ઇમ્ફાલ

સવારના કુમળા તડકામાં સર્પિણી પહાડી નદીઓ જરા આંખમાં ચમકી ક્યાંક વળાંકમાં કે ક્યાંક ઊંડાઈએ ખોવાઈ જાય છે. ક્યાંક ગોરાડુ મેદાન, પણ વધારે તો ગાઢ અને ઘેરાં લીલાં જંગલોથી છવાયેલી પર્વત-શ્રેણીઓ પસાર થાય છે. નક્કી, આ જ જંગલોમાં પુરુષો૫મ ચિત્રાંગદા શિકારે નીકળતી હશે. આ જ જંગલોમાં પોતાના દ્વાદશવર્ષવ્યાપી રઝળપાટમાં પુરુષોત્તમસખા અર્જુન અહીં આવી ચડ્યો હશે – કોણ જાણે કયે માર્ગેથી, ક્યાંનો ક્યાં ભમતો ભમતો. હોમરના ગ્રીક નાયક ઑડિસિયસની જેમ વ્યાસના અર્જુનને પગેય ભમરો હતો. સતત બસ ભમવું. ભમી શકાય એની જેમ બસ અકુતોભય નિર્દ્વન્દ્વ! ચિત્રાંગદા મળે ન મળે.

પર્વતોની વચ્ચેથી આછું ધુમ્મસ ઉપર આવી રહ્યું છે. આ વળી પાછી સંતાકૂકડી રમતી જલરેખા વહી જાય. કવિતા લખવાનું મન થઈ જાય છે. અરે! આ પર્વતની લગોલગ પસાર થઈ રહ્યાં છીએ. કેટલો નજીક લાગે છે હરિતજંઘા એ પર્વત! હવે નીચે પથરાયું છે વિસ્તીર્ણ મેદાન. ‘ઉદાર રમણીય’ ભૂમિ નિકટ લાગતી જાય છે. ધાન કાપી લીધા પછી અવશિષ્ટ સૂકા ખડથી આછાં પીળાં ખેતરો; વચ્ચે અચ્છોદ સરવરિયાં, વૃક્ષોનાં હરિયાળાં છત્ર, તડકામાં ચમકતાં પતરાનાં છાપરાં, એકબીજાને કાપતા દોડતા માર્ગ અને હવે નીચે આખું આ નગર. ઇમ્ફાલ. મણિપુરની રાજધાની.

ફૅબ્યુલસ, એગ્ઝૉટિક, એન્ચાન્ટિંગ, ફૅસિનેટિંગ, બિવીચિંગ આવા બધા અંગ્રેજી શબ્દોથી જેની લગોલગ જઈ શકાય એવી લાગણી ઝબકી ગઈ. આ જ મણિપુર, લોકકથાઓનો કામરૂ દેશ, આ ત્રિયારાજ્યમાં કોઈ અજાણ્યો પુરુષ એક વાર આવ્યો પછી એનું અહીંથી પાછા જવું દોહ્યલું. એક આછા ધક્કા સાથે ભૂમિસ્પર્શ થયો. માથું ધુણાવી હું મારે સ્થાને ઊભો થવાની તૈયારી કરવા લાગ્યો.

કલ્પના કરી કરીને જ વાસ્તવને અવાસ્તવિક કરી દેતાં હોઈએ છીએ. નહીંતર, જમીન જેવી જમીન ઉપર હું ઊભો હતો. આસપાસ મારા જેવા જ ઉતારુઓ તડકામાં ઊભા ઊભા સામાન આવે તેની રાહ જોતા હતા, તારની વાડ પાસે. અપરિચિત આસપાસને જોતી નજરમાંથી મુગ્ધતા ખંખેરી નાખી. ત્યાં ગઈ કાલના અગરતલાથી સિલ્ચર સુધીના સહપ્રવાસી આજે પણ દેખાયા. પૂરા પશ્ચિમી પરિધાનથી સજ્જ, ચોપડીમાં મોં નાખીને ઊભા હતા. લાગ્યું, આ પહેલાં અહીં અનેક વાર આવ્યા હશે. અહીંના પરિચિત હશે. પહેલી વાર આવનારનો ચહેરો અછાનો ભાગ્યે જ રહે. મેં તેમની સાથે વાત શરૂ કરી. વિજ્ઞાનના વિષયના ડૉક્ટર હતા. ડૉ. જગન્નાથ, ડિફેન્સ રિસર્ચમાં કામ કરેલું, પછી એક વિજ્ઞાન કૉલેજના આચાર્યપદે. હવે અહીં મણિપુરના પહાડોના આદિવાસી વિસ્તારમાં શિક્ષણ માટે એક આશ્રમ સ્થાપી સ્થાયી થવાના છે. આ વેષભૂષા અને આ મિશન! કદાચ અહીંના ખ્રિસ્તી મિશનરીઓના પ્રત્યુત્તરરૂપે એ દયાનંદના આર્યસમાજની ભૂમિકામાં કશુંક કરવા ઇચ્છતા હતા એમ લાગ્યું. થોડી વારમાં તો અહીંની ઘણી માહિતી આપી. અતડા અને અબોલ લાગેલા આ સજ્જન ઘણા મળતાવડા નીકળ્યા. ઇમ્ફાલની ટૂરિસ્ટ હોટેલમાં મને ઉતારી ગયા અને એના વ્યવસ્થાપકને મારી સંભાળ લેવાની ખાસ ભલામણ કરતા ગયા.

શહેરમાં પ્રવેશતાં જ લાગ્યું કે આ પણ એક શહેર જેવું શહેર છે. અને તે બહુ મોટું પણ નહીં. એકંદરે શાન્ત. આમ તો ઉમાશંકરભાઈની આંખે તે થોડું જોયું પણ હતું. હું તો અહીં કોઈને ઓળખું નહીં એટલે તેમણે જ અહીંના કળાસાહિત્ય ક્ષેત્રના અગ્રણી શ્રી નીલકાંત સિંઘ સાથે થોડા દિવસ પહેલાં જ પરિચય કરાવ્યો હતો. વળી અહીંના એક બીજા કવિ ડૉ. બાબુ સિંઘને પણ તેમણે પત્ર લખ્યો હતો. હોટેલમાંથી નીલકાંત સિંઘની ભાળ મેળવવા ડાન્સ અકાદમીમાં ફોન જોડ્યો, પણ કોઈએ ઉપાડ્યો નહીં, એટલે વિચાર્યું કે નગરચર્યા કરતાં કરતાં જ ડાન્સ અકાદમીએ પહોંચી જાઉં.

