અપાણિપાદ ધુમ્મસ

હવે તો નીચેની જૂઈ મારી બારી પાસે આવીને ડોકિયું કરે છે. રાતભર એની સુગન્ધની આંગળી મારા પર ફર્યા કરે છે. એથી હવે દુ:સ્વપ્નોનો ભાર લાગતો નથી. ગુલાબને તો હું બારીમાંથી જ જોઉં છું. એની સુગન્ધ અહીં સુધી આવતી નથી પણં કોઈ વાર મધરાતે આખી પૃથ્વી કોઈ સહસ્રદલ કુસુમની જેમ મહેંકી ઊઠે છે. પાયથાગોરાસને નક્ષત્રોનું સંગીત સંભળાતું હતું. મને બધેથી સુગન્ધનાં આન્દોલનોનો સ્પર્શ થાય છે.

કોઈ વાર દિવસ ભારે આસાનીથી પસાર થઈ જાય છે. ક્યાંય કશું જ વજન વરતાતું નથી. કશી ખેંચતાણ વરતાતી નથી. શરીરને જાણે પાંખો ઊગે છે. આંખોનો જ્યોતિ નક્ષત્રની જેમ દૂર દૂર વિસ્તરે છે. ક્યાંય કશો અન્તરાય અનુભવાતો નથી. બધા માનવીઓ સાથે એક શબ્દ પણ બોલ્યા વિના હું તાદાત્મ્ય અનુભવું છું. હું મારાપણું ઓગળી જતું અનુભવું છું. પણ રાત સાથે ભયનાં ધણ ચાલ્યાં આવે છે. સાતકાશીના વાંસના વનમાંથી પીળા પટ્ટેદાર વાઘ દોડે છે. અજાણ્યાં ભોંયરાંઓનાં ઊંડાણ એનાં મોં ઉઘાડીને મારી સામે ઊભાં રહે છે. એ ઉપરાન્ત એવી કશીક નિ:સ્તબ્ધતા છવાઈ જાય છે, જે જિરવી શકાતી નથી.

સવારે ઊઠું છું ત્યારે આ નિ:શબ્દતાની શિલા નીચેથી કોઈ તુચ્છ કીટની જેમ મારા શબ્દો બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે, ત્યારે મને પંખીનો કિલ્લોલ સ્પૃહણીય લાગે છે. આદમે જ્ઞાનનું ફળ ચાખ્યું ત્યારથી ધ્વનિને અર્થનો કીડો કોતરવા લાગ્યો. ગોઠવાયેલા અર્થથી કેટલી બધી કવિતા કચડાઈ જાય છે!

પણ આ અર્થથી આપણે છૂટી શકીએ તેમ નથી. અર્થ જ આપણે મન વ્યવસ્થા છે આથી નિરર્થક અરાજકતાથી ભડકી ઊઠીને આપણે અર્થની વ્યવસ્થાનો આશ્રય લઈએ છીએ. પણ ધીમે ધીમે અર્થ નિષ્પ્રાણ થતા જાય છે, પછીથી એ ઉબાઈ ઊઠે છે. કેટલીક વાર આપણને રૂંધી નાખે છે. આથી વળી પાછો રોમેન્ટિક ઉદ્રેક પ્રગટ થાય છે. એનો સૂર વિદ્રોહનો સૂર હોય છે. એ બધા જ ચીલાચાલુ રેઢિયાળ ઇન્દ્રિયપ્રત્યક્ષોને તોડીફોડીને અસ્તવ્યસ્ત કરી નાખે છે. ઠરીને પ્રસ્તરીભૂત થઈ ગયેલી ભાષાના પેટાળમાંના જ્વાળામુખીને એ ફરીથી જગાડે છે. વર્ષોનો પ્રમાદ, વર્ષોની નિષ્ક્રિયતા એક ભડકામાં બળીને ખાખ થઈ જાય છે. વળી કવિ નિ:શબ્દતા વચ્ચે આવીને ઊભો રહે છે.

આવી નિ:શબ્દતા સૂર્યોદય પહેલાંના ધુમ્મસમાં છવાઈ ગયેલી જોઉં છું. અપાણિપાદ ધુમ્મસ બધે પ્રસરતું જાય છે. ભૂમિતત્ત્વ જાણે એની નક્કરતાનો ભાર ઉતારીને આકાશતત્ત્વમાં સમાતું જાય છે. ત્યાં આંધળા માણસની ફંફોળતી આંગળીની જેમ સૂર્યનાં કિરણો ધુમ્મસને ખસેડે છે. સૌથી પ્રથમ શબ્દ તે સૂર્યનો શબ્દ છે. પછી પંખીઓ એ શબ્દોનો ટહુકો બનાવીને એને સંગીત અર્પે છે. પવનના હોઠ ઉપર ઋચાનો ધ્વનિ છે. વૃક્ષ પણ એ ઋચાને પ્રતિધ્વનિત કરે છે. મારા હોઠ પર પણ અજાણપણે પ્રાર્થના ગોઠવાઈ જાય છે.

