આજની શૈક્ષણિક પરિસ્થિતિ વિશે, આ કે તે જૂથના પક્ષકાર થયા વિના, તટસ્થતાપૂર્વક, સ્વસ્થતાથી, દૂરગામી દૃષ્ટિએ, જોઈને વિચારીએ તો આપણી સામે અમુક એક જ ઉકેલ નહિ પણ એક કરતાં વધારે વિકલ્પો રહેલા દેખાશે. આ વિકલ્પો ઘણી વાર તો તુલ્યગુણ અને તુલ્યબળ હોય છે. આથી ક્રિયાશીલ બનવા માટે એમાંથી યોગ્યની પસંદગી કરીને નિર્ણય લેવાનું અઘરું થઈ પડે છે. અહીં જ દાર્શનિક વિચારણાની આવશ્યકતા વરતાય છે.

આપણી સામે જે ત્રણ વિકલ્પો છે (વિદ્યાર્થી, અધ્યાપક, સરકાર) તે અંગે આપણે વિચાર કરવાનો રહે છે. આ વિકલ્પો વચ્ચેનો ભેદ, ઘણી વાર એમ બને કે, ઉપરછલ્લો હોય, એને સહેજ ઊંડું વિચારવાથી ટાળી શકાય. જો વિરોધ ખરેખર હોય તો જાગૃત વિવેકબુદ્ધિથી એનું તારતમ્ય નક્કી કરી લેવાનું રહે. દીર્ઘસૂત્રી બનીને નિષ્ક્રિયતાને પોષીએ તે હિતાવહ નથી. આપણે આ વિકલ્પો પૈકીના કેટલાક વિશે, બને તેટલી તટસ્થતાથી, વિચારવાનો પ્રયત્ન કરીએ.

સરમુખત્યારશાહીમાં કે રાજકીય અને સામાજિક ક્રાન્તિ લાવવાને અધીરા સમાજમાં વિદ્યાપીઠોનું શાસકો દ્વારા નિયન્ત્રણ અનિવાર્ય બની રહે છે. એથી જે પ્રકારની ક્રાન્તિ લાવવાની હોય તેને પોષક એવું શિક્ષણ આપવાની વ્યવસ્થા થઈ શકે, એવી વિદ્યાપીઠમાંથી બહાર પડતા યુવાનો આ વિચારધારાને જ ગળથૂથીમાંથી સ્વીકારીને એના જ પક્ષકાર બની ચૂક્યા હોય, એઓ જગતને શાસકસમ્મત દૃષ્ટિએ જ જોતા થઈ ગયા હોય. આને પરિણામે ક્રાન્તિને પ્રતિકૂળ એવાં બળો સામે એઓ વધુ ઉગ્ર આક્રમકતાથી ઝૂઝે. આમ શાસકોને અભિમત પરિસ્થિતિનું નિર્માણ કરવામાં એઓ ઉપકારક રીતે સહાયભૂત થાય.

આપણી નજીકના ભૂતકાળમાં સોવિયેત રશિયામાં અને નાત્ઝી જર્મનીમાં શિક્ષણ પરત્વે આવી નીતિ ત્યાંની સરકારોએ અપનાવી હતી તે આપણે જાણીએ છીએ. ‘ન્યૂ સોવિયેત એન્સાઇકલોપીડિયા’ અને નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિક વિજ્ઞાની પી. લેનાર્ડના ભૌતિકવિજ્ઞાન વિશેનાં પુસ્તકો આનાં જાણીતાં નિદર્શનો છે. જર્મનીમાં તે સમયમાં પ્રકટ થતું સામયિક ‘ડ્યુશ માથેમાટિક’ને પણ આ સન્દર્ભમાં ટાંકી શકાય. આવા સમાજમાં વિદ્યાર્થીઓ જ સૌથી ઉદ્દામ સામ્યવાદી કે ફાસીવાદી હતા તે અત્યન્ત સૂચક ઘટના છે.

