નિરાશાવાદી વલણ પ્રગટ કરનારા સાહિત્યકારોએ માનવતાનો દ્રોહ કર્યો છે. નિરાશાવાદ આપણને કશા પુરુષાર્થ માટે પ્રોત્સાહિત કરતો નથી. એથી નિષ્ક્રિય બનીને આપણે યાતના સહી લઈએ છીએ, એટલું જ વધુ સક્રિય બનાવીએ છીએ. આથી નિરાશાવાદ એ કશાકને પ્રતિકાર કર્યા વિના શરણે જવાની કાયરતાનું અધમમાં અધમ સ્વરૂપ છે.
આ પ્રકારનો આરોપ બે પ્રકારના લોકો મૂકતા હોય છે. એક તો જૈફ લોકો, જેમણે જીવનની અંતિમ વ્યવસ્થામાં પરિસ્થિતિઓ અને સમસ્યા સાથે સમાધાન કરાવી આપે એવી શ્રદ્ધા શોધી લીધી હોય છે. એઓ હવે ફરી વાર કશી નિરાશાથી સંક્ષુબ્ધ થઈને પોતાની શ્રદ્ધામાંથી ચ્યુત થવા ઇચ્છતા નથી. બીજા છે સામ્યવાદી મિત્રો એક રીતે એઓ પણ પૃથ્વી પર સ્વર્ગ ઉતારવાની કલ્પનામાં રાચતા હોય છે. એને માટે સંઘર્ષ અનિવાર્ય છે. આથી આશાવાદી ભવિષ્યની કલ્પનાથી પ્રોત્સાહિત થઈને પુરુષાર્થી બનવું જ આપણને પરવડે. એમને આશા હતી કે ક્રમશ: રાજસત્તાનું વિલોપન થશે. એવું તો બન્યું નથી. યુદ્ધોએ ભૌગોલિક રાષ્ટ્રવાદને વધુ ઉગ્ર બનાવ્યો છે.
નિરાશાવાદી કહેવાતા લેખકોમાં દોસ્તોએવ્સ્કી, કાફકા, માલરો, સાર્ત્ર, કેમ્યૂ જેવા જગતના પ્રથમ પંક્તિના લેખકોને મૂકવા પડે. આ લેખકોએ આપણને આશાવાદને પુષ્ટ કરે ને આધાર આપે એવી કશી દાર્શનિક પીઠિકા એમની કૃતિઓ દ્વારા રચી આપી નથી એ સાચું. છતાં, કેમ્યૂએ જ નથી કહ્યું કે ઈશ્વર વગરની આ દુનિયામાં સન્ત બનીને જીવવાનો પડકાર આપણને ઝીલવાનો છે. આ લેખકોએ જ માનવને પ્રગટ કર્યો નથી? સર્જક માનવને સમપિર્ત છે એવી ઘોષણા પણ આ લેખકોએ જ નથી કરી? માનવી પ્રત્યેના ધર્મ વિશે એઓ સજાગ હતા એવું તો એમને ન્યાય કરવા આપણે સ્વીકારવું જ રહ્યું. તટસ્થ વસ્તુલક્ષી દૃષ્ટિએ જોઈશું તો લાગશે કે આ કહેવાતી નકારાત્મક ફિલસૂફી પણ વાસ્તવિક રીતે તો સ્વતન્ત્રતા કે ધૈર્યનાં મૂલ્યોની વિરોધી નથી. કહેવાતી નિરાશાપ્રેરક પરિસ્થિતિ સામે આંખમીંચામણાં કરવાનું ટાળીને એ નિમિત્તે પણ માનવહૃદય પરત્વે નવી સૂઝ પ્રગટ કરવાનો પુરુષાર્થ શું એમણે નથી કર્યો?
