લેનિને કહ્યું હતું કે દરેક સામાજિક સંસ્થાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય. વિદ્યાપીઠ વિશે આ આજે સાચું પડતું હોય એવું લાગે છે. એમાંથી જ નવી વિચારસરણીનો પ્રાદુર્ભાવ થાય છે, માટે એના પર શાસકોનો અંકુશ અનિવાર્ય બની રહે છે. પોતાને અભિમત નહિ એવી વિચારણાનો વિદ્યાપીઠોમાં વિકાસ થાય એવું શાસકો નહિ જ ઇચ્છે તે દેખીતું છે, પણ આપણે ત્યાં તો પરિસ્થિતિ જુદી જ છે. થોડાક ભોળા માણસો જ એમ માનતા હશે કે નવી વિચારણાનો પાયો વિદ્યાપીઠમાં નંખાતો હોય છે. આજની વિદ્યાપીઠો વિચારબીજને ઉછેરતી નથી, વાસી અને ઉછીની માહિતીનું પ્રસારણ માત્ર કરે છે. આથી મોટે ભાગે તો એ નિરુપદ્રવી જ ગણાય. છતાં શાસકો એના પર અંકુશ રાખવા ઇચ્છતા હોય તો એની પાછળ કઈ વૃત્તિ કામ કરતી હશે તે કળવાનું અઘરું નથી. સરકારો બદલાતી રહે. દરેક સરકાર અભ્યાસક્રમો સાથે ચેડાં કરે, એને કારણે વિદ્યાર્થીની કેટલીય પેઢીઓને સહેવાનું આવે.

નવનિર્માણ પછી વિદ્યાજગતમાં એક અનિષ્ટ ખાસ ફાલ્યું છે : વિદ્યાર્થીઓ પોતાનું સાચું હિત શેમાં છે તે વિચાર્યા વિના ધાકધમકીથી અને ગુંડાગીરીથી પોતાનું ધાર્યું કરાવતા થઈ ગયા છે. આ અનિષ્ટને ફાલવા દેવામાં સરકારનો અને તન્ત્રવાહકોનો પણ ફાળો છે. જે શહેરમાં વિદ્યાપીઠ હોય તેની શાન્તિ વરસમાં એકાદ વાર તો જોખમાવાની ખરી જ, એ શહેરની જાહેર મિલકતને નુકસાન થવાનું જ. વિદ્યાર્થીઓને પોતાની વિદ્યાસંસ્થા માટે આદર હોય તો એ સંસ્થાની સાધનસામગ્રીને બાળે નહિ, તોડેફોડે નહિ. પણ હમણાંથી તો એવું જોવા મળે છે કે એમનો પહેલો હુમલો પોતાની વિદ્યાસંસ્થા પર જ હોય છે.

વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશે છે ત્યારે વડીલોથી અને શિક્ષકોથી નિયન્ત્રિત જીવનનો તબક્કો પૂરો થાય છે અને આત્મનિર્ણયની સ્વતન્ત્રતાનો તબક્કો શરૂ થાય છે. એને માટેની સજ્જતા કેળવવાની ભૂમિકા એને શાળામાંથી કે કૌટુમ્બિક સંસ્કારોમાંથી પ્રાપ્ત થઈ હોય છે કે કેમ એ ચિન્ત્ય છે. હવે એઓ પોતાને માટે તૈયાર કાર્યક્રમને અનુસરે તે જરૂરી નથી. એ કાર્યક્રમ પોતે ઘડી શકે છે. આવી, ભાવિને ઘડવાની, તકનો ઉપયોગ આજે કેટલા વિદ્યાર્થીઓ કરતા હશે? હવે પોતાના ભાવિનો વિચાર કરીને પોતાનું જીવન ઘડવાની જવાબદારી પોતે ઉપાડવાની હોય છે.

