નર્યા આશાવાદી થવા માટે જાણી કરીને અજ્ઞાની થવું પડે. પણ જ્ઞાનનું ફળ આદમે ચાખી લીધું, એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. આ જ્ઞાન આપણને શૂન્ય તરફ લઈ જાય છે. આ પૃથ્વીના વાતાવરણને ભેદીને ઉપર જનારા ખગોળવિહારીઓ એ શૂન્યાવકાશમાં જે માનવહીન નિ:સ્તબ્ધતાનો અનુભવ કરે છે તે કોઈ નિરાશાવાદીની નરી કલ્પના મટીને વાસ્તવિકતા બની રહી છે. પણ જીવન જીવવા માટે અમુક માત્રામાં આશાની જરૂર તો રહે જ. આથી માનવી જ્ઞાન પામવા માટેના આટલા પુરુષાર્થ પછીથી પ્રાપ્ત થયેલા જ્ઞાનથી કેમ છૂટવું તેની મથામણમાં પડેલો દેખાય છે. જેને આશાવાદી થવાનું કશું જ કારણ નહોતું એવા આંખો ગુમાવી બેઠેલા જેઇમ્સ થર્બરે કહ્યું કે માનવીય ગ્રામોફોનની સોય અમુક શબ્દો (જેવા કે હતાશા, વિફલતા, એબ્સડિર્ટી) આગળ આવીને અટકી ગઈ છે. આથી એના એ જ ચાર પાંચ શબ્દોનો ઘોંઘાટ કાને પડે છે. થર્બર અણસમજુ હતા એટલે એમને આશાવાદી થવાનું પરવડતું હતું એમ આપણે નહીં કહીએ. માનવીની આ નિયતિને જાણી લીધા પછી એને સ્વીકારી લેવાનું ખમીર એમનામાં હતું. સાથે હતી ઉદાર સહાનુભૂતિ. આજની પરિસ્થિતિ વચ્ચે જીવવા ઇચ્છનારને સૌથી વિશેષ જરૂર છે માનવીય ઉષ્માની અને સહાનુભૂતિની. બાકી આપણી ઉચ્ચાવચ્ચતાની ચઢતીઊતરતી ભાંજણીનો કશો અર્થ રહ્યો નથી. આ સર્વવ્યાપી શૂન્યમાં થતા પરપોટામાં કયો કેટલે ઊંચે ગયો કે કેટલું વધારે ટક્યો એનું શું મહત્ત્વ?
આમ વિચારનાર આ બ્રહ્માણ્ડની પડછે પોતાને મૂકીને જુએ તો પોતાને વિશેની નરી નગણ્યતા અને આ વિશ્વની નરી નિરર્થકતાના ખ્યાલમાંથી છટકી શકે એમ નથી. વિજ્ઞાને અને કળાએ માનવીને એના પોતાનામાંથી બહાર ખેંચી કાઢ્યા છે. એમ કરવાને કારણે કેટલું મૂલ્ય ચૂકવવું પડશે એના પૂરા ભાન સાથે. માનવતાવાદને આ મૂલ્ય ચૂકવીને સ્થાપવો પડે છે. પણ નગણ્ય બનેલા માનવીને માટે માનવતાવાદનો કશો અર્થ ખરો? છતાં પોતાને પોતાને વિશેની અભિજ્ઞતાથી અળગો કરી શકે ખરો? સૂર્યની વાત કરનાર કેમ્યૂ જ આ છવાતા જતા અન્ધકારની સૌથી નિકટ રહીને જીવી ગયો.
પહેલા વિશ્વયુદ્ધ પછીના દસકામાં જ આવી પોતાને વિશેની અભિજ્ઞતાનો અણસાર સર્જનાત્મક સાહિત્યમાંથી વર્તાવા લાગ્યો છે. ત્યાર પછીના દાયકામાં તો બીજું વિશ્વયુદ્ધ સળગી ઊઠ્યું. એ ગાળાના જર્મન નવલકથાકારની પ્રખ્યાત નવલકથાનું નામ જ છે ‘મેન વિધાઉટ ક્વોલિટિઝ’ નિર્ગુણ માનવ. એના જીવનમાં બનતી ઘટનાઓનો આધાર એ નથી. એના અનુભવો વાસ્તવમાં તો એના પોતીકા છે જ નહીં. આ અનુભવોને હવે એના અનુભવનાર માનવીથી છૂટા પાડીને જોઈ શકાય છે, એ જગત સમસ્તમાં વહી રહેલા એક સંસ્કૃતિપ્રવાહમાં ઘસડાયે જતું કિંચિત્ દ્રવ્ય માત્ર છે. ગુરુત્વાકર્ષણનું કેન્દ્રબિન્દુ હવે વ્યક્તિમાં નથી રહ્યું, પણ પદાર્થો વચ્ચેના સમ્બન્ધમાં રહ્યું છે. આથી જ તો રોબ્બ ગ્રિયે એની નવલકથામાં જેને એ ‘થિંગીઝમ’ કહે છે તેનું આલેખન કરે છે. આજની આપણી નિયતિ તરફ આપણને હાંકી જનાર કશીક ભીષણ અનિવાર્યતા પ્રવર્તી રહ્યાનો અણસાર આપણને સાંપડે છે. એ આપણી પરત્વે બિલકુલ ઉદાસીન છે. આથી આપણું જીવન તે અમુક પ્રવૃત્તિનું અનૈચ્છિક પુનરાવર્તન માત્ર બની રહે છે. આપણે પોતે પણ અમુક કાર્યક્ષમ પદ્ધતિથી એક જ ધાતુમાંથી ઘડાયેલા હોઈએ એવું લાગે છે.
