મધર ટેરેસા-લલિતકુમાર બક્ષી

          એક વ્યાપારી બંધુનો લંડનમાં દાક્તરી અભ્યાસ કરતો એકનો એક જુવાન પુત્ર મોટર અકસ્માતમાં અવસાન પામ્યો. ઘટના દુઃખદ હતી. પાછળથી સદ્ગતની ચાળીસ હજાર જેટલી વીમાની રકમ આવી. શોકસંતપ્ત પરિવારે સમસ્ત રકમ માનવ-સેવાર્થે કામ કરતી નાનીમોટી સંસ્થાઓ વચ્ચે વહેંચી દેવાનો પ્રશસ્ત નિર્ણય લીધો. કોઈએ એમને મારું નામ સૂચવ્યું. વ્યાપારી બંધુ મારી પાસે આવ્યા. એમની દૃષ્ટિ ધર્મનિરપેક્ષ હતી. એમને એવી કેટલીક સંસ્થાઓ કે વ્યક્તિઓનાં નામ જોઈતાં હતાં, જેમને માનવ- સેવાર્થે ઉચિત રકમ નિશ્ચિત મને આપી શકાય. સર્વપ્રથમ નામ મધર ટેરેસાનું યાદ આવ્યું. વ્યાપારી બંધુ વિશેષ પરિચિત નહોતા. મેં એમને ધાપામાં (કલકત્તાથી સાઠેક માઈલ દૂર) રક્તપિતિયાઓ માટે સ્થપાયેલી કોલોનીની વાત કરી; મહાનગરની ફૂટપાથો પરથી નઃસહાય રોગી સ્ત્રી-પુરુષોને ઊંચકી ‘નિર્મલ હૃદય’માં સિસ્ટર્સ ઑફ ચેરિટી દ્વારા શુશ્રૂષાની વાત કરી; ત્યક્ત અને અપંગ બાળકો માટે ‘નિર્મલ શિશુભવન’ હતું તેનો અને કોમી રમખાણો દરમિયાન કલકત્તાની સડકો પરથી ટેરેસાના માણસોએ એકઠી કરીને અંતિમ સંસ્કાર આપેલી લાશોનો ઉલ્લેખ કર્યો.

         મધર ટેરેસાને મળવાની એમણે ઇચ્છા દર્શાવી. મેં પત્ર લખ્યો. લંડન ખાતે અવસાન પામેલા યુવકની વાત લખી. ચારેક દિવસ પછી વળતો ઉત્તર મળ્યો. મધર ટેરેસાએ પોતાની હાર્દિક સંવેદનાઓ પાઠવી હતી; મૃતાત્મા માટે પોતે પ્રાર્થના કરશે એવી ખાતરી આપી હતી, અને મુલાકાત માટે બે દિવસ પછી બપોરનો સમય આપ્યો હતો. અમારા આવવાની મધર ટેરેસા રાહ જોશે.

              કલકત્તાની બપોર અકળાવનારી તો હોય જ. ઉનાળાની બપોર સૂનકારભરી પણ હોય. પૂર્વાંચલમાં બધે જ મધ્યાહ્ન પછી એકથી ત્રણ સુધી બજારો-દુકાનો બંધ રહે છે સડકો સૂની પડી જાય. કલકત્તાની ખખળડખળ ટ્રામ પણ કંજૂસના ધનની જેમ રડીખડી દેખા દે. અમારે ઇન્ટાલી વિસ્તારમાં જવાનું હતું. ગરીબ વસતિવાળો ઇલાકો છે – બંગાળની પ્રચલિત બાનીમાં એને ‘બસ્તી’ કહે. ‘બસ્તી’માં પછાત, ગરીબ, અશિક્ષિત, ઝગડાળુ લોકો મળે. શીળીના ડાઘ જેવી અગણિત ‘બસ્તી’ઓ કલકત્તામાં છે. ત્યારે મધર ટેરેસાનું પ્રમુખ કાર્યાલય ઇન્ટાલીમાં હતું. આજે પણ એમના દ્વારા સ્થાપિત લગભગ બધી પ્રમુખ સંસ્થાઓનાં કાર્યાલય એવા ઈલાકાઓમાં જ છે, જ્યાંની પ્રજાને એમની સૌથી વધુ જરૂરત છે. થોડા કચવાતા (ઊજળાં કપડાં પહેરેલાં હતાં ને !), થોડા ભયભર્યા, અમે બંને ઇન્ટાલી પહોંચ્યા.

