૩૬. ‘આજની ઘડી રળિયામણી’

તે જ દિવસે રાત્રીએ થોરવાડ ગામની સાંકડી બજારમાં કોઈ મણિધર નાગ ચારો કરવા નીકળ્યો હોય એવો ઝળઝળાટ થયો. તેજપુર દરબારની મોટર ચંપક શેઠને અને વિજયચંદ્રને લઈને સામા મળતા બળદોને ભડકાવતી અને ગામપાદરના મોરલા ગહેકાવતી આવી પહોંચી. ટેવાઈ ગયેલા ગામલોકોએ હાટડેથી, ઓટલેથી ને ચોરા ઉપરથી સબ દેતાકને ઊભા થઈ સલામો કરી. ચંપક શેઠે માન્યું કે આ માન પોતાને મળ્યું.

ઘરનાં તમામ માણસો ઉપર છાકો બેસારી દેવાનો જ નિશ્ચય કરીને આવેલા ચંપક શેઠ કોઈની સાથે વાતચીતનો શબ્દ પણ બોલ્યા વિના મહેમાનને લઈ મેડી ઉપર ચડી ગયા. તેમણે નીચેના ઓરડામાંથી ઉપર આવતો ઠંડા પહોરનો કાંઈક કિચૂડાટ સાંભળ્યો; એ કિચૂડાટ ઘોડિયાનો હતો. જગતના કરોડો કાનોને મધુર લાગતા આ કિચૂડાટે ચંપક શેઠના કાનમાં કાંટા ભોંક્યા. એણે તપ્ત અવાજે પોતાની સામે એક બાજુ ગરીબડા બની ઊભેલા નાના ભાઈને પૂછ્યું: “ઘરમાં ઘોડિયું કોનું ચાલે છે?”

ક્ષણ એક તો જવાબ દેવાની ઝાડી ફાટી નહીં, ખોંખારો ખાવો પડ્યો. ત્યાં તો મેડીના બાજુના ઓરડામાંથી ભાભુ બોલ્યાં: “એ તો નાની દીકરી છે મારા દીપચંદ મામાની—રૂપાવટીવાળાની.”

“એનાં વહુ ગુજરી ગયાં ને, તે છોકરાંને આંહીં લાવેલ છે,” ઘડીભર થોથરાયેલો દિયર હવે તાબડતોબ બોલી ઊઠ્યો. ભાભી ભેરે જ હતાં, પાસે જ હતાં, તેની એને ખબર નહોતી. કેમ કે એ તો અંદરના દાદરમાં થઈને ઉપર આવેલાં.

“સવારે પાછાં મોકલી દેજે,” ચંપક શેઠે સીધી નાના ભાઈને જ આજ્ઞા આપી. ઓરડાના દ્વારમાં ગોરા બેવડિયા દેહનું તેજસરોવર લહેરાવતી ઊભેલી પત્નીની સામે પણ એણે ન જોયું.

“સવારે વહેલો ઊઠજે ને બેઠક સાફ કરાવી નાખજે. પંદર જણ જમનાર છે. કહી દેજે જે રાંધનારાં હોય તેને, મીઠાઈ નથી કરવાની; મીઠાઈ સવારે આવી પહોંચશે. ફક્ત દાળ, ભાત શાક ને ફરસાણ કરવાનું છે.”

નાનાભાઈને એટલી વરધી દઈને ચંપક શેઠે સોડ તાણી લીધી. તે પછી વિજયચંદ્રે પોતાનાં કોટ અને ટોપી ઘડી પાડી સંકેલીને પોતાના ઓશીકા નીચે દબાવ્યાં, અને નાના શેઠને નરમાશથી પૂછ્યું: “અહીં સંડાસ, પાણિયારું વગેરે ક્યાં છે? ચાલો, જરા જોઈ લઉં?”

નાના શેઠ નારાજ દિલે જ્યારે વિજયચંદ્રને લઈ નીચે ઊતર્યા ત્યારે, ત્યાં ઊભેલાં ભાભુએ તરત જ નોકરને કહ્યું: “જાવ, મહેમાનને સંડાસ બતાવી આવો. અને પાણી તો ઉપર જ મૂકેલ છે.”

