મકરન્દ સાથે મુલાકાત-રવીન્દ્રનાથ ઠાકુર

             સુરેશ દલાલ : તમે જે કુટુંબમાં જન્મ્યા અને જે સમાજમાં ઊછર્યા તેનું વર્ણન કરશો ?

             મકરન્દ દવે : મારો ઉછેર સૂર, ગીતો અને ભક્તિ સાથે થયો છે. મારાં મા કીર્તનો સારાં ગાતાં. મારાં એક અંધ મામી હતાં, તેમનો કંઠ બહુ સારો. બહુ નાની વયથી એમનાં કીર્તનો, ભજનો, પદો, ધોળ વગેરે સાંભળ્યાં છે. વિદુરજીની ‘ભાજી’ હજી મને યાદ છે :

વિદુર ઘેર પ્રભુજી પરોણા,
અરે પરોણા મળ્યા પૈ થાશું.

            કૃષ્ણ આવે છે. વિદુરને ત્યાં ઊતરે છે. વિદુરજી પત્નીને કહે છે કે હું શું સ્વાગત કરું ? દુર્યોધને આજ્ઞા કરી છે કે આને કશું આપવું નહિ. વિદુરજીની પત્ની ખેતરમાં જાય છે. ભાજી વીણે છે. તેની કથા છે. પ્રભુ પરોણા થયા છે એ મોટી વાત છે.

ખોળો તે વાળીને ખેતરમાં બેઠી
વીણી તાંદળિયાની ભાજી,
અરુપરુ જુએ ને જુએ રે ઉપરાસી,
આ રે વેળાને કાજ.
આ રે વેળાને કારણિયે પ્રભુ કેમ ન ડસિયો નાગ !

            આસપાસ જુએ છે, આકાશમાં જુએ છે અને બોલે છે કે પ્રભુ, તમે પરોણા છો અને આ વેળા આવી ! અમારી આબરૂ જશે, અમે પઈના થઈ જશું. આના કરતાં નાગ કેમ ડસ્યો નહીં. આવી વ્યથા છે. આખું પદ લાંબું છે. હું સાંભળું ને મારી આંખમાં આંસુ આવી જતાં.

               મામી ‘ધ્રુવાખ્યાન’ ગાતાં. મારાં બા પણ સાથે ગાતાં. આસપાસનાં લાધીમા, પુરીમા, કહળીમા બધાં મને યાદ છે. પ્રેમાળ અને સાચાં માણસો. હૃદયનાં ચોખ્ખાં. આજે મળવાં મુશ્કેલ. એટલે ભક્તિનો રસ અને રસની ભક્તિ બન્ને મને ગળથૂથીમાંથી મળ્યાં.

           મારા બાપુજીની વાત કરું. એ સ્વામિનારાયણના અનન્ય ભક્ત. કવિતાની ઓળખ મને બાપુજીએ કરાવી. સવારમાં નહાઈને શ્લોકો ગાતા તે મારા અંતરમાં ગુંજે છે. નાની વયથી જ કવિતાનો જાણે એક વળગાડ લાગી ગયેલો.

               મારી આસપાસની વિશેષ વાત કરું. બહુ રંગીન માણસો હતા. લોકસાહિત્ય, લોકગીતોનો રંગ એમની પાસેથી લાગ્યો. એવાં એક રંગુભાભી હતાં. જાતનાં ખવાસ. એ ઢોલક બહુ સારું વગાડતાં. મારો કણબીપાનો પાડોશ. રાસ થાય, ગરબા થાય, દુહા બોલાય, ધમાલ ચાલે. મારા કાન આ બધું નાની વયથી ઝીલતા આવ્યા છે. મેં રંગુભાભી વિશે એક કાવ્ય લખ્યું છે :

આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજી બજાવે છે.

              આ ઉપરાંત સીદીનો છોકરો અલારખો, ગાંડી આરબ સ્ત્રી મેસના બૂ, અભુ રંગારો વગેરે મારી બાળદુનિયાનાં પાત્રો કવિતામાં ઝિલાઈ ગયાં છે.

