વળતા આજ્યો હો !

માધવ, વળતા આજ્યો હો !
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !

રાજમુગુટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમુના કાંઠે વેણુ વાજ્યો હો !

અમને રૂપ હૃદય એક વસિયું, ગમાર ક્યો તો સહેશું,
માખણ ચોરી નાચણ પગલે નેણ લગાજ્યો હો !

રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે,
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો ?

મકરન્દ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.