સવારે જાગીને જોઉં છું તો શબ્દો હજી હાજર થયા નથી. થોડાક મારી અજાગ્રત ચેતનાના ઊંડાણમાં ખોવાયેલા છે. થોડા હજી શ્વાસમાં જ રહી ગયા છે, હજી આકાર પામવા જેટલો આધાર એમને પ્રાપ્ત થયો નથી. દરેક પથ્થર પર સમયે પોતે લખેલો શિલાલેખ છે. એની લિપિમાં મારા થોડા શબ્દો ગૂંચવાઈ ગયા છે. થોડા હજુ વનસ્પતિની યોનિમાં જ રહી ગયા છે. પવનની હથેળીમાંથી વેરાઈ ગયેલા શબ્દો હજી વીણું ન વીણું ત્યાં સવાર પડી જાય છે.
હું સામેના કબાટમાંના આયનામાં જોઉં છું. રડતાં રડતાં થાકીને હીબકાં ભરતા બાળકની જેમ મારી આંખો લાલ છે અને સૂજી ગયેલી છે, હજી જાણે નિદ્રાના જળમાંથી એક જ પગ બહાર મૂક્યો છે. પણ ઉતાવળો સૂર્ય તો છલાંગ ભરતો કૂદી આવ્યો છે. જગત બધું ચાલવા મંડ્યું છે. સંસાર સરવા લાગ્યો છે. મડદાંઓએ સ્મશાન તરફ ચાલવા માંડ્યું છે; વ્યાધિનો વિકાસ રોગીના શરીરમાં આગળ વધી રહ્યો છે. શ્રમિકોની નાડીમાં રક્તનો વેગ વધ્યો છે. નગરના વાતાવરણમાં ઝેરી વાયુની માત્રા વધી છે. સંસ્કારી લોકોનો કંટાળો વધ્યો છે. લોકોના ટોળામાં હિંસાનું પોષણ થઈ રહ્યું છે.
આ જગતમાં જાગીને હું નિ:શબ્દતાથી જાણે નિરાધાર બની ગયો છું. બાળપણનાં સંસ્કારને જોરે વિષ્ણુસહસ્ર નામમાંનાં થોડાં નામ, ભગવદ્ગીતાનો બારમો અને સોળમો અધ્યાય મારા હોઠ પર છે. પછી બોદલેર અને રિલ્કેની પંક્તિ ગણગણું છું, ત્યાં સવારનું છાપું આવે છે ને શબ્દોનો નાયગ્રા ધોધ ગર્જી ઊઠે છે. જાહેરખબરના મસમોટા ઘોંઘાટિયા શબ્દો, નેતાઓના ભાષણના લાઉડસ્પીકરમાંથી સીધા છાપાની અઢીત્રણ ઇંચની હેડલાઇનમાં ગાજતા શબ્દો, જેનું ખૂન થયું છે તે અભાગિયાની ચીસ, થોડાં લગ્નની શરણાઈઓ, ક્યાંક ચાલતાં નાટકોના સંવાદો, ફિલ્મી હીરોહીરોઇનના પ્રેમલાપ્રેમલીનાં લટકા, સરકારની ઘોષણાઓ, વિરોધપક્ષના નેતાના પડકારો, અકસ્માતના કર્કશ ચિત્કારો, શેરીના અંધારિયા ખૂણાઓમાં થતી ગુસપુસ વાતોના ખંધા ધીમા અવાજો, આ બધું છાપામાંથી વંટોળની જેમ ચકરાવા લાગે છે.
રોઝરીના દેવળમાંથી પ્રાર્થનાના ઘોંઘાટથી ચમકીને નાથેલી શાન્તિ ધ્રૂજતી ધ્રૂજતી અહીં આવીને બેઠી છે. મેદાનમાં ઝાકળને ટીપે ટીપે મૌન છે. શિરીષના મુખ પર તપોમગ્ન ઋષિની સ્તબ્ધતા છે. પણ હું જાણું છું કે આ બધું ઝાઝું ટકી રહેવાનું નથી. સામેના રસ્તા પરથી કેટલાય અવાજોનું ટોળું શાન્તિના લીરા ઊડાવતું ધસ્યું આવે છે. મારી બારી પાસેના રસ્તા પરથી કેટલાક વિદ્યાર્થીઓ જાય છે. એમની વાતોના અવાજમાં ગઈ રાતના ઉજાગરાનો ભાર છે, એમના હાસ્યમાં ઉદ્ધતાઈનો રણકો છે. પછી આકાશવાણીનાં ભજનો રણકી ઊઠે છે. એને એકાએક અટકાવીને સમાચાર વાંચનારનો તટસ્થ અમાનુષી અવાજ સહેજ કમ્પ વિના ગઈ કાલના વિમાની અકસ્માતમાં માર્યા ગયેલાનો આંકડો બોલે છે.