આથી યુનિવર્સિટીમાં પ્રવેશતી વેળાએ વિદ્યાર્થીને પોતાના ભાવિ જીવન વિશે કશોક ખ્યાલ હોવો જોઈએ. ગાડરિયા પ્રવાહની સાથે ખેંચાઈને યુનિવર્સિટીમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને આનું ભાન કોઈ કરાવે છે ખરું? આમ તો ‘સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર’ અને ‘ઓરિયેન્ટેશન પ્રોગ્રામ’ જેવું કંઈક હોય છે, પણ આ હેતુ એનાથી સિદ્ધ થાય છે ખરો? એને વધુ સક્ષમ બનાવવા માટે શું કરવું ઘટે તે વિચારવાનું રહે છે. પોતાના ભાવિ કાર્યક્રમ વિશે જો વિદ્યાર્થીએ વિચાર્યું હોય છે તો જ એને ઉપકારક સાધન-સામગ્રી અને પોષણ યુનિવર્સિટીમાંથી એ મેળવી લઈ શકે છે અને એ રીતે વિદ્યાપીઠમાંનાં એનાં વર્ષોને એ લેખે લગાડી શકે છે. જો ભાવિનો વિચાર એણે આજીવિકા મેળવવામાં મદદ કરે એવી તાલીમ લેવા પૂરતો જ મર્યાદિત રાખ્યો હોય તો એવા વિદ્યાર્થીઓ માટે બે કે ત્રણ વર્ષમાં એ અંગેની તાલીમ આપતી પોલિટેકનિક જેવી સંસ્થાઓ સરકારે ખોલવી જોઈએ. બધા જ ડીગ્રી લેવા તરફ વળે એ સમાજમાં પ્રવર્તતી એક અનિચ્છનીય પરિસ્થિતિને આભારી છે. વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં ડીગ્રીનું સટિર્ફિકેટ ફાડી નાખવાનું નાટક કરતા હોય છે ત્યારે એમને ચોક્કસ ખબર હોય છે કે બે રૂપિયા ભરવાથી એ સટિર્ફિકેટ પાછું મેળવી શકાય છે. ઘણા વિદ્યાર્થીઓને મેં કહેતા સાંભળ્યા છે, ‘તમારે જોઈએ તો પાંચ હજાર દશ હજાર રૂપિયા અમારી પાસેથી લઈ લો અને અમને ડીગ્રી આપી દો. મહેરબાની કરીને ભણવાનો અને પરીક્ષા પાસ કરવાનો બોજો અમારા પર નાખશો નહિ.’ વ્યવસાય માટે ઉપયોગી થાય એવું શિક્ષણ લેનારા માત્ર ‘માર્કેટેબલ સ્કીલ’ પ્રાપ્ત કરવાનું જ ઇચ્છતા હોય છે, છતાં ડીગ્રીનું સમાજમાં મૂલ્ય હોવાને કારણે ડીગ્રી લેવા તરફ વળે છે. હવે એવી પરિસ્થિતિ આપણી યુનિવર્સિટીઓમાં ઊભી થઈ છે જેને કારણે આપણી વિદ્યાકીય અવસ્થા વિશે હવે સમાજનો અભિપ્રાય બદલાવા માંડ્યો છે. અનુસ્નાતક કક્ષાઓ પહોંચેલો પણ અભણ હોઈ શકે એ વિરોધાભાસને હવે આપણે વાસ્તવિકતા લેખે સ્વીકારતા થઈ ગયા છીએ.

આથી આ વાત પર ફરીથી ભાર મૂકવાની જરૂર છે કે પોતાના ભાવિ જીવનના કાર્યક્રમના સંદર્ભમાં જ યુનિવર્સિટીના શિક્ષણ વિશે દરેક યુવાને વિચારવું જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ કહેશે, ‘હા, એવી સૂફિયાણી સલાહ તો અમનેય આપતાં આવડે છે. પણ હજી અમે અમારી ઇચ્છા મુજબનું શિક્ષણ લઈએ એવા દિવસો આવ્યા નથી. યુનિવર્સિટીમાં અમારું કશું ચલણ નથી. અમારું જીવન સ્વતન્ત્રપણે ઘડવાનો અમને અધિકાર છે જ; પણ આજે તો એના પર બહારના અંકુશો છે. યુનિવર્સિટીનું તન્ત્ર ચલાવનારા, અભ્યાસક્રમો ઘડનારા, ઘણી વાર જડ અને ગતાનુગતિક ન્યાયે ચાલનારા હોય છે. બદલાતા સમયની એંધાણી એઓ વર્તી શકતા નથી, ભવિષ્યને જોવાની કલ્પનાશક્તિ એમનામાં હોતી નથી. આથી એઓ જડ પરમ્પરાને વળગી રહે છે, શિસ્તપાલનને નામે ખોટી વફાદારી રાખવાનો આદેશ આપે છે. શિક્ષકો શિક્ષણના ઉત્કર્ષનો નહિ, પણ પગારમાં બઢતી શી રીતે મળે તેનો જ વિચાર કરતા હોય છે. આમ શિક્ષણ એ ‘મિશન’ નથી, પણ ‘પ્રોફેશન’ છે.

