અજાણ્યો વિષાદ

અંધારપટ છવાઈ ગયો અને ચાંદની ખીલી ઊઠી. રાત કોઈ કુસુમિત વૃક્ષની જેમ મહોરી ઊઠી. ક્યાંક મહુવર બજી ઊઠ્યું. ને એના લયથી બધું આંદોલિત થઈ ઊઠ્યું. આકાશની નીલિમા ઝાકળથી મલકાતાં તૃણની કોમળ હરિત શોભાના કાનમાં કશુંક કહેવાને નીચે ઊતરી આવી. કશાક રહસ્યમય સંકેતને વાતાવરણમાં વિસ્તરતો જોયો. અકારણ ઉત્સુકતાથી હૃદય વિહ્વળ બની ઊઠ્યું. પરિચિત સૃષ્ટિએ છદ્મવેશ ધારણ કર્યો. કોઈ નવી અપરિચિતતાને પામીને પોતાનાથી જ અજાણ્યા થઈ જવાનું મન થયું. ભાર લાદેલી ટ્રક મોઢું છુપાવીને ફરતા દસ્યુઓની જેમ સરકવા લાગી. ક્યાંક કોઈક મોટરની ટેઇલલાઇટનો લાલ દીવો તરી રહ્યો. વૃક્ષો બાળકનાં ચિત્રમાં હોય છે તેવો આકાર ધારણ કરી રહ્યાં.

એની સાથે એક આખી ઢંકાયેલી સૃષ્ટિ આંખ આગળ ઊપસી આવી. શરીરમાં વહેતું લોહી કોઈ નવી જ વાત કહેવાને માટે અધીર બનીને ધબકવા લાગ્યું. મેદાનમાં પડેલા પથ્થરનાં સ્વપ્નો પારદર્શક બની ગયાં. ભૂમિના મુખ પરની ઝલક એકાએક દેખાઈ ગઈ. ઘરમાં દર્પણના ચહેરા પર એક નવી ચમક આવી. ઓરડામાંની વસ્તુઓના આકારે જાણે ઘણા વખતે પડખું બદલ્યું. પવનની લહરી દૂરના કોઈ પંખીના વેરાઈ જતા ટહુકાની જેમ સ્પર્શીને જતી રહી. આવતી કાલનો સૂર્ય પણ આ માયાવી સૃષ્ટિને જોવાના પ્રલોભનથી ગુપ્ત વેશે ફરતો હોય એવો ભાસ થયો. મકાનનાં ચોસલાંઓની ભૂમિતિ ચાંદનીમાં ધીમે ધીમે ઓગળતી લાગી. પાસેના લીમડા પર બેઠેલી ચીબરી અને મેદાનમાંની ટિટોડીએ આ પરિસ્થિતિ વિશે થોડોક સંવાદ કરી લીધો. ધીમે ધીમે નંદિરનાં હળવાં પગલાં સંભળાવા લાગ્યાં. હું એને ગણતો ગયો – એક બે ત્રણ…

વાત તો સાવ સામાન્ય જ હોય છે, અન્યમનસ્ક બનીને ચાલતા હોઈએ છીએ ને પથ્થરની ઠોકર વાગે છે. પથ્થર પણ જાણે જાગી ઊઠે છે. સૃષ્ટિના સર્જનના આદિકાળે ઘૂમતી ગોફણમાંથી વીંઝાઈને પડ્યો હતો ત્યારે ચક્રાકાર ગતિનો એને જે છાક ચઢ્યો હતો તે જાણે હજી ઊતર્યો નથી. કોઈ ખરતી ઉલ્કાનો તેજનો લિસોટો હજી કદાચ એના અન્તરમાં સ્મૃતિ રૂપે ઝબક્યા કરે છે. આદિ માનવે એનામાં દેવત્વનું આરોપણ કરીને એને રક્તનો અભિષેક કરેલો તે રક્તની તૃષા કદાચ હજી એને કોઈક વાર પીડે છે. જે પ્રાચીન શિલ્પનો એ અંશ હશે તેની સમગ્રતાને માટે એ કદીક સળવળાટ અનુભવતો હશે. કાંઠા તોડીને નગરો અને સંસ્કૃતિઓનો વિધ્વંસ કરતી કોઈ ઉન્માદિની વન્યાના પ્રમત્ત સ્પર્શને પણ એ ઝંખતો હશે. એની નિશ્ચેષ્ટ જડતાના આવરણ પાછળ કેટલા બધા સમયને એણે સંચિત, અશ્મીભૂત કરીને રાખ્યો હશે! કેટલીય વાર સર્પના શરીરની શીતળતાને એણે સેવી હશે. પથ્થરની નસોમાં હજી જ્વાળામુખીનો ઉત્તપ્ત આવેગ વહેતો હશે. માનવી એની અમરતાનો દાવો પથ્થરને મોઢે જ ઉચ્ચારાવે છે ને!

