મારે જાણવું છે-ઝીણાભાઈ દેસાઈ

દુનિયા આખીમાં મારે છે
ઘણું ઘણું જોવાનું,
અહીંયાં બેસી રે’તાં મારે
શું શું નહિ ખોવાનું !
ધરતીનો છેડો છે ક્યાં ને
સૂરજ આવે ક્યાંથી ?
કોયલ કાળી, પોપટ લીલો,
બગલો ધોળો શાથી ?
શિયાળે ઠંડી છે શાને ?
ગરમી કેમ ઉનાળે ?
ચોમાસામાં ગાજવીજ શેં ?
તણખો શાથી બાળે ?
આવું આવું ઘણુંક મારે
ભણવાનું હજી બાકી,
લીલી કેરી પીળી પડતાં
કેમ મનાતી પાકી ?
ચાર પગે કેમ પશુઓ ચાલે ?
પંખીને કેમ પાંખો ?
આવી દુનિયા જોવા મુજને
દીધી કોણે આંખો ?
ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’
**
             આ પણ પસાર થઈ જશે…
           અનુકૂળતામાં, સુખમાં જ્યારે છકી જવાય અને પ્રતિકૂળતામાં, દુખમાં જ્યારે ગભરાઈ જવાય ત્યારે સમતુલા અને સમભાવ જાળવવા એમ વિચારજો કે આ પણ પસાર થઈ જશે.
            સર્વ સ્થિતિમાં, સુખમાં કે દુખમાં, ધનિક અવસ્થામાં કે નિર્ધન અવસ્થામાં, રોગી સ્થિતિમાં કે નિરોગી સ્થિતિમાં, પ્રશંસા પામતા હો ત્યારે કે તિરસ્કૃત થતા હો ત્યારે, લાભ થતો હોય ત્યારે કે ખોટ જતી હોય ત્યારે આ એક જ સૂત્રા પર દૃષ્ટિ રાખજો કે, આ પણ પસાર થઈ જશે.
[‘ઝરૂખે દીવા’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.