પથ્થરનું નેપથ્ય

પાસેના રોઝરી સ્કૂલના ચર્ચમાં ઘણ્ટ વાગે છે ને આજના દિવસને દફનાવી દીધાની જાહેરાત કરે છે. તેજ ઓસરવા માંડે છે. એટલે પડછાયાઓ પોતાને સંકેલીને ખૂણાઓમાં ભરાઈ જવાની તૈયારીમાં છે. કૃપાળુ ભગવાનની કરુણાભરી આંખના તેજબિન્દુ જેવો ઘીનો દીવો પ્રગટી ચૂક્યો છે. નિર્માલ્ય ઉતારી લેવાઈ છે. ધૂપસળીની સુગન્ધિત ધૂમ્રસેર હવામાં લહેરાય છે. છેલ્લું પોપટનું ટોળું કિલકિલાટ કરતું પાછું વળી ચૂક્યું છે. રડીખડી થોડી કાબર હજી મેદાનમાં છે. મારા જ ઓરડામાં વસતાં ને સંસાર માંડતાં ચકલોચકલી પોતપોતાને સ્થાને આવી ગયાં છે. આ પાછા વળવાનું મુહૂર્ત છે. ઘરે પાછા વળીએ છીએ ત્યારે કેટલો બધો સમય રજની જેમ આપણાં વસ્ત્ર સાથે ચોંટીને આપણી સાથે આવે છે. જે ક્ષણ અગ્નિની શિખા જેવી હતી, જે ક્ષણ તીક્ષ્ણ તીરની અણી જેવી હતી, જે ક્ષણ હળાહળના બિન્દુ જેવી હતી તે બધી ક્ષણો હવે ફૂંક મારીને ઉરાડી દેવાય એવી રજ બનીને ચોંટી રહી છે. મારાથી અદૃશ્ય રહીને એ રજનો થર બાઝે છે, ધૂલિભૂત સમય ધીમે ધીમે અશ્મીભૂત થતો જાય છે. આથી જ તો પથ્થરને સ્પર્શવાનું એકાએક સાહસ કરી શકાતું નથી. શાન્ત નિશ્ચેષ્ટ પડેલો પથ્થર – એમાં કેટલો દીર્ઘ સમય પૂંજીભૂત થઈને પડ્યો હશે, ન જાણે યમુના નદીમાંનો કાલીનાગ તે આ સમય. કોઈ અવતારી મર્યાદાપુરુષોત્તમ જ એને જગાડી શકે.

પથ્થરના નેપથ્યમાં શું શું રહ્યું હશે! આથી જ તો એ નેપથ્યનાં દ્વાર ખૂલતાં નથી તે સારું જ છે એમ મને લાગે છે. સૂર્યને પણ પ્રવેશ નથી, ચન્દ્રને પણ પ્રવેશ નથી. પવન એની ખુશામતિયા આંગળીઓ એના પર પસાર્યા કરે છે, જળ એના રન્ધ્રમાં ઓતપ્રોત થઈ જવા માટેની કાકલૂદી પથ્થરના કાન આગળ હંમેશાં કર્યા કરે છે.

સૈકાઓની છાપ એના પર ઝિલાય છે ને ભુંસાય છે. પથ્થરના હાર્દમાં જો પ્રવેશવાનું મળે તો સ્પર્શથી જ ઈશ્વરને હાથે અંકાયેલી વિશ્વરચનાની ભૂમિતિને ઓળખી લઈ શકાય. મને પાકો એવો વહેમ છે કે પથ્થરે જ માનવીને ભૂમિતિ તરફ દોર્યો હશે. એક પથ્થરમાં કેટલાય આકાશની વિશાળતા ઈશ્વરે ઠાંસી ઠાંસીને ભરી છે. આથી જો પથ્થરને સ્પર્શીને એનો મર્મ પ્રગટ કરતાં આવડે તો ઘણાં બધાં આકાશ અનેક સૂર્યચન્દ્ર અને ગ્રહનક્ષત્ર સાથે સજીવન થઈ ઊઠે. પણ એટલી બધી વિશાળતાને સહન કરવાનું આપણું ગજું નહીં. તેથી જ તો પથ્થર અકિંચનની જેમ, મૂઢની જેમ પડ્યો રહે છે. એના સાચા સ્વભાવનો અણસાર માનવીને પહેલેથી જ વરતાયો તો હશે જ, નહિ તો એણે દેવમૂર્તિઓ એમાંથી કોતરી કાઢી ન હોત. સૌર જગતને છોડીને, પ્રકાશની માયા છોડીને, કેવળ અન્ધ બનીને એ આપણી સાથે રહેવા આવે છે. પાયામાં પુરાય છે, ઇમારતોની ઉત્તુંગતાને આધાર આપે છે. ચક્રવર્તી રાજાઓની કીતિર્ના ઉઝરડા સહી લે છે, અશ્રુથી બાષ્પીભૂત થઈને વિલાઈ જતી સ્મૃતિને સાચવનાર સ્તૂપ કે સ્મારક બને છે. માઇલસ્ટોન બનીને જડાઈ જઈને એ આપણને અંગુલિનિર્દેશ કરી માર્ગ ચીંધે છે. પથ્થરના હૃદયની નિસ્તરંગ શાંતિ અણજાણપણે આપણને સ્પર્શી જાય છે. પોતે નિ:શબ્દ છતાં જળને એ ભાષા શીખવે છે. અખાએ ભલે મશ્કરીમાં કે વ્યંગમાં કહ્યું હોય કે ‘પથ્થર એટલા પૂજે દેવ’ પણ પથ્થરને મારાથી તો નમન થઈ જાય છે.

