સ્પૃહણીય સૂર્ય

હવે સૂર્ય સ્પૃહણીય બનતો જાય છે. એની સાથે દૃષ્ટોદૃષ્ટ મેળવી શકાતી નથી, છતાં એને માથા પર રાખીનેય ચાલી શકાય છે. ઘરમાં એને બધાં બારીબારણાંમાંથી આવકાર મળે છે. એટલું જ નહીં, જ્યાં સૂર્યનો અણસાર વરતાય ત્યાં જઈને બેસવાનું મન થાય છે. સવારે આછા ધુમ્મસ વચ્ચેથી ઝંખાતી સૂર્યના ઇંગિતરૂપ અરુણાઈ જોઈને હવે હર્ષથી પુલકિત થઈ જવાય છે.

સામેના શિરીષનાં સન્ધ્યા સમયે બિડાઈ ગયેલાં પાંદડાં સવાર થઈ ચૂક્યા પછી, સૂર્ય ઊગી ગયા પછી પણ તરત ઊઘડતાં નથી. શિયાળામાં એની નિદ્રા લાંબી ચાલે છે. એ શિરીષ શાં સ્વપ્નો જોતું હશે? એની ડાળ પર કેટલીક વાર નાનાશા સક્કરખોરને જોઉં છું. પ્રકૃતિનો એ નાનો સરખો મધુર ઉદ્ગાર લાગે છે. આકડાના નાના સરખા છોડ પર એ પોતાનો ભાર લાદ્યા વિના બેસે છે. કુંવારના પર હમણાં કેસરી રંગનાં ફૂલ બેઠાં છે. એ ફૂલનું મધ આ સક્કરખોર ચૂસવા આવે છે.

મોટાં વૃક્ષો વહેલી સવારે યોગીની જેમ પોતાની જાતને પોતાનામાં જ સંગોપીને અન્તર્મુખ બનીને ઊભાં હોય છે. પરકીયાના આકસ્મિક સ્પર્શના જેવો પવન એકાએક આપણને ચોંકાવી દે છે. એનાથી બચીને ચાલવાનું મન થાય છે.

ઊગમણી બારી આગળથી પ્રભાત વેળાએ ખસવાનું મન થતું નથી. હુદહુદ બહુ વહેલું આવી ગયું હોય છે. કાબરબાઈ પણ ભારે ઉજમાળાં છે. આ સિવાય કિશોરો અને યુવાનોની દોડાદોડ પણ શરૂ થઈ ચૂકી હોય છે. ઘરમાં તો બધાં રજાઈની હૂંફ છોડીને એકદમ બેઠાં થઈ જતાં નથી. પણ વિદ્યાર્થીઓને સુખ ક્યાંથી? એમને તો વાંચવા ઊઠવું જ પડે છે!

ધીમે ધીમે રસોડામાં સંચાર થતો સંભળાય છે, પ્યાલા રકાબીનો ખખડાટ સંભળાય છે. સોનાની લગડી જેવા અંગારાથી ભરેલી સગડી પાસે બેસવાનું મન થાય છે. પણ અનેક કરવાનાં કામની યાદી આંખ સામે તરવરી રહે છે. માટે હૂંફની માયા છોડીને ઊભા થઈ જવું પડે છે. નિષ્કામ કે અકર્મણ્ય થવાની આપણને તો છૂટ નથી. કર્મ કરતો છતાં નિષ્કામ જે રહે તે એવું ગીતાવાક્ય યાદ આવે છે, પણ એનાથી આપણે કેટલા દૂર!

ભીરુ, સંકોચશીલ હૃદયને અવારિત કરીને સૂર્ય સમક્ષ ખુલ્લું કરીને મૂકી દેવાના આ દિવસો છે. કોઈ કવિએ કહ્યું છે કે મૂરખ પવન આંધળો તો છે જ, પણ એની સ્પર્શશક્તિ પર સુધ્ધાં વિશ્વાસ બેસતો નથી. જો એનામાં સ્પર્શથી બધું ઓળખવાની શક્તિ હોત તો મારા ઘાને એ ઓળખી શકતો ન હોત? આ સૂર્યચન્દ્રનું પણ એવું જ છે. એ બંને આંધળાની આંખો જેવા છે. બધું અજવાળે છે, પણ પ્રેમ પ્રત્યે પીઠ ફેરવી દેનારની ઉદાસીનતાને એ અજવાળતાં નથી. પણ એ કવિને કોણ સમજાવે કે માનવી પ્રકૃતિનું કેન્દ્ર નથી. આપણાં સુખદુ:ખ સાથે પ્રકૃતિને કશો સમ્બન્ધ નથી. માનવી જ એક પ્રેમઘેલો છે. એનું હૃદય પત્થર પર પણ પોતાના સ્નેહને અંકિત કરવા મથે છે.

કોઈક વાર આજુબાજુનું બધું જ જાણે સહ્યું જતું નથી, સમુદ્ર એટલો તો ઊંડો કે એમાં ક્યાંય મારું સ્થાન દેખાતું નથી, શહેર એવું તો અટપટું ને ગૂંચવાયેલું ભાસે છે કે એની વચ્ચે ક્યાંય ઊભા રહી શકાતું નથી. ગામડું એટલું તો સ્થિર અને સ્થગિત લાગે છે કે આપણી બધી ચંચળતાને વારી લઈને ત્યાં રહી શકાતું નથી. કોઈક વાર અસ્તિત્વની આ સુરક્ષિતતા, એની સંકીર્ણતા, એની સીમા એ બધાંને ઉલ્લંઘી જઈને આપણે જ આકાશ, જળ, ભૂમિ બધું બની જઈએ છીએ. આપણા જીવનમાં પરસ્પર વિરુદ્ધ એવી આ અસીમતા અને સંકીર્ણતાના તાણાવાણા વણાયેલા છે. તેથી જ ઈશ્વર કરતાં માનવીનું જીવન ભારે અટપટું છે. ખૂબ જ અસહ્ય છે.

