સાહસોનો સ્વપ્નદ્રષ્ટા – જ્યોર્જ કેન્ટ (અનુ. મહેન્દ્ર મેઘાણી)

               19મી સદીના નવમા દાયકાને એક દિવસે ભરાવદાર રાતાં થોભિયાંવાળો એક આદમી ફ્રાંસના શિક્ષણપ્રધાનની મુલાકાતે ગયેલો. તેના નામના કાર્ડ સામે જોતાં જ શિક્ષણકચેરીના સ્વાગતમંત્રીનું વદન પ્રકાશી ઊઠયું. “વર્ન સાહેબ,” એક ખુરશી ધરતાં એ બોલ્યો : “કૃપા કરીને જરા વાર બેસશો ? તમે આટલી બધી મુસાફરીઓ કરો છો, તે થાકેલા હશો !”
               હા, લેખક જુલે વર્નને તો થાક લાગ્યો જ હોય. અનેક વાર એમણે પૃથ્વીની પ્રદક્ષિણા કરેલી હતી – એક વાર તો 80 દિવસમાં. મહાસાગરના પેટાળમાં એમણે 60,000 માઈલની સફર ખેડી હતી, ચંદ્રલોકની યાત્રા કરી હતી, ધરતીના પેટાળમાં પ્રવાસ કરેલો હતો. ખંડેખંડના આદિવાસીઓ સાથે એમણે વાતો કરેલી હતી. લેખક જુલે વર્ન જ્યાં ન પહોંચ્યા હોય તેવો પૃથ્વીની ભૂગોળનો ભાગ્યે જ કોઈ પ્રદેશ હશે.
               પણ માનવી જુલે વર્ન તો બેઠાડુ ઘરકૂકડી જેવા હતા. એમને કોઈ વાતનો થાક લાગ્યો હોય તો તે લખવાનો. આમિયેં ગામના એમના ઘરના ઉપલા મજલાની એક નાની ઓરડીમાં બેઠાં બેઠાં 40-40 વર્ષો સુધી એમણે વરસનાં બેને હિસાબે પુસ્તકો લખ્યે જ રાખ્યાં હતાં.
               વર્ન એક સ્વપ્નદ્રષ્ટા હતા એટલું જ નહિ, આવતી કાલની આલમની રૂપરેખાના એક મહાન આલેખક હતા. હજી તો રેડિયોની પણ શોધ નહોતી થઈ ત્યાં તેમની કલમે ટેલિવિઝનને કામ કરતું આલેખી નાખ્યું હતું – એનું નામ એમણે ‘ફોનો-ટેલિફોટો’ પાડેલું. વિમાનના શોધક રાઇટ-બંધુઓ ધરતી ઉપરથી ઊંચે ચડયા તે પૂર્વે પચાસ વર્ષે લેખક વર્ન પાસે ‘હેલિકોપ્ટર’ વિમાનો તૈયાર હતાં. આપણી વીસમી સદીની કોઈક જ એવી અજાયબી હશે કે જેનાં આગમ ઓગણીસમી સદીના આ કલ્પનાશીલ માનવીએ નહીં ભાખ્યાં હોય : સબમરીનો, હવાઈ જહાજો, ગગનચૂંબી ઇમારતો, યાંત્રાક દાદરા, બખ્તરિયા ગાડીઓ. વૈજ્ઞાનિક વાર્તાઓના એ પિતામહ હતા.
               હજી તો આવતી કાલે થનારી શોધો વિશે વર્ન એટલી ચોકસાઈભરી વિગતો સાથે લખતા, કે વિજ્ઞાની મંડળોમાં તેની ઉપર ચર્ચાઓ ચાલતી અને વર્ને આપેલા આંકડાઓનો તાળો મેળવવામાં ગણિતશાસ્ત્રીઓ અઠવાડિયાંનાં અઠવાડિયાં ગાળતા.