થનાર સસરા સાથે થોડો વાર્તાલાપ કરવાની વિજયચંદ્રની ઇચ્છા ભાભુએ આ રીતે ફળવા ન દીધી, છતાં અથાક પ્રયત્નોમાં અચલ આસ્થા ધરાવનાર વિજયચંદ્રે નીચેની પરસાળમાં ઊભા રહીને ભાભુને સંભળાવવા કહ્યું: “મકાન તો સરસ છે. કેટલી બધી સુંદર સોઈ છે! જરા મીઠું મળશે? કોગળા કરી લઉં.”

ભાભુએ જ રસોડામાંથી લાવી મૂંગે મોંએ મીઠું આપ્યું. વિજયચંદ્રે તે રાતે કોગળા કરવામાં મોંની વિશેષ ચોકસીપૂર્વક ને લંબાણથી સંભાળ લીધી.

તોયે ક્યાંય સુશીલાનો પડછાયો ન દીઠો. ફક્ત કિચૂડાટ જ સંભળાતા હતા. ઘોડિયું કે ઘોડિયાને ખેંચનાર હાથ ન જ દેખાયાં.

‘ભાવિમાં એક દિવસ આવા જ કિચૂડાટ…’ વિજયચંદ્રની કલ્પના ત્યાં જ વિરમી ગઈ. ઉપર જઈને એ નીંદરમાં પડ્યો. એ નીંદરને સવાર સુધી સ્વપ્નાં ચૂંથતાં રહ્યાં.

વહેલી પરોઢે ભાભુએ સુશીલાને જગાડી અને રસોડાનો આદર કરી દીધો. મેડી ઉપર શી વાત થઈ છે તે ભાભુએ સુશીલાને કહી નહોતી: ચુપચાપ અને ચીવટથી ભાભુ રસોઈની સજાવટ કરતાં હતાં: ‘મીઠાઈ તો ગગી, તેજપરથી આવવાની છે,’ ‘તું જો તો ખરી, ગગી, હું ભજિયાં ને ઢોકળાં કેવાં બનાવું છું!’ વગેરે ઉદ્ગારો કાઢતાં કાઢતાં ભાભુ રસોઈના સમારંભમાં જે રસ બતાવતાં હતાં, તે પરથી સુશીલા ઊંડે ઊંડે મૂંઝાવા લાગી. ‘જોઈ લેજે, વિજયચંદ્રને તારાં કરેલાં ભજિયાં વધુ ભાવતાં કે મારાં કરેલાં આજ વધુ ભાવે છે?’ એવો પણ વિનોદ ભાભુ છાંટતાં ગયાં. ભાભુએ ભત્રીજીની જે દશા રેલવેમાં કરેલી તે આ પરોઢિયે ફરી વાર કરી. ઓછામાં પૂરું, આડે દિવસે કદાપિ ન ગાનાર ભાભુ અત્યારે તો ઊઠતાં ને બેસતાં, લેતાં ને મેલતાં, ‘મારો વા’લો આવ્યાની વધામણી રે, આજની ઘડી રળિયામણી’ જેવાં ગીતોની પંક્તિઓ ગુંજતાં હતાં. સુશીલાની શંકા આ બધું સાંભળી સાંભળી એટલી તો દુષ્ટ બની કે તેણે રાતમાં ભાભુ મેડી ઉપર બાપુજી પાસે ગયાં હશે કે નહીં તેની ચોકસી માટે ભાભુને સીધા—આડકતરા કેટલાક પ્રશ્ન પૂછી જોયા, પણ ભાભુ પકડાયાં નહીં.

નવા પાટલા, નવાં ઢીંચણિયાં, કોકરનાં થાળીવાટકા વગેરે સામગ્રી પેટીપટારામાંથી બહાર નીકળતી ગઈ તેમ તેમ સુશીલા વધુ ગૂંગળાતી ગઈ.