આપણે ત્યાં આ કે તે રાજકીય પક્ષને સ્થાપિત સરકારને ઉથલાવી પાડવાની ચળ ઊપડે છે ત્યારે ગાંધીજીની જીવનદૃષ્ટિ, ભારતની પ્રાચીન ગૌરવવન્તી સંસ્કૃતિ, નેહરુનો સમાજવાદ – આ બધાંનું નામ લઈને, અપ્રામાણિકતાથી, પોતાના સંકુચિત હેતુને ઉપકારક નીવડે એવી રીતે, વિદ્યાર્થીઓને જ ઉશ્કેરવામાં આવે છે. નવનિર્માણના આંદોલન પછી વિદ્યાર્થીઓ પોતે પણ ‘ચોથી સત્તા’ રૂપે પોતાને જોતા થયા છે. હર્બર્ટ માર્ક્યુઝે અમેરિકાની પરિસ્થિતિના સન્દર્ભમાં એવું નિદાન કર્યું જ હતું કે હવે શ્રમિકોનો પણ એક સ્થાપિત હિતવાળો વર્ગ બની ચૂક્યો છે. માટે આન્દોલનની જવાબદારી વિદ્યાર્થીઓ પર આવી પડી છે.

શાસકીય અર્થઘટનનો ભોગ ઇતિહાસ, સમાજવિદ્યા અને મનોવિજ્ઞાન પણ બનતાં હોય છે તે પણ આપણે આપણા સમયમાં જોયું છે. ઇતિહાસ તો જાણે રાજકર્તા માંધાતાઓની બાંદી હોય એવું જ લાગવા માંડ્યું છે. કલાના અને સાહિત્યના ક્ષેત્રમાં પણ એની દખલગીરી શરૂ થાય છે. કહેવાતા પ્રગતિવાદી સાહિત્યની બોલબાલા થતી દેખાય છે. આવો શાસકીય અભિગમ રાજકર્તા પક્ષની વફાદારીની ભૂમિકા તૈયાર કરવામાં વિદ્યાપીઠોનો ઉપયોગ કરે છે. પણ એમાંય અમુક મર્યાદાને ઉલ્લંઘી જઈ શકાતી નથી, શાસકો પણ આને માટે, રાજકીય વિચારણાથી નિરપેક્ષ એવી, કેટલાંક ક્ષેત્રની માહિતી આપવાનું જોખમ ખેડવાનું ઇચ્છતા હોતા નથી. યુદ્ધસરંજામ, ઉદ્યોગ, આરોગ્ય – આ ક્ષેત્રની માહિતી આપવામાં મુત્સદ્દીઓની દરમિયાનગીરી થતી જ હોય છે. અધ્યાપકો પોતાની વિચારણાને સરકારસમ્મત વિચારણાનાં ચોકઠામાં ગોઠવે અને હકીકતોનું અર્થઘટન એને અનુકૂળ રહીને કરી આપે એવી અપેક્ષા એમની પાસે રાખવામાં આવે છે. લાયસેન્કોનો મામલો તો આ સમ્બન્ધમાં જાણીતો જ છે. જર્મનીમાં અધ્યાપકોએ હિટલરના સમર્થનમાં ખરીતાઓ બહાર પાડ્યા હતા. હાઇડેગર જેવા ફિલસૂફે પણ એનાં કેટલાંક લખાણમાં હિટલરનું સમર્થન કર્યું હતું. આ રીતે યુનિવસિર્ર્ટીને પોતાના હિત માટે એક શસ્ત્ર તરીકે વાપરવાનો પ્રયત્ન થયો હતો. પોતાની વિચારસરણીને અનુકૂળ પક્ષકારો સમાજમાં ઊભા કરવા અને પોતાના હિતને ઉપકારક વિચારસરણી ઊભી કરવી – આ બંને ઉદ્દેશો માટે યુનિવર્સિટીનો ઉપયોગ થતો રહ્યો. એથી ઊભા કરેલા સત્તાના માળખાને ટકાવી રાખવામાં આવ્યું. માનવજાતિના ઇતિહાસમાં એવા પણ ગાળાઓ આવ્યા છે જ્યારે યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પામેલા જ સરકારના વહીવટી તન્ત્રમાં, લશ્કરમાં અને ધર્મમાં મહત્ત્વનું સ્થાન પામતા. પ્લેટોના ‘રિપબ્લિક’માં તેમ જ બ્રિટિશ ફિલસૂફ બ્રેટલીના લખાણમાં આનું સમર્થન મળી રહેશે. જર્મની ફિલસૂફ હેગલે પણ એવું જ કહ્યું છે.

