પાંચ ઇન્દ્રિયોની પાંખડી

હજી આકાશમાં કોઈક વાર વાદળો ચઢી આવે છે. ચન્દ્રની ચાંદની હજી એને કારણે પાંખી લાગે છે. હજી પ્રકાશના પદવિન્યાસમાં વચ્ચે વાદળોના અલ્પવિરામ છે. છતાં પ્રકાશ જ હવે વધશે. પણ તે ગ્રીષ્મ જેવો આકરો નહીં હોય એનું આશ્વાસન છે. સૂર્ય હવે સુખદ બનશે, જેટલો સૂર્ય આ ઋતુમાં આત્મસાત્ કરીએ તેટલું તેજ વધારે. આપણી પાછળ જે છાયાઓને આપણે મૂકી આવ્યા તેને પાછું વાળીને જોવાની આપણી હિંમત છે ખરી? એક એક વીતેલો દિવસ હવે આપણે માટે નવું રહસ્ય ધારણ કરતો જાય છે. કેટલાક દિવસો પુરાણા ખણ્ડેર પર બાઝેલી લીલ જેવા છે, કેટલાક દિવસો ગાઢ વનમાં વર્ષોથી રહેતા જરઠ અન્ધકારમાં જઈને ભળી ગયા છે. કેટલાક દિવસો ક્યાંક કોઈ અજાણ્યા વિષુવવૃત્તીય પ્રદેશમાં અનામી ફૂલ બનીને મહેકતાં હશે. પણ જેને હજી ગઈ કાલ સુધી આપણો દિવસ કહેતા હતા તે એક રાત વીતતાં કેવા અગોચરમાં જઈને ભળી જાય છે!

એવું જ બને છે આપણા શબ્દોનું, આપણી દૃષ્ટિનું, આપણી સ્પર્શસંવેદનાનું અને ઘ્રાણેન્દ્રિયનું. જે શબ્દો આ પહેલાંની ક્ષણે બોલેલા તે હવે આકાશરૂપ બની ગયા છે. પણ બધા જ શબ્દો આકાશમાં તારાની જેમ ચમકે એવા તો નહોતા. આથી ઘણાં શબ્દોનાં તો ખોખાં જ વચ્ચે અવકાશમાં અદૃશ્ય અશ્રાવ્ય બની ગયા છે. સુગન્ધનું પણ એવું જ છે. સુગન્ધ એના પરિવેશથી ઓળખાય છે, બાકી સુગન્ધની વિશિષ્ટતા શી? સામેના ખુલ્લા મેદાનની પણ એક પ્રકારની સુવાસ છે. જીવનાનન્દ દાસ જેવા કવિને સમડીની પાંખમાંથી ગઈ કાલના તડકાની સુગન્ધ આવતી હતી. સુગન્ધ એ એક અત્યન્ત અંગત અનુભવે છે, આથી એને વિષે જાહેરમાં ચર્ચા કરવાનું સાહસ હું નહીં કરું. છતાં જિન્દગીમાં ઘણી વાર નદીના જળની માણેલી સુવાસ યાદ આવી જાય છે. જે ઓરડામાં બેસીને બાળક મનના પર પહેલવહેલો કશાક અકળ અનુભવનો હળવો શો ભાર અનુભવેલો તેની પણ એક સુવાસ મારી સ્મૃતિમાં છે. કોઈક વાર નિકટતા એટલે સામી વ્યક્તિના શ્વાસને સૂંઘી શકીએ એટલું સમીપવર્તીપણું એવું લાગે છે. બધા કહે છે કે સ્પર્શમાં જ અત્યન્ત નિકટતા છે. એ કદાચ સાચું હશે પણ એ નિકટતા રૂંધી નાખે એવી નથી લાગતી? પણ ઘણી વાર આપણા સ્પર્શ આંધળા હોય છે. બધિર પણ હોય છે. સુવાસની શ્વાસ દ્વારા પ્રાણમાં ભળી જવાની અજબની શક્તિ હોય છે.