              કણબી, તેલી, સુતાર, વાળંદ, રંગારા, વોરા મારા બાળગોઠિયા – આ વાતાવરણ મેં આકંઠ પીધાં કર્યું છે. મારા મન પર એ કુટુંબની, પાડોશની એવી ઊંડી છાપ પડી ગઈ છે કે મારા સૂરની સાથે, મારા શ્વાસની સાથે કવિતાની ભક્તિ વણાઈ ગઈ છે. આ વાતાવરણ – એની એક સૃષ્ટિ હતી. એ સૃષ્ટિનો સ્પર્શ થયો, એમાં ઊછર્યો, મોટો થયો.

           સુ. દ. : તમારી કઈ વયે તમારા બાપુજી ગુજરી ગયા ?
મ. દ. : ચોવીસ વર્ષની વયે. એમના અવસાનની વાત કહું. એ સ્વામિનારાયણના ભક્ત. ધર્મજીવનદાસજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, એ એમના મિત્રા. તેઓ બાપુજી પાસે આવ્યા. કહ્યું : ‘ભાઈ, બહુ બીમાર પડી ગયા છો ?’

         બાપુજી કહે : ‘ઘોડો બીમાર છે. અસવારને શું છે ?’

       બીજે દિવસે બાપુજીએ મને બોલાવ્યો. કહે : “હું અકિંચન બ્રાહ્મણ છું. મારી પાસે કશું નથી. હું તને ત્રણ વસ્તુ આપું છું : જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય. જીવની જેમ સાચવજે. ગુમાવીશ નહીં.” એમના છેલ્લા શબ્દો હતા : चिदानन्द रूपः शिवाऽहम्

           મારા ભાઈ મનુભાઈ ક્રાન્તિકારી, અખાડાવીર. ઘણા યુવાનોને તેમણે તૈયાર કર્યા છે. એના જેવો નીડર અને નઃસ્વાર્થ આદમી મેં બીજો જોયો નથી. ગોંડળના ધારાસભ્ય ગોવિંદ પટેલને નિર્વસ્ત્ર કરી લોકોનું ટોળું બાળી નાખવા જતું હતું ત્યારે મનુભાઈ અને ડૉ. ખંડેરિયાએ તેને બચાવી લીધેલા. મનુભાઈના તો એવા કેટલાયે પ્રસંગો છે. વિદ્યાર્થીકાળથી જ એ અન્યાય સામે માથું ઊંચકી ફરનારા. ગોંડળમાં યુનિવર્સિટી કમિશન આવેલું ત્યારે વિદ્યાર્થીઓની ફરિયાદો તેમણે લખીને કમિશનને આપી. કમિશનના સભ્યોએ તે યાદી જ શાળાના વડાને સુપરત કરી. કાગળિયાં ગોંડળ દરબાર ભગવતસિંહ પાસે ગયાં. ગોંડળને સુંદર અને સમૃદ્ધ કરનાર આ રાજવી એટલા જ આપખુદ ને કિન્નાખોર હતા. અમારા કુટુંબમાં ફફડાટ વ્યાપી ગયો. ભાઈને રાજા જેલમાં નાખે, ઘર હરાજ થાય કે સહુથી મોટા ભાઈની નોકરી જાય એવો ભય લાગ્યો. સગાં, સ્નેહી, હિતેચ્છુ, મનુભાઈને માફી માગી લેવાનું સમજાવવા લાગ્યા. બાપુજીએ મનુભાઈને પૂછયું : “તેં ખોટું કર્યું હોય એમ તને લાગે છે ?” મનુભાઈ કહે, “ના, બિલકુલ નહીં.” બાપુજી કહે : “ત્યારે માફી માગતો નહીં. જોઈ લેવાશે.” મનુભાઈએ માફી ન માગી. પરિણામે તેમને ગોંડળ છોડવું પડયું.

