પાંશુમલિન હતપ્રભ સૂર્યની સાક્ષીએ દિવસ શરૂ થાય છે. વાતાવરણમાં આપણને ન સદે એવી ઉષ્માહીનતા છે. પવનમાં શીતળતા છે, પણ તે આહ્લાદક નથી. દૂર દૂરની કોઈ હિમમણ્ડિત ગિરિમાળાનું પડખું સેવીને આવેલો પવન એના ધૃષ્ટ સ્પર્શથી આપણને અસ્વસ્થ કરે છે. આવું થવાનાં ધામિર્ક તેમ જ વૈજ્ઞાનિક કારણો ગાડીમાં કે બસની મુસાફરીમાં સાંભળવા મળે છે. બર્ટ્રાન્ડ રસેલે કહેલું જ કે ચન્દ્ર સાથે ચેડાં કરવાથી પૃથ્વીની આબોહવા ખતરનાક રીતે બદલાશે. પૃથ્વીને પણ આ યુદ્ધખોર રાજકર્તાઓએ ક્યાં છોડી છે? પૃથ્વીના પેટાળમાં કે સમુદ્રમાં અણુબોમ્બના અખતરાઓ ચાલ્યા જ કરે છે – વગેરે વગેરે. હું તો એટલું જ જાણું છું કે મન ઉદાસ રહે છે. મારી ઉદાસીનું કારણ પ્રકૃતિમાંથી જ મળી રહેવું જોઈએ એવું પણ નથી.
ઓક્તાવિયો પાઝની એક પંક્તિ યાદ આવે છે :
‘મને એક કન્યાનો ભેટો થાય છે. ગ્રીષ્મના સૂર્ય અને શિશિરના સૂર્ય વચ્ચે થયેલી સન્ધિ તે એ કન્યાની આંખો!’ આવી સન્ધિસ્થાન રૂપ આંખોનું દર્શન કાંઈ હંમેશાં ભાગ્યમાં હોતું નથી કે આંખોની કિનાર વચ્ચે આકાશને વિસ્તરતું જોઈ શકાય. તેની સાથે એકદમ આત્મીયતા સ્થાપી ન શકાય, એમાં ખોવાઈ જવાનો ભય લાગે. આપણને સમાલી લઈને દુનિયાથી ગુપ્ત રાખવા જેટલો જ જેનો વિસ્તાર હોય તે આંખ ગમે. પણ કેટલીક આંખો સૂર્ય જેવી હોય છે. એની સામે જોતાં આપણું તેજ ખોઈ બેસીએ છીએ. બીજાના પ્રભાવથી મારા પ્રભાવને ખોઈ બેસવાનું મને કે મારા અહંકારને પરવડતું નથી. પણ જે એક વાર પ્રેમનું વિશ્રામસ્થાન હતું તેના ખણ્ડેરરૂપ બની ગયેલી આંખોને જોતાં છળી મરાય છે.
સમયનું પડ કોઈ વાર સ્ફટિકકઠિન બની જાય છે. ક્ષણો અણીદાર બને છે. પણ હમણાં તો સમય કશીક ભીનાશથી ભૂલો થઈ ગયેલો લાગે છે. એને ગમે તેમ વાળી શકાય છે. સવારે હું એને એક છેડેથી વાળું છું. તો બીજે છેડે પાણ્ડુર ચન્દ્રવાળી ઠંડી રાતને પણ જોઈ લઈ શકું છું. નાનાં છોકરાંઓ કોઈક વાર કાતર લઈને બેસે અને કાગળ કાપીને એની નાની કાપલીઓને ઉડાડી મૂકે તેમ આ સમયને ઉડાડી મૂકવાનું મન થાય છે કારણ કે કશાક ભેજને કારણે આ સમય આપણને ચોંટી રહે છે.
કોઈક વાર મારી આજુબાજુ અજ્ઞાનની ગીચ ઝાડી ઊગી નીકળે તો કેવું એવું મને થાય છે. અતિપરિચિતતા કરોળિયાની જાળ જેવી બની રહીને આપણને ચોંટે છે. બધાંની નજીક રહેવું, બધાં વચ્ચે રહેવું એ કોઈક વાર એટલું તો ઘોંઘાટભર્યું ને શ્વાસને રૂંધી નાખનારું લાગે છે કે મન નિર્જનતાને ઝંખે છે. બાળપણમાં જે જગત પર ચક્રવર્તીની જેમ મહાલતા હતા તેની ભૂગોળમાં નિર્જનતાના ઘણા દ્વીપો હતા. ત્યારે ચહેરામહોરા પારખી ન શકાય એવી, એકદમ ચિત્તમાં ગોઠવી દઈ ન શકાય એવી, ઘણી લાગણીઓ ઉદ્ભવતી. એને લઈને આવા એકાન્તના દ્વીપમાં સરી જતા. જેની પાસે આવા એકાન્તના દ્વીપ ઘણા તે જ સાચો ચક્રવર્તી.