આમ આપણા અસ્તિત્વ જોડે કોઈ ચેડાં કરી રહ્યું હોય એવું લાગે છે ખરું; પણ એ કોણ હોઈ શકે તેની આપણને ખબર નથી. કહેવાતી વાસ્તવિકતાને નામે આપણે જે કમાયા છીએ તેની સામે આપણે સ્વપ્નોની બાબતમાં તો દેવાળું કાઢ્યું છે. મારા કાર્યની અને મારી વચ્ચેની સાંકળ તૂટી ગઈ છે. આથી ક્રમશ: ઘટતી જતી જવાબદારીનો નિયમ પ્રવર્તી રહેલો લાગે છે. આવી પરિસ્થિતિમાં સદ્ગુણો હોવા બદલનું અભિમાન કે એના હોવા બદલનો અફસોસ બંને એકસરખાં નિરર્થક બની રહે છે, કારણ કે એનો સાચો અર્થ તો એનાં અભિપ્રાય, ઇચ્છા કે નિર્ણયની સીમાની બહાર જ ક્યાંક રહ્યો હોય છે, આથી આપણું અસ્તિત્વ તો એક નર્યો સંકેત માત્ર, એક ચિહ્ન જેનું સમગ્ર ગણિતમાં શું સ્થાન તે આપણે કદી જાણી શકીએ નહીં.
આવા આપણા જમાનામાં પોતાને સર્વોપરિ સ્થાને માનનારો વર્ગ તે તન્ત્રવાહકોનો છે. એમનું વ્યક્તિત્વ અમાનુષી હોય છે. સમિતિઓમાં ઉચ્ચ કક્ષાએ ‘પોલિસી’ નક્કી કરવામાં એમના વ્યક્તિત્વની પરાકાષ્ઠા વર્તાય છે. એ સમિતિમાંનો દરેક સભ્ય એક બીજાને વાપરવા મથતો હોય છે. એમાં દબાયેલા અવાજે ચાલતી ગુફતેગો દ્વારા ષડયન્ત્રો રચાય છે. છેલ્લા નિર્ણયો વૈયક્તિક જવાબદારી વિના લેવાય છે. અનેકનાં જીવનમરણનો નિર્ણય કરનારાઓ એવા નિર્ણયોના પરિમાણથી પોતાના પરિમાણને સહેજ પણ બદલી શકતા નથી. એમનું સાચું અસ્તિત્વ તે સરકારી હોય છે. એમનું અંગત, વ્યક્તિગત અસ્તિત્વ એમને માટે અન્તરાયરૂપ થઈ પડતું હોય છે. આ તન્ત્રવાહકો ખૂબ સુલભ હોય છે, પરિણામે કોઈ ખુરશી ખાલી રહેતી નથી. ખુરશીને પરમ ધ્રુવની જેમ વળગી રહેનારા આ લોકો એ ખુરશી પર બેસવાનું કેવું તો કષ્ટદાયક હોય છે તેની વાત ભારે લિજ્જતથી કરતા હોય છે. સત્તાચાલક પ્રક્રિયાઓના એ લોકો ગુલામ હોય છે. એ પરત્વે દાવપેચ આંટીઘૂંટી રચ્યા કરવાનો એમને ભારે ઉત્સાહ હોય છે. સાધનોના ખડકલાના વિશ્વ વચ્ચે એઓ જીવતા હોય છે. કાર્ય કરવાની શક્તિ શોધવાનું એમને માટે શક્ય નથી, પણ કરાઈ ચૂકેલાં કાર્યને અર્થ આપવાનું ભારે મુશ્કેલ થઈ પડે છે. એઓ શરીરનું રૂંવાડું પણ ફરકવા દીધા વિના ભારે ઉત્પાતો સરજી શકે છે. પ્રવૃત્તિઓને ખાતાં અને ખાનાં પાડીને વહેંચી નાખવાનું આપણને આવડ્યું છે, પણ એ બધાનાં સમન્વયની ભૂમિકા આપણે રચી શક્યા નથી. ઉદાત્તતાપૂર્વકનો પ્રતિકાર કરવાનું આપણને આવડ્યું નથી. આથી બહુમતિએ નક્કી કરેલી નીતિનાં ચોકઠાંમાં આપણા અંતરાત્માને ગોઠવી દેવો પડે છે.