આના જવાબમાં કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ કહે છે, ‘તન્ત્રવાહકો આગળ વિદ્યાર્થીના હિતો જાળવવા માટે શિક્ષકો કામ કરતા નથી. એમનું કાર્ય તો શિક્ષણના વિતરણનું છે; જેની પાસે જ્ઞાન છે તે એને જેની પાસે નથી તેને આપે છે. આ સિવાયના વહીવટના બીજા કશા પ્રપંચમાં અમને રસ નથી.’ પણ આ વલણ વિદ્યાર્થીઓને સ્વીકાર્ય નથી, કારણ કે એથી તો એઓ વિદ્યાપીઠમાં કોઈને વશ વર્તીને ગૌણ સ્થાન સ્વીકારીને રહેતા હોય એવું એમને લાગે છે. વળી એક બીજી પરિસ્થિતિ પણ સ્વીકારવાની રહે છે : જેમની પાસે જ્ઞાનનો સંચય છે અને જેઓ એનો વિનિમય અને પ્રસાર કરે છે તેમની પાસે વિદ્યાપીઠના સંચાલનનાં સૂત્રો હોતાં નથી. શિક્ષણના પ્રસારની પ્રક્રિયામાં અમલદારશાહીની, વગ ધરાવનારા સમાજના વર્ગની, અને સરકારની દખલગીરી હોય જ છે. હવે તો એ દખલગીરીને ઢાંકવાની પણ કોઈને જરૂર લાગતી નથી. સરકારી અનુદાન અમુક શરતે મળતાં હોય છે. આથિર્ક પરાવલમ્બનને કારણે વિદ્યાપીઠ પર બહારના અંકુશો આવે જ છે. આથી શું શીખવવું અને એ કોણે શીખવવું એના નિર્ણયો પણ પૂરી સ્વતન્ત્રતાથી કે હંમેશાં શિક્ષણના હિતમાં જ થતા નથી હોતા.

આપણા દેશમાં સત્તાલાલસા અને વર્ચસ્ સ્થાપવાની વૃત્તિએ જીવનનાં બધા જ ક્ષેત્રોમાં અનિષ્ટને ફેલાવ્યું છે. આજે તો એવી પરિસ્થિતિ છે કે ‘જ્ઞાનસાધના’ જેવો શબ્દ ઉચ્ચારનાર વેદિયો અને હાસ્યાસ્પદ લાગવા માંડ્યો છે. જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવાની કોઈ વાત કરતું નથી. શિક્ષણ લક્ષ્ય નથી, રોજી રળવાનું સાધન છે. આથી એ સમગ્ર માનવને માટેનું નથી, માત્ર એના રોજી રળનારા અંશ પૂરતું જ મર્યાદિત છે. આવી પરિસ્થિતિને પરિણામે અધૂરા ભણતરે કે ભણ્યા વિના ડિગ્રી આંચકી લેવાનાં આન્દોલનો થતાં રહે છે. વિદ્યાર્થીનાં જૂથો વચ્ચે વર્ચસ્ જમાવવાના હિંસક સંઘર્ષો થાય છે. શિક્ષણનાં ચાર વર્ષ જેને માટે નિરંકુશ સ્વેચ્છાચારના બની રહે એવો સુખી લોકોનો વર્ગ આજે યુનિવર્સિટીનો કબજો લઈ બેઠો છે.

License

વિદ્યાવિનાશને માર્ગે Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.