મોટા થયા પછી નવા જ પ્રકારના ભયનું ધણ સામું મળ્યું. બાળપણનો ભય તો ક્રીડાની સામગ્રી. એને પંજાવાળા હાથિયા થોરની શૂળમાં ભેરવી દઈ શકાય, કૂવાના ચોરખિસ્સામાં સંતાડી દઈ શકાય, નહીં તો સાથે વિના સંકોચે રમતી પેલી શારદા વિમલાના વાળમાં ગૂંથેલી ફીતની વચ્ચે છુપાવી દઈ શકાય. પણ આ ભય તો અણધારી જગ્યાએથી જ ફૂટી નીકળે, વિશ્રાન્તિપૂર્વક દૃઢ પકડમાં આપણે જે હાથ ઝાલી રાખ્યો હોય તેની આંગળીઓ વચ્ચેથી જ એ ફૂટી નીકળે. જે શબ્દોનું શ્રવણ આપણે અમૃત ગટગટાવતાં હોઈએ એવી રીતે કરતાં હોઈએ તે શબ્દોમાંથી જ આ ભયનું વિષ ટપકી પડે. આ મોટપણમાં જે ભયનો સામનો કરવો પડે છે તેને દાટવાનો, પૂરવાનો કોઈ ઉપાય જડતો નથી. નવા ઘરમાં રહેતાં પહેલાં એના ખૂણેખૂણા જોઈ લઉં છું. પરિચિત કે અપરિચિત વ્યક્તિને જોતી વેળાએ મારી આંખો સૌ પ્રથમ આ ભયના ઉદ્ગમસ્થાનની શક્યતાને જ તપાસી લે છે. પણ આવી કશી સાવધાની કામમાં આવતી નથી. જે અગોચર કે અર્ધગોચર છે, જે અમૂર્ત કે અર્ધસ્ફુટ છે તે જ ભયનું ઉદ્ગમસ્થાન છે, જ્યાં રહસ્ય છે ત્યાં ભય છે. જે સંવાદી નથી તે જ ભયપ્રદ છે. આથી જ તો પરમ સૌખ્યને પામવું તે ગીતાનો આદર્શ, પણ એને પામવાની વાત સહેલી નથી. જે નર્યો જડ છે તે એને સહેલાઈથી પામી શકે. જે સ્થિતપ્રજ્ઞ છે તે એને સહેલાઈથી પામી શકે. પણ જે આ બે વચ્ચેની કોઈ અવાન્તર સ્થિતિમાં છે અને સાથે અત્યન્ત સંવેદનપટુ છે તેનું શું?
આવા પ્રશ્નો પૂછવા એટલે જ ભયને વધારવો, આથી સમાજનો મોટો ભાગ આશ્વાસનપરાયણ હોય છે, એમને આશ્વાસનો હાથવગાં હોય છે. સૌથી મોટું આશ્વાસન ઈશ્વર. ઘરમાં તો એ હાથવગો હોય છે જ. બહાર ડગલે ને પગલે એને મન્દિરમાં બેસાડી દીધો છે. કથાવાર્તા પણ એને વિશે ક્યાંક ને ક્યાંક ચાલ્યા કરે છે. આજે તો હોટેલ સિનેમા જેવાં પ્રમોદસ્થાનોમાં પણ એની છબિ દેખાય છે. એક બાજુથી નિરીશ્વર થતી જતી દુનિયા, બીજી બાજુથી ઈશ્વરને કેવી ભયની મારી વળગીને રહેલી દેખાય છે!
આથી જ તો શિશુના સ્મિતની છાયામાં રહેવાનું મન થાય છે. બાળકોની વાણીના કલરવના ખળખળ વહેતા ઝરણામાં વહી જવાનું મન થાય છે. આમ બાળપણ ઝંખવું એટલે ગુમાવેલા સ્વર્ગને માટે ઝૂરવું, તે હું જાણું છું. પણ આજના એ પુખ્ત વયના ઘોઘરા અને પુરુષકણ્ઠ પાછળ ક્યાંક એ કલકલ વહેતું ઝરણું છુપાયેલું છે, એવું લાગ્યા તો કરે જ છે.
શ્રમજીવી કીડીઓની હાર ચાલી જાય છે. એક મરી ગયેલી કંસારીના શરીરને કણકણ કરીને લઈ જાય છે. દૂરથી જોતાં જાણે વેંતિયાઓ ગુલિવરના શરીર પર નિસરણી મૂકીને હરફર કરતા હોય એવું લાગે છે એવું તાબ્લાદા નામના મેક્સિકોના કવિએ કહેલું તે યાદ આવે છે. મારી ભાવજગતની દરેકે દરેક ઘટનાને જાણે કોઈક ને કોઈક કવિનો સ્પર્શ થયેલો છે.
પાસેના બોટનિકલ ગાર્ડનમાં ખરેલાં પાંદડાંઓનો ઢગલો થયો છે. એ જોતાં આશ્ચર્ય થાય છે. અરે આટલાં બધાં લીલાં પાંદડાં વૃક્ષ પર જોયાં હતાં ખરા?
ગઈ કાલે રાતે આછો ઝાંખો ચન્દ્ર પોતાની જાળમાં ફરતા કરોળિયા જેવો લાગતો હતો. ચન્દ્ર જોવો તો પૂર્ણ બિમ્બવાળો જ જોવો એવો હું હઠાગ્રહી નથી. અમાસની રાતે પણ કોઈ ચમત્કારથી ચન્દ્રદર્શન થાય એવી ભ્રમણામાંથી પૂરેપૂરા મુક્ત થવાનો દાવો હું કરી શકતો નથી. આથી જ તો હું ચન્દ્રગ્રસ્ત છું.
16-3-73