રવીન્દ્રનાથ ઠાકુર-મકરન્દ દવે

વજન કરે તે હારે રે મનવા !
ભજન કરે તે જીતે.

તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે ?
રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે;
સ્હેલીશ તું સાગરમોજે કે
પડયો રહીશ પછીતે ?
રે મનવા, ભજન કરે તે જીતે.

આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં.
નવલખ તારા નીચે બેઠો,
કયા ત્રાજવડે તરવા ?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.
મકરન્દ દવે
**
The dust receives insult,
and in return
offers her flowers.
માટી અપમાન પામે છે,
અને તેનો બદલે વાળે છે
ફૂલો વડે.
રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. નગીનદાસ પારેખ)

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.