હજી છે આશ સૃષ્ટિની – બાલમુકુન્દ દવે

હજી છે આશ સૃષ્ટિની જ્યાં લગી ખીલતાં ફૂલો,
વૃક્ષે વૃક્ષે વિહંગો ને શિશુસોહ્યાં મનુકુલો….

ખીલવું પ્રતિ ફાલ્ગુને કેસૂડો નવ વીસરે,
ફોડીને રણની ભોમ ખજૂરી-વૃક્ષ નીસરે….

શરદે શરદે ચન્દ્રી અમીનો કુંભ ઠાલવે,
હજી લજ્જાવતી ઢાંકે શીલને નિજ પાલવે….

ગીરના કેસરી જેવા અલ્પસંખ્ય ભલે, છતાં
શૂર ને સંતથી સીંચી લીલી છે સૃષ્ટિની લતા.

તૂટું તૂટું થતો તોયે ગંઠાયો હજી તાર છે,
વીંટાયો સ્નેહને સૂત્રો વિશ્વનો પરિવાર છે.

બાલમુકુન્દ દવે
[‘લોકજીવન’ માસિક : 1975]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.