પાઓના બજારથી પગરિક્ષા કરી લીધી. સવારના દસ વાગ્યાનો સુમાર. જોઉં છું તો માર્ગ પર પુરુષો કરતાં સ્ત્રીઓની અવરજવર વધારે. પીઠે અને સ્કંધદેશે પથરાયેલા ખુલ્લા શ્યામ ચિક્કણ કેશની સન્નિધિમાં ગોરાં ગોરાં મોટાં મુખડાં. ઊજળાં રંગબેરંગી વસ્ત્રોમાં આવૃત. કાશ્મીરની સ્ત્રીઓ ગોરી ખરી, પણ તેમના ગોરા રંગમાં ફિક્કાશ લાગે જ્યારે અહીં ઈષત્ તામ્ર દીપ્તિ. આ નારીઓમાં ચિત્રાંગદાનાં લક્ષણ ક્યાં શોધવાં? અર્જુન મણિપુર (મહાભારતના મણલૂર)માં આવ્યો ત્યારે આમ જ રસ્તે નીકળ્યો હશે અને એણે તો ત્યારે રાજદુહિતા ચારુદર્શના ચિત્રાંગદાને – દદર્શ પુરે તસ્મિન્ વિચરન્તી યદેચ્છયા – સ્વેચ્છયા નગરમાં ભમતી જોઈ હતી ને!

ખબરે ન પડી ને ડાન્સ અકાદમીનું મકાન આવી ગયું. પણ નીલકાંત સિંઘ ન મળે. બપોરના બે પછી કદાચ આવે. મારા આગમન અને આવાસ વિશે ત્યાં ચિઠ્ઠી મૂકી ફરી રસ્તા પર આવી ગયો. પૂર્વયોજના વિના જ હવે અહીં ભમવાનું હતું. વિચાર્યું ઉમાશંકરભાઈને પગલે પગલે ફરું તો! તો મોઈરાંગ અને ચુડાચાંદપુર જઈ આવવું જોઈએ. બસ-સ્ટૅન્ડે આવ્યો ત્યારે એક બસ પાસે કંડક્ટર જોરથી બોલતો હતો – મોઇરાંગ, ચુડાચાંદપુર…તરત આપણે તો બેસી ગયા.

ઇમ્ફાલ વટાવી બસ બહાર નીકળી. ચારે બાજુ ખેતર. ડાંગર કપાઈ ગઈ હતી. પશ્ચિમ તરફના ઉત્તર-દક્ષિણ, પડેલા પહાડની ઉપત્યકામાં બસ દક્ષિણ તરફ દોડી રહી હતી, બિલકુલ ‘દેશી’ બસ, બસમાં સ્ત્રીઓની સંખ્યા ભરપૂર. એક કન્યા મારી પાસેની થોડી જગ્યા પર દબાઈને સંકોચરહિત બેસી પડી. રસ્તે જતાં જોયું, નાનાં ગામને પાદર નાનાં તળાવ આવે. તળાવ-કાંઠે સ્ત્રીઓ કપડાં ધોતી હોય, નહાતી હોય. ત્યાં આ દૃશ્ય બહુ સાધારણ લાગ્યું. મને રવીન્દ્રનાથની રૂપસી ચિત્રાંગદા યાદ આવી, અલબત્ત અર્જુને એને ‘નિર્જન’ સરોવરતટે જોઈ હતી. બોલી ઊઠયો હતો :

કાહારે હેરિલામ! આહા!સે કિ સત્ય, સે કિ માયા,સે કિ કાયા,સે કિ સુવર્ણકિરણે રંજિત છાયા!

નિર્જન સરોવરતટ, રૂપસી ચિત્રા. અર્જુનને પછી વ્રત-તપ બધું મિથ્યા ભાસ્યું હતું. પણ મને તો વારે વારે ઊછળતી, પછડાતી બસ કલ્પનાલોકમાંથી પાછી લાવતી હતી. મૃત્યુલોકમાં, જ્યાં માયા કે છાયાનો પ્રશ્ન નહોતો. સહજ સાધારણતા હતી.

બપોરના સમયે પણ ખુશનુમા હવા હતી, નાનાં સ્થળોએ સ્ટૉપ કરતી કરતી બસે રમણીય ચઢાવ ચઢવા માંડ્યો. રમણીયતા આંખને ગમે, ચારે બાજુ પહાડ. ચુડાચાંદપુર આવી ગયું હતું. પહાડના ઢોળાવ પર વસેલું હતું. એકમાત્ર ઊભી સડક દક્ષિણ તરફ જતી હતી. અહીંથી મિઝોરમ તરફ જવાય. બપોરે સડક પર આછી અવરજવર હતી. રંગીન પરિધાનમાં ઊજળી, સ્વસ્થ મિઝો કન્યાઓ જોવી ગમતી હતી. થોડી વારમાં તો આખા ગામની પ્રદક્ષિણા કરી લીધી. મણિપુરના દક્ષિણ છેવાડાનું આ ગામ. અજાણ્યા અને એકાકી યાત્રી તરીકે ભમવાનો પણ એક આનંદ હતો. એટલામાં જોયું – એક બસ આવીને ઊભી. ઇમ્ફાલ તરફ જતી હતી. બેસી ગયો અને રસ્તે મોઇરાંગ ઊતરી ગયો.

ચાની વેળા થઈ ગઈ હતી. ગામના આ ગોંદરે સડકની બાજુમાં એક ઝૂંપડી-હોટેલ હતી. એક બાઈ માણસ તે ચલાવતી હતી. તરડાયેલા પાયાવાળી લાકડાની પાટલી પર બેસી બે જણ ચા પીતા હતા. હું તો પગ લંબાવી નીચેની સ્વચ્છ જમીન પર જ બેસી ગયો. પેલાઓમાંથી આ જોઈ એક જણ ઊભો થવા ગયો અને મને ઉપર બેસવા કહ્યું. મેં કહ્યું – બરાબર છે. પછી મને પૂછ્યું – ક્યાંથી આવો છે? કેમ આવવું થયું? મેં કહ્યું – દૂર આથમણે છેડેથી આવું છું તમારો મુલક જોવા. પૂછનાર ખૂબ રાજી થયા. એ શિક્ષક હતા. એ પણ એક સિંઘ હતા. મોઇરાંગ વિશેનો આખો ઇતિહાસ સપ્રેમ બોલી ગયા. તેમાં ખંબા-થોઈબીની વાત કરવાનું ના ભૂલ્યા.

ખંબા-થોઈબી, ઉમાશંકરભાઈએ ‘ઈશાન ભારત’માં એ વિશે વાત કરી જ છે. મોઇરાંગની જ નહીં, સમગ્ર મણિપુરમાં અતિપ્રિય જનજનમાં વ્યાપ્ત પ્રણયકથા છે. એ પ્રણયકથાની ઘટનાભૂમિ આ મોઇરાંગ. ખંબા-થોઈબીનું નૃત્ય મણિપુરનું અતિ પ્રસિદ્ધ નૃત્ય છે. અનેક કવિઓએ પણ એની જુદે જુદે રૂપે રચના કરી છે. શ્રી સિંઘે મને લોકતાક સરોવરની ભવ્યતા અને સુંદરતા જોવા સેન્દ્રા હિલ સુધી જવા કહ્યું. તેમણે એક રિક્ષાવાળાને બોલાવી ભાવતાલ નક્કી કરી મને ત્યાં લઈ જવા કહ્યું, ‘હું આટલામાં જ હોઈશ, કંઈ મુશ્કેલી પડે તો કહેજો.’