મેદાનમાં રાત્રિના હૃદયમાંથી દ્રવી ગયેલા શબ્દો જેવા ઝાકળબિન્દુઓ હજી દેખાય છે. કૂણાં ગોખરુ બધે છવાઈ ગયાં છે. ઉઘાડે પગે મેદાનમાં દોડવાનું મન થાય છે. ત્યારે ગોખરુનો ડંખ પણ કેવો આહ્લાદક લાગશે તેની કલ્પના કરું છું, દૂરથી ક્યાંકથી ચાસ પાડેલા ખેતરની ગન્ધ આવે છે. ચારે બાજુ, આ ક્ષણે બધું કેવું સરળ અને અર્થહીન લાગે છે. અત્યારે તો ઈશ્વર પણ એના ગૌરવનો અંચળો ઉતારીને નાનકડા નગ્ન શિશુના જેવો ઊભો રહેલો દેખાય છે.

અત્યારે તો ચારે દિશાઓ અવારિત અનિરુદ્ધ દેખાય છે. સામેના નિશાળના મકાનની દીવાલ પણ જાણે સંકેલાઈને કોઈ વિદ્યાર્થીની ચોપડીના પાના વચ્ચે લપાઈ ગઈ છે. અત્યારે તો નવા પ્રગટેલા તૃણાંકુરની સાથે સમકક્ષ બનીને સાવ નરવા રહીને ઊભા રહવાનું મુહૂર્ત છે.

થોડી જ વારમાં નરવી કુંવારી હવાને ડીઝલનો ગંદો સ્પર્શ થાય છે, શાન્તિને કચડી નાંખીને શહેરની લાલ બસ દોડી જાય છે. થીજી ગયેલા ઘાસમાં લથડતે પગલે સૂર્ય ચાલવાનું શરૂ કરે છે, નિશાળનો ઘણ્ટ અચાનક જાણે દુ:સ્વપ્નમાંથી જાગીને બરાડી ઊઠે છે ને ક્યાંકથી ખંખેરાઈને વિદ્યાર્થીઓનું એક ઝૂમખું ત્યાં આવી પડે છે.

બારીની પાળ પર કાળી કીડીની હાર એના ધોળાં ધોળાં ઈંડાં લઈને ચાલી રહી છે. બારીની પાછળ દીવાલ સાથે અભિન્ન બનીને ભળી જતી ગરોળીની સ્થિર આંખો દેખાય છે. ધીમે ધીમે થોડાક રંગો આંખ ખોલે છે. કાકડિયા કુંભાર તો જાણે ઊડતા રંગનો જ લિસોટો બની રહે છે. આકડાના ભૂરાશ પડતા ફૂલમાં આકાશની થોડીક નીલિમા છંટાયેલી છે. સૂર્યના થોડા સ્ફુલ્લંગિ કરેણની હથેળીમાં ઝીલાઈ રહ્યા છે. કોઈ શિશુ એની બંધ મુઠ્ઠીમાં રંગબેરંગી લખોટી સંતાડી રાખે તેમ શિરીષે એના જાંબુડી રંગનાં ફૂલ સંતાડી રાખ્યાં છે, ગ્રીષ્મ આવશે ત્યારે એ મુઠ્ઠી ખોલીને એનો ખજાનો ખુલ્લો કરી દેશે.

હિમાલયની ગિરિમાળાઓ પર છવાયેલી કશીક ઉદાસી એના મ્લાન મુખ સાથે ઊતરી આવે છે. એની હેમન્તના સૂર્યોજ્જ્વળ દિવસનું મુખ મ્લાન થઈ ગયું છે. એથી બધા રંગ ભોંઠા પડી જાય છે. મને એકાએક આ બધું ખૂબ કરુણ લાગવા માંડે છે. નાના શિશુના અશ્રુમ્લાન મુખ જેવી નિ:સહાયતા આ બધાંમાં અનુભવાય છે.

ઉદ્યોગનો રાક્ષસ જાગ્યો છે. એનાં અસંખ્ય ચક્રોનો ધણધણાટ અને એનો મલિન ઉચ્છ્વાસ હું અહીં બેઠો બેઠો અનુભવું છું. એ મને પણ પાંગોટું ઝાલીને ઊભો કરે છે ને દોડધામમાં ધકેલી દે છે.

એમ તો હવામાં પારદર્શકતા છે, પણ તે પ્લાસ્ટિકની પારદર્શકતા છે. એના સ્પર્શમાં કુમાશ નથી. એમાં નિર્જીવતાનું પોત છે. હજી ક્યાંય હળવાશ અનુભવાતી નથી. બધે જ કશોક ભાર ચંપાયો હોય એવું લાગે છે. એથી જ તો રસ્તેથી જતા માણસોના ખભા પણ સહેજ ઝૂકી ગયેલા દેખાય છે. પેલી કવિતામાં દેખાયેલી હેમન્તની સુરખિભરી સવારને હું શોધું છું.