માનવને કેન્દ્રમાં રાખીને વિશ્વ વિશે વિચારવાનું વલણ હવે મોળું પડતું જાય છે. એની અસર આપણા સ્વત્વના ઉપર પણ પડી છે. ઘડી ઘડીમાં ઊથલી પડતી સત્તાઓએ રચેલી વાસ્તવિકતા સાથે બંધ બેસતા થતા જવામાં એક નવા જ પ્રકારના ભયાનકનું વાતાવરણ રચાય છે. આપણામાં અપરાધ કર્યાની દીનતા પ્રકટે છે અને આપણે એક પ્રકારની અકળ હતાશાના ભાર નીચે ઝૂકી જઈએ છીએ. ઈશ્વર આગળ ઝૂકીઝૂકીને ખૂંધી થઈ ગયેલી પ્રજા હવે ઝૂકીને ફરી ચોપગાંના જેવી થઈ જશે એવી ભીતિ ઉત્પન્ન થઈ છે.
આદમી અદનો તો બની જ ચૂક્યો છે, પણ આવા તન્ત્રવાહકોની પાછળ એ અદૃશ્ય થતો જાય છે. તો પછી કયા પ્રકારનો માનવતાવાદ આપણે માટે શક્ય છે? આ નગણ્ય થઈ ગયેલા આદમીના રહ્યાસહ્યા સ્વત્વને ધ્યાનમાં રાખીને કોઈ માનવતાવાદની માંડણી થઈ શકે ખરી? એને રોમેન્ટિકો ધરાવતા હતા તેવા વ્યક્તિસ્વાતન્ત્ર્યના ખ્યાલ સાથે ગૂંચવી મારવાની જરૂર નથી. સમાજમાં વગ ધરાવનારાઓએ રચેલી શિષ્ટાચારની સંહિતા કે બુદ્ધિની ચતુરાઈ સાથે ગૂંચવવાની જરૂર નથી.
તન્ત્રવાહકોએ કરેલા વ્યક્તિત્વના વિલોપનની પ્રતિક્રિયા રૂપે રોમેન્ટિકોએ ફરી ફરીથી એની સ્થાપના કરવાની પ્રવૃત્તિ આદરી છે. ઓગણીસમી સદીમાં વિજ્ઞાને જે અભિગમ કેળવ્યો તેથી આ સ્વત્વ ટકી રહી શકે એવી પરિસ્થિતિ રહી નહીં. કામ્યૂએ આ પરિસ્થિતિને બરાબર ઓળખી લીધી હતી. રોમેન્ટિકોના ઉદ્રેકને એ બરાબર સમજ્યો હતો. એનામાં રહેલી બળવો કરવાની અનિવાર્યતા એને એક દિશામાં ઘસડી લઈ જતી હતી. પણ બળવા પછીથી વળી પાછી તત્સમવૃત્તિ જ સ્થિર થતી હતી. એને પરિણામે બળવો કરવાની પ્રેરણા આપનારનો જ ભોગ લેવાતો હતો. પ્રતિકારની પ્રવૃત્તિ આમ તો વિધેયાત્મક નથી, પણ નિષેધાત્મક છે. એ પ્રતિકારને અન્તે દૃઢ પ્રતિષ્ઠિત સ્વત્વની પ્રાપ્તિ થાય તો જ એ સાર્થક નીવડી છે એમ કહી શકાય. પણ રોમેન્ટિકોના અનુયાયીઓ બીજી પેઢીના જહાલો નથી હોતા, મવાળો જ હોય છે. આમ આ રોમેન્ટિક ઉદ્રેક એ આપમેળે પોતાને મર્યાદિત કરનારી પ્રવૃત્તિ છે. એ સ્વત્વને સ્થાપવા બળવો કરે છે, પણ એને પરિણામે સ્વત્વનો લોપ થાય છે.
