શરદનું સોનું-જયન્ત પાઠક

આ સીમ ભરીને સોનું રે કોઈ સોનું લ્યો !
ઝગમગતું ઝાકળભીનું રે કોઈ સોનું લ્યો !

આ કિરણકણસલે ડોલે રે કોઈ સોનું લ્યો !
પીળચટી હવાને ઝોલે રે કોઈ સોનું લ્યો !

સારસ ટહુકામાં તરતું રે કોઈ સોનું લ્યો !
શેઢામાં હરતું ફરતું રે કોઈ સોનું લ્યો !

આ ભારે બાંધી લગડી રે કોઈ સોનું લ્યો !
આ જાય થોરથી દદડી રે કોઈ સોનું લ્યો !

આ ગયું ગામમાં ગાડે રે કોઈ સોનું લ્યો !
ઠલવાયું વાડે વાડે રે કોઈ સોનું લ્યો !

જયન્ત પાઠક

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.