             એક સાધારણ માસ્તર. તેની કેવી શાંત હિંમત ! ‘અમારા માસ્તર’ કાવ્યમાં મેં બાપુની આ છબી મઢી લીધી છે. ન કોઈ સાધન, ન સંપત્તિ, ન સ્થાન અને છતાં જેને કશું જ ઝાંખું ન પાડી શકે એવા આત્મગૌરવ પર સદા સ્થિર.

           સુ. દ. : તમે બાપુજી વિશે એક-બે પ્રસંગ કહ્યા, તેવી રીતે મા વિશે કોઈ પ્રસંગ કહો.
મ. દ. : મા પણ બહુ ભક્તિમય. કામ કરતી વખતે તેનું ચિત્ત ભગવાનમાં હોય. અમારા કુટુંબનાં એક બહેન વર્ષોથી પોતાને પિયર દ્વારકા નહીં ગયેલાં. બાએ તેને કહ્યું : “તું તારે પિયર જઈ આવ. હું તારું ઘર સાચવીશ.” બા પોતાના ઘરનું કામ કરે. પછી એને ત્યાં જાય. છોકરાંઓને નવડાવે-ધોવડાવે, રાંધીને જમાડે. આમ બધું કામ ચાર મહિના કર્યું.

      માની લાંબી માંદગીમાં હું એમની સાથે રહ્યો. કોઈ જાતની ફરિયાદ નહીં. “હે મહારાજ, તમને ગમતું થાજો !” એ એમનું ધ્રુવવાક્ય.

         સુ. દ. : તમારી વાચનકથાનો નકશો આપશો ?
મ. દ. : અમારા વખતમાં પાઠયપુસ્તકો બહુ સારાં હતાં. આજે પણ એ ગમે. એમાંનાં કવિતા અને પાઠો બહુ રસપૂર્વક વાંચતો. ‘રામકૃષ્ણ કથામૃત’ ગમે. ‘હિમાલયનો પ્રવાસ’ જેવાં બીજાં પુસ્તકો વાંચતો. વાચનનો બહુ શોખ અને નશો. અંગ્રેજી વાંચતો થયા પછી શેલીની બહુ અસર. એ મારો પ્રિય કવિ. ‘હિસ્ટરી ઑફ ઇંગ્લિશ લિટરેચર’માંથી ચૉસરથી માંડી ટેનિસન સુધીનો ભાગ હું હાથે લખી ગયો હતો. લખીએ એટલે તંતુ જળવાઈ રહે. શેલી સૌંદર્યનો, પ્રકૃતિનો કવિ છે. હાર્ડીનાં કાવ્યો મને બહુ ગમતાં, લોકસમુદાયને જીવંત કરતા પ્રસંગો અને ભાવનાઓમાં હું રસ લેતો થયો તે હાર્ડીના વાચન પછી.

          મારા વાચનનાં ક્ષેત્રો વિવિધ છે. મને ઍન્થ્રોપૉલૉજીમાં રસ. માનસશાસ્ત્રામાં પણ રસ. રૂથ બેનેડિક્ટ, અબ્રાહમ માસ્લો, ડૉ. વિક્ટર ફ્રેન્કલ, મા„ટન બ્યૂબર, આર્નોલ્ડ ટૉયન્બી, એરિક ફ્રોમ, કાર્લ યુંગ મને પ્રિય. આ મારા આધુનિક ઋષિઓ. કોઈ મનોવિજ્ઞાન ક્ષેત્રના ઋષિ તો કોઈ ઇતિહાસના. આ ઉપરાંત જીવનપ્રસંગો વાંચવા બહુ ગમે. જેમ જેમ વધારે વાંચતો ગયો તેમ તેમ આપણા ‘માસ્ટર્સ’ જીવનસ્વામીઓ વિશે હું વધારે સમજવા લાગ્યો. વૈદિક મંત્રાદ્રષ્ટાઓ, બૌદ્ધ સિદ્ધો, નાથયોગીઓ અને નિર્ગુણસગુણ ધારાના સંતો સુધી મારી વાચનયાત્રા ચાલી આવી. આ સહુમાં ભાષાની શી શી ખૂબી છે એ હું તારવતો ગયો. આમ મારી ક્ષિતિજો વિકસી.

