પત્નીને મશીન નથી બનાવવી

           મોહનલાલ મહેતા ‘સોપાન’ મારા પરમ મિત્રા. અઠવાડિયામાં બે-ત્રણ વાર એમને ન મળું તો મને ચેન ન પડે.
‘સોપાન’ને પોતાને ઘેર ભોજન મજલિસો રાખવાનું ખૂબ ગમે. દર રવિવારે એમને ત્યાં એક નહિ તો બીજા, થોડા મિત્રો ભોજન માટે આવ્યા જ હોય. અનેક ક્ષેત્રના એ સજ્જનો એવી એવી આનંદભરી વાતો કરે કે સમય ક્યાં ઊડી જાય તેની ખબર પણ ન પડે.

          અને પાછી ભોજનની કુશળતા તો ‘સોપાન’નાં પત્ની લાભુબહેનની જ. એવું સરસ સરસ જમાડે, અને એવા ભાવથી કે ઉદર તો સંતૃપ્ત થાય જ, પણ હૃદય પણ એટલી જ સંતૃપ્તિ પામે.

             વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. અમે બધા પછી એટલા જુવાન નહોતા રહ્યા, પણ આ ક્રમમાં કશો ફરક ન પડયો. ‘સોપાન’નો એટલો જ આનંદ અને લાભુબહેનની ભાવભરી ભોજન-સામગ્રી અમે મિત્રો માણતા રહ્યા.

             તેમાં એક દિવસ કંઈક મોડું કે એવું કંઈક થયું હશે, અને ‘સોપાન’ જરા ઉતાવળા થયા. લાભુબહેને તેનો યોગ્ય વિનયભર્યો જવાબ આપ્યો. મેં એ બધું સાંભળ્યું, પણ ન સાંભળ્યું હોય તેવો દેખાવ કર્યો.

           પછી ‘સોપાન’ જરા આઘાપાછા થયા અને લાભુબહેન મને મળ્યાં કે તરત તેમણે હસવા જેવું મોં કરીને મને કહ્યું :
“ગુલાબદાસભાઈ, તમારા મિત્રા મને હજી પચીસ વરસની જ માનતા લાગે છે !” ને એ ચાલતાં થયાં પોતાને કામે. પણ એ વાક્ય હજી મારા હૃદયમાં એવું ને એવું સચવાઈ રહ્યું છે.

          આપણે બધા આપણી પત્નીઓને સદાય એ પચીસ વર્ષની જ હોય એવી જાતના કામની અપેક્ષા એમની પાસેથી નથી રાખતા ?
હું પણ એ બધા જમાનામાં યૌવન પછી પ્રૌઢત્વ પામ્યા પછીયે મારે ઘેર ઘણાબધા મિત્રોને વારંવાર ભોજન માટે નોતરતો હતો અને મારી પત્ની હોંશે હોંશે બધાંને જમાડતી હતી. ન કરતી ફરિયાદ કે ન બતાવતી કંટાળો. ને મને કોઈ દિવસ એના વિશે તો કશો ખ્યાલ જ નહોતો આવતો.

           પણ લાભુબહેને કહેલું વાક્ય યાદ આવતાં મને થતું કે એકલા ‘સોપાન’ જ નહિ, હું પણ મારી પત્ની જાણે નિરંતર પચીસ વર્ષની જ રહી હોય એવું માનતો હતો.

          ને મન વિચારે ચઢી જતું. આપણે આપણી પત્નીઓ પાસે કેટલી મોટી અપેક્ષાઓ રાખીએ છીએ ? અને એમનો એક માત્ર, ગુનો કહેવો હોય તો ગુનો કહો, કે સાલસતા કહેવી હોય તો સાલસતા કહો, પણ એક માત્ર સ્વભાવ કદી ફરિયાદ કરવાનો હોતો નથી; એટલે આપણે આ એક બાબતમાં તેને માણસ નહિ પણ મશીન જ માનતા હોઈએ તેમ વર્તીએ છીએ. ખ્યાલ જ નથી આવતો આપણને કે એનું શરીર પણ માણસનું શરીર છે, ને એ પણ થાકતું હોય, આરામ માગતું હોય, તેને ધારી ઝડપથી કામ ન કરવા દેતું હોય !

         આવા વિચારો જોર કરતા ગયા એટલે મારા મનમાં એક નિર્ધાર થઈ ગયો કે આ બધું જોયા, સાંભળ્યા, સમજ્યા પછી મારે મારી પત્નીને આવી મશીન જેવી નથી જ બનાવી દેવી.

             એટલે એ પછી એ રીતની મોજ ખાતર નોતરેલા મહેમાનોની સંખ્યા મેં ઓછી કરી નાખી. કોઈકને ખરાબ લાગશે એ ભાવ પણ મનમાંથી કાઢી નાખ્યો, કેમ કે એ કોઈકને ખાતર, આ કોઈકને, જેને મારી પત્ની થવાનું નસીબમાં લખાયું હતું તેને, મારે હેરાન પરેશાન થવા દેવી, એ કંઈ વાંધો ન લે એથી ?

ગુલાબદાસ બ્રોકર
[‘મુંબઈ સમાચાર’ દૈનિક : 1994]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.