સંત અને શેઠ-બહાદુરશાહ પંડિત

             સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત કવિ મુક્તાનંદજી એક વાર એમના થોડા બાલશિષ્યો સાથે એક ગામના મંદિરમાં ઊતર્યા હતા. એ સંપ્રદાયના સાધુઓ એક જ વાર જમે છે. એટલે બીજા દિવસે સવારે પેલા બાળસાધુઓ ખૂબ ભૂખ્યા થઈ ગયા.

             મુક્તાનંદજી ગામમાં કોઈ ભક્તના ઘેર ગયેલા, એટલે બાળસાધુઓની ભૂખ ભડકી ઊઠી હતી. એમણે તો રસોડામાં જઈ, આગલા દિવસના બનાવેલા બાજરીના રોટલા શોધી લાવી ખાવા માંડયા. પણ બિચારા બાળસાધુઓ ખાવાનું શરૂ કરવા જાય છે ત્યાં મુક્તાનંદજી આવી પહોંચ્યા. ગુરુને જોતાં શિષ્યો ગભરાઈ ગયા અને એમના હાથમાંથી રોટલા પડી ગયા.

             મુક્તાનંદજી પરિસ્થિતિ પામી ગયા. પોતે જાણે કશું જોયું જ નથી એમ સીધા રસોડામાં પહોંચી ગયા અને મોટેથી શિષ્યોને બોલાવ્યા : “અરે બાળસંતો, જુઓ, તપાસ કરોને કંઈ ખાવાનું હોય તો ! આજે તો મને કકડીને ભૂખ લાગી છે.” અને વરસોનું એકટાણાનું વ્રત તોડીને પણ મુક્તાનંદજીએ બાળસાધુઓ સાથે રોટલા ખાધા.

**

          એક શેઠના ઘરમાં ઘણાં વર્ષોથી એક બાઈનોકર કામ કરતી હતી અને કુટુંબના સભ્ય જેવી બની ગઈ હતી. બાઈ વિશ્વાસપાત્રા અને પ્રામાણિક ગણાતી હતી. ઘરનાં સૌ એના વિશ્વાસે ઘર ખુલ્લું મૂકીને બહાર જતાં અચકાતાં નહિ. એક વાર આમ ઘરનાં બધાં બહાર ગયાં હતાં ને આ બાઈ ઘરમાં એકલી જ હતી. શેઠ એ દિવસે પેઢીએથી થોડા વહેલા ઘેર આવ્યા. પણ ઘરમાં પ્રવેશતાં શેઠે જોયું કે બાઈ એમના ખીંટીએ લટકતા જૂના કોટના ખિસ્સામાંથી પૈસા કાઢતી હતી. શેઠને થયું કે બાઈ જો પોતાને જોઈ જશે તો એને આઘાત લાગશે. પોતે પણ જેના ખોળામાં ઊછરીને મોટા થયેલા એવી બાઈને ભોંઠાં ન પડવું પડે તે માટે શેઠ બારણેથી જ પાછા ફરી ગયા – નોકર બાઈને અણસારો પણ ના આવે એટલી સિફતથી.

            પાછળથી પોતાના મિત્રાને આ વાત કરતાં શેઠે કહેલું : “કેટલી મોટી લાચારી આવી પડી હશે ત્યારે એવી પ્રામાણિક બાઈને ચોરી કરવાની દાનત થઈ હશે ! એની એક એવી નાની સરખી ભૂલ માટે એના આખા જીવન પર કંઈ ડાઘ પડવા દેવાય ?”

બહાદુરશાહ પંડિત
[‘કુમાર’ માસિક : 1977]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.