વાસ્તવનો નવો અન્વય

સત્તા અને ધન – આ બેનું માનવીને અજબ આકર્ષણ હોય છે. એનું કારણ શું? સત્તા અને ધનને વિશે હંમેશાં સન્દિગ્ધતા રહ્યા કરે છે. એ દ્વારા પ્રાપ્ત થતી શક્તિનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી હોતું. એના કાર્યક્ષેત્રની સીમાઓ પણ ચોકસાઈથી આંકી શકાતી નથી. આથી સત્તા તથા ધન જે કરી શકે તેની સીમાને વિસ્તારવામાં જ માનવી એટલો બધો વ્યસ્ત રહે છે કે સત્તા કે ધન ભોગવવાની એને ફુરસદ નથી જ મળતી અથવા આપણે એમ કહીશું કે આ વ્યસ્તતા જ ભોગવટો છે?

સત્તાની ઝંખના આપણે શા માટે કરીએ છીએ? સત્તાની પ્રાપ્તિથી અનેક અસ્પષ્ટ સ્વરૂપની શક્યતાઓ આપણી આગળ ખૂલી જાય છે. એ અસ્પષ્ટ છે અથવા અર્ધસ્પષ્ટ છે એથી જ એને વિશે આપણે વધુ ઉત્તેજિત હોઈએ છીએ.

આવતી કાલે મારે શું જોઈશે, હું શેની ઇચ્છા કરીશ, તે વિશે હું આજે નિશ્ચિતપણે કહી શકતો નથી. જે સુલભ છે તેને માટે તો મારી દોડાદોડ હોય જ નહીં. જે ખરીદી શકાતું નથી તે જ મારે ખરીદવું છે. તેથી જ તો લોકો મારી ઈર્ષ્યા કરે છે. મારા સુખ કરતાં બીજા બળે એનો આનન્દ વિશેષ હોય છે. લોકો મને ભાગ્યવાન ગણે છે.

આવા બધા આનન્દ ભાગ્યાધીન હોય છે એવી લોકોની માન્યતા હોય છે. કોઈ પ્રકારનો પુરુષાર્થ એ સંપડાવી આપે એ તો અશક્યવત્ જ લેખાતું હોય છે, આપણે સત્તાના દુરુપયોગની વાત કરીએ છીએ, પણ દુરુપયોગની શક્યતા જ કદાચ સત્તાના આકર્ષણનું મુખ્ય કારણ છે.

આપણને આપણી પોતાની જ ઈર્ષ્યા થાય તેવી રીતે જીવવાની પણ એક રીત છે. એમાં બહારનો કશો માપદણ્ડ કામમાં નહીં આવે. આપણા જ કાર્યની સાથે આપણા જ કાર્યની તુલના થાય. જે સ્પૃહણીય છે તેનો નિર્ણય પણ બીજાને આધારે કરવાનો રહે નહીં. આપણો આજનો દિવસ ગઈ કાલના દિવસ કરતાં સારો નીવડ્યો છે કે નહીં તેની જ એમાં ગણતરી કરવાની રહે. જેને માટે હું યોગ્ય છું તે બીજાને ભાગે ન જાય એ માટે જ ઈર્ષ્યા થાય છે. એ કોઈ વસ્તુ નથી, પણ એ વસ્તુને પ્રાપ્ત કરવાની મારી ક્ષમતા છે, અથવા એમ ન કરવાની પણ મારી ક્ષમતા છે!

કહેવાતી શહાદત અને બલિદાનની પાછળ ઘણી વાર પોતાને પજવ્યા કરતી કશીક લાગણી (અથવા કહો કે ભાવના, આદર્શ…)થી છુટકારો મેળવવાની જ વૃત્તિ નથી હોતી? એ એક લાગણી કે ભાવનાનો કોઈ રીતે અન્ત લાવી શકાતો હોય તો માનવી પોતાનો અન્ત નહીં લાવે. પણ આપણે જ્યારે એમ કહીએ છીએ કે ‘હું’ આ ભાવનામાં માનું છું ત્યારે એ ભાવના પોતે જ ભાવના હોઈને આપણી આગળ સ્પષ્ટ હોતી નથી. આ અસ્પષ્ટતા જ આપણી માન્યતાને વળ ચડાવે છે. આખરે આપણને પોતાને તો સમજાઈ જાય છે કે મારો રસ માન્યતામાં છે, એ માન્યતા શેને વિશેની છે તેમાં નથી.