મને લાગે છે કે હું જાણે અવાજોના ઢગલા નીચે દટાઈ ગયો છું. શિયાળાની આવી જ એક સવારે બાળપણમાં ખુલ્લા પાઠ્યપુસ્તકના અક્ષરો વચ્ચે થંભીને મારી આંખો ખોવાઈ જતી તે યાદ આવે છે. ત્યારે એકાએક ન સમજી શકાય, ન જીરવી શકાય તેવી એકલતા ઘેરી વળતી, એનું શું કરવું તે સમજાતું નહીં. અત્યારે તો આ એકલતાને પણ કોતરીને એના પર નકશીકામ કરું છું. એ એકલતા પણ મારા લોભથી બચી શકી નથી. પણ ત્યારે તો એકલતા એ કેવળ એકલતા હતી. એ કશાનું પ્રતીક નહોતી. એમાંથી કશી ફિલસૂફી ખોતરી કાઢવાની સૂઝતું નહોતું. ત્યારે એ અમૂર્ત એકલતાની એક છબિ આંખ સામે અંકાઈ જતી હતી. એને આજે હું સજીવન કરી શકતો નથી. પણ એની ધૂંધળી સ્મૃતિ હજી છે ખરી.
કોઈ કવિના જગતમાં પ્રવેશ કરું છું ત્યારે શબ્દોની નરવી કાન્તિ જોઈને તૃપ્ત થાઉં છું. ત્યાં શબ્દોના પર ડાઘ હોતા નથી. પણ કોઈ વાર નિર્દોષ નિરુપદ્રવી લાગતો શબ્દ એકાએક કોઈ અજાણ્યા જ પ્રદેશમાં લઈ જાય છે. ત્યાં કશોક અજાણ્યો અનનુભૂત ભય મને ઘેરી વળે છે. વિશ્વયુદ્ધનો સંહાર, કોન્સન્ટ્રેશન કૅમ્પની યાતનાઓ, બેયોનેટની અણીએ વીંધાયેલાં માસુમ બાળકો – આ બધાં વચ્ચે એકાએક હું જઈ ચઢું છું. ઇસુ ખ્રિસ્તને અસંખ્ય શૂળીઓ પર વીંધાયેલા જોઉં છું.
અહીં કોઈ માર્ક્સવાદી કવિ એના શબ્દોને પીડિતશોષિતના લોહીમાં ઝબકોળીને લાલ ઝંડાની જેમ લહેરાવે છે. કોઈક વાર એના શબ્દોમાં સ્ફોટક બોમ્બ સંતાડેલો હોય છે. કોઈક વાર એના શબ્દોનું પોત ચાર દિવસના વાસી બાજરીના રોટલા જેવું હોય છે. કોઈક વાર એના શબ્દો મજૂરોની કાળી મજૂરીના ખાટા પરસેવાથી લદબદ હોય છે, તો કોઈક વાર એના શબ્દોમાંથી શહેરના નરકની બદબૂ આવે છે.
ચાર તારની ચાસણીમાં ઝબકોળેલા, મોઢું ભાંગી નાખે એવા મીઠા શબ્દોવાળા પણ કવિઓ છે. એના ચીકણા શબ્દો આપણને ચોંટી જાય છે. ચાંદનીમાં ચળકતા રેશમી દુકુલો, બંસીનાદ, કોયલનો ટહુકો, મોરની કેકા, જમનાનાં જળ, ગોરી રાધા અને કામણગારા કાનની સૃષ્ટિમાં રાસમાં ચક્રાકારે ઘૂમતા શબ્દોથી પણ હું દૂર જતો રહું છું. એથી જે ઘેન ચઢે છે તે લઈને ફરી મારી આ આઠ બાય બારની ઓરડીમાં દીવાલોની નક્કર વાસ્તવિકતા જોડે માથું પછાડવાનો શો અર્થ?
હજી હું શિશુઓના મુખમાંથી દડી જતા શબ્દોને મુગ્ધ બનીને જોઉં છું. શિશુ એની ચંચળતા સહિત ક્યાં ને ક્યાં દોડી જાય છે અને એના ઉચ્ચારેલા શબ્દો એની પાછળ રહી જાય છે. કોઈ વાર એના શબ્દોને પરીઓની પાંખ ઊગે છે. તો કોઈ વાર એ શબ્દોની ભીતરમાં ભેદી ખજાનાથી ભરેલા ભોંયરાઓ ખૂલી જાય છે. કોઈક વાર એના શબ્દો વચ્ચેથી કોઈ કોઈ રાક્ષસનું મોઢું પણ દેખાઈ જાય છે.
