મોંઘવારીનાં મૂળિયાં – ભગવતીકુમાર શર્મા

               વિનોદ ભટ્ટે લખ્યું છે કે તેમના માતામહ પંદર રૂપિયાના પેન્શનમાં છ જણાંના આખા કુટુંબનો જીવનનિર્વાહ કરી શકતા હતા. હા, જૂના જમાનામાં સોંઘવારી એટલી હતી કે ઘરનો મોભી પંદર રૂપિયામાં બહોળા કુટુંબનું ગુજરાન ચલાવી શકતો હતો. સાથોસાથ ત્યારના લોકોમાં ત્રોવડ પણ એવી હતી કે સાવ નજીવી આવકમાં પણ કુટુંબનો નિર્વાહ કરી શકતા હતા. તેના મૂળમાં સાદગી, કરકસર, ઓછામાં ઓછી જરૂરતો, કશા પણ વગર ચલાવી લેવાની તત્પરતા – આ બધું હતું.
               આજે દારૂણ મોંઘવારી છે અને વળી આ પ્રકારની જીવનશેલીના ફુરચા ઊડી ગયા છે, એટલે મોંઘવારીનો માર આપણને બેવડો-ત્રોવડો લાગે છે. આ સ્થિતિ દૂર કરવાના, તેને હળવી પણ બનાવવાના ઉપાયો કરવાનું આપણે ટાળતા રહીએ છીએ.
               મોંઘવારીનો સામનો કરવા માટે, ભાવો ઘટે એ માટે, પ્રજાકીય કે વૈયક્તિક સ્તરે આપણે કયું પગલું ભર્યું ? શું આપણે આપણી જરૂરતો જરાય ઘટાડી ? પેટ્રોલના ભાવ વધે છે તેની બૂમો આપણે પાડીએ છીએ. પણ પેટ્રોલ-પંપો પરની કતારોમાં કાપ મુકાયો ? કોઈ જુવાને સ્કૂટરનાં ચક્કરો ઓછાં કર્યાં ?
               સાદાઈ, કરકસર, શક્ય હોય તેના વગર ચલાવી લેવાની ત્રોવડ – આ બધાં આપણી અગાઉની જીવનપદ્ધતિના પાયાને આપણે ઊંચા જીવનધોરણના છાકમાં આવીને વિસારે પાડયા. તેની સજા સનાતન મોંઘવારીની જનમટીપના રૂપમાં આપણે ભોગવી રહ્યા છીએ.
               મૂળ વાત એ છે કે ત્યાગ, તપશ્ચર્યા, સાધના, પરિશ્રમ – આ બધા જીવનધર્મી ગુણો આપણે ઝડપભેર ગુમાવતા જઈએ છીએ.

ભગવતીકુમાર શર્મા
[‘ગુજરાતમિત્ર’ દૈનિક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.