પ્રસિદ્ધિનો પ્રશ્ન

શિયાળાની સુરખીભરી સવાર શરૂ થઈ ચૂકી છે, પણ સાંજે તો ઉનાળો જ લાગે છે. કાતિર્કી પૂણિર્માનો ચન્દ્ર માણવા જેવો હતો. એ ચાંદનીને જોઈ રહેવાના લોભમાં વહેલા સૂઈ જવાનું મન થતું નહોતું. એ ચાંદની સાથે પરવીન સુલતાનાનું શાસ્ત્રીય સંગીત ભળ્યું એટલે આનન્દ ઓર વધ્યો. ચાંદનીના જુવાળ સાથે સંગીતના જુવાળ ચઢ્યા. કોઈ આ સુખની વાત કરતું નથી. બધાં કોઈ ને કોઈ પ્રકારની ફરિયાદ કરતાં હોય છે. ઉત્તેજના ઉશ્કેરાટ છે, પણ તે જીવનના ચઢતા જુવાળના દ્યોતક નથી. એમાં કૃત્રિમતા છે. હું જોઉં છું કે ક્યાંય પ્રેમ નથી વધતો, કેવળ સ્પર્ધા, ઈર્ષ્યા, અવિશ્વાસ, રોષ, હંસિકતા વધતાં દેખાય છે. આથી જ તો મેં જે સહજ સુખનો ઉલ્લેખ કર્યો તેની ઉપેક્ષા થતી જોઉં છું. વિદ્યાર્થીને ઘણી વાર હું લલચાવું છું, સારી કવિતા વાંચવાને, પણ હવે તો જાણે એ રસેન્દ્રિય જ મરી પરવારી હોય એવું લાગે છે. તો વળી બીજી બાજુથી ઘણા બધા કવિઓ એક સાથે ઊમટી પડ્યા છે. કવિતાની એક બાની તૈયાર થઈ ગઈ છે. એ સૌને સુલભ બની ગઈ છે. એમાં અહીંતહીં થોડો ઉમેરો કરીને કવિપદવાંચ્છુ થોડીક પંક્તિઓ ઉપજાવી કાઢી શકે છે, પછી પ્રસિદ્ધિનો પ્રશ્ન. સર્જન માત્રથી સંતોષ નથી. પ્રસિદ્ધિની વ્યવસ્થા થવી જ જોઈએ. માટે નાનાં નાનાં ફરફરિયાંઓ બહાર પડવા માંડે. આને સર્જનમાં આવેલો જુવાળ ગણીને હરખાઈ જનારા ભોળા રસિકો પણ છે. આ સિસૃક્ષાનું પરિણામ નથી, પણ યશાકાંક્ષાનું પરિણામ છે, પણ એ વિશે રોષ કે આક્રોશ સેવવાનું કશું કારણ નથી. બધું આછરશે, નીતર્યું બનશે અને શુદ્ધ કવિતાની મુખમુદ્રા સ્પષ્ટપણે જોઈ શકાશે. પણ આ બને તે પહેલાં હોંસાતૂંસી રહેવાની, એથી મૂલ્યો ડહોળાઈ જવાનાં, એથી પ્રશંસા અને નિન્દા – બંનેનો અતિરેક થવાનો પણ આ બધા ઘોંઘાટથી સાચો સર્જક વિચલિત નહીં થાય. એ પોતાના સર્જનના તન્તુને કીતિર્ કે માન્યતાની સાથે સાંકળતો નથી. ભાગવતમાં કહ્યું જ છે કે જેનું ચિત્ત અવ્યવસ્થિત હોય તેની પ્રશંસાનો પણ શું અર્થ? ભાગવતની કથા સમૂહમાં બેસીને સાંભળીએ, પણ ભગવાનનું ધ્યાન તો એકાન્તમાં જ કરવાનું રહે, તેમ કવિતા જેવી કળાનો આનન્દ સમૂહમાં નહિ લઈ શકાય. થોડા સમસંવેદનશીલ મિત્રો સાથે મળીને માણી શકે. પણ એ માટે સમય શોધવો પડે છે. હું તો કાવ્યાનન્દમાં જ ભક્તિના આનન્દનો સમાવેશ કરી દઉં છું.