               આગળ જતાં વર્નનાં લખાણોમાંથી પ્રેરણા પામનારા અનેક નામાંકિતોએ તેને અંજલિ આપેલી છે. ઉત્તર ધ્રુવ ઉપર વિમાનમાં ઊડીને પાછા ફરેલા એડમિરલ બર્ડે કહ્યું હતું કે જુલે વર્ન એમના ભોમિયા હતા. ઊંચે અવકાશમાં ને નીચે સાગરના પેટાળમાં હેરત પમાડે તેટલાં અંતરો સુધી પહોંચનારા ઑગસ્ટ પિકાર્ડે, વાયરલેસના શોધક મારકોનીએ અને બીજા અનેકોએ કબૂલ કર્યું છે કે એ બધાં શોધ-સાહસોનો પહેલવહેલો તણખો એમના મગજમાં મૂકનાર એક જ માનવી હતો : જુલે વર્ન.
               પોતાની કલ્પનાભોમમાંથી ફૂટેલા અનેક તરંગોને વાસ્તવિક સ્વરૂપ લેતા જોવાનું સદ્ભાગ્ય પણ જુલે વર્નને સાંપડયું હતું. એ કહેતા કે, “એક માણસ જેની કલ્પના કરી શકે તેને બીજો માણસ સાચેસાચ સરજાવી પણ શકે.”

**

               1828માં જુલે વર્નનો જન્મ થયો ત્યારે રેલગાડીના જન્મને હજી પાંચ જ વરસ વીત્યાં હતાં; એટલાંટિક મહાસાગર ખેડતી સ્ટીમરોમાં યંત્રો મુકાયાં હતાં, પણ તે ઓચિંતાં ખોટકાઈ પડે તે બીકે જૂના સઢ પણ સ્ટીમરો સાથે જ રાખતી હતી.
               પિતાના આગ્રહથી 18 વરસની ઉંમરે જુલે વર્ન પેરિસમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા. પણ એમને કવિતા અને નાટકો લખવામાં વધારે રસ હતો.
               એક સાંજે, પેરિસની એક ફેશનેબલ મિજબાનીથી કંટાળીને જુલે વર્ન ઓચિંતા ઊભા થઈ ગયા ને દાદરો ઊતરી ગયા. સીડીને નીચલે છેડે એ પહોંચ્યા ત્યારે બીજા એક સજ્જન પગથિયાં ચઢવા જતા હતા.
               ‘થ્રી મસ્કેટીઅર્સ’ના મશહૂર લેખક એલેકઝાન્ડર ડયૂમા સાથેની જુલે વર્નની દોસ્તીની ત્યાં, એ સીડીને પહેલે પગથિયે, શરૂઆત થઈ. ડયૂમા સાથેની ઓળખાણને પરિણામે નવજુવાન વર્નના જીવનમાં લેખનકાર્યનું કાયમી સ્થાન નિશ્ચિત થઈ ગયું. એ બંનેએ મળીને એક નાટક લખ્યું. પછી, ઇતિહાસ માટે ડયૂમાએ જે કાર્ય કરેલું તે પોતે ભૂગોળ માટે કરવાનું વર્ને ઠરાવ્યું.
               પિતાની મદદથી વર્ન હવે શેરબજારના એક દલાલ બન્યા. એમના સંજોગો સુધરવા માંડયા, તે છતાં પુરાણા ઘરમાં રહેવાનું ને લખવાનું એમણે ચાલુ રાખ્યું. સવારના છ વાગ્યે તો એ કામે ચડી જતા ને બાળકોના એક સામયિક માટે વિજ્ઞાન વિશેના લેખો તૈયાર કરવા માંડતા. દસેક વાગે, એટલે શેરદલાલિયા વાઘા ચડાવીને એ બજારમાં પહોંચી જતા.
               જુલે વર્નની પહેલવહેલી ચોપડી હતી ‘બલૂનમાં પાંચ અઠવાડિયાં’. પંદર પ્રકાશકોને એ મોકલાયેલી, પણ તે એમણે પરત કરી હતી. ખિજાઈને વર્ને ઘરની સગડીમાં એનો ઘા કરેલો, પણ લેખક-પત્નીએ દોડીને એ ચોપડીને ઉગારી લીધી, ને હજી એકાદ પ્રકાશકને તે મોકલી જોવાનું વચન પતિ પાસેથી મેળવ્યું. સોળમા પ્રકાશકે એને સ્વીકારી ને પ્રગટ કરી.