         ટાગોર મેં ખૂબ વાંચ્યા છે. હું રવીન્દ્ર સપ્તાહ કરતો.

        ભાવનું ઉદ્દીપન કરે તેવું વાચન બહુ કર્યું. એક મંત્રા, સ્તોત્રા, પદ કે સાખી વાંચ્યા પછી મન તેમાં ઘણી વાર ડૂબી જાય છે. એક ભાવમાં સ્થિર રહીએ, ઘૂંટીએ, ઘોળીએ ત્યારે તે આપણામાં લોહી બની જાય.
ઉર્દૂ પણ ઘણું વાંચ્યું. મિર્ઝા ગાલિબ, મીર તકી મીર વગેરે. મને એનો પરિચય [અમૃત] ‘ઘાયલે’ કરાવ્યો. મારો પ્રિય કવિ અસગર ગોંડવી. તે જિગર મુરાદાબાદી અને ફાની બદાયૂનીનો ગુરુ. રાજકોટ રહેતો ત્યારે ‘ઘાયલ’ રોજ સાંજે આવી અસગરના ગઝલસંગ્રહ ‘સરોદે જિન્દગી’માંથી વાચન કરતા.

         મનુભાઈ ‘સરોદ’, અમૃત ‘ઘાયલ’ અને મનુ પટેલની દોસ્તીએ ગઝલનાં રૂપરંગ ઉપરાંત તેના આંતરસત્ત્વનો પણ પરિચય કરાવ્યો.

       આપણાં પુરાણોને નવા અર્થમાં સમજ્યો. પુરાણોની મારા ઉપર ઊંડી છાપ પડી. પુરાણો દ્વારા જે જીવનદર્શન થયું તે ‘ગર્ભદીપ’ નામથી પુસ્તકરૂપે પ્રગટ થયું છે.

         સુ. દ. : મેઘાણી સાથેનો કોઈ પ્રસંગ કહો.
મ. દ. : એક વાત કહું. રાણપુરમાં અમે જ્યાં કામ કરતા હતા ત્યાં એક ભભૂતિયો બાવો નીકળતો. તેની કમ્મરે રંગરંગનાં દોરડાં. ચીપિયો વગાડતો ‘અહાલેક’ બોલતો ચાલતો જ હોય. એ આવતો ત્યારે કામ છોડી બાવાને જોવા હું બહાર નીકળતો ને ક્યાંય સુધી તેને જોયા કરતો. મારામાં રહેલો કોઈ બાવો જાગ્રત થતો હશે. મેઘાણીને ખબર કે આ છોકરો રોજ બપોરે ક્યાંક ગાપચી મારે છે. એક વાર આ રીતે નીકળેલો ને મેઘાણી મારી પાછળ ઊભેલા. મને કહે : “કેમ ? બાવો બહુ ગમે છે ?” ખુશ થયા. એમ ન પૂછયું કે “કામ છોડી શા માટે બહાર ગયા હતા ? કલાક કેમ બગાડયો ?” પછી બાવા ઉપર મેં કાવ્ય લખ્યું હતું તે બતાવ્યું :

આવે ભભૂતગર બાવો અલ્યા
એના ટોકરા રણઝણ વાગે,
ઓલીપાની શેરીએથી આલેક જગાવતો
આવીને ઝટ લોટ માગે.

