નિવેદન

[પહેલી આવૃત્તિ]

દસ મહિના પૂર્વેના એક મંગળવારે ‘ફૂલછાબ’ના અંકોમાં પૂરવાને માટે આ વાર્તા લખવાનો પ્રારંભ કર્યો. તે વખતે લેખક પાસે આખી વાર્તાનું હાડપિંજર બિલકુલ તૈયાર નહોતું. વાર્તાનું સર્જન બે રીતે કામ કરે છે: અમુક લેખકો વાર્તાનું આખું જ માળખું પહેલેથી ઘડીને પછી તેમાં લેખનનાં રુધિર-માંસ પૂરવા બેસે છે; ત્યારે હું અને મારા જેવા અનેક ફક્ત એક પ્રબળ પરિસ્થિતિથી જ આંધળો પ્રારંભ કરીએ છીએ અને તે પછી પાત્રો તેમ જ પ્લોટ, જાણે કે પોતાની જાતે, ઘડાતાં ચાલે છે. આવી આંધળી લેખનપદ્ધતિ ખરું જોતાં તો અકસ્માતને આધીન નથી હોતી. એમાં પણ ઘણા કાળના સંઘરાયેલા અનુભવો તેમ જ ચિંતનોનાં જ રંગો-રેખાઓ પુરાતાં આવે છે; તૈયાર પૂણીઓ જ કંતાય છે.

પરંતુ આંધળુકિયાં કરીને આ વાર્તાને આગળ ચલાવી, એટલું કહેવું બરાબર નથી. આ વાર્તાના ઘડતરમાં ‘ફૂલછાબ’ના વાચકોના ‘ઝાઝા ને રળિયામણા હાથ’ કામે લાગ્યા હતા. પહેલાં જ હપતાથી વાચકોના કાગળો આવવા શરૂ થયા, ને જેમ જેમ વાર્તાપ્રવાહ આગળ ચાલ્યો તેમ તેમ તો દૂરથી ને નજીકથી, શહેરોમાંથી ને ગામડાંમાંથી, સુશિક્ષિતો તેમ જ સામાન્યોના, સ્ત્રીઓ અને પુરુષોના કાગળો આવતા ગયા—જેમાં વાર્તાને કઈ કઈ દિશામાં લઈ જવી તેનાં નિખાસલ સૂચનો હતાં. એ બધા કાગળો જો આંહીં ઉતારું તો ‘વાર્તાસર્જન’ની કળાના વિષય પર નવું જ અજવાળું પડે. પરંતુ ‘વેવિશાળ’ની મુકરર કરેલ કિંમત હવે વિશેષ પાનાંનો બોજો ઊંચકી શકે નહીં.

સમસ્ત સમૂહનો જેને પોતાના સર્જનમાં આટલા આત્મીય ભાવનો સાથ મળી શકે છે તે લેખક બડભાગી છે.

‘વેવિશાળ’માં મારે જે કહેવું હતું તે હું કહી શક્યો છું કે કેમ? —મને ખબર નથી. જાણું છું ફક્ત આટલું જ કે કહેવાનું જે હોય તે વાર્તામાં જ લેખકે કહી લેવાનું છે; વાર્તામાં નથી કહી શકાયું માટે, ચાલો, પ્રસ્તાવનામાં પ્રસ્ફોટ કરીએ, એવો હક વાર્તાલેખકને નથી જ નથી. વાર્તાકારની પહેલી ફરજ—અને છેલ્લી પણ—એક જ છે: વાર્તા કહેવી, વાર્તા સારી કહેવી, ને વાર્તા જ કહેવી. મેં પણ અહીં વાર્તા—બસ, વાર્તા જ—કહેવાનો દાવો રાખેલ છે.

એક સુશિક્ષિત વાચકે પૂછ્યું હતું કે, “તમે સુશીલાને એના સસરા પર ભાવ પેદા થાય છે તેનાં કારણો તો બરાબર બતાવ્યાં છે; પણ સુશીલાને સુખલાલ પર વહાલ થવાનાં કારણો નથી આપ્યાં.”