પવન સામી દિશામાં હતો અને રસ્તો લગભગ ઊખડી ગયેલો. થોડી વારમાં તો લોકતાક સરોવરનો વિસ્તાર શરૂ થઈ ગયો. સામે ઊંચી ટેકરી દેખાતી હતી તે સેન્દ્રા હિલ. સડકની એક બાજુના સરોવર ભાગમાં પાણી હતું, બીજી બાજુએ પાણી સુકાઈ ગયું હતું. સામે માછીમાર સ્ત્રીઓ મળી. માથે ટોપલી, ખભે માછલાં પકડવાની જાળ. વચ્ચે પ્રવાસીઓનું એક સ્ટેશનવૅગન ખોટકાઈ પડયું હતું. પહાડીની તળેટીમાં રિક્ષા ઊભી રહી. સૂસવાતા વાયરામાં જેમ જેમ હું ઢાળ ચઢતો ગયો તેમ તેમ સરોવર ખૂલતું ગયું. દૂર દૂર સુધી વિસ્તરેલાં વારિ. એમ કહી શકાય કે સરોવરની વચ્ચે સેન્દ્રા હિલ છે. ચોમાસામાં તો બધું ભરાઈ જતું હશે. ઇમ્ફાલની ભાગોળે વહેતી ઇમ્ફાલ નામે જે નદી, એ તે આ સરોવરને આવીને મળે છે અને પાછી આ સરોવરમાંથી બહાર નીકળી આગળ વહે છે કાશ્મીરની જેલમ વુલર સરોવરને મળી, વુલરમાંથી બહાર નીકળે છે તેમ. આ ટેકરી સરસ મઝાની છે. અહીં ઉપર ગેસ્ટહાઉસ છે અને તેથી જરા ઊંચે વ્યૂપૉઈન્ટ છે. પવનમાં મારાં વસ્ત્રો અને વાળ ઊડતાં હતાં. વ્યૂપોઈન્ટથી ચારે તરફ હું જોતો હતો. થોડીવાર ઊભા રહી આસપાસની મનોરમતા આંખમાં ભરી લઈ ઢાળ ઊતરી ગયો.

મોઇરાંગમાં ઇન્ડિયન નૅશનલ આર્મીનું એક સ્મારક છે. સુભાષચંદ્રની સેના અહીં સુધી આવી હતી અને અહીં તિરંગો ફરક્યો હતો. ત્યાં જઈ આવ્યો. મોઈરાંગ ગામમાં જવાની ઇચ્છા હતી, પણ હવે ઇમ્ફાલ જતી છેલ્લી બસ પકડવી જોઈએ. નહીંતર મોઇરાંગમાં જ રાત રહેવું પડે, અને એ ઉતાવળમાં ખંબા-થોઈબીનું થાનક જોવાનું ચૂકી જવાયું

સૂરજ આથમવાને ટાણે તો ઇમ્ફાલની સડક પર એકાકી ચાલી રહ્યો હતો. એમ તો હજી સાડા પાંચ ભાગ્યે જ થયા હશે. ઇમ્ફાલની પશ્ચિમે આવેલા પહાડ પર લાલ ટશરો હતી. આવે ટાણે અજાણી ભોમકા પર એકાકી ભમનારની એક વિશેષ મન:સ્થિતિ હોય છે. અહીં જાણે કોઈ ઓળખતું નથી. તમે છો કે નથી તેની કોઈને નોંધ નથી. ગોલ્ડસ્મિથના યાત્રિકની જેમ – ‘રિમોટ, અનફ્રેન્ડેડ મેલંકલી, સ્લો.’ ના, સાવ એવો તો મૂડ નથી, ‘મૅલંકલી’ તો નહીં જ. તેમ છતાં – ‘ઘર તજી ભમું હું દૂર! સ્વજનહીન ઉર ભરાઈ આવે…’

આમ હું જતો હતો અને ત્યાં એક પાટિયું જોયું – મણિપુરી સાહિત્ય પરિષદ. મણિપુરી તિબેટી-બર્મી ભાષાપરિવારની ભાષા છે, પણ લખાય છે બંગાળી લિપિમાં.

અહીં જેવો પરિષદના કાર્યાલયમાં પ્રવેશ કરું છું તો સામે નીલકાંત સિંઘ. તેમની સાથે વાત પૂરી કરું તે પહેલાં ધસમસતાં આવી કોઈ પૂછી રહ્યું – ‘તમે તો શ્રી પટેલ નહીં?’ એ ડૉ. બાબુ સિંઘ હતા. આ આકસ્મિક મિલન આનંદપ્રદ બની રહ્યું. ઇમ્ફાલમાં તે દિવસોમાં ઑલ મણિપુર ડ્રામા-ફેસ્ટિવલ ચાલતો હતો. રોજ એક નાટક ભજવાતું. આજે બારમો દિવસ હતો. ડૉ. બાબુ સિંઘે સ્ટેટ કલા અકાદમીના સેક્રેટરી શ્રી મણિહાર સિંઘ ૫૨ ૫ત્ર લખી આપ્યો અને સાત વાગ્યે એરિયન થિયેટર પર પહોંચી જવા કહ્યું.

આજે બધું અચાનક અણધાર્યું બનતું જતું હતું. સવારમાં જ મારા ‘ચાન્સિસ’ સારા નહોતા છતાં છેક છેલ્લે સિલ્ચરથી ઇમ્ફાલની વિમાની ટિકિટ અચાનક ઓ.કે. થઈ. અચાનક મળ્યા ડૉ. જગન્નાથ. અચાનક જ ગયો ચુડાચાંદપુર અને મોઇરાંગ, અને અચાનક જ આવી ચઢ્યો મણિપુર સાહિત્ય પરિષદની ઑફિસે. મને તો અહીં ઑફિસ છે તેનીય ખબર નહોતી. અહીં અચાનક મળી ગયા શ્રી નીલકાંત સિંઘ અને શ્રી બાબુ સિંઘ અને અચાનક જ ગોઠવાઈ ગયું મણિપુરના નાટયોત્સવમાં સમ્મિલિત થવાનું. કવિ અજ્ઞેયની પંક્તિઓ યાદ આવતી હતી. :

ચલો ખોલ દો નાવચુપચાપજિધર બહતી હૈબહને દો.

આજે જાણે નાવ છુટ્ટી મૂકી દીધી હતી, પણ તે બરાબર દિશામાં જતી લાગી, અને અણધાર્યાનો એક જે આનંદ, તે તો હતો જ.