મૂંઝાયેલી સુશીલા વચ્ચે વચ્ચે બાળકો પાસે જઈ આવતી હતી. ભાઈ-બહેનને સાચવતી બેઠેલી સૂરજે એક વાર એમ પણ પૂછ્યું: “કેમ મોં પડી ગયું છે, ભાભી?”

નાનો દિયર છાનોમાનો પૂછી જતો: “ભાભી, આજ બોલટાં કેમ નઠી?”

“બોલું છું ને, ભાઈ!” સુશીલા જવાબ દઈને હસવા મથતી.

“હે-હેઈ! ભાભી! ટમાલી આંઠમાં પાની-પાની-પાની ડેઠાય!” (તમારી આંખમાં પાણી દેખાય.) જો પોટી!”

પોતાનાથી રોઈ પડાશે એ બીકે સુશીલા ત્યાંથી નાઠી.

ચંપક શેઠનું એ જ વખતે નીચું ઊતરવું થયું. એ સૂરજ સામે ભ્રૂકુટિ ચડાવીને બોલ્યા: “પછવાડે જઈને બેસો.”

પોતાનાં બેઉ ભાંડરડાંને પાછલી પરસાળમાં લઈ જઈને સૂરજ લપાઈ ગઈ ને સુશીલાની રાહ જોતી રહી. સુશીલા એ બાજુ આવી એટલે સૂરજે ધીમેથી પૂછ્યું: “અમે પાડોશીને ઘેર જઈને બેસીએ, ભાભી?”

“ના, શા માટે?”

“આંહીં કોઈને કાંઈ હરકત તો નહીં ને?”

“ના રે. કેમ, કોઈએ કાંઈ કહ્યું?”

“ના, એ તો અમસ્તું.”

“નથી ગમતું?”

“ગમે કેમ નહીં? તમારી આગળ નહીં ગમે તો…”

“તો બીજું શું? તમારા ભાઈ પાસે ગમશે.”

“ભાઈ તો પછી—પે’લાં તમે.”

“એમ? તો તો જોજો હો—કોઈ વઢે કરે ને, કાંઈ થાય ને, તો પણ ગભરાશો નહીં ને? ન ગભરાવ તો તમને સાચાં માનું.”

“અમને વઢે તો તો નહીં ગભરાઈએ, પણ તમને વઢે તો ગભરાઈ જવાય.”

“મને વઢે તો પણ આજે તો મન કઠણ જ કરજો. કાલે આપણે ઘેર જશું.”

“મારા ભાઈ આવશે?”

“આવવાના તો હતા, નહીં આવે તોય આપણે જશું.”

એ બોલમાં થોડો રોષ ને થોડો વહેમ અવાજ કરતાં હતાં. કાલે બપોરે ગયેલો સુખલાલ હજુ કેમ રોકાઈ ગયો? બીને ત્યાંથી ફારગતી તો નહીં મોકલાવી દીધી હોય? આવ્યા’તા મોટે ઘોડે ચડીને ને બુકાની બાંધીને! પણ મારા સસરાજીએ એને મોળા પાડી દીધા હશે તો? તો એનો શો વાંક? વાંક—સો વાર એનો જ વાંક! ભાભુની કસોટીથી ડરી ગયા હશે?

એણે સૂરજને પૂછ્યું: “તમારા ભાઈ કોઈથી બીવે કે નહીં?”

“ઢેઢગરોળીથી બહુ બીવે—બીજા કોઈથી નહીં.”

સુશીલાનો શોકરસ હાસ્યરસમાં ફેરવાઈ ગયો. કોઈક દિવસ ખીજવવા હશે તો ઢેઢગરોળી મદદગાર થઈ પડશે, એવા ટીખળી વિચારે એ અંદર ચાલી ગઈ.

તે વખતે મોટરગાડીએ ફરી પાછા ગામપાદરના મોરલા ચમકાવ્યા, ભેંસો ભડકાવી, લોકોને સડપ દેતા ઊભા કરી સલામો ભરાવી ને ફકફકતા પેટ્રોલને ધુમાડે નાનકડું ગામ ગંધવી નાખ્યું.