આ સૂચન થયું ત્યારે હું વાર્તાના અંતભાગની ઠીક ઠીક નજીક આવી ગયેલો. મેં આ પ્રશ્ન તપાસી જોયો. સુશીલાને મેં પૂછી જોયું કે, ‘બાઈ, તારાં કારણો તો બતાવ! તેં મને થાપ ખવરાવી છે?’ જવાબમાં સુશીલાએ મને કહ્યું કે, ‘સાચી વાત છે, મારા બ્રહ્માજી! પણ હવે તો હું તમને એક પણ કારણ આપવા બંધાયેલી નથી. હું હૈયાફૂટી નથી, એટલું જ ફક્ત તમને કહું છું. બાકી સુખલાલ પર મને વહાલ ઉત્પન્ન થવાનાં કારણો માગનાર તમે કોણ? બસ, કશા કારણ વગર શું હું કોઈને ચાહી ન શકું? આથી વધુ કાંઈ ખુલાસો મારે તમને કરવાનો નથી. બધી વાતનાં કારણો! બસ કારણો! ને એ કારણો પાછાં અમારે તમને સૌને કહેવાનાં—કેમ?’

આવો કરુણ ફેજ લઈને હું સુશીલા પાસેથી પાછો ફર્યો છું. ગરમ મિજાજ કરવાનો હવે તો એને હક છે, કેમ કે મારા હાથમાંથી વછૂટી ગઈ છે.

બીજો એકકાર: વિજયચંદ્રની પાછલાં પ્રકરણો માંહેની નવેસર બનાવટ મને પોતાને નથી ગમી, પણ ફેરફાર કરવા માટેની મથામણ નિષ્ફળ ગઈ છે; લખ્યું તે અણલખ્યું થઈ શક્યું નથી.

આ વાર્તાની લખાવટમાં રસ લેનારાં ને કાગળો લખી લખી ખૂબીઓ વખાણનારાં, પીઠ થાબડનારાં, ત્રુટિઓ તેમ જ ભયસ્થાનો બતાવનારાં નાનાં ને મોટાં, નિકટનાં ને દૂરનાં, સર્વે ભાઈબહેનોને આભારભાવે વંદન કરું છું. તેમની સૌની કલ્પનાને હું પૂરો ન્યાય આપી શક્યો છું કે કેમ એ વિચારે ધ્રુજારી પણ અનુભવું છું. પણ તેમાંના જેમને જેમને આ વારતા ‘સમોરતં શુભ લગ્નં આરોગ્યં ક્ષેમં કલ્યાણં’ કર્યા વગર અપૂર્ણ લાગે, તેમને એટલું જ યાદ આપું છું કે ‘વેવિશાળ’ની વાર્તામાં લગ્નજીવન અને કચ્ચાંબચ્ચાંની પીંજણ મારાથી કલાના કાયદા મુજબ ન જ કરી શકાય. ‘વેવિશાળ’ની વાર્તાએ વેવિશાળનો જ પ્રસ્ફોટ કરીને ચૂપ થવું ઘટે છે.

રાણપુર: ઉત્તરાયન, 1995 [સન 1939]

ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

સામાન્ય વાચકો તેમ જ વિવેચકો, બંનેએ આ વાર્તાને સરખા પ્રેમથી વધાવી લીધી છે. એ ચિત્ર ખાસ કાઠિયાવાડના સમાજ-જીવનનું હોવા છતાં—અને પાત્રોનાં મુખમાં મુકાયેલી ભાષા વગેરેની કેટલીએક ખાસિયતો તળપદી કાઠિયાવાડી છતાં—ગુજરાતીઓ સમસ્તને એમાં રસ પડ્યો છે, એ મને અનેકના પરિચયથી જાણવા મળ્યું છે. આટલા સત્કાર કરતાં લેખકને વધુ શું જોઈએ?

રાણપુર: જ્યેષ્ઠી પૂર્ણિમા, 1998 [સન 1942]

License

વેવિશાળ Copyright © by ઝવેરચંદ મેઘાણી. All Rights Reserved.