            ટ્રામ સ્ટૉપ પર ઊતર્યા. સાથે મધર ટેરેસાનું પોસ્ટકાર્ડ તો હતું જ. સરનામું હતું. પણ અહીં મકાનોના નંબર અવ્યવસ્થિત છે. આસપાસ વેરાયેલી નાની, સાંકડી, સૂની ગલીઓ. અમારે પહોંચવાનું સ્થાન મુખ્ય સડકથી થોડી અંદરની બાજુએ હતું. એક ગલીને નાકે અમને વિચિત્ર નજરે જોઈ રહેલા ચારપાંચ ‘મસ્તાન’ મળ્યા. લાપરવાહીપૂર્વક સિગારેટના ધુમાડાનાં ગૂંચળાં હવામાં ઉછાળતા હતા.

              આ ‘મસ્તાન’ શબ્દને કલકત્તાવાસી બરાબર ઓળખે છે. એમનાં જીંથરાં ખભા સુધી ઝૂલતાં જ હતાં. બેકારી એમનો પેશો છે, ગુંડાગીરી એમનો ધર્મ. ‘મસ્તાન’ ટોળી પાસે જઈને મેં મધર ટેરેસાનું પોસ્ટકાર્ડ ધર્યું. ટોળીનો ‘લીડર’ બે પળ અમને ઉપરથી નીચે જોઈ રહ્યો – ચીડિયાઘરનાં પ્રાણીઓને જોતો હોય એમ. “માધરેર કાછે જાબેન ? આસુન આમાર સંગે. માએર બાડી દેખિયે દિચ્ચી.” (મધર પાસે જવું છે ? આવો મારી સાથે, માનું મકાન તમને દેખાડી દઉં.)

               હું અવાક્. સામાન્ય રસ્તો પૂછો તો પણ ગાળ બોલ્યા વિના વાત ન કરે એવો અજડ, અસંસ્કારી છોકરો અમને સાથે ચાલીને ઘર દેખાડવા આવતો હતો, એટલું જ નહિ, એક વિદેશી યુગોસ્લાવ સ્ત્રી માટે ‘મા’ જેવો બંગાળનો સન્માનવાચક શબ્દપ્રયોગ કરતો હતો ! નિર્વિવાદ, કંઈક એવું હતું જે ‘બસ્તી’ની પ્રજાને મધર ટેરેસા પાસેથી મળ્યું હતું, જેને કારણે મધર પ્રતિ ભક્તિભાવ હતો.

              અમે જે મકાનના દરવાજા પર આવી ઊભા તેના પર એક નાનું પાટિયું લટકતું હતું. એ સિવાય બીજી કોઈ જાહેરાત નહોતી. અહીં એક સંસ્થા ચાલી રહી છે જેની પ્રવૃત્તિઓએ દેશવ્યાપી ખ્યાતિ મેળવી છે, લોકઆદર પણ, એનો ઢંઢેરો સંભળાયો નહિ. એ સીધુંસાદું, આડંબરહીન મકાન બપોરની નીંદરમાં સૂઈ રહેલું હોય એવું લાગ્યું. આંગણામાં એક વૃક્ષ હતું ને એની લીલી ડાળીઓ દીવાલની આ પારથી દેખી શકાતી હતી. દરવાજા પર દોરડું લટકતું હતું. જહાંગીર બાદશાહનો ન્યાયઘંટ વગાડતા હોઈએ એમ દોરડું ખેંચવાનું. દોરડું ખેંચો એટલે અંદર ઘંટડી રણકે. કદાચ, આવી મધ્યયુગીન વ્યવસ્થા આસપાસની પછાત અશિક્ષિત પ્રજાને સહુલિયતભરી થઈ પડે માટે કરી હશે. કદાચ તાજા જન્મેલા બાળકને કોઈ છાનાછપના પ્રહરે બંધ દરવાજા પર મૂકીને અદૃશ્ય થઈ જતી માની લજ્જા ઢાંકવા કરી હશે. મેં દોરડું ખેંચ્યું. બહુ જલદી જ બંધ બારણાં પાછળથી કોઈનાં આવતાં પગલાં સંભળાયાં.