સાતેક શેઠિયા મહેમાનો ખડકીમાં આવ્યાં. એમાંના એકનો સાદ સારી પેઠે નરવો હતો. એણે ચંપક શેઠનું મકાન ગજવી મૂક્યું.

તેજપુર શાખાના મહેતાજી મીઠાઈના કરંડિયા ઉતરાવી અંદર આવ્યા. રસોડે પહોંચીને ભાભુની પાસે વધામણી ખાધી: “ખરું ડા’પણનું કામ કર્યું છે, હો ઘેલીબેન! બદલ્યા વગર છૂટકો જ નો’તો. રસ્તે દીપાશેઠનેય શેઠિયા મળતા આવ્યા. એણેય, બસ, એ જ કહ્યું કે, દીકરીનું મન હોય તેમ જ કરી આપે નાત; મારે કન્યાની મરજી વિરુદ્ધ કશોય દાવો કરવો નથી. સારું! સારું! ઘા ભેળો ઘસરકો ને વેશવાળ ભેળા વિવા: પતાવી જ નાખો, બેનને કહું કે.”

“ભેળાભેળું જ ઉકેલી દેવું છે ને, ભાઈ! આજ જ પતાવી લેવું છે. બધી જ સરખાઈ થઈ ગઈ છે આજ તો!”

એમ બોલતે બોલતે ભાભુ સુશીલાને વધુ ને વધુ ફફડાવતાં ગયાં. મીઠાઈના કરંડિયા ખોલીને એણે અક્કેક બટકું ચાખવા માંડ્યું. એના બચકારા સુશીલાને બરછીના ઘા સમા લાગ્યા. એ રસોઈની ધમાલ કરતી કરતી છણકાતી હોવાનો ભાભુને ભાસ આવ્યો. દાળમાં કડછી હલાવતી હલાવતી સુશીલા ખીજે બળતી કડછી પછાડતી હતી. ભજિયાંના લોટનો ડબો લેતાં એણે લોટ ઢોળ્યો પણ ખરો.

“આ લે તો, ગગી! આંહીં આવ તો!” ભાભુએ મીઠાઈ ખાતાં ખાતાં સુશીલાને બોલાવી.

“આંહીં ચૂલો બળે છે. શું કામ છે?”

“આ ચાખ તો ખરી! આનો સ્વાદ તો જો, ગગી!” ભાભુના એ શબ્દો ભરપૂર ગલોફામાંથી માંડ માંડ નીકળીને સુશીલાના કાને કાનખજૂરા જેવા અફળાતા હતા.

“પછી વાત.”

એવું કહેતી સુશીલાનું ધ્યાન ચૂલા બાજુ હતું. તે વખતે પાછળથી જઈને એના મોંમાં એક મોટું બટકું હડસેલી દીધું ને ‘નહીં—પણ નહીં’ એવું કહેતી સુશીલાને કહ્યું: “ન ખાઈ જા તો તને વિજયચંદ્રના સોગંદ!”

“આ લ્યો ત્યારે,” એમ કહેતાંની સાથે જ સુશીલાએ બટકું મોંમાંથી ચૂલાની આગોણની રાખમાં થૂંકી નાખ્યું, ને એણે ભાભુની સામે તે વખતે જે ડોળા તાણ્યા તેથી તો ‘માડી રે…મારી નાખ્યા રે… ભવાની મા, કાળકા રે લોલ!’ એવું ગાતાં ગાતાં ભાભુ તાળોટા પાડીને ગીત સાથે તાલ દેતાં રસોડા બહાર ચાલ્યાં આવ્યાં, ને ફરી વાર મીઠાઈ બટકાવતાં બરાબર સુશીલાની સામે બેઠાં. જાણીબૂજીને ઠાંસોઠાંસ ભરેલાં એનાં ગલોફામાં એક ગામઠી ગીતના બોલ ગૂંગળાતા હતા કે—

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો,
    કે પાંદડું પરદેશી.
એનો પરણ્યો આણે આવ્યો,
    કે પાંદડું પરદેશી.
એણે સોટા સાત સબોડ્યા,
    કે પાંદડું પરદેશી.
તો ઝટપટ ગાડે બેઠી,
    કે પાંદડુ પરદેશી.