સાંજ ઢળે, બધું પોઢે. અનેક જન્મોમાં પાપપુણ્યની કર્મર્અકર્મની જાળમાં અટવાતો આપણો આત્મા નિદ્રાની સમાધિને પામીને ઘડીભર એ બધાંથી અળગો થાય. મને લાગે છે કે ત્યારે આપણો દેહ કોઈ શિલાખણ્ડની જેમ સમસ્ત કાળને પોતાનામાં ઢબૂરીને પોઢાડી દેતો હશે. દરરોજ રાતે આપણામાં ઈશ્વર ફરીથી વિશ્વરચનાનો પ્રારમ્ભ કરતો હશે. એથી જ તો ઊઠીએ છીએ ત્યારે આપણાં પોપચાં પર થોડો ઈશ્વરનો ભાર વરતાય છે, આપણા શ્વાસમાં એનું શ્વસન ઓતપ્રોત થયેલું જણાય છે. આપણો જીવ જાગીને ફરી માયાના સુવર્ણમૃગ પાછળ દોટ મૂકે છે. વળી થોડી કર્મરજ ચોંટે છે, વળી થોડાં પાપ વળગે છે, વળી થોડાં પુણ્ય જમા થાય છે. જળના પ્રવાહ સાથે રસળતા જતા ગોળમટોળ કાંકરાની જેમ આ સમયપ્રવાહ સાથે આપણે ઘસાતા જઈએ છીએ. આત્યન્તિક વિલયનાં દ્વાર ઠોકીએ છીએ. પાછા આવીએ છીએ. પણ એક દિવસ એ દ્વાર ખૂલી જાય છે.

પણ ત્યાં અન્ત નથી. ફરી ફરી નવા પ્રારમ્ભનું તૂર્ય આપણા નવા શ્વાસ સાથે બજી ઊઠે છે. પાબ્લો નેરૂદાએ એની એક કવિતામાં કહ્યું છે. ‘હું મારા આત્માને કહું છું : ચાલો, જઈએ તો ખરા જે ક્ષણે કલાકનો અને મિનિટનો કાંટો એકબીજાને સલામ ભરે છે તે ક્ષણે આપણે બધું ફરીથી સજીવન કરીએ. એ બિન્દુએ સમયનું બખ્તર તડાક દઈને ખૂલી જાય છે. એ મુહૂર્તે આપણે ફરીથી જગતની તાઝગીનો સ્પર્શ કરીએ છીએ.’