હોટેલથી ચાલતો ચાલતો જ એરિયન થિયેટરને રસ્તે ચાલ્યો. લાઇટ જતી રહેવાથી રસ્તા પર અંધારું હતું. ત્યાં જોયું ટમટમતા દીવાઓને અજવાળે પગથી પર ભરાયેલું નાનકડું હાટબજાર. અંધારામાં તે કાવ્યાત્મક લાગતું હતું. એક પુલ ઓળંગી થિયેટર પહોંચ્યો. લાઇટ ન હોવાને કારણે નાટક શરૂ થવામાં વિલંબ થાય તેમ હતું. ઑફિસમાં પેટ્રોમેક્સના અજવાળે કલા અકાદમીના સેક્રેટરી- આસિ. સેક્રેટરી મળ્યા. કહે, તમારી રાહ જોતા હતા. અહીં મારા આવવા વિશે દિલ્હીથી સાહિત્ય અકાદમીનો પત્ર હતો. આમ અણધારી મુલાકાત થઈ જવાથી એ પણ અત્યંત રાજી થયા, વિશેષ તો આ નાટયોત્સવમાં હું હાજર રહ્યો તેથી

શ્રી મણિહાર સિંઘે આ ડ્રામા-ફેસ્ટિવલની વાત કરી. આ ફેસ્ટિવલમાં આખા મણિપુરની નાટકમંડળીઓ ભાગ લે છે. આ વખતે અઢાર મંડળીઓ ભાગ લઈ રહી છે. (આખા મણિપુર રાજ્યની વસ્તી અમદાવાદ કરતાં અડધી જ.) ફેબ્રુઆરીની ૨૧મીથી આ ફેસ્ટિવલ શરૂ થયો છે, માર્ચની ૧૩મી સુધી ચાલશે. ૧૪મીથી શરૂ થશે બૅલે મહોત્સવ. મને કહે – તમે થોડું રોકાઈ જાઓ. હોળીના દિવસ સુધી તો ખાસ. મણિપુર નૃત્યો એટલે શું, મણિપુરના ઉત્સવ એટલે શું – એ તમને ખ્યાલમાં આવી જશે. હોળીને અઠવાડિયાની વાર હતી. હોળી વખતે આખું મણિપુર નાચતું હોય છે, રંગ ઉડાડતું હોય છે. પ્રસિદ્ધ મણિપુરી નૃત્ય રાસલીલાનાં મોહક દૃશ્યો ઠેર ઠેર દેખાય છે. મણિપુરી રાસલીલાનું નૃત્ય – રવીન્દ્રનાથે મણિપુરની સીમાઓમાંથી તેને બહાર કાઢી વિશ્વપ્રતિષ્ઠા અપાવી હતી. મને ઝવેરી બહેનો યાદ આવી. અમદાવાદમાં તેમનાં આ રાસલીલાનાં નૃત્ય જોયાનું સ્મરણ છે. અઠવાડિયા પછી અહીં આવવાનું થયું હોત તો રંગ રહી જાત.

આજના નાટકનું નામ હતું ‘ઇંગાલૈ.’ નાટકમાં એવી વાત આવે છે, શ્રી મણિહાર સિંઘે મને કહ્યું, કે મણિપુરનો એક રાજકુમાર એક આઓ નાગા સરદારને ત્યાં છૂપા વેશે જાય છે, સરદારે રાજકુમારના પિતાનું માથું કાપીને પોતાને ત્યાં રાખ્યું હતું તે લઈ આવવા. તે પકડાઈ જાય છે. બીજા નાગાઓ તેને મારી નાખવા તત્પર છે, પણ સરદાર ના પાડે છે. સરદારની છોકરી ઇંગાલૈ તેના પ્રેમમાં પડે છે. રાજકુમાર તેની સાથે લગ્ન કરવાનું વચન આપી, પિતાના સંતાડી રાખેલા મસ્તક સાથે ઇંગાલૈને લઈને પોતાના રાજ્યમાં ભાગી છૂટે છે. પણ પુરોહિતો રાજકુમારને નાગકન્યા સાથે લગ્ન કરવાની ના પાડે છે. રાજકુમાર ગાદી છોડવા તૈયાર થાય છે, પણ છેવટે ઇંગાલૈ, જે એક દેવીનો અવતાર હતી તે અલોપ થઈ જાય છે.

પરદો ઊપડ્યો. એક નાગાપ્રદેશમાં. નાગભૂમિનું આબેહૂબ એગ્ઝૉટિક દૃશ્ય. ઢોલ, ચિચિયારીઓ વચ્ચે પૂજાવિધિ અને પછી નાગાનૃત્યની રમઝટ વચ્ચે અધમૂઈ સ્થિતિમાં બાંધેલી હાલતમાં લઈ આવતા રાજકુમારનો પ્રવેશ. સરદારની કૃપાથી જીવતા રહેવા પામેલા રાજકુમારને ઇંગાલૈ જનાન્તિકે કહેતી જાય છે, ‘તું એક જંગલી આખલા જેવો છે, એકલો એકલો રઝળે છે. હવે હું તને મારા ઘરમાં બાંધી રાખીશ.’ સુંદર અભિનય, નાટક પરંપરાગત લાગે. આપણી જૂની ધંધાદારી રંગભૂમિ જેવી પરદાની સીનસીનરી પણ હતી. મણિપુરી ભાષા સાંભળવાનો આનંદ હતો, કશું સમજાય નહીં – અને એટલે પ્રસંગના અનુલક્ષમાં શું અર્થ હશે તેનું અનુમાન કરવાની મઝા આવે. ઇંગાલૈનું એક રુદનગીત તો ન સમજાવા છતાં હૃદય-સોંસરું ઊતરી જતું લાગ્યું. અંતમાં જતાં નાટક મેલોડ્રામૅટિક પણ લાગે. નાટક પૂરું થતાં રંગમંચ પર જઈને દિગ્દર્શક અને અભિનેતાઓને મળ્યો. અભિનંદન આપ્યા, ઇંગાલૈનો પાઠ કરનાર કુ. સનાહની દેવીને નમસ્કાર કર્યા. હજી એક દિવસ હું ઇમ્ફાલ રોકાવાનો હતો. મને આવતી કાલે પણ નાટક જોવાનું આગ્રહભર્યું નિમંત્રણ મળ્યું. મોડી રાત સુધી નાગાનૃત્ય અને ઇંગાલૈનો વિલાપ પીછો કરતાં રહ્યાં.

બીજે દિવસે સવારે હું સ્ટેટ કલા અકાદમીની ઑફિસે જવા નીકળ્યો. ઑફિસ, શાળા-કૉલેજનો સમય. લોકોની અવરજવર વધી ગઈ હતી, યાંત્રિક વાહનો કરતાં પગરિક્ષાઓ અને સાઇકલો વધારે હતી. એવું લાગે કે ઇમ્ફાલ સાઇકલ પર વધારે ચાલે છે. ઘરમાં બે- ત્રણ સાઇકલ તો હોય જ. પાણીમાં હોડી સરતી હોય તેમ સડક પર સ્નિગ્ધ રીતે સરકી જતી. સાઇકલ પર મણિપુરી કન્યાઓને રંગબેરંગી વસ્ત્રોમાં જોવી એક વિરલ અનુભવ હતો. હું તો જોતો જ રહ્યો. ઇમ્ફાલ રંગઘેલું લાગે. રંગો પણ ઘેરા અને એકદમ કૉન્ટ્રાસ્ટ રચતા. ત્રણ કન્યાઓ સાથે જતી હોય તો ઓછામાં ઓછા દસબાર રંગ આંખમાં અંજાઈ જાય. એક ‘ફનેક’માં જ અનેક રંગપટ્ટીઓ દેખાય. ફનેક કમર નીચે પહેરવાનું વસ્ત્ર. કમરે સુંદર રીતે એક બાજુ કલાત્મક ગાંઠ ઉપસાવીને પહેરેલું હોય. તેના વિવિધ રંગ, કલાત્મક બોર્ડર હોય. મોટે ભાગે તો હાથશાળ ઉપર જાતે જ વણી લીધું હોય. ફનેક ઉપર ‘કુરિત્’ – બ્લાઉઝ કહી શકાય – એનો રંગ વળી ફનેક સાથે કૉન્ટ્રાસ્ટમાં હોય. ઘણી કન્યાઓએ ફનેક અને કુરિત્ ઉપર ‘ઇન્નફિ’ એટલે નયનરમ્ય ચાદર નાખેલી હોય. ફેનેક, કુરિત્ અને ઈન્નફિ – એટલે રંગરંગ વાદળિયાંની ઝલક. આ રંગો વચ્ચેથી ગોરાં બદન ઝલકતાં હોય, ખુલ્લા કાળા કેશ બરડા પર વીખરાયેલા હોય – બહુ જ ઓછી સ્ત્રીઓના કેશ ગૂંથેલા જોયા. ઘડીભર તો કાળી ડામરની સડક વહેતી નદી બની ગઈ અને આ કન્યાઓ તેમાં વહી જતી રંગીન જલપંખિણીઓ! આંખોમાં રંગનાં કંઈ કેટલાંય વલયો બિંબિત થતાં ગયા :