આ પછીની ભૂમિકાએ અસ્તિત્વવાદીઓ આવે છે. અસ્તિત્વવાદ પણ એક પ્રકારનો રોમેન્ટિક ઉદ્રેક જ છે એવું પણ કહેવાયુું છે. એમાં આપણા વ્યક્તિત્વની પ્રમાણભૂતતાને સ્થાપવાનો પ્રયત્ન હાથ પર લેવામાં આવે છે. રોમેન્ટિકોએ જે સ્વત્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો તે તો સમૂહ તરફથી આવતાં દબાણોને કારણે નષ્ટપ્રાય થઈ ગયો. આ પછી પણ આપણું અસ્તિત્વ તો પ્રમાણિત કરવાનું રહે જ છે. જેને આગવી રીતે પ્રમાણિત કરી શકાય એવા સ્વત્વની શોધ અસ્તિત્વવાદીઓ કરે છે. રોમેન્ટિકોનો બળવો ઈશ્વર સામે કે રાજાઓ સામે હતો, અસ્તિત્વવાદીઓનો બળવો સૌ પ્રથમ ‘ઇતરજન’ની સામેનો છે જે એના ચહેરાને ભૂંસી નાખે છે. લોકશાહીએ ઉપજાવેલી બહુમતિને કારણે આવેલી નગણ્યતામાંથી આપણા સ્વત્વનો ઉદ્ધાર કરવો રહ્યો.
માનવી એની વિશિષ્ટ અને વ્યક્તિગત પરિસ્થિતિમાં જીવે છે, કશાક આત્યન્તિક સન્દર્ભમાં નહીં. એ તો એક સહોપસ્થિતિ છે. એની કોઈ શાશ્વત ભૂમિકા નથી. એ ક્ષણ પછી ક્ષણમાં જીવે છે. એની એકે એક ક્ષણ કટોકટીની ક્ષણ છે. આપણને નિયન્ત્રિત કરનારાં અન્ય બળો, પરિસ્થિતિઓ, ઇતરજનો, સંસ્કારો આ બધું બાદ કર્યા પછી જે આપણું જ કહી શકાય એવું નર્યું સ્વત્વ એઓ શોધે છે, એટલું જ સ્વત્વ પ્રમાણભૂત ગણી શકાય. આમ આપણી આગવી સંજ્ઞા પામવી એટલે જ આપણી પ્રમાણભૂતતાની સાબિતી આપવી. આપણે કેટલે અંશે ઇતરજનો જોડે સંયુક્ત છીએ એના પર પણ એનો આધાર રહે છે. રોમેન્ટિકો સ્વતન્ત્રતાને નામે સમાજથી ઊફરા ચાલી ગયા. અસ્તિત્વવાદીઓ સમાજમાં રહીને પોતાની અખણ્ડતા અને અવિચ્છિન્નતા સ્થાપવાને મથી રહ્યા છે. ‘હું કોણ છું?’ એ પ્રશ્નના પડઘા ફરી ફરી માનવજાતિના ઇતિહાસમાં આપણને સંભળાયા કરે છે. રોમેન્ટિકો લોકોનું ધ્યાન ખેંચે એવી વિશિષ્ટતા બતાવવાનો પાઠ ભજવવામાં પડ્યા હતા. અસ્તિત્વવાદીઓનો પ્રશ્ન આ છે : આપણે જે પાઠ ભજવી રહ્યા છીએ એ પૈકીના કયાને પ્રમાણભૂત ગણાવી શકાય? ઘણા એમ માને છે કે આપણું કોઈ એક અને અદ્વિતીય એવું સ્વત્વ નથી, પણ જેમ જેમ અસ્તિત્વ લંબાતું જાય તેમ તેમ અનેક સ્વત્વોની શ્રેણી રચાતી આવે છે.
રોમેન્ટિક ઉદ્રેકના એક ફણગારૂપે સાહિત્યમાં છોગાળો ફૂલણજી પણ આવી ગયો છે. આ ડેન્ડી એ મધ્યમ વર્ગમાંનો ખાનદાન ગણાવા માગતો માણસ છે. એ શહેરના વાતાવરણ વચ્ચે જ જીવી શકે છે. મોટાં શહેરોની જે ‘અંડરવર્લ્ડ’ હોય છે તેના ઉપલા સ્તર પર એ તર્યા કરતો હોય છે. આ ડેન્ડી હોવું એ પણ એક છોગું છે, મહોરું છે. પોતાનું નાયકત્વ સાબિત કરવાનો કોઈ રંગમંચ એને મળતો નથી. કોઈ દરબારીઓના ભભકાબંધ ટોળામાં એને હવે સ્થાન નથી મળતું. આથી કળાકારનો સ્ટુડિયો કે સર્જકોની ગાવામંડળીઓમાં એ મહાલતો દેખાય છે. એનું એકપાત્રી નાટક એ દર્પણ સામે ઊભો રહીને કરતો હોય છે. છટાથી જીવવું એ એનો આદર્શ છે. આવી તુચ્છ ગણાતી વિગતો પરત્વે પણ અ ભાર વરણાગિયો બને છે. એ પોતાની સંવેદનાને સૂક્ષ્મ બનાવવા મથે છે. એના ફૂલણજીવડાને જોઈને એ પોતાને જ વધાવી લેતો હોય છે.
