પ્રીતમના ઓરડા-કેથેલિન રેઇન

મારા પ્રીતમના ઓરડા ઊંચા,
કે ઓરડા ઓહો કર્યા રે લોલ.

હરિયાળા ડુંગરા ને ગોચરમાં પાથરી
ફૂલભરી જાજમની ભાત,
સાંજલ તારાનો રૂડો દીવો બળે ને
ઓલી આસમાની છત રળિયાત.

વાયરાનાં ઊઘડતાં ચોગમ કમાડ અને
ઝરમરિયા પડદાના સૂર,
ઊંચા પહાડ તણા એકાકી થંભ અને
દરિયાઈ બેટ દૂર દૂર.

મારા પ્રીતમના ઓરડા ઊંચા,
કે ઓરડા ઓહો કર્યા રે લોલ.

કેથેલિન રેઇન (અનુ. મકરન્દ દવે)

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.