           કાવ્ય વાંચીને કહે, “ભાઈ, આપણી કવિતામાં બાવો બરાબર ન ઊઠયો. અરે બાવો કંઈ લોટ માગવા આવે છે ? લોટ માગવાનું તો બહાનું છે. એ તો લોકોને જગાડવા આવે છે.” રાતે જાગીને કાવ્યમાં સુધારો કર્યો :

આવે ભભૂતગર બાવો અલ્યા,
એના ટોકરા રણઝણ વાગે,
ઓલીપાની શેરીએથી આલેક જગાવતો
આવે હલકતે રાગે.

            સાંભળીને મેઘાણીભાઈ કહે, “હાં ભાઈ, હવે બાવો બરાબર જાગતો ને જગાડતો આવે છે. એની હલક ક્યાંય સુધી સંભળાતી રહે છે.”

                 મેઘાણી સાથેના ઘણા પ્રસંગો છે. એમણે એક બહુ સરસ વાત કરેલી : ગુજરાતી ભાષા જાણવી હોય તો ન્હાનાલાલ અને ભવાઈ સાહિત્ય વાંચજો. ન્હાનાલાલમાં શબ્દાળુતા છે, પણ ગુજરાતી ભાષાના શબ્દોને તેમણે બાળકની જેમ રમાડયા છે.

           સુ. દ. : સ્વામી આનંદના પરિચયના પ્રસંગ કહો.

         મ. દ. : સ્વામી દાદાએ પોતાના જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ કહ્યો હતો તે કહું. સ્વામી દાદાનાં માતા અને પિતા વચ્ચે સંઘર્ષ થયેલો. પતિને છોડીને મા એકલાં શિયાણી ગામે આવતાં રહ્યાં હતાં. સ્વામી દાદા તો નાની ઉંમરે ઘરબાર છોડી જતા રહેલા. સ્વામી આનંદ બન્યા પછી તે મોટી ઉંમરે ભાવનગર આવેલા. દુર્લભજી પરીખનાં પત્ની વિજયાબહેને દાદાને પૂછયું કે આટલે આવ્યા છો તો શિયાણી નથી જવું ? દાદાએ કહ્યું કે શિયાણીનો મારગ પણ ભૂલી ગયો છું. વિજયાબહેને સાથે માણસ મોકલ્યો. સ્વામી દાદાએ શિયાણી આવી ડેલીમાં પગ મૂક્યો, ત્યાં મા બોલી ઊઠયાં : “આવ્યો, બચુ ?” મા અત્યંત વૃદ્ધ થઈ ગયેલાં. ખાટલી પર શણિયું પાથરી સૂતાં હતાં. શરીર કોચલું વળી ગયેલું, આંખો ગઈ હતી. પણ દાદાએ ડેલીમાં પગ મૂક્યો કે નાનપણના હુલામણા નામે બોલી ઊઠયાં. દાદાએ પૂછયું : “બા, મને કેવી રીતે ઓળખ્યો ?” મા કહે, “તારાં પગલાં ઉપરથી. રોજ તારી વાટ જોતી હતી. મેં સાંભળેલું કે બચુ મોટો મહાત્મા બની ગયો છે, પણ મારી આગળ એક દિવસ આવશે ખરો. હું તો તારું તીરથ ખરી ને ?”

           માના આ શબ્દો સાંભળી દાદાએ કહ્યું : “બા, તું તો ઈસુ ખ્રિસ્ત જેવી વાત કરે છે. તેણે પણ કહેલું કે, તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોમાં છે.” આ સાંભળી માએ કહ્યું : “એમાં ઈસુ નવું શું કહેતો હતો ? સાચ તો સહુને સરખું જ સૂઝે ને !”
આ વાત કહેતાં સ્વામી દાદાની આંખોમાંથી આંસુ ઊમટી પડતાં. એ કહેતા, “એ ક્ષણે મારે ત્યાં માની પાસે જ રોકાઈ રહેવું જોઈતું હતું. પણ ત્યારે તો દેશસેવાનું ભૂત માથા પર સવાર થયું હતું ! હું માને મૂકીને ચાલી નીકળ્યો.” વૃદ્ધ, અપંગ, અંધ માનાં ચરણો છોડીને ચાલ્યા જવાનો વસવસો સ્વામી દાદાના ચહેરા પર કોતરાઈ જતો. મને કહેતા : “તમે આવી ભૂલ ન કરશો.”