મરમી કવિઓ અશ્રુત ધ્વનિની વાત કરે છે. કોઈક વાર એવો અશ્રુત ધ્વનિ મને પણ સંભળાઈ જાય છે. ગ્રીષ્મની બપોર વેળાએ એકાએક બધું નિ:શબ્દ, નિ:સ્તબ્ધ બની જાય છે ત્યારે આખાયે મેદાનમાંથી કશોક ધ્વનિ પ્રસ્ફુરિત થતો સાંભળું છું. કોઈક વાર રસ્તે જતા કોઈએ એકાએક પાછળથી મને બોલાવ્યો હોય એવું લાગતાં હું ઊભો રહી જાઉં છું ને પાછો વળીને હું જોઉં છું તો કોઈકના બગીચામાંનું વાડ ઉપરથી ડોકાતું કોઈક અજાણ્યું ફૂલ મારા તરફ ઝૂકીને જોઈ રહ્યું હોય છે. તો કોઈ વાર સો દોઢસો વિદ્યાર્થીના વર્ગમાં હું બોલતો હોઉં છું ત્યારે મારા શબ્દોની વચ્ચેથી એકાએક કોઈ નવા જ ધ્વનિને ડોક ઊંચી કરીને જોતો સાંભળું છું.
કેળનાં પાંદડાં ઝાકળ ઝીલે તેનો અવાજ, સાંજ વેળાએ નિદ્રામાં ઢળતું શિરીષ એનાં પાંદડાંનાં પોપચા બીડી દે તેનો અવાજ, મધરાતે ગોખલામાંના ગણપતિ પગે ચઢેલી ખાલી ખંખેરીને ફરીથી પદ્માસન વાળે તેનો અવાજ, કૂવાના ઊંડાણમાંથી વીજળીના ધક્કે ઉપર ઠેલાતાં પાણીનો અવાજ, નિદ્રાધીન ઘરમાં સમયનો કણસવાનો અવાજ, ક્યાંક કોઈ વૃક્ષમાં થાકીને પોઢેલા પવનનો પડખું બદલવાનો અવાજ – આવા કેટલાક અવાજો રાત્રે મારા અનિદ્ર પ્રહરોને ઘેરી વળે છે.
સમય તો નીરવ પગલે જ સરે છે એવું આપણે કહીએ છીએ. પણ કેટલીક વાર ચાલ્યા જતા સમયના પડછંદા ગાજતા હું સાંભળું છું. કોઈ વાર એ પગલાં જાણે દૂર દૂરથી મારા તરફ ચાલ્યા આવતાં હોય છે એવું લાગે છે. તો કોઈ વાર એ મારાથી દૂર ને દૂર ચાલી જઈને આછા આછા સંભળાતા આખરે શૂન્યમાં વિલાઈ જાય છે.
પૂજા વેળાની આરતીનો ઘણ્ટનાદ વહેલી સવારે કામનાથ મહાદેવમાંથી અહીં આવીને મને ઢંઢોળીને જગાડે છે. શનિવારની સવારે એ ઘણ્ટનાદ સાથે નિશાળનો ઘણ્ટનાદ ભળી જાય છે. સાંજ વેળાએ ધીમે ધીમે બધા અવાજો જંપતા લાગે છે, પછી રાતે થોડા વિશિષ્ટ અવાજો સંભળાવા લાગે છે. એમાં એક અવાજ તે કશીક મૂંગી મૂંગી ચાલી જતી ભૂતાવળનો અવાજ છે. ક્યાંક કોઈક અવાવરુ વાવનાં પગથિયાં ઊતરી રહ્યું છે, ક્યાંક કોઈકનો ઘોડો તબડક તબડક કરતો પૂરપાટ દોડ્યે જાય છે. ક્યાંક કોઈના નુપૂર રણકી ઊઠે છે. માયાવી લોકના કાંઈક કેટલાય ધ્વનિઓ મને ઘેરી વળે છે.
બાળપણ વટાવીને કિશોરાવસ્થામાં પગ મૂક્યો ત્યારે સોનાપરી અને રૂપાપરીને ઉડાડી મૂકી એની સાથે કેટલાય શબ્દોને પણ ઉડાડી મૂક્યા. પછી કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પગ મૂક્યો ત્યારે કેટલાક ઉત્તપ્ત ઉચ્છ્વાસ મને ઘેરી વળ્યા. હવે વળી અવાજોનું નવું પોત ઊઘડ્યું છે, હું ધ્વનિની લીલા જોયા કરું છું.
ડિસેમ્બર, 1974