સમાજ ક્યાં બદલાયો છે ? – ભૂપત વડોદરિયા

               ઉર્દૂના મશહૂર વાર્તાકાર સહાદત હુસેન મન્ટોની એક વાર્તા છે. એ વાર્તામાં એક યુવતી ઘોડાગાડી ચલાવવાનું લાઇસન્સ લેવા સત્તાવાળાઓ પાસે જાય છે. ઘોડાગાડી ચલાવવાનું લાઇસન્સ એને મળી શકતું નથી. યુવતી ગણિકા બનવા માટેનું લાઇસન્સ માગે છે. એ લાઇસન્સ એને સહેલાઈથી મળી જાય છે ! પુરુષપ્રધાન સમાજ સ્ત્રીને ઉપભોગના સાધન સિવાય બીજું કશું ગણતો જ નથી, તે હકીકતને મન્ટોએ એ વાર્તામાં નિષ્ઠુરતાથી અને હૃદયસ્પર્શી રીતે આલેખી છે.
               એ તો વર્ષો પહેલાંની વાત. હવે દુનિયા બદલાઈ છે. નારી-મુક્તિની ચળવળ દેશેદેશમાં જાગી છે. ભારતીય સમાજ પણ બદલાઈ ગયો છે. કાયદાથી સ્ત્રીને સમાનતા મળી છે. અમદાવાદમાં જમુના નામની એક યુવતીને રિક્ષા ચલાવવાનું લાઇસન્સ મળ્યું, રિક્ષા ચલાવતી જમુનાની તસવીરો અખબારોમાં પ્રગટ થઈ. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને બારેક જેટલી યુવતીઓને બસના કન્ડક્ટર તરીકે ભરતી કરવાનું સ્વીકાર્યું છે.
               ક્યાં સહાદત હુસેન મન્ટોએ પોતાની વાર્તામાં આલેખેલો સમાજ, અને ક્યાં આજનો સમાજ ? સમાજ બદલાઈ ગયો છે, નહીં ? કે નથી બદલાયો ? હજુ નથી બદલાયો. મન્ટોની વાર્તા આજ પણ સાચી છે. રિક્ષાનું લાઇસન્સ મેળવીને હર્ષવિભોર બનેલી યુવતીને રિક્ષા ચલાવવા જતાં શો અનુભવ થયો ? એ આંસુ સારતાં કહે છે કે, મારા બદલે મારો પતિ રિક્ષા હંકારે છે કેમ કે હજુ મારા માટે રિક્ષા ચલાવવાનું એટલું સરળ-સલામત બન્યું નથી. મારી રિક્ષામાં બેસવા માણસો પડાપડી કરે છે ! કહે છે કે, તમારે જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જાવ ! બધાની નજર એની કાયા ઉપર છે. નહીં કે એ અત્યંત રૂપવતી છે – માત્ર એટલા જ કારણે કે એ જુવાન સ્ત્રી છે.
               ક્યાં બદલાયો છે સમાજ ? ક્યાં બદલાયો છે પુરુષ ? પુરુષ તો હજુ એ નો એ જ છે. ટાંગાનું લાઇસન્સ માગવા છતાં નહીં મેળવી શકતી મન્ટોની એ યુવતી, અને રિક્ષાનું લાઇસન્સ મેળવી શકેલી અમદાવાદની યુવતીની સ્થિતિમાં ઝાઝો ફરક નથી.
               સવાલ એ થાય કે વાસના સિવાયની બીજી કોઈ નજરે આપણે સ્ત્રીને કેમ જોઈ નથી શકતા ? આપણી નજરમાંથી વિકૃતિ ઓગળતી જ નથી, એવું કેમ ? ‘મહાભારત’ના દુઃશાસને ભરી સભામાં દ્રૌપદીનાં ચીર ખેંચ્યાં હતાં. આપણા આજના સમાજમાં દુઃશાસનોનો રાફડો ફાટયો છે. કેટલાક ખરેખર સ્ત્રીનાં ચીર ખેંચે છે. પણ બીજા લાખો ખરેખર ચીર ખેંચતા નથી તો પણ પોતાની નજરથી સ્ત્રીનાં ચીર ખેંચે છે. તેને નિર્વસ્ત્ર કરી દે છે.
               સિનેમાઘરો, હોટેલો, જાહેર બગીચા, કચેરીઓ, વેપારી પેઢીઓ – ઠેર ઠેર અવિરતપણે આ દુઃશાસનલીલા ચાલ્યા જ કરે છે. બધાને તેની ખબર છે, અને છતાં જાણે કોઈ કાંઈ નોંધ લેતું નથી. જાણે પુરુષોએ મૌનનું એક કાવતરું રચ્યું છે. બધાને આ જ સ્વાભાવિક લાગે છે. બધાને આ આધુનિકતાનું સ્વાભાવિક લક્ષણ લાગે છે. એક સેલ્સ ગર્લ, એક ટાઇપિસ્ટ, એક કારકુન સ્ત્રીને રોકનાર માનવીની ટાંપ એના દેહ ઉપર રહે છે. એક છોકરી કચેરીમાં, દુકાનમાં, પેઢીમાં, બýકમાં જે વૈતરું કરે છે, તેની જાણે ખાસ કાંઈ કિંમત નથી. એ જાણે મફતમાં રૂપિયા લઈ જાય છે – સિવાય કે એ બીજો કોઈ ઉપહાર આપી શકે તેમ હોય તો ! ચારે તરફથી આપણે કામનો એક કૃત્રામ આતશ ઊભો કર્યો છે – સસ્તી વાર્તાઓ, સિનેમા, પોસ્ટરો, કપડાંલત્તાની જાહેરખબર હોય કે પંખાની કે ફ્રીજની કે ચોકલેટ કે દવાની કે ગમે તેની જાહેરખબરમાં એક સ્ત્રી સિવાય બીજું કાંઈ આપણને સૂઝતું નથી.
               ચોતરફ દુઃશાસન-લીલા પથરાયેલી નિહાળીએ છીએ ત્યારે એવું જ લાગે છે કે આપણે નિરોગી મનના માનવીઓના સમૂહમાં ફરતા નથી, પણ ખંડિત કલેવરોના જીવતા કબ્રસ્તાનમાં ઘૂમી રહ્યા છીએ.
               આપણે એવું વસ્ત્ર-હરણ માંડયું છે કે ક્યારેક શંકા જાય છે કે આપણે સ્ત્રીને પાછી બુરખા ભેગી તો નહીં કરી દઈએ ?

ભૂપત વડોદરિયા
[‘ગુજરાત સમાચાર’ દૈનિક : 1976]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.