ઘણી વાર અન્ધકાર બહુ વિશ્વસનીય લાગે છે. દિવસના પ્રકાશમાં મારો પોતાનો જ જમણો હાથ ડાબા હાથ પર વિશ્વાસ મૂકતો નથી ને એની પાસે જતો નથી. અન્ધકારમાં બંને એકબીજાને સરળતાથી મળે છે, દીવો પ્રગટાવ્યો હોય તો પણ બુઝાઈ ગયો હોય અને તાપણી માટે સળગાવેલાં લાકડાંમાંથી એકાદ અંગારો એ અન્ધકારમાં પ્રકાશ ફેલાવતો હોય એ જોવાનું કેવું ગમતું! શિયાળાની રાતે અન્ધકારમાં શબ્દો બોલવા જઈએ ને શબ્દો થીજી જાય, એની શ્વેત રેખા માત્ર આછી આછી વાતાવરણમાં લહેરાયા કરે, ઇતિહાસ બની ગયેલી ગઈ કાલનો આછો ભાર અન્ધકાર પર તોળાઈ રહ્યો છે. અન્ધકારના છિદ્રને ભેદીને સમય સૂસવે છે. પ્રકાશનું એકાદ કિરણ જો ક્યાંક દેખાય તો કેવો સંઘર્ષ ઊભો થાય! પ્રકાશ નથી માટે જ અન્ધકાર નર્યો શાન્તિમય લાગે છે.
બહાર આછી ચાંદનીમાં ધુમ્મસ પ્રસરે છે અને ધીમે ધીમે મકાનની રેખાઓને ઝાંખી બનાવી દે છે. વૃક્ષોનાં પાંદડાં વચ્ચે થઈને ધુમ્મસની આંગળીઓ સરકે છે. એ ધુમ્મસ પવનને ભેદીને આરપાર ચાલ્યું જાય છે. અહીં મારી બંધ બારીના કાચ આગળ એ કોઈ વન્ય પશુની જેમ એનું મોઢું ઘસે છે ત્યારે મને ટી.એસ.એલિયટ યાદ આવી જાય છે.
વહેલી સવારે જાગીને જોઉં છું તો ઠંડી હજી સંકેલાઈ ગઈ નથી. કાગડાઓ કશો અવાજ કર્યા વિના ઊડે છે. પર્વતને ખભે માથું ઢાળીને સૂતેલાં ઝરણાં જાગે છે. નદીઓ સૂર્યસ્પર્શને માટે ઉદ્યત થઈ જાય છે. શેરીઓમાં ગઈ રાતના થીજી ગયેલા અવાજો આળસ મરડીને જાગે છે.
દૂરથી રેલવે એન્જિનની વ્હિસલ થરથરતી કંપતી મારા ઘરની દીવાલ સુધી આવી પહોંચે છે. રસોડામાંનો નળ વેદકાળના ઋષિની જેમ ત્રિષ્ટુભ છન્દમાં ઋચા કહે છે. પાસેની કરેણ સોડિયું વાળીને ઊભી છે. રંગોની રમત પૂરી થવા આવી છે. બધે આ હેમન્તની સવારે જાણે એક જ રંગ પ્રસરેલો દેખાય છે. એનું કોઈ નામ નથી, પણ એ હેમન્તનો વર્ણ છે.
વહેલી સવારે ઘરનું બારણું ખૂલતાંની સાથે જ બહાર દોડી આવેલા શિશુની જોડે ઘરમાંની ઉત્તપ્ત હવા પણ નિરાંતનો દમ ખેંચીને બહાર નીકળી આવે છે. હું નિશાળ પરનાં નળિયાંને રાજા મિડાસની આંગળીનો સ્પર્શ થતો જોઉં છું. પવન કોઈએ વિદાય વેળાએ ફરકાવેલા રૂમાલની જેમ ફરફરે છે. દીવાલ પરનું કેલેન્ડર નવા નવા આંક શીખેલા બાળકની જેમ એ ફરફરતા પવનમાં એકી સાથે કાંઈ કેટલીય તારીખના આંકડા બોલી જાય છે, ઘરમાં જે હજી જાગ્યાં નથી તેમની આંખની પાંપણને પવનની આંગળી ખોલી નાખે છે.
દિવાળીના રંગબેરંગી કાર્ડ પરનો સોનેરી રંગ સૂરજના પહેલા કિરણ આગળ જરા બડાશ મારી લે છે. એ કાર્ડ પરની દીપાવલિના દીપ હજી એવા ને એવા ટમટમે છે. સવારની સુરખીમાં માનવીઓના ચહેરા વધુ સ્વચ્છ લાગે છે. હું લખવા માટે ધોળો કાગળ ટેબલ પર મૂકું છું. થોડી જ વારમાં મારા અક્ષરો હિમાચ્છાદિત ભૂમિ પર ઊડતા કાળા પંખીની જેમ એના પર છવાઈ જાય છે.
રસ્તેથી થોડાક ખ્રિસ્તીઓ દેવળમાં જઈ રહ્યા છે. એમનાં શ્વેત વસ્ત્રોમાં ઇસુ ખ્રિસ્તનું શાન્તિભર્યું આશ્વાસક સ્મિત ફોરી ઊઠે છે. દેવળના ઘણ્ટનો રણકાર કોઈ નવસ્ત્રા માનવીના જેવો હવામાં કમ્પે છે. એક સોળ વર્ષની ગૌરાંગી કન્યા એના હૃદયમાં નવા જાગેલા નવા અજંપા જોડે ધર્મને ગોઠવવાનો પ્રયત્ન કરતા મુંઝાઈ ગયેલી દેખાય છે.
ઘરમાં પ્યાલારકાબી રણકી ઊઠે છે. બધી પરિચિત સુગન્ધ આવવા લાગે છે. વાસી થયેલો ગલગોટાનો હાર હજી બારણે લટકે છે. એનું સોનું ઝાંખું પડ્યું નથી. બહાર મેદાનમાં હુદહુદનું જોડું ચંચળતાથી અહીંથી તહીં ફરે છે. પચનક એને નિરપેક્ષ ભાવે જોઈ રહે છે. ધીમે ધીમે જગતનો નકશો ઉવેખાતો આવે છે. દિશાઓનાં નામ હું ફરીથી ગોખી લઉં છું. હિમાલયનું ગૌરવ મારા ગૌરવને સ્પર્શે છે. થોડી જ વારમાં રેખાઓ સંકોચાતી જાય છે અને આખું જગત મારી બારી આગળના વિસ્તારમાં સમાઈ જાય છે. ભગવાનના દસ અવતારનો ભાર મારે ખભે ઉપાડીને હું ઊભો થાઉં છું, મારા ચરણથી ચંપાઈને બલિને પાતાળમાં જતો રહેતો જોઉં છું. ગણપતિને ચઢાવેલી દુર્વા ચકલો ખેંચીને લઈ જાય છે.
છાપાની હેડલાઇન્સમાં શું છે તે જોવાનું મને કુતૂહલ નથી. મારી આજુબાજુ કશો નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે એની મને ભ્રાન્તિ નથી. છતાં સામે ઊભેલા શિરીષનો કે મારો વિસ્મય એક જ પ્રકારનો છે તેનો મને અનુભવ થાય છે. પંખીઓના ઉડ્ડયનનો મારી કાયામાં સંચાર થાય છે ને ઘરમાં આવતી ચકલી થોડા સરખા આકાશને લાવીને મારા ઓરડામાં મૂકી દે છે.
24-11-74