આ ડેન્ડીની પ્રમાણભૂતતાનું શું? એને પણ સમાજ સામે વિરોધ તો છે જ. સમાજમાંનો મોટો વર્ગ જડભરત હોય છે, એ ઉપચાર અને શિષ્ટાચારની શેખી મારતો હોય છે. ડેન્ડી એની સામે બળવો પોકારે છે. આ સમાજની નક્કર ગણાતી વસ્તુઓ સામે ડેન્ડી પોતે ખાસ કેળવેલી ભ્રાન્તિઓને મૂકે છે. સૌથી મહત્ત્વની ભ્રાન્તિ પોતાને વિશે જ હોય છે. પોતાનું અસ્તિત્વ નકલી છે એ જાણવા પૂરતો તો એ બુદ્ધિશાળી હોય છે. આમ એ નાયક જેવો લાગે છે. પણ અંદરથી એ એનાથી સાવ અવળો જ હોય છે. એ જે સભાનતાથી ઠાઠ કરે છે તે હાસ્યાસ્પદ નીવડે છે એવી એની ગણતરી પણ હોય છે. પોતાની આજુબાજુની સામાન્યતાની એ ઠેકડી ઉડાવે છે. પોતાના કંઈક અંશે ઉધાર અસ્તિત્વને એ બીજાથી નોખો પાડીને પ્રમાણભૂત ઠેરવવા મથે છે. બીજા સત્તા, કીતિર્લાલસા, ધનલાલસા પાછળ દોડે છે. એવો કશો વ્યવસાય એને નથી. આખરે તો એનું હૃદય મૃતવત્ થઈ જાય છે. જો એમ નથી બનતું તો એ વક્રદર્શી બની જશે એવો હંમેશાં એને ભય રહેતો હોય છે. એ સમાજને છળ પર આધાર રાખનારો લેખે છે. પણ સાથેસાથે પોતાનું વ્યક્તિત્વ પણ એક વાઘો જ છે એનું એને ભાન હોય છે. એ ઘણી વાર એકરાર કરવા તરફ વળે છે. એ એકરાર વડે પોતાના અસ્તિત્વની અપ્રમાણભૂતતાનું એને સતત ભાન રહેતું હોય છે. તેમાંથી સહેજ છુટકારો મેળવવા મથતો હોય છે. એને અનિશ્ચિતતાનો ભય પીડ્યા કરતો હોય છે.
આમ સ્વત્વની શોધમાં જ સ્વત્વને વિશેની શંકાઓનો ઉદ્ભવ થાય છે. એની પ્રમાણભૂતતા દીવાસ્વપ્નોમાં બાષ્પીભૂત થઈને ઊડી જાય છે. એ ક્રમશ: પોતાને પોતાની જાતથી વેગળો પાડવા મથી રહેતો હોય છે. આવું પાત્ર આપણી નવલકથામાં આવ્યું નથી. પણ આજના ઘણા બધા નવા કવિઓનો ‘હું’ કે એમના પોતાના વિશેષ નામથી કૃતિમાં ઉલ્લેખાતી વ્યક્તિ આવું પાત્ર લાગે છે. આજનો આપણો કવિ પણ પોતાની તરફ ધ્યાન ખેંચવા મથ્યા કરે છે. અલબત્ત, કીતિર્ એ એક ભ્રાન્તિ છે જેને ટકાવી રાખવાનો પરિશ્રમ જ કંટાળાભરેલો છે એની એને ખાતરી થઈ ચૂકી છે. એનામાં થોડી રોમેન્ટિકોની આત્મપ્રદર્શનની વૃત્તિ નથી એમ નહીં તેમ છતાં એ આત્મવિડમ્બનામાં પણ રાચે છે. આવી આત્મવિડમ્બના એ વિકૃત આત્મરતિ પણ હોઈ શકે.
રોમેન્ટિકોના ઉદ્રેક પછીથી જેને કેવળ આપણો પોતીકો કહી શકાય એવો શેષ રહેતો અનુભવ, એવી આપણી આખરે બચતી ચૈતસિક સત્તાને શોધીને આપણી સત્તાને પામવાનો પ્રયત્ન થતો જોવામાં આવ્યો. અસ્તિત્વવાદીઓની ‘સ્વતન્ત્રતા’ તે પોતાની આવી આગવી સત્તાને સમાજ વચ્ચે ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે.