નિરાશાવાદી દર્શન અને પુરુષાર્થનિર્ભર નૈતિક આચાર – એનું સહઅસ્તિત્વ નકારી કાઢી નહીં શકાય. આ બેને સાથે રાખીને જીવનારાની સમસ્યાને આપણે ટાળી શકીએ નહીં. એક રીતે કહીએ તો આપણી અર્વાચીન સંસ્કૃતિનો એ સૌથી વિશેષ કનડતો પ્રશ્ન છે. આપણે માટે એ જાણી લેવું અનિવાર્ય છે કે માનવી કોઈ અનન્ત તત્ત્વ કે બુદ્ધિનિર્ભર વિચારની મદદ વિના એકલો, પોતાનાં મૂલ્યોનું નિર્માણ કરી શકે ખરો? આ પ્રશ્નને જમાનાજૂના પરમ્પરાગત ઉત્તરથી ઉડાવી દઈ શકાય નહીં.
સંસ્કૃતિનું નિર્માણ યાતના ગુજારવાથી થતું નથી. એને માટે તો પરસ્પરવિરોધી ગણાતી વિચારસરણીઓની અથડામણ જરૂરી છે, એને માટે તિતિક્ષા અને ધૈર્ય પણ એટલાં જ જરૂરી છે. એને કાયરતા કહીને ઉડાવી દઈએ તે નહીં ચાલે. કોઈ સર્જકે જીવનના દીર્ઘકાળ સુધી નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત થઈને જે કર્યું હોય તેને માત્ર તર્જની ચીંધવાથી ઉડાવી દઈ શકાય નહીં. એ માનવમનનું એક મોટું સાહસ છે. ટૂંકી દૃષ્ટિવાળી પરમ્પરાને અનુકૂળ રહીને જ ચાલનારી આવૃત્તિઓને ઉતારી પાડે તે સાવ બેહૂદું છે.
વસ્તુલક્ષી તાટસ્થ્યથી વિચારવાનું વલણ કેળવવું તે અઘરું છે. લોકોમાં ઝાઝા વખતથી ધર્મભાવના કે પ્રચારનો ધજાગરો ફરકાવતી કોઈ વિચારસરણીની ઓથ લઈને કૃતક ગમ્ભીરતાથી આ પ્રકારની ઘોષણાઓ રહીરહીને કર્યા કરવાનું સહેલું છે. આજે જે વૈફલ્ય ચારે બાજુ દેખાય છે તે એક ન ઉવેખી શકાય એવી હકીકત છે. જો એમ નહીં હોત તો ઉપર ગણાવ્યા છે તે પૈકીના ત્રણ લેખકોને નોબેલ પારિતોષિકને પાત્ર શાથી ગણ્યા? એ લેખકોએ પોતાના માનવને એની સર્વ સંકુલ સમસ્યાઓ સહિત મૂર્ત કરી આપ્યો. આ વૈફલ્યને ને આપણને કશી જ નિસ્બત નથી એવું, આ જમાનામાં જીવનારા આપણે શી રીતે કહી શકીએ?
એ જમાનાના માનવીથી આપણે વેગળા છીએ એમ કહીને કેળવેલા કૃતક આશાવાદનું મૂલ્ય કેટલું? આપણો જે યુગસન્દર્ભ છે તેમાં જ રહીને આપણે જીવવાનું છે અને વિચારવાનું છે. આ યુગનો જે સંઘર્ષ છે તેની સાથે ઓતપ્રોત થઈને જીવીશું તો જ તેનું સત્ય આપણને લાધશે. જો એમાં શૂન્યવાદનો પ્રભાવ વરતાતો હોય તો તે શૂન્યવાદ સાથે આભડછેટનો સમ્બન્ધ રાખવાનું આપણને પરવડશે નહીં. એમ કર્યા પછી આપણે આપણી આચારનીતિ ઘડી શકીશું, એ નિમિત્તે સ્વૈરાચારને નહીં જ વધાવી લઈએ. બધું નકારાત્મક છે કે અસંગત છે એમ કહીને ગાળો ભાંડવી ન પરવડે. આપણા યુગના માનવીને એની જોડે બાથ ભીડાવવી પડી છે. જે સમસ્યાઓ બેચાર આકર્ષક પંક્તિઓ લખવાથી ઉકેલી શકાય એવી નથી, જેની સાથે સર્જકોને જીવનભર ઝઝૂમવું પડતું હોય છે તેને વિશે આપણે આવી અગમ્ભીરતાભરી બેજવાબદારીથી વાત કરી શકીએ? એ સર્જકોને સમજવાને આપણે સહેજ ઉદારતા, સહિષ્ણુતા કે ધૈર્ય નહીં બતાવી શકીએ? એ લેખકો પ્રત્યેનો આપણો અભિગમ નમ્રતાભર્યો નહીં હોવો ઘટે?