               જોતજોતામાં ‘બલૂનમાં પાંચ અઠવાડિયાં’એ તે જમાનામાં વધુમાં વધુ વેચાતાં પુસ્તકોની હરોળમાં પોતાનું સ્થાન લઈ લીધું. સુધરેલી દુનિયાની દરેક ભાષામાં તેનો અનુવાદ થયો. 1862માં, એ ચોપડીના ચોત્રીસ વરસના કર્તાની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસરી ગઈ હતી. ત્યારબાદ શેરબજારની વિદાય લઈને, દર વરસે બે નવલકથાઓ લખી આપવાના એક પ્રકાશક સાથેના કરાર પર વર્ને સહી કરી.
               વર્નના તે પછીના પુસ્તક ‘ધરતીના પેટાળમાં’નાં પાત્રો આઈસલેંડ ટાપુના એક જ્વાળામુખીના ડાચા વાટે પૃથ્વીના પેટમાં પ્રવેશ કરે છે, અને સેંકડો સંકટોનો સામનો કરીને ઇટલીના બીજા એક જ્વાળામુખીમાંથી વહેતા લાવા-ઝરણ સાથે બહાર નીકળે છે. પૃથ્વીના પેટાળમાં જે કાંઈ બની રહ્યું છે તે વિશેની વિજ્ઞાનની તમામ માહિતી તેમ જ કલ્પનાઓ એ કથામાં ગૂંથાયેલી હતી – ને ઉપર રોમહર્ષણ સાહસનો મસાલો ભભરાવેલો હતો. વાચકો એનાથી ધરાય જ નહિ. તે વખતે જ સુએઝની નહેરનું બાંધકામ પૂરું કરી આવેલા યશસ્વી ઇજનેર ફ„ડનાંડ દ લેસેપ્સે વર્ન ઉપર આફરીન થઈને ફ્રેંચ સરકારને હાથે ‘લીજિયન ઑફ ઑનર’નો ચંદ્રક અપાવીને એમનું સન્માન કરાવ્યું.
               વર્ન-દંપતીને ઘેર પુત્રજન્મ થયો પછી પેરિસમાંથી રહેણાંક ફેરવીને તેઓ આમિયેં ગામે જઈ વસ્યાં. લક્ષ્મીનો પ્રવાહ હવે એમના આંગણામાં વહેવા માંડયો હતો. જુલે વર્ને એ કાળની મોટામાં મોટી ગણાતી એક નૌકા ખરીદી, નવું મકાન બાંધ્યું ને તેના ઊંચા મિનારાની ટોચે કોઈ જહાજી કપ્તાનની કેબિન જેવી પોતાની ઓરડી સજાવી. નકશાઓ અને પુસ્તકોનાં થોથાંના ઘેરા વચ્ચે બેઠાં બેઠાં પોતાના જીવનનાં છેલ્લાં ચાલીસ વરસો એમણે ત્યાં વિતાવ્યાં.
               જુલે વર્નનાં તમામ સર્જનોમાં કદાચ સહુથી વધુ વિખ્યાત ‘80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’ બનેલું હશે. પેરિસના એક છાપામાં એ ચાલુ વાર્તારૂપે પ્રગટ થતું. ફોગ નામનો તેનો નાયક પોતે લગાવેલી એક શરત જીતવા માટે સમયની સાથે હોડમાં ઊતર્યો હતો. આ રસાકસીને કારણે દેશદેશાવરનાં વાચકો ફોગની સાથે એવાં ઓતપ્રોત બની ગયાં કે એ કલ્પના-વીર કેટલે પહોંચ્યો છે તે છાપામાં વાંચીને તરત જ લંડન-ન્યુયોર્કનાં અખબારોના પેરિસવાસી ખબરપત્રીઓ તે સમાચારના રેડિયો-સંદેશા પોતપોતાની કચેરીએ પહોંચાડતા.
               એ હતી 1872ની સાલ. તે પછી સત્તર વરસે ન્યુ યોર્કના એક છાપાએ નેલી બ્લી નામની ખબરપત્રી પાસે ફોગનો કાલ્પનિક વિક્રમ તોડાવેલો – એ બાઈએ 72 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવી. પાછળથી, રશિયામાં સાઇબીરિયા વીંધતી રેલવે નખાઈ તેને પ્રતાપે, ફ્રાંસના એક વતનીએ 43 દિવસમાં એ પ્રદક્ષિણા કરી બતાવેલી – અને સાઈબીરિયાની આરપાર જનારી એ રેલવેની આગાહી તો જુલે વર્ને વરસો અગાઉ કરી રાખેલી હતી જ !
