ગરદન સીધી થતાં પાછો પોતાને અસલ સ્થાને સ્થિર થઈને બેઠો. શ્રીપતરાય ફરી પોતાની ખુરશી આગળ ગયા, બિલાડીને ઊંચકી, પોતે ખુરશી પર બેઠા ને મંજુના ખભા તરફ જોતાંજોતાં બિલાડીના બરડાને પંપાળવા લાગ્યા. બિલાડી કૃતજ્ઞતાપૂર્વક શ્રીપતરાય સામે જોઈ રહી.
અંજુએ ધીમે રાગે એક ગીત ગૂંજવા માંડ્યું. એ ગીતને શબ્દો નહોતા. કેવળ સૂર હતા. એની આંગળીઓ ખુરશીના હાથ પર એ સૂરને તાલ આપવા લાગી. એ સૂરમાં ચાંદની રાતે પોયણી પવનની આછી લહરથી સહેજ ડોલે તેવું આન્દોલન હતું; પ્રણયના આવેગના ભારથી પ્રિયતમા પ્રિયતમને ખભે માથું ઢાળે ત્યારે ગ્રીવાને જે નયનસુખ બંકિમતા પ્રાપ્ત થાય તેવી બંકિમતા હતી; દૂરદૂરના તારાના તેજપલકાર જેવી એની ચંચળ દ્યુતિ હતી. અંજુ સૂરની તરલ કેડીએ થઈને અણજાણપણે પ્રણયના ઝંઝાવાતની દિશામાં જઈ રહી હતી.
શ્રીપતરાયે મંજુને એકાએક પૂછ્યું: મંજુ, યાદ છે તને, આપણે પહેલી વાર ક્યારે મળ્યાં હતાં તે? થોડી વાર સુધી મંજુના જવાબની એમણે રાહ જોઈ. મંજુ સહેજ સળવળી ને પૂર્વવત્ કામમાં પરોવાઈ ગઈ. આથી શ્રીપતરાયે જ પોતાના પ્રશ્નનો જવાબ આપ્યો: આપણે એલિફન્ટા મછવામાં જવા નીકળ્યાં હતાં. તું તારી મંડળીમાં હતી, હું મારી મંડળીમાં – અકસ્માત જ ભેગાં થઈ ગયાં હતાં. તું કેવી રમતિયાળ હતી, ચંચળ હતી! મછવાની એક ધારે બેસીને ઝૂકી ઝૂકીને પાણીમાં હાથ ઝબકોળી અંદર બેઠેલાંનાં પર પાણી ઉડાડતી હતી. ત્યાં એકાએક તું વધારે ઝૂકી ગઈ ને પાણીમાં સરી જતી હતી ત્યાં મેં તને પકડી લીધી. તને ખેંચી લેવાને પકડેલો તારો હાથ મારા હાથમાં રહી જ ગયો. આજુબાજુનાં બધાંની નજર આપણા પર મંડાઈ છે એનું ભાન થયું ત્યારે જ તેં હાથ ખેંચી લીધો. યાદ છે, આપણું એ પ્રથમ પાણિગ્રહણ?
મંજુ સહેજ હસી. એની આંખ આગળ એ દૃશ્ય ખડું થયું. ત્યારે એ બહુ તોફાની હતી. એને બધું બરાબર યાદ છે: એ કાંઈ પડી તો નહોતી જવાની: જો ત્યારે એનો હાથ પકડાયેલો ન હોત તો એણે તમાચો જ ખેંચી કાઢ્યો હોત! આથી ‘પાણિગ્રહણ’ શબ્દ સાંભળીને એ હસી. બિલાડી શ્રીપતરાયના ખોળામાંથી કૂદીને મંજુની પાસે આવી, એના પગ સાથે પોતાનું શરીર ઘસવા લાગી. મંજુએ એને પગ વડે દૂર હડસેલી મૂકી. બિલાડી વિરોધદર્શક અવાજ કરતી બારીની પાળ પર ચઢીને બેસી ગઈ.