આપણી પાપપુણ્યની વિભાવના પણ અચરજ પમાડે તેવી નથી? જો આજે હું કશુંક કામ કરું તો તે ભૂતકાળના મારા પાપપુણ્યને ધોઈ નાખે. જે બની ચૂક્યું હોય, જે મારા વ્યક્તિત્વનો અંશ બની રહ્યું હોય તે પણ ભુંસાઈ જાય? પણ એથી વધુ અચરજ પમાડે એવી વાત એ છે કે જો હું એનો અનુશોચ કરું તો એ ભુંસાઈ ગયેલું પાછું આવી જાય. જો આ દૃષ્ટિબિન્દુ સ્વીકારીએ તો અનુશોચ જ આચરવા જેવો પુરુષાર્થ બની રહે! પ્રાયશ્ચિત્તનો વિધિ આચર્યો કે તમે જેવા હતા તેવા થઈ ગયા! આથી બધો જ ગ્રહણીય ભૂતકાળ લુપ્ત થઈ જાય.

સાહિત્યની બાબતમાં ઘણાં એવા જોઉં છું કે જેઓ એમ કહેતા હોય છે, ‘અમારે શું કહેવું છે તેની તો અમને ચોક્કસ ખબર નથી, પણ અમને કશુંક કરી નાખવાની અનિવાર્યતા વરતાયા કરે છે.’ આનું પરિણામ શું આવે છે? આવી વ્યક્તિ એના મનમાં જે આવે છે તે લખી કાઢે છે. એનું કશું મૂલ્ય ચૂકવવું પડતું નથી. એનું કશું વજન હોતું નથી. પછીથી એ પહેલા વાપરેલા શબ્દો કરતાં વધુ સારા શબ્દો વાપરે છે. એમાં વધુ અર્થ ઠાંસે છે. લખવું એક ગણિતની રમત બની રહે છે. પહેલાં વાપરેલા શબ્દોની અવેજીમાં બીજા શબ્દો, એની અવેજીમાં વળી ત્રીજા શબ્દો, આમ સાહિત્ય આવી અવેજીમાં ગોઠવવાની પ્રવૃત્તિ જ માત્ર બની રહે. આ અવેજીનું કોઈએ શાસ્ત્ર રચી કાઢવું જોઈએ.

માનવી જો દુષ્ટને દુષ્ટ લેખે જાણીને સભાનતાપૂર્વક આચરે તો તે આચરવા દેવું જોઈએ. પછીથી દુષ્ટ અને અદુષ્ટ વચ્ચે વિવેક કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. પછી એ દુષ્ટની સમ્ભાવના ક્યાંથી થઈ તેની ઊંડી ફિલસૂફી ચર્ચવાની રહેતી નથી. પછી નરકના નકશાઓ પણ દોરવાની જરૂર રહેતી નથી. આ વિશ્વમાં અનિષ્ટની જવાબદારી એને સમજનાર ઈશ્વરની જ છે એમ કહીને ઈશ્વરને ભાંડવાની પણ જરૂર રહેતી નથી. દુષ્ટ આચરનાર દુષ્ટતાનાં પરિણામો, દુષ્ટતાની રચના વિશે ખન્તપૂર્વક વિચાર કરે અને પછી એમને અજમાવી જુએ તો એનું દુષ્ટ કાર્ય કળામાં તાટસ્થ્યપૂર્વક સિદ્ધ થાય. એની ગણતરીમાં કદાચ આ દુષ્ટમાંથી જ શુભ નિપજી આવે એવી પણ યોજના હોય. જો એમ હોય તો એની આસક્તિ તો આખરે તો શુભ માટેની જ ગણાય. એ શુભને સિદ્ધ કરવા જતાં દુષ્ટને વાપરીને એનાથી કલંકિત થવાનું એ સ્વીકારે ને પ્રતિષ્ઠાનો ભોગ આપે એ પણ શુભને ખાતર કરેલો ત્યાગ જ ન ગણાય? આથી એ પોતે જ સ્વેચ્છાએ પશ્ચાત્તાપને માર્ગે છટકી જવાના છીંડા પણ પૂરી દે. આવી ‘દુષ્ટતા’ તે કાયરની દુષ્ટતા ન હોઈ શકે તે દેખીતું છે.

મૂલ્યોની બાબતમાં મને એક વાત હંમેશાં વિલક્ષણ લાગ્યા કરી છે. તમે એક અથવા બીજા અન્તિમે જવાનું કબૂલ રાખો છો તો જ મૂલ્ય સિદ્ધ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરો છો. સત્ય પણ આપણા આચારનું એક અન્તિમ છે. મોટા ભાગના માણસો તો અર્ધસત્ય કે શંકાસ્પદ સત્યની ધૂંધળી સન્દિગ્ધતામાં જ અટવાયા કરતા હોય છે. છતાં આ સામાન્ય માનવીઓ જ સત્યને પ્રતિષ્ઠા આપે છે. એમની દૃષ્ટિ સમક્ષ સત્ય એક અશક્ય આદર્શ તરીકે સદા રહે છે. પોતે નમ્ર રહીને એઓ સત્યને મહાન બનાવે છે. આમ જગતમાં જે કાંઈ અસાધારણ છે તે સાધારણતાની સંગીન પીઠિકા પર જ ટકી રહે છે. આ સાધારણતા જ ઘણાં મૂલ્યોની આધારશિલા છે.

આપણામાં પણ આ સાધારણતા અને અસાધારણતા જોડાજોડ વસે છે. ઘણી વાર આપણે એકરાર કરી દેતા હોઈએ છીએ, ‘હું કેવો મૂરખ કે મૂરખ હોવું એ નરી સાધારણતા છે, પણ એના પ્રામાણિક એકરારમાં અસાધારણતા રહી છે. આપણી મૂર્ખાઈમાં રાચનાર, એમાંથી માત્ર લાભ ઉઠાવનાર પણ આપણામાં જ વસતો હોય છે. આમ આપણી સાધારણતા એ કેવડું મોટું આશ્વાસન છે! એ આપણને સમગ્ર માનવજાતિ જોડે સાંકળનારી કડી છે. એ જ આપણને સાધારણતા તરફ દોરી લઈ જનારું સોપાન પણ છે.

ઘણાંનો સ્વભાવ જ આશ્વાસન શોધવાનો બની જાય છે. ફ્રૅન્ચ કવિ વાલેરીએ એની લાક્ષણિક રીતે આનો એક નમૂનો આપ્યો છે : ‘ઝંઝાવાત આખા શહેરને ધૂળ ભેગું કરી શકે, પણ એ બંધ પરબીડિયું ખોલી ન શકે, એક ગાંઠ પણ છોડી ન શકે.’ સાહિત્યની ખૂબી જ આમાં રહી છે. વાસ્તવિકતા તો એની એ જ છે. પણ એના અન્વયો બદલવાથી આપણે કશુંક નવું જ જોતા હોઈએ એવો આભાસ થાય છે. આથી જ તો સાહિત્યની વ્યાખ્યા આપતાં પ્લેટો જેવાએ એને ચરમ આભાસ કહીને જ ઓળખાવ્યું છે. સાચા પ્રતિભાશાળી લેખકને વાંચતાં આપણને આપણી સ્વતન્ત્રતા વિસ્તરતી લાગે છે. આપણને થાય છે કે ભાષાના સાંકડા સીમાડામાં આપણે નાહકના પુરાઈ રહ્યા હતા, ભાષા જોડે પણ ઘણી તોડફોડ થઈ શકે એમ છે. આખા માત્રાસ્પર્શના જગતને કોઈ રેંબોની જેમ અસ્તવ્યસ્ત કરી દઈ શકે. ઇન્દ્રિયવ્યત્યયો યોજીને નવો જ સ્વાદ ઊભો કરી શકાય. આપણી પાસે જે નૈસગિર્ક ભાષા છે તે તો ચિહ્નહીન છે, એમાં રહેલી ગુપ્ત સંકેતોની શક્યતા આપણે પ્રગટ કરવાની રહે છે. પણ નબળા લેખકોને વાંચીએ છીએ ત્યારે સંયમની અનિવાર્યતા આપણને સમજાવા લાગે છે.

સ્પર્ધા, હોંસાતૂંસી જોઉં છું ત્યારે મને હસવું આવે છે. આપણો પ્રતિસ્પર્ધી જોડેનો સમ્બન્ધ વિશિષ્ટ પ્રકારનો છે. એને આપણે ધિક્કારીએ છીએ, છતાં એના જેવા નથી થઈ શક્યા એનું જ આપણને દુ:ખ હોય છે. એને નકારતા હોવા છતાં એની સ્વીકૃતિનું આપણે મન સૌથી મોટું મૂલ્ય હોય છે. સૌથી પહેલી નોંધ આપણે આપણા પ્રશંસકોની નથી લેતા, પણ પ્રતિસ્પર્ધીઓની લઈએ છીએ. આપણી વ્યૂહરચનાનું નિયન્ત્રણ પણ એના જ હાથમાં હોય છે : ઊંડે ઊંડે આપણા પ્રતિસ્પર્ધી આપણું પોતાનું જ અડધિયું હોય એવું આપણને લાગ્યા કરતું હોય છે, મિત્રને પ્રેમથી નજીક ખેંચીએ, પ્રતિસ્પર્ધીને તિરસ્કારથી. મિત્રની નિકટતા વિશે આપણે ઝાઝા ચિન્તાતુર હોતા નથી, પણ પ્રતિસ્પર્ધી પર તો આપણે એકસરખી નજર નાખ્યા કરીએ છીએ. આપણો કિલ્લો છોડીને આપણે એના જ કિલ્લાને ઘેરો ઘાલીએ છીએ.

ગમે તે કહો, માનવી પોતાને અનેક માર્ગે ખરચી છૂટવા ઇચ્છે છે. જે માનવી પોતાને વધારે ખરચી જાણે છે તેનું જ મૂલ્ય વિશેષ હોય છે. જે પોતાને કેવળ સાચવી રાખે છે, તેના જેવો દરિદ્ર બીજો કોઈ નથી.

3-8-73

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.