હવે આપણા જમાનામાં સાંસ્કૃતિક પુરુષનું સ્થાન ટેકનિશિયને લીધું છે. એને રેઢિયાળ એવા થોડા નમૂનાની સામગ્રીમાંથી ઉતાવળે ઊભો કરી દેવામાં આવ્યો હોય છે. એનામાં વિશિષ્ટતા હોતી નથી. એ અનેકમાંનો અવિશિષ્ટ એક છે. સ્પૅનિશ ફિલસૂફ ઓર્તેગાએ કહ્યું છે તેમ હવે સમાજના ઉપલા થરમાંથી આ નવા પ્રકારની બર્બરતાનું આક્રમણ શરૂ થઈ ચૂક્યું છે.
સમાજ સાથે તત્સમવૃત્તિ કેળવીને રહેવું હોય તો પોતે કોઈ રીતે વિલક્ષણ નથી, સર્વસામાન્ય લોકોના જેવો જ છે એની સૌપ્રથમ ખાત્રી કરાવવાની રહે છે. પહેલા સ્વતન્ત્રતા આપણું મૂર્ધન્ય મૂલ્ય હતું. હવે સાધારણ રહેવા માટેનો ઇલાજ એનું સ્થાન લે છે. એને માટે તમે મનોચિકિત્સક પાસે જાઓ, કશી વિલક્ષણતાથી કે ગ્રંથિઓથી પીડાતા નથી એની ખાત્રી કરાવી આપો તે જરૂરી છે. સર્જકતા પણ આખરે તો એક પ્રકારની વિલક્ષણતા જ છે, એ ન્યૂરોસિસ છે.
ફ્રેન્ચ ફિલસૂફ બર્ગસોંએ આપણા અસ્તિત્વને સંવેદનામાં થતાં અસંખ્ય પરિવર્તનોની શૃંખલા રૂપે ઓળખાવ્યું. સાર્ત્રે આપણી ચેતનાને શૂન્ય રૂપે ઓળખાવી. શતરંજ રમતા હોઈએ ત્યારે જો ખાલી જગ્યા હોય તો જ પ્યાદાંઓ ખસી શકે, તેમ ચેતનાશૂન્ય રૂપ હોય તો જ બાહ્યા જગતની સાથેના સમ્પર્કને કારણે થતા પ્રતિભાવો અને પ્રત્યાઘાતોને ગતિ કરવાનું સ્થાન રહે. દરેક આવી ઘટના, બાહ્યા જગત સાથેનો આપણો આવો સન્નિકર્ષ, બની ચૂક્યા પછી અવશેષમાં કશુંક મૂકી જાય છે. આ અવશેષમાંથી ધીમે ધીમે એક પડ બંધાતું આવે છે. એને આખરે આપણે આપણું સ્વત્વ કહીને ઓળખાવીએ છીએ.
આપણી બદલાયા કરતી સંવેદનામાં અનુસ્યૂત થઈને એક અભિજ્ઞતા રહી હોય છે. એનું રૂપ એ જે સમયમાં થઈને ગતિ કરે છે તેને આધારે બંધાય છે. એ સમયના આકારને પારખવો હોય તો સ્મૃતિને તાગવી જોઈએ. પણ એમ કરવામાં આપણને સ્મૃતિએ વંચિત કરેલી સામગ્રી સાથે નિસબત નથી. એ સામગ્રી તો નિમિત્ત છે. એના વડે સમયમાં ઢળાયેલા આપણા સ્વત્વને પામી શકીએ છીએ.