આહ! સે કિ સત્ય, સે કિ માયા…સે કિ સુવર્ણકિરણે રંજિત છાયા

સમય થંભી ગયો કે પછી કોઈએ જાદુઈ છડી ફેરવીને મને સ્તબ્ધ, સ્થિર કરી દીધો હતો! આ તો કામરૂદેશ.

આમ તો કામરૂ, કામરૂપ અસમ પ્રદેશને માટે પ્રયોજાય છે. અસમમાં કામરૂપ જિલ્લો પણ છે અને ત્યાંની કામાખ્યા દેવી સંદર્ભે એવી આખ્યાયિકા પણ છે. મને તો કામરૂદેશ એટલે આ મણિપુર જ યાદ આવે છે. મણિપુરમાં ઘણે ક્ષેત્રે પુરુષો જ છે, છતાં નારીના મુક્ત દરજજાને લીધે ત્રિયા રાજ્યની છા૫ ઊઠતી હશે. આમેય ભારતીય ઇતિહાસની મુખ્ય ધારાથી, સાંસ્કૃતિક, સામાજિક કે ધાર્મિક, મણિપુરની ધારા અલગ છે. ભલે મણિપુરીઓને કોઈ અર્જુનના વંશજ કહે, કેમ કે અર્જુને ચિત્રાંગદાના પિતાની શરત અનુસાર ચિત્રાંગદાને અને તેનાથી થયેલા પુત્ર બભ્રુવાહનને ત્યાં જ રહેવા દીધાં હતાં. મહાભારતના અશ્વમેધપર્વમાં અર્જુનને એ જ બભ્રુવાહનને હાથે ક્ષણમૃત્યુનો અનુભવ થાય છે. પણ મણિપુરવાસીઓના ચહેરા મૉંગોલિયન લાગે છે. પ્રસિદ્ધ ભાષાતત્ત્વવિદ્ સુનીતિકુમાર ચેટરજી તેમને, એટલે, કિરાત જાતિના ગણે છે. એકલા મણિપુરની જ નહીં, સમગ્ર અસમ પ્રદેશની – પૂર્વોત્તરની સંસ્કૃતિને તેમની જેમ કિરાત સંસ્કૃતિ ગણવાના પક્ષના કવિ, નવકાન્ત ગુવાહાટીમાં મળ્યા હતા.

મણિપુરની ચારે તરફ પર્વતો છે. પર્વતો પર જુદી જુદી ટોળીની આદિવાસી પ્રજાઓ વસતી આવી છે. નાગ, કુકી, મિઝો. ખીણમાં ઇમ્ફાલ વસેલું છે. ખીણના વાસીઓ “મૈતેઈ” તરીકે ઓળખાય છે. પર્વતવાસીઓ અને ખીણવાસીઓના સંઘર્ષો પણ જાણીતા છે. ‘ઇંગાલૈ’ નાટકમાં એવા એક સંઘર્ષ અને સમન્વયની વાત છે. આજે મણિપુરની દક્ષિણ સીમા મિઝોરમને અડકે છે, ઉત્તર સીમા નાગાલૅન્ડને અડકે છે. જરા પૂર્વમાં છે બર્મા. બર્માનો પણ ઘણો પ્રભાવ છે મણિપુર ૫૨. આ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા મુલકની વાત કરીએ ત્યારે ઘણી વાર ઘણી વિરોધી સ્થિતિઓ દેખાય. એક બાજુ ભારતીય ઇતિહાસની મુખ્ય પ્રવાહની અલગ ભાષા, સંસ્કૃતિ, સમાજ અને બીજી બાજુ વૈષ્ણવ ભક્તિધારા. તે એટલે સુધી કે કીર્તન તો બંગાળીમાં જ થાય, મણિપુરીમાં નહીં. અઢારમી સદીમાં વૈષ્ણવ ધર્મ ત્યાં વ્યાપક બન્યો. ઇમ્ફાલ તો ગોવિંદજીનું થાનક. રાજર્ષિ ભાગ્યચંદ્રે કેવી રીતે આ ગોવિંદજીની સ્થાપના કરી કે ગોવિંદજીએ ભાગ્યચંદ્ર દ્વારા પોતાની સ્થાપના કરાવી તેની રસિક દંતકથા છે. રાજર્ષિના સમયથી રાસલીલા નૃત્યનો આરંભ થયો અને હોળીનો ઉત્સવ સૌથી મોટો તહેવાર બન્યો. ચૈતન્ય મહાપ્રભુના જન્મ સાથે એ સંકળાયેલો છે. અનેક સ્ત્રી-પુરુષોને લાંબાં વૈષ્ણવ તિલકો સાથે જોઈ શકો.

અને તેમ છતાં મણિપુરના બુદ્ધિજીવીઓ માટે આજે એક જાતની ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ છે. તેમને લાગે છે કે ભારતીય સાંસ્કૃતિક પરંપરા સાથે તેમનો સંબંધ સહજ સ્વાભાવિક નથી, અને આપણેય ભારતવર્ષનો ઇતિહાસ જ્યારે ભણીએ છીએ ત્યારે ઈ.સ.ના પહેલાં સૈકાથી ચાલતા આવેલા આ રાજ્ય વિશે ક્યાંય કશું ભણીએ છીએ? હજુ હમણાં સુધી ભારતવર્ષનો ઇતિહાસ એટલે ઉત્તર ભારતનો ઇતિહાસ હતો. હવે દક્ષિણનો સમાવેશ થયો છે. પણ આ ઉત્તર-પૂર્વનો? કદાચ અંગ્રેજોએ મણિપુરને ન જીતી લીધું હોત તો એને ભારતના એક ભાગ તરીકે ગણવાની વાર લાગી હોત. મણિપુરમાં વૈષ્ણવ ભક્તિધારાએ ઘણું મોટું કામ કર્યું છે તેમ છતાં અળગાપણાની આ લાગણી ત્યાંના મિત્રોની વાતચીતમાં ક્વચિત્ ઊપસી આવતી. કોહિમામાં મને પ્રો. કુમારે તો પૂછયું પણ હતું કે તમે ત્યાંનાં લોકોની આંખમાં તમારા પ્રત્યેનો એક જાતની ઉદાસીનતાનો ભાવ વાંચી શકેલા?