સ્વાદનું પણ એવું જ છે. સ્વાદ સાથે અમુક પ્રકારની સ્થૂળતા સંકળાયેલી છે. આથી જ તો સંસ્કારી લોકો સ્વાદની વાત નથી કરતાં. સ્વાદને ક્ષુધા જોડે સાંકળી દીધો છે. પણ જો હું કહું કે આકાશની નીલિમાનો પણ એક સ્વાદ છે તો એમ ન માનશો કે હું કવિવેડા કરું છું. મને અમુક પ્રકારના એકાન્તનો સ્વાદ ખૂબ રુચે છે. અજાણ્યા ગામડાની સીમમાં કોઈ કૂવાના થાળા પર, ઘટાદાર વડની છાયામાં બેસીને કોઈક વાર શીતળતાનો જે સ્વાદ ચાખેલો તે પણ યાદ આવે છે.

દૃષ્ટિનો પણ કોઈક વાર અદ્ભુત જાદુ થઈ જાય છે. કોઈ વાર એકાએક દૃષ્ટિ અત્યાર સુધી નહીં દીઠેલા એવા અજાણ્યા વિશ્વની ભાળ લાવી આપે છે. કોઈ વાર દૃષ્ટિમાં ભારે વેધકતા આવી જાય છે. જેને આપણે અપારદર્શી માનતા હતા તેને પણ એ વીંધીને જોઈ લે. દૃષ્ટિ કોઈ વાર પાંખો બનીને આપણને ક્યાં ને ક્યાં ઉડાવી લઈ જાય છે. આથી જ તો જિંદગીમાં હજી ભારેખમપણું કે ઠરેલપણું આવતું નથી.

સ્પર્શનો તો તકાજો એવો હોય છે કે એને માણતા હોઈએ ત્યારે બીજી બધી જ ઇન્દ્રિયોને ભૂલી જવી જોઈએ. બીજી કોઈ ઇન્દ્રિય સ્પર્શસુખમાં ભાગ પડાવે એ ગમે નહીં. સ્પર્શને કેટલીક વાર વ્યક્તિ સાથેની પૂરી અભિન્નતાથી ઊણું કશું ખપતું નથી. આથી જ સ્પર્શથી બધા ભયભીત થાય છે. આથી જ તો સમ્બન્ધમાં સ્પર્શની ભારે જટિલતા માનવીએ ઊભી કરી છે.

આ પાંચ ઇન્દ્રિયોની પાંખડી ખીલે ત્યાં જ બધું અટકતું નથી. કેટલીક વાર એ પાંખડીની નીચે સંતાયેલી બીજી પાંખડી દેખાય છે. પાંચ ઇન્દ્રિયો જ સજીવ માનવીથી જિરવાતી નથી, આથી જ તો સ્પૅનિશ કવિ લોર્કા ચિત્કાર કરી ઊઠ્યો હતો : ‘હું એક સાથે પાંચ પાંચ ખંજરથી ઘવાયો છું.’ પણ કોઈ પંચેન્દ્રિયની દીપશિખા પ્રગટાવીને આ જગતને ભક્તિભાવથી પણ જુએ છે.

ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરવાથી જે એકાન્ત પ્રાપ્ત થાય તે કેવું તો ભયાવહ હશે! જો એક ઇન્દ્રિય મંદ પડે તો આપણે કેવાં વ્યાકુળ થઈ જઈએ છીએ? ઇન્દ્રિયોથી જ આપણે બ્રહ્મવિહાર કરીએ છીએ. ઇન્દ્રિયોથી જ આપણે વ્યાપીને વિભુ થઈએ છીએ, આથી શરદની આ સુરખીભરી સવારે સૌથી વિશેષ આનન્દ ઇન્દ્રિયોનાં દ્વાર ખોલીને જગતને આવકારવાનો છે.

10-11-74

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.