માલમી બેઠો રે

હરમત હારો મા, હૈયાદૂબળા !
માથે કાં રાખો મલકનો ભાર ?
માલમી બેઠો રે હાથ સુકાન લઈ,
બેડી તારી કરી દેશે પાર.

વાયરા ચડે જો વસમા ચૌદિશે,
એમાં વીરા, તારો તે શું વાંક ?
મોજાંનો તું ખેલ જોને મોજથી,
રોઈ રોઈ થાવું શેણે રાંક ?
ભલેને ઝળૂંબે રાતબિહામણી,
ધન ધન ઢળે છો અંધાર;
માલમી બેઠો છે હાથ સુકાન લઈ,
બેડી તારી કરી દેશે પાર.

“મારા મારા” કહી જેને વળગતો,
ભેરુ તારા મૂઆ ક્યાં આ વેળ ?
તારાં તે રખવાળાં કરશે આ સમે
એવું એક નામું તો ઉખેળ !
વંટોળિયા ફૂંકાશે, છાતી ફાટશે,
હાય જાણે જળબંબાકાર !
માલમી બેઠો રે હાથ સુકાન લઈ,
બેડી તારી કરી દેશે પાર.

મકરન્દ દવે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.