મોન્તાલેની કવિતાઓ સાતેક વર્ષ પહેલાં મુંબઈના એક કાવ્યરસિક મિત્રના પુસ્તકાલયમાંથી હાથ લાગેલી, દરિયાની છીપલીનું એમાંનું ચિત્ર હજી યાદ છે, ત્યારે એ કવિતાઓ ધરાઈને વાંચેલી, ત્યાર પછી આ સાત વર્ષ દરમિયાન ઇટાલિયન કવિતાનાં સંકલનોમાં અને ખાસ તો અમેરિકી કવિ રોબર્ટ લોવેલે એના કરેલા સ્વૈર અનુવાદોમાં વાંચેલી. મને ઇટાલીના કવિઓમાં ઉંગારેત્તી વધુ ગમે છે, પણ મોન્તાલે માટેય આદર તો છે જ. એની કેટલીક નાની સરખી કવિતાઓ તરત હૈયે વસી જાય એવી છે. એવી એક કવિતા યાદ આવે છે. આ જીવનને તો આપણે કેટલું વિરાટ અપરિમેય કલ્પી બેસીએ છીએ! પણ કવિ કહે છે કે એ તો તમારાં હાથરૂમાલથીય ટૂંકું છે. તો ભલે ને ટૂંકું રહ્યું. વૃક્ષોની ઘટામાંથી જે મર્મર ઊઠ્યો તે ક્યાંક કોઈ પિપુડીઓ વગાડતો હશે તેમાં જઈને ભળ્યો. છીપલીના હૃદયમાં આથમતી સાંજની રતુમડી આભા ઝિલાઈ અને એમાં એક ચિતરાયેલો જ્વાળામુખી સુખથી ધુમાડા કાઢતો દેખાયો, જ્વાળામુખીના ઠરેલા લાવામાં જડેલો સિક્કો ચમકે છે અને હવે એ માત્ર થોડોક કાગળને દબાવીને સાચવે છે. જીવનને અહીં જે રીતે નાનું, રમવા જેવું બનાવીને કવિ મૂકી આપે છે, તે રીત મને ગમે છે.

ત્યાં પણે નદીના કાંઠે બરૂની સળીઓ, કાશનાં ગુચ્છો ઊંચું ડોકું કરીને પવનમાં પોતાની કલગી ને મયૂરના કલાપ જેવો એનો કલાપ વિસ્તારે છે. ખાબોચિયા પાસે થઈને, એના કિનારે કિનારે નાનકડી કેડી ચાલી જાય છે. એનાં ડહોળાં પાણી પર મગતરાંઓની ઊડવાની છાપ અંકાયેલી છે અને એક કૂતરો હાંફતો હાંફતો ઘર ભણી પાછો વળે છે. આજે કદાચ એ સ્થળને હું ઓળખી કાઢી નહીં શકું, પણ જ્યારે દૂર કોઈક ખાબોચિયાનાં પાણીને સૂર્યના પ્રકાશમાં ચળકી ઊઠતાં જોઉં છું, વાદળો છવાયેલાં દેખાય છે, અને એમાંથી પ્રકાશની બે સેર એકબીજાને છેદતી દેખાય છે ત્યારે એકાએક બધું જ ઓળખી લઉં છું.

ઉંદરને પેટે ગરુડ જન્મશે ખરું? ચારે બાજુ આજે એવી વાતો સંભળાય છે. વૃક્ષોના વિષાદભર્યા પડછાયાઓ ભેગા મળ્યા છે, ત્યાં ખુલ્લી હવામાં બે ઘડી બેસવા પ્રિયજનનું ઇજન આવે છે. આ કેવળ તારે માટે મેં રચ્યું છે એવી ભ્રાન્તિને હવે દૂર કરવાનો સમય આવી લાગ્યો છે, પણ હવે તંબૂ તાણીને ભ્રાન્તિને દૂર કરવાની ઇચ્છાને પણ દૂર કરીને બેસવાનો સમય શું નથી આવ્યો? કહેશો નહીં કે આ ઋતુ ગ્લાનિભરી છે અને કબૂતરો સુધ્ધાં ધ્રૂજતી પાંખે દક્ષિણભણી ઊડી ગયાં છે. સ્મરણને વાગોળીને હવે જીવી શકાય એમ નથી. આથી બરફના તીક્ષ્ણ દાંત બચકાં ભરે તે સારું, પ્રમાદભર્યું આ ઘેન હવે રુચતું નથી.