               ‘સિસ્ટર્સ ઑફ ચેરિટી’ પહેરે છે એ બરછટ, જાડા, સફેદ કપડાની, બે બ્લુ પટ્ટીવાળી કિનારી ધરાવતી સાડી મધર ટેરેસાની સાધ્વીઓનું ઓળખચિહ્ન થઈ પડી છે. જે કમરામાં અમને ટેરેસાની એક ‘નન’ (સાધ્વી) બેસાડી ગઈ, એ ઑફિસનો કમરો હતો. મકાન જેવો જ આડંબરહીન. માત્ર આવશ્યક ખુરશીઓ, ટેબલ, દીવાલ પર લટકતા થોડા ચાર્ટ, એક ભીંત-ઘડિયાળ અને બે-પાંચ એવી બીજી પરચૂરણ વસ્તુઓ. મધર મેરી અને બાળ ઈસુનું એક રંગીન ચિત્ર અને સલીબ પર શહીદ થઈ ગયેલા જીસસની નાની કરુણ મૂર્તિ

            થોડી મિનિટોના ઇંતેજાર પછી મધર ટેરેસાનો પ્રવેશ. આ યુગોસ્લાવ મહિલાનો જીવતોજાગતો ચહેરો એના ફોટોગ્રાફોમાં દેખાય છે એવો જ હૂબહૂ છે : કપાળ સુધ્ધાં ઢાંકી દેતી પેલી બે બ્લુ પટ્ટીઓવાળી સાડી, ને આંખની કિનારીઓથી શરૂ થઈને નીચે ઊતરતી, હડપચી સુધી ફેલાઈ ગયેલી અસંખ્ય કરચલીઓ. એક એક કરચલી જાણે કારુણ્યનો આલેખ બનીને આવી છે. પાતળા હોઠ, ને ઉપલા હોઠ પર કાળાશની આછી ઝાંય. બે હોઠ વચ્ચે દેખાતા છૂટા છૂટા સફેદ દાંત. પ્રથમ મુલાકાતમાં જ વિશ્વાસ જીતી લેતું નિખાલસ સ્મિત. કિંતુ, મધર ટેરેસાના ચહેરા પરનું સૌથી નોંધપાત્રા અંગ છે આંખો. આ આંખોએ આર્દ્ર થઈને આજાર, અનાથ, ત્યક્ત અને નઃસહાય સ્ત્રી-પુરુષોની વેદનાને આત્મસાત્ કરી છે.

            1948ની એક સવારે મધર ટેરેસાએ હૉસ્પિટલનાં પગથિયાં પર પડેલી એક લાચાર, રોગગ્રસ્ત સ્ત્રી જોઈ હતી. એ સ્ત્રીના હાથપગ પરનું માંસ ને ચામડી સડકની ગટરોમાં ફરતા ઉંદરો ને કોળ ચાવી ગયા હતા. મધર ટેરેસાની કરુણ આંખો હાલીચાલી ન શકતી એ સ્ત્રી પરથી ખસી ન શકી. ટેરેસાએ એ સ્ત્રીની શુશ્રૂષા કરી. સ્ત્રી બચી તો નહિ, બચાવી શકાઈ નહિ; પણ ભારતમાં વસી ગયેલી આ યુગોસ્લાવ સાધ્વીને બાકીનું જીવન દીનદુઃખીઓની સેવાર્થે ગાળી દેવાની બહુમૂલ્ય પ્રેરણા આપતી ગઈ. કદાચ, એ બદકિસ્મત સ્ત્રીના મૃત્યુનું આ સર્વોત્તમ સાર્થક પાસું છે.