વળી સમગ્ર મણિપુરની સંસ્કૃતિની વાત કરવી હોય તો ત્યાંથી વિભિન્ન આદિવાસી પ્રજાઓની પોતીકી જીવનરીતિની વાત ઉમેરવી જોઈએ. નાનીમોટી આવી ઓગણત્રીસ જેટલી આદિવાસી જાતિઓ છે. તેમાંની કેટલીકનો તો ઇમ્ફાલ જેવા શહેર સાથે સંપર્ક જોવા મળે. મણિપુરીઓ વચ્ચે નાગ કે મિઝો કુકી દેખાઈ જાય. આ જાતિઓમાં આધુનિકીકરણની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. તેમ છતાં તેમના પરંપરાગત ઉત્સવો અને નૃત્યો હજી જીવંત સ્થિતિમાં છે. મણિપુરનાં લાઈ હરાઓબા નૃત્ય, ખંબાથોઈબી નૃત્ય, રાસલીલા નૃત્યની સાથે કાબુઈ નાગા નૃત્ય, માઓ મરામ નૃત્ય, તાંખુલ નાગા નૃત્ય, થડૌ કુકી નૃત્ય આદિ આદિવાસી પ્રજાનાં નૃત્યોની એક આગવી રીતિ છે, જેમાં આદિવાસી પ્રજાની આદિમતાની મહેક મળી રહે. ગુજરાત-મધ્ય પ્રદેશના આદિવાસીઓનાં નૃત્યોમાં પણ એક બળવાન દેહલય જોવા મળે જ છે ને!

જોતો, વિચારતો, ચાલતો, હું સ્ટેટ કલા અકાદમીમાં ૫હોંચ્યો. અકાદમી મણિપુરી અને અંગ્રેજીમાં અહીંનાં સાહિત્ય-સંસ્કૃતિ વિશે પ્રકાશનો કરે છે. અંગ્રેજીમાં એક ત્રિમાસિક (ક્વાર્ટર્લી જર્નલ) પ્રગટ કરે છે, જેમાં મણિપુરી સાહિત્ય વિશેનાં લેખ અને કવિતા, નાટક, કથા આદિના અંગ્રેજી અનુવાદ હોય છે. તેમણે મને કેટલાક અંક આપ્યા. મને યાદ આવ્યું કે કેરલ સાહિત્ય અકાદમી પણ અંગ્રેજીમાં ‘મલયાલમ લિટરરી સરવે’ નામનું ત્રૈમાસિક કાઢે છે. ઓડિયા સાહિત્ય વિશે ત્રિમાસિક ‘ભુવનેશ્વર રિવ્યૂ’ નીકળતું. ગુજરાતી સાહિત્ય વિશે અંગ્રેજીમાં એક ત્રૈમાસિક કે અર્ધવાર્ષિક ન કાઢી શકાય? વિભિન્ન ભારતીય ભાષાઓના એકત્રિત મંચ પર પ્રમાણપુરઃસરનું આપણું પ્રતિનિધિત્વ આપણે કરી શકતા નથી. શ્રી મણિહાર સિંઘે તેમનાં બીજાં પ્રકાશનો પણ મને આપ્યાં.

ત્યાંથી ડાન્સ અકાદમીમાં આવ્યો. કિશોર-કિશોરીઓ પ્રાંગણમાં વૃક્ષોની છાયામાં કે ઓસરીમાં બેસી કોઈ ગાતાં હતાં કે નૃત્યની મુદ્રાઓ એકબીજાને બતાવતાં હતાં. તેમની પરીક્ષાઓ ચાલતી હતી, તેની આ પૂર્વતૈયારીઓ હતી. પ્રાંગણમાં રંગબેરંગી પતંગિયાં ઊડતાં હોય એવું લાગે. શ્રી નીલકાંત સિંઘ અહીં મળ્યા. સંસ્થાનાં આચાર્યા રાજકુમારી વિનોદિની દેવીએ સંસ્થા બતાવી. એમણે કહ્યું – થોડા દિવસ રોકાઓ તો બતાવીએ કે મણિપુરી નૃત્ય એટલે શું?

બપોરનાં અહીંના એક અકાદમી પુરસ્કાર વિજેતા કવિને મળવા જવું હતું. સમરેન્દ્ર તેમનું નામ. શિક્ષણ વિભાગમાં અધિકારી છે. શ્રી નીલકાંત સિંઘની સાથે જ નીકળ્યો. તેમને પણ એ તરફ જવું હતું. ઊંચાં વૃક્ષો અને પુરાણી નહેરને કાંઠે અમે જતા હતા. પુરાણા ઇમ્ફાલ ફરતે પાણીની નહેર હતી. આમ તો તે પુરાઈ ગઈ હતી પણ થોડાં વર્ષો પૂર્વે અહીં આવેલા એક ગવર્નરશ્રીએ ફરીથી નહેરમાં પાણી વહેવડાવ્યાં. શ્રી સિંઘ ઇમ્ફાલનો ઈતિહાસ કહી રહ્યા હતા. રસ્તામાં એક બોર્ડ ઉપર ઇમ્ફાલથી મોરેહનું અંતર બતાવ્યું હતું. કહે – આ બર્મા રોડ. આ માર્ગે ચાલ્યા જાઓ એટલે બર્માની સરહદ આવે. હજી તો હું ત્યાં હતો અને મન તો બર્માની સરહદે ભટકતું હતું!

શ્રી સિંઘ ઊતરી ગયા. હું આગળ ચાલ્યો. ઇમ્ફાલ નદી આવી, તેનો પુલ પાર કરીને પેલી મેર ગયો. પણ ત્યાં શિક્ષણ વિભાગ જડ્યો નહીં. ફરી પુલ પર આવ્યો. નદીકિનારે એક ઊંચું ભીમકાય પુરાણવૃક્ષ કપાઈ રહ્યું હતું. વૃક્ષ કપાતું હું જોઈ શકતો નથી. એક વૃક્ષ કપાઈ જાય પછી એ ખાલી પડેલો અવકાશ ખાવા ધાય છે, જે રોજબરોજના પરિચયનું એ વૃક્ષ હોય. આ વૃક્ષ તો કંઈકેટલાંય વર્ષોથી આ નદીમાં પોતાનો પડછાયો જોતું ઊભું હશે – કાલે એ નહીં હોય.