          સુ. દ. : ઉમાશંકરને મળવાનું થતું ?
મ. દ. : ઉમાશંકરભાઈ સાથે તો ઘણી વાર મળવાનું થયું છે અને ગોઠડી માંડી છે. એ તો બહુ મરમી માણસ, વાતચીતમાં ઝીણા ઝીણા તાર નીકળતા હોય. માત્ર ઉક્તિ જ નહીં, કૃતિ પણ વણાતી આવે. એક ઝીણી ઘટના કહું. ઉમાશંકર ગોંડળ આવેલા ત્યારે દેશળજી પરમાર માંદા હતા. અમે તબિયત જોવા ગયા. ઘરમાં દાખલ થતાં જ ઉમાશંકરને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હશે. પરમારને મળી અમે બહાર નીકળ્યા. “હમણાં આવું છું,” કહી ઉમાશંકર પાછા ઘરમાં ગયા. દેશળજીભાઈએ પાછળથી ભીની આંખે વાત કરી ત્યારે જ ઉમાશંકરે તેમને કરેલી મદદની મને ખબર પડી.

          સુ. દ. : કુન્દનિકા કાપડિયા સાથે તમે ક્યારે અને કઈ રીતે સંકળાયા ?
મ. દ. : કુન્દનિકાબહેનનું નામ તો સાંભળ્યું હતું અને ‘નવનીત’માં હું લખતો જ હતો. નામથી આમ પરિચય અને પછી…

         સુ. દ. : મને લાગે છે કે પત્રોએ ભાગ ભજવ્યો હશે.
મ. દ. : પત્રોએ ભાગ ભજવેલો. પછી નિકટ આવતાં ગયાં. અમને લાગ્યું કે સમાન વિચાર છે, સમાન દૃષ્ટિ છે, ખૂબ સંવાદિતા છે. સાથે એવી રીતે જીવન જીવી શકીશું. અને એ સાચું ઠર્યું.

          સુ. દ. : તમે કંઈ લખો તે વિશે કુન્દનિકાબહેન સાથે ચર્ચા થાય એવું ખરું ?
મ. દ. : ચોક્કસ. મારું લખાણ પહેલાં કુન્દનિકાને જ વંચાવું. એ ચર્ચા કરે, સુધારા સૂચવે. અમે ભાષામાં ફેરફાર પણ કરીએ. અંગત વાત કહું ? મેં ઘણી વાર કુન્દનિકાના શબ્દો કાવ્યમાં ગૂંથ્યા છે : ‘ગમતાંનો કરીએ ગુલાલ’ મારા શબ્દો નથી, કુન્દનિકાના છે. એવી જ રીતે કુન્દનિકાની કેટલીક વાર્તાઓ મારાં સ્વપ્નો પર રચાયેલી છે.

સુરેશ દલાલ
[‘મકરન્દ-મુદ્રા’ પુસ્તકમાં]

**
God says to man :
“I heal you, therefore I hurt;
love you, therfore punish.”
ઈશ્વર કહે છે : “હે માનવી,
હું તારા ઘા રુઝાવું છું, માટે પ્રહાર કરું છું;
તને ચાહું છું, માટે હું સજા કરું છું.”
**
Wrong cannot afford defeat,
but Right can.
ખોટાને પરાજય પોસાતો નથી,
સાચાને પોસાય છે.
**
Every child
comes with the message
that God is not yet discouraged of man.
પ્રત્યેક બાળક
એવો સંદેશો લઈને આવે છે કે
ભગવાને હજી માણસને વિશે આશા ગુમાવી નથી.
રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. નગીનદાસ પારેખ)
[‘રવીન્દ્રનાથની રત્ન-કણિકાઓ’ પુસ્તિકા : 1990]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.