જે સ્વત્વનો આપણે એક બૌદ્ધિક વિભાવના રૂપે વિચાર કરીએ છીએ તે તો બિનંગત છે, નિર્વૈયક્તિક છે. એ તો જે વિક્ષિપ્ત છે તેને જોડી આપનારું રેખાંકન છે, એક પ્રકારનો આલેખ છે. જે સદ્ય પ્રસ્તુત છે એ તો યાન્ત્રિક છે. જેનું હોવું એક સતત ચાલ્યા કરતી પ્રક્રિયા છે, તે માનવીનું અસ્તિત્વ છે. જર્મન લેખક હરમાન હેસે એની નવલકથા ‘સ્ટેપન વૂલ્ફ’માં કહ્યું છે કે આપણને આપણી પોતાની આગવી સંજ્ઞા છે એમ માની લેવું તે ભૂલભરેલું છે. આપણે સૌ ગૂંચવાયેલા મુંઝાયેલા અનેક અંશોના શંભુમેળા રૂપ છીએ : આથી આપણા કહેવાતા વ્યક્તિત્વનું અનેક અંશોમાં વિભાજન થતું હોય છે. આવી વિભિન્નતાને કારણે જનસુદૃઢ માણસલક્ષણોવાળું ચારિત્ર્ય કહેવાય તેવું કશું આપણને પ્રાપ્ત થતું નથી. એથી ઊલટું, આપણા વ્યક્તિત્વના પરસ્પરવિરોધી અંશોનો સંઘર્ષ આપણને હંમેશા ક્લેશભરી પરિસ્થિતિમાં મૂકી દે છે. આથી પ્રસન્નતા કે શાન્તિ આપણે માટે દુર્લભ બની રહે છે. પ્રેમ જેવી બે વ્યક્તિને એક બનાવનારી ગણાતી શક્તિ પણ આપણને કશી સુસંગતિ કે અભિન્નતા સાધી આપી શકતી નથી. બર્ગસોંએ કહ્યું છે તેમ આપણે જેને વ્યક્તિઓ તરીકે ચિહ્નિત કરીને ઓળખાવીએ છીએ તે વાસ્તવમાં તો સિનેમેટોગ્રાફમાં બને છે તેમ જુદા જુદા ખણ્ડો ઉત્કટ ગતિથી આપણી આગળથી પસાર થવાને કારણે ઊભી થતી એક સુરેખ વ્યક્તિત્વની ભ્રાન્તિ છે. આથી આંદ્રે જિદ પણ કહે છે કે જે લોકો પાત્રમાં સુસંગતિની વાતો કરે છે તેઓ નરી કૃત્રિમતા જ વહોરી લેતા હોય છે. દોસ્તોએવ્સ્કીના પાત્રમાં પણ આવા દ્વિધાવિભાજિત વ્યક્તિત્વનો આપણને પરિચય થાય છે. ‘ધ ઇડિયટ’માંનો પ્રિન્સ મિશ્કિન જો સન્ત જેવો છે તો એના જ બીજા અડધિયારૂપ રોગોઝીન તે ખૂની હત્યારો છે. માનવીય વ્યક્તિત્વના આ સત્યને, આ યાથાર્થ્યને જ દોસ્તોએવ્સ્કી ‘ફેન્ટેસ્ટિક રીઆલિઝમ’ કહે છે. આપણે જેને કપોલકલ્પિત કહી વાસ્તવિકતાને સામે છેડે મૂકીએ છીએ તે ખરું જોતાં આપણી યથાર્થતાનું જ એક અનિવાર્ય પરિમાણ છે. દોસ્તોએવ્સ્કીએ એની કૃતિ ‘ભોંયતળિયેનો આદમી’માં આવા છિન્નવિચ્છિન્ન આદમીનું નિદાન કરેલું છે. એમાં એણે કહ્યું છે કે બે ને બે ચાર એમ ઝટ કહી દઈને નષ્ટ અને સુખી થનારો એક વર્ગ છે, તો બીજો બે ને બે પાંચ પણ હોઈ શકે કે કેમ એની મૂંઝવણમાં પડેલો છે. બે રકમનો એકબીજાથી છેદ ઉડાડી દઈએ, ઉપદ્રવ ઊભો કરનાર શેષ વધવા જ ન દઈએ ને નિરાંતે જીવીએ એ તો ઠીક. પણ સૅમ્યુઅલ બૅકૅટ કહે છે કે કોઈ વાર બાવીસને સાતે ભાગવાનો પ્રયત્ન પણ કરી જોવો જોઈએ. અસ્તિત્વવાદીઓને મન પણ જાત સાથેની નરી પ્રામાણિકતા એ સૌથી મોટું મૂલ્ય છે. જે જાતને છેતરીને જીવે છે તેણે પોતે જ પોતાના વ્યક્તિત્વની પ્રમાણભૂતતા છીનવી લીધી છે. એ ‘બૅડ ફેઇથ’થી જીવે છે. કશી નિશ્ચિતતા અહીં આપણને પ્રાપ્ત થતી નથી. તે છતાં નિશ્ચિન્તતા જાણે છે જ એમ માનીને આપણે જીવવાનું રહે છે. બુદ્ધિ તો ચારે બાજુના અંધારામાં થતો ક્ષણભરનો ચમકારો છે. એની બંને બાજુ અનન્ત અન્ધકાર વિસ્તરેલો છે. આપણું સત્ત્વ જ કુણ્ઠિત થઈ ગયું હોય, હ્રસ્વ થઈ ગયું હોય અથવા તો લુપ્ત જ થઈ ચૂક્યું હોય તો પછી અનુભવનો કશો અર્થ ખરો? આવો સ્વત્વનો લોપ જે ઊભો કરે તેને નિરૂપતું સાહિત્ય હજી આપણા જ જમાનામાં રચાયું નથી એ આપત્તિનું સાચું પરિમાણ હજી આપણા સર્જકને લાધ્યું નથી. પ્રચણ્ડ હોનારતો અને ગમખ્વાર સંહાર વચ્ચે આપણે જીવ્યા છીએ છતાં એ બધા સાથે કોઈ રીતે સંકળાયેલા હતા એવું આપણને લાગ્યું નથી.