સ્વર્ગના દેવદૂતે લલચાઈને ઉચ્ચારેલું અસત્ય દેશવટો પામીને આપણી વચ્ચે ઊછરવા આવ્યું છે. એ સ્વર્ગનું છે માટે એનો લોભ નથી. એ આપણું આગવું સત્ય પામે અને એનું એ રૂપ જોઈને કોઈ દેવને અહીં છૂપે વેશે આવવાનું મન થાય એવું કશુંક થવું જોઈએ. એનો અવતાર વગર ક્યાં છૂટકો છે! પૃથ્વીનો તો સ્વભાવ છે શિશુને પોતા તરફ ખેંચવાનો, માટે જ તો આરોહણ આપણી પ્રકૃતિવિરુદ્ધની ક્રિયા છે. છતાં પર્વતો આપણા અહંકારને બહેકાવે છે. પણ પર્વતો બેડોળ છે, કઢંગા છે, સમુદ્ર એકસૂરીલો છે. બે કાંઠા વચ્ચેની નદીની કેવી કેવી લીલા આપણે જોઈએ છીએ!

ઝાડની ડાળી પર બેઠેલો કાગડો એની દુષ્ટ આંખે કશુંક બબડી રહ્યો છે. કાબર એની વાચાળતાથી એની હાંસી ઉડાવી રહી છે. કરોળિયો એ બંનેને પોતાની જાળમાં ફસાવવાની મહત્ત્વાકાંક્ષા સેવી રહ્યો છે. કીડી શ્રમિક સંઘનું સભ્યપદ નોંધાવવા જઈ રહી છે. પતંગિયાની પાંખની રંગીન આત્મશ્રદ્ધા ફૂલોને ઊડી જવા ઉશ્કેરી રહી છે. ઝાકળની આરસીમાં મોઢું જોવા આકાશ ઝૂકી રહ્યું છે. મધરાતે મન્દિરના ઘણ્ટને એકાએક ભગવાનની ખુશામત કરવાની ચળ આવે છે. એક ગોકળગાય ઈશ્વરનું પગેરું કાઢવા નીકળી પડી છે. કૂકડો સવારે જાગીને બોલવાના શ્લોકની પંક્તિ આથમતા ચન્દ્રને પૂછી રહ્યો છે.

પણ જાણે શાથી કોઈક વાર મન વાદળી જેવું બનીને બધેથી વિષાદને શોષી લે છે. બધું ભેજથી ભાંગી પડે છે. આ એક સૂર્ય વિષાદના ધુમ્મસને વિખેરવાને ઓછો પડે છે. આંખ પોતાના જ રચેલા ધુમ્મસમાં ખોવાઈ જાય છે. દિશાશૂન્યતા લક્ષ્યને ભૂંસી નાંખે છે, નરી અગતિની નિષ્ક્રિય અલસતા સદી જાય છે.

પણ વળી કોઈક વાર સૂરજ ઉત્સાહનું ઢોલ વગાડવા મંડી પડે છે. રસ્તાની ધૂળ સોનેરી સોનેરી મલકે છે, ગલગોટાનો સોનેરી સાફો બાંધેલો દિવસ દમામથી ચાલે છે. હેમન્તનો સૂર્ય માયાવી સ્પર્શ લઈને આવે છે, એનાં મૃગજળ ખુલ્લાં પડી જતાં નથી. પવનની લહરીના સ્પર્શને પરનારીના સ્પર્શની જેમ ટાળીએ છીએ, મારા એકાન્તને પણ આજે સોનેરી બુટ્ટાથી શોભતું જોઉં છું.