આ વાત હું કશા અનુચિત આક્રોશથી કે અભિનિવેશથી કહેવા નથી ઇચ્છતો. પણ આવું વલણ પ્રગટ કરનારાઓ પ્રત્યેનો મારો વિરોધ હું સબળપણે પ્રગટ કરવાનું જરૂર ઇચ્છું છું. બાકી તો ધર્મના ચોકઠામાં બધું માપસર ગોઠવી આપનારા કે સરકારી પંચવર્ષીય યોજનાની સફળતાના અહેવાલોના કોષ્ટકોનાં ખાનાંમાં પોતાની બારાખડીને પૂરી દેનારા લેખકોની કાંઈ ખોટ પડવાની નથી. પ્રવાહની સામે જોઈને, સરકારને કે જનતાને રીઝવવાનાં પ્રલોભનમાંથી મુક્ત થઈને, માનનો નહીં, નરી સ્વીકૃતિ પણ નહીં, ઊલટાનું અપમાન અને અવગણના પામીને વગોવવાની પૂરી તૈયારી સાથે કેવળ માનવ પ્રત્યેના સ્નેહ ખાતર આ અસૂર્યલોકના અન્ધકારને તાગનારા સર્જકો જ વિરલ રહેવાના.
બીજે છેડે પણ એક ભય રહ્યો છે. આ નિરાશાની લપટી થઈ ગયેલી વાત, હતાશાનો શુકપાઠ, દુ:ખી થવાનો ડોળ – આ બધાંને ઘડીના છઠ્ઠા ભાગમાં અપનાવી લઈને ભારે આસાનીથી કવિતા કાંતનારાઓનો પણ તોટો નહીં હોય. પશુસુખ માણનારા, ભોગસામગ્રીની લુબ્ધ દૃષ્ટિએ શોધ ચલાવનારા અને ગરીબાઈનો કદરૂપો પડછાયો પણ પોતાના શણગારેલા દીવાનખાનામાં ન પડે એની કાળજી રાખનારા પણ ફુરસદને સમયે, વ્હીસ્કીનો એકાદ પેગ ચઢાવીને વિરતિની વાત કરી શકે. જે અત્યન્ત સંસ્કારી હોવાની શેખી કરતા હોય છે તે જ બધું ભોગવવાની પૂરી રતિ હોવા છતાં વિરતિનું ગાણું ગાતા હોય છે.
આ ઉપરાંતનો એક વર્ગ છે, જે બહુ આસાનીથી ઇહલોક અને પરલોક વચ્ચે સીડી ગોઠવી દઈ શકે છે. એકતારાની રમઝટમાં એ બધું ભાન ભૂલી જાય છે. એને માટેની શબ્દાવલિ જ નહીં, પદાવલિ સુધ્ધાં, અનેક સન્તોએ અને મર્મીઓએ તૈયાર કરી આપી હોય છે. આ માર્ગ ભારે સુવિધાભર્યો છે, સમાજ તો અહોભાવથી પ્રેરાઈને આ ‘સન્તવાણી’ પર ભક્તિનાં પુષ્પો ચઢાવે જ, પણ સંસ્કારી ગણાતો વર્ગ પણ ભોગના અતિરેકથી ઓચાઈ જઈને આ ‘અક્ષયરસ’ ચાખવા પ્રેરાય. આ કવિઓ વર્તમાનને માયા ગણીને કેવળ સનાતન સાથેની અનુસન્ધિત્સાથી પ્રેરાઈને જ કાવ્યસાધનામાં પ્રવૃત્ત થાય. એઓ ઇન્દ્રિયાતીતને જ ઝંખે માટે એમને કશા ઇન્દ્રિયપ્રત્યક્ષની આવશ્યકતા નહીં. એમનું કામ કેવળ આત્માથી નભી જાય. એમાં માનવનો સમૂળગો મોક્ષ થઈ જાય અને ભગવાનનો આવિર્ભાવ થાય. હું તો, જેવા છે તેવા, માનવને ઝંખું છું.
8-10-74