આથી સ્વત્વની શોધ કરવી કે સ્થાપના કરવી એ વાત જ રહી નથી. એમાંથી છટકી નાસવું એનું નામ જ સ્વતન્ત્રતા નથી? અનુભવમાં અપરોક્ષતા હોવી એ જ અનુભવને વિશેની સૌથી મહત્ત્વની વસ્તુ છે. તેવી જ રીતે આપણા કાર્ય પણ આપણે પરોક્ષપણે નહીં પણ અપરોક્ષપણે કરી શકીએ તો જ એનો મર્મ હાથ આવે પણ આટલી સાદી વાત કહેવી એ જાણે બાઘાઈમાં ખપી જાય છે.
આપણે આપણી જિંદગી જીવતા નથી, પણ અમુક સમ્બન્ધોના એક તન્તુરૂપે આપણે ટકી રહેતા હોઈએ છીએ. એમાં જે કાંઈ બને છે તે બીજા કશાકના પ્રતીક રૂપ હોય છે, અને તેને વળી બીજી કોઈ દૂરની ઘટના સાથે સમ્બન્ધ હોય છે. આમ લંબાતા છેડાઓના એકાદ તન્તુરૂપ હોવું તેનો અર્થ શો? બ્રહ્માણ્ડમાંનાં પ્રચણ્ડ બળોના ગોઠવાતાં સમીકરણોની એક તુચ્છ નગણ્ય વિગત તે માનવી? આથી જ તો નાતાલી સારોતે બીજા નવલકથાકારોને સલાહ આપી છે કે જો કોઈ તમારી આગળ મનોવિજ્ઞાનની વાત કરે તો તમારે શરમાઈને આંખો નીચી ઢાળી દેવી. ફ્રોઇડની વિચારણાને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ પણ એ વિજ્ઞાન છે ખરું? એ તો ‘ઇડ’, ‘લિબિડો’ અને ‘એનિમા’નું ત્રિપાત્રી રમ્ય કથાપાત્ર છે. એણે આપણને આપણા જમાનાને અનુરૂપ પુરાણકલ્પનોની માંડણી કરી આપી છે. જે ઘડીએ આપણે આત્માને ખોઈ બેઠા તે ઘડીએ જ એણે એના પૃથક્કરણની વાત કરી.
બોલ્સ્તમાને કહેલું છે કે જેમ સમય વીતતો જાય છે તેમ પ્રકૃતિમાં જે નિયમિત નિયન્ત્રિત છે તે ધીમે ધીમે વેરવિખેર બનતું જાય છે. સુવ્યવસ્થિત વિશ્વ ધીમે ધીમે અરાજકતામાં સરતું જાય છે. એ જાણે અવળી ગતિવાળી વ્યસ્ત સ્વરૂપની ઉત્ક્રાન્તિ છે.
આપણી આજુબાજુ એક વિશાળ ઉદાસીન સત્તા વિસ્તરેલી છે. કામ્યૂનું ‘આઉટસાઇડર’માંનું પાત્ર મ્યૂરસો ફાંસીની આગલી રાત્રે બારીમાંથી દેખાતા તારાખચિત આકાશમાં ખાલી ઉદાસીન તટસ્થ વિશાળતાને જુએ છે અને તેને શરણે જાય છે. એવા પાત્રની પૂર્વભૂમિકા તો જર્મન ફિલસૂફ શોપેનહાવરની વિચારણામાં મળી રહે છે. એણે કહ્યું જ હતું કે જેનામાં પોતાની આગવી સંકલ્પશક્તિ જ નથી તેને માટે આપણી આ દુનિયા, એના બધા નક્ષત્રમણ્ડળો સહિત, નરી મિથ્યા બની રહે છે. કાફકાએ પણ કદાચ આથી જ કહેલું કે જ્ઞાન પામ્યા એનું સૌથી પ્રથમ ચિહ્ન તે મરણને માટેની ઇચ્છા છે. સાર્ત્રે પણ કહ્યું છે કે આપણા અસ્તિત્વનો પાયો શૂન્ય છે. ને જો આ શૂન્ય જ આપણા અસ્તિત્વનો આધાર હોય તો આપણું સાચું અસ્તિત્વ તે આ શૂન્ય વિશેની ઉત્કટ સંવિત્તિ જ છે. આપણા અસ્તિત્વની ક્ષિતિજોનો છેડો તે આ શૂન્ય છે.
9-2-73