મધમાખીનાં ગુંજનનો પાતળો દોર બારીમાં થઈને ખેંચાતો ખેંચાતો આગળ વધે છે. ઓરડાના બરડ અવાજો સાથે અથડાઈને એ જે પડઘા પાડે છે તે પણ સંભળાય એટલી બધી શાન્તિ છે. એ શાન્તિમાં ગરકાવ થઈ જવાય એવું છે. પણ કેવળ મધમાખીના ગુંજનના તારને બાઝીને હું ટકી રહ્યો છું. જો ઈશ્વર છાનોમાનો આ સવારે ગુપ્તચર્યા કરવા નીકળ્યો હશે તો આ શાન્તિ સ્પન્દિત થઈને એને છતો કરી દેશે.

મારા અવાજને પણ હું ગુંજન જેવો કરી નાખવા મથું છું. પણ રાતની સૅન્ડપેપર જેવી કકરી ઠંડીએ એને ખરબચડો બનાવી દીધો છે. એથી જ તો કહું છું કે મારા મૌન વિશે ગેરસમજ કરશો નહીં. મારા મનમાં અત્યારે કોઈ ગૌરવપૂર્ણ વિચારનો પડછાયો સરખો નથી. કવિતાનેય મેં સમજાવીપટાવીને કોઈ ખ્યાતિવાંચ્છુ કિશોર કવિ પાસે મોકલી આપી છે. જો મારા શ્વાસ નીરવતા શીખે તો અત્યારે મારે ને ઈશ્વરને ઝાઝું છેટું નથી.

હેમન્તની ધૂસર સન્ધ્યા કશાક અજાણ્યા વિષાદને પ્રસારે છે. પણ એ વિષાદનો ભાર વર્તાતો નથી. એ ધીમે ધીમે પ્રસરે છે. દૃષ્ટિ થોડીક વ્યાકુળ બને છે. ત્યાં તો હીરા જેવાં ઝગઝગતાં નક્ષત્રો પ્રકાશવા માંડે છે. હવાના સ્પર્શમાં દૂરનાં એ નક્ષત્રોની દ્યુતિનો ગુપ્ત સંકેત ઓળખવા મથું છું. ધીમે ધીમે વધતી ઠંડી હૂંફ શોધવા પ્રેરે છે. પછી નિદ્રા ગાઢ સુખની અપેક્ષા જગાડે છે. એ સુખમાં ડૂબી જવાનું ગમે છે.

નદીને કાંઠે યદૃચ્છાવિહાર કરવાના આ દિવસો છે. પણ બાળપણની પરિચિત એ નદી હવે ક્ષીણસ્રોતા બનીને કેવળ ભૂતકાળના એક ખણ્ડમાં નિ:શબ્દતાથી વહી રહી છે. જનસંકુલ નગરમાં પ્રવાહ કેવળ લોકોનો કે વાહનોનો જ જોવાનો રહ્યો! એ પ્રવાહને કાંઠે ઊભા રહીને જોવાનો હવે ઉત્સાહ થતો નથી. બાળપણમાં લઘુક કાયાને કારણે બારી ઊંચી લાગતી. ત્યારે બારણાં ખોલીને બહાર દોડી જવાનું જ ગમતું. પણ હવે મારા ઘરમાં એક નહીં પણ બે બારીનો ભોગવટો હું માણું છું. શિયાળામાંય એને બંધ કરીને આકાશ તરફથી મોઢું ફેરવી લેવાનું ગમતું નથી. તારામૈત્રક માણતાં માણતાં જ આંખ બિડાઈ જાય છે.

આ નદી, આકાશ, વનસ્પતિ, પંખી – એ બધાંની માયાની વાત હું તોપોની ગર્જના વચ્ચે કરી રહ્યો છું. તોપની ગર્જના માનવીની બર્બરતાનો કુત્સિત હુંકાર છે. એ વીરત્વને બિરદાવવાના દિવસો ફરી ફરી આવે છે તે આપણું દુર્ભાગ્ય છે. અત્યારે દેવચકલીની ચંચળતાની આબોહવા ગમે છે.

8-12-71

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.