કવિ સમરેન્દ્ર પહેલી નજરે તો કવિ ન લાગે. ઑફિસમાં જઈને મેં કહ્યું કે મારે શ્રી સમરેન્દ્રસિંહને મળવું છે, તો એક દુર્બળ સરકારી મુખમુદ્રા ધરાવતી વ્યક્તિ આગળ આવી, અને મને બાજુની રૂમમાં લઈ ગઈ. એ જ સમરેન્દ્ર. કહે – શું કામ છે? તેમને મન કે હું કોઈ ઑફિસના કામકાજે આવ્યો છું. મેં કહ્યું – હું તો ‘કવિ’ સમરેન્દ્રને મળવા આવ્યો છું. પછી તો ધીમે ધીમે કવિ ઊઘડતા ગયા. તેમના કાવ્યસંગ્રહ ‘મમાંઙ્લેકાય થમ્બાલ શાતલે’ (કમળ ખીલ્યું છે પેલી મેરને ગામ)ને અકાદમી પુરસ્કાર મળેલો. રૉમૅન્ટિક લાગતું શીર્ષક એક લોકગીતની પંક્તિ છે, પણ એ શીર્ષક કવિતા વ્યંગ્યાત્મક – સેટિરિકલ છે એમ કવિએ કહ્યું. આ કવિ અને વ્યંગ્ય?

(અહીં અમદાવાદ આવ્યા પછી મણિપુરી સ્ટેટ અકાદમીના એક ક્વાર્ટર્લી જર્નલમાં આ કાવ્યનો અંગ્રેજી અનુવાદ વાંચ્યો :

‘પેલી મેરને ગામ એક કમળ ખીલ્યું છે. તેની આસપાસ ભમરા ગુંજારવ કરે છે. મણિપુરની સુવર્ણભૂમિ એક અજાયબ ભૂમિ બની ગઈ છે. છ લાખ મૈતેઈ બધા કામધંધે વળગી ગયા છે. જમણવારોના ભપકા ભવ્ય જલસા તેમણે છોડી દીધા છે. તેમના દીકરાના કર્ણવેધ પ્રસંગે હવે તેઓ માઈક્રોફોન લગાડતા નથી. કંટ્રાટીએ પોતાનો ઇરાદો બદલ્યો છે. કોઈ પણ રીતે આ પુલ બચાવવો જોઈએ. ઇજનેરે પણ પોતાનો ઇરાદો બદલ્યો છે. કોઈ પણ રીતે આપણા દેશને બચાવવો જોઈએ. આ મૈતેઈ દાક્તર જુઓ. હસતે મોંએ દર્દીની સેવા કરી રહ્યા છે. શિક્ષકે ફરીથી શિક્ષણકાર્યમાં મન પરોવ્યું છે. વિદ્યાર્થીઓ હવે પરીક્ષામાં ચોરી નથી કરતા અને શિક્ષક પર આક્રમણ પણ નથી કરતા…’

– આ તો જે સ્થિતિ હોવી જોઈએ તેની કલ્પના છે. અત્યારે તો તેથી ઊલટી સ્થિતિ જ પ્રવર્તમાન છે. આ દિવાસ્વપ્નમાં જ વ્યંગ રહેલો છે!)

અહીંથી મારે જવું હતું ટૂરિસ્ટ ઑફિસમાં. કવિએ ઑફિસની બહાર આવી માર્ગ બતાવ્યો. હું ટૂરિસ્ટ ઑફિસમાં પહોંચું તે પહેલાં સાઇકલ લઈને દોડતા આવ્યા. ‘મેં તમને “ટૂરિસ્ટ ઑફિસ” એવું બોર્ડ લગાવેલું જોવાનું કહેલું. પછી યાદ આવ્યું “ટૂરિસ્ટ ઇમ્ફર્મેશન સેન્ટર” એવું નામ છે. તમે ભુલાવામાં પડશો ધારી પાછળ દોડ્યો.’ મને આ કવિ માટે માન થયું. પછી તો મને ત્યાંથી સાઇકલ સાથે ચાલતા ચાલતા સ્ત્રીઓના બજાર – લક્ષ્મીબજાર તરફ પણ માર્ગ બતાવી ગયા. કહે – ‘બાર્ગેઈન કરજો.’ સાઇકલ પર બેસી પાછા જતા એ દુર્બળ કવિને હું જોઈ રહ્યો.

લક્ષ્મીબજાર સ્ત્રીઓથી સંચાલિત છે. હારબંધ હાટ છે. મોટે ભાગે પ્રૌઢ વયની વૈષ્ણવ સ્ત્રીઓ દુકાન ચલાવતી હોય છે. બપોરે શરૂ થાય. સાંજે હાટ ઊઠી જાય. હાથવણાટનાં વસ્ત્ર, હસ્તઉદ્યોગની ચીજો અને રોજના વપરાશની વસ્તુઓ – મત્સ્ય શાકાદિ મળે. બજારમાં આંટા લગાવ્યા પછી હાથવણાટનું વસ્ત્ર ખરીદવાનું વિચાર્યું. મેં એક સ્થળે પસંદગીનું વસ્ત્ર બતાવી ભાવ પૂછ્યો. સંકેતથી, હસીને તે મહિલાએ પાંચેય આંગળીઓ ત્રણ વાર ઊંચકી, અર્થાત્ પંદર રૂપિયા. મેં પાંચેય આંગળીઓ બે વાર ઊંચકી. તેણે માથું હલાવ્યું, પાંચેય આંગળીઓ બે વાર ઊંચકી, પછી માત્ર ત્રણ આંગળીઓ. મેં આંગળીઓથી અગિયાર સૂચવ્યા. પછી તેણે બાર સૂચવ્યા. ત્યાં બાજુની દુકાનદાર મહિલા ખડખડાટ હસી પડી, હું ચકિત બની જોઈ રહ્યો. આપણી મજાક હતી, બીજું શું! જેની પાસેથી વસ્ત્ર લેતો હતો તેના હોઠ પર પણ આછું સ્મિત હતું. ભલે, હસો. મેં બાર રૂપિયામાં વસ્ત્ર ખરીદ્યું. પણ છેતરાયો હોઈશ એવું હજીય લાગે છે.

ઇમ્ફાલની વૉર સેમિટરી તરફ જવા નીકળ્યો, રસ્તે કેસૂડો ખીલી ઊઠયો હતો. નગર બહાર આવતાં જ ઇમ્ફાલની સુંદર સિચ્યુએશનનો ખ્યાલ આવ્યો. દક્ષિણ સિવાયની દિશામાં રમ્ય લાગતા પહાડ ઊભા હતા. અહીં નિર્જનતા હતી. પવનમાં જાણે વિલાપ કરતાં ઊંચા વાંસની વાડ વટાવી કબ્રસ્તાનમાં પ્રવેશ કર્યો. દરવાજે લખ્યું હતું : ઇમ્ફાલ વૉર સેમિટરી : ૧૯૩૯-૧૯૪૫. બીજા વિશ્વયુદ્ધ વેળાએ અહીં હણાયેલા પરદેશી સૈનિકોના અવશેષો પર હારબંધ એકસરખી કબરો છે. કબરો પરનાં એ મૃત સૈનિકોનાં નામ, તેમની વય અને મૃત્યુલેખ વાંચતા જઈએ અને પગ પર મણિકા મૂક્યાનો અનુભવ થાય. કોઈની વય ૨૪, કોઈની ૨૫ અને કોઈની તો માત્ર ૧૯. મોટે ભાગે ૧૯થી ૩૦ વર્ષના. એમની કબરો પરના મૃત્યુલેખોય હૃદયવિદારક –

– ‘તમારી પત્ની તમને અહર્નિશ યાદ કરે છે.’– ‘ફરીથી મળીશું આપણે, વહાલા.’— ‘અનંત આરામમાં.’– ‘અમારા વહાલસોયાની ભંડારાયેલી સ્મૃતિઓ.’– ‘છેલ્લી સલામ બોલ્યા વિના જ ઈશ્વરના સામ્રાજ્યમાં ચાલ્યા ગયા’– ‘વિશ્વને માટે તે એક જ હતો, પણ મારે માટે તો તે જ આખું વિશ્વ હતો.’– ‘હળવે ચાલો, મારો વહાલો અહીં સૂતો છે.’