મેદાનમાં કબૂતર પણ ખરડાયેલા પગે ચાલે છે. એનાં પીંછાંમાં પણ ભરાઈ ગયેલા ધુમ્મસનો ભાર છે. કશુંક અદૃશ્ય જાણે આકાશમાં છવાઈ ગયેલી ગ્લાનિમાંથી ટપક્યા કરે છે. વહેલી સવારે ગતજન્મનું બ્રાહ્મણત્વ યાદ કરીને એક બુલબુલે સ્નાન કરવાની મૂર્ખાઈ કરી છે. હવે એ શિશુ નીચે આસોપાલવના પર બેઠું બેઠું ધૂ્રજે છે. એની ચાંચમાં રાત્રિની નિ:શબ્દતાની એક પાંખડી છે.

ધોળા બગલા જેવા કિશોરકિશોરીથી મેદાન હવે ભરાઈ ગયું છે. એમનાં ચપળ ચંચળ અંગોથી મેદાન તરંગિત આંદોલિત થઈ ઊઠ્યું છે. દૂર એકલો અટૂલો એક ઘોડો ચરે છે. ધીમે ધીમે થોડા અવાજોનું ટોળું આગળ વધે છે. મારું ઘર એનાથી ભરાઈ જાય છે. એ અવાજો મને હડસેલીને બહાર ધકેલી રહ્યા છે.

ખરી પડેલાં પાંદડાં હવામાં પંખીઓનાં ટોળાંની જેમ ઊડી જાય છે. વાતચક્ર ફરતું ફરતું મેદાનને એક ખૂણેથી બીજે ખૂણે જાય છે. પાસેના ઝાડ પર સૂતેલી એકાદ ચીબરીને કોઈ મશ્કરો કાગડો પજવે છે. બામણી મેના એનો ભીનો ચોટલો સૂકવતી તાર પર બેઠી છે. એ બધાંની સાક્ષીએ હું દિવસનો પ્રારમ્ભ કરું છું. એના પર કોઈ આશાઆકાંક્ષાનો ભાર નથી, સમયની અનિવાર્ય ગતિમાં ફરજ અર્થે જવાની કેવળ તત્પરતા જ છે. મારા ચરણ ચાલે તે પહેલાં આંખો દૂર સુધી ફરી આવે છે. મારી આડીઅવળી ગતિએ ચાલતી આંખોની છાપ આકાશમાં અંકાઈ જાય છે. નીચે સુધી ઊતરી આવેલાં વાદળોમાં ઘડીભર મારી આંખો ખોવાઈ જાય છે. કેવળ આકાશમાં આકાશ બનીને સમાઈ જવાનું ગમે તો છે, પણ બીજી જ ક્ષણે હું મારી ખોવાઈ ગયેલી ઇન્દ્રિયોને ભયભીત બનીને શોધવા માંડું છું.

સૂર્ય મારી ઓરડીમાં ઠીક ઠીક આગળ વધી જાય તે પછીથી હું એને પગલે પગલે ચાલું છું. દરેક પગલે મારો આખો ઇતિહાસ સજીવન થતો આવે છે. હું ફરીથી મારામાં ગોઠવાઈ જાઉં છું. મારી ટેવ-કટેવ લક્ષણ-અપલક્ષણ બધું પોતપોતાને સ્થાને બરાબર ગોઠવાઈ જાય છે. મારું આ ઓળખપત્ર મને મળી જાય છે. આ ઓળખમાં મને પોતાને જ વિશ્વાસ નથી. એમ તો મને શેનામાં વિશ્વાસ છે? આ પ્રશ્ન હું મારી જાતને પૂછું છું. એ સાંભળીને ગોખલામાંના દેવ હસે છે.

પણ કોઈ વાર આ બધા પ્રશ્નો મને મિથ્યા લાગે છે. સામેનું શિરીષ જેમ ભૂતકાળનો કે ભાવિનો વિચાર કરતું નથી તેમ હું કેવળ હોવાનું સત્ય જ સ્વીકારીને જાણે કૃતાર્થ થઈ જાઉં છું. સંસાર એની બધી માંગણીઓને લઈને મારી પાસે આવે છે. કોઈ દિવસ કશાનો સરખો હિસાબ હું રાખી શક્યો નથી. આથી જ મને એક સગવડ મળી રહે છે. કશું કરવાનું રહી ગયું એનો મને બહુ પસ્તાવો થતો નથી.

છતાં જ્યારે સ્મિત કરવું જોઈતું હતું ત્યારે જો મેં કૃપણતા બતાવી હોય તો તે મને સાલે છે. મીંઢાપણું ને મૌન મને ગમતાં નથી, છતાં એક શબ્દ જ માત્ર બોલવાની ઉદારતા કોઈ વાર નથી બતાવી શકાઈ તેનો મને અફસોસ થાય છે.

3-12-74

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.