અંજુનું ગીત ક્યારે હવામાં ખોવાઈ ગયું તેની એને પોતાને પણ ખબર ન પડી. એણે ઊઠીને ટેબલ પરની ચોપડીઓ સરખી ગોઠવવા માંડી. પોતાનો ભરતનાટ્યમ્ની મુદ્રામાં પાડેલો ફોટો ક્યાં સંતાડવો તેની જગ્યા એ શોધવા લાગી. શોધતાં શોધતાં એ કબાટ પાસે ગઈ. ત્યાં ઉપર બેઠેલી ચકલીની નિદ્રાગ્રસ્ત છતાં ખુલ્લી આંખો તરફ એની નજર ગઈ. ચકલીની સ્વસ્થતામાં ભંગ ન પડે એટલા માટે એ ચોરપગલે ચાલીને ટેબલ પાસે જતી હતી ત્યાં આનન્દનો ટહુકો સંભળાયો: અંજુ! એ ટહુકાર આખી ઓરડીમાં મીઠાશની લ્હાણ કરતો ફરી વળ્યો. એ મીઠાશમાં તરબોળ બનીને એણે આનન્દ સામે જોયું, ને ઘડિયાળમાં સાતના ટકોરા પડ્યા.
મંજુની આંગળીઓ એ જ ગતિએ ફરી રહી હતી. એ નાનકડી આંગળીઓની કૃતનિશ્ચયતા શ્રીપતરાય જોઈ રહ્યા. એ આંગળીઓ ફરતી અટકી પડે તો કેમ જાણે આખું ઘર કડડભૂસ તૂટી પડવાનું ન હોય! આવી કશીક ભીતિ એ આંગળીમાં ગતિનો સંચાર કરતી હોય એવું શ્રીપતરાયને લાગ્યું. એ આંગળીઓના પર એમને એકાએક દયાની લાગણી થઈ આવી. આ ગતિના અન્ધ આવર્તમાંથી એનો ઉદ્ધાર કરવાની પુરુષસહજ વૃત્તિથી એઓ આગળ વધ્યા ને મંજુનો હાથ પકડવા ગયા ત્યાં અંજુએ દીવાનખાનામાં પ્રવેશ કરતાં કહ્યું: મા, આ આનન્દ!
એ ‘આનન્દ’ શબ્દમાં અંજુના હૃદયની વિહ્વળતા, મધુરતા, પ્રણયની પ્રથમાવસ્થાનાં આશંકા અને ભીતિ બધું છલકાઈ ઊઠ્યું. ક્યાં સુધી એ ઓરડાના વાતાવરણમાં એ ‘આનન્દ’ શબ્દ તરતો જ રહ્યો, એનો રણકાર શમ્યો જ નહીં.
શ્રીપતરાયે ફરી પીછેહઠ કરી ને પોતાને સ્થાને બેસી ગયા. મંજુની આંગળીઓ ફરતી જ રહી. એની આંખો પણ ઊંચી ન થઈ. માએ આંખો ઊંચી કરીને આનન્દ સામે જોયું નહીં તેથી અંજુ સહેજ નાખુશ થઈ. એણે આનન્દ સામે જોયું, આનન્દ મંજુની આંગળીઓની ગતિ જોઈ રહ્યો હતો. અંજુએ પણ એ આંગળીઓ જોઈ – ને તરત એની આંખ સામે પેલી નિદ્રાગ્રસ્ત પણ ભયત્રસ્ત ચકલીની ફફડતી પાંખો ખડી થઈ ગઈ.
મંજુ બેચાર જરૂરી શબ્દો બોલી, શ્રીપતરાયે થોડી વાત કરી. પછી ચા આવી, એટલે બધાં ઊઠીને ગોળ ટેબલ આગળ ગયાં. મંજુએ ગૂંથવાનું કામ બાજુએ મૂક્યું ને આળસ મરડીને એ ઊભી થઈ. એ પણ બધાંની સાથે આવીને બેઠી. આનન્દના પરથી ખસીને અંજુની નજર ફરી માની આંગળી પર ગઈ – હજુ એમાં પેલો સળવળાટ ને ફફડાટ હતો, ગરોળીની કપાઈને છૂટી પડી ગયેલી પૂંછડીમાં હોય છે તેવો.
આનન્દના પગ આગળ કેટી આવીને બેસી ગઈ. એણે ‘મ્યાઉં’ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચ્યું, એટલે આનન્દે એના તરફ નજર કરી, ને જોયું તો ટેબલ નીચે શ્રીપતરાયનો પગ મંજુબહેનના પગને થોડી થોડી વારે દાબી રહ્યો હતો, ને મંજુબહેનનો પગ એને સહેજ તોછડાઈથી હડસેલી રહ્યો હતો. આનન્દ આ જોતો હતો. ત્યાં ચા રેડતાં અંજુનો હાથ એને સ્પર્શી ગયો. એ સ્પર્શથી ચકિત થતાં અંજુનો હાથ સહેજ હાલી ગયો ને આથી થોડી ચા આનન્દના પર ઢોળાઈ. આ જોઈને મંજુબેન બોલ્યાં: અંજુ! એ સમ્બોધનમાં રહેલી ધારદાર તીક્ષ્ણતા આનન્દને પણ ડરાવી ગઈ.
