મનુષ્યને જીવવા માટે સૌથી મોટો આધાર કોનો? હું વક્રદ્રષ્ટા નથી, છતાં મને તો આ પ્રશ્નનો એક જ જવાબ સૂઝે છે. માનવીને જીવવા માટેનો સૌથી મોટો આધાર છે ભ્રાન્તિનો. વળી પરિસ્થિતિ કરુણ તો એટલા માટે છે કે એ ભ્રાન્તિને ભ્રાન્તિ તરીકે ઓળખે છે, છતાં એને આધાર ગણીને વળગી રહે છે.
માયાને આભાસરૂપ કહી છે. એ જે રૂપે દેખાય છે તે વાસ્તવમાં નથી. છતાં આપણો બધો વહેવાર એને આધારે જ ચાલે છે. ભગવાને સત્ય કરતાં માયાને જ વધારે સુન્દર બનાવી છે. પણ એ તરફ આપણે આકર્ષાઈને તેને નંદ્યિ ગણ્યું છે. ઘણી વાર તો એવું લાગે છે કે જે સ્વાભાવિક છે તે જ સ્વીકારવા જેવું નથી. મારી સામેના લીમડાને કે શિરીષને શું સ્વીકારવું અને શું નહીં સ્વીકારવું એ વિશે કશી દ્વિધામાં પડતાં હું જોતો નથી. પણ મનુષ્યે તો વિવેકશક્તિ કેળવવી રહે. આથી જ તો કોઈ વાર જીવન ઘણું અટપટું લાગે છે. આપણું સ્વાભાવિક વર્તન ક્યારથી વિકૃત ગણાવા લાગ્યું એ પ્રશ્ન પૂછવાનો કશો અર્થ નથી. મનુષ્યનો સ્વભાવ જ બદલાતો રહે છે. લીમડો લીમડાપણું છોડતો નથી, પણ માનવી તો ઘણી વાર પશુના નિમ્ન સ્તરે સરી પડે છે તો ઘણી વાર દેવ થવાને માટે પણ મથે છે.
દ્વિધાવૃત્તિ, અનેક વિકલ્પોનો સામનો કરવો, સ્વભાવને વશ ન વર્તવું આ બધું માનવીને માટે શાપરૂપ છે. પણ આ મથામણને કારણે જ મનુષ્યના જીવનમાં અનોખો રસ ઉમેરાય છે. માનવીનું માનવ્ય એ કેવળ સુખમય જીવન જીવી શકે એમાં નથી. કેટલીક વાર તો એ સુખને ઠોકર મારીને જ મહાન બનતો હોય છે. જેમ ભ્રાન્તિ એના જીવનનો આધાર છે તેમ દુ:ખ અને પ્રતિકૂળતા એની મહત્તાનાં મુખ્ય કારણો છે. આથી જ તો માનવીએ કેટલીય વાર સામે ચાલીને દુ:ખને વધાવ્યાં છે. સુખની શોધમાં ગયેલાને આપણે ઝાઝા સંભાર્યા નથી.
હું જે કરું છું તેમાં મને સન્તોષ નથી તે છતાં સન્તોષ માનવો, એ પરિસ્થિતિને સહી લેવી, એમાં આપણે સાત્ત્વિકતા જોઈ છે. મહત્ત્વાકાંક્ષા એ રાજસી વૃત્તિનો આવિષ્કાર ગણાઈ છે. આ જ રીતે સમાધાનની વૃત્તિને પણ આવકારવામાં આવી છે. સમતા દૃઢીભૂત કે ઠોસ બનાવવા માટે અહંકાર તો અમુક માત્રામાં જોઈએ જ. પણ એ માત્રા કોણ નક્કી કરે? દક્ષિણના દાર્શનિક અપ્પય દીક્ષિતે કહ્યું કે અહંકારને વધારવો હોય તો વધારો પણ તો પછી એને એટલો વધારો કે એની બહાર કશું નહીં રહે, પણ એ તો કેવળ ઈશ્વરને માટે જ શક્ય છે.
અહંકારની સાથે સ્વાર્થ સંકળાયેલો છે. આ સ્વાર્થ આપણને સંકુચિત કરે છે, કાફકાએ આ સમ્બન્ધમાં નોંધ્યું છે, ‘જીવનના ઉંબર પર ઊભા હોઈએ ત્યારે બે કાર્યો કરવાનાં રહે. તમારું વર્તુળ વધુ ને વધુ સાંકડું કરતા જાઓ, સદા એ વાતની ખાતરી કરતા રહો કે એમ કરતાં પહેલાં તમે પહેલેથી જ તમારી જાતને વર્તુળની બહાર ક્યાંક સંતાડી તો નથી દીધી ને?’ પણ આ ધૂર્તતાથી માનવી બચી શક્યો હોય તો ને?
આમ સમ્બન્ધો સંકોચાય છે, વિસ્તરે છે, એકબીજાને ભૂમિતિની રેખાની જેમ છેદે છે. એમાંથી વેદના ઉદ્ભવે છે. પણ બધી જ વેદનાનું કાવ્ય બનતું નથી. આથી કાવ્ય નહીં બનેલી વેદનાનો ભાર સમ્બન્ધોને કચડી નાંખે છે. આ ઉપરાંત સહીસલામતીને નામે કેટલા બધા વિધિનિષેધોની અટપટી જટાજાળ આપણે ઊભી કરીએ છીએ! પછી તો આ બધી ગૂંચો ઊભી કરવામાં ને એને ઉકેલવાનો ડોળ કરવામાં જ આપણને મજા પડવા માંડે છે.
સંસ્કૃતિ અમુક અર્થમાં તો વિકૃતિ છે જ. એમાં કશું મૂળ સ્વરૂપમાં રહેતું નથી. બધી વસ્તુના પર સંસ્કાર થાય છે. સંસ્કાર થવાથી કદાચ એ વધારે સોહામણી લાગે, પણ એનો સ્વભાવ તો ઢંકાઈ જ જાય. એ મૂળ સ્વભાવને ઢાંક્યા પછી વળી પાછો એને પામવાનો પ્રયત્ન મનુષ્ય છોડતો નથી.
બન્ધન માત્ર સાપેક્ષ હોય છે. આથી જ તો એકની અપેક્ષાએ બીજાએ ગોઠવાવું પડે છે. ટોમસ માને કહ્યું છે કે જે વધારે ચાહે છે તેને જ દુ:ખી થવાનું રહે છે, પછી આ દુ:ખ જ જાણે પ્રેમનું ગૌરવ બની રહે છે. આ દુ:ખથી પૂર્ણ જગતમાં એ અનિવાર્ય દુ:ખને સહ્યા બનાવવા માટે માનવીએ કેવી કેવી ભ્રાન્તિ ઊભી કરી છે.
મનુષ્યે પ્રભુની શોધ કરીને એક પરિસ્થિતિ ઊભી કરી છે કે જેમાં હૃદય સમસ્તથી વારી જવાય, પણ સામે પક્ષેથી કશાય પ્રતિભાવની આશા રાખવાની જ નહીં, સંસારના સમ્બન્ધોને આથી જ તો જુઠ્ઠા કરીને આપણે ભગવાન સાથેનો સમ્બન્ધ સાચો ગણ્યો. મીરાંએ કૃષ્ણ નામની જ ચૂડી પહેરી તો ચણ્ડીદાસે એક નારીના અસામાજિક નિષિદ્ધ પ્રેમ દ્વારા જ ભગવાન સુધી પહોંચવાનું યોગ્ય ગણ્યું.
8-9-74