સ્વત્વ ન ચૂકજો-ઝવેરચંદ મેઘાણી

             કાગળ વાંચતાં વાંચતાં મને પેટ ભરીને હસવું આવ્યું છે, પણ એક તો હસવું ને બીજી હાણ. ભલા ભાઈ ! આ બધા અનુભવો તમને અકળાવી રહ્યા છે તે શું ગુજરાતને તમે નંદનવન કલ્પી હતી ? જો આવું આવું ગોતવા ને દિલ પર લેવા બેસશો તો તમારાં મૂઠી હાડકાં તે પણ વહેલાં લાકડે જશે. નવી ગુજરાત સર્જવી હશે તો બહુ ધીરજ ને સહિષ્ણુતા જોઈશે તેમ જ નહીં, પણ ખૂબ અલિપ્તતા જોઈશે. મને મુંબઈનો અનુભવ છે. તે પરથી એક ગાંઠ વળાવું ? આ બધી જ ટોળકીઓની ધમાલમાંથી ખસી જઈ એકચિત્તે અભ્યાસી બનજો, social contact [સામાજિક સંપર્ક] જરૂર પૂરતા જ રાખજો ને એક દસકા સુધી અભ્યાસનિષ્ઠા ટકાવી રાખી એવી તૈયારી કરજો કે ગુજરાત તમારી પાસે માગતી આવે. તમારા યૌવનકાળનો ધ્વંસ મુંબઈના આ ચેનચાળાથી ન કરાવી બેસતા. તમે scholar [અભ્યાસી] છો, અભ્યાસનિષ્ઠ પ્રકૃતિના છો. એ પ્રકૃતિને હણાવા દેશો નહીં. મુંબઈમાં તો પ્રસિદ્ધિ ને મહત્તા પામશો તો ય તમે મરી રહેશો ને ઉપેક્ષા પામશો તો દંશીલા બનશો. માટે મુંબઈની છાતી પર રહીને પણ સ્વત્વ ન ચૂકજો, ભાઈ ! મુંબઈ-અમદાવાદ તો અત્યારે સાહિત્યદૃષ્ટિએ ભયંકર બનેલ છે. વધુ શું લખું ?

ઝવેરચંદ મેઘાણી
[ઉપરના પત્રના જવાબમાં : 1939]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.