               ‘સાગર તળે 60,000 માઈલ’માં વર્ને ‘નોટિલસ’ નામની જે સબમરીનનું સર્જન કરેલું તે વીજળીથી ચાલતી એટલું જ નહિ, સમુદ્રમાંથી જ વીજળી પેદા કરી શકતી – અને બે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ પછીથી એ વસ્તુ પ્રયોગરૂપે સિદ્ધ કરી બતાવી છે. અણુશક્તિ વડે ચાલતી અમેરિકન નૌકાદળની અદ્યતન સબમરીન ‘નોટિલસે’ અનંત કાળ સુધી સાગરના પેટાળમાં રહી શકવાની જે સિદ્ધિ પહેલી જ વાર હાંસલ કરી તે પણ વર્નની ‘નોટિલસ’ને પગલે ચાલીને જ.
               આર્ષદ્રષ્ટા તરીકે વર્નને વધુમાં વધુ કીર્તિ અપાવે તેવી એમની એક ચોપડી ઓછામાં ઓછી વંચાઈ છે. એનું નામ છે ‘એક અમેરિકન પત્રકારની નોંધપોથી : સન 2890.’ એ કથામાં ન્યુ યોર્કનું નામ ‘વિશ્વનગરી’ રાખેલું છે ને તે જગતનું પાટનગર બન્યું છે. 100-100 વાર પહોળા તેના રાજમાર્ગોની બેઉ બાજુએ હજાર- હજાર ફૂટ ઊંચી ઇમારતોની કિલ્લેબંધી ખડી છે. તેમાં પૃથ્વીની આબોહવા સંપૂર્ણપણે માનવીના અંકુશમાં રહે છે, અને ઉત્તર ધ્રુવનાં હિમ-વેરાનોમાં પણ ખેતી થાય છે. વર્નની એ કથાનો નાયક ‘વિધિનો છડીદાર’ નામનું છાપું ચલાવે છે, ને તેનાં આઠ કરોડ વાચકો છે. એ અખબારના ખબરપત્રીઓ જુદા જુદા ગ્રહ ઉપરથી ટેલિવિઝન વાટે સમાચાર પાઠવે છે, અને તેના ગ્રાહકો પોતાના દીવાનખાનામાં બેઠાં બેઠાં જ બ્રહ્માંડના જુદા જુદા બનાવોનાં દૃશ્યો નિહાળી શકે છે.
               આયુષ્યને અંતે વર્નના જીવનમાંથી સુખ ઓસરવા માંડયું હતું. સાહિત્ય- જગતના પંડિતો એને તુચ્છકારતા હતા. એ જમાનાના ફ્રેંચ લેખકોમાં વર્નનાં પુસ્તકો સહુથી વધુ વંચાતાં, તે છતાં ફ્રાંસની ‘સાહિત્ય-અકાદમી’માં તેમને સ્થાન મળ્યું નહોતું. મીઠી પેશાબની બીમારી એમને લાગુ પડી હતી, આંખોનું નૂર આથમવા લાગ્યું હતું, બહેરાશ વધતી જતી હતી. એમની આખરી કૃતિઓ સરમુખત્યારો અને સિતમગરોના આગમનની ભયભીતતાથી ભરેલી હતી.
               1905માં જુલે વર્નના પ્રાણ પરલોકને પ્રવાસે ઊપડી ગયા. આલમ આખી એમની મૈયતમાં મોજૂદ હતી – પેલી ‘અકાદમી’ના 40 સભ્યો, દેશદેશાવરના એલચીઓ અને સમ્રાટો તથા રાષ્ટ્રપતિઓના ખાસ પ્રતિનિધિઓ. એની કબર ઉપર પ્રશંસાનાં હજારો પુષ્પોનો જે ગંજ ખડકાયો તેમાંથી પેરિસના એક છાપાની આ અંજલિ કદાચ જુલે વર્નના હૈયાની વધુમાં વધુ સમીપ પહોંચી હશે :
               ‘વાર્તા કહેનારા દાદાજી ચાલ્યા ગયા.’

જ્યોર્જ કેન્ટ (અનુ. મહેન્દ્ર મેઘાણી)

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.