પ્રભાતના સૂર્યની ઉષ્મા પામીને હૃદય સૂરજમુખીની જેમ ખીલી ઊઠે છે ત્યારેય વીતી ગયેલી રાતનું એકાદ આંસુ એની ઉઘાડી રહેલી પાંખડી પર ઝિલાયેલું તો હોય છે જ. પછી સૂર્ય એને વિખેરી નાખે ખરો, પણ તે પહેલાં એ આખાય સૂર્યને પોતાની ભંગુર સીમાઓ વચ્ચે પૂરી દે છે ખરું! આંસુ તથા સૂર્યને સહોદરની જેમ ઉછેરવા જેટલું શક્તિશાળી આપણું હૃદય હોવું જોઈએ.

હવે સૂર્ય ઉત્તરનો થયો. ભીષ્મ પિતામહની બાણશય્યાની યાતના હવે પૂરી થશે. શુભઅશુભના મુહૂર્તો સાથે આપણે સૂર્યચન્દ્ર ગ્રહોને સંડોવ્યા છે. એ રીતે એ આપણાં સુખદુ:ખમાં કશોક ભાગ ભજવે છે. પણ ઘણે ભાગે તો ગ્રહોની દુષ્ટતાને જ આપણે સંભારીએ છીએ. એ આપણને પકડે છે એની દુષ્ટતાની પકડમાં. એમાંથી છુટકારો મેળવવા માટે વ્રત. એ જે હોય તે, અત્યારે તો રસોડામાં થતી તલસાંકળીની વાસ ઘ્રાણેન્દ્રિયને તૃપ્ત કરે છે. ગુપ્તદાનનો મહિમા સંક્રાન્તિને દિવસે છે. બાળપણમાં મગના બનાવેલા લાડુની અંદર ચાર આની મૂકી દેતા તે ખાતી વખતે દાંત સાથે ટકરાતી તે યાદ આવે છે.

શબ્દના અન્તરાય વિના જેમ પ્રકૃતિના હાર્દ સુધી પહોંચી શકાય છે તેમ જો માનવીના હૃદય સુધી પહોંચી શકાતું હોય તો? માનવીનું હૃદય માનવીની આંખોમાં આવીને વસે છે એવું કહેવાય છે, પણ મને એ પૂરું સાચું નથી લાગતું. આંખ પણ કેવી છેતરામણી હોય છે! શબ્દોની પણ જાળ બની રહે છે. કેટલાકને એવી જાળ ગૂંથવામાં જ મજા આવે છે. છતાં આપણે શબ્દો પર જ ખૂબ આધાર રાખવાનો હોય છે. જે દૂર હોય તેને શબ્દો સિવાય શેના વડે પહોંચી શકાય? પણ શબ્દ જ દીવાલ ઊભી કરે અને તેને ઠેકી જવાનું ઘણી વાર અશક્ય બને. આથી જે શબ્દો વડે જ પારદર્શકતા સર્જે તે કવિ મોટો. શબ્દ અને તેના વડે વ્યંજિત થતો ભાવ કે પદાર્થ – આ બે વચ્ચેનો અવકાશ જે વિશાળ રાખી શકે તે કવિ મોટો. પણ સૌથી વિશેષ ભય પણ અવકાશનો જ લાગે છે. આથી એ અવકાશને શબ્દોથી ભરી દેવા માગે છે. આકાશ પણ જો તારાગ્રહનક્ષત્ર વિનાનું હોય તો કેવું ભયંકર લાગતું હોત! પણ કેવળ ભયથી જ તો વિશ્વ ચાલતું નથી. આથી જેને પામીએ તેને હ્રસ્વ કે સંકુચિત કરીને નહીં, પણ એની વિશાળતાના ગૌરવને અખણ્ડિત રાખીને પામીએ તો જ સારું. પણ આપણું ગૌરવ જાળવવાની જ જો દરેક પળે ચિન્તા કર્યા કરવી પડતી હોય તો એ ગૌરવનો ભાર જ આપણે વહોરવાનો રહે. જૂઈની નાજુક કળીનું ગૌરવ સૂર્ય જાળવે છે. એની ભયંકર ગરમીને એ જૂઈની કળી આગળ સાવ કૂંણી બનાવી દે છે. આથી જ માનવીને પણ ઇતર સાથેના સમ્બન્ધમાં તદ્રૂપતા કેળવવાનું આવડવું જોઈએ. નહીં તો સાર્ત્રે કહ્યું તેમ ઇતર તે જ આપણું નરક બની રહે.

અત્યારે તો સૂર્ય સુખથી સેવવા જેવો લાગે છે. આ લખી રહ્યો છું ત્યારે શિરીષનાં પાંદડાં ખૂબ ખૂલી ચૂક્યાં છે, અને સૂર્યની આતપધારાનું એ પ્રાશન કરી રહ્યાં છે. એથી આવતી કાલના ફૂલની આશા બંધાય છે.

18-1-73

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.