“જુવાન માણસના પેટની ખબર પણ શી પડે!” ભાભુએ સુશીલાની પ્રકોપપૂર્ણ ચુપકીદીને ભેદવા માટે બોલવા માંડ્યું: “રાતની રાતમાં તો વિચાર ફરીયે ગયા!”

“કોના ફરી ગયા?” કરતી સુશીલા ઊઠીને ઓરડામાં આવી: “તમારા કે મારા? મને એક ઔંસ આયોડિન લાવી દ્યો ને, એટલે પીને સૂઈ જાઉં!”

“આંહીં કાંઈ આયોડિન ન મળે, બાઈ મોટી!” ભાભુએ ટાઢે કોઠે કહ્યે રાખ્યું: “આંહીં ગામડામાં તો અરધો તોલો કે પાવલીભાર અફીણથી જ રસ્તો નીકળે.”

“તો એ લાવી દ્યો.”

“મંગાવ્યું છે,” જરાક થંભીને ધીમે સ્વરે—“રૂપાવટીથી”—પાછું થોડી વારે—“નાલાયક! આવે જ શેનો? રફુચક જ થઈ ગિયો! છાતી કોની લાવે—મારા બાપની?”

“કાં ભાભી, કેટલી વાર છે જમવાને?” એમ પૂછતા નાના શેઠ અંદર પ્રવેશ્યા.

“બસ, ભાઈ, ભજિયાં તળવા બેસું એટલી જ વાર. લ્યો લ્યો, મીઠાઈ તો ચાખો!”

“મીઠાઈ! —ભાભી, ક્યા સ્વાદે? અત્યારે મીઠાઈ ઝેર જેવી લાગે છે. મેડી ઉપર મારા મોટા ભાઈએ તો મહાજનના શેઠિયાઓ પાસે અણછાજતી પારાયણ માંડી છે. મને તો ભાભી, ગાજરમૂળા જેવો કરી આખી વાતમાંથી કાઢી નાખ્યો છે. હું તો હવે સહી શકીશ નહીં, ભાભી! હું પાદર આંટો દઈ આવ્યો. બેય જણા આવી ગયા છે ગાડું લઈને.”

“અરેરે, બચાડા જીવ!” ભાભુના મોંમાં મીઠાઈનું બીજું બટકું ઓરાયું, “અબઘડી જ હું તો એને ફિટકાર દેતી’તી. એ તો આવી ગયા, પણ આ તમારી લાડકી તો જુઓ!”

“કાં?”

“રાતોરાત કોણ જાણે કેમ મત ફેરવી બેઠી છે!”

“મેં ક્યારે કહ્યું? મને શા સારુ સંતાપો છો? મારા ટુકડા કરી નાખશો તોયે હું મત બદલવાની નથી. કહો તો હું ચાલી નીકળું.” સુશીલા બોલી.

“મત ન બદલ્યો હોય તો લે, આ બટકું ખાઈ જા.”

“ચૂલામાં જાય બટકું! ભાભુ, ચક્રમ કેમ બન્યાં છો?”

“ચક્રમ કે ફક્રમ. મત ન બદલ્યો હોય તો ખાવું જ પડશે આ. ને જો મોંમાંથી કાઢયું છે ને તો જાણીશ કે મત કાચો છે.”

એમ બોલીને ઊભાં થઈ ભાભુએ સુશીલાના મોંમાં બટકું હડસેલી ફૂલેલ ગલોફા પર એક ચૂમી લીધી; માથે હાથ ફેરવીને કહ્યું:

“મારી લાડકી! ભાભુને હજુય ન ઓળખ્યાં? હા-હા-હા-હા સાચું છે, આજ હું ચક્રમ બની છું.”

આજની ઘડી રળિયામણી,
    મારો વાલો આવ્યાની વધામણી રે
        આજની ઘડી.

License

વેવિશાળ Copyright © by ઝવેરચંદ મેઘાણી. All Rights Reserved.