આપણી બે આંખનો સરવાળો તે ઇતિહાસ. એ ઇતિહાસને પંજિર બનાવીને આપણે શા માટે એમાં પુરાઈ જઈએ? ઉપનિષદ કહે છે તેમ આપણે આપણામાં રહેલા ભૂમાતત્ત્વની જ પ્રતિષ્ઠા કરવી જોઈએ. આપણે વૃક્ષોની જેમ પાદપ નથી. આપણે આંખથી, શ્વાસથી જીવીએ છીએ. વૃક્ષમાં આકાશ ખૂલ્યું નથી. આપણી આંખમાં તો એ ખૂલ્યું જ છે. વૃક્ષ પોતાનું શ્રેષ્ઠ ફળમાં સંચિત કરે છે. પોતાના પુનર્જન્મને સુધ્ધાં એમાં સંગોપીને રાખે છે. વૃક્ષનાં મૂળ ભિખારીનાં બુભુક્ષુ આંગળાંની જેમ પ્રસરે છે. પણ આપણાથી અગોચરે પ્રકૃતિના નેપથ્યમાં માનવીની જેમ એની બુભુક્ષા બહાર હાથ પ્રસારતી નથી. બહાર તો એનો પુષ્પવૈભવ, પલ્લવવૈભવ, ફળવૈભવ જ પ્રસરે. વૃક્ષો નગ્ન, માનવી આવરણ શોધનારું પ્રાણી છતાં એનું બધું ઉઘાડું પડી જાય. સંસ્કૃતિના હિરણ્મય પાત્ર વડે એ બધું ઢાંકી શકે નહિ. એની પાસે સ્મૃતિનું કાણું ભિક્ષાપાત્ર છે. એ ધરીને એ સમય આગળ યાચક બનીને ઊભો રહે છે. વૃક્ષનું પાંદડે પાંદડું પવને ગોખાવેલું મહિમ્નસ્તોત્ર ઉચ્ચારે છે. માનવીની રચના માત્રમાં કૃત્રિમતા છે. શ્રાવણની ઝરમર વરસે છે. વળી નથી મેઘગર્જના, નથી વિદ્યુતનો કષાઘાત, નથી મૂશળધાર વર્ષા, પણ કરુણાળુ આર્દ્રતા છે, માફકસરની ભીનાશ છે. પારિજાતની પાંખડી સહી શકે એટલાં હળવાં વરસાદનાં ટીપાં છે.

સામેનાં વૃક્ષો વાદળછાયા આ દિવસમાં પ્રકાશનો કદીક આવતો સંદેશ એકાએક ઝીલી લે છે. આ સંદેશ ઝિલાયો તેની ખબર પાંદડે પાંદડે ચમકી ઊઠેલાં આશ્ચર્યચિહ્નોથી આપણને પડે છે. વર્ષાભીના ઘાસમાં ચાલવાનો આનન્દ જુદો જ છે, પણ વનસ્પતિમાં જ્ઞાતિભેદ નથી. એટલે બ્રાહ્મણ કોટિના દર્ભની સાથે જ ગોખરુ પણ ઊગી નીકળે છે. એ એના પ્રશ્નાર્થનો કાંટો તરત જ ભોંકી દઈને આપણને ઊભા રાખે છે. દરમાં પાણી પેસી જવાથી લાખ્ખોની સંખ્યામાં કેટલાંક જંતુઓ હિજરત કરે છે. એમની પ્રવૃત્તિની ધમાલ ચાલે છે. પણ એનો સહેજસરખો અવાજ કાને આવતો નથી.

કોઈ વાર રાત્રિ કશાક અસહ્ય ભારને લઈને મારી છાતી પર ચાંપી દે છે. કદાચ એ વણઆથમ્યા સૂર્યોનો ભાર હશે. કદાચ કોક અકાળે બુઝાઈ ગયેલા નક્ષત્રનો ભાર હશે. પૃથ્વી પોતાનો પહોળો ખોળો પાથરીને કેટલું ઝીલી છે! આવા નક્ષત્રીય ભારથી હું કચડાઈ જતો હોઉં છું, ત્યારે જ પાસેની કરેણ રાત્રિની શાન્તિમાં એના ફૂલના લાલ ગુલાબી રંગને ઘૂંટતી હોય છે તેનો અવાજ સંભળાય છે. પાસેના સ્વીમીંગ પૂલનું બંધિયાર પાણી દૂરનાં વાદળાંમાંથી વરસેલાં જળ જોડે જે ઉત્તેજનાથી વાત કરે છે તે સંભળાય છે. પતંગિયાં વહેલી સવારે ઊડવા માટેની પાંખો રંગતાં હોય છે. સાથે સાથે ચાંદનીની શ્વેત વાચાળતા પણ ખળખળ વહેતી આવે છે. આ બધા અવાજની ધારામાં રાત્રિના એ ભારને હું ધીમે ધીમે ઓગાળીને વહાવી દઉં છું. છતાં સવારે જૂઈની કળીના જેવી હળવાશ મારામાં હોય છે એવી હું બડાશ મારી શકું નહીં, ભાદરવાના તડકામાં સુકાઈને હવે સમય કકરો થઈ જશે, સોનાનાં પતરાંની જેમ ચળકવા લાગશે. પણ વૈદ્યરાજો કહેશે કે હવે જ પિત્તનો પ્રકોપ થશે. માટે લીંબુનું સેવન કરવું, અગ્નિમાંદ્યને કારણે ભારે ખાવું નહીં. ડાંગર હવે સોનાવરણી થઈને ખેતરોમાં લહેરાશે, એનાં સોનેરી મોજાં કલકત્તા જતા રસ્તામાં દૂર દૂર સુધી વિસ્તરેલાં ખેતરોમાં જોયાં હતાં તે યાદ આવે છે.

31-8-73

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.