           સુદૂર યુગોસ્લાવિયામાં એક નાનું ગામ સ્કોપ્યે. મધર ટેરેસાની જન્મ તારીખ 27 ઑગસ્ટ, 1910. એમણે ભારતમાં ચાળીસ કરતાં વધુ વર્ષ ગુજાર્યાં છે. આલ્બેનિયન ખેડુ મા-બાપની દીકરી. આશ્ચર્ય એ વાતનું હતું કે કલકત્તા જેટલે દૂર આવીને વસવાનું એમને કેમ સૂઝ્યું ?

              બાલિકા ટેરેસાને પ્રાથમિક શિક્ષણ ધર્મપ્રચારકો દ્વારા સંચાલિત એક શાળામાં મળ્યું. જે સંસ્થા આ સ્કૂલ ચલાવતી હતી તેણે કેટલાક જેસ્યુઈટ પાદરીઓને ધર્મપ્રચાર અર્થે છેક કલકત્તા સુધી મોકલ્યા હતા. કલકત્તાથી એમણે લખેલા પત્રો નાની ટેરેસાના વર્ગશિક્ષકે વાંચી સંભળાવ્યા. કલકત્તાનું વર્ણન હતું, કલકત્તાના લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સંબંધી વિસ્તૃત જાણકારી હતી. વિદ્યાર્થિની ટેરેસાના દિલમાં ત્યારથી જ કલકત્તા જવાની એક તીવ્ર ઇચ્છા જાગી. અઢાર વર્ષની યુવા વયે ટેરેસાએ પોતાની સાધ્વી કારકિર્દીનો આરંભ આયર્લેન્ડના ડબ્લીન શહેરની એક શાળામાં શિક્ષિકાની નોકરી સ્વીકારીને કર્યો. શાળાના સંચાલકોએ ટેરેસાને બંગાળના દાર્જિલિંગ શહેરમાં મોકલવાની વ્યવસ્થા કરી આપી. થોડો સમય દાર્જિલિંગમાં રહ્યા પછી સિસ્ટર ટેરેસા કલકત્તામાં વસી ગઈ – હંમેશ માટે.

              કલકત્તામાં પણ એમની કારકિર્દીનો આરંભ થાય છે શિક્ષિકા તરીકે. લોરેટો સ્કૂલમાં ટેરેસાએ ઘણાં વર્ષ વિદ્યાર્થિનીઓને ભૂગોળ શીખવી. પછી, એમની નિમણૂક સેન્ટ મેરીઝ હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે થઈ. એ દિવસોમાં જ પેલો નોંધપાત્રા બનાવ બન્યો. હૉસ્પિટલના પ્રાંગણમાં પડેલી રુગ્ણ સ્ત્રીની લાચાર અવસ્થા જોઈ ટેરેસાનું હૃદય દ્રવી ઊઠયું. એમણે પોપની મંજૂરી મેળવીને બે વર્ષમાં જ નઃસહાય સ્ત્રીપુરુષોની સેવાર્થે ‘ધ મિશનરીઝ ઑફ ચેરિટી’ નામે સંસ્થા સ્થાપી. સેવાકાર્ય માટે આ જૈફ સ્ત્રીમાં આશ્ચર્યજનક ધગશ છે – એક એવો ઉત્સાહ છે જેના પર વધતી જતી ઉંમરની ભાગ્યે જ કોઈ અસર પડી દેખાય છે. ફલસ્વરૂપ, ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ની શાખાઓ કલકત્તાથી વિસ્તરતી દક્ષિણ અમેરિકામાં વેનેઝુએલાના કારાકાસ, શ્રીલંકાના કોલંબો, ઇટલીના રોમ, તાન્ઝાનિયાના ટાબોરા, ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ને જોર્ડનના અમાન સુધી ફેલાઈ ચૂકી છે.