હા, હળવેકથી ચાલીશ. સાંજના તડકામાં અને ક્યાંક વૃક્ષોની લાંબી થતી જતી છાયાઓમાં કબરો ચૂપ છે. વસંત છે, છતાં પાંદડાં હજી ખરી રહ્યાં છે. ધીમે પગલે હું પાછો વળી ગયો.

ફરી મુખ્ય સડક ઉપર, અહીંથી હવે ગોવિંદજીને મંદિરે જઈને શાતા વળશે. ગોવિંદજીનું મંદિર એટલે મણિપુરનું હૃદયકેન્દ્ર, સૂર્યાસ્તની આરતી વેળાએ પહોંચવું જોઈએ. પુરાણા ઇમ્ફાલને રસ્તે રિક્ષા ઉત્તર-દક્ષિણ માર્ગે જતી હતી. સુંદર સાંજ હતી. સૂરજ લાલ થતો જતો હતો. ગોવિંદજીનું મંદિર ઠીક ઠીક દૂર હતું. ધીરે ધીરે ઓછી અવરજવરનો માર્ગ શરૂ થયો. એક વિશાળ ખુલ્લી જગ્યા આવી. આ ગોવિંદજીનું પ્રવેશદ્વાર.

જેવો મંદિરમાં પ્રવેશું છું કે સંધ્યાઆરતીના ઘંટ બજી ઊઠયા. મનમાં, દેહે રોમાંચ વ્યાપી ગયો. મંદિરમાં જરાય ભીડ ન મળે. મને નાથદ્વારામાં ભીસી નાખતી ભીડ વચ્ચે શ્રીનાથજીની અલપઝલપ ઝાંખી કરી હતી તે યાદ આવ્યું. આ શ્રીનાથજીનું બીજું રૂપ ગોવિંદજી. પુરીમાં તેમનાં જગન્નાથ રૂપને જોયું હતું, દ્વારકામાં વળી એમનું દ્વારિકાધીશનું રૂપ. ગોવિંદજીના મંદિરની અડોઅડ વિશાળ મંડપ હતો. ત્યાં શાંતસ્વરે મૃદંગસહ કીર્તન થઈ રહ્યું હતું. આપોઆપ પ્રાર્થના થઈ જાય એવું વાતાવરણ હતું. સાંજ ઢળી. હું ઉતારે પહોંચી ગયો. આજે પણ નાટક જોવાનું હતું.

આજનું નાટક ઐતિહાસિક હતું. મણિપુર પર બર્મીઓનાં આક્રમણ અને અત્યાચારની ઘટનાઓ તેના કેન્દ્રમાં હતી. નાટકનું નામ હતું ‘ચહિ તપેત્ ખુન્તાકપા’ (પાયમાલીનાં સાત વર્ષ). નાટકમાં ત્રાસનાં ઘણાં દૃશ્યો હતાં. સીનસીનરીનો ઉપયોગ પણ હતો. ભજવણી સારી હતી. બન્ને દિવસનાં નાટકોમાં ત્રણ ત્રણ કલાક મણિપુરી સાંભળવા મળી. ભાષા સમજાય નહીં, ભાવ સમજાય. ભાષાનું માધુર્ય અનુભવાય.

વહેલી સવારે જાગી ગયો. આજે કોહિમા પહોંચવું જ જોઈએ. શ્રી કિશોર જાદવનો ટ્રંકકૉલ હતો. તેમણે ત્યાં ‘થિંકર્સ ફૉરમ’ને ઉપક્રમે સાંજે ચાર વાગ્યે વાર્તાલાપ ગોઠવ્યો હતો. હોટેલના મૅનેજરે બસની ટિકિટ લાવી આપવાની જવાબદારી લીધી હતી, પણ તે ટિકિટ મેળવી શક્યા નહોતા. સવારે નાગાલૅન્ડ રોડવેઝના ડેપો પર ગયો, એક પણ સીટ ન મળે. ત્યાંથી પછી ચાર કિલોમીટર જેટલા અંતરે મણિપુર રોડવેઝના ડેપો પર ગયો. અહીં બસમાં જગ્યા મળે તેવી આશા આપવામાં આવી હતી. મારી જેમ અનેક યાત્રીઓ રાહ જોતા હતા, તેમાં પ્રસન્ન રમતિયાળ આદિવાસી કન્યાઓને જોઈ આનંદ થતો હતો. કેટલી મુક્ત અકુંઠિત લાગતી હતી! મારી શોલ્ડરબૅગની ચેન ખુલ્લી હતી, તે જોઈ એકે આવીને બંધ કરવાનો પ્રયત્ન કર્યો, ક્લિપ ખસી, ૫ણ ચેન વસાઈ નહીં. એટલે તે હસી રહી અને સાથે તેની સખીઓ પણ. મેં આભાર માની કહ્યું – એ ખુલ્લી જ રહે છે. એ ફરી હસી રહી.

થોડી વારે તપાસ કરતાં ખબર પડી કે બસ તો અહીંથી નીકળી ગઈ છે. ગામને છેડે નાગાલૅન્ડ રોડવેઝના પાસેના સ્ટૉપ પર જાઓ તો કદાચ મળે. પ્રસન્ન મન ખિન્ન થઈ ગયું. હવે? પણ એકાએક મનોમન એક નિર્ણય થયો – ચાલો, હવે શું થાય છે તે જોઈએ. કેવી રીતે કોહિમા પહોંચાય છે તે જોવાની મજા આવશે.

ચલો ખોલ દો નાવ…

હું મારી પ્રવૃત્તિઓનો તટસ્થ નિરીક્ષક બની ગયો. વ્યગ્રતા ચાલી ગઈ. બસ તો મળવાની નહોતી. કેમ કે છેલ્લામાં છેલ્લી બસ, જે સવારે આઠ વાગ્યે ઊપડે છે, તે ઊપડી ગઈ હતી.

એક ટ્રકવાળાને પૂછ્યું. ટ્રક દિમાપુર જતી હતી; કોહિમા થઈને. ડ્રાઇવરની કૅબિનમાં મને અને એક બીજા દિમાપુર જવા ઇચ્છતા બંગાળી સજ્જનને જગ્યા મળી ગઈ. ઇમ્ફાલનું પાદર વટાવતાં જ અતિ રમણીય વાંકોચૂકો પહાડી માર્ગ શરૂ થઈ ગયો.

*

License

વિદિશા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.