અર્પણ

અર્પણ

મોતીભાઈ અમીનને
[1873-1939]

શિક્ષક તરીકે એમણે વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો રંગ લગાડયો અને ચરોતર વિસ્તારનાં ગામોમાં પુસ્તકાલયો સ્થાપવાનું કામ આપમેળે ઉપાડી લીધું. તે જાણીને સયાજીરાવ ગાયકવાડે એમને પુસ્તકાલય પ્રવૃત્તિના નાયબવડા નીમી, પ્રાથમિક શાળા ધરાવતાં રાજ્યનાં બધાં ગામોમાં પુસ્તકાલય સ્થાપવાની જવાબદારી સોંપી. નિવૃત્ત થતાં સુધીમાં રાજ્યનાં આઠસો યે આઠસો ગામોમાં મોતીભાઈએ પુસ્તકાલયો સ્થાપી દીધેલાં. પુસ્તકાલયોને મદદ કરવા માટે એમણે પુસ્તકાલય સહાયક સહકારી મંડળીની સ્થાપના કરી. ગુજરાતનું પહેલું બાલમંદિર એમણે વસો ગામમાં શરૂ કરેલું, તેમાંથી પ્રેરણા લઈને ગિજુભાઈ બધેકાએ ભાવનગરનું પ્રખ્યાત દક્ષિણામૂર્તિ બાલમંદિર સ્થાપેલું.

એન્ડ્રૂ કારનેગીને
[1835-1919]

13 વરસની ઉંમરે વતન સ્કોટલેંડ છોડીને કુટુંબ સાથે અમેરિકા આવીને તાર- ઑફિસમાં મામૂલી નોકરીથી શરૂઆત કરીને આખરે કોલસાની ને લોખંડની ખાણો, લોખંડનું કારખાનું, રેલવે વગેરેની માલિક યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટીલ કોર્પોરેશનની સ્થાપના 1901માં કરી અને જીવનનાં બાકીનાં વરસો પોતાની ગંજાવર મિલકતના સદુપયોગમાં સમર્પિત કર્યાં. દેશભરમાં સેંકડો કારનેગી પુસ્તકાલયો ચાલુ કરવા ઉપરાંત વિવિધ સંસ્થાઓને સહાય તરીકે 35 કરોડ ડૉલરની સખાવત કરી.

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.