મધરાતની જ્યોતિ આછી થરકે છે. મારા વિચારોની ચીમનીમાં ત્યાં મેદાનમાં ચાલી ગયેલી ગોકળગાયની રૂપેરી રેખા અંકાઈ ગઈ છે. કોઈના ચરણ તળે દબાઈ ગયેલું ઘાસ ફરી ઊભું થયું છે. કારખાનામાંથી આવતો પ્રકાશ કે મન્દિરની દીપમાળનો પ્રકાશ આ નથી. કવિ તો શ્રદ્ધા (જે શ્રદ્ધાને જાળવવામાં એ કાવ્યો દ્વારા ઝઝૂમ્યો)ના પ્રતીક લેખે મેઘધનુષનું જ સંભારણું આપી જઈ શકે, ત્યાં ભઠ્ઠામાં ધાતુનો ગઠ્ઠો જે ગરમીથી બળે છે એટલી ગરમી તો મારાં આશા ને જ્યોતિમાં નથી, છતાં એ પ્રકાશને તર્જનીસંકેત તો છે, જો કોઈ એને ઓળખવા ઇચ્છતું હોય તો એ સંકેત માર્ગ ચીંધશે પણ મારી કવિતા તો કાંઈ માદળિયું નથી. વરસાદની ઝડીથી બચવું હોય, કરોળિયાની જાળ જેવી સ્મૃતિથી બચવું હોય તો એ બચાવી શકે કે કેમ હું કહી શકતો નથી. કેવળ ટકી રહેવું એના જેવું મરણ કયું? કેવળ પોતાની ભસ્મરૂપે જ રહીને ઊડ્યા કરી તમારી આંખમાં ઝળઝળિયાં લાવનારી કોઈ કથા મારે મારી પાછળ મૂકી નથી જવી. મારો સંકેત ગુપ્ત નથી, પણ જો અને તમારે પ્રીછવો જ નહીં હોય તો ભલે મારે કશો ઝઘડો કરવો નથી. પણ જેની આંગળીએ મારા એ સંકેતની મુદ્રા છે તે તો એને કદી ખોઈ શકશે નહીં.

ત્યાં મેદાનમાંથી પેલી અરક્ષણીયા નારી એનું અણબોટ્યું યૌવન સંકોરતી ચાલી જાય છે. એનો આ સંકોચ અવારિત આકાશની નીચે જૂઈની કળીની જેમ મહેકી ઊઠે છે. સૂર્યનો સ્પર્શ મને થયો જ નથી એવું તો કોઈ કેવી રીતે કહી શકશે? એવાય દિવસો આવ્યા છે. જ્યારે સૂર્યસ્પર્શને ઊતરડીને ફેંકી દેવાને હું ઝનૂને ભરાયો છું. રાતે ચન્દ્રસ્પર્શથી મારા ઘાને રુઝવવાનું આશ્વાસન પણ મેં ફગાવી દીધું છે. બીજી સવારે મેં હઠીલા સૂર્યને ત્યાં ને ત્યાં ફરીથી ઊભેલો જોયો છે.

ઊડી ગયેલાં કબૂતરો હજારો માઇલ ગયા પછી તે જ સ્થળે પાછા આવે છે. પંખી પાંખ બીડે તેમ મારા શબ્દો હવે પાછા વળી રહ્યા છે. હું એમનો ધ્વનિ સાંભળું છું, માટે મને તમે બેધ્યાન ગણો છો. એમની પાંખમાં ભેરવાયેલા આકાશને હું મુક્ત કરું છું. આમાં જ સાચી પરિણતિ, ચેતનાને વિભિન્ન વિવિધ આકારોમાં મૂર્ત કરીને જોઈ, હવે વળી એ રૂપોનું વિઘટન કરીને એક અખંડ આકાશને પામવા પંખી ઊડ્યું. આકાશમાં વિહાર કર્યા પછી પંખી આકાશને પોતાનામાં સમાવીને પાછું આવ્યું, પાંખ બીડી દીધી.

24-12-72

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.