         “ભોઓબાન આચ્છેન !” (ભગવાન છે !) – મારા એક ના ઉત્તરમાં મધર ટેરેસાએ ખૂબ ભારપૂર્વક અને શ્રદ્ધાભર્યા સ્વરે કહેલું. ઈશ્વરીય શક્તિમાં પોતાની આ શ્રદ્ધાને પ્રતિપાદિત કરતાં મધર ટેરેસા હંમેશાં એ દાખલા આપે છે જે એમના જીવનમાં ખચીત બનતા રહ્યા છે. જ્યારે જ્યારે પૈસાની જરૂરત પડે છે ત્યારે ન જાણે ક્યાંથી અણધારી મદદ, અણધારી નાણાકીય ભેટ આવી જ પહોંચતી હોય છે. અને મધર ટેરેસાની સંસ્થાઓને દેશવિદેશથી, અને વિશેષે જે લોકો ખ્રિસ્તી ધર્મ નથી પાળતા એમના તરફથી, મોટી રકમો ગુપ્ત દાનમાં મળતી રહે છે.

            આજે તો હવે મધર ટેરેસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘણાં મૂલ્યવાન પારિતોષિક મળી ચૂક્યાં છે. કિંતુ ‘બસ્તી’ના ગરીબોની સેવા કરવા માટે જ્યારે મધર ટેરેસાએ સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ છોડી ત્યારે એમની પાસે માત્ર પાંચ રૂપિયા હતા ! એ મૂડી પર શરૂ થયેલું સેવાકાર્ય આજે લાખોનું અનુદાન મેળવી શકે છે. જર્મની, ડેનમાર્ક, ઇંગ્લેન્ડ અને અમેરિકાનાં બાળકોએ પોતાને મળતા ખિસ્સાખર્ચમાંથી નિયમિત રકમ બચાવીને મધરને મોકલી આપેલી. સેવાકાર્ય પાછળ લાખોનું ધન ખર્ચતી મધર ટેરેસાની સંસ્થાઓના કાર્યકરો, ‘સિસ્ટર્સ ઑફ ચેરિટી’ની સાધ્વીઓ, જે સાદાઈ અને કરકસરપૂર્વક જીવે છે એ પણ એક અનુકરણીય મિસાલ છે.

           મધર ટેરેસાની સેવા-પ્રવૃત્તિઓનો ચાર્ટ જોવા યોગ્ય છે : 70 શાળાઓ, અને એ શાળાઓમાં, 6,000 કરતાં વધુ અનાથ બાળકોને શિક્ષણ અપાય છે; 260 દવાખાનાં, જેમાંથી પ્રતિ વર્ષ દશ લાખ જેટલા દરદી મફત યા મામૂલી કીમતે દાક્તરી મદદ ને દવાદારૂ પામે છે; કોઢ અને રક્તપિત્તનાં દરદીઓ માટેનાં 58 કેન્દ્ર, જેમાં આશરે 47,000 રુગ્ણ સ્ત્રી-પુરુષોનો વસવાટ છે; 25 શિશુભવનો, જેમાં માનસિક રોગોથી પીડાતાં 1200 જેટલાં બાળકોની સારસંભાળ લેવાય છે; અને 25 એવાં કેન્દ્ર, જે પ્રતિ વર્ષ લગભગ 5,000 જેટલાં મૃતઃપ્રાય કે અસાધ્ય રોગોથી પીડાતાં ગરીબોની શુશ્રૂષા કરે છે.

 

લલિતકુમાર બક્ષી

[‘કુમાર’ માસિક : 1975]

**

           કાવ્ય નામને યોગ્ય કૃતિ માત્ર એક જ વાચનમાં સમાપ્ત થતી નથી. પ્રત્યેક પુનર્વાચને જાણે કાવ્યનાં નવાં નવાં રસરહસ્યો ઊઘડતાં જાય છે. શતદલ પદ્મની જેમ જાણે કાવ્ય વિકસતું જાય છે.

વિનોદ અધ્વર્યુ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.