શ્રીપતરાય ઊભા થયા, પાઇપ લઈને એમાં તમાકુ ઠાંસ્યો ને પછી થોડી વાર એ પાઇપને સળગાવ્યા વગર જ મોંઢામાં ગોઠવી રાખી, પછી એને સળગાવી. તમાકુના ધુમાડાનું આછું આચ્છાદન આખા ટેબલ પર ફરી વળ્યું. ચા પીવાનો વિધિ પૂરો થયો. મંજુબહેન જરા બોલ્યાં અંજુ, આનન્દને વાડીમાં ફેરવી લાવ.
આનન્દ અને અંજુ વાડીની ખુલ્લી હવામાં આવીને પ્રફુલ્લિત થયાં. મોગરાના મઘમઘાટે તેમને અકળાવી મૂક્યાં. વાતચીતને માટે બંને શબ્દોની શોધમાં નીકળ્યાં, પણ અર્ધેથી જ એ પ્રયત્ન છોડી દીધો. સાહેલીના લતાકુંજ નીચે ચાંદનીમિશ્રિત સુવાસમાં તરતાં તરતાં થોડો વખત સુધી એમણે અક્રમ જલ્પના ચલાવી, પણ કશાક અગમ્ય ભાવની ભરતીમાં એ અસમ્બદ્ધ વાતોનો રેતાળ કાંઠો ઢંકાઈ ગયો – ભરતીના છલકાવાનો અવાજ જ કેવળ હૃદયધબકારમાં સંભળાતો રહ્યો.
મંજુએ ફરી ગૂંથવાનું કામ હાથમાં લીધું નહીં. એણે સોફા પર બેસીને પાસેના ટેબલ પર ગોઠવેલા લાકડાના ઊંટને હાથમાં લીધું ને એના પર ચઢેલી ધૂળ ફૂંક મારીને સાફ કરવા લાગી. એના ફૂંક મારવાને ફુલાવેલા ગાલ શ્રીપતરાય જોઈ રહ્યા. પછી એઓ ચોરપગલે મંજુના સોફા તરફ આગળ વધ્યા…
બિલાડી અંજુના ખાલી ઓરડામાં ગઈ, એને કશીક ગન્ધ આવી. એના સ્નાયુઓ એકાએક સન્નદ્ધ બની ગયા, ને એણે આખા ઓરડામાં પોતાની નજર ફેરવી, ત્યાં કબાટ પર બેઠેલી ચકલી તરફ એની નજર ગઈ, ને એ ચોરપગલે કબાટ તરફ આગળ વધી…
અંજુ અંગૂઠા પર ઊંચી થઈ ને સહેજ ઊંચેનાં ફૂલોના ગુચ્છાને તોડવા મથતી હતી. એની આ અંગભંગીની મોહકતા આનન્દને પરવશ કરી રહી હતી. આનન્દ અંજુ ન જાણે તેમ ચોરપગલે એની આગળ આવીને ઊભો રહ્યો, એની પાસે, અત્યન્ત પાસે અંજુનો ગાલ આવી ગયો, ને એણે અંજુને કર્ણમૂળ આગળ ચૂમી લીધી. અંજુ બહાવરી બનીને ઊભી જ રહી ગઈ…
શ્રીપતરાય સોફાની પીઠ સુધી મંજુનું ધ્યાન ખેંચ્ચા વગર પહોંચી ગયા. મંજુના માથા પરનો કેશભાર, એની ગૌર ગ્રીવા ને પેલો ખભાનો માંસલ ઢોળાવ – એમનાથી ન રહેવાયું. એઓ એક આંચકાની સાથે ઝૂક્યા ને એ ખભાને એમણે મરણિયા બનીને ચૂમી લીધો. મંજુથી ચીસ પડાઈ ગઈ: ઓ મા!
આ ચીસ સાંભળીને આનન્દ અને અંજુ દીવાનખાનામાં દોડી આવ્યાં ને જોયું તો બિલાડી ચકલીને મોઢામાં ઘાલીને ક્યાં જઈને બેસવું તેની શોધમાં આંટા મારતી હતી, શ્રીપતરાય કેલેન્ડરનું પાનું ફાડતા હતા.