શિક્ષિતો અને બુદ્ધિશીલોના વર્ગની નિષ્ક્રિયતા વિશે આપણે ત્યાં ઘણો ઉપાલમ્ભ અપાતો રહ્યો છે. આમ છતાં કહેવું જોઈએ કે ઇષ્ટ એવી સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થાને જાળવી રાખવા માટેની બૌદ્ધિક જાગૃતિ કેળવવામાં આ યુનિવર્સિટીમાંના અધ્યાપકો અને શિક્ષિતોનો ફાળો છેક નહિવત્ નથી. કટોકટીના ગાળા દરમિયાન લોકશાહીનાં મૂલ્યોનો ક્રૂર ઉપહાસ થયો ત્યારે ભારતભરની કેટલીક વિદ્યાપીઠોના અધ્યાપકોએ વિરોધ નોંધાવેલો તે તો હજી હમણાંની ઘટના છે. અમેરિકામાં કેટલીક યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ વિયેતનામ યુદ્ધનો સ્પષ્ટપણે વિરોધ કર્યો હતો. આમ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પામેલાઓ અને અધ્યાપકો સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોનું જતન કરવા માટે, એ વિશે પ્રજા આત્મસંશોધન કરતી રહે તે માટે, જાગૃત પ્રહરીનું કામ કરતા હોય છે. આથી જ તો કહેવાયું છે કે સરમુખત્યારોને જેટલો તલવારનો ભય નથી તેટલો કલમનો ભય છે. રશિયામાં કેટલાય સર્જકોનો ભોગ લેવાયો છે. આપણે ત્યાં પણ સરકારી અને અર્ધસરકારી સાહિત્ય અને કલાનાં પ્રતિષ્ઠાનોની રીતિનીતિનો વિરોધ થતો રહે છે તે આપણી બૌદ્ધિક પ્રામાણિકતા અને જાગૃતિનાં જ દ્યોતક છે.

આ સાથે એક અનિષ્ટ પરિસ્થિતિને પણ નોંધવાની રહે છે. અમુક સામાજિક પરિબળો પોતાને અભિમત માન્યતાઓને વશ વર્તીને નહિ ચાલનારી વિદ્યાપીઠોને નિષ્ક્રિય બનાવી દેવાની તરકીબો અજમાવતા રહે છે. આજે આપણે ત્યાં ઘણી બધી યુનિવર્સિટીઓ આવાં જ કશાં કારણે સામાન્ય સક્રિયતા જાળવી શકતી નથી. યુનિવર્સિટીમાં રાજકારણનો વિષય ભણાવવો તે એક વાત છે અને એને આ કે તે રાજકીય પક્ષનું શસ્ત્ર બનાવવો તે બીજી વાત છે. યુનિવર્સિટીને બારણે કેટલા બધા રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને માટે ઝડપી લેવાને તત્પર ઊભા હોય છે! નવનિર્માણના સમય દરમિયાન વિદ્યાર્થીઓ બૌદ્ધિક પ્રામાણિકતાથી પોતાના વ્યવહારનો નિર્ણય લઈ શકે એ માટે વિકલ્પાત્મક બધી વિચારસણીઓનો પરિચય કરાવવાને મેં યોજના કરી હતી, એની એક બેઠક થઈ. અમુક રાજકીય પક્ષે પછી એની બેઠકો થવા જ ન દીધી. વિદ્યાર્થીઓને હાથા તરીકે વાપરનારા જ એમને હિંસા આચરવા માટે ઉશ્કેરતા હોય છે. એનો બુદ્ધિપૂર્વકનો પ્રતિકાર કરવા જેટલી સજ્જતા આપણી વિદ્યાપીઠો આપી શકે છે?

License

વિદ્યાવિનાશને માર્ગે Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.