માયાળુ હાથ

જીવનનું ચક્ર એવું ને એવું ફર્યા કરે છે. આમલીના ઝાડ નીચે બેસતી પેલી મુમુર્ષુ વૃદ્ધા સવારે વહેલી આવીને એને સ્થાને બેસી જાય છે. એના ખભા આસન્ન મૃત્યુના ભારથી ઝૂકી ગયા છે. એની આંખોનો જ્યોતિ હોલવાઈ જવા આવ્યો છે. કેવળ બુભુક્ષાના અગ્નિનો સ્ફુલ્લંગિ હજી નિર્વાણ પામ્યો નથી. અહીં ઘરમાં ભાવિ સંભોગસુખની અપેક્ષાથી અર્ધનિમીલિત નેત્રે ચકલી બારણા પર બેઠેલી દેખાય છે. પાસે ચકલો એની ચાંચ ઘસતો બેઠો છે. પ્રખર થવા આવેલો સૂર્ય ઘરમાં નિર્બાધ ગતિ કરે છે. બધું થોડી વાર અસહ્ય ઉજ્જ્વળતા પ્રાપ્ત કરશે. પણ એ બધાંની ઓથે હું એ છાયાને સરતી જોઉં છું.

દૃષ્ટિ સામે દીર્ઘ કાળથી મૃત બનીને પડેલા કોઈ સાગરના શુષ્ક જળહીન વિસ્તારને જોઉં છું. એની મૃત ઉષરતાને સૂર્ય પણ સજીવન કરી શકતો નથી. એના પર થઈને ચાલતાં સૂર્યનાં ચરણ ઘવાય છે અને હવામાં એનો ઉષ્ણ ઉત્તપ્ત નિ:શ્વાસ રહી રહીને સળગી ઊઠે છે. ભૂખરી દૂરતાની ત્રિજ્યાઓ ચારે બાજુ વિસ્તરે છે. નિર્જન કરાડો શૂન્યની ગર્તામાં ઝૂકી રહી છે.

મારા સુખ પર કશાક અજ્ઞાતનો અંચળો વિસ્તરે છે. એક ભયાનક અપરિચિતતાથી હું ઢંકાઈ જાઉં છું, પથ્થરમાં છુપાયેલી તાંબાની શિરાઓ તપી ઊઠે તેમ મારામાં કશું ધખધખી ઊઠે છે. નિર્જન ખડકો પર દેખાતી ગરમ હવાની ઝાંયના જેવું આવરણ મને ઢાંકી દે છે.

વૃક્ષોની ઘટા વચ્ચેથી સરતા પવનને કણ્ઠે કોઈ દેવકન્યાનું ગુપ્ત પ્રણયગીત રણકી ઊઠે છે, મારા શ્વાસ એના લયને અનુસરવા જાય છે. અને છોભીલા પડીને પાછા વળે છે. વહેલી સવારે ધુમ્મસના આવેષ્ટનથી ગોપિત આ પૃથ્વીને કોઈ ચુમ્બન કરવા ઝૂકે છે.

પણ સાંજ ઢળતા અન્ધકારના સંચય જેવા કોઈના નેત્રમાંથી અન્ધકારની અજસ્ર ધારાઓ વહ્યો જાય છે. એનો ઘુઘવાટ ચારે બાજુ પડછંદા પાડે છે. એની રેખાઓનાં ચિહ્ન મારી કાયા પર અંકાઈ જાય છે. મુમુર્ષુ સૂર્યની પડછે આ અન્ધકાર કોઈ કન્યાના કાળા કેશરાશિના જેવો વિખેરાઈ જાય છે. એની પ્રવાહી સ્નિગ્ધતામાં ડૂબકી મારીને ઘડીભર લુપ્ત થઈ જવાની વાસના જાગે છે.

ચારે બાજુ છવાયેલા અન્ધકારના અશબ્દ જળ પર થઈને એક છાયા સરે છે. એ છાયાને પોતાના વિસ્તારને સમેટીને લપાઈ જવા જેવું કોઈ સ્થાન મળતું નથી. આથી એ મારા હૃદયના પોલાણમાં પછડાયા કરે છે. આથી જ તો બધે જ એ છાયાને તરવરતી જોયા કરું છું. સ્મિતની કિનારને પણ એ છાયાથી ખણ્ડિત થતી જોઉં છું. આંખોની કાળાશને આંખ માંડીને જોવાની હિંમત કરી શકતો નથી.

આજે એક વેળાની ભોળી કલ્પનાઓને યાદ કરતાં હસવું આવે છે. ત્યારે તો એમ કલ્પેલું કે આપણી આ પૃથ્વીને કોઈ માયાળુ હાથે આસમાની ક્ષિતિજોની ઓઢણીથી સજાવી છે, ધાન્યક્ષેત્રોમાં મરકતમણિઓને વેર્યા છે, પર્વતોને હિમમણ્ડિત કર્યા છે, અને એના ઢોળાવોને હરિત આભાથી મઢી દીધા છે. એ જ માયાળુ હાથે સમુદ્રના છોળના મુગટને મોતીથી ખચી દીધો છે. આકાશને ઇન્દ્રધનુષથી શણગારી દીધું છે, ખીણના પોલાણને રૂપેરી ધુમ્મસના આવરણથી ઢાંકી દીધું છે, એ જ હાથે પંખીનાં પીંછાં અને ફૂલની પાંખડીઓને રંગ્યાં છે, વાદળોને અનેકવિધ શોભા આપી છે, સાંજના આકાશને અપાથિર્વ દ્યુતિથી શણગાર્યું છે, હવાના પારદર્શી સ્ફટિકના રચેલા ઘુમ્મટ વચ્ચે ચન્દ્રતારાના હાંડીઝુમ્મરને લટકાવ્યાં છે, સૂર્યના ઉજ્જ્વળ દીપને પ્રકટાવ્યો છે. એ જ હાથે મારા મુખની રેખાઓને ગોઠવી છે, મારી આંખમાં તેમનું કમળ ખીલવ્યું છે, મારા શ્વાસને પાંખો આપી છે.

પણ આજે જાણે એ માયાળુ હાથ અદૃશ્ય થઈ ગયેલો લાગે છે. ક્ષિતિજોનાં એ આસમાની આવરણમાં કુત્સિત છિદ્રો પડી ગયાં છે. એક વિભીષિકાનો હાહાકાર ચારે બાજુ ગાજી ઊઠ્યો છે. ચન્દ્રની મૃત અપારદર્શકતા પૃથ્વી પર એક વજન બનીને તોળાઈ રહી છે, સમુદ્ર કોઈ વિરાટકાય પ્રેતના હાસ્યની જેમ ગાજી રહ્યા છે. પક્ષાઘાતના રોગીની સ્થિર આંખના જેવો સૂર્ય નિનિર્મેષ બળી રહ્યો છે.

આ વિભીષિકા વચ્ચે ક્યાંક શાન્તિની એકાદ ક્ષણ રહી હશે એવો ભાસ થયા કરે છે. એ શાન્તિને કોઈક વાર ગ્રીષ્મના પર્ણગુચ્છ વચ્ચે સંકોડાઈને બેઠેલી જોઉં છું. પણ એ શાન્તિ પતંગિયા જેવી છે. એને પામવાને હાથ લંબાવીએ ત્યાં તો એ ઊડી જાય છે. શાન્તિનું હોવું એ એક આભાસ છે. એ જેટલું અજવાળે તેટલું ખરું.

અહીં પાછા વળતાં રસ્તે બસમાંથી જોયું તો બળબળતી બપોરે આંખોને સ્નિગ્ધ કરતી એક નાનીશી તળાવડી હતી. એમાં જળકૂકડીઓ તરી રહી હતી. એ દૃશ્યમાં એક પ્રકારની સ્વયંસમ્પૂર્ણતા હતી. એ જાણે એક સ્વયંનિર્ભર વિશ્વ હતું. પણ દૃષ્ટિ એની રેખાઓને પૂરેપૂરી ઉકેલે તે પહેલાં તો એનાથી કેટલેય આગળ બસ દોડી ગઈ. છતાં અહીં બારી પાસે બેસીને બળબળતા મેદાન તરફ નજર નાખું છું ત્યારે ત્યાં જાણે એ તળાવડી અને જળકૂકડીઓ સજીવન થતાં લાગે છે. આભાસ અને સત્ય વચ્ચે શંકરાચાર્ય કેવા મૂંઝાયા હશે તે આવી ક્ષણે બરાબર સમજાય છે.

દર ગ્રીષ્મમાં શીમળા ને શિરીષની વાતો કરું તો મિત્રો કહેશે કે એકનો એક એકડો ઘૂંટ્યા કરો છો. વાત તો સાચી છે. પ્રકૃતિમાં જે એકવિધતા નથી લાગતી તે આપણે હાથે શા માટે એકવિધતાનું રૂપ ધારણ કરે છે? પ્રકૃતિનું જે રૂપ છે તે તો અર્ધું ખણ્ડ રૂપ છે. એને પૂર્ણ બનાવનારું રૂપ જ્યારે આપણામાં સંભવે ત્યારે જ એ રૂપ પ્રકટ કરવા જેવું થાય. જો એમ નહીં બને તો આપણી અપૂર્ણતાને કારણે આપણે પ્રકૃતિને નિન્દાપાત્ર બનાવીએ. આથી જેની રસવૃત્તિ સારી પેઠે સૂક્ષ્મ અને કેળવાયેલી છે તે પ્રજાના કાવ્યસાહિત્યમાં જ પ્રકૃતિ ઉત્તમ કાવ્યરૂપ પામી છે. વાલ્મીકિમાં પ્રકૃતિ જુઓ અને કાલિદાસમાં જુઓ. ભવભૂતિમાં પ્રકૃતિનું વળી એક નવું જ રૂપ દેખાશે, જે સમસ્ત સંસ્કૃત કાવ્યસાહિત્યમાં એક નવી જ ભાત પાડે છે. આપણા ચિત્તની કેટલીક ભૂમિ એવી છે જે પ્રકૃતિની પડછે જ ઉદ્ભાસિત થઈ ઊઠે એવી છે. પણ પ્રકૃતિહીન સંસ્કૃતિ એ આપણા યુગનું એક લક્ષણ છે. કાફકાની સૃષ્ટિ જુઓ. ત્યાં બરફ છે, વૃક્ષો જાણે દેખાતાં જ નથી. ચન્દ્ર છે, પણ સૂર્ય નથી. માણસો સામસામે ઊભા રહીને એકબીજાને જોતા નથી. એમના ચહેરાઓ પણ જાણે બદલાયા કરે છે. બધું માયાવી છે, અસ્થિર છે. સૃષ્ટિકર્તાએ પોતે પણ જાણે એ બધું ધ્રૂજતા હાથે આલેખ્યું હશે એવો આભાસ કાફકા ઊભો કરે છે. એ પણ સૃષ્ટિનું એક રૂપ છે જેને આંખો ખોલીને જોવાની હિંમત કાફકા પહેલાં કોઈએ કરી નહોતી.

9-3-73

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.