જીવનનું ઉદ્યોગપર્વ

આ તો જાણે જીવનનું ઉદ્યોગપર્વ છે. ચારે બાજુ ભારે ઉદ્યમ ચાલી રહ્યો છે. સામેની નિશાળનાં છાપરાં પરનાં નળિયાંની સંખ્યા એક કીડી ગણવા નીકળી છે. પાસેના વૃક્ષની શાખાઓ આન્દોલિત થઈને હવાનું પોત વણી રહી છે, અહીં થોડીક મરઘીઓ ગઈ કાલના વાસી સૂરજના પ્રભાત વેળાનાં કિરણો વીણી લે છે. નગરનો રાજમાર્ગ ચાલતાં પગલાંને ગણી રહ્યો છે અને એનું વર્ગીકરણ કરી રહ્યો છે. સૂતેલી અથવા સૂવાનો અભિનય કરતી, પ્રિયતમાની આંખની પાંપણના વાળને ઘેલો પ્રિયતમ ગણી રહ્યો છે. કોઈ ભવિષ્યવેત્તાએ એને કહ્યું છે કે એ વાળની સંખ્યા જેટલું બંનેના સહજીવનનું આયુષ્ય છે.

શહેરમાં સોનીની દુકાને અગ્નિની સુવર્ણશિખા અને સુવર્ણનું અદ્વૈત રચાય છે. ફુગ્ગાવાળાની દુકાને એક ખોખામાં નિષ્પ્રાણ પડેલા ફુગ્ગાને આકાશ આખું પોતાનામાં પૂરી દેવાની મહત્ત્વાકાંક્ષા જાગે છે. પંચમહાલનાં ખેતરોમાં મકાઈના દાણા દોડામાં ગોઠવવાનો ઉદ્યમ શરૂ થઈ ગયો છે. અહીં મારા શહેરને માથે કાલી નાગની ફણાની જેમ મેઘની ફણા મંડાયેલી છે. દૃષ્ટિને નદીઓ ઊંડે ઊંડેથી આવકારી રહી છે. મંકોડાઓ હાથે ચઢી તે પાંખો પહેરીને ઊડવા નીકળી પડ્યા છે. હવામાં ભીનાશ છે, એને મેંદીની સુવાસનો પાસ બેઠેલો છે, કોઈક વાર લીમડાની પાકેલી લિંબોળીની કડવી સુવાસનું મોજું આવી જાય છે. ગાયના વાંસા પરથી વરસાદનાં બિન્દુઓ નાનાં ભૂલકાંની જેમ લસરે છે. કરેણે લાલ ધજાપતાકા ફરકાવીને ઉત્સવ ઊજવ્યો છે. વર્ષાને કારણે આપણાં પગલાં ધરતી પર અંકાઈ જાય છે, એને કારણે આપણને આપણી અમરતાની ભ્રાન્તિ થાય છે. પણ એ ભ્રાન્તિને થોડી જ વારમાં જળ પોતે જ ભૂંસી નાખે છે.

પાણીમાં રેલવેના પાટા ડૂબી ગયા છે, સાથે ચક્રોની ગતિએ પણ ડૂબકી મારી દીધી છે. સિગ્નલોની રાતી પીળી લીલી આંખો ઘડીભર બિડાઈ ગઈ છે. થોડીક કાબરો તારના થાંભલા આગળ બેઠી બેઠી ગુજરાત એક્સપ્રેસની રાહ જોઈ રહી છે. નિશાળિયાઓના દફતરમાં એક ખિસ્સું ભરાય એટલો વરસાદ ઘૂસી ગયો છે. ભૂગોળની થોડીક નદીઓ એના વાળમાં દોડવા લાગી છે. સવારની નિશાળ છે. એટલે માંડ માંડ પ્રસરેલી ઊંઘને સંકેલીને એ ચાલી નીકળ્યો છે. એનો અદૃશ્ય પડછાયો એની ઊંઘ સૂંઘતો સૂંઘતો સાથે ચાલે છે. કોઈ વાર એને પોતાના જ સ્વપ્નની ઠોકર વાગે છે ને એ સફાળો ચમકીને જુએ છે તો એક અડાબીડ વન એની ઠોકરથી ઠેલાઈને ગબડી જતું દેખાય છે. એક જ વૃષ્ટિની ધારાથી ભીંજાયા હોવાને કારણે માનવીઓના ચહેરા પરથી થોડી અપરિચિતતા ભુંસાઈ જાય છે. દૃષ્ટિનો ભેજ દરેક ચહેરાને એક આગવી રહસ્યમયતા અર્પે છે. ભેજને કારણે લૂલા પડી ગયેલા પુસ્તકના પાના જેવો પવન દેખાતો નથી છતાં સ્પર્શથી વરતાય છે. સૂરજમાં એને થોડો સૂકવવા મૂકીએ એવું થાય છે. રાતે થોડાક તારાઓની ચિણગીઓ દેખાય છે. અંધારામાં કોઈ સિગરેટ પીતું બેઠું હોય તે થોડી થોડી વારે કસ લેતાં લાલ લબકારો દેખાય તેવી. વરસાદ અટકી ગયો હોય છે. આમ, તો નિ:સ્તબ્ધતા છે, પણ પૃથ્વીમાં પચતા ભેજનો એક આગવો અવાજ સંભળાય છે. વરસાદે બધા પથ્થરોને માંજીને વીછળી નાંખ્યા છે. આકાશે આપણી આંખોને ગળીથી ધોઈ નાખી છે. બહુ ચોખ્ખી થયેલી આંખ એને પ્રાપ્ત થયેલી નવી વિશદ પારદર્શકતાથી જ સહેજ અંજાઈ જાય છે.

પાણીનું ક્ષણભંગુર બિન્દુ – એમાંથી કેવી નક્કર ફિલસૂફી ચિન્તકોએ તારવી છે! છાપરેથી નેવાં ટપકે, ધારા હોય ત્યારે તો વાત જુદી. પણ વરસાદ થંભે પછી થોડી થોડી વારે એક એક ટીપું ટપકે (નથી લાગતું કે ‘ટપકવું ક્રિયાપદ પણ ‘ટીપું’માંથી જ બનાવવું પડ્યું હોય!) એ આખી ક્રિયાને એનાં બધાં સ્થિત્યન્તરોમાં સૂક્ષ્મતાથી જોઈએ તો? છાપરાંની ધારે ટીપાંનો આભાસ દેખાય છે. ટીપાનો આકાર બંધાય છે. પછી ગોળાકારમાંથી લંબગોળ થાય છે, પછી વચ્ચેનો ભાગ ફૂલે છે. પછી ટપકવાની ક્રિયા થાય છે પણ ટીપું નાશ પામતું નથી, એનો અવશિષ્ટ અંશ ઉપર ખેંચાઈ જાય છે, વળી એ પહેલાંની જેમ વચ્ચેથી સ્ફીત થાય છે અને વળી ટપકે છે. આમ આ ક્રિયામાં ક્યાં આદિ ક્યાં અન્ત? આ બધું જ અખણ્ડ, ભંગુર લાગતું ટીપું પણ શાશ્વત નથી બની જતું?

દેવળનો ઘણ્ટ વરસાદમાં ખોખરો વાગે છે. બધા જ અવાજોના પોલાણોમાં ભેજ ઘૂસી જાય છે. બારાખડીમાંના અક્ષર મારી સામે તરવરે છે. ‘ડ’ના આડી લીટી ઉપર નીચેના પોણા ભાગોમાં ભેજને માટે કેટલી બધી જગ્યા.’ ‘બ’ તો અળસિયાની જેમ જાણે ચાલતો નહીં થઈ ગયો હોય! સૌથી પોલો અક્ષર ‘દ’ છે એ તો પાણીમાં તણાતી કીડીના જેવો જ લાગે છે.

વરસાદ થંભી ગયા પછી પંખીઓ જાણે પોતાની ભીની થયેલી પાંખોનું વજન કાઢવા ઊડવા લાગ્યાં છે. સાપ એના દરમાંથી બહાર નીકળીને કાંચળી ઉતારવાનું મુહૂર્ત શોધે છે. ગોકળગાય પોતાની થંભી ગયેલી દીર્ઘ યાત્રા ફરી ચાલુ કરે છે. લીમડાની ડાળીઓ વરસાદનું પાણી પોષીને કાળી થઈ ગઈ છે. કોઈ નાનું છોકરું હાથમાં લખોટી રમાડે તેમ આંબાનાં પાંદડાં જળબિન્દુને રમાડે છે. ભીનાં ગાદલાં સૂકવવા નાખ્યાં હોય તેવાં વાદળાં અહીંતહીં દેખાય છે. દર્પણની પારદર્શકતા આછા આવરણથી ઢંકાઈ જાય છે. પડછાયાઓ સૂર્યની હૂંફે ફરી બીતા બીતા બહાર આવે છે અને પોતપોતાનાં બિમ્બને શોધી લે છે. મકાનોની ભૂમિતિ ફરીથી ગોઠવાઈ જાય છે. સૂર્યને જોતાં જ, આંસુ લૂછ્યા વિના જ કોઈ શિશુ એકાએક ખડખડ હસી પડે તેમ, પાંદડાંઓ હસવા લાગે છે. પથારીમાં દબાઈને ચપ્પટ થઈ ગયેલા માંકડના જેવી ક્ષણો હવે કંઈક સજીવ બને છે ને ધીમે ધીમે સરકવા લાગે છે.

પારિજાત એની સુગન્ધનો સંચય કરી રહ્યું છે. કેતકીનો ઉદ્દણ્ડ દણ્ડ ઊંચો ને ઊંચો થતો જાય છે. કદમ્બ ખીલ્યાં છે. નાનાં નાનાં તૃણદલ આકાશને એકીટશે જોઈ રહે છે. પછી થાકે ત્યારે પાસેના પથરાને ખભે માથું ટેકવી દે છે. દિવાસાની ખીરની શોધમાં માખીઓ ખભે માથું ટેકવી અત્યારથી જ નીકળી પડી છે. પવન અને ધૂળ વચ્ચેનો પકડદાવ પૂરો થયો છે. કૂવાઓમાંનો અન્ધકાર જાગીને વટવાગળાં બનીને વડ પરથી ઊંધે માથે લટકે છે. વાડને ઘસાઈને કાચબાઓ ચાલતા થઈ ગયા છે. તળાવડીઓની કાયા પુષ્ટ થવા લાગી છે.

વૃષ્ટિધારા જોરથી પડવાથી જમીનમાં દટાઈ ગયેલું હાડકું બહાર નીકળી આવ્યું છે. શો હશે એનો ઇતિહાસ? શી હશે એની જીવન્ત આકૃતિ? મરણની તર્જનિકાની જેમ એ શું ચીંધી રહ્યું છે? કૂતરું દોડીને એને દાંત વચ્ચે દબાવે છે. એને એ અસ્થિના કેવળ અસ્તિ સાથે જ સમ્બન્ધ છે.

રવીન્દ્રનાથે વર્ષા પછીના આકાશને પ્લેટીનમની અંગૂઠી જોડે સરખાવેલું. જે નિરાકાર છે તે જ કવિને માટે પ્રબળ પડકાર છે. નિરાકાર આકાર લે ત્યારે સૌ પ્રથમ આકાર કયો છે? સીધી રેખાનો કે વર્તુળનો? કેટલાક માને છે કે વર્તુળનો. પૃથ્વીનો આકાર ગોળાકાર છે, ગ્રહોના આકાર ગોળાકાર છે, કારણ કે વર્તુળનો આકાર મર્યાદિત હોવા છતાં એનાં આદિ અને અન્ત ક્યાં છે તે કહી શકાય નહીં. જ્યારે રેખાને તો આદિ અને અન્ત હોવાનાં જ.

દૃષ્ટિનાં પદચિહ્ન બધાંએ ઝીલ્યાં છે. દેવમન્દિરના ઘુમ્મટ પર પણ એ છે ને ખાબોચિયામાં પણ એ છે. સૌથી વધુ ગમે એવી વૃષ્ટિધારા તે મધરાત વેળાની છે. એથી આપણી ઊંઘનું નવું પોત ઊઘડે છે. વૃષ્ટિ કેવળ શ્રવણગોચર રહે છે.

રસ્તા પરથી હાથી ડોલતો ડોલતો ચાલી જાય છે. એની ઘંટડીનો અવાજ વરસાદમાં બોદો થઈ જાય છે. ચોટલાકાબર રહી રહી કોઈ બામણીની જેમ એનો ભીનો ચોટલો ખંખેરે છે. ક્યાંકથી આવી ચઢેલા કાગડિયા કુંભારને દુષ્ટ કાબરો પજવે છે. પોપટો લીમડાની ડાળે શીર્ષાસનનો પ્રયોગ કરી જુએ છે. બધું જ અવળુંસવળું કરી નાખે છે